Saturday, December 31, 2011

Good bye 2011 and Welcome 2012 ...

કાઉન્ટ ડાઉન શરુ થઈ ચૂક્યુ છે ૨૦૧૧ ના વર્ષને વિદાય થવામાં હવે થોડા કલાકોની વાર છે. થોડી સારી અને થોડી માઠી એવી યાદો,  થોડા ઝગડા, થોડો પ્રેમ , થોડી મસ્તી અને થોડી ભક્તિ ............ એ બધાને ત્યાં જ મૂકીને નવા આનંદ અને નવી યાદો, નવા ઝગડા અને થોડો વધુ પ્રેમ ..... બધા સાથે ૨૦૧૨ને લાગણી ભીનો આવકાર ...... અને એ સાથે અંકિત ત્રિવેદીનો આ પ્રભુને પત્ર. વર્ષના છેલ્લા દિવસે મારે પણ પ્રભુ ને આ જ કહેવાનુ છે. ......

પ્રિય પ્રભુ,
અમારા ચહેરા પર ઉલ્લાસ જોવા ઈચ્છતો હોય તો આટલું કરજે જ...
કોઈપણ પ્રકારની હિંસા કરવા માગતા મનુષ્યના હ્ર્દયમાં
વૃક્ષારોપણ કરવાનુ સપનુ ઉછેરજે ...

ઘરડાં મા-બાપને દિકરો વૃધ્ધાશ્રમમા મૂકી આવે
એ પહેલાં તારી પાસે બોલાવી લે જે ...
એમની આંખોમાં
ઝાંખાપાંખા થઈ ગયેલા વર્ષોની આબરુ જાળવી લેજે ...

પ્રેમલગ્ન કર્યા પછી પણ છૂટા પડવા માગતા બે હૈયાને
પ્રેમની અદબ જાળવીને  છુટા પાડવામાં મદદ કરજે ...

વરે ઘડીએ તારી પાસે આવીને
હાથ લાંબો કરનારા માણસોને જીવનમાં
સ્વાવલંબી બનવા માટે આત્મ્વિશ્વાસ આપજે ...
મુશ્કેલીના સમયે ધરીલી ધીરજને શ્રધ્ધાનુ ફળ આપજે ...
ગમતી વ્યક્તિની જોવાતી રાહમાં શબરીની  પ્રતિક્ષા
જેટલી તીવ્રતા ન હોય એ કબૂલ,
પણ એ રાહમાં પ્રમાણિકતાની સુગંધ ઉમેરજે ...

એકબીજાને છેતરી વેતરી વિસ્તરેલા શહેરને
પોતાના 'હોવા ' વિષે શંકા થતી હોય છે ક્યારેક!
ત્યારે તું સંપની ભાષા શીખવાડવા મા મદદ કરજે ...

અમારી ભુલોને અમે નિતિ-નિયમોમાં ઢાંકી દીધી છે,
અમને બિન્દાસ્ત જિવાડવામાં મદદ કરજે ...
આટલુ કહ્યા પછી પણ
અમારે શુ કરવુ એની ખબર પણ ક્યા પડે છે?
આપેક્ષા અને મહત્વકાંક્ષા વચ્ચેના ભેદને તું
રુબરુ મળે ત્યારે સમજાશે ...


લિ.
તારા અંશનો વંશજ ...

Friday, December 30, 2011

કેટલીક અનુભવી વાતો ...

આજે કેટલીક કહેવતો અને કેટલીક અનુભવી વાતો અનુભવી માણસોના મુખે કહેવાયેલી  .....

માણસને ખરેખર સમજવો હોય તો
એ જે નથી કહેતો
અને
કદાચ જે નથી કહી શકવાનો
તે સાંભળવા મથવુ પડે  ...
- જ્હોન પોવેલ

સુખ
એક એવી ચીજ છે,
જે પરસ્પર વહેંચાવા માટે જ
સર્જાયેલી છે ...
- પીઅર કોમીલ

ચોક્ક્સ કઈ ક્ષણે
મૈત્રી રચાઈ ગઈ
તે કહેવનુ આપણા માટે
મુશ્કેલ છે
ટીપે ટીપે પાત્ર ભરાય ત્યારે
છેલ્લે એક જ ટીપુ ઉમેરાય
અને
પાત્ર છલકાઈ જાય છે
એ જ રીતે
માયાળુપણાની હારમાળામાં
છેક છેલ્લે
જે કશુક બને તેનાથી
હ્ર્દય છલકાઈ ઊઠે છે ...
- સેમ્યુઅલ જોન્સન

મિત્ર તેને કહે,
જેની આગળ તમે
હ્ર્દયમાં જે કંઈ હોય તે
ઠાલવી શકો --
દાણા અને ફુસકી, જે હોય તે બધુ જ!
તમને ખાતરી હોય
કે
કોમળ હાથો એને ચાળવાના છે
અને
જે રાખવા જેવુ હોય તે રાખી લઈને
બાકીનુ
કરુણાની ફૂંક વડે ઉડાડી મૂકવાના છે...
- અરબી કહેવત


પ્રેમ માત્ર આપતો નથી, એ ક્ષમા પણ કરે છે...
- સ્પેનિશ કહેવત

Thursday, December 29, 2011

મને કંઈક મારામાં જડતું રહે છે....

જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,
મને કંઈક મારામાં જડતું રહે છે.

છે દિલ પર અસર શેનાં આકર્ષણોની ?
નથી ઢાળ તો પણ ગબડતું રહે છે.

પડે જેમ ખુશબૂનાં પગલાં હવામાં,
કોઈ એમ મારામાં પડતું રહે છે.

રહી દૂર કોઈ રહે ઠેઠ ભીતર,
રહી પાસે કોઈ, અછડતું રહે છે.

આ મન છે કે માણેકશાની ચટાઈ ?
બને દહાડે, રાતે ઊખડતું રહે છે.

આ વાતાનુકૂલિત મકાનોની પાછળ,
જરઠ ઝાડ કંઈ-કંઈ બબડતું રહે છે.

હથેળીની ભાષા અડી ગઈ’તી ક્યારેક,
કબૂતર હજી પણ ફફડતું રહે છે.

-વિવેક મનહર ટેલર

Tuesday, December 27, 2011

આજની રાત હું ઉદાસ છું ...

રાત્રિને કહો કે આજે
એની ચમકતી ટીપકીઓવાળી ઓઢણી ઓઢે,
રસ્તાને કહો કે ધીમે ધીમે ઊઘડતા
ફૂલની પાંખડી માફક એ સામો આવે,
વૃક્ષોને કહો કે એના પર્ણોમાં
એ કોઇ અજબની રાગિણી વગાડે.
હવાને કહો કે આજની રાત એ ધીમેથી લહેરાય -

આજની રાત હું ઉદાસ છું
અને મારે સૌને પુલકિત કરે એવું ગીત રચવું છે

બ્રહમાંડમાં બજી રહેલું અલૌકિક સંગીત
મારા કાને ન અથડાય એવું કરો,
મારે તરણાંએ પહેરેલાં ઝાકળનાં
નેપૂર સાંભળવા છે;
મધદરિયે મોજાંને પહેરાવેલા વલય
મારે ઉતારી લેવા છે;
વાદળથી ધરતી સુધી લંબાતા વરસાદના તારને
બે હાથ લંબાવી માપી લેવા છે;

આજની રાત હું ઉદાસ છું
અને મારી ખોવાયેલી પ્રસન્નતા
મારે સર્વત્ર વહેંચાયેલી જોવી છે

મિલના ઊંચા ભૂંગળાને કોઇ ચંદનની
અગરબત્તીમાં પલટાવી દો,
સિમેંટ-કોંક્રિટનાં મકાનોને કોઇ સરુવનમાં
ફેરવી દો;
આંખની કીકીઓને કોઇ ચંદ્ર પર ચિટકાડી દો;
માણસોનાં ટોળાંને કોઇ સાગરની લહેરોમાં
લહેરાવી દો;

આજની રાત હું ઉદાસ છું અને
મારે ખડખડાટ હસી લેવું છે..............

– હરીન્દ્ર દવે 

તમે પ્રેમ કરવા જેવા માણસ છો? .....

મેં કર્યો એક જ સ્થળે ઊભા રહીને ઈન્તેઝાર,
એટલે તારા સુધી મારાથી પહોંચાયું નહીં.

- બરકત વિરાણી ‘બેફામ’

માણસને સૌથી મોટી ઝંખના શેની હોય છે?
પ્રેમની, લાગણીની, સ્નેહની અને આત્મીયતાની. પોતાના લોકોની લાગણી જ જિંદગીને જીવવા અને માણવા જેવી બનાવે છે. તમે કેટલા સમૃદ્ધ છો તેનું માપ તમને કેટલા લોકો પ્રેમ કરે છે તેના પરથી નીકળે છે અને તમે કેટલા સમજુ અને શાણા છો તેનું માપ તમે કેટલા લોકોને પ્રેમ કરો છો તેના ઉપરથી નીકળે છે.

પ્રેમ કરવો સહેલી વાત નથી.
પ્રેમ કરવા માટે એક હળવાશ હોવી જોઈએ. બધા માણસો પ્રેમ કરી શકતા નથી. જો તમે પ્રેમ કરી શકતા હો તો માનજો કે કુદરતે તમને વિશિષ્ટ શક્તિ આપી છે. પ્રેમ કરવા માટે માણસે પોતાનો ઈગો, ઈર્ષા, સ્વાર્થ, નફરત, નારાજગી અને બીજું ઘણું બધું ઓગાળી નાખવું પડે છે.

માણસ કાચ જેવો પારદર્શક હોવો જોઈએ, જેની આરપાર જેવા છીએ એવા દેખાઈ શકીએ. પારદર્શક બનવા માટે કાચ ઉપર જામી ગયેલા ધૂળના થરોને ધસીને દૂર કરવા પડે. તમને મળીને તમારા લોકોને મજા આવવી જોઈએ. કોઈને પાછું મળવાનું મન થાય એવી રીતે આપણે તેને મળીએ છીએ ખરાં?

દરેક માણસમાં એક વિશિષ્ટ પ્રકારનું તત્ત્વ હોય છે.
 એ તત્ત્વ કાં તો માણસને પોતાની તરફ ખેંચે છે અથવા તો દૂર ફંગોળે છે. કેટલાક લોકો લોહચુંબક જેવા હોય છે અને કેટલાક લોકો ઇલેક્ટ્રિક કરંટ જેવા હોય છે. તેને અડકો ત્યાં જ ઝાટકો લાગે. તમે વિચાર્યું છે કે તમારામાં કયું તત્ત્વ વધુ અસરદાર છે? તમારા લોકો તમારી નજીક આવે છે કે દૂર ભાગે છે? દૂર ભાગતા હોય તો માનજો કે તમારી અંદર કંઈક ખૂટી ગયું છે, તમારી અંદરથી કંઈક ખોવાઈ ગયું છે. તમારે જે બીજા પાસેથી જોઈએ છે એ તમારી પાસે છે ખરાં?

માણસ પ્રેમનો એકરાર કેવી રીતે કરે છે?
આઈ લવ યુ. હું તને પ્રેમ કરું છું. પ્રેમની આ પહેલી શરત છે કે હું તને પ્રેમ કરું છું. કોઈ એવું નથી કહેતું કે હું તને પ્રેમ કરતો નથી પણ હું ઇચ્છું છું કે તું મને પ્રેમ કરે. તમે પ્રેમ કરતા ન હો તો કોઈ તમને પ્રેમ કરતું હશે તો પણ તેનો પ્રેમ તમને સ્પર્શશે નહીં. ઘણી વખત આપણા લોકો તો આપણને પ્રેમ કરતાં હોય છે પણ આપણે જ આપણી જાતને એક કોચલામાં બંધ કરી દીધી હોય છે.

એક યુવાન સંત પાસે ગયો. તેણે સંતને કહ્યું કે કોઈ મને પ્રેમ કરતું નથી. તળાવના કાંઠે એક બાંકડા પર બેઠેલા સંતે કહ્યું કે બેસ. સંતે એક પથરો લીધો અને તળાવમાં ફેંક્યો. ડબ દઈને પથરો પાણીમાં ડૂબી ગયો અને તળિયે પહોંચી ગયો. થોડી ક્ષણો પછી સંતે એક ફૂલ લીધું અને તળાવમાં ઘા કર્યો. ફૂલ તરવા લાગ્યું. સંતે કહ્યું કે તરવા માટે ફૂલ જેવા બનવું પડે. તારે તરવું છે પણ બદલાવું નથી. તારામાંથી પથ્થરને હટાવી દે. આપણે દુનિયાને બદલવી હોય છે પણ પોતાને બદલાવું હોતું નથી. દુનિયા બદલાઈ શકે છે, શરત માત્ર એટલી હોય છે કે તેની શરૂઆત આપણાથી થવી જોઈએ.

માણસ તો પોતાને પણ પ્રેમ નથી કરતો.
 જે માણસ પોતાને પ્રેમ ન કરી શકે એ બીજાને શું પ્રેમ કરી શકવાનો? માણસ પાસે દરેક વ્યક્તિના અભિપ્રાય હોય છે, માત્ર પોતાનો અભિપ્રાય જ હોતો નથી. કોઈના પણ વિશે પૂછો તો ફટ દઈને કહી દેશે કે એ માણસ તો આવો છે, એ માણસ તો તેવો છે. ભાગ્યે જ લોકો એવું વિચારે છે કે હું કેવો છું. આપણી જાત માટે પણ આપણે બીજાના અભિપ્રાય ઉપર જ આધાર રાખતા હોઈએ છીએ. કોઈ આપણને સારા કહે તો આપણે હરખાઈ જઈએ છીએ અને કોઈ આપણને ખરાબ કહે તો નારાજ થઈ જઈએ છીએ. કેટલા લોકોને પોતાના વિશે તટસ્થ અભિપ્રાય હોય છે?

સાચું કહેજો, તમને ખબર છે કે તમે કેવા છો?
તમે જેવી તમારી જાતને સમજો છો, એવું જ તમારા લોકો તમને માને છે. તમારો અભિપ્રાય અને એમનો અભિપ્રાય જુદો છે કે સરખો? દરેક વ્યક્તિને પોતાના વિશે ઊંચો અભિપ્રાય જ હોય છે. મહત્ત્વનું એ છે કે એવો અભિપ્રાય તમારા લોકોનો હોવો જોઈએ. પોતાની જાત પ્રત્યે સાચો અભિપ્રાય બાંધવો સૌથી અઘરો છે. સાચો અભિપ્રાય જો સારો ન હોય તો તેને સુધારવો કે બદલવો તેનાથી પણ અઘરું છે.

તમે તમારી જાતને પ્રેમ કરો છો કે પછી તમે જ તમારી જાતને કોસે રાખો છો?
મારી તે કોઈ જિંદગી છે? મારા નસીબમાં જ બધી ઉપાધિઓ લખી છે, હું જ શા માટે? મારી સાથે જ આવું થાય છે! મારી કોઈને પડી નથી, બધા સ્વાર્થનાં જ સગાં છે, બધા મારી ભલમનસાઈનો ફાયદો ઉઠાવે છે, હું જ મૂરખ છું કે બધાં માટે બધું કરું છું, બધા લોકોને જરૂર હોય ત્યાં સુધી જ સંબંધ રાખે છે, કોઈને પ્રેમ કરવા જેવું નથી, આપણે જ ખેંચાયે રાખવાનું? બીજા લોકોએ કંઈ નહીં કરવાનું? આ દુનિયામાં સીધા લોકોનું કામ જ નથી, હરામી સાથે હરામી જ થવું પડે... આપણે આખી દુનિયાને ચોર, લુચ્ચી, લફંગી, સ્વાર્થી, બદમાશ, નાલાયક ચીતરી દઈએ છીએ અને પછી ધીમે ધીમે આપણે પણ એવા થઈ જઈએ છીએ. આપણે જેવા હોઈએ એવા આપણે રહેતા નથી. આપણે હંમેશાં બીજા જેવા જ થઈ જઈએ છીએ. કેટલાક લોકો એવું માને છે કે દુનિયા ભલે ગમે એવી હોય, હું તો જેવો છું એવો જ રહીશ. મારે સારા રહેવું છે, જેને જે કરવું હોય એ કરે. તમે સારા રહેશો એટલે સારા લોકો આપોઆપ તમારી તરફ ખેંચાશે. તમે જેવા હશો એવું જ તમારું વર્તુળ રચાશે. વાદળો કાળાં અથવા ધોળાં હોઈ શકે પણ મેઘધનુષ્ય રંગીન જ હોય છે. વાતાવરણ ગમે એવું હોય મેઘધનુષ્ય એના રંગ બદલતું નથી. આપણી ચામડીનો રંગ એક જ રહે છે પણ મનના રંગો છાશવારે બદલાય છે. ઘડીકમાં ખુશ થઈ જઈએ અને ઘડીકમાં ગુસ્સે થઈ જઈએ છીએ. ઘડીકમાં બધું ગમવા લાગે અને ઘડીકમાં બધું નક્કામું લાગે! આપણે બીજા રંગોમાં એટલી આસાનીથી ઓગળી જઈએ છીએ અને આપણો ઓરિજિનલ રંગ ગુમાવી બેસીએ છીએ. કેટલા લોકો તમારા રંગે રંગાય છે?

આખી દુનિયા સુંદર છે,
આખું જગત સરસ છે, આખી સૃષ્ટિની રચના તમારા માટે જ થઈ છે, કુદરતે દરેક સૌંદર્યનું નિર્માણ તમારા માટે જ કર્યું છે. આખી દુનિયાએ તમને પ્રેમ કરવો છે પણ તમારી એના માટે તૈયારી છે? બધાએ તો તમને પ્રેમ કરવો જ છે પણ તમે પ્રેમ કરવા જેવા માણસ છો? ન હો તો, બની જાવ. બધા આપોઆપ તમને ચાહવા લાગશે. દરવાજો તો ખોલો, પ્રેમ બહાર જ દરવાજો ઉઘડવાની રાહ જુએ છે! 

છેલ્લો સીન

આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો એ આપણી જાત છે.
- લાઈટોન

- Article by કૃષ્ણકાંત ઉનડકટ, from "Sandesh" news paper

Friday, December 23, 2011

સૂરજ ઈન્કમટૅકસ ભરે છે ...

સોનેરી કિરણોની મબલક મિલકત જોઈ
લોકો જોને સાચોજૂઠો વહેમ કરે છે
રોજ મઝાની સાંજ નામનો ચેક લખીને
સૂરજ એના ભાગનો ઈન્કમટૅક્સ ભરે છે.

સુરજ પાસે નથી જ કાળું નાણું, એની સાબિતીઓ કોણ જઈને લાવે
નથી નોકરી ધંધો તોય આટઆટલી મિલકત ક્યાંથી આવે
આવાં-તેવાં મ્હેણાં-ટોણે, દરિયામાં ડૂબીને સૂરજ ચોમાસામાં ખૂબ ઝરે છે

સૂરજ એના ભાગનો ઈન્કમટૅક્સ ભરે છે.

સૂરજ ગાંધીવાદી, પ્હેરે અજવાળાની ખાદી, એની રોજનીશીનું સત્ય જ કાફી
મિલક્ત કરતાં બમણો વેરો ભરે છતાંય કરવેરામાં નહીં છૂટ કે માફી
સૂરજને જો રિબેટ દેવા ધરતી, ચંદા, તારા એની આજુબાજુ ગોળ ફરે છે

સૂરજ એના ભાગનો ઈન્કમટૅક્સ ભરે છે.

સૂરજ તો શું, આખેઆખા આભની બૅલેન્સશીટ થાય છે રોજેરોજની ટૅલી,
ટૅલી થાવામાં કારણમાં અંતરનો રાજીપો, અહીંયા નથી કોઈની મુરાદ મેલીઘેલી
આભના પેલા મેહેતાજીને લઈ આવો કે અહીંના લોકો ગોટાળાને પ્રેમ કરે છે

સૂરજ એના ભાગનો ઈન્કમટૅક્સ ભરે છે.

– મુકેશ જોષી

Monday, December 19, 2011

ભીના સમયની આણ...

આપણી વચ્ચે અબાધિત કાળનાં પોલાણ છે
આપને પણ જાણ છે હા, મને પણ જાણ છે.

છિન્ન પડઘાઓ થઈને મૌનમાં ઢળતાં પ્રથમ
આપણી વાણીનુ પહાડોમાં જરી રોકાણ છે.

દૂર સાથે ચાલીને પાછો વળુ છુ એકલો
આપણી વચ્ચે ગરમ વંટૉળના મંડાણ છે.

ધૂળની ડમરી થઈ પગલાં બધા ઊડી ગયાં
આપણી વીતી ક્ષણોનું આ નવું પરિમાણ છે. 

હું સમયથી પર થવાના યત્ન પણ કરતો નથી
આપણે માથે હજી ભીના સમયની આણ છે ...

- ચિનુ મોદી



Friday, December 16, 2011

સહજ તને હું સ્મરું...

સહજ તને હું સ્મરું
મારી બધ્ધી ખુશીઓ તારી હથેળીઓમાં ધરું

સમય વહે છે જાણે ઝરણું વહેતું ખળખળખળ
રૂનો ઢગલો મને અચાનક લાગે છે વાદળ
સ્મરણોની નૌકામાં બેસી દૂર દૂર હું સરું

મારી બધ્ધી ખુશીઓ તારી હથેળીઓમાં ધરું .......

પળને રોપું તો એમાંથી ઊગે પારિજાત
પંખી મારી સામે બેસી કરે છે તારી વાત
મારું ક્યાં કંઈ ચાલે છે અહીં, સમય કહે તે કરું 

મારી બધ્ધી ખુશીઓ તારી હથેળીઓમાં ધરું ........

- હિતેન આનંદપરા

Monday, December 12, 2011

હરએક માણસ બુદ્ધ છે

એકલો છે યાને સોએ સો ટકા એ શુદ્ધ છે
આ પરિસ્થિતિમાં અહીં હરએક માણસ બુદ્ધ છે

છીનવી લીધાં પ્રથમ તેણે બધાં હથિયાર પણ
ને કહ્યું તારી હયાતિ તો સ્વયં એક યુદ્ધ છે

જેને તે ખંડેરમાં પલટાવ્યું એ મારું હૃદય
આજ પણ તારાં સ્મરણથી કેટલું સમૃદ્ધ છે !

જન્મતાવેંત જ નસીબ કમ્મરથી ઝૂકેલું મળે,
એટલે અહીં કોઈપણ ઉંમરની વ્યકિત વૃદ્ધ છે

વિશ્વ એની ગતમાં ચાલે, તારી ગતમાં તું રમેશ
આટલી અમથીક એવી વાત પર તું કૃદ્ધ છે ?

ઊંઘમાં પણ તું રખે રાજી ન થઈ બેસે, રમેશ
એટલે રસ્તા બધા દુઃસ્વપ્નથી અવરુદ્ધ છે ! ................

- રમેશ પારેખ

Thursday, December 8, 2011

સખી, મારી આંખોમાં ખૂંચે ઉજાગરો..

સખી, મારી આંખોમાં ખૂંચે ઉજાગરો,
જાગતી’તી શમણાંમાં કેટલીયે રાત, મને તે દિ’ ના લાગ્યો કાંઈ આકરો.

સુણીને મોરલીનો નાદ મધરાતે હું ઝબકીને એવી તો જાગી,
ત્યારથી આ નયણાંને ક્યાંયે ન ગોઠતું ને હૈયાને રઢ એક લાગી;
સખીઓ સૌ સંદેશા કહી કહી થાકી ને તોયે ના આવ્યો કહ્યાગરો,
સખી, મારી આંખોમાં ખૂંચે ઉજાગરો.

આવી મળે ને ભલે મારગમાં કોઈ દિ’ તો કાળિયાનું મ્હોંયે નથી જોવું,
યમુનામાં ધીરેથી પડછાયો પાડતો ને મુરલીને જઈને શું કહેવું !
દાણ રોજ રોજ મને આપવાનું મન થાય એવો આ મુલકનો ઠાકરો,
સખી, મારી આંખોમાં ખૂંચે ઉજાગરો.

- મણિલાલ દેસાઈ
From: tahuko.com

Wednesday, December 7, 2011

પ્રેમ વ્યક્ત કરવા મોકાની રાહ જોવી જરુરી છે ?

શું માણસને માણસની જરુર માત્ર મુશ્કેલીમાં જ હોય છે ? આવા જ સબજેક્ટ પર કૃષ્ણ્કાંત ઉડનકટનો એક આર્ટિકલ .....

એમ તો હું પણ દુઆ કરતો હતો, પણ ખરી રીતે તો દુઃખો રડતો હતો.
એ જ ડુબાડી ગયા મને મઝધારમાં, જેમના વિશ્વાસ પર હું તરતો હતો...
- હસનઅલી નામાવટી
 

દવાખાને જવું હતું ત્યારે ઘણા લોકો હાજર હતા પણ મારે બગીચામાં ફરવા જવું હતું ત્યારે કોઈની કંપની ન હતી. એક વ્યક્તિએ કહેલી આ વાત છે. તે બીમાર પડયા ત્યારે નજીકના અનેક લોકો આવી ગયા. નો ડાઉટ, એ બધા જ લોકો સારા અને લાગણીશીલ છે. બધાએ પૂછયું કે અમે તમારા માટે શું કરી શકીએ? એક નજીકની વ્યક્તિને કહ્યું કે તારે જાણવું છે ને કે તું મારા માટે શું કરી શકે? તો તું અત્યારે ચાલ્યો જા અને જ્યારે આ કોઈ ન હોય ત્યારે આવજે.

આપણે બધા જ આપણા લોકોને જરૂર પડે ત્યારે ખડે પગે ઊભા રહેવા તત્પર હોઈએ છીએ, પણ મોટા ભાગે આપણને એવું લાગે કે હવે તેને મારી જરૂર છે ત્યારે જ આપણે જતાં હોઈએ છીએ! કોઈને આપણી જરૂર છે એવું નક્કી કરવાવાળા આપણે કોણ? આપણે એવું શા માટે માનતા હોઈએ છીએ કે જ્યારે જરૂર પડે ત્યારે જઈએ એને જ સંબંધ કહેવાય!

માણસને માણસની જરૂર માત્ર મુશ્કેલીમાં જ નથી પડતી, ઘણી વખત કોઈ વાત કરવા, કોઈ આનંદ વ્યક્ત કરવા અને ઘણી વખત માત્ર ટાઇમ પાસ કરવા માટે પણ માણસની જરૂર પડતી હોય છે. આપણું જ કોઈ વ્યક્તિ જ્યારે આઈસીયુમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતું હોય ત્યારે આપણે દવાખાનાની બહાર રાત-દિવસ જોયા વગર હાજર હોઈએ છીએ, પણ આઈસીયુમાં દાખલ વ્યક્તિ જ્યારે તેના ઘરે એકલી હોય ત્યારે તેની દરકાર કરી હોતી નથી! મોટાભાગે માણસ એવું જતાવવા કે સાબિત કરવા માટે આવતો હોય છે કે તમારા ખરાબ સમયે અમે આવ્યા હતા!

સવાલ એ થાય કે માત્ર ખરાબ સમયે જ જવાનું? આપણે અનેક વખત એવું બોલીએ અને સાંભળીએ છીએ કે લગ્નમાં ન જઈએ તો ચાલે પણ મરણમાં તો જવું જ જોઈએ! આવું શા માટે? મરણ પ્રસંગે પોતાની વ્યક્તિની હાજરીથી દુઃખ અડધું થઈ જાય તો એ જ વ્યક્તિની હાજરીથી લગ્નનો આનંદ બેવડાઈ ન જાય? તમને ક્યારેય એવું લાગ્યું છે કે આપણા સંબંધોમાં ઘણી બધી ‘ફોર્માલિટીઝ’ પ્રવેશી ગઈ છે? આપણા સંબંધો માત્ર વ્યવહાર નિભાવવા પૂરતા જ થઈ ગયા છે!

આપણે ફોન ઉપર વાત કરતી વખતે એવું ઘણી વખત બોલીએ છીએ કે કંઈ કામ હોય તો કહેજો! હું બીજી ઘડીએ આવી જઈશ! તમે આવું કહો અને સામેનો માણસ તમને એમ કહે કે મારે અત્યારે ફિલ્મ જોવા જવું છે, તમે મારી સાથે ચાલો તો તમે જાવ?

કોઈને કંઈ કામ હોતું નથી, આપણે નક્કી કરી લેતા હોઈએ છીએ કે હવે તેને મારું કામ છે એટલે મારે જવું જોઈએ! અરે ભાઈ, કામ હોય ત્યારે તો બધા જ આવી ચડે, કામ ન હોય ત્યારે પણ કોઈની જરૂર હોય છે! સુખમાં અને પ્રેમમાં આપણી નજર કોઈને શોધતી હોય છે, એ વ્યક્તિ આંખ મીંચાવવાની તૈયારી હોય ત્યારે છેક આવે તેનો શું મતલબ? આપણે ત્યાં છેલ્લી ઘડીએ હાજર રહેવાનું જ માહાત્મ્ય શા માટે છે? છેલ્લા શ્વાસો વખતે ગંગાજળ આપવા માટે પહોંચી જવા કરતાં એ વ્યક્તિ જ્યારે રોલિંગ ચેર પર છાપું વાંચતી હોય ત્યારે તેને પાણીનો પ્યાલો આપવાનું માહાત્મ્ય કદાચ વધુ ઊંચું, મોટું અને મહાન હોય છે.

આપણા બોલિવૂડમાં હમણાં એક ઘટના બની. ફિલ્મ અભિનેત્રી જુહી ચાવલાનો ભાઈ બોબી ચાવલા એક વર્ષથી કોમામાં છે. જુહી અને શાહરૂખ ખાન સારાં મિત્રો છે. હમણાં ફિલ્મ ‘રા-વન’નું સંગીત શાહરૂખે યશ જોહર અને બોબી ચાવલાને અર્પણ કર્યું. શાહરૂખની કંપની રેડ ચિલિઝ એન્ટરટેઇનમેન્ટ શરૂ કરવામાં અને ચલાવવામાં બોબીએ ખૂબ મદદ કરી હતી. એક વર્ષ સુધી શાહરૂખે બોબી વિશે કોઈ પૂછપરછ કરી ન હતી. બોબીને સંગીત અર્પણ કર્યા પછી જુહીએ કહ્યું કે શાહરૂખે તેના ભાઈની કદર કરવામાં બહુ મોડું કર્યું. જે લોકો બોબીને એક મિનિટ પણ રેઢો મૂકતા ન હતા એ જ લોકો હવે ફરકતા નથી. તબિયત જોવા આવવાનું તો દૂર રહ્યું કોઈ પૂછતું પણ નથી કે બોબીને કેમ છે. એ પછી જુહીએ જે વાત કરી તે વધુ મહત્ત્વની છે. તેણે કહ્યું કે આપણે કોઈ વ્યક્તિ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા કેમ કોઈ કરુણ પ્રસંગની રાહ જોતા હોઈએ છીએ? તેણે એમ પણ કહ્યું કે મોડું થઈ જાય એ પહેલાં આપણા માટે મહત્ત્વના અને આપણા પ્રિય લોકોની કદર કરી લેવી જોઈએ.

આપણે ઘણી વખત એવું બોલીએ છીએ કે બેટર લેઇટ ધેન નેવર. આ વાત સાચી અને સારી છે, પણ સવાલ એ થાય કે વ્હાય લેટ? વ્હાય નોટ અર્લી? અને આ વહેલું કે મોડું કોણ નક્કી કરે? પ્રેમ વ્યક્ત કરવા, લાગણી દર્શાવવા, કદર કરવા માટે કોઈ મોકાની, કોઈ ઘટનાની કે કોઈ સમયની રાહ જોવાની જરૂર નથી. આપણા લોકો આપણી રાહ જોતા હોય છે પણ એ લોકો બોલાવે ત્યાં સુધી તમે રાહ ન જુઓ. તમે જાવ તો કોને ગમે? એ વિચાર કરી જોજો અને જે ચહેરા તમારી નજર સમક્ષ આવે એને મળી તમારી સંવેદના વ્યક્ત કરી દેજો. દરેક ક્ષણ ‘રાઇટ ટાઇમ’ જ હોય છે, ‘રાઇટ ટાઇમ’ની રાહ જોશો તો એ સમય રોંગ ટાઈમે જ આવશે!


છેલ્લો સીન

આજ એ તમારી બાકીની જિંદગીનો પહેલો દિવસ છે.
- હાર્વે ફાયરસ્ટોન જુનિયર

અને છેલ્લે ...

પાસપાસે તોયે કેટ્લાં જોજન દૂરનો આપણે વાસ !
જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.

ઝાડથી ખરે પાંદડું એમાંય
કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે?
આપણી વચ્ચે ‘આવજો’ની કોઇ ભીંત હશે,
કે યાદ જેવું કોઇ બારણું હશે?  ................................

Sunday, December 4, 2011

પ્રિય પ્રભુ ... (પ્રભુને પત્ર)

દોસ્ત જ્યારે ખૂબ વ્હાલો હોય ત્યારે એ આપણા જીવનમાં ઈશ્વરની લગોલગનુ સ્થાન ભોગવતો હોય છે. પણ જો ઈશ્વરને આપણે જીવનમાં દોસ્તની લગોલગ નુ સ્થાન આપી દઈએ તો .... તો કદાચ ઈશ્વર પ્રત્યેની શ્રધ્ધા બમણી થઈ જાય, ઈશ્વર સાથે વાત કરવી સરળ થઈ જાય અને તેને અર્પણ થતી પ્રાર્થનામા પવિત્રતાનુ પ્રમાણ વધી જાય ..... કવિ, લેખક , સંપાદક અને એક સારા વક્તા એવા શ્રી અંકિત ત્રિવેદીએ કંઈક આવુ જ કર્યુ છે ....

પ્રિય પ્રભુ,

વ્યક્તિ ખૂબ જ ગમવા માંડે ,
વધારે પડતી અંગત થવા માંડે પછી -
'તમે' નું સંબોધન ઓગળીને
'તુ' માં પરિણમતુ હોય છે.

તને પ્રાર્થનામાં શોધ્યો ...,
માળાના મણકામાં શોધ આદરી તારી ...,
બહારનાં દ્રશ્યો સાથે કિટ્ટા કરી
પરંતુ કોઈ મોટો માણસ એપોઈન્ટ્મેન્ટ આપીને
આત્મિયતા વગર મળતો હોય એવુ લાગ્યું ...

પછી તને દોસ્ત તરીકે સ્વીકાર્યો
ફોન જોડ્યા વગર વાત કરી તારી સાથે ...
તને શ્વાસમાં ભરીને ખુલ્લા રસ્તા પર ચાલવા નિકળી પડ્યો ...
હવે બધામાં મને તારો અવાજ સંભળાય છે
પવનની દરેક અદામાં તારો મિજાજ પરખાય છે.
કુદરતની બધી જ કળાઓ
તારી મૌનવાણીનો મુખર પ્રદેશ લાગે છે ...

દ્રશ્ટી તારી  સૃષ્ટિને જુદા એંગલથી જોવા લાગી છે .
તારી પ્રગટેલી પૃથ્વી પર દુખ છે જ નહી
દુખ એ તો એક માણસે
બીજા માણસને આપેલી ભેટ છે.
તું તો અમને જીવન આપવામાં માને છે
અને જીવન એ તો આનંદથી વિતાવવાનું વેકેશન છે ...

મારી પાસે મીરાબાઈનુ ગીત નથી
એકતારાનુ સંગીત નથી
મારુ બધુ જ ભુલીને
તારી પાસે આવી શકુ એ શક્ય પણ નથી

કારણ કે તે જ મને વ્યસ્ત રાખ્યો છે
મારી પાસે સવારે ઊઠવાનો અવકાશ છે પણ,
નરસિંહ મહેતાનું પ્રભાતિયુ નથી.
કરતાલનો કલરવ નથી
જીવનની નજીક જતાં ઉત્પન્ન થયેલો કકળાટ છે.
મારા માથા પર કશુ જ નથી
છ્તાંય મોરપિચ્છની હળવાશ નથી.

મારી પાસે તને આપવા જેટલુ સ્મિત છે ...
બચાવીને રાખેલો ઉમળકો છે ...
તું મળીશ ત્યારે તને પોંખવા માટે
સંઘરી રાખેલુ વ્હાલ છે ...
કો'ક ખૂણે ફંફોસીશ તો પ્રતિક્ષા પણ મળી આવશે ...
હું 'આજનો' માણસ છુ. તારુ સાહસ છુ.
બોલ, મારી સાથે દોસ્તી ફાવશે ને?

લિ,
તારામાં ઓગળવા મથતો ...

Saturday, December 3, 2011

એ જ નક્કી ના થતું ...

આવવાનું કે જવાનું, એ જ નક્કી ના થતું,
ચાલવું કે થોભવાનું, એ જ નક્કી ના થતું.

જીવવાના આ બનાવો રોજ બનતા હોય છે,
શ્વાસ લઈને શું થવાનું, એ જ નક્કી ના થતું.

ધારવાની વાત નીકળીને અમે અટકી ગયા,
દર્દને ક્યાં સ્પર્શવાનું, એ જ નક્કી ના થતું.

પાંદડાએ પાનખરમાં પ્રશ્ન પંખીને કર્યો,
શું કરું હું આ હવાનું?, એ જ નક્કી ના થતું.

જે તમે આપી દીધેલું ભૂલમાં એ સ્વપ્નથી,
ઊંઘવું કે જાગવાનું, એ જ નક્કી ના થતું....

-

Thursday, December 1, 2011

આટલું તે વ્હાલ નહીં વેરીએ, ઓ રાધિકા...












આટલું તે વ્હાલ નહીં વેરીએ, ઓ રાધિકા,
શ્યામ ને તે આમ નહીં ઘેરીએ;
બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ
આઘે રહીને એને હેરીએ!

યમુનાના જળમાં ઝીણા ઝાંઝર સૂણીને ભલે
મોરલીના સૂર મૂંગા થાય;
એને પણ સાન જરી આવે કે રાધાથી
અળગા તે કેમ રહેવાય?

પાસે આવે તો જરા નાચાકોડી મુખ ક્યાંક
સરી જવું સપનાની શેરીએ!
બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ
આઘે રહીને એને હેરીએ!

 ભીતરથી હોય ભલે એનો રે જાપ તોયે
કહેવું કે પીડ નથી કાંઈ;
વેદના તે કહેવાની હોય? ભલે વિરહની
કાળજું આ જાય કંતાઈ!

આંસુથી આંક્યું હોય એનું તે નામ ભલે
વ્હેતી હવાની સૂની લ્હેરીએ!
બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ
આઘે રહીને એને હેરીએ!

- સુરેશ દલાલ

હરિ તુ શુ કરે ? ...

ઉડવાનુ શરુ કર્યા પછી પંખીને ક્યારેય ચિંતા નહી થતી હોય કે એ આમ ઉડે તો સારુ લાગશે કે તેમ ઉડે તો સારુ નહી લાગે. ખીલ્યા પછી કોઈ ફૂલ એમ નહી વિચારતુ હોય કે એની પાસેની ડાળીનુ ફૂલ વધુ ઘેરા રંગનું, ભરાવદાર કે વધુ સારુ છે. કે એની સુગંધ અમુક વિસ્તાર સુધી નહી ફેલાય તો એનુ શુ થશે ? સતત ઉડાઉડ કરતા અને જરાય ઝંપીને ના બેસતા પતંગીયા ક્યારેય લાચાર નહી હોય ! ક્યારેય કોઈ પંખી, પતંગીયુ કે ફૂલ ડરેલુ નથી હોતુ . ડર તો ખાલી આપણને માણસોને હોય છે. લાચાર તો હંમેશા આપણે જ રહેતા હોઈએ છીએ. ક્યારેક સંસ્કાર, સમાજ, સિધ્ધાંતો , નિયમોને લીધે ... ક્યારેક આપણી માન્યતાને લીધે ... ક્યારેક આપણા સગા-વહાલા અને પ્રિયજનોની લાગણીઓને લીધે ...   ક્યારેક શુ ઈશ્વર પણ લચાર બનતો હશે ! ક્યારેય એને કશાનો ડર રહેતો હ્શે  ! .....

હરિ તને લાચારીનો રોટ્લો  પીરસવામાં આવે તો તુ શુ કરે ?
જમે-પાછો ઠેલે ? .. દસથી છ કામ પર ગયાનો ડોળ કરી
સાંજે પાછો ફરે ઘરે અને દિકરી ત્યારે પૂછે: ' પપ્પા શુ લાવ્યા?'
ત્યારે તુ મુઠ્ઠી ખોલે કે બંધ કરે ? હરિ તુ શુ કરે ? ...