Friday, November 30, 2012

કેમ ? ...

તમે  દીવાલને  ભૂરાશ  પડતા  રંગે   રંગી   કેમ ?
હવે આકાશની તમને પડી લાગે છે તંગી,  કેમ ?

તમારું કાળરાત્રિએ ખીચોખીચ એકલાં હોવું
ભરે એકાંતની જાહેરસભાઓ ખૂબ જંગી કેમ ?

અચાનક મારી સામે આમ આ બપોરને વખતે,
ક્ષિતિજના સૂર્ય જેવું તે હશે..  છે  રક્તરંગી  કેમ ?

બની’તી જે હકીકત,  વારતારૂપે તો ગમતી’તી,
હવે મારી કથારૂપે એ લાગે છે  ક્ઢંગી  કેમ ?

- મુકુલ ચોકસી

Thursday, November 22, 2012

સુરેશ દલાલ

કંઈ કેટલાય નામનો ઉછળે મારે આંગણે દરિયો
એમાં એક જ નામ તમારુ નાવ થઈને મ્હાલે.

********************

તમારું અર્પેલુ
સ્મિત લઈ હવે ક્યાંક સરતો;
તરાપો ડૂબેલો
કમળ થઈને આજ તરતો.


********************

હું વિદુષક છું એમાં કોઈ શક નથી
આંસુઓ રુમાલથી લૂછવાના નથી હોતા
એટલે હાસ્યથી લૂછી લઉં છુ.

********************

મને બ્લેક કોફી ભાવે છે
કારણ કે એનો સ્વાદ કડવો હોય છે.
એ મને સતત યાદ અપે છે,
આપણા સંબંધની...

********************

એકવાર
બે અરીસા સામસામે મળ્યા
અને એકમેકને પૂછવા લાગ્યા
કે પ્રતિબિંબ ક્યાં છે? ....


********************

ચહેરાઓની પાર રહેલા ચહેરાઓને હું શોધુ છું
જેને હું શોધુ છુ એને ઈશ્વર કહી સંબોધુ છુ ....

- સુરેશ દલાલ

Saturday, November 17, 2012

સિમ્ફનિ ....

મારા નવા જન્મમાં
બારાખડી શિખતી વખતે
હું કોઈ દિવસ પૂછીશ નહીં
કે પ્રેમ એટલે શું?

મને ખબર છે
કે પ્રેમ એટલે બે માણસો મળે તે
પ્રેમ એટલે બે માણસો
એકમેકને ગળે પડે તે.
પ્રેમ એટલે થોડીક પ્રતીક્ષા, થોડાક પત્રો,
કેવળ વાતો, કેવળ શબ્દો, થોડાક સપનાં,
પ્રેમ એટલે  હોટેલનું ટેબલ-
સામસામી પડેલી બે ખાલી ખુરશી,
કોઈક ખૂણે કામુક આલિંગનો,
થોડીક થ્રિલ, પૂરો થતો શો,
ફરી પાછી ફૂટપાથ
પ્રેમ એટલે થોડાક સપનાં, અઢળક ભ્રમણાં!

વૈયક્તિક પ્રેમની પ્રતિક્ષાના
બધાજ ઝરુખા કેમ નંદવાયેલા હોય છે?
લખાયેલા પત્રો
અંતે તો ભૂતકાળની નિર્જન ગલીઓ છે.
આ ગલીઓમાં
ક્યારેક લાઉડ-સ્પીકર્સ મૂકાયાં હશે,
રંગીન પરપોટાનાં તોરણો બંધાયા હશે.

મારે તો ગલીઓની બહાર નીકળવું છે.
હતો, છે અને હશેની બહાર નીકળવુ છે.
જ્ઞાનીઓ કહ્યા કરે છે
કે મારે બહાર નીકળવુ હોય
તો ભીતરમાં જવુ જોઈએ. 

હમણાં તો
મારી ભીતર એક આખુ નગર સળગ્યા કરે છે
એની અગ્નિજ્વાળાઓ મને પળેપળે વળગ્યા કરે છે

ટાઢક અને શાતા
બુધ્ધની મીંચાયેલી આંખમાં છે
અને મારી આંખોને તો
નહીં મીંચાવાનો શાપ છે. 

અગ્નિજ્વાળાની દીવાલોથી વીંટળાયેલો હું
જાણે કે સ્મશાનમાં બેસીને
યશોધરાના પ્રેમપત્રો વાંચું છુ.

મરેલા માણસની કુંડળીને
જ્યોતિષી વાંચતો હોય, એમ!

- સુરેશ દલાલ

Friday, November 16, 2012

એ વર્ષો .....

એ વર્ષોમાં જો હું ટાંકું ઉદાહરણ તારાં,
ચહલપહલ શી મચી ઊઠતી’તી પરીઓમાં,
એ વર્ષો જેમાં મેં તુજથી વિખૂટા થઈ જઈને
તને ફરી રચી આમ્રમંજરીઓમાં…

એ વર્ષો જેમાં હતાં ટોળાબંધ સપનાંઓ
ને મોડી રાત સુધી જાગતો એક ડેલો હતો,
ને થોકબંધ સમસ્યાની આવજા વચ્ચે
સમયનો ઝાંપો ઉઘાડો રહી ગયેલો હતો.

એ વર્ષોમાં તો રચાઈ નહોતી ભાષા છતાં
હું બૂમ પાડી બધું બોલતો, ખબર છે તને?
સમયની શોધ થઈ તેની આગલી સાંજે
મેં ઇન્તજારને શોધ્યો હતો, ખબર છે તને?

પછી પુરાણી હવેલીના એક પગથિયા ઉપર
તમારી પગલી પડી ને સમયને ગર્ભ રહ્યો,
હજારો વર્ષ સુઘી એનો મેં ઉછેર કર્યો -
છતાં પ્રસવની પળે સૌ રહ્યા ને હું ન રહ્યો.

ને તારી દૂરતા ફરતે પછી જો દેરી બને,
તો એ મિલનથી હજારો ગણી રૂપેરી બને;
વેરાન ચર્ચોમાં જે રીતે પાદરીઓ વગર
ઈસુની હાજરી જ્યાદા પ્રબળ ને ઘેરી બને.

ને અંતે બાકી રહેલી બે’ક વાત કરીશ,
કે હું મહાન રીતોથી જ મુજને મ્હાત કરીશ;
હું વિષના વાતાવરણ વચ્ચે પાંગરીશ સદા
ને પ્રાણવાયુની ટાંકીમાં આપઘાત કરીશ........

- મુકુલ ચોકસી

Wednesday, November 14, 2012

શ્યામ ...

 મોરપિચ્છની રજાઈ ઓઢી
તમે સૂઓને શ્યામ,
અમને થાય પછી આરામ...
મુરલીના સૂરનાં ઓશીકાં
રાખો અડખેપડખે.
તમે નીંદમાં કેવા લાગો,
જોવાને જીવ વલખે.
રાત પછી તો રાતરાણી થઈ
મ્હેકી ઊઠે આમ...
મોરપિ્ચ્છ્ની રજાઈ ઓઢી
તમે સૂઓને શ્યામ.
અમે તમારા સપનામાં તો,
નકી જ આવી ચડશું;
આંખ ખોલીને જોશો ત્યારે
અમે જ નજરે પડશું,
નિદ્રા-તંદ્રા-જાગૃતિમાં
ઝળહળભર્યો દમામ......
મોરપિચ્છની રજાઈ ઓઢી
તમે સૂઓને શ્યામ...

-સુરેશ દલાલ

અને છેલ્લે ...

તેથી ગોકુળ મુક્યા પછી મેં મોરલી નથી વગાડી
કારણ કે પછી મને રાધા ક્યાંય મળી નથી........

સાલમુબારક ...........

સરવાણીને વાંચતા હોય અને જે ના વાંચતા હોય એ તમામ લોકો ને પણ સરવાણી તરફથી નવાવર્ષની ખૂબ ખૂબ ખૂબ શુભકામનાઓ ..... :-)

 જુના વર્ષના નાના-મોટા  ખોટા-માઠા-નગમતા પ્રસંગોને ભુલીને જીવનમાં નવી તાજગી પૂરવા માટે નવુ વર્ષ તો કદાચ એક બહાનુ જ હશે ..... આશા રાખુ છુ કે આવનાર નવા વર્ષમાં આપણે પણ શ્રી સુરેશ દલાલની આ વિવિધ ઝંખનામાંથી કોઈક એકાદી ઝંખનાને જીવી શકીએ અને જીવનને સાર્થક કરી શકીએ ...................


"ધુમ્મસ હોય ત્યારે સૂર્યનું કિરણ થવામાં મને રસ છે. મને રસ છે બે કાંઠાને જોડતા સેતુ થવામાં. દીવાલોનો મને થાક છે, કંટાળો છે. વાદળો ઘેરાય તો ભલે ઘેરાય - પણ એ વરસે અને વહાલ થઈને વેરાય એવી મારી વાસના છે. કોઈને ચાલવું હોય તો રસ્તો થવામાં મને રસ છે. મને નિસબત છે કે કોઈકના રસ્તા પર હું વૃક્ષનો છાંયો થઈને પથરાઈ જાઊં. એને તરસ લાગે ત્યારે ફૂલની પિયાલીમાં જળ પાઉં. એવુ જળ કે એની તરસ છિપાય અને એને અમૃતનો અનુભવ થાય. જ્યાં બરફ જ પડતો હોય ત્યાં હું તાપણું થાઉં. એ મારી અંગત તરસ છે. કોઈક નાનકડા બાળકની આંખમાં સ્વપ્ન થઈને જાગું અને એના હોઠ પરનું સ્મિત થઈને છલકાઉં. સમય જ્યારે નિર્જન સીમ હોય ત્યારે ટહુકી ઊઠું પંખી થઈને. નીરવતા અને હું બન્ને ઝંકૃત થઈ જઈએ. સરોવરમાં હંસ થઈને તરવાની અને  ઊઘડતા કમળની સૌરભ સાથે ગૂફતેગૂ કરવાની મને ઝંખના છે ".... 

- સુરેશ દલાલ

સાલમુબારક ...........

Sunday, November 4, 2012

જેવું હોય છે.....

ભીંતને લીધે જ આ પાડોશી જેવું હોય છે,
એક સમજૂતીસભર ખામોશી જેવું હોય છે.

તન જિવાડી રાખતા એક જોશી જેવું હોય છે,
મન કોઈ મરવા પડેલી ડોશી જેવું હોય છે.

એ મને મૂકીને ફરવા પણ જઈ શકતો નથી,
મારા પડછાયાને પણ નામોશી જેવું હોય છે.

- મુકુલ ચોકસી

Saturday, November 3, 2012

દૂરતા ...

ને તારી દૂરતા ફરતે પછી જો દેરી બને,
તો એ મિલનથી હજારો ગણી રૂપેરી બને;
વેરાન ચર્ચોમાં જે રીતે પાદરીઓ વગર
ઈસુની હાજરી જ્યાદા પ્રબળ ને ઘેરી બને.


- મુકુલ ચોકસી



તમને શોધ્યા
દરેક જગ્યા પર મેં,.........

તમે મળ્યા મને
બધી જ જગ્યા પર
બસ મારા ભાગ્ય સિવાય .........

-" "

તારી યાદમા રડવાની જે મારી વાત છે,
અસલમા એ જ મારી જીંદગીનો સૌથી ખુબસુરત ભાગ છે..... 


-" "