Monday, January 31, 2011

મને હું શોધું છું...

એમ લાગે છે પ્રુથ્વીનુ સર્જન થયુ હશે ત્યારે ઈશ્વરે બધા જીવજંતુ ને વસ્તુઓને એના નિયમો ઘડી આપ્યા હશે. કોણે શુ કરવુ  ને કેમ રહેવુ ? પણ જ્યારે માણસનો વારો આવ્યો હશે ત્યારે ઈશ્વરે થાકીને કે ખબર નહિ શુ વિચારીને કહી દીધુ હશે કે લે ! હુ તને આ બધા કરતા થોડી વધુ શક્તિઓ આપુ છુ તુ તારા નિયમો જાતે બનાવી લે અને નક્કી કરી દે કે તારે કેમ રહેવુ છે. બસ થઈ ગઈ ભુલ ભગવાનથી . આ શ્રાપ હતો કે આશિર્વાદ એ જ હજી સુધી નક્કી થઈ શકતુ નથી. ને માણસજાતે કઈ ઘડીમા રુલબૂક બનાવવાની શરુ કરી હશે તે ખબર નહી એ ક્યારે પૂરી થશે !!

ભાળ મળે નહીં ક્યાંય, મને હું શોધું છું
કોઇ બતાવો ક્યાં છે મારી ભોંય…… મને હું શોધું છું..

આગળ કે’તાં આગળ જેવું કશું નહીં
પાછળ કે’તાં પાછળ જેવું કશું નહીં
ડગલેપગલે હું જ મને આડો ઊતરું
ને હું જ મને અવરોધું છું…

કહો મને હું ચહેરેમહોરે કોને મળતો આવું છું?
ક્યાં છે મારી મૂળની છાપો, શું શું, નીત સરખાવું છું.
હું અતડો, મારાથી અળગો
શું, કોને સંબોધું છું….

એમ થાય છે કે ઇચ્છાઓનાં જડિયાં ખોદી
આઘાં તડકે નાખું
બાજોઠ ઢાળી બેઠોબેઠો
આનંદ મંગળ ભાખું
એમ થાય કે નભમંડળનું આખું તોરણ
આંખે બાંધી રાખું
વળી, થાય કે છાંયાસોતો
વડલો વહેરી નાખું
વારાફરતી વૃક્ષબીજમાં
હું જ મને વિરોધું છું…

અમે અમારી ઓળખ વિશે આજ લગી બસ, હાંક્યે રાખ્યું
અંદર કશું મળે નહીં ઉપર ચાદર જેવું ઢાંક્યે રાખ્યું
સહી દસ્તક હું પોતે દલપતરાય
નહીં ઠામ, નહીં ઠેકાણું, અહીં નામ અધૂરું નોંધું ?  ...

- દલપત પઢિયાર

Saturday, January 29, 2011

સબંધો ય કારણ વગર હોય જાણે...

એક સરસ કિસ્સો યાદ આવે છે. ગુજરાત હાઈકોર્ટમા અંગ્રેજી ભાષા જ ચા્લે એવો નિયમ છે. એટલે કે બધા કેસ ને દલીલ ને જજમેન્ટ બધુ જ અંગ્રેજીમા. પણ ટ્રેજેડી એ છે કે હાઈકોર્ટમા મોટાભાગના કેસ ગામડાના અભણ કે બહુ ઓછુ ભણેલા લોકો્ની જમીનોના આવે અથવા એમ કહો કે હાઈકોર્ટમા જે કેસ આવે એમા મોટાભાગના કેસ ના વાદી - પ્રતિવાદી કઈ અંગ્રેજીના માસ્ટર નથી હોતા. એટલે કેસમા સામસામે વકીલો અંગ્રેજીમા શુ બોલે , શુ દલીલ થાય ને જજ શુ જજમેન્ટ આપે એમા પેલા બિચારા અબુધ લોકોને સમજાય નહી. આની વિરુધ્ધ્મા એક અપીલ પણ થયેલી કે - હાઈકોર્ટમા કેસ ગુજરાતીમા ચલાવવા જોઈએ કેમકે ક્લાયન્ટ્સને એ હક છે કે એમના વકીલો શુ દલીલો કરે છે એ સમજી શકે ને એ માટે એક સરસ દલીલ રજુ થયેલી ...... કે " આપણે જાનવરો સાથે પણ એમની ભાષામા વાત કરીએ છીએ. કૂતરાને એ સમજી શકે એમ ને ગાય કે બિલાડીને એ સમજી શકે એમ બોલાવીએ છીએ... તો પછી માણસ સાથે કેમ એ સમજી શકે એમ વાત નથી થતી ? ? " ....... આ દલીલ ખાલી હાઈકોર્ટ માટે જ શુ કામ દરેક જગ્યાએ લાગુ પડે છે. અને એથી પણ આગળ વધીએ તો માણસને પશુપંખી સાથે વાત કરવા માટે કારણ ની જરુર હોતી નથી ખાલી એને બીજા માણસ સાથે વાત કરવા માજ કારણો જોઈએ છીએ.  એટલે જ કદાચ માણસ આજે માણસથી દૂર થતો જાય છે....

સબંધો ય કારણ વગર હોય જાણે,
આ માણસ બીજાઓથી પર હોય જાણે.

ઉદાસી લઈને ફરે   એમ   પાગલ,
રહસ્યની એને ખબર હોય જાણે.

મકાનોમાં લોકો પૂરાઈ ગયા છે,
કે માણસને માણસનો ડર હોય જાણે.

હવે એમ વેરાન ફાવી ગયું છે,
ખરેખર આ મારું જ ઘર હોય જાણે.

પવન શુષ્ક પર્ણો હ્ઠાવી જુએ છે,
વસંતોની અહીંયા કબર હોય જાણે.

કરે એમ પ્રુથ્વી ઉપર કામનાઓ,
બધા માનવીઓ અમર હોય જાણે.

ક્ષિતિજરેખા પર અર્ધડૂબેલ સૂરજ,
કોઈની ઢળેલી નજર હોય જાણે.
- આદિલ મન્સૂરી

Thursday, January 27, 2011

હું એટલુ શીખ્યો છુ ...કે..

 કે ... તમે મારો દિવસ સુધારી દીધો - એવુ મને કહેનાર હકીકત મા મારો દિવસ સુધારી દે છે.

 કે ... દયાળુ અને માયાળુ બનવું તે .. ખરા બનવા કરતા વધારે સારું છે.

 કે ... કોઈને મદદ કરવાની શકિત મારામા ન હોય તો ત્યારે મારે તેના માટે પ્રાર્થના જરુર કરવી જોઈએ.

 કે ... આપણુ પદ કે પ્રતિષ્ઠા ગમે તેટલા ગંભીર રહેવાનુ શિખવાડે પણ આપણી પાસે એવા બે-ચાર મિત્રો તો હોવા જ જોઈએ કે જેમની સાથે ટોળ-ટપ્પા મારી શકાય, ઠઠ્ઠામશ્કરી કરી શકાય.

કે ... દરેકના બખ્તરિયા કોચલા નીચે એક એવી વ્યક્તિ હોય જ છે જે પ્રેમ અને લાગણી ઝંખે છે.

કે ... કોઈપણ વ્યક્તિ પૂર્ણ નથી સિવાય કે જેની સાથે તમે પ્રેમમાં પડો.

કે ... જેને મળીએ તેને બની શકે તો એક સ્મિતની ભેટ આપવી જ જોઈએ.

કે ... તમે જો હ્રદયમાં કટુતા-કડવાશ ને આશરો આપશે તો ખુશાલી ક્યાક બીજે રહેવા જતી રહેશે ! કેમકે એમને અંદરોઅંદર બનતુ નથી.

કે ... સારા મિત્રો અદભુત ખજાના જેવો હોય છે. એ લોકો તમારા ચહેરાને સ્મિતની ભેટ આપે છે., તમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે, તમારી વાતો (ઘણી વખત તો સાવ ફાલતુ વાતો) પણ ધ્યાનથી તેમજ રસથી સાંભળે છે, તમારી નિસ્વાર્થ પ્રશંસા કરે છે અને એમના હ્રદયના દરવાજા હંમેશ હંમેશ તમારા માટે ખુલ્લા રાખે છે.

કે ... આપણી જિંદગીમા કંઈ કેટલાય આવતા જતા રહે છે. પરંતુ હ્રદયમાં પોતાના પદચિહ્નો તો સાચા મિત્રો જ છોડી જતા હોય છે.

- from "મોતીચારો" - ડો. આઈ. કે . વિજળીવાળા

Wednesday, January 26, 2011

ચારણ કન્યા...

well well well, આજે પ્રજાસત્તાક દિવસ છે તો દેશભક્તિને લગતુ જ કંઈક મૂકાવુ જોઈએ. પણ, દેશભક્તિની લાગણી કંઈ 26th Jan n 15th Aug. ના દિવસે જ વ્યક્ત કરાય એવુ થોડુ હોય ! એ લાગણી તો હરહંમેશ દરેક ભારતીયના હ્રદયમાં હોવી જ જોઈએ. અને એ લાગણી જ શુ કામ ? કોઇપણ સારી લાગણી વ્યક્ત કરવા ભલા કોઈ ખાસ દિવસની શુ જરુર? એના માટે ખાલી ત્રણ જ વસ્તુ જોઈએ - એક તો લાગણી, બીજી લાગણી થાય તેવી વસ્તુ કે વ્યક્તિ .. અને ત્રીજો અનુકુળ સમય .... તો આજે  Friendship Day નથી .. છતાં as a best friend  કુનાલભાઈ ખાસ તમારી request પર અને એ તમામ દોસ્તો માટે જેમને ઝવેરચંદ મેઘાણી ની આ કવિતા ગમે છે.સાથે સાથે આ કવિતા કેવી રીતે રચાઈ એના પર 'સંદેશ' મા આવેલ રસપ્રદ story  પણ...

And I proud કે આવી સરસ કવિતા સ્કૂલના syllabus મા હતી. So njoy it n lost in nostalgia .... golden days of schools ... :)

ચારણ કન્યા
સાવજ ગરજે !
વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !
ક્યાં ક્યાં ગરજે ?

બાવળના જાળામાં
ગરજે ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઉગમણો, આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે !
વાડામાં વાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડાં કાંપે
ઝાડ તણાં પાંદડલા કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓના જળ પણ કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે

આંખ ઝબૂકે
કેવી એની આંખ ઝબૂકે
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે

જડબાં ફાડે !
ડુંગર જાણે ડાચાં ફાડે !
જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્વાર ઉઘાડે !
પૃથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ લસ કરતા જીભ ઝુલાવે.

બ્હાદર ઊઠે !
બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઉઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ઘર ઘરમાંથી માટી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે !
જાણે આભ મિનારા ઊઠે !

ઊભો રે’જે
ત્રાડ પડી કે ઊભો રે’જે !
ગીરના કુત્તા ઊભો રે’જે !
કાયર દુત્તા ઊભો રે’જે !
પેટભરા ! તું ઊભો રે’જે !
ભૂખમરા ! તું ઊભો રે’જે !
ચોર લૂંટારા ઊભો રે’જે !
ગા-ગોઝારા ઊભો રે’જે !

ચારણ કન્યા
ચૌદ વરસની ચારણ કન્યા
ચૂંદડીયાળી ચારણ કન્યા
શ્વેતસુંવાળી ચારણ કન્યા
બાળી ભોળી ચારણ કન્યા
લાલ હિંગોળી ચારણ કન્યા
ઝાડ ચડંતી ચારણ કન્યા
પહાડ ઘૂમંતી ચારણ કન્યા
જોબનવંતી ચારણ કન્યા
આગ ઝરંતી ચારણ કન્યા
નેસ નિવાસી ચારણ કન્યા
જગદમ્બા શી ચારણ કન્યા
ડાંગ ઉઠાવે ચારણ કન્યા
ત્રાડ ગજાવે ચારણ કન્યા
હાથ હિલોળી ચારણ કન્યા
પાછળ દોડી ચારણ કન્યા

ભયથી ભાગ્યો !
સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઈ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !

- ઝવેરચંદ મેઘાણી

And now the History of the Creation of this gr8 Poem :
૧૯૨૮નું વર્ષ છે. ઝવેરચંદ મેઘાણી કવિ દુલા ભાયા કાગ સહિતના કેટલાક સાથીદારો સાથે ગીરમાં તુલસી શ્યામ પાસે આવેલા ખજૂરી નેસમાં બેઠા હતા. સાંજ થવા આવી હતી. એ વખતે રાડ પડી, એ.. આપણી પેલી હીરલ નામની વાછરડીને સાવજ ઉપાડી ગયો! ઘડીભરની રીડિયારમણ વચ્ચે દૂધ પી રહેલા મેઘાણીની તાંસળી હોઠ પાસે જ અટકી ગઈ અને મોટેરાંઓને કશી સૂઝ પડે એ પહેલાં તો નેસમાં રહેતી ૧૪ વર્ષની હીરબાઈ નામની દીકરીએ ડાંગના બે ભાઠાં ફટકારીને સિંહને ભગાડી મૂક્યો.  નરી આંખે જોયેલા એ દૃશ્યથી શાયર મેઘાણીનો માંહ્યલો જાગી ગયો. ઓહોહો.. આ ૧૪ વર્ષની દીકરીનું આવું પરાક્રમ? વનરાવનનો રાજા ગરજે એ સાથે ભલભલા મરદ મૂછાળાની ફેં ફાટી રહે જ્યારે એ ડાલામથ્થા સાવજની સામે એક ડાંગભેર ઊભી રહેતાં આ ૧૪ વર્ષની ચારણકન્યાના પેટનું પાણીય ન હલ્યું? અને શૂરવીરતાના પૂજક મેઘાણીના હૈયે જે વાણી ફૂટી એ કાયરના ખોળિયેય ભડભાદરનો પાનો ચડાવતી અમર ગુજરાતી કવિતા ‘ચારણ કન્યા.’!

કવિ કાગે આ ઘટનાના સાક્ષી તરીકે લખ્યું છે, ‘‘.. એ વખતે ‘ચારણ કન્યા’ ગીત મેઘાણીભાઈ કાગળ-કલમ સિવાય કંઠોકંઠ રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠયું. આંખો લાલ ધ્રગેલ તાંબા જેવી થઈ ગઈ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે માંડ માંડ એમને પકડી રાખેલા.’’

Tuesday, January 25, 2011

અંતરઆત્મા- મનના અવાજો

વાંચનની આ જ મજા છે એક જ વસ્તુ તમને વિવિધ સ્વરૂપે વાંચવા મળે. ક્યારેક તો એવુ પણ બને કે એક વસ્તુ વાંચીને ઉઠેલા સવાલોના જવાબ તમને કોઈ અન્ય જ લખાણમાંથી મળી જાય.
હાલ એક સરસ ફીક્શન વાંચી " The Alchemist ". બુક વિષે તો પછી ક્યારેક કહીશ પણ એટ્લુ કહી દઉ કે આ વાર્તા પોતાના સપનાને સાકાર કરવા નિક્ળેલા એક યુવાનની છે જે  પોતાના મનના અવાજ ને અનુસરીને સપનામા આવેલા ખજાનાને શોધવા નિકળી પડે છે. યુવાન નુ નામ છે 'સેન્ટિગો'.
વાર્તામા સેન્ટિગો એક જગ્યાએ એને ખજાનો શોધવામા મદદ કરનાર કીમિયાગરને પૂ્છે છે, " આપણે આપણા મનના અવાજો શુ કામ સાંભળવા જોઈએ?
કીમિયાગર," કારણ કે તારા મનના અવાજમાં જ તારા ખજાનાનો માર્ગ છે."
સેન્ટિગો, " પણ મારુ મન બહુ અશાંત છે. કોઈવાર હું બહુ દુખી થઈ જાઉ છુ. ઘણીવાર રાત્રે ઊંઘ પણ નથી આવતી. "
કીમિયાગર,"સરસ, એનો અર્થ એમ કે તારુ મન સંવેદનશીલ છે. એ જે કહે એ બધુ સાંભળ્યા કર." .....

ને અહીં ગુણવંત શાહ પણ એ જ કહે છે કે કેમ આપણે આપણા મનની વાત - અંતરાઆત્માના અવાજને સાંભળવો જોઈએ ??? ......

પ્રત્યેક માણસનું હ્રદય સત્યવાદી  હરિશ્ચંન્દ્ર જેવુ નિષ્કપટ અને  નિર્મળ હોય છે. હ્રદય કદી જૂઠૂં નથી બોલતું. એ કદી દગો નથી દેતું. એ કદી અપ્રમાણીક નથી હોતુ. મહાત્મા અને મામૂલી માણસના હ્ર્દયને જોડનારા અદ્ર્શ્ય સેતુ પર અંતરઆત્માની આકાશવાણીનું કેન્દ્ર આવેલુ છે. રામ અને રાવણનાં હ્રદય તો સરખાં જ હતાં. રામ પોતાના હ્રદયના ઝીણા છતાં સ્પષ્ટ અવાજનો આદર કરનારા હતા. રાવણને પણ એવા અવાજની ભેટ તો મળી હતી, પરંતુ રાવણ પોતાના હ્ર્દયના અવાજનો અનાદર કરતો રહ્યો. બસ આ વાતે જ ખરો તફાવત પડી જાય છે અને એ તફાવત જેવોતેવો નથી.

આપણી છાતીના પોલાણમાં ડાબી બાજુએ સતત ધબકતા હ્ર્દય નામના સ્નાયુપંપની આ વાત નથી. ભારતીય પરંપરામા હ્રદય માણસના અંતરાઆત્મા(conscience) તરીકે ઓળખાયુ છે. હ્ર્દય એના માલિકને કદી ખોટી વાતમાં ટેકો નથી આપતુ. હ્રદયના અવાજનો અનાદર કરવો એટ્લે જ અધર્મના માર્ગે ચાલવુ. હ્ર્દયનો અવાજ એટલે જ આત્માનો અવાજ.

આપણને સૌને એ અવાજ સંભળાય છે પરંતુ આપણે એ અવાજની અવગણના કરીને  વ્યવહારુ ગણતરીને વધુ મહત્વ આપીએ છીએ. ધીરે ધીરે એ અવાજ ક્ષીણ થઈ  જાય છે ને પછી સંભળાતો બંધ થઈ જાય છે. એનો અર્થ એ નથી કે એ અવાજ ગેરહાજર છે પણ સાંભળનારાની સંવેદના બહેર મારી ગઈ હોવાથી એ સંભળાતો નથી.

કશુંક ખોટુ કરતી વખતે અંદરથી જે ખટકો ઉઠે તે  ખટકો અતિ મૂલ્યવાન છે. એ તો  c/o અંતરઆત્મા થકી મળેલી પરમાત્માની ટપાલ છે.
સંસ્ક્રુતિના પ્રવાહમા ભદ્રતા પામેલા આપણે સહજને કિનારેથી એટલા તો દૂર નીકળી ગયા છીએ  કે જે અસહજ હોય તે પણ ખટકતુ નથી. જે ખટકવા યોગ્ય હોય એ પણ ના ખટકે તેવી સમાજિક ઘટ્નાને લોકો વ્યવહાર કહે છે. જો નરસિંહ મહેતા વ્યવહારુ હોત તો ક્યારેય પ્રભાતિયા ના રચી શક્યા હોત ને જો ગાંધીજી વ્યાવહારુ હોત તો એ સત્યાગ્રહ ના કરી શક્યા હોત.

રોજ સ્નાન કરવાથી શરીર સ્વચ્છ રહે છે , મનન કરવાથી મન સ્વચ્છ રહે છે ને રોજ ધ્યાન કરવાથી સ્વચ્છ અંતરાઆત્મા સાથેની મૈત્રી જળવાય છે.
લોકો બદલાઈ જાય છે
અને એ વાત એકબીજાને કહેવાનુ ભૂલી જાય છે
તેથી બધી સમસ્યાઓ પેદા થાય છે
જે કદીય બદલાતી નથી
તે છે આપણી હ્ર્દય અનુભૂતિ !
-  ગુણવંત શાહ

" The Alchemist " મા બીજી પણ એક સરસ વાત આવે છે - ખજાનાની શોધ કરવા સેન્ટિગો નીકળી પડે છે એ પહેલા એ ઘેટા ચરાવતો હોય છે. ને ઘેટાને ઉદ્દેશીને એ એક સરસ વાત કહે છે કે ઘેટઓને શાંતિ હોય છે કેમકે ," જનાવરોને કોઇ નિર્ણય લેવો પડતો નથી. એમની એક પળોજણ ખાવાપીવાની બસ. એમના બધા દિવસો એક સરખા જ હોય છે. દુનિયાની વિવિધતાનો આનંદ લેવા હુ રોજ નવા રસ્તે ઘેટાઓને ચરાવા લઈ જઉ છુ. પણ નવા ખેતરો, નવા જંગલો કે બદલાયેલી ઋતુની એવી કોઈ વાત જોડે એમને કંઈ લેવાદેવા નહોતી. એમને ખાધાપીધા સિવાય બીજી કાંઈ પરવા જ નહોતી. કદાચ આપણે બધાં એવા જ છીએ.... "

અર્થાત જો તમારે ઘેટા જેવી શાંતિ જોઈતી હોય તો કદી તમારા આત્માને જાગ્રુત ના કરતા. ક્યારેય પોતાની જાતને શું સાચુ છે શુ ખોટુ છે એવા પ્રશ્નો ના પૂછતા ને ભૂલથી પણ તમારા મનના અવાજો સાંભળીને એને અનુસરતા નહી. આમ કરવામા ખાલી એક જ નુકસાન છે કે  જેમ ઘેટાઓ  નવા ખેતરો, નવા રસ્તા અને બદલાતી ઋતુઓને માણી શક્તા નથી ને એકધારુ જીવ્યે જાય છે એમ તમે પણ જીવનની અવનવી ને અદભુત બાબતો ને પામી નહી શકો ..... But choice is yours .... 

એવા વળાંક પર હવે ઉભો છે કાફલો
અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ...
( જો કે આ ચોઈસ કરવા માટે પણ માણસે એક્વારતો ઘેટા જેવી ઘરેડ માથી બહાર નિકળીને પોતાના આત્માને-મનને પ્રશ્ન પૂછવો જ પડશે ... ને એના માટે તો એણે  પોતાની અંદર ઝાંખીને જોવું પડશે.. )

આંખ મીંચીને ઉત્તર જાણી જઈશ,
થઈ જઈશ જો તરબતર જાણી જઈશ.

બૂમ પાડી જો અમસ્તી પણ કદી
થાય છે કેવી અસર જાણી જઈશ....

Monday, January 24, 2011

આખા નગરની જલતી દીવાલો.......

આખા નગરની જલતી દીવાલોને કળ વળે,
ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે.

ઇચ્છા વિશે મેં ગ્રંથ લખ્યો એક વાક્યમાં,
ઇચ્છાનું એવું છે કે ફળે યા ન પણ ફળે.

વંઠી ગયેલો ગાંધીજીનો વાંદરો હવે,
બહેરો બન્યાનો ડોળ કરી સઘળું સાંભળે.

એક જ રીતે ગુમાવેલ માણસ ફરી મળે,
ઘડિયાળ ઊંધી ચાલવા માંડે જો આ પળે.

સાચું કહું તો તારી લપસણી લટો સિવાય,
વહેતા પવનને ક્યાંય ઉતારો નહીં મળે.

બીજાઓ વાંચે તો ય અદેખાઇ આવશે,
ચીતરું નહીં હું નામ તારું કોઇ પણ સ્થળે......

- મુકુલ ચોક્સી

Short Story ...+ માણસ છું

વર્ષો પહેલા એક વાર્તા વાંચેલી.... 


એક શહેર હોય છે ને શહેરમાં એક પાદરી હોય છે. પાદરી બહુ ભલા માણસ ને જનસેવામાંજ જીવન વિતાવનારા માણસ. એક દિવસ એમને વિચાર આવે છે કે શહેરમાં તો સુસંસ્ક્રુત અને શિક્ષિત લોકો રહે છે. ખરી જરુરીયાત તો જંગલમા વસતા અબુધ લોકોને છે. એટ્લે પાદરી જાય છે દુરના જંગલમા જ્યા ભયંકર જંગલી લોકો રહેતા હોય છે. જ્યાંના લોકો પ્રાણીઓ તો ઠીક માણસોનુ માંસ પણ મજાથી ખાતા હોય છે.

ગમેતેમ કરીને પેલા પાદરી આવા જંગલી લોકો ની વચ્ચે ટ્કી જાય છે ને ધીમે ધીમે એમને ધર્મના પાઠ ભણાવવાનુ શરુ કરે છે. દિવસો વિતતા જાય છે.  

એક દિવસ પાદરી આમ જ ઉપદેશ આપતા બેઠા હોય છે. આગળ જંગલી લોકોનુ મૉટુ ટોળુ બેઠુ હોય છે. ને અચાનક એક આદમી શહેરમાથી આવી ચડે છે ને પાદરીને સમાચાર આપે છે કે વિશ્વ યુધ્ધ ફાટી નિકળ્યુ છે. સાંભળીને પાદરી ચિંતાતુર થઈ જાય છે. ત્યાં તો ટોળાંમાંથી એક જંગલી માણસ ઉભો થાય છે. અને પૂછે છે, " આ યુ્ધ્ધ એટ્લે શું ? "
પાદરી સમજાવે છે, " યુધ્ધ એટ્લે બે પક્ષ અથવા બે દેશ વચ્ચેની લડાઈ."
જંગલી માણસ, " એમાં શું થાય ?"
પાદરી," એમા બધા શસ્ત્રો લઈને સામ સામે લડે ને બળવાન પક્ષ કે દેશ જીતે ને નબળા હારે."
જંગલી માણસ,"તો તો બહુ બધા માણસો મરી પણ જતા હશે ! "
પાદરી,"હા, લાખો લોકોની જાનહાનિ થાય."
જંગલી માણસ," તો પછી એ બધા મરેલા લોકો નુ તમે શુ કરો?"
પાદરી," કઈ નહિ, એ એમ જ પડ્યા રહે અથવા તો જે તે દેશના સૈનિકો મરેલા લોકોને લાવી દફ્નાવી દે."
જંગલી માણસ આશ્ચ્રર્યથી," કેમ ? એટ્લા બધા માણસોનુ માંસ ખાય તો કેટલા બધા દિવસ ચાલે ?"
પાદરી," અરે! માણસોનુ માંસ તે કંઈ ખવાતુ હશે ?"
જંગલી માણસ વધારે આશ્ચ્રર્યથી," તો પછી મારતા શુ કામ હશે ? "
પાદરી મૌન.

હજી સુધી કોઇ પાદરી, કોઈ સંત, કોઈ મુલ્લાને આનો જવાબ નથી જડ્યો. એ ય નક્કી નથી કરી શક્યા કે ખરેખર જંગલી કોને કહેવા ? હકીકતમાં જ્યારે લડાઈ થતી હોય છે ત્યારે બે અહમ વચ્ચે થતી હોય છે ને છેવટે તો બંને બાજુ કંઈ ને કંઈ ગુમાવવાનુ જ હોય  છે.

કૂતરાનુ 'કૂતરાપણુ' , ચકલીનુ 'ચકલીપણુ' કે જગતના કોઈ જીવજંતુ કે વસ્તુઓનુ 'હોવાપણુ' ખતરામા નથી આવ્યુ. ખાલી માણસનુ 'હોવાપણુ' કે 'માણસાઈ' જ કેમ ખતરામા છે  ? ને એ પણ કહેવાતા  'સુસંસ્ક્રુત' માણસની...

માણસ છું......
હૈયે તો છું પણ હોઠેથી ભુલાઈ ગયેલો માણસ છું,
હું મારા ડાબા હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું

સૌ જાણે છે કે ચાવું છુ હું પાન હંમેશા મધમધતાં,
હર પિચકારીમાં રોજ અહીં થુંકાઈ ગયેલો માણસ છું

પાણીમાં પડેલા કાગળના અક્ષર જેવા છે શ્વાસ બધા,
જીવું છુ ઝાંખું પાંખું હું ભુંસાઈ ગયેલો માણસ છું.

પાણીનો છે આભાસ એવો લાગું છું સ્વયં દરિયા જેવો,
કંઈ એવી તરસથી રણ જેવું સુકાઈ ગયેલો માણસ છું.

ક્યારેક એવું પણ લાગે છે આ વસ્તીમાં વસનારાને,
એક સાવ બજારુ ઓરત છું ચુંથાઈ ગયેલો માણસ છું.

સૌ આવી ગુનાહો પોતાના કબૂલીને મનાવે છે ‘મિસ્કીન’,
કોને કહેવું હું મારાથી રિસાઈ ગયેલો માણસ છું.
 

- રાજેશ વ્યાસ ‘મિસ્કીન

Sunday, January 23, 2011

"મિસ્કીન" .... કાવ્યમહોત્સવ

માથા પર અચાનક ફૂલોનો વરસાદ વરસવા માંડે એને જ કઈ ચમત્કાર કહેવાય ? ચમત્કાર તો રોજ આપણા જીવનમા સર્જાતા જ હોય છે જરુર હોય છે તો એને જાગ્રુત નજરથી ઓળખવાની. થોડા દિવસ પહેલા લાયબ્રેરીમા 'મિસ્કીન'નો  "કોઈ તારુ નથી" ગઝલ સંગ્રહ હાથ લાગ્યો ને દરેક ગઝલ વાંચતા થતુ આવુ સરસ કેવી રીતે લખાતુ હશે ? ને પછીના જ અઠ્વાડિયામા અચાનક એમને લાઈવ સાંભળવાનો લ્હાવો મળ્યો  ...  ચમત્કાર ! તો કવિશ્રી રાજેશ વ્યાસના મુખેથી વરસેલી એમની કેટ્લીક કવિતાઓની ભીની બુંદો ...સાંભળેલા શબ્દો  છે એટલે ક્યાક તો ભૂલ હશે જ એટલે પહેલેથી જ 'સોરી' ......

નહિ સમજી શકે તુ, સાવ સમજણ બહાર જીવું છુ,
શરીરથી મનથી સરકી જઈને, બારોબાર જીવું છુ.

વિચારો ક્યાંય  લઈ જતા નથી, એ જાણી ગયો છુ હું,
વિચારો ક્યાંક છોડી દઈને, અપરંપાર જીવું છુ.

ન જાણે શુંય આ છુટ્યું, જગત આખુય ઘર લાગે,
બાકી જ્યાં હોઉ છુ, ત્યાંનો બનીને જીવું છુ.

જીરવવા ક્યાં લગી,  ઉપકાર ને અપકારના બોજા,
હવા જેવો જ હળવો થઈને હવે હુ જીવુ છુ.

હતુ જે ડુબવાનુ એટ્લુ ડુબી ગયો મિસ્કીન,
હવે તો હુ જ મારો થઈને તારણહાર જીવું છુ.

*********************

દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે,
રોજ રોજ સરનામું બદલી જાણે ઈશ્વર ફર્યા કરે છે.

રસ્તા જોયા માણસ જોયા વિચારને પણ જોતા શિખ્યો,
કોઈ નથી જંપીને બેઠું માણસ માતમ કર્યા કરે છે.

પવન આવતા કરે ઉડાઉડ પ્લાસ્ટિકની હલકી કોથળીઓ,
જોયા છે મેં સુખનાં છાંટા ઘણાંયે અધ્ધર ફર્યા કરે છે.

ગળી જાય છે બધાય સુખદુ:ખ, ગળી જાય છે બધુ ભલભલું,
મનનું નામ ધરીને ભીતર ભૂખ્યો અજગર ફર્યા કરે છે.

દર્શન છોડી પ્રદક્ષિણામાં રસ કેવો ‘મિસ્કીન’ પડ્યો છે,
ભીતર પ્રવેશવાને બદલે ચક્કર ચક્કર ફર્યા કરે છે.
*********************
સાવ બેફિકર હસતુ રમતુ બચપણ જોયુ
બળ્યુ ઝળ્યુને ઠોકર ખાતુ ઘડપણ જોયુ

સાત જનમનુ લાગતુ હતુ વિશ્વાસ ભરેલુ
એક ઝટકે એય તૂટતુ સગપણ જોયુ ... 
*********************
અંદરથી અગન જેવુ બહારથી પવન જેવુ
આ શું દઈ દીધુ તે મિસ્કીન ને મન જેવુ ? ....
*********************
 છોડીને આવ તું ...

તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.

અજવાળું જેના ઓરડે તારાં જ નામનું,
હું એ જ ઘર છું, એ જ ભલે ને આવ તું.

પહેર્યું છે એ ય તું જ છે, ઓઢ્યું છે એ ય તું,
મારો દરેક શબ્દ તું, મારો સ્વભાવ તું.

સાકરની જેમ ઓગળી જઈશ હું ય પણ,
છલકાતો કટોરો ભલેને મોકલાવ તું.

‘મિસ્કીન’ સાત દરિયા કરી પાર એ મળે,
એ રેખા હથેળીમાં નથી તો પડાવ તું.
રાજેશ વ્યાસ ‘મિસ્કીન'

ભુલી જઈએ ...

બહાર થઈ ગયો....
સુખ ને દુ:ખના વર્તુળોની બહાર થઈ ગયો,
દરિયો થઈ ગયો હું, સ્વયમ પાર થઈ ગયો.

ભૂલી ગયો જો પ્રાર્થના-પૂજા પરોઢની,
તાજા કલમના વાસી સમાચાર થઈ ગયો.

એ પંખી બીજું કોઈ નહીં આ હૃદય હશે,
પીંછું ખરેલું જોઈને ચિત્કાર થઈ ગયો.

શબ્દોમાં કોણ મૂકી શક્યું સમજીને પૂરું,
એ મૌન થઈ ગયો જે સમજદાર થઈ ગયો.

મિસ્કીન એ ધબકતું હતું કોણ સાથમાં?
લાગે છે હવે કેમ નિરાધાર થઈ ગયો? ....

ભુલી જઈએ ...
હતી જીવલેણ ઠોકર પણ એ ઠોકરને ભુલી જઈએ,
ઘણાં ફૂલો મળ્યાં એ એક પથ્થરને ભૂલી   જઈએ.


ગમે ત્યાં જાવ,   ખર્ચો ખૂબ   કિંતુ ના મઝા  આવે,
શરત છે  સાવ સીધી એ જ કે ઘરને ભૂલી  જઈએ.


પછીથી લાગશે આ જિંદગી અવસર સમી હરપળ,
ફકત માઠા નહીં સારાય અવસરને ભૂલી   જઈએ.


હજૂ પણ  ક્યાં સુધી નાટક   રિસાવાનાં-મનાવાના,
ઊભુ  હાથે   કર્યું  એ      દોસ્ત અંતરને ભૂલી જઈએ.


હકીકત એજ છે કે સૂરજ અને અજવાળું સાચા છે,
હવે ઓ કલપ્ના!    એ   રાતના ડરને ભૂલી  જઈએ.


પરિસ્થિતિ નહીં, તો નાખીએ બદલી  મન:સ્થિતિ,
ખરેખર દેહ પિંજર છે   તો પિંજરને   ભૂલી  જઈએ.


નથી પૂરી શકાતા પ્રાણ    એકે   કાર્યમાં ‘મિસ્કીન’,
હવે આ  આંધળી  શ્રદ્ધા- ઈશ્વરને    ભૂલી     જઈએ....


- રાજેશ વ્યાસ 'મિસ્કીન'

Thursday, January 20, 2011

હવે ...2poems with 1Title

પાર કરવાનો છે તોફાની મહાસાગર હવે,
ને બચ્યા છે શ્વાસમાં કેવળ અઢી અક્ષર હવે.

જોજનો જેવું કશુંયે ક્યાં રહ્યું અંતર હવે,
આપણી વચ્ચેનું છેટું, જન્મજન્માંતર હવે.

આ વળી, કેવા હિસાબો તેં કર્યાં સરભર હવે,
બહારથી દરિયો, ને લાગું રણ નર્યો ભીતર હવે.

હર પળે બસ, સાંભળું છું વાગતું જંતર હવે,
કે ખરેખર ઝંખના પ્રગટી હશે અંદર હવે.

એક પરદેશીની માયા કેટલી મોંઘી પડી ?
થઇ ગયું હોવું ત્રિશંકુ, ના ધરા-અંબર હવે.

કેટલું એકાંત? જ્યાં ખખડાટ અમથો પણ થતો,
શ્વાસ જેવા શ્વાસ પણ થંભી જતા પળભર હવે.

દેહને છોડી જવાનું મન હજુ ‘મિસ્કીન’ ક્યાં ?
ને જીવું હર પળને એવું ક્યાં કશું અંદર હવે ? - 
- - - - રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ 


હવે,
સપનાંને લાગે છે આછેરો થાક !
મારાં સપનાંઓ કેમ નહીં જંપો જરાક ?

પાંખ રે ખોલી ને ત્યાં તો આભ રે અલોપ:
આંખો ખોલ્યાનો આ તો કેવો રે કોપ !
નહીં પાછા ફરવાનો મળે કયાંય રે વળાંક
હવે, સપનાંને લાગે છે આછેરો થાક !

રેતી પર ટળવળતી માછલીઓ જેમ
કૂણાં સપનાંઓ આજ લગી આળોટ્યાં કેમ ?
દરિયો આ ઘૂઘવે ને કાંઠા અવાક !
હવે, સપનાંને લાગે છે આછેરો થાક ! - - - - જગદીશ જોષી

And now one news, on this saturday 22-1-11 "KavyaMahostav"  will be organized by Kavya Dhara & kavi shri Krushn Dave at Sahitya Parishad , behind - Times of India, NehruBridge , A'bad. at  6.00 pm. And its Free ... 
You can hear live - shri Krushn Dave, Miskin, Anil Joshi, Vanchit Kukumvala, Daksha Patel & many more .... 

Wednesday, January 19, 2011

खोल दो ...A short story


















 
- શાહ્દત હસન મન્ટો

કેટ્લીક હકીકતો બહુ ભયાનક હોય છે. બળાત્કાર એ કદાચ સો ખૂન કરતા પણ વધારે ગંભીર ગુનો છે.પણ અહીં કઈક બીજી વાત કરવી છે. જે પુરુષોને સ્ત્રીઓ તરફ થી કઈ સારા અનુભવો થયા નથી એવા ઘણા લોકોને મે એમ કહેતા સાંભળ્યા છે કે "મને સ્ત્રીઓ પ્રત્યે નફરત થઈ ગઈ છે" એવા લોકો ને મારે કહેવુ છે કે સદીઓ થી સ્ત્રી પુરુષનુ આવુ ભયાનક રુપ જોતી આવી છે છતાપણ એણે તો પુરુષો પર ભરોસો કરવાનુ છોડી નથી દીધુ, અલબત્ત એણે પુરુષો ને જન્મ આપવાનુ પણ છોડી નથી  દીધુ. દુનિયા મા એક ઝાડ્ના બે પાંદ્ડા પણ સરખા નથી હોતા તો માણસ તો ક્યાથી હોય?  ને સ્રી હોય કે પુરુષ એ પહેલા એક માણસ છે, એક અલગ અસ્તિત્વ. કોઈ એક - બે વ્યક્તિ તરફથી ખરાબ અનુભવ થાય તો સમગ્ર જાતિને કઈ દોષ દેવા ના બેસાય. જે લોકોને સ્ત્રીઓ તરફ્થી ખરાબ અનુભવ થયા હોય એ, એ કેમ ભુલી જાય છે કે એમની માતા-બહેન પણ એક સ્ત્રી જ છે. ને જીવનમા ક્યાક તો અન્ય સ્ત્રી મદદ મા આવી જ હશે, ને સામે પક્ષે સ્ત્રીઓ એ પણ એ યાદ રાખવુ જ રહ્યુ. આખરે આ બંને જાતિ એ એક્બીજામા શ્રધ્ધા ને ભરોસો રાખ્યા વિના છૂટકો જ નથી. આ પણ એક હકીક્ત છે.
ને હવે થોડુ શાહ્દત હસન મન્ટો વિષે .......

મેં તો ઝેર નો કટોરો સ્હેજ પીધો,…!

મેં તો ઝેર નો કટોરો સ્હેજ પીધો, ને અંગ અંગ મીરાં ફૂટી…!
મેં તો હાથ મહીં હાથ સ્હેજ લીધો, ને ચાર પાંચ રેખા ટુટી..!



મીરાંની આંખમાંથી નીતરે છે રોજ બની વહેલી સવાર એક ઝરણું,
મીરાંનાં તંબુરથી ટુટેલાં તાર મારાં આંગણાનું બોલકણું તરણું,


રાણાને સંદેશો મોકલવા કલમ લઇ બેઠી ત્યાં શાહી સહેજ ખુટી…!

રાધા બનીને સહેજ કહું છું હું ક્હાન, ત્યાં તો પારધીએ તીર એક તાંકયું,

શબરીનાં બોરમાંથી કાંટાને કાઢ્તા જીવનનું ઝાડ ખૂબ થાક્યું,
ગિરિધર નાગર ને રીઝ્વવા નાચું ત્યાં ઘુંઘરુની ગાંઠ એક છુટી…!



મેં તો ઝેર નો કટોરો સ્હેજ પીધો, ને અંગ અંગ મીરાં ફૂટી…!
મેં તો હાથ મહીં હાથ સ્હેજ લીધો, ને ચાર પાંચ રેખા ટુટી..!



- ભાગ્યેશ જ્હા

Tuesday, January 18, 2011

ન મળવાની ચીજો મળી પણ શકે છે...

ન મળવાની ચીજો મળી પણ શકે છે
ઘણીવાર સ્વપ્નો ફળી પણ શકે છે

ગમે ઊર્ધ્વતા આ તમારા હ્રદયની
અમારુ હ્રદય તો ઢળી પણ શકે છે

અહીં ઠેકઠેકાણે આવે વળાંકો
તુ મરજી પ્રમાણે વળી પણ શકે છે

આ માણસનાં હૈયા પણ, છળે પણ,
મુસીબત પડે તો મળી પણ શકે છે

અહીં એક તરસ્યા ઇસમની કબર છે,
અહીંથી નદી નીકળી પણ શકે છે....

- Kiran Chauhan

સાચી વાત છે આ જીવન છે ને અહી કઈ પણ થઈ શકે છે. પણ ક્યારેક દુખી માણસો રડવામા એટલા પાવરધા થઈ જાય છે કે એમને દુખના ખાબોચિયા માથી બહાર આવતા પણ બીક લાગવા માડે છે. ને હદ તો ત્યારે થાય છે જ્યારે આવા લોકો કઈક અલગને કઈક નવુ કરતા લોકો ને હમેશા રોકતા હોય છે એમ કહી ને કે "આમ તે કઈ થતુ હશે ? આવુ તે ક્યાય જોયુ છે ?" કેમ ભાઈ બીજા ના પગલા ઘસાઈ ને કેડી પડી હોય એ જ રસ્તે ચલાય ? શુ નવા રસ્તા શોધી ના  શકાય ? તો પછી આના વિષે શુ કહેવુ છે ? ,

આભમાં કે દરિયા માં તો એક પણ કેડી નથી
અર્થ એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી...
- 'મિસ્કીન'

માણસ બિચારો...

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ, મને જે ખાસ જાણે છે.
દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

- બરકત વિરાણી ‘બેફામ’

ઈશ્વર   વિશેની   શક્યતા   શંકાજ  લાગશે,
માણસ  બિચારો,ક્યાં સુધી  ભૂલો સુધારશે.

રેખા  પડેલી  હાથની   ભૂંસી શકાય  પણ,
ખાલી  પણાનો ભાર, પછી કેવો  લાગશે?

હસતાં શીખું   છું  આયનામાં    જોઈ  હું,
આદત હશે તો, કોઈ દિવસ કામ આવશે,

મારા વિશે હું માન્યતા બદલી શકું છું પણ,
ચિંતા હવે તો એજ છે , લોકો   શું  ધારશે!

વ્હેતા સમયના વ્હેણમાં ધોયા છે હાથ  મેં,
ચાલો  હવેથી     કોઈને    ઓછું   ન આવશે.

-કૈલાશ પંડિત

Monday, January 17, 2011

' ચાલ ચા પીએ!' - A Love Story

લાઈફ કાઈ ખાલી સત્યો શોધવા થોડી છે ? એ તો એન્જોય કરવા માટે પણ છે . લાઈફમા ખાલી શાણપણ નહી થોડુ ગાંડ્પણ પણ જોઈએ ભાઈ! So one cute  story.
 
લગ્ન જ ન કરવાનો નિર્ણય લઈને બેઠેલા કોઈ 'સ્વામીજી'ને સાવ અચાનક કોઈ મળી જાય અને તેઓ પૂછી બેસે,વિલ યુ બી માય વેલેન્ટાઈન? અને તેમની જિંદગી બદલાઈ જાય તો?

'તું મારી સાથે લગ્ન કરીશ? આપણા સંબંધોને આપણે કાંઈક નામ આપીએ.'

'ના' સૌંદર્યના સમંદરે માથું ધુણાવ્યું.

'વેરી ગૂડ...ચાલ ચા પીએ...' સ્વામીજીએ કહ્યું. 
કાજલ તેના ચહેરાને તાકી રહી... કઈ માટીનો બન્યો હતો આ માણસ? મોઢા પર ના પાડી દીધી તોયે કાંઈ નહી, ઉપરથી વેરી ગૂડ કહીને ચા પીવાનું કહે છે! કાજલના ચહેરા પર ઉલઝન ચીતરાઈ ગઈ. પણ સ્વામીજી પોતાની રોજિંદી બેફિકરાઈથી ચાની ચૂસકી લેવા માંડયા હતા. ચા પીને હજુ 'ફિલ્ડ'માં જવાનું હતું, ઘણાને મળવાનું હતું.
કાજલથી રહેવાયું નહી. પૂછી જ નાખ્યું, 'મેં ના પાડી તોયે તમને કાંઈ નથી? ઉપરથી ચા મંગાવી... જાણે છૂટી ગયા હોવ એવી લાગણી તો નથી થતીને?'
'ના, એવું નથી કાજલ...' સ્વામી મુસ્કુરાયા, 'હકીકતમાં મને આજ સુધી કોઈ છોકરીએ 'હા' જ પાડી નથી એટલે તારા જવાબથી કોઈ આશ્ચર્ય નથી થયું...!'
- એ સ્વામીજી ખરા, પણ ભગવાં કપડાં અને માળા-મણકા પહેરીને ટીલાં-ટપકાં કરવાવાળા સ્વામી નહી. એનું નામ અશ્વિન જોષી (બદલ્યું છે). અત્યંત હસમુખો અને મળતાવડો સ્વભાવ. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાંથી શહેરમાં જઈને તેણે આપબળે પોતાની કારકિર્દી બનાવવાની કવાયત આરંભી.
એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી મળી ગઈ. સાલસ સ્વભાવના લીધે સહકર્મચારીઓની સાથે પણ દૂધમાં સાકરની જેમ એ ભળી ગયો. એક નાનકડી ઓરડી ભાડે રાખી લીધી અને ટિફિન બંધાવી લીધું. ગામમાંથી પણ લાંબો સંઘર્ષ કરીને અશ્વિન અહીં સુધી પહોંચ્યો હતો. અહીંયાં પણ પથ પર ફૂલો બિછાવેલાં તો હતાં જ નહીં. એક તો કારકિર્દી બહુ મોડી શરૃ કરી અને એમાં પાછો આર્થિક સંઘર્ષ. સામાજિક જવાબદારીઓ પણ જડબાં ફાડીને ઊભેલી હતી, પણ અશ્વિનનાં વાણીવર્તનમાં તેનો જરાયે અણસાર આવે નહીં. કાળનાં પૈડાં પર સમયની ગાડી સડસડાટ દોડતી હતી. અશ્વિનની ઉંમર પણ વધતી ચાલી...ત્રીસ, એકત્રીસ, બત્રીસ વર્ષ...!
મિત્રો અને હિતેચ્છુઓ તેને લગ્ન કરી લેવાનું કહેવા માંડયા, પણ અશ્વિને બધાને મક્કમતાથી કહી દીધુ, 'આપણે લગ્ન કરવાં જ નથી.' કુટુંબીજનો પણ સમજાવવા માંડયાં. અશ્વિન હસતાં હસતાં કહેતો, 'નોકરી થાય ત્યાં સુધી કરવાની અને પછી ક્યાંક આશ્રમ ખોલીને બેસી જઈશ, દાઢી વધારી લઈશ.' બસ...ત્યારથી તેનું નામ 'સ્વામી' પડી ગયું.
સ્વામી ચાલીસી વટાવી ગયા. નોકરી કરતાં કરતાં કુટુંબની જવાબદારીઓ નીભાવતા ગયા. તેનો નિર્ણય મને-કમને બધાએ સ્વીકારી લીધો હતો. સ્વામી લગ્ન નહીં જ કરે તે લગભગ પથ્થરની લકીર જેવું સત્ય હોવાનું મનાતું હતું. બસ, એવા સમયે જ એક ઘટના બની. 
 સ્વામીની ઓફિસના અન્ય એક ડિપાર્ટમેન્ટમાં કાજલ આવી. સ્વામી સાથે સંબંધો બંધાયા અને પછી કોઈને કલ્પના પણ ન આવે એવું પગલું સ્વામીએ ભરી લીધું. કાજલને સીધુ જ પૂછી લીધું, 'મારી સાથે લગ્ન કરીશ?' 
 કાજલે 'ના' પાડી દીધી . 
સ્વામી, "ઓકે, ચાલ ચા પીવા જઈએ. " અને સ્વામીએ એની 'ના' ને પણ ચા પીને સેલિબ્રેટ કરી. કાજલ હેરાન થઈ ગઈ...કઈ માટીનો બન્યો છે આ માણસ...? પણ, એ સ્વામી હતો, ભલે ચહેરાથી નહીં, નામથી તો હતો જ ને...? દુઃખ-દર્દ કે આઘાત એટલાં જોયાં હતાં કે હવે લગભગ એવી લાગણીઓ તેના માટે અસ્પૃશ્ય બની ગઈ હતી.
આજે તો કાજલ અને સ્વામી પરણી ગયાં છે. બન્નેના સુખી સંસારના પરિપાકરૃપે એક નાનકડી પરી જેવી એક વર્ષની બેબી પણ છે.  સ્વામીજી પોતાની વાત આગળ ચલાવતાં કહે છે, 'કાજલે ના પાડયા પછી થોડા દિવસો એમ ને એમ જ પસાર થઈ ગયા અને પછી કાજલે જ મને પૂછયું. 'તમે લગ્નની વાત કરતા હતા તેનું શું થયું?'
'તેં ના પાડી પછી માંડી વાળ્યું.'
'પણ હવે કહું છું કે આપણે કાંઈક વિચારવું જોઈએ.'

સ્વામી,"એમ ? ચાલ, પાછી ચા પીએ...!"

અને ૨૦૦૮માં ૪૩ વર્ષની ઉંમરે અશ્વિન જોષી ધામધૂમથી કાજલને પરણી ગયા.
સ્વામીજી પરણ્યા ત્યારે ઘણાને દુનિયાની આઠમી અજાયબી જેવું આશ્ચર્ય થયું હતું અને ઘણા તો આ વાત માનવા જ તૈયાર નહોતા.

(સત્યઘટના) - જયરામ મહેતા

એક વાર્તા... ને કેટલાક સત્યો

એક વાર્તા...
એકવાર એક એક વેપારી એ એના છોકરાને સુખનો અર્થ સમજવા દુનિયાના સૌથી શાણા માણસ પાસે મોકલ્યો. લાંબી દ્ડ્મજલ પછી એ છોકરો ત્યા પહોચ્યો. એ માણસને ત્યા બહુ ભીડ હતી. આખરે બે કલાકે એનો નંબર આવ્યો. એ છોકરાએ પેલા  શાણા માણસને એના આવવાનુ કારણ જણાવ્યુ. પેલા માણસે કહ્યુ કે હમણા મને સમય નથી તો હુ નવરો થાઉ ત્યા સુધી તુ એક કામ કર. 

એક ચમચી મા તેલના ચાર ટીપા નાખી પેલા છોકરાને આપે છે અને કહે છે ," જો આ ચમચી હાથમા પકડી તુ મારા આખા ઘર ને જોઈ વળ. ને તુ આમતેમ ફરતો હોય તો આ ચમચી માથી એક પણ ટીપુ બહાર ના પડવુ જોઈએ."

છોકરો એક પછી એક ઓરડામા ફરવા માડે છે પણ એની આખો તો ચમચી પર ચોટેલી હોય છે. કલાક પછી એ પાછો ફરે છે. પેલો માણસ પૂછે છે,
 "સારુ ભાઈ તે શુ જોયુ ? મારા ઘરની બારીઓના પડદાઓનુ ભરતકામ જોયુ ? પેલા ચોથા ઓરડાની છત પર ઝુલતુ ઝુમ્મર જોયુ ? પેલા પગથીયા પરના આરસના પૂતળા જોયા? પુસ્તકાલય જોયુ ? એમા કઈ કઈ ભાષાના પુસ્તકો છે એ જોયા ?"

છોકરો છોભીલો પડી જાય છે ને કબૂલે છે, " મારુ ધ્યાન તો તેલના ટીપા સાચવવામા જ હતુ ."

પેલો માણસ," કઈ વાધો નહિ. જા ઉપડ મારા ઘરમા જોવા જેવુ ઘણુ બધુ છે. જા !"

ચમચી લઈ ને છોકરો જાય છે ને આ વખતે આખા ઘરને ધ્યાનથી જોવે છે. ને જાતભાતની વસ્તુઓ જોઈ ચકિત થઈને પાછો આવે છે ને પેલા માણસને પોતાની યાત્રાનો અહેવાલ આપે છે.

ને પેલો માણસ પૂછે છે , "સારુ, પણ ચમચીમાથી તેલ ક્યા છે ?"

પેલો છોકરો પાછો છોભીલો પડી જાય છે તેલ તો ઢોળાઈ ગયુ હતુ.

"સાંભળ છોકરા ! સુખી થવુ હોય તો દુનિયા આખી જોવાનો મોહ રાખવો, એને માટે પ્રયત્ન પણ જરુર કરવાનો પણ હાથમાના તેલના ટીપા ભૂલવાના નહિ. " પેલા માણસે કહ્યુ.

કેટલીક વાર આપણે અમુક વસ્તુઓ મા એટલા involve થઈ જઈએ છીએ કે ખુદ ને ભુલી જતા હોઈએ છીએ, ને ક્યારેક ખુદમા એટલા involve થઈ જઈએ છીએ કે આપણી આસપાસ પણ બીજા અસ્તીત્વો છે ને એમને પણ સારી ખોટી લાગણીઓ હોય છે એ પણ ભુલી જઈએ છીએ..... આવી તો ઘણી બાબતો છે લાઈફ મા જેમા બેલેન્સ રાખવુ બહુ જરુરી છે. ચમચી મા તેલ ના ટીપા સાચવીને દુનિયા જોવી કદાચ એ  જ જીવન છે...

અને હવે  કેટ્લાક સત્યો....

કેટ્લાક સત્યો યુનિવર્સલ હોય છે, જ્યારે કેટલાક સત્યો દરેકને એના જીવન માથી પ્રાપ્ત થતા હોય છે, એ એક જેવા પણ હોઈ શકે છે ક્યારેક અલગ પણ હોઈ શકે છે.... જેમકે ....

  • જીવનમા બધાને ખુશ રાખવા શક્ય નથી, અને એ જરુરી પણ નથી.
  • જે લોકો આપણી નજીક હોય એ લોકો આપણા જીવનનો ભાગ બની જતા હોય છે, પણ પછી આપણે એ લોકોની અપેક્ષા પ્રમાણે ના વર્તીએ તો એ લોકો ગુસ્સે થાય છે, આવા સમયે એક સત્ય એ કામ મા આવે છે કે - બીજાએ કેવું વર્તન કરવુ એ બધા જાણતા હોય છે , પણ પોતે શુ કરવુ એનો ખ્યાલ ભાગ્યે જ કોઈને હોય છે.
  • લાઈફ્મા ક્યારેય કોઈ 'વ્યક્તિ'ના પક્ષમા નહિ, પણ હમેશા 'સત્ય'ના પક્ષમા રહેવુ. ચાહે પછી સત્ય તમારા દુશ્મન ના પક્ષે કેમ ના હોય ! મા-બાપ હોય, દોસ્ત હોય કે ગમે તેવી આદરણીય વ્યક્તિ હોય ... એ લોકો પણ માણસો જ છે ... ને એ લોકો પણ ખોટા હોઈ શકે છે... એટલે જ્યારે બે માથી કોઈ એક વ્યક્તિ ને સાથ આપવાનો આવે ત્યારે એ વ્યક્તિ સાથે નો સંબંધ નહિ પણ એનામા રહેલા સત્ય ને જ જોવુ... નિર્ણય કરવો સહેલો થઈ જાય છે.
  • પોતાની ઈચ્છા, પોતાના સપના પૂરા ના થાય ત્યારે કોઇ બીજાની ઈચ્છા બીજાના સપના પૂરા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એવા બીજા લોકો જેઓ તમારી થોડીક મદદ થી એમની ઈચ્છા પૂરી કરે શકે એમ હોય છે.. એટ્લીસ્ટ બીજાની ઈચ્છા પૂરી કરીને તમે કઈક કર્યા નો સંતોષ તો છેવટે મેળવી  શકશો ! :)

Saturday, January 15, 2011

માણસ ........

કોઈ પણ વાત ની ક્યા કમી હોય છે,
હા  અધૂરો  ફક્ત  આદમી   હોય   છે...

બહારથી લાગશે સુઘડ માણસ,
સાવ ભીતર ભર્યો હવડ માણસ.

જાતને પણ પરાઈ માને છે,
ખોઈ બેઠો બધી પકડ માણસ.

સહેજ નવરાશ જ્યા મળે છે ત્યાં,
શોધતો યાદના સગડ માણસ.

ટાઢ તડકે જ જ્યાં ઊછરવાનું,
કેમ ના હોય એ બરડ માણસ.

આશરો માનતો થયો જેને,
થઈ ગયો એય સાવ જડ માણસ....
 
- રાજેશ વ્યાસ 'મિસ્કીન'

‘લાઈફસ્ટાઈલ બ્લોક’ : દવા અને દુઆ બધું જ નિરર્થક!

 ક્યારેક ખોટખોટા ને ક્યારેક સાચેજ પણ  Busy રહેવુ એ તો આજકાલ ફેશન થઈ ગઈ છે. કોઈને એમ કહીએ કે આજકાલ નવરા છીએ ને લાઈફ્માં શાંતિ ચાલે છે તો લોકો એવી રીતે સામે જોશે જાણે ૨૧મી સદીમા ૧૮મી સદીના કપડા પહેરીને  નિકળ્યા હોઈએ. ...... જો કે આજ ની લાઈફ સ્ટઈલ જ લોકો એ એવી કરી નાખી છે .... Sharing here Bhavin Adhyaru's article from 'Yangistan' ...


આંખ લાગી ચેટિંગની વાટ લાગી ઊંઘની -  સવારે મોટે ભાગે દિવસ શરૂ થયા પછી અને છેક મોડી રાત સુધી કમ્પ્યૂટર અને ‘લેપ્પી’ પર ચેટિંગનો જ આલમ છવાયેલો રહે છે. પાપડીના લોટ (ખીચું)થી પેન્ટાગોન સુધી અને મોટે ભાગે યંગસ્ટર્સમાં ગીતો ડાઉનલોડ કરતા કરતા રિલેશનશિપ બનાવવાનાં લંગસિયાં નંખાતાં રહે છે. પરિણામે લાઈટના બિલની સાથે આંખો અને હેલ્થ પણ બગડે છે, સારું રીડિંગ કે સ્પોર્ટ્સ તો પોસિબલ નથી જ થઈ શકતા એ લટકામાં!
બાળપણની સાથે આશ્ચર્યને પણ અલવિદા! -  બાળપણ અને આશ્ચર્ય? એ વળી કઈ બલાઓનાં નામ, વાતે વાતમાં સોગિયું મોઢું રાખી બોરિંગ ગંભીરતા સાથે ફરવું એ જાણે નિયમ, ‘આઈ વિલ કમ બેક ટુ યુ’ અને વાતે વાતમાં થેન્ક્યુ અને સોરી કહેવાની ફોર્માલિટી ત્રણ દિવસની વાસી ભાખરી જેવા છે. ફિલ્મો, પુસ્તકો અને કંઈકેટલીય રસપ્રદ વાતોની ગોઠડી જમાવવાને બદલે લેપટોપમાં મોં ખોસીને ફક્ત કોલ ઈન્ડિયાના શેર લેવા - વેચવા અને કોઈ વાતમાં ખૂલીને ન હસવું અને નવું જાણવાનું કુતૂહલ ન રાખવું એ માનસિક દરિદ્રતાથી વિશેષ કંઈ નથી.
મેન્ટલ સ્ટ્રેસનું જંતરમંતર -    સતત મગજને તાણમાં રાખવું અને ટેન્શનમાં ફરવું એ રૂટીન બની ગયું છે, કો-વર્કર્સ, GF-BF સાથેની લમણાઝીંક, ટેન્શનથી તાણ અને પછી દવાઓ ખરીદીને ફાર્મા અને સિગારેટો ફૂંકીને ટોબેકો ઈન્ડસ્ટ્રીને લિફ્ટ કરવાની! ચિંતાને મહત્ત્વ આપી વહેલું મરી જઈને ‘યંગ અચિવર’બની જવાનું સદ્ભાગ્ય પણ સાંપડે!
ડિસફંક્શનલ ફેમિલી લાઈફ -  લાસ્ટ મિનિટે કેન્સલ થતા ફરવા જવાના પ્લાન, મેરિડ લાઈફના કોમ્પ્લેક્સ્ડ પ્રોબ્લેમ્સ, ધરાર લગ્ન પછી થોડાં વર્ષો પછી મા-બાપથી અલગ થવાની માથાકૂટ, સતત બાળકોને કંટ્રોલમાં રાખતું ફોલ્ટી પેરેન્ટહુડ, ઓફિસે મોડે સુધી રોકાવાથી ‘દૂરી પ્રેમ વધારે’ના ન્યાયે કામ ચાલુ જ રહે છે! છેલ્લે કાર્ડિયાક સર્જ્યન સિવાય કોઈ માલામાલ નથી બનતું.
ફ્રેન્ડસની બાદબાકી -  લાઈફસ્ટાઈલ કંઈક એવી બની ગઈ છે કે ફ્રેન્ડસ કરતાં ક્લીગ્સ સાથે વધારે સમય વીતે છે,કલીગ ફ્રેન્ડ્સની જેમ બલિદાન, અડધું ટિફિન નથી માંગતા બસ એક સિગારેટ અને ફોર્વર્ડેડ એસએમએસમાં સંતોષ માની લે છે! ક્લીગ્સનો જન્મદિન ભૂલીએ તો કોઈ ગીલ્ટ ફીલ નથી થતું. ફ્રેન્ડ્સ ઓછા મળતા હોઈ બર્થ ડે યાદ રાખવાની ઝંઝટ ઓછી થઈ ગઈ છે. લગભગ એવો ખ્યાલ પ્રવર્તે છે કે વર્ષો જૂના ફ્રેન્ડ્સ બોરિંગ લાગે અને ચેટિંગમાં મળતા ક્યારેય ન જોયેલા વર્ચ્યુઅલ લોકો નવા લાગે! પ્લસ, ફ્રેન્ડ્સ સાથે પોલિટિકલી કરેક્ટ ન રહી શકાય જ્યારે કલીગ સાથે કે વર્ચ્યુઅલ જગતમાં તો આ બધા ‘પર્ક્સ’ મળે!
સોશિયલ બોયકોટ, ઓન ધ રોક્સ! -    મોટે ભાગે કોઈ એક્સવાયઝેડ કઝિનનાં લગ્નમાં જવા સિવાય બધા ખાસ કોઈ સોશિયાલાઈઝ નથી બનતું, સતત કામમાં ગળાડૂબ રહેવાથી ભલે કમરનો દુખાવો ફ્રીમાં મળતો હોય પણ સામે બિઝી રહેવાથી બહુ જવાબ આપવા નથી પડતા, લોકોનો મેળાવડો જોવા ટીવી ચાલુ કરી રિયાલિટી શોમાં આવતા સ્પર્ધકોની લાઈન અને જજના તમાશા જોવા પડે છે!
રવિવાર, રજાઓ અને રાષ્ટ્રીય તહેવારોના દિવસે પણ ઓફિસવર્ક! -      રવિવારે અને કોઈ પણ રજાઓમાં સવારે ટ્રાફિક પણ નથી હોતો, ટ્રેઈન કે બસમાં જગ્યા આરામથી મળી રહે છે, બપોરે ઓફિસે મંગાવાતું લંચ ફટાફટ આવી જાય છે! રવિવારની બપોરે આવી ચઢતા મોંઘેરા અતિથિઓથી પણ બચી જવાય છે, અને ફેસબુકમાં સ્ટેટસ મુકાય છે કે રવિવારે પણ કામ! પણ ક્યારેક ઘરે પત્ની,બાળકો અને મા-બાપ સાથે સમય ન વિતાવી શકવાનો અફસોસ જાનલેવા હોય છે.
‘મારે કેટલા ટકાવાળો’ એટિટયુડ
દરેક ઘટના બને ત્યારે ‘મારે કેટલા ટકાવાળો’ એટિટયુડ ક્યારેક બહુ રાહત અપાવનારો હોય છે. કેટલીક વસ્તુઓ છેલ્લે લાખ સંકલ્પ અને પ્રોમિસીઝ પછી જેમની તેમ બાકી રહી જાય છે. ન વાંચેલાં મેગેઝિન્સ, નોવેલ્સ, ન જવાયેલાં હિલ સ્ટેશન્સ,ઋજુતા દિવેકરની ‘ડોન્ટ લુઝ યોર માઇન્ડ,લુઝ યોર વેઇટ’ વાંચીને કરેલા ડાયટિંગ પ્લાન્સ,ન જોવાયેલી ફિલ્મો,શિયાળાની હગ્સ,ફોરવર્ડ કર્યા વગરના રહી ગયેલા મેસેજ, ફેસબુક અપડેટ્સ, વાઈફ માટે જાતે બનાવેલી પણ અપાયા વગર રહી ગયેલી ગિફ્ટ, લગ્ન વખતે મળેલો પણ વપરાયા વગરનો ડિનર સેટ, ‘છી છી’ કરીને દૂર રહી ન પિવાયેલી શેમ્પેઈન, ટેણિયા સાથે ન રમેલા બ્લોક્સ અને જીવનમાં આવેલી કેટલીયે ચૂંટણીઓમાં ન કરી શકેલા મતદાન. 
પેલી જાહેરાત જીવનમાં એકદમ સાર્થક ઠરે છે, ‘ઉસે આને તો દે, એ દિલ એ બેકરાર, ફિર કર લેના જી ભરકે પ્યાર... આજ કી રાત’.....
- ભાવિન અધ્યારુ

Thursday, January 13, 2011

વાંચીને મલકાઈ જશો ...

લાઈફમા બેલેન્સ બહુ જરુરી છે, એક ખોટુ કામ કરીએ તો એક સારુ કામ પણ કરી દેવાનુ, બધા કામ અઘરા નહી કરવાના ક્યારેક સહેલા કામ પણ એન્જોય કરવાના .... ને થોડી ભારેખમ વાત થાય તો પછી થોડી હળવી વાતપણ લહેરાવાની ... જેમકે ........

ડ્રેસ્સ માં તમે સારા લાગો છો, 
પંજાબી માં તમે પ્યારા લાગો છો 
સાડી માં તમને કોઈ દી જોયા નથી, 
માટે તમે કુંવારા લોગો છો ...

તું હસે છે જયારે જયારે,
ત્યારે ત્યારે તારા ગાલ માં ખાડા પડે છે
હૂં વિચારું છુ બેઠો બેઠો,
કે મારા સિવાય આ ખાડા માં કેટલા પડે છે??

જીવન માં જસ નથી,
પ્રેમ માં રસ નથી,
ધંધા માં કસ નથી,
જવું છે સ્વર્ગ માં,
પણ જવા માટે કોઈ બસ નથી...

 દિલ ના દર્દ ને પીનારો શું જાણે,
પ્રેમ ના રીવાજો ને જમાનો શું જાણે,
છે કેટલી તકલીફ કબરમા,
તે ઉપરથી ફૂલ મૂક્નારો શું જાણે ...

તમે ફૂલ નહિ પણ જમીન પર ઉગતા ઘાસ છો,
સાચું કહૂ તમે?  તમે એક મોટો ત્રાસ છો ....

njoy :)

કોઈ તારુ નથી...

મને તો જિંદગી દુખમાં વધુ  ઝ્ળહળતી  લાગે  છે,
નદીમાં હોય છે પથ્થર તો એ ખળખળતી લાગે છે...

આ પૃથ્વી પર કોઈ એક જણ એવુ નહી હોય જેણે ક્યારેય એક્લતા નહી અનુભવી હોય. સારો/સારી જીવનસાથી, સારા કુટુંબીજનો ને સારા મિત્રોથી ઘેરાયેલા હોવા છ્તા પણ જીવનમાં કોઈ એક તબક્કો તો એવો હોય છે જ જ્યા માણસને એમ લાગે છે કે એ સાવ એક્લો છે. અફ્કોર્સ દુખમાં જ આવુ વધુ લાગે. નવાઈ ની વાત તો એ જ છે કે માણસ એ સારી રીતે જાણે જ છે કે જીવનની બે મોટી સફર - એક તો આ દુનિયામા આવવુ ને બીજુ અહીંથી કાયમ માટે જવુ એ સફર એ એકલો જ ખેડતો હોય છે. છતાં એ બે મુકામ વચ્ચેના સમયગાળામા એ એકલતાથી કેમ ડરતો હશે? Anyways, આ કવિતા એટ્લે જ તો લખાઈ છે કે માણસને બ્રહ્મજ્ઞાન થાય ને એકલતાનો ડર થોડો ઓછો થાય ... :)

સાવ જૂઠું જગત કોઈ તારુ નથી,
મૂક સઘળી મમત કોઈ તારુ નથી.

કોણ કોનું? અને એય પણ ક્યાં લગી ?
છે બધું મનઘડત  કોઈ  તારુ  નથી.

જે પળે જાણશે સોંસરો સળગશે,
આ બધી છે રમત  કોઈ તારુ નથી.

કોઈ ઉંબર સુધી તો કોઈ પાદર સુધી,
છેક સુધી સતત  કોઈ  તારુ  નથી.

કઈ રીતે હું મનાવું તને બોલ મન,
બોલ, લાગી શરત કોઈ તારુ નથી.

કોઈ એકાદ જણ એય બેચાર પળ,
કે અહીં હરવખત  કોઈ  તારુ નથી...


- રાજેશ વ્યાસ 'મિસ્કીન'

Wednesday, January 12, 2011

ગઝલ પાસે ...

ગઝલ એટલે ગઝલ .... ગઝલના રસિયાઓ માટે ખાસ ...

તને શબ્દોની એક નોખી અદબ મળશે ગઝલ પાસે
અને અર્થોનો એ જાદુ ગજબ મળશે ગઝલ પાસે



યુગોથી તપ્ત રણની પ્યાસ લઇને તું ભલે આવે
છિપાવે પ્યાસ પળમાં એ પરબ મળશે ગઝલ પાસે



ફક્ત બે ચાર ટીપામાં નશો એનો ચડી જાતો
સુરા એવી અલૌકિક ને અજબ મળશે ગઝલ પાસે



નિરાશા જિંદગીની ચોતરફથી ઘેરશે જ્યારે
નવી આશાનું એકાદું સબબ મળશે ગઝલ પાસે



ક્ષણોમાં જીવવાનો રંજ ના રહેશે કદી મનમાં
ક્ષણો શાશ્વત બને એવો કસબ મળશે ગઝલ પાસે

- ઉર્વીશ વસાવડા