Thursday, March 29, 2012

પ્રેમ એટલે ખુલ્લા પરબીડિયામાં મૂકેલો સરનામા વિનાનો પત્ર.

પ્રેમ એટલે શું ?
પ્રેમ એટલે સલામતી ?
કે ૫છી પ્રેમ એટલે સમાધાન ?
હૂંફની હાજરી એટલે પ્રેમ ?  કે ભયનો અભાવ એટલે પ્રેમ ?
પ્રેમ એટલે અધિકારની માગણી કે અધિકારની સોં૫ણી ?

પ્રેમ એટલે શું ?
કશુંક મેળવી લેવું ?  કે ૫છી કશુંક આપી દેવું ?
એકબીજાની સાથે રહીને જે અનુભવ થાય તે પ્રેમ ?
કે ૫છી દૂર રહીને ૫ણ જે લાગણી થતી રહે એ પ્રેમ ?
પ્રેમ એટલે ભવિષ્યનાં સ૫નાં ?  કે પ્રેમ એટલે ભૂતકાળનાં સ્મરણો ?

પ્રેમની જે ક્ષણ વર્તમાનમાં જિવાય છે
તે જ એનું એકમાત્ર અને સંપૂર્ણ સત્ય.
એ સિવાયની ક્ષણોમાં
પ્રેમ વિશે પાછળથી પ્રગટેલા વિચારો હોય અથવા
ભવિષ્યમાં સર્જાનારા સંજોગોની કલ્પનાઓ હોય.
આ બંનેમાં બદલાયેલા સંજોગો, બદલાયેલા વિચારો અને
બદલાયેલી આસપાસની વ્યકિતઓ જેવું,
પ્રેમ સિવાયનું, બીજું ઘણું બધું ઉમેરાતું હોય.
પ્રેમ વર્તમાનની ક્ષણ જેટલો અણિશુદ્ધ કયારેય રહી શકતો નથી.
વર્તમાનમાં ન હોય એવો પ્રેમ અનેક અસરોથી ધેરાયેલો રહે છે.

પ્રેમ એટલે સાગરના પાણી ૫ર વરસી ૫ડતી વાદળી ?
કે ૫છી પ્રેમ એટલે દરિયાનાં જળમાંથી આકાશે બંધાઈ જતી વરાળ ?
સ્પર્શાળુ ઈચ્છાઓનો વિસ્ફોટ એટલે પ્રેમ ?
કે એ ઈચ્છાઓનું ઓગળી જવું એટલે પ્રેમ ?
પ્રેમ એટલે તળેટી ૫રથી નજર કરતાં છેક ઉ૫ર દેખાતું શિખર ?
કે ૫છી શિખરેથી જોયેલું પ્રથમ પગથિયું પ્રેમ?

પ્રેમ એટલે શું?
પ્રેમ એટલે સમાધાન કરીને સચવાય એટલી
સાચવી લીધેલી જીવનની ક્ષણો,
પ્રેમ એટલે સલામતીની સતત તૂટતી રહેલી દીવાલોની
બાકી રહી ગયેલી ઈંટો અને
પ્રેમ એટલે ખુલ્લા પરબીડિયામાં મૂકેલો સરનામા વિનાનો પત્ર.
   
-સૌરભ શાહ

Wednesday, March 28, 2012

લગે પ્રીત કે બાણ ...


રાત દિવસનો રસ્તો વાલમ ખૂટે નહિ તો કેમ?
તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ…



ઉપરની પંક્તિમા ભલે આમ કહ્યુ હોય પણ મારે પ્રેમ નથી કરવો .... આજે તો પ્રેમની વાતો જ કરવી છે ... અલબત્ત એ પણ બીજા બ્લોગ પર વાંચેલી ... અહી share કરુ છુ......
------------------------------------------------------------------------------
એક વખત ધોમધખતા ઉનાળામાં પાણીના એક ખાબોચિયા પાસે એક હરણ અને એક હરણીના નિશ્ચેત દેહો પડ્યા હતા.  આ દૃશ્ય જંગલમાં ફરી રહેલી બે સખીઓએ જોયું ત્યારે એક સખી બીજી સખીને પૂછે છે:
ખડા ન દીખે પારધી,
લગા ન દીખે બાણ;
મેં પૂછું તોંસે હે સખી,
કિસ બિધ તજે હૈ પ્રાણ.
સખી પૂછે કે આજુબાજુમાં કોઇ શિકારીના સગડ દેખાતા નથી, અને આ હરણાંઓને કોઇ બાણ પણ લાગેલું નથી.  હે સખી, હું તને પૂછું છું કે કેવી રીતે તેઓના પ્રાણ ગયા હશે?  બીજી સખી બહુ જ ચતુર હતી.  વિચારીને આ પ્રમાણે જવાબ આપે છે:
જલ થોડા નેહ ઘણાં,
લગે પ્રીત કે બાણ;
તૂ પી, તૂ પી, કર રહે,
ઈસ બિધ તજે હૈ પ્રાણ.
હરણ અને હરણી ખૂબ જ તરસ્યાં થયાં હતાં.  કંઠ સુકાતો હતો પરંતુ આ ખાબોચિયામાં બન્ને પી શકે એટલું પાણી હતું નહીં એટલે હરણ કહે છે કે પ્રિયા ! એ પાણી તું પી, અને હરણી કહે છે કે પ્રિય ! તમે પીઓ.  મમતાની અને લાગણીની આ ખેંચતાણ હતી.  પોતે પાણીમાં મોઢું નાખે નહીં અને એકબીજાને આંખોથી અને મોઢું હલાવીને આગ્રહ કર્યા કરે અને આમ તું પી, તું પી કરતાં પ્રાણ ખોયા.  આમ પ્રણયની વાતમાં બુદ્ધિ પર સ્નેહનો વિજય થયો.  આવા સ્નેહની લાગણનો સંજીવની-સ્પર્શ લોહીની લાલીમાં ભળે ત્યારે જીવન ભર્યું ભર્યું લાગે છે.  તરસથી હરણના પ્રાણ જવાની ઘટનાને બરકત વીરાણી ‘બેફામ’ આ રીતે વ્યક્ત કરે છે:
હરણને પારધી મારે છે એ તો જાણતો’તો હું;
તરસ એની જ ખુદ હણશે, મને એની ખબર ન્હોતી.
તરસ પોતાને લાગી છે એના કરતાં પોતાના પ્રિય પાત્રને લાગેલી તરસ અને તેમાંથી ઉદભવતી વ્યથાએ હરણના પ્રાણને હરી લીધા છે. આવા પ્રેમી હરણાઓની જેમ, પ્રેમના દીવાનાઓના જીવ મળવાની ધટનાઓ વિરલ હોય છે. અને એ માટે ‘ઘાયલ’ સાહેબ ફરમાવે છે કે:
નથી એમ મળતા અહીં જીવ ‘ઘાયલ’,
પરસ્પર દીવાના જવલ્લે મળે છે.

આભાર - "ગાગરમા સાગર"
(http://urmisaagar.com)
------------------------------------------------------------------------------

ગઈકાલે,
મારી
ખૂબ મહેનતથી લખેલી
બધી
છંદોબદ્ધ
પ્રેમ-કવિતાઓ,
અઘરા શબ્દોની
ચિતા સળગાવીને
સતી થઈ ગઈ છે.



બીજું કાંઈ થયું
નથી,
મને પ્રેમ થયો છે.



- અખિલ શાહ


Tuesday, March 20, 2012

એ ના કહીને સહેજમાં છૂટી ગયા...

એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં,
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.

તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.

સારું છે એની સાથે કશી ગુફ્તગુ નથી,
 

નહીંતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.

કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.

લય પણ જરૂર હોય છે, મારી
ગી
તની સાથ,
હું છું ધ્વિનસમાન જમાનાની ચાલમાં.

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.

એ ના કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં....


- 'મરીઝ'

Sunday, March 11, 2012

સાંજ અને જગદીશ જોષી ...

સાંજ અને રાહ અર્થાત કોઈ મનગમતી વ્યક્તિની વેઈટ  ... એ બંનેનો સંબંધ અનોખો છે ... સોનેરી સાંજે કોઈ મળવા આવવાનો વાયદો કરે અને ના આવે તો મસ્ત સાંજની મજા પછી રાહ જોવાની સજામાં ફેરવાઈ જાય ...અને એમાં કેવી કેવી સંવેદનાઓ થાય ... વાંચી લો .... "સાંજ અને જગદીશ જોષી" ...... ( ટહુકો.કોમ પરથી  વાંચેલ પોસ્ટ એજ શીર્ષક સાથે... )

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી કેમ ભરી વાંચશું ?
———–
સાંજ પડે ને પંખી વળતાં આભ વીટીં પાંખોમાં
અંધારુ પણ લથડે તારા અભાવની આંખોમાં
ઝૂરી રહેલા સગપણને લઇ દંતકથા વાગોળું
———–
નીલ ગગનનો દરિયો લ્હેરે
વાયરો સોનલ સાંજને ઘેરે
નેણ આ ઝૂકે તારે ચહેરે
———–
તમે સાંજે મળો તો મને એકલા મળો
કે મારા દિવસ આખાને વળે હાશ :
આવનારી રાતના ઝુમ્મરમાં સળગે નહીં
ઉન્હા ઉજાગરાની પ્યાસ.
———–
તમને ટપાલમાં કાગળ નહીં,
ફૂલ મોકલવાનું મન થાય છે.
અને …. જ્યારે તમને ફૂલો મળશે
ત્યારે એ કરમાઇ ગયાં હશે -
અત્યારે
તમારા વિનાની
મારી સાંજની જેમ.
———–
ઘેરાતી સાંજના છે તમને સોગંદ
હવે વાદળાંઓ વિખેરી નાખો
પીળચટ્ટી સાંજનું બેડું તૂટ્યું ને
એમાં સૂરજનો નંદવાયો રંગ
———–
અણગમતું આયખું લઈ લ્યોને, નાથ !
મને મનગમતી સાંજ એક આપો :
કે ક્યારનો મૃગજળમાં ઝૂરતો તરાપો…
———–
શ્રાવણની આ સાંજ તણા અંધારની ઓથે વૈશાખી આકાશ
વલખતું ધીખે
———–
મને આપો એક સાંજ, મને આપો એક રાત
મને આપો એક એવો આશ્લેષ -
ફરફરવા લાગે આ સાતસાત જન્મોના
તાણીને બાંધેલા કેશ !

- આભાર ....  http://tahuko.com ...

Tuesday, March 6, 2012

સાંજ થવાનું મન ...
















વ્હાલમ, અમને એકલતાના આભ નીચે
ટળવળતી કોઇ સાંજ થવાનું મન,
વ્હાલમ, અમને બળબળતા વનવગડે કોઇ
એકલદોકલ સાથ વિનાની પાંખ થવાનું મન…

અમને એક દંડિયા મ્હેલે વાસો રાત એકનો આપો
અમને સ્પર્શ વિહોણા દેશે થોડી નજરકેદમાં રાખો
વ્હાલમ, અમને વલવલતી કો’ ચાંદ વિનાની
રાત બનીને ઉજાગરાનું ફૂલ થવાનું મન…

ચોરીના ફેરાની પળથી ગીત મિલનનાં સતત અમે તો ગાયા
રેશમિયાં સપનોમાં કોઇ અલકમલકનાં રૂપ બની હરખાયા
વ્હાલમ, અમને ક્ષણ એકાદી આપો જેમાં
ટીટોડીની ચીખ બની તમ રોમરોમનો કંપ થવાનું મન…

 – મનહર તળપદા

પ્રિય પ્રભુ ... (પ્રભુને પત્ર)

પ્રિય પ્રભુ,

તારા વિષે એટલું બધુ લખાયું છે કે
હું તને આલેખવા માગું છુ ત્યારે
બધુ જ અશબ્દ બની જાય છે ...

દુનિયા તારી મર્યાદા
તારી શ્રધ્ધાના બળે હેમખેમ પાર ઊતરે છે

ઉતાવળનો જમાનો છે.
રસ્તાને ઉતાવળ છે, લોકો એના પર ચાલે એની...
ટ્રાફિકમાં ચગદાઈ જવાની,
ઘડિયાળને ઉતાવળ છે, ઉંમર પસાર કરવાની ...
પારદર્શક કાચમાં પડેલા ડાઘા જેવી જિંદગીને
ચોખ્ખી્ચણક કરવાની ઉતાવળ કોઈને નથી ...

ક્યારેક બધુ જ સમજાય છે
અને ક્યારેક ચૂપ થઈ જવાય છે
રેતશીશીમાં સરકતી રેતને
વાયરાના સ્પર્શની ઉતાવળ છે ...
આ વાયરાને તારું નામ આપુ તો ?

જિંદગી છે એટલે તોફાનો રહેવાનાં
અને તોફાનો છે એટલે સાહસ પણ..
અને સાહસ છે એટલે તારા પરની શ્રધ્ધા પણ ...

ક્યારેક તો નવરાશ પણ ઉતાવળથી પસાર થાય છે.
તારું સ્મરણ મારી નવરાશને ઉગેલી
હળવાશની કૂંપળ છે ...

ખરી પડું એ પહેલા પતંગિયુ થઈને આવો
તો મારુ 'હોવું' સુગંધ થઈ જાય ...

લિ.
વસંતને વધાવવા આતુર ...



-- અંકિત ત્રિવેદી

Friday, March 2, 2012

સાત તરી એકવીસ સંકલ્પો...

"સાત તરી એક્વીસ સંક્લ્પો"માંથી આજે છેલ્લા સાત સંક્લ્પો પતિઓએ કરવા જેવા ...


સાત સંકલ્પો પતિઓએ કરવા જેવા ...

૧. જિંદગીમાં ક્યારેય પત્નિ આગળ જુઠ્ઠુ  નહી બોલુ એવો સંકલ્પ નહીં કરુ.

૨. એક વાર લગ્ન થઈ ગયા પછી લગ્નપ્રથા સારી છે કે ખરાબ એવો વિચાર મનમાં નહીં અવવા દઊ.

૩. આવતા જન્મે તમને જ પતિ તરીકે માંગુ છુ એવુ પત્નિ કહે ત્યારે ચિંતા કરી કરીને રાતોના ઉજાગરા નહી કરવા. આવી બધી બાબતોમાં ભગવાન બેઉ કન્સર્ડ પાર્ટીઓના ઓપિનિયન લીધા પછી જ ફેંસલો કરવાની પ્રથા રાખી છે.

૪. સુખી લગ્નજીવન માટે માત્ર બે જ શબ્દોની જરુર છે એવુ સ્વીકારી લેવુ. દરેક બાબતમાં 'હા' પાડવી અને હા પાડી દીધા પછી એ મુજબ કશુ ના થયુ હોય તો 'સોરી' કહી દેવુ.

૫. જિંદગી મા બેમાંથી એક જ ચિંતા રાખવાની. કાં તો કમાવાની અથવા ઘરખર્ચની. એક ચિંતા પોતે સ્વીકારવી અને બીજી ચિંતા કરવાનુ કામ પત્નીને સોંપી દેવુ અને ભગવાનને પ્રાર્થના કરવી કે આગલા જનમમાં આ જવાબદારીઓ ઉલટ સુલટ થઈ જાય. આ બાબતે નિર્ણય લેવા માટે ભગવાને બેઉ પાર્ટીને કન્સલ્ટ કરવાની જરુર રહેતી નથી કારણકે બીજી પાર્ટી ઓલરેડી આવી પ્રાર્થના કરી ચૂકી હોય છે.

૬.દર અઠવાડિયે પત્ની પાસે એક નવી વાનગી બાનાવતા શીખી જવુ.એટ્લા માટે નહી કે પત્નીને કામમાં  મદદરુપ થવાય પણ એટલા માટે કે દીકરો મોટૉ થય તો એને રાંધતા શીખવાડી શકાય.

૭. દર અઠવાડિયે પત્ની સાથે ગુજરાતી નાટક જોવા અ્ચૂક જવું  જેથી બાકીના છ દિવસ કઈ ઈંગ્લીશ ફિલ્મ કોની સાથે જોઈ એનો હિસાબ આપવો ન પડે. 

- સૌરભ શાહ

 અને છેલ્લે ...

ચારે તરફથી જ્યારે નિરાધાર હોય છે, માણસ એ વખતે સાચો કલાકાર હોય છે,
દીવાનગીની વાતને સમજી શકે ન જે, મારી સમજ મુજબ એ સમજદાર હોય છે ....

 
- ઓજસ પાલનપુરી

સાત તરી એકવીસ સંકલ્પો...

 આજે સાત સંકલ્પો મા-બાપ એ કરવા જેવા  ... બાકીના સાત સંકલ્પો નેક્સ્ટ ટાઈમ ... :)

મા-બાપોએ કરવા જેવા સાત સંકલ્પો

૧. સંતાનોને ક્યારેય પૂછવુ નહી કે નવા વર્ષનો સંકલ્પ શો કર્યો? શક્ય છે કે એવુ સાંભળવા મળે કે તમારી આજ્ઞાનુ પાલન નહી કરવાનુ.

૨. ભૂતકાળમાં લીધેલા પણ અધૂરા રહી ગયેલા સંકલ્પો યાદ કરી કરીને એની ખાંભી પર દર વર્ષે ફૂલ ચડાવવા જવાની ટેવ છોડી દેવી.

૩. અડધી જિંદગી બીજાઓનું અનુકરણ કરી કરીને ગાળી અને હવે બાકીની જિંદગી સંતાનો આપણું અનુકરણ કરીને ગાળે એવી મહેનત કરવામાં વેડફી દેવાને બદલે મોડેમોડે પણ પોતાની રીતે અને પોતાની શરતે જીવીશુ  એવો નિર્ધાર કરવો.

૪. છોકરાંઓ આપણા કહ્યામાં ના રહે એનાં કરતાં આપણે છોકરાંઓના કહ્યામાં હોઈએ એવી રીતે જીવવાનો નિર્ણય કરવો. જિંદગી ઓછી મગજમારીભરી અને વધુ જલસાવાળી લાગશે.

૫. તબિયતની વધુ પડતી ચિંતા કરીને શરીરને પંપાળ્યા કરવાને બદલે લહેરથી ખાવું, હરવું ફરવું અને ઉજાગરા કરવા. ચિંતાઓ કરીને શરીરને હેરાન કરવા કરતાં જલસાના ઉજાગરાઓથી શરીર હેરાન થાય એમાં ઓછુ નુકસાન છે.

૬. આર્થિક મંદી માટે સરકારને જવાબદાર ઠેરવવાને વાતો કરવાને બદલે નાકા પરના પાનવાળાના ગલ્લા પર આંટો મારી આવવો. ત્યાં દર્પણ પર ચિટકાડેલા ગીતાસારના સ્ટિકર પર લખેલુ વંચાશે - તુમ્હારા થા હી ક્યા જો ખો જાયેગા !

૭. સંતાનોનાં લગ્નમાં લાખો રુપિયાનો ખર્ચ કરી નાખવાને બદલે જેટ્લો ખર્ચ કરવો હોય એટલી રકમમાં આવે એવો નાનોમોટો પણ એક સ્વતંત્ર ફ્લેટ લઈને એમને આપી દેવો. ભવિષ્યમાં છોકરાંઓ એ ફ્લેટને 'માતૃછાયા' કે 'પિતૃછાયા' એવું નામ આપીને આપણને જિંદગીભર સારી રીતે યાદ કરશે.

- સૌરભ શાહ

Thursday, March 1, 2012

સાત તરી એકવીસ સંકલ્પો...

શ્રી સૌરભ શાહના એક પુસ્તકમાં આપેલ "સાત તરી એકવીસ સંકલ્પો " માંથી.... પ્રથમ સાત સંકલ્પો યુવાનો એ કરવા જેવા ...

યુવાનોએ કરવા જેવા સાત સંકલ્પો

૧. જિંદગીમા ક્યારેય બીજાઓએ કરેલા સંકલ્પો વિશે કે બીજાઓ કરાવવા માગતા હોય એવા સંકલ્પો વિશે વાંચવુ નહી, સાંભાળવુ નહી, વિચારવુ નહી.

૨. સંકલ્પો પૂરા થયા પછી તરત એની ઊજવણી કરવાની ઉતાવળ કરવી નહી, લાંબુ વિચાર્યા પછી લાગશે કે સંકલ્પ પૂરો થયો છે એવો માત્ર ભ્રમ થાય છે. ખરા સંકલ્પ ક્યારેય પૂરા થતા નથી હોતા.

૩. બે વાર વિચાર પછી ખાતરીપૂર્વક જણાય કે સંકલ્પ પૂરો થઈ ગયો છે, તો મૂળ સંકલ્પની ચકાસણી કરવી, મોટેભાગે તમે ગ્રેજ્યુએટ થઈ ગયા પછી પહેલા ધોરણમાં પાસ થવા માટેની પરીક્ષામાં બેસવા જેવા સહેલા, બિનજરુરી અને માત્ર અહમ પોષવા માટેના સંકલ્પો કર્યા હશે.

૪. સંકલ્પો કર્યા પછી ક્યારેય કોઈને એ વિષે કહેવું નહી જેથી એ તૂટે તો કોઈનેય એની જાણ થાય નહી. લોકો ભલે તમારા મનોબળ વિશે ભ્રમણામાં રહે.

૫. સંકલ્પ કરતાં સંકલ્પ કરવાની ઈચ્છા વધારે ખતરનાક છે. આવી ઈચ્છા થાય અને એનું પાલન કરો તો સંકલ્પ પાળવાની જવાબદારી આવી પડે અને ઈચ્છાનું પાલન ન કરો તો જીવનમાં કશુક ખૂટે છે એવુ લાગે. સંકલ્પ કરવાની પ્રબળ ઈચ્છા થાય ત્યારે સંકલ્પ ન કરવાનો સંકલ્પ કરવો.

૬. આમ છતાં નવા વર્ષે કોઈ તમને મળે અને ન્યુયર રેઝોલ્યુશન વિષે પૂછે તો કહેવુ કે બસ તમને મળવાનો સંકલ્પ કર્યો હતો જે પૂરો  થઈ ગયો. ચલો ઉજવણી કરીએ.

૭. નવા વર્ષે સંક્લ્પ કરવાની પ્રથાને બદલે જે દિવસેથ સંકલ્પ કરીએ એ દિવસથી નવુ વર્ષ શરુ થાય એવુ માનવું. ખાત્રી રાખજો કે આવતા તમામ ૩૬૦ દિવસ તમને બેસતા વર્ષ જેટલા જ ઉત્સાહજનક લાગશે....  


- સૌરભ શાહ 


અને છેલ્લે ...
 
જીવન હશે તો કોઈ દી’ જીવન બની જશે, દિલમાં યકીન રાખ, યકીનન બની જશે.
આવ્યો છે ખાલી હાથ, જવાનો છે ખાલી હાથ, ધનવાન ક્યાં હતો કે તું નિર્ધન બની જશે?


- શયદા