Monday, February 28, 2011

પ્રિય પપ્પા ...

આમ તો આ પૃથ્વી પરના બધા સંબંધો નિરાળા છે .. ભાઈ-બહેન, મા-બાપને સંતાનો કે પછી બે દોસ્તો ... પણ પિતા અને પુત્રીનો સંબંધ થોડો અનોખો છે. ગમેતેવા હોય થોડા ગુસ્સાવાળા કે પછી શાંત પણ દિકરી ની વાતમા પપ્પાનુ હ્ર્દય નરમ પડી જતુ હોય છે.  જે પિતાને દિકરી હશે એવા દુનિયાના કોઈપણ પિતાનુ હ્રદય લઈ લો એમા એક આ  ઈચ્છાતો જગ્યા રોકીને બેઠી જ હશે કે પોતાની દિકરીના જીવનમાં પોતાનાથી વધુ વ્હાલ કરનારો ને ખ્યાલ કરનારો  પુરુષ આવે.
બીજી કોઈ બાબતમા કંઈ ચલાવી ન લેનાર પપ્પા ક્યારેક દિકરીની બાબતમા ઘણુ બધુ ચલાવી લેતા હોય છે.વ્હાલસોયા પિતા હંમેશા પોતાની દિકરીને એક રાજ્કુમારીની જેમ જ ટ્રીટ કરવાનો પ્રયત્ન કરતા હોય છે ને એના બદલામાં દિકરી તો સામે શુ આપી શકે માત્ર વ્હાલ વ્હાલ ને વ્હાલ ... 
એક દિકરી તરીકે મને હંમેશા થાય કે કાશ મારા હાથમાં એક જાદુની છડી હોત તો હુ મારા પપ્પાની બધી વિશ પૂરી કરી દેત....  પણ જાદુની છડી નથી તો કંઈ નહી જાદુ જેવી   થોડી પંક્તિઓ જ માણી લઈએ...


પ્રિય   પપ્પા,  હવે   તો  તમારા   વગર,
મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર..
આ નદી જેમ,  હું પણ બહુ એકલી,
શી ખબર કે,  હું તમને ગમું કેટલી..?
*********     *****     **********
ડેડી તમે કોઈ નવી વાતો સુણાવો
ખોળામાં લો, બેસો મને સપના ગણાવો

બોલે તમારા હોઠ, ને બોલે છે આંખો
મસ્તી ફરીથી આંખમાં લાવી હસાવો

આ બે તમારા હાથ છે, દુનિયા અમારી
મારા તમે બે હાથમાં દુનિયા સમાવો

જોવા જરૂરી છે બધા રૂપ જિંદગીના
કાંટા અને આજે મને પુષ્પો બતાવો

માણી શકું હું જિંદગીને મારી રીતે
ધ્યેયલક્ષી ને મને મક્કમ બનાવો

લોકો કહે છે ગાય જેવી દિકરી હો
ચાલો ફરીથી એમને ખોટા ઠરાવો

ડેડી તમે લાગો મને દુનિયાથી વ્હાલા
વ્હાલપ તમારું મારા કણ્-કણ માં સમાવો

મારું તો પહેલું ઘર તમારું દિલ છે ડેડી
કાલે બીજા ઘરમાં મને ચાહે વળાવો …
 
- હિમાંશુ ભટ્ટ

*********     *****     **********
તમને દીકરીના પપ્પા થવું ગમે?
સપનું એની આંખે જોવું ગમે?

એના મનમાં ભારોભાર લાગણી રહે
એના શબ્દોમાં ઝાલરના સૂરો વહે

કળીમાંથી ફૂલ બનતું જોવું ગમે?
તમ જીવનમાં ખુશ્બુનું હોવું ગમે?

તમને દીકરો નથી? તેથી શું થયું?
દીકરી તો છે ને? ચાલો સારું થયું.

એના લાગણીના દરિયે નહાવું ગમે?
તમને જીવનના ગીતને ગાવું ગમે?

જાણે રણ વચ્ચે મીઠી એક વીરડી રહે
એની કાળજીના વાયરા સદાયે વહે

તમને કોયલનું કુંજન સાંભળવું ગમે?
ક્યાંક ખુદમાં ફરીથી ઓગળવું ગમે?

તમ મસ્તક એ ઝુકવા ન દેશે કદી,
સ્મિતનો એ દરિયો, વ્હાલપની નદી,

આંસુઓમાં સ્મિતનું ઝરવું ગમે?
તમને દીકરીના પપ્પા થવું ગમે? ......

- જીજ્ઞેશ અધ્યારૂ

Sunday, February 27, 2011

રાધાનો રિંગટોન...

મહાભારતમા એક સરસ પ્રસંગ આવે છે. કૃષ્ણ રાધાને વૃંદાવનમાં એકલી મૂકીને મથુરા જતા રહે છે પણ કૃષ્ણને ખ્યાલ છે કે રાધા તેમની યાદમાં રડીરડીને અડધી થઈ રહી છે અને આ તરફ કૃષ્ણ પણ રાધાની યાદમાં અડધા થઈ રહ્યા છે  એટ્લે કૃષ્ણ રાધાના સમાચાર મેળવવા ઓધવજી ને વૃંદાવન મોકલે છે ને રાધા ઓધવજી પાસે એક સંદેશો પોતાના વ્હાલા કૃષ્ણને મોકલે છે. જેના પર એક સરસ ગીત પણ છે ...

હે ઓધવજી મારા વ્હાલાને વઢીને કહેજો રે,

માને તો મનાવી લેજો રે.. મારા વ્હાલાને વઢીને કહેજો રે..
મથુરાના રાજા થ્યા છો, ગોવાળોને ભુલીગ્યા છો રે,
માનીતીને ભુલીગ્યા છો રે ... હે ઓધવજી મારા વ્હાલાને વઢીને કહેજો રે..

પણ આજના યુગમાં જો રાધા અને કૃષ્ણ સામે આ જ પરિસ્થિતિ આવે તો રાધા કૃષ્ણને કેવો સંદેશો મોકલાવે ને એની સામે કૃષ્ણ શુ કહે એનુ સરસ વર્ણન આ મોર્ડન કાવ્યમા એના મોર્ડન રચયિતાએ કર્યુ છે ...

કાનજીનાં મોબાઈલમાં રાધાનો રિંગટોન, રિંગટોન રાધાનો વાગે,
જનમો જનમની ઘેલી રાધાની પ્રીત, કાનજીનાં રૂવાંડે જાગે..

રાધાનો રિંગટોન વાગે..

મોબાઈલનાં નેટવર્કમાં કેમેય ના પકડાતી રાધાના રાસની તાલી,
મોબાઈલ પકડીને થાકેલા હાથને, રાધાનો હાથ લેવો ઝાલી,
આયખાની સાંજ ઉપર ઉભેલા કાનજી સપનાનો ટૉક ટાઇમ માંગે..
રાધાનો રિંગટોન વાગે..

એસ.એમ.એસ મોકલેલો વાયા ઓધાજી, એનાં રિપ્લાયમાં રાધાનાં આસું,
રાધાનાં આંસુનો એસ.એમ.એસ વાંચીને કાનજીની આંખે ચોમાસું,
મોબાઈલની બેટરીને ખાલીપો વળગે ત્યાં વાંસળી વાગે છે એક રાગે..
રાધાનો રિંગટોન વાગે...


- અંકિત ત્રિવેદી

Saturday, February 26, 2011

અવઢવનું ગીત...

કાગળના ફૂલમાંથી પ્રસરે છે કંઈ એને ફોરમ કહું કે કહું અફવા
ઘટનાના પગરવને ચીંધી દઉં ટેરવે આપું એકાદ નામ અથવા

વૃક્ષતાની કોરે કોઈ બેસીને ગણતું હો ઉનાળુ શ્વાસોના ફેરા
ભમ્મર પર હાંફતા હો સૂરજનાં ઊંટ અને પાંપણને ચાંદનીના ડેરા

તપતી રેતીને તમે આપી ગયા છો એને વેદના કહું કે કહું પગલા

હૂંફાળા હાથને હો છેટું હાથવેંતનું ને આભને હું વેંત મહીં માપું
શેરીમાં ટળવળતા કંકણની વાયકાને ઘરની દિવાલોએ સ્થાપું

ખરતા પીંછાનો નહીં ઊંચકાતો ભાર અને માંડું આકાશ લઈ ઊડવા...

- સંદિપ ભાટિયા

Friday, February 25, 2011

ચાલ સખી....ફરી જિંદગીને મૂકીએ

ચાલ સખી, પાંદડીમાં ઝાકળના ટીપાંની જેમ ફરી જિંદગીને મૂકીએ,
ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય છે કે લાગણી ગણાય એમ પૂછીએ.

વેદના તો અડીખમ ઉભો કંઠાર, જતાં આવતાં જુવાળ ભલે કોતરે;
સુખ સાથે આપણો તો જળનો સંબંધ, ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે.
છીપલાની હોડીને શઢથી શણગાર ચાલ, કાંઠો છોડીને હવે ઝૂકીએ;
પાંદડીમાં ઝાકળનાં ટીપાંની જેમ, સખી ચાલ ફરી જિંદગીને મૂકીએ.

ચાંદનીને ચાંદનીનું નામ નતા દે’તા, એ વાતો અકબંધ મને યાદ છે;
વૃક્ષ પછી ડાળ પછી પંખીનો માળો, ને ઉપર આકાશ જેવો સાદ છે.
મૂળમાંથી ફૂટે ને ટોચ લગી જાય, એવી લાગણીને કેમ રે ઉવેખીએ;
ઝાકળશી જિંદગીને પાનની લીલાશ પરે, ચાલ સખી એક વાર મૂકીએ...

- ધ્રુવ ભટ્ટ

એક પ્રાર્થના...એકવાર તો કરવા જેવી ...

આજે એક "પ્રાર્થના". માંદા પડીએ ત્યારે તંદુરસ્તીનુ મહત્વ સમજાય. એ અલગ વાત છે ક્યારેક ક્યારેક માંદા પડીએ ત્યારે એક મીની વેકેશન મળી જાય છે. પણ compulsory bed rest  બે દિવસ પછી તો "bad rest " લાગવા માંડે... ક્યારેય ના ગયા હોઈએ એવી જગ્યાએ જવાની ઈચ્છા થઈ આવે ને ક્યારેક જ ખાતા હોઈએ એવી વસ્તુઓ પણ ખાવા ની તલપ લાગે. વસ્તુ કે વ્યક્તિનો અભાવ જ એની સાચી ઝંખના આપે છે.... એ જ્યારે આપણા જીવનમા હોય ત્યારે એની કીંમત તો હોય આપણને પણ ના હોય ત્યારે એનો અંભાવ એની સાચી કીંમત આંકી આપે છે... એટ્લે માંદા પડીએ ત્યારે જ ખબર પડે કે સાજા રહેવુ એ કેટલા મોટા આશિર્વાદ છે....... ને પથારીમા પડ્યા પડ્યા માણસ જાણે અજાણ્યે એક કામ તો કરે જ એવે સમયે,  ને એ છે .."પ્રાર્થના" ... તો આજે પ્રાર્થનાથી જ શરુઆત કરીએ .....

રોજ રોજ ની રુટીન લાઈફ થી કંટાળી ગયા હોવ ને એમ લાગતુ હોય કે આ દુનિયામા તમારાથી વધારે હેરાન ને ત્રસ્ત બીજુ કોઈ નથી તો એ નિર્ણય પર આવતા પહેલા આ ચોક્કસ વાચી જજો ....

પ્રાર્થના
સવારના પહોરમા એલાર્મ ઘડીયાળના અવાજથી હુ સખત ચિડાઈ જાઉ છુ. સવારના પહોરમા મને આ અવાજ સહુ થી કર્કશ અને ખરાબ લાગે છે. - " છતાં હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે હુ સાંભળી તો શકુ છુ! દુનિયામા એવા હજારો લોકો જે સાંભળી પણ નથી શકતા... "

સવારમા ઉગતા સોનેરી સૂર્યની સાથે આકાશ મા કેટલા અવનવા રંગો ફેલાતા હોય છે ! એ વેળા હુ એ જોવાની પરવા કર્યા વગર ઉંઘતો હોવ છુ.-  " છતાં હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે હુ જોઈ તો શકુ છુ! જગતમા એવા હજારો અંધ માણસો છે એ તો કંઈ પણ જોઈ નથી શકતા... "

સવારમા ઉઠી ગયા પછી પથારી છોડતા મને ખૂબ જ આળસ આવે છે. - "છતાં હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે હુ ઉભો તો થઈ શકુ છુ ! ચાલી તો શકુ છુ ...જગતમા હજારો માણસો એવા છે જે વર્ષોથી  પથારીવશ છે. જે પોતાના પગ પર ઉભા પણ થઈ શકતા નથી ..."

ઉઠ્યા પછીની મારી સવાર પણ ધમાલભરી જ હોય છે. બાથરુમ મા ઘુસેલુ બાળક જલદીથી બહાર ના નિકળે, નાસ્તો તૈયાર ના હોય, પત્નીની બૂમાબૂમ, ઘરડા મા-બાપના આરોગ્યની ફરિયાદો વગેરે ...વગેરે ... - "છતાં હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે તે મને એક કુટુંબ તો આપ્યુ છે! કંઈ કેટ્લાય માણસોને તો સાવ એકલવાયુ જીવન જીવવુ પડતુ હોય છે. "

મારુ ઘર આમ તો સાવ સામાન્ય ઘર છે, ફર્નિચર પણ સાવ સામાન્ય જ છે. - "છતાં હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે મારે મારુ પોતાનુ ઘર તો છે હજારો માણસો ને ઓઢવા માટે આભ ને પાથરવા માટે પ્રુથ્વી સિવાય કંઈ પણ મળતુ નથી. એ લોકો કરતા તો હુ કેટ્લો ભાગ્યશાળી છુ! "

મારા ઘરે બનતુ ભોજન પણ સાવ સાદુ જ હોય છે, મિષ્ટાન્ન પણ ભાગ્યેજ બને છે પણ છતાં - " હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે તુ મને ભોજન તો આપે છે! અસંખ્ય માણસો તો રોજ ભૂખ્યા જ સૂઈ જાય છે. "

મારુ કામ પણ રોજ એનુ એ જ - મોનોટોનસ - અકળાવનારુ હોય છે. છતાં- "  હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે તે મને બેકાર તો નથી બનાવ્યો !! "

અને અંતમા હે પ્રભુ ! મારુ જીવન મારા સપનાના જીવન જેવુ તો નથી જ. મેં જેવુ કલ્પ્યુ હતુ તેવુ મારુ જીવન જરાક પણ નથી. છતાં - " હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે હુ જીવુ તો છું .... !!! મારી સાથેના કેટલાય લોકોને તો જિંદગી જ નસીબ નથી થઈ ...! "

" તારો આભાર હું માનુ એટ્લો ઓછો છે પ્રભુ ! તેં મને કેટલુ બધુ આપ્યુ છે ! જોવા ને ગણવા બેસુ છુ તો તેં મને બધુ જ આપ્યુ છે. તારો ખૂબ ખૂબ આભાર! "

Original title - " A Prayer " .... translated by Dr. I K Vijalivala

એ ઠીક છે જેટલુ હોય એટલામા સંતોષ માની ને બેસી રહીએ તો આગળ વધી જ ના શકાય .... પ્રગતિ માટે જીવનમા થોડો અસંતોષ જરુરી છે. પણ જે પાસે નથી એ મેળવવાની લહાય મા જે હોય એ પણ માણીએ નહી અને એની કદર ના કરીએ ને પછી 'લાઈફ મા કઈ નથી' ની બૂમો પાડીએ તો એનાથી મોટી બેવકૂફી બીજી કઈ કહેવાય ??

આપણે બધા ક્યારેક ને ક્યારેક જીવનથી કંટાળી જઈએ છીએ એટ્લે આ કવિ જેવી અકળામણ અનુભવીએ છીએ ....

કારણ મારી ભીતર છે, ને હું કારણ શોધં છું.
ક્યાં શોધું છું ઉપચારો, હું હૈયાધારણ શોધું છું

ટેબલ ઉપર પુસ્તક માફક આમ હથેળી ફેલાવી
વિખરાયેલા પૃષ્ઠોમાંથી મારું પ્રકરણ શોધું છું

મારી આગળ-પાછળ મબલખ સંવેદન ઘેરાયાં છે
ભીતરના સંવેદન સાથે મારું સગપણ શોધું છું

વિરાટના ઝૂલે ઝૂલું એવો હળવો થઇ જાવાને
હું મારા અસ્તિત્વ વિશે કેવળ રજકણ શોધું છું

જ્યારે જ્યારે ભીંજાવાને મન આ તલપાપડ થાતું
કાગળની હોડીમાં તરતું મારું બચપણ શોધું છું....
- રમણીક સોમેશ્વર

Friday, February 18, 2011

મને યાદ છે.. તને યાદ છે?..

અંકિત ત્રિવેદી એક Young Multi-Talented Personality. એમને સાંભળવા એક લ્હાવો છે.
જેટલા સારા વક્તા છે એટલા સારા કવિ પણ અને એટલા સારા સંપાદક પણ. આનાથી વધારે પણ કહી શકાય પણ મને આટલો જ અનુભવ છે... sharing here some of his creations.

મેઘલી શ્યામલ એક રાતે, આપણી પ્રથમ મુલાકાતે,
એક રસ્તાની બંને તરફ ભીંજતા એકબીજાને આપણે જડ્યા,
મને યાદ છે.. તને યાદ છે?

પછી પગલાંએ પંથ જરા ટૂંકો કર્યો,
પછી મોસમને ચાહવાનો ગુનો કર્યો.
પછી હૈયાની હોવાનાં અણસારે તું,
પછી શ્વાસોનાં અજવાળે ઓગળતો હું,
અવસરને અજવાળી જાતે, એકબીજાની લાગણીઓ ખાતે,
ભાન ભૂલીને ઓગળતા એકમેકમાં, એકબીજામાં ભૂલા પડ્યા.
મને યાદ છે.. તને યાદ છે?

પછી સપનાની કુંપળને સમજણ ફૂટી,
પછી જીવવાની જંખનાઓ સાથે લૂટી,
પછી સુખ દુખનાં સરવાળા સાથે જીત્યા,
પછી તારીખનાં પાનામાં વર્ષો વિત્યા,
જીવનની જૂદી શરૂઆતે, મસ્તીનાં મતવાલા નાતે,
સાવ અંગત બની ઝૂમતા-ચૂમતાં, સાવ અંગત બની ઝળહળ્યા.
મને યાદ છે.. તને યાદ છે?

હવે વાતાવરણ છોને વરસાદી છે,
હવે આંખો પણ એવી ક્યાં ઉન્માદી છે?
હવે ડૂમાનો તરજુમો, ડુસ્કાનું ઘર,
હવે તારા વગર મારું સૂનું નગર,
નાહક નજીવી કોઈ વાતે, અજાણ્યા કોઈ આઘાતે,
અધવચાળે મૂકી સાથ-સંગાથને એકબીજાથી છૂટા પડ્યા.
મને યાદ છે.. તને યાદ છે?

- અંકિત ત્રિવેદી

Thursday, February 17, 2011

મોકલી જો તું શકે...

મોકલી જો તું શકે મરણ મોકલાવ,
મહેરબાની કર હવે સ્મરણ ન મોકલાવ.
આવવું જો હોય તારે તો આવ રૂબરૂ,
મહેરબાની કરી હવે કારણ ન મોકલાવ.
કે મને ડંખ્યા કરે તારો વિરહ સતત,
વાંઝણી આ ઇચ્છાની નાગણ ન મોકલાવ.
જિંદગીભર હું ચલાવી લઈશ જળ વિના,
મુજ તરસને કાજ તું આ રણ ન મોકલાવ.
યાદ તારી પુરતી છે બાળવા મને,
અગ્નીનાં રૂપમાં શ્રાવણ ના મોકલાવ.
- હર્ષ બ્રહ્મભટ્ટ 

Wednesday, February 16, 2011

આ કાળું પાટિયું ને ચોક, લ્યો જવાબ, લખો !


આ કાળું પાટિયું ને ચોક, લ્યો જવાબ, લખો !
તમારા હાથ વત્તા કેટલાં ગુલાબ ? લખો !



ખરું ને ? શોખ છે તમને પ્રથમથી ફૂલોનો
તો કેમ બાગમાંથી લાવ્યા ખાલી છાબ ? લખો ! 


ફરી પૂંછું છું કે શું અર્થ છે આ જીવતરનો ?
લ્યો, ચોક લ્યો, અને આ પ્રશ્ર્નનો જવાબ લખો !


ખરાબ સ્વપ્નથી નંબર વધે છે ચશ્માંના
તો કેવા સ્વપ્નને કહેશો તમે ખરાબ ? -લખો !


લખો, લખો કે છે તમને તો ટેવ લખવાની
બધા તમારા આપઘાતના હિસાબ લખો !


આ કાળા પાટિયાનો ખોફ કેમ રાખો છો ?
તમે સમર્થ છો, લ્યો ચોક, ‘આફતાબ’ લખો !

- રમેશ પારેખ   

Tuesday, February 15, 2011

તું અને હું જાણે સામા કિનારા..

તું અને હું જાણે સામા કિનારા
પણ વચ્ચે આ વહેતું એ શું?
વાણી તો જાણે વાદળ વૈશાખના
પણ મૌન કંઈ કહેતું એ શું?

હળવેથી વાતી આ લેહેરાતી લેરખી
ને લેરખીમાં ફૂલોની માયા,
કલકલ વેહેતી આ કાળી કાલિંદી
ને એમાં કદંબની આ છાયા,
માયા ને છાયા તો સમજ્યા સાજન
પણ શ્વાસોંમાં મેહેકતું એ શું?

શમણાંની શેરીમાં પગલાનો રવ
ને પગલામાં ઝાંઝવાના પૂર,
ખાલીપો ઓઢીને સુતું આ ગામ
ને ગામ મહીં પીડા ના સૂર
પૂર અને સૂર તો સમજ્યા સાજન
પણ રુદિયામાં રોતું એ શું?

તું અને હું જાણે સામા કિનારા
પણ વચ્ચે આ વહેતું એ શું?...

- શુકદેવ પંડ્યા

Monday, February 14, 2011

what is Love?- કેટ્લીક વાતો...

પોલો કોયેલોની " The Alchemist " બૂક વિષે આ પહેલા પણ અહીં ઉલ્લેખ કર્યો છે. આજે ફરી એક્વાર "what is Love " પર એમા વાર્તાના નાયકના મોઢે કહેવાયેલી કેટલીક અદભુત વાતો...
કથાનો નાયક યુવાન સેન્ટિગો પોતાને વારંવાર સપનામા દેખાતા ખજાનાને શોધવા નિકળી પડ્યો છે ઈજિપ્તના પિરામિડો તરફ અને ત્યા પહો્ચવા માટે એણે વિશાળ રણ પસાર કરવાનુ છે ... રણમા એક કીમિયાગર એને પિરામિડ સુધી લઈ જવામા મદદ કરે છે ... 

આજે કંઈ કેટલીયે મુસીબતો ને અંતે સેન્ટિગો પિરામિડોથી થોડાક જ દિવસોના અંતરે રણમાં હોય છે ને ત્યાં જ એ અને કિમિયાગર રણમા વસતી એક આદિવાસી જાતિના સરદાર ધ્વારા ગુલામ બનાવી દેવામા આવે છે ..... સેન્ટિગો ને કિમિયાગર સરદારની આગળ ઉભા છે ને સેન્ટિગોને મનમા થાય છે કે બસ મોત આવ્યુ જ સમજો. ત્યા જ કિમિયાગર સરદારને કહે છે કે " હુ તો રખડુ માણસ છુ. અને આ છોકરાને રણ પસાર કરવામા મદદ કરી રહ્યો છુ પણ આ છોકરો કઈ મામુલી છોકરો નથી, એને ચમત્કાર  કરતા આવડે છે. એ હવા , પાણી, આકાશ, આગ સાથે વાત કરી શકે છે. એ પવન બનીને તમારા આ તંબુઓ ઉખાડી શકે છે ..." બધા આ સાંભળી હસવા લાગે છે પણ સરદાર ને આવા જાદુમા રસ પડે છે ને કહે છે કે મારે આ છોકરાના ચમત્કાર જોવા છે. કિમિયાગર આના માટે ત્રણ દિવસ માગે છે.

આ બાજુ સેન્ટિગો તો સાવ આભો જ બની જાય છે. એ ડરી જાય છે. ને જેવા સરદારના તંબુમાથી બહાર નિકળે છે કે એ કિમિયાગર પર વરસી પડે છે.
સેન્ટિગો - " તમે મને ક્યા ફસાવી દીધો મને પવન-બવન બનતા નથી આવડતુ "
કિમિયાગર-" જે માણસ પોતાના નસીબ ને પામવા નિકળ્યો હોય એને બધુ આવડે.તુ ડરીશ તો ખરેખર કઈ નહી કરી શકે"
સેન્ટિગો -"અરે પણ તમે સમજો તો ખરા! જે કરતા મને આવડતુ નથી એ કરવા જઈશ તો નિષ્ફળતા જ   મળશે "
કિમિયાગર-"જો તને પવન બનતા નથી આવડ્તુ તો શીખવા માડ. તારી જિંદગીનો સવાલ છે"
સેન્ટિગો - "પણ જો મારાથી પવન ના બનાયુ તો ! "
કિમિયાગર- "તો મરી જજે! પોતાના ખજાનાની શોધ કરતાકરતા મરવુ તે બહેતર છે. કેટ્લાય લોકો તો પોતાના નસીબને પામવાનો પ્રયત્ન કર્યા વગર જ મરી જાય છે .પણ તુ ડર કાઢી નાખ. મરવાનો ડર માણસને ભલભલા પાઠ ભણાવી દે છે"

એક દિવસ તો એમ જ વીતી જ જાય છે . બીજા દિવસે ડરેલો સેન્ટિગો રણની એક ટેકરી પર બેઠેલો હોય છે. શાંતિથી એકલા બેઠાબેઠા સેન્ટિગોએ રણમાં, પવનમાં અને  આકાશના ભૂરા રંગમા પોતાનુ મન પરોવા માંડ્યુ. એ આંખો બંધ કરીને પોતાના અંતરમાથી આવતા અવાજ્ને સાભળવા લાગ્યો. રણ, પવન, આકાશ સેન્ટિગોનુ મન બધા જ એની સાથે વાત કરતા હતા. ને સેન્ટિગો સાંભળી રહ્યો.

હવે સેન્ટિગો શાંત હતો. એને ભરોસો આવી ગયો કે એ સમગ્ર સૃષ્ટિ સાથે વાત કરી શકે છે . પવન પણ બની શકે છે. ત્રીજો દિવસ થાય છે. પેલો સરદાર સેન્ટિગોને ચમત્કાર બતાવાનો હુકમ કરે છે. સેન્ટિગો બધાને ત્યા જ ઉભા રહેવાનુ કહી રેતીની એક ટેકરી પર ચડે છે. આગલા દિવસની જેમ એ રણને ધ્યાન થી જોવા લાગે છે.ને એને રણમાથી શબ્દો સંભળાય છે, " ફરીવાર કેમ આવ્યો ? તારે શુ જોઈએ છે ?"

સેન્ટિગો,"તારા વિરાટ શરીર પર એક દ્વીપ છે. એમા મોટીમોટી આંખોવાળી એક છોકરી રહે છે. હુ એને પ્રેમ કરુ છુ. મારે એની પાસે જવુ છે મને મદદ કર."
રણ, " પ્રેમ એટ્લે શુ ?"
સેન્ટિગો," બાજ પક્ષી તારી પર ઉડે છે.  તારી કૂખમા ઉછરતા અન્ય જીવોનો તુ એને શિકાર કરવા દે છે એ પ્રેમ છે."
રણ," પણ બાજ આમ કરે છે ત્યારે મરો જીવ કપાઈ જાય છે કેમ કે એ શિકાર મારી કૂખ મા ઉછર્યો હોય છે."
સેન્ટિગો," બાજ જે શિકાર કરે છે એ અમે પણ ખાઈએ છીએ અને અમે બીજાને ખોરાક આપીએ છીએ, અન્ય જીવોનુ પણ પોષણ કરીએ છીએ. બાજ ભક્ષણ કરી શકે એટ્લે જ તારામા પ્રાણીઓ શ્વાસ લે છે. જીવનચક્ર આમ જ ચાલે છે."
રણ, "એને પ્રેમ કહેવાય ?"
સેન્ટિગો, "હા , એક બીજાનુ પોષણ ને કાળજી એ જીવનનો નિયમ છે. પ્રેમ એ જીવનનો નિયમ છે."
રણ, "તારી વાત સારી છે. પણ મને સમજાતી નથી."
સેન્ટિગો,"તને એટલુ તો સમજાય છે ને કે મારે પેલી છોકરી પાસે જવુ છે. મારે પવન બનવુ છે."
રણ," હુ તો તને મદદ કરીશ જ . તને રેતી આપીશ પણ તારે પવનની પણ મદદ લેવી પડશે."

સેન્ટિગો થોડીવાર આંખો બંધ કરી દે છે. ધીમે ધીમે પવન ફૂકાવા લાગે છે.
સેન્ટિગો પવનને, "મને મદદ કર. જે છોકરી દૂર દૂર ધ્વિપમા તને ચૂમે છે એની પાસે મારે જવુ છે. એના સંદેશા તુ જ મારે પાસે લાવે છે"
પવન," તુ મારા જેવો ના થઈ શકે. પવન અને માણસ મા મોટો તફાવત છે"
સેન્ટિગો," ના એવુ નથી. માણસનુ શરીર પવન, આગ, માટી, પાણી ને આકાશનુ બનેલુ છે. આ પ્રકૃતિનો જેમ તુ એક ભાગ છે એટલો જ મહત્વનો ભાગ હુ પણ છુ. આપણા બધાના સર્જનહાર એક જ છે. તુ મને પવન બનાવી દે તો તને પ્રેમ શુ છે એ સમજાશે. હુ પવન બનીશ જ કેમકે હુ પેલી છોકરીના પ્રેમ મા છુ. પ્રેમ મા માણસ ગમે તે કરી શકે. પવન પણ બની શકે. તારે મને મદદ કરવી જ પડે. "

પવન ,"પ્રેમ ની આવી શક્તિની તો મને ખબર નથી.મે ઘણી વાર જોયુ છે કે લોકો પ્રેમ ની વાતો કરતાકરતા ઉંચે સૂરજ તરફ જોતા હોય છે. આપણે સૂરજ ને પૂછીએ."

સેન્ટિગો કહે છે ," મે ક્યા ના પાડી છે. તુ એવી રીતે વહેવા માડ કે મારી આસપાસ રેતીની દિવાલ રચાઈ જાય."
પવન વધુ જોર થી વહેવા માડે છે. સેન્ટિગોની આસપાસ રીતી ઉડવા લાગે છે.સેન્ટિગો સીધો જ સૂરજ ની સામે જોવે છે અને પૂછે છે," તને પ્રેમ એટલે શુ ખબર છે ?"

સૂરજ," આપણે બધા સૃષ્ટિના આત્માનો ભાગ છીએ. એ આત્મા પાસેથી હુ શીખ્યો છુ કે પ્રુથ્વીના નાનામોટા જીવોનુ પોષણ કેવી રીતે કરવુ. મને એ ખબર છે કે જો હુ બે ડગલા પણ આગળ આવુ તો પૃથ્વીના જીવો બળીને રાખ થઈ જાય. પણ એમ વિનાશ કરવો એ મારી શક્તિ નથી. મારી શક્તિ હુ જ્યા છુ ત્યા રેહીને બધાનુ પોષણ કરવામા રહેલી છે. આમ બધા ને જીવન આપવુ એ પ્રેમ છે. પ્રેમ કરવો એટલે કાળજી કરવી, આપવુ અને પોષવુ. "
સેન્ટિગો," તુ કહે છે એ પ્રેમ તો છે જ પણ પ્રેમ એનાથી પણ વધુ છે."

સૂરજ," છોકરા તુ એવુ કેમ કહે છે કે મને પ્રેમ એટલે શુ એ ખબર નથી ? "

સેન્ટિગો," તારી જેમ દૂર દૂર રહી જોયા કરવામા પ્રેમ નથી. પ્રેમ હમેશા બીજાને સુધારે છે અને એક રીતે દુનિયાને સુધારે છે. આ સૃષ્ટીનો આત્મા પણ નબળો હોય છે. આપણે આપણા પ્રેમ વડે એને સુધારવો પડે છે. આપણે સારા બનીએ તો વિશ્વ સારુ બને, આપણે ખરાબ બનીએ તો વિશ્વ પણ ખરાબ બને એટલે જ પ્રેમ મહત્વ નો છે. જ્યારે જ્યારે માણસ કોઈને પ્રેમ કરે ત્યારે ત્યારે  પોતાની જાતને અને બીજાને વધારે સારા બનાવાનો પ્રયત્ન કરે છે અને આમ પોતાની આસપાસની દુનિયાને વધુ સારી બનાવે છે."

સૂરજ, " સારુ તારે મારી પાસેથી શુ જોઈએ છે ?"

સેન્ટિગો, "મારે પવન બનવુ છે."

સૂરજ, "તને પવન બનાવતા મને નથી આવડતુ. તુ આપણા સર્જનહાર, આપણા બધાના નસીબના લખનારને જ પૂછને ! "

સેન્ટિગો આંખો બંધ કરી દે છે. પવન વધુ જોરજોર થી વહે છે. રેતી પણ વધુ જોર થી ઉડવા લાગે છે. પણ સેન્ટિગોના મનમા શાંતિ હોય છે. એને કોઈ અવાજ સંભળાતો નથી. એના મનમાં પ્રાર્થનાના શબ્દો ઉગવા માડે છે. આ પહેલા ક્યારેય એણે આવી પ્રાર્થના કરી નહોતી. આ પ્રાર્થનામા કોઈ યાચના કે ભેટની વાત નહોતી. ધ્વિપ પર પેલી છોકરી પાસે જવાની ઈચ્છા પણ આ પ્રાર્થનામા નહોતી. મનની ગાઢ શાંતિમા સેન્ટિગોને સમજાય છે કે પવન, આકાશ, સૂર્ય અને રણ પણ નસીબના શબ્દોને ઉકેલવા પ્રયત્નો કરે છે.જેના હાથે બધાનુ નસીબ લખાયુ હોય છે એના હાથે જ બધા ચમત્કારો સર્જાય છે. રણનો દરિયો ને દરિયાનુ રણ થાય છે ....અને માણસ પવનમા ફેરવાય છે.

સૃષ્ટિના આત્મા સાથે સેન્ટિગોનુ મન એક થઈ ગયુ, એને સમજાઈ જાય છે કે સૃષ્ટિનો આત્મા જ ઈશ્વરનો આત્મા છે. એને એ પણ સમજાયુ કે એક સીધોસાદો ભરવાડ ચમત્કાર કરી શકે છે, સૂરજ સાથે વાતો કરી શકે છે .... પવન મા ફેરવાઈ શકે છે.

પવન ઓસરી જાય છે. સેન્ટિગો દૂર હસતો ઉભો છે. સરદાર ખુશ છે અને એ સેન્ટિગો અને કિમિયાગરને છોડી મૂકે છે.

             -------------------- *  ------------------- * -------------------- * --------------------
Two beautiful dialogues from two movies. (ભાવાનુવાદ )

- RunAway Bride મા જુલિયા રોબટ્સ રીચર્ડ ગેરે ને પ્રપોઝ કરતા છેલ્લે કહે છે," મને ખબર છે કે આગળ જતા ઘણી તકલીફો આવશે , મને ખબર છે કે આપણૅ કાયમ સાથે નથી રહી શકવાના... આગળ જતા આપણામાથી કોઈ એક અથવા આપણે બંને છૂટા પડી જઈશુ. પણ મને એ પણ ખાત્રી છે કે અત્યારે આ ક્ષણે જો હુ તારો હાથ નહી માગુ તો  હુ જીવનની અમુલ્ય ક્ષણો ગુમાવી દઈશ..."

- Movie Break Ke Baad- " કોઈ તમને એટલા માટે નથી ચાહ્તુ કેમ કે તમે સ્પેશ્યલ છો .. બલ્કે તમે સ્પેશ્યલ એટ્લા માટે હોવ છો કે તમારી આસપાસ તમને ચાહવાવાળા લોકો છે ..."

અને બધી ચર્ચાને અંતે  સુરેશ દલાલ કહે છે એ સાચુ જ લાગે છે.
‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત,
એટલી વાતને કહેવા માટે કેટલો વલોપાત.
      ‘કહ્યા પછી શું ?’ ની પાછળ
            શંકા અને આશા,
      શબ્દો વરાળ થઈને ઊડે
            ભોંઠી પડે ભાષા.
દિવસ સફેદ પૂણી જેવો : પીંજાઈ જતી રાત,
’હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત.
      પ્રેમમાં કોઈને પૂછવાનું શું :
            આપમેળે સમજાય,
      વસંત આવે ત્યારે કોયલ
            કેમ રે મૂંગી થાય ?
આનંદની આ અડખેપડખે અવાક્ છે આઘાત,
‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત.

Again Have a Meaningful, feelingsful and Happy Valentine Day ....

Sunday, February 13, 2011

કંઈક હળવુ-હળવુ....

હમણાં હમણાં બહુ અઘરી અઘરી વાતો થઈ ગઈ તો આજે કંઈક હળવુ-હળવુ....

એક છોકરો એક છોકરી એક બીજા મા મગન થયા
લોક બીચારુ સાવ જ ભોળુ એમ સમજે કે લગન થયા
....

આવતી કાલે  પ્રેમનું એન્યુઅલ ફંકશન (વેલેન્ટાઈન ડે)  છે. એટલે રિહસર્લ તો કરવું જ  પડે ને ? વળી પ્રેમ એક પરીક્ષા (કસોટી) પણ છે એટલે એના વિશે વાંચીને જાવ તો શું છે કે પેપર સારું જાય. અને ’-'સોટીજરા સારી રીતે ચચરે ! પરીક્ષાના ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોય ત્યારે જાડું પુસ્તક વાંચવા ન બેસાય, ફક્ત IMP. IMP..  જ વાંચી નાંખવું પડે. એટલે જ આજે મોટો લેખ કે નિબંધ ન લખતાં અગત્યના અવતરણો જ આપું છું. એ સમજીને કંઠસ્થ કરીને જ તમે ૧૪મી ફેબ્રુઆરીએ પ્રેમ કરવા નીકળજો. ઓ.કે.!

  •    પ્રેમ એ પિત્તળની રાશિ છે. એટલે તસ્કરોએ એમાં સોનું શોધવાનો મિથ્યા પ્રયત્ન  ન કરવો !
  •    પ્રેમ એ નવ્વાણું ટકા નુકસાનીનો ધંધો છે. પરંતુ એ ધંધામાં પડયા સિવાય નુકસાનીનો લ્હાવો લૂંટી   શકાતો નથી !
  • પ્રેમ એક એવી મખમલી પથારી છે કે એમાં પડનાર મોટે ભાગે મૂઢમારનો ભોગ બને છે !
  •   “એમણે કરી જ્યારે બદલી પ્રેમની,  થઈ જાણ અમને અમારા વહેમની." એ અનુસાર પ્રેમ તદ્દન ટ્રાન્સફરેબલ જોબ છે. એટલે ટ્રાન્સફરની તૈયારી સાથે જ નોકરી નોંધાવવી !
  •   જવાની એ કોઈને ભાઈ કે બહેન બનાવવાની ઉંમર નથી. એ તો જવાનીનું ઈન્સલ્ટ કહેવાય. એટલે    સાવધાન રહેવું. કોઈ તમને વોને બદલે ન બનાવી જાય !
  •   દિલ કંઈ કેટલીયે જાતના હોય છે. ક્વોલિટી પ્રમાણે એના ભાવ હોય છે. એટલે ભાવ ચુકવવાની તૈયારી  હોય તો જ લાઈનમાં ઊભા રહેવું, નહીં તો ચાલતી પકડવી.
  • પ્રેમનું આજીવન લવાજમ ભરવાની ભૂલ ન કરવી. જેથી મેગેઝિનમાફક ન આવે તો બદલીને બીજું બંધાવી શકાય. ટૂંકમાં પ્રેમના ફક્ત એમ.ઓ.યુ. (MOU) જ કરવા !
  • પ્રેમ તો હર્બલ જ હોય છે પણ ટ્રબલ પાત્રમાં હોય છે, એટલે પાત્ર જોઈને રોકાણ કરવું !
  • ઈક અહેસાસ હૈ, યે રુહ સે મહેસૂસ કરો આ પંક્તિ સંભળાવ્યા પછી મજનૂ ભૂસેટીને ભાગી ન જાય તો એને સાચો પ્રેમ સમજવો !
  • મલ્લિકા કહે મૂળચંદને- લે આ પ્રેમપત્ર... આપી આવ મારા ફૂલચંદને !આવી દુર્ઘટના પણ બની શકે. એટલે દિલ પર લોખંડનો પથ્થર રાખીને પ્રેમોત્સવ ઉજવવા નીકળવું !
  • પ્રેમ ચડયોહશે એવા પાગલોવેલેન્ટાઈનના શુભ દિવસે એવું પણ ગાશે કે “... કહે તો આસમાન સે  ચાંદ- તારે લે આઉં...તો એની ધગશ પરિપૂર્ણ કરવા એને ચાંદ- તારા તોડવા મોકલવો અને ત્યાં સુધી તમારે અન્ય ખરતા  તારાએટેન્ડ કરી લેવા !!
  • પ્રેમ એ પહેલી તારીખજેવો માલેતુજાર છે. પણ પહેલી તારીખને આખર તારીખમાં પલટાતા વાર નથી લાગતી.
  • પ્રેમ વિશે જેટલું વાંચશો એટલા વધુ ગુંચવાશો. એના કરતાં એક જ સૂત્ર યાદ રાખવું. પ્રેમ જ્યાંથી મળે, જેટલો મળે, જ્યારે મળે, જેવો મળે એવો લઈ લેવો અને સામે દઈ દેવો ! ટૂંકમાં પ્રેમનું કરન્ટ એકાઉન્ટરાખવું, ‘સેવિંગ એકાઉન્ટનહીં !
  • પ્રેમના અસહ્ય ઊભરા આવે તો એનાથી બચવા લગ્ન કરી લેવા કારણ કે લગ્ન એક એવું એન્ટિબાયોટિક છે જે પ્રેમના બેકટેરિયાનો ખાત્મો બોલાવી દે છે !
  • વહેતો પ્રેમ પવિત્ર ! એટલે વહેણમાંથી પ્યાલો ભરીને પી લેવો. પીધાપછી ગાવું “...મૈં પ્રેમ કા પ્યાલા પી આયા... ઈક પલ મેં સદીર્યાં જી આયા...એક પ્યાલામાં સદીઓ જીવી જવાય એ તો કેટલું સસ્તું કહેવાય ?! અને "પ્યાલો પ્રેમ"  તો બહુ થઈ ગ્યો લ્યા !! બધું માપમાં સારું !
  • Vale-n-tine શબ્દ જ આગળ ખીણ (vale) અને પાછળ કાંટા (tine)  સૂચવે છે. સમજદારોં કો ઈશારા કાફી હૈ !
  • મિત્રો, આ બધું તો બરાબર. બાકી નિર્મળ જળ જેવી વાત એ છે કે કોઈ માંગે તો હાલને હાલ આપી શકાય એવી ચીજ એક જ છે અને તે છે વહાલ. એમાં આવતીકાલ, આવતીસાલ કે વેલેન્ટાઈનના વાયદા ન હોય !
છમ્મડું :
છોકરાઓ છોકરીઓ પાછળ આટલા બધા લટ્ટુ કેમ થતા હશે ?’ 

હશે હવે, છોકરા છે ને ?!' 

- ડો. નલિની ગણાત્રા

ગઈકાલે એક ફ્રેન્ડનો  sms આવ્યો ... "LoVe is blind - Shakespeare ........ what is Love for u? Ans in one word "... તો મને પણ ગમ્મ્ત સૂઝી ને મે as usual મારા બીજા બધા ફ્રેન્ડ્સ ને પૂછ્યુ " what is Love ? " ... મસ્ત જવાબ મળ્યા .... નવાઈ ની વાત એ હતી કે મોટાભાગનો એક પણ જવાબ રીપીટ નહોતો થયો ... એમાના થોડા answers : Love is : Understanding , Loss, Beautiful, True Feelings , to like some1 more than yourself , Feelings to Feel :) .... 

wow !  જેટલા અલગ લોકો એટલા અલગ વિચાર  .... હવે ચર્ચા ચાલે છે તો આમને  પણ સાંભળો ....

"ચાંપલી - મુલાયમ વાત કરતો અને પ્રેમની સુફિયાણી કવિતાઓ લખતો કવિ તેના વાસ્તવિક જીવનમાં બેવફા પ્રેમી હોય એ શક્ય છે. અને જિન્સમાં પાછળના ભાગે પિસ્તોલ ખોસી ફરતો ખરબચડો યુવાન તેના વાસ્તવિક જીવનમાં ઉત્તમ પ્રેમી હોય એ પણ અશક્ય નથી. પ્રેમ વિશે એટલું પ્રીડિક્ટ કરી શકાય કે તેમાં કશું જ પ્રીડિક્ટેબલ હોતું નથી. એમાં ગણતરીઓ કામ લાગતી નથી, કારણ કે એ ગણિત નથી. એમાં સિદ્ધાંતો અને નિયમો લાગુ પડતા નથી, કેમ કે એ વિજ્ઞાન નથી. એ શું છે એ કોઈ જાણી શક્યું નથી, તેને માત્ર માણી શકાય. અને હાં! તેને ખરા હૃદયથી જેણે માણ્યો, તેણે જ તેને જાણ્યો જાણજો!"  
- સિલ્વર સ્ક્રીન - કિન્નર આચાર્ય ( ફિલ્મ "યે સાલી જિંદગી" ના રીવ્યુમા )

"પ્રેમ આખરે કઈ ચીજ છે? કોઈકના આછેરા સ્પર્શની સોડમમાં એવું ક્યું રસાયણ છે જે જિંદગીભર શ્વાસને સ્મૃતિઓથી મહેંકતા રાખે છે? શું વધુ મહત્વનું છે, પ્રેમ પામવો એ કે કોઈકને દિલ ફાડીને પ્રેમ કરવો એ? ઉત્તરરામચરિતમાં ભવભૂતિ તેનો જવાબ આપે છે, ‘હૃદયં ત્વેવ જાનાતિ પ્રીતિયોગં પરસ્પરં’. હું તને મળું કે ન મળું, હું તારા ફોન રિસિવ કરૃં કે ન કરૃં, હું તારા મેસેજ કે મેઈલનો જવાબ આપું કે ન આપું. એ દરેક સવાલના હા અને ના થી જે પર છે એ અખૂટ વિશ્વાસ છે અને એ વિશ્વાસ જેનાંથી પ્રેરાય છે એ પ્રેમ છે. પ્રેમ એ છે જે કશું માંગતો નથી, આપે છે. બસ, આપ્યે જ જાય છે."
હા, હરીભરી જિંદગી પણ.
- વિવર્તન - ધૈવત ત્રિવેદી

Saturday, February 12, 2011

પીળો રુમાલ ...એક વાર્તા

પૂછ મા તારા વિના કેવા અમારા હાલ છે આંસુઓ છે આંખમાં ને હાથમાં રૂમાલ છે ...

 - શેખાદમ આબુવાલા

એક બસમાં છ વિદ્યાર્થીઓ ન્યૂયોર્કથી ફ્લોરિડા જતા હતા. ત્રણ છોકરાં હતાં. ત્રણ છોકરીઓ હતી. છએ જણાં આનંદમાં હતાં, સેન્ડવીચ ખાતાં હતાં, પીણાં પીતાં હતાં, અને ફ્લોરિડાના ખુલ્લા દરિયાકાંઠાની અને સમુદ્રસ્નાનની વાતો કરતાં હતાં. ન્યૂયોર્કનું ધૂંધળું આકાશ ધીમે ધીમે એમની પાછળ અદૃશ્ય થઈ રહ્યું હતું. બસ આગળ વધી રહી હતી.

દક્ષિણ તરફ જઈ રહેલી એ બસમાં એક ખૂણામાં વીંગો પણ બેઠો હતો. વિદ્યાર્થીઓની સામેની સીટમાં એ બેઠો હતો. એનો પોશાક સાદો હતો, કપડાં સહેજ ડખળાં પડતાં હતાં, ચહેરા પર થાક હતો, પોતાના વિચારમાં ડૂબેલો, એકલોઅટૂલો, મૌન બેઠો હતો.

વોશિંગ્ટનથી દૂર ગયા પછી રાત્રે રસ્તાની બાજુમાં આવેલી એક રેસ્ટોરાં પાસે બસ ઊભી રહી. બધા માણસો ઊતર્યા. વીંગો નીચે ન ઊતર્યો. વિદ્યાર્થીઓ અંદરોઅંદર વીંગો વિશે વાત કરવા લાગ્યા. કોણ હશે એ માણસ? નૌકાખાતાનો કોઈ કેપ્ટન હશે? પત્નીને છોડીને ભાગી જતો હત્ભાગી પતિ હશે? કોઈ સૈનિક હશે અને રજા પર ઘરે જતો હશે? કોણ હશે?

વિદ્યાર્થીઓ ફરી બસમાં ગોઠવાવા લાગ્યાં. એક છોકરી આવીને વીંગો પાસે બેઠી. છોકરીએ પોતાની ઓળખાણ વીંગોને આપી અને વાત શરૃ કરી. ‘‘અમે બધાં ફ્લોરિડા જઈએ છીએ, કહે છે કે એ પ્રદેશ ખૂબ જ સુંદર છે!’’

“હા, બહુ જ સુંદર છે.” વીંગો બોલ્યો. એની આંખોમાં જાણે અનેક જૂની સ્મૃતિઓ ઉભરાઈ આવી.

“પીણું લેશો?”

“ના” એણે નમ્રતાપૂર્વક ના પાડી.

આગળ શું વાત કરવી એ છોકરીને સૂઝ્યું નહીં. અને વીંગો ફરી પોતાના મૌનના કોશેટામાં લપાઈ ગયો. છોકરી ત્યાંથી ઊભી થઈ અને પોતાના મિત્રો પાસે ગઈ. વીંગો સૂઈ ગયો.

બીજે દિવસે સવારે ફરી એક રેસ્ટોરાં પાસે બસ ઊભી રહી. પેલી છોકરીએ વીંગોને આ વખતે પોતાની સાથે આવવા આગ્રહ કર્યો. કશું બોલ્યા વિના માત્ર માથું હલાવીને એના આગ્રહનો એણે સ્વીકાર કર્યો. રેસ્ટોરાંમાં એણે કોફી પીધી અને સિગારેટ સળગાવી. વિદ્યાર્થીઓએ જોયું કે સિગારેટ એના હાથમાં ધ્રૂજતી હતી.
પાછા ફરીને જ્યારે એ લોકો બસમાં બેઠાં ત્યારે પેલી છોકરી ફરીથી વીંગોની બાજુમાં બેઠી અને ધીમેથી વાતો કરવા લાગી. વીંગોએ આખરે એનું દિલ ખોલ્યું અને વાત કરવાનું શરૃ કર્યું. છેલ્લાં ચાર વરસથી એ ન્યૂયોર્કની જેલમાં કેદી હતો. અને અત્યારે પેરોલ પર ઘરે જઈ રહ્યો હતો.

“પરણેલા છો?” છોકરીએ પૂછયું.

“મને ખબર નથી.”

“એટલે?” છોકરીને આશ્ચર્ય થયું.

“એવું છે ને, હું જ્યારે જેલમાં ગયો ત્યારે મેં મારી પત્નીને લખ્યું હતું કે હું લાંબો સમય જેલમાં રહેવાનો છું. એટલો સમય એકલા રહેવાનું બહુ કપરું થઈ પડશે. બાળકો કદાચ મારા વિશે અટપટા પ્રશ્નો પૂછે, પાડોશીઓ ટીકા કરે, એ બધું દુઃખ જીરવવું સહેલું નથી હોતું. જો એ બધું અસહ્ય બની જાય તો...” એ અટકી ગયો. એના ગળે ડૂમો ભરાઈ આવ્યો. “તો મને ભૂલી જજે. અને બીજા કોઈ સાથે તારું જીવન...” એ ફરી અટકી ગયો અને ઊંડો શ્વાસ લઈને બોલ્યો, “... અને એ બાબત મને કશું જ લખવાની જરૃર નથી. બસ, મને ભૂલી જજે. લખવાની કોઈ જરૃર નથી. અને પછી સાડા ત્રણ વરસ વીતી ગયાં છે, એના તરફથી કોઈ પત્ર નથી.”

“એટલે તમે...” છોકરી ધીમેથી બોલી, “ઘરે તો જાઓ છો, પણ તમને કશી જ ખબર નથી, કશી જ ખાતરી નથી.”

“હા. એમ જ છે.” એણે સંકોચથી કહ્યું, “પણ મેં ગયા અઠવાડિયે ફરી એને એક પત્ર લખ્યો છે. અમે બ્રુન્સવીકમાં રહીએ છીએ. બ્રુન્સવીકમાં દાખલ થતાં જ એક મોટું ઓકનું ઝાડ નજરે પડે છે. પેરોલ ઉપર છૂટવાની વાત નક્કી થઈ ત્યારે મારી પત્નીને મેં લખ્યું કે, જો એ મને આવકારવા તૈયાર હોય તો પેલા મોટા ઓકના ઝાડ ઉપર પીળો રૃમાલ બાંધે જેથી મને ખબર પડે, નહીં તો બધું ભૂલી જાય. જો ઓકના ઝાડ ઉપર રૃમાલ હશે તો હું બસમાંથી ઊતરી જઈશ, નહીં તો આગળ ચાલ્યો જઈશ. બસ એટલું જ, બીજું કશું જ નહીં.”

પછી વીંગોએ એ છોકરીને એની પત્નીનો અને બાળકોનો ફોટો બતાવ્યો. છોકરીએ પોતાનાં બીજાં મિત્રોને એ વાત કરી. અને છએ જણાં બ્રુન્સવીક આવે એની રાહ જોવા લાગ્યાં. બ્રુન્સવીક બત્રીસ કિલોમીટર દૂર હતું.
બસ ચાલતી હતી અને અંતર ઘટતું જતું હતું. ત્રણ છોકરાં અને ત્રણ છોકરીઓ વીંગો જેટલી જ આતુરતાથી બ્રુન્સવીકની અને પેલા મોટા ઓકના વૃક્ષની પ્રતીક્ષા કરી રહ્યાં હતાં. એ લોકો બસની બારીઓ પાસે જઈને બેઠાં હતાં. વીંગો હવે બોલતો નહોતો. એનો ચહેરો ગંભીર થઈ ગયો હતો. એનું ભાવિ કેવું હશે એની એને ખબર નહોતી.

બ્રુન્સવીક સોળ કિલોમીટર દૂર રહ્યું પછી આઠ, પછી ચાર. વિદ્યાર્થીઓ એમની સીટમાં ઊભાં થઈ ગયાં. બ્રુન્સવીક નજરે પડયું. ઓકનું વૃક્ષ નજરે પડયું. બધાં ચિચિયારીઓ કરીને કૂદવા લાગ્યાં અને નાચવા લાગ્યાં.

વીંગો ઓકના ઝાડ સામે જોઈને જાણે પૂતળું બની ગયો હતો. એના ઉપર પીળા રૃમાલ ફરકતા હતા. એક નહીં, બે નહીં, પૂરા  સો-બસો... આખુંયે ઝાડ આવકારના પીળા રંગે રંગાઈ ગયું હતું. વિદ્યાર્થીઓ નાચતા હતાં અને વીંગોની આંખોમાંથી આંસુ વહેતાં હતાં. એ ધીમેથી ઊભો થયો, અને પોતાના ઘરે જવા માટે એણે પગ ઉપાડયા.

- From the Article of Mohammad Mankad 

મારી એ કલ્પના હતી કે વિસરી મને,
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને.
... 


- આસિમ રાંદેરી

Friday, February 11, 2011

વેલન્ટાઈન ડે - નાટક કે બીજુ કંઈ ??

નથી જો લાગણી તો શું થયું? વ્યવહાર રહેવા દો.
હૃદયના ખાલીપાનો કોક તો ઉપચાર રહેવા દો !...
વેલન્ટાઈન ડે ના આડે ગણત્રીના દિવસો રહ્યા છે ....પવન જેમ સરહ્દોનો મોહતાજ નથી એમ લાગણીઓ કંઈ દિવસ કે ગીફ્ટ્સની મહોતાજ ના જ હોવી જોઈએ. એ વસ્તુ ઠીક છે કે ગીફ્ટ એ લાગણીને વ્યક્ત કરવાનુ સાધન  છે, પણ એ કંઈ લાગણી માપવાનુ  થર્મોમીટર નથી.  આડા દિવસે પાંચ રુપિયામા વેચાતુ ઈંગ્લિશ રેડ રોઝ એ દિવસે પચાસ રુપિયામા વેચાય છે,  પચાસથી માંડી ને પાંચસો કે પાંચ હઝાર રુપિયાની વસ્તુઓની આપ-લે થશે, કેન્ડ્લલાઈટ ડીનર્સ, થીમ પાર્ટી, લવબર્ડ્સથી છલકાતા રેસ્ટોરાં -ગાર્ડન્સ - થીએટર્સ, હાથમા હાથ લઈને લોન્ગ ડ્રાઈવ પર નિકળી પડતા કપલ્સ ....   રોમાન્સ માટેનો બધો સામાન હાજર હોય છે એ દિવસે... નથી હોતી તો ખાલી સાચી લાગણી ... એક-બીજાના હાથમા હાથ લઈને બેઠેલા "બોયફ્રેન્ડ - ગર્લફ્રેન્ડ"  ને એ ખબર (કે ખાત્રી?)  નથી હોતી કે આવતા વેલેન્ટાઈન ડે વખતે એ હાથમા કોનો હાથ હશે !

માર્કેટીંગ, મટીરીયાલીઝ્મ ને મોર્ડનાઈઝેશન - આ ત્રણ શબ્દોએ આજની જનરેશનને બધુ જ  ફેશનના ચશ્મા પાછળથી જોવાની કુટેવ પાડી દીધી છે ... ને આટલુ ઓછુ પડતુ હોય એમ વળી મિડિયાના સપોર્ટે લોકોને આંધળા બનાવવામા કંઈ કસર છોડી નથી. એક નવી ફેશન ચાલે છે આજકાલ " પોતાનુ મગજ બાજુ પર રા્ખીને જીવવાની - મગજને વિચારવાની તસ્દી નહી આપવાની ફેશન ( કદાચ ક્યાક વધુ પડ્તુ વપરાઈ જાય તો !) " .એટલે ફેશન ના નામે બધુ જ ચાલે છે. અને ઍટલી હદ સુધીનુ "ઑવર" ચાલે છે કે  વેલેન્ટાઈન ડે જેવો નિર્મળ  દિવસ પણ સાવ નાટ્ક , ખોખલો, અર્થહીન લાગવા માંડે છે.

બે-ચાર વેલેન્ટાઈન ડે સાથે વિતાવ્યા પછીના ( ઘણીવાર તો નેક્ષ્ટ )  વેલન્ટાઈન ડે વખતે પાત્રો બદલાઈ જાય છે .. ને નવા ચહેરા સાથે નવા નાટકો શરુ થાય છે ...ફેશન છે ભાઈ .... લાગણીઓ બદલાવાનો તો કોઇ સવાલ જ નથી કેમકે લાગણી તો હોય છે જ ક્યા ? 

ઓકે.... "એ તો બધુ એમ જ હોય ... અત્યારે બધા આમ જ કરે છે " ....આવી છટક બારીની પણ ફેશન ચાલે છે. 
કંઈ હાથ ના લાગે તો "Openness" & "Broadminded" નુ ચળકતુ રેપર લગાડી છીછરા વર્તનોને " Natural Feelings"મા ખપાવી દેવાની પણ ફેશન ચાલે છે.  છતાંય  ખરી હદ તો ત્યારે થાય છે જ્યારે આવા નાટકોથી  માણસ કંટાળે છે ને પછી ક્યાય લાગણી નથી, પ્રેમ નથી, વિશ્વાસ નથી ની ફિલસૂફી  ઝાડવા લાગે . પાણીની તરસ લાગી હોય ત્યારે પેપ્સી કે કોકાકોલાથી ગળું ભીંજવે ને પછી તરસ છીપાતી નથીની બૂમો પાડે .... આની પણ ફેશન ચાલે છે ....
આટલી પૂર્વભૂમિકા બાંધ્યા પછી  njoy this article of  Bhavin Adhyaru  from the column  'Yangistan' - Sandesh

વેલેન્ટાઈન ડેઃ કવિતાઓ, સોફ્ટ ટોયઝથી ઉપર સંબંધોની મીડાંચોકડી...

૧૦૩ ડિગ્રી તાવ હતો તને, 
એમ તો તને લખેલા લવલેટર પણ રોકડા ૧૦૫ હતા!
શું કરું હું? ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન વાંચું
આજે કે તારો બે વર્ષ પહેલાંનો લેટર?
 

‘ર.પા.’થી અનિલ જોશી, બધે ફરી વળ્યો હું એ સંવેદનોને ફીલ કરવા,
પણ મારા હાથમાં ‘ટુ ડુ લિસ્ટ’, લાઈટનું બિલ અને લોનનું સ્ટેટમેન્ટ હતાં!
વેલેન્ટાઈન ડે પર ‘સોલીટેર’ આપી તને ‘ફાસ્ટ ટ્રેક’ પહેરાવું?
કે પછી એક લોંગ ડ્રાઈવ પર જઈ વાંઝણી લાગતી કવિતાને પ્રસવ કરાવું?

ઉપરની કવિતામાં પ્રોફેશનલ કરિયર અને વર્કલોડમાં ફસાયેલા જુવાનિયાની વાત છે, જેને લવ કરવા પણ અપોઈન્ટમેન્ટની જરૂર પડે એવી હાલત છે. એની વે, ફરી આવી ગયો વેલેન્ટાઈન ડે. ક્યાંક ને ક્યાંક બધું જ સ્ટિરિયોટાઈપ લાગે. એ જ હાર્ટ શેઈપ બલુન (અને એ વેંચતા પેલાં ગરીબ બાળકો પણ યાદ જ હશે!), તૈયાર મળતા ચળકતાં મોંઘાં કાર્ડસ, સોફ્ટ ટોયઝ (અને એ પાછળ થતી કાળી મજૂરી પર જોયેલી બાહોશ પત્રકાર રવીશ કુમારની ડોક્યુમેન્ટરી પણ દિમાગને હચમચાવે છે!) અચાનક જ સ્કિન એલર્જીની જેમ ફૂટી નીકળતાં લખાણો અને ૧૫મી ફેબ્રુઆરીએ બધો ઉત્સાહ અને ચર્ચાઓ આવનારા એક વર્ષ સુધી ઘરના માળિયે જતા રહે!
વેલેન્ટાઈન ડે આવે એટલે મૂળભૂત રીતે ટોટલ ૩ પ્રકારની ચર્ચાઓ નીકળે, એક તો આ પશ્ચિમી સંસ્કૃતિએ આપેલાં બધાં તુત છે, બીજી ચર્ચા એ શા માટે જોરશોરથી ઉજવવા જોઈએ અને ત્રીજી ચર્ચા સરકારી રેકોર્ડ જેવો વેલેન્ટાઈન ડેનો ઇતિહાસ અને એનું મહાત્મય શું છે, એટસેટરા એટસેટરા. આ સિવાય વર્ષોવર્ષ કયાં નવા ટ્રેન્ડ આવે છે. માર્કેટમાં શું નવું આવે છે, વેલેન્ટાઈન ડેની ઈકોનોમી શું કહે છે? લોકો ખરેખર ઊજવે છે કે કેમ કે પછી આ જસ્ટ એક પરપોટો છે? વેલેન્ટાઈન ડે ઊજવીએ તો જ રોમેન્ટિક કહેવાઈએ, બાકી નહીં? આ બધા સવાલોના વિગતવાર ખુલાસા કોઈ આપતું નથી, કહો કે જાણવામાં કોઈને રસ નથી!
વેલેન્ટાઈન ગિફ્ટ્સ, ચીલાચાલુથી હટકે
વેલેન્ટાઈન ડે હોય અને ગિફ્ટ ન ખરીદીએ કે આપીએ એ ચાલે? ગીતા પર હાથ ન રાખીએ તો પણ સત્ય એ જ છે કે લાગણીની અભિવ્યક્તિ અતિ મોંઘાં કાર્ડસ, ચોકોલેટ્સ, પેસ્ટ્રી અને સોફ્ટ ટોયઝથી જ મોટે ભાગે થાય? શું છોકરીઓ આ ૪-૫ વસ્તુઓ આપીએ તો જ રીઝે? એને બુક્સ - ફિલ્મ, સ્પોર્ટ્સ કિટ-કોઈ મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ ગિફ્ટ ન કરી શકાય? ચીલામાં ન પડીને કોઈ સરસ જાતે બનાવેલું કાર્ડ કે કોલાજ બનાવી શકાય, એક સરસ ફ્રેમમાં ફોટોગ્રાફ્સનું કલેક્શન ક્રિએટિવ વનલાઈનર્સ સાથે મૂકી શકાય! અરે, એક બીજાને ગમતું વર્તન કરીને અને કહ્યું કરીએ અને જે વેવલેન્થ મળે એ પણ વેલેન્ટાઈન ગિફ્ટથી ક્યાં ઓછું છે?
વેલેન્ટાઈનની ઈકોનોમી અને માર્કેટિંગ
વાત આવે વેલેન્ટાઈનની તો ક્યાં કોઈ રિસેશનને ગાંઠે છે? ભાઈ, કવિઓ કહેશે કે પેલીના ચહેરાના એક અહોભાવના એક્સપ્રેશન માટે તો અમે સમરકંદ-બુખારા ઓવારી જઈએ! પણ ૬૩ રૂપિયે પેટ્રોલ, ૩૦૦ રૂપિયાની એબોની લાઉન્જમાં મૂવી અને ૫૦૦ રૂપિયા રેસ્ટોરાંના અને ગિફ્ટ તો અલગ! આ ‘આઈ લવ યુ’ની જદ્દોજહદ એકલા અમેરિકામાં જ વર્ષે ૧૪ બિલિયનનો ફાળો કુલ ઈકોનોમીને આપે છે! મોટેભાગે આ આ બાબતમાં દેખાદેખીનું એલિમેન્ટ કામ કરી જાય છે, તમે જો સિંગલ હોવ તો રીતસર તમને બધા એકલું ફીલ કરાવે એ હદે વેલેન્ટાઈનનું માર્કેટિંગ કરવામાં આવે. એફએમમાં રોમેન્ટિક સોંગ વાગે, જ્વેલરીમાં ડિસ્કાઉન્ટ, મૂવીની ફ્રી ટિકિટો, ખૂબ મોટા ર્માિજનથી વેચાતી ગિફ્ટ્સ, ટયુનિક-ટોપ - સોલીટેર અને ડેનિમની બ્રાન્ડેડ ખરીદી! મોટેભાગે આ બધું જ વધુપડતું મટિરીયાલિસ્ટિક લાગે.
વેલેન્ટાઈન અને ફીલિંગ્સ
ઉપર કહ્યું એમ મોંઘવારી વધી છે એની સામે લોકો વધુ કમાતા પણ થયા છે, લોકોનો એટિટયુડ અને સ્પેન્ડિંગ પાવર વધતા ડિસ્પોઝેબલ ઈન્કમ વધી છે. પરિણામે બધું તમારા ફાયનાન્સિયલ પાવરથી મપાય છે! એકચ્યુઅલી આખી વાતમાં ફિલિંગ્સ તો સાઈડમાં જ રહી જાય છે. સાથે ખીચું ખાઈએ કે કેન્ડલ લાઈટ ડિનર કરીએ મહત્ત્વનું શું છે? ડિનર કે એકબીજાનું સાથે હોવું? મસાલાવાળી ચા કીટલીએ પીએ કે પછી બ્રાન્ડેડ કોફી પીએ, ફિલિગ્સમાં શું ફર્ક પડવાનો? ‘દિલ તો બચ્ચા હૈ જી’ ફિલ્મની જેમ જ તાળી બે હાથે વાગે છે, ૧ દિવસ પૂરતું શોર્ટકટ મારીને ‘પ્રપોઝ મારવાની’ વાતો અને જિંદગીભર ધીરજથી સાથ આપવો એ બંનેમાં હ્યુજ ડિફરન્સ છે. સારા સારા ભણેલા યંગસ્ટર્સ લગ્ન વખતે કુંડળીઓ મેળવવામાં અને નાડીદોષ નિવારવામાં બીઝી તો ક્યારેક એકબીજાને મા-બાપના પ્રેશરમાં આવીને ડીચ કરી દેતા હોય છે!
વેલેન્ટાઈન અને આપણું કન્ફ્યુઝડ કલ્ચર
વેલેન્ટાઈનની વાત નીકળે ત્યારે અત્યારનો માર્કેટિંગ ડ્રીવન એ મોસ્ટ કન્ફ્યુઝિંગ માહૌલ કેવી રીતે ઈગ્નોર કરી શકાય? સેક્સ આરામથી મળી શકે છે પણ માણસ પ્રેમ માટે તરસી જાય છે. કમિટમેન્ટ અને વફાદારી ફોરવર્ડ થવાના નામે ધુમાડો થઈને ઊડી જાય છે, લાઈફ વધુ ને વધુ વર્ચ્યુઅલ બની છે, એટલું જ રિયલમાં દૂર જવાયું છે.  બધી કવિતાઓ, લેખ અને કશીદાઓ લવારા લાગવા લાગે છે જ્યારે લગ્ન થાય છે અને ઘરનો ચૂલો સળગે છે!  હેવ અ મીનિંગફુલ એન્ડ  ફિલિંગ વેલેન્ટાઈન  ડે! 

          ------------------  x ----------------- x ------------------------ x -------------------------

love, loyalty , trueness , trust, commitment, long term real relationship આ બધા શબ્દો  હજી પણ એટલા ઓલ્ડ ફેશન નથી બન્યા કેમ કે હાલની તારીખમા પણ માણસની અંદર ઝાંખીને જુઓ તો  એની જ ઝંખના ઉછળતી હોય છે ...  જરુર છે તો થોડી સમજણની, વિચાર્પૂર્વકના વર્તનની અને ધીરજની ... 

ખળખળ વહેતા નિર્મળ ઝરણાની તલાશમા નિકળ્યા હોવ ને એ ના મળે તો હારી થાકીને કંઈ કાદવમા છબછબીયા ના કરાય, એમાથી તો નરી ગંદકી જ નસીબ થાય ને ત્યારે "શુ કરુ, ઝરણુ ના મળ્યુ તો કાદવથી ચલવ્યુ " એવા excuses પણ નહિ ચાલે કેમ કે દરેક વખતે "ચલાવી લેવાની" થિયરી કામમા નથી આવતી. કાદવમા છબછબીયા કર્યા ના ખોખલા સંતોષ કરતા તો  ખાલી રહી ગયાનો અફસોસ કદાચ વધુ સાચો - સારો ને પવિત્ર  હોય છે.
સદા વર્તુળમાં બેસીને તમે શોધો છો ખૂણાઓ,
કશું ખોયા કરો છો આપ વારંવાર, રહેવા દો...
તમન્નાઓ જુઓ દેખાય છે ઝાલર બની આંખે,
અને સંભળાય છે બસ એક-બે ધબકાર, રહેવા દો.
.....
- પંક્તિ " હિમાંશુ ભટ્ટ"

મારા તરફથી પણ...... હેવ અ "મીનિંગફુલ" એન્ડ  "ફિલિંગ્સફુલ" વેલેન્ટાઈન  ડે  ઈન એડવાન્સ ! 

Thursday, February 10, 2011

મીરા....

મીરા કે રાધા એ ક્યારેય કૃષ્ણને Valentine Day  વીશ નહી કર્યુ હોય ( ત્યારે ૧૪ફેબ્રુઆરી થોડી હશે ?) સાચી વાત છે. ત્યારે તો દરેક દિવસ Valentine Day જ હશે .... ત્યારે લાગણીઓને વ્યક્ત કરવા માટે કોઈ ખાસ દિવસ કે ગીફ્ટ્સના સહારાની જરુર નહી જ હોય ...


રાધાએ સેંથીમાં મોતી ટાંક્યાને
કઈક ચૂંદડીએ ટાંક્યા છે હીરા 
અહીં સાદગીનું નામ એક મીરાં

રાધાની ઓઢણીયે સોનેરી તાર
અને મીરાંને હાથ એક તારો 
તાર -તાર સાથ એક વાતનો વિવાદ
બોલ શ્યામ હવે તારો કે મારો.
- દિલીપ રાવલ  

મીરાં માગે બે બોલ ...

રાધાનું ગાન તમે છોડીને, શ્યામ,
                                          હવે મીરાંને સમજો તો સારું
                                         જેણે જીવનભર પીધું અંધારું.

છો ને અબોલા તમે રાધા સંગ લીધા,
                                        પણ એ તો છે પળભરની વારતા;
ભવભવથી મીરાં તો માગે બે બોલ,
                                       તમે ક્ષણભર ન એને સંભારતા !
ગિરધરની એઠ આજ આવશે અહીં ઠેઠ,
                                       એમ ઝંખે મીરાં એકધારું.
                                      હવે મીરાંને સમજો તો સારું.

મહેલ રે ત્યજીને જેણે મંજીરા લીધા,
                                     એની નોખી કેડી ને નોખી પ્રીત છે,
મીરાંના સરનામે ઝળહળતી ઈચ્છા,
                                   છતાં અંધારે શણગારેલ ભીંત છે.
મંદિરનો મોહ, તમે છોડીને શ્યામ,
                                  કરો મીરાંના ગામે અંજવાળું.
                                  હવે મીરાંને સમજો તો સારું.

– પ્રતિમા પંડ્યા

Wednesday, February 9, 2011

પ્રેમ મહાન પ્રેમ- short story

ઘણા વખત પહેલાની વાત છે. એક અતિ સુંદર ટાપુ પર બધી લાગણીઓ અને ગુણો સરસ મજાના ઘર બનાવીને રહેતા હતા. સુંદરતા, આનંદ , ઉદાસીનતા વગેરે એકબીજાની બાજુ-બાજુ મા રહેતા હતા. એ બધાથી દૂર સાવ છેવાડાના ઘરમા પ્રેમ રહેતો હતો.

એક દિવસ સવારે એક પરીએ આવીને બધા ટાપુવાસીઓને કહ્યુ કે તે દિવસે સાંજ સુધીમા ટાપુ ડૂબી જશે. બધીજ લાગણીઓને ગુણો એ પોતપોતાની હોડીઓ લઈને ટાપુ પરથી પ્રયાણ શરૂ કરી દીધુ. ફક્ત પ્રેમ શાંતિથી આંટા મારતો હતો. બધાને નવાઈ લાગી પણ સૌ પોતપોતાને રીતે ભાગવાની પેરવીમા હતા ત્યારે અત્યારે કોઈ પ્રેમની પંચાત કરવા ક્યા બેસે ? હકીકતમા પ્રેમને આ ટાપુ પર ખૂબ જ વ્હાલ હતુ. એ છેલ્લી ક્ષણ સુધી ટાપુની જોડે રહેવા માગતો હતો.

જેમજેમ સાંજ પડવા લાગી તેમતેમ ધીમે ધીમે ટાપુ પાણીમાં ડુબવા લાગ્યો. પ્રેમે ટાપુને ખૂબ વ્હાલ કર્યુ. એણે જમીનના કણક્ણને વ્હાલથી નવડાવી દીધા. આખો ટાપુ પ્રેમ પ્રેમ થઈ ગયો. પણ હવે ટાપુ પર પાણી વધવા લાગ્યુ. પાણી ઘૂટણ સુધી આવવા લાગ્યા એટલે પ્રેમને થયુ હવે ટાપુ છોડ્વાનો સમય થઈ ગયો છે. પણ પ્રેમ પાસે તો હોડી પણ નહોતી. મદદ માટે બૂમ કોને પાડવી ? બસ, તે જ વખતે ત્યાથી સમૃધ્ધિની હોડી નીકળી. પ્રેમે પૂછ્યુ કે,"બહેન ! તુ મને તારી હોડીમા લઈ જઈશ ? નહિતર હુ હમણા જ ડૂબી જઈશ"  સમૃધ્ધિએ પોતાની હોડીમા એક નજર નાખીને કહ્યુ, " માફ કરજે પ્રેમ ! મારી આખી હોડી સોના, ચાંદી તેમજ હીરાથી ભરેલી છે. એમા તારા માટે ક્યાય જગ્યા નથી!" આટલુ કહી એ ચાલી નીકળી.

એની પાછળ હોડી લઈ આવતી સુંદરતાને હાથ હલાવીને પ્રેમે જોરથી બૂમ પાડી કહ્યુ," હે સુંદરતા! તુ મને તારી હોડીમા લઈ જઈશ ?" પોતાની  જાત પર ને હોડી પર મગરુર સુંદરતાએ કહ્યુ ,"માફ કરજે પ્રેમ પણ તુ એટ્લો ભીનો છે કે મારી આ સુંદર હોડીને તુ બગાડી નાખીશ.મને મારી જાતને કે હોડીને ભીની કરવામા જરા પણ રસ નથી " એમ કહી સુંદરતા પણ ચાલી ગઈ.

પાણી હવે કેડ સમાણુ થઈ ગયેલુ. ત્યાજ પ્રેમે ઉદાસીનતાને જતા જોઈ. પ્રેમે એને પણ કહ્યુ કે " મને તારી સાથે લઈ લે. મને બચાવી લે.." પણ ઉદાસી જડ્સુ હતી. એણે કીધુ," માફ કરી દે પ્રેમ! પણ હુ એટલી બધી ઉદાસ છુ કે તુ મને એકલી જ રહેવા દે."  એ પણ ત્યાથી જતી રહી. ત્યાથી પસાર થઈ રહેલ આનંદતો નાચ-ગાનમા એટલો તો મશગુલ હતો કે એણે તો પ્રેમ ને જોયો પણ નહી ને એનો અવાજ પણ સાંભળ્યો નહી.

પાણી હવે ગળા સુધી આવી ગયુ હતુ. પોતે હવે સદાને માટે ડૂબી જશે એવો પ્રેમને ધ્રાસ્કો પડ્યો. એ જોર થી રડવા લાગ્યો. ત્યાં જ એક ખૂબ પ્રેમાળ અવાજ આવ્યો ,"પ્રેમ! રડ નહી. ચાલ હુ તને મારી હોડીમા લઈ જઈશ." પ્રેમે પાછળ વળી જોયુ તો એક વૃધ્ધ માણસ પાછળ હોડી લઈને ઉભો હતો એણે પ્રેમનો હાથ પકડીને પોતાની હોડી પર લઈ લીધો. પ્રેમ લગભગ ડૂબવાની તૈયારીમા જ હતો.

અચાનક ઉગરી જવાથી પ્રેમ થોડીવાર તો હતપ્રભ થઈ ગયો. એ કંઈ બોલી ના શક્યો. પેલા વૃધ્ધે તેને કિનારે ઉતારીને ચાલવા લગ્યો તોન પણ તે કઈ બોલી ના શક્યો. બસ મૂંગા મૂંગા એ વૃધ્ધનો આભાર માન્યો. અચાનક પ્રેમને યાદ આવ્યુ કે ડૂબી જવાની બીકમા ને બચી જવાની ખુશીમા પોતે પેલા વૃધ્ધનુ નામ પૂછવાનુ તો ભૂલી જ ગયો. તે આટલો નાનકડો શિષ્ટાચાર પણ દાખવી ના શક્યો એનો એને પારાવાર અફસોસ થવા લાગ્યો. તે દોડતો જ્ઞાનના ઘરે ગયો. ને એને બધી વાત કરી. જ્ઞાને પોતાની આંખો બંધ કરી. થોડીવારે આંખ ખોલીને જ્ઞાને કહ્યુ "તને બચાવનાર સમય હતો ! "

પ્રેમે નવાઈ પામતા પૂછ્યુ, " હેં જ્ઞાન ! જ્યારે કોઈ કરતા કોઈ મને મદદ કરવા તૈયાર નહોતુ ત્યારે ફક્ત સમયે જ મને કેમ મદદ કરી ?"

જ્ઞાને ગંભીરતાપૂર્વક અને સદીઓના અનુભવના નિચોડ જેવો જવાબ આપ્યો, " કારણ કે ફક્ત સમય જ જાણે છે, સમજે છે અને સમજાવી શકે છે કે પ્રેમ કેટ્લો મહાન છે અને એનુ મહત્વ શુ છે ! "

- Translated by ડા. આઈ. કે. વીજળીવાળા

પ્રેમમાં તો એવું યે થાય છે, સાવ અણધાર્યું કોઈ ગમી જાય છે,
પ્રેમમાં ના પડવાનું, ઉપડવાનું છે રે સખી, ઉડવાનું સંગાથે થાય છે;
જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે...

આકાશે આષાઢી વાદળનો વૈભવ ને છાતીમાં અણજાણ્યો ડૂમો,
ઝરમરની આંખોમાં જામે તૈયારી તમે પાલવને એકલાં જ ચૂમો;
ત્યારે અંદરથી મેઘ કોઈ ગાય છે, જયારે અણધાર્યું કોઈ ગમી
જાય છે...
- તુષાર શુક્લ 


શબ્દથી હું કહું તને કે ‘પ્રેમ છે’, એ પ્રેમ છે?
લાગણી મઢવાને શબ્દો કમ પડે, એ પ્રેમ છે.

સાથનો અહેસાસ દૂરીમાં રહે એ પ્રેમ છે,
ને મિલનની પ્યાસ મળવામાં રહે એ પ્રેમ છે.

દે ભલેને, દુ:ખ વિરહનું કાળજે નાસૂર થઇ,
સ્મિત થઇને અશ્રુમાં આવી ભળે એ પ્રેમ છે.

જો વલોવે તું નિરંતર એષણાની છાસને,
ભાવનાનું જે પછી ગોરસ બચે એ પ્રેમ છે.

હું નથી કંઇ, તું નથી કંઇ, સાથનું અસ્તિત્વ છે,
ક્યાંકથી એવી સમજ આવી ચડે એ પ્રેમ છે.

જો ચણે, હર પળ સમયની… આ અતીતનાં ખંડહરો,
કો’ક પળ આવી ફરી ચણતર કરે એ પ્રેમ છે.

ઓટ જો આવે કદી મુજ ઊર્મિનાં સાગર મહીં,
તું બની પૂનમ ફરી ભરતી ભરે એ પ્રેમ છે.

-’ઊર્મિ’

Tuesday, February 8, 2011

વસંત છે ! ... - વસંતોત્સવ ...

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના.
મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ,
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના ! ...
- મનોજ ખંડેરિયા

આજે વસંતપંચમી ....અને એમ જોવા જઈએ તો " ઈન્ડિયન વેલેન્ટાઈન ડે " ....
વસંત એટલે ઋતુઓની રાણી, કવિઓ માટે તો  ઉજાણી , લવર્સ માટે લ્હાણી અને  ભગ્ન હ્ર્દયો માટે આંખોમા પાણી - પાણી ...  આપણે ભલે એને અલગ નજરથી જોઈએ પણ વસંત તો એવી ને એવી જ હોય છે ... વાતાવરણમા ના વધુ ઠંડી ને ના વધુ ગરમી .... ને હવામાં ગુલાબી-ગુલાબી  લ્હેરખી ... 
કુદરતને પણ એકધારુ રહેવુ નથી ગમતુ એટલે જ તો એ નિયમિત રીતે ઋતુઓમા ફેરફાર કરતી રહે છે ... શિયાળાની કડકડતી ઠંડી પછી વસંત તો સારી લાગે જ ને ! જ્યાં સાંજની ઠંડી પણ ગુલાબી અને સવારનો કુણો તડકો પણ ગુલાબી ... અને  લાગણીઓ પણ ગુલાબી-ગુલાબી ...( અલબત્ત જે વસંતની ગુલાબી સંવેદના પામી શક્તા હોય તેમના માટે ...) 
આમ જોવા જઈએ તો  વસંત એટલે શિયાળાનો ફેરવેલ ડે ...... વળી આજથી બરાબર સાત દિવસ પછી વેલન્ટાઈન ડે ... તો ફેબ્રુઆરીનો ગુલાબી મહિનો હોય,  વાતાવરણમા વસંતનો ઉત્સવ હોય અને અઠવાડિયા પછી વેલન્ટાઈન ડે હોય તો પછી "સરવાણી " શુ કામ બાકાત હોય ! તો આજથી " શબ્દોત્સવ " - " કાવ્યોત્સવ " - "વાર્તાત્સવ" .... ને એ પણ લાગણી થી તરબતર .... તમે ભીંજાવ નહિ તો તમને મારા સમ .. : )

બધીયે અટકળોનો એવી રીતે અંત મળે,
કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે.
સવારે બારી ખોલતાં જ થાય છે દર્શન,
મળે ગુલમ્હોર એ અદાથી જાણે સંત મળે.
 - ?

-------
પતઝડ મહીંય જો તમે ધારો વસંત છે !
એ ધારણાંનાં સત્યમાં યારો વસંત છે.

ફૂલોથી ફાટફાટ થશે બાગ ભીતરી,
ખોવાઈ જૈને ખુદમાં વિચારો : વસંત છે !

રસ, રૂપ, ગંધમાં જ પલાળી દો શબ્દને;
ફૂલો વડે ગઝલને મઠારો વસંત છે !

કાયામાં કેસૂડાંઓ પછી કોળશે સતત,
પ્રિયજનના કાનમાં જો પૂકારો વસંત છે.

શાશ્વત મહેકતી તમે મોસમ થઈ શકો,
હંમેશ માટે મનનો આ ક્યારો વસંત છે !

- વિસ્મય લુહાર

Thursday, February 3, 2011

દોસ્ત- Friend - મિત્ર ...

સગાંઓ, સંબંધી, સર્વ કુટુંબી,
દાળ, ભાત, શાક ને જાણે રોટલી ;
મૈત્રીની સગાઇ સાવ અનોખી, 
અથાણાં, પાપડ ને મિઠાઇની પોટલી.
I know  આજે પણ Friendship Day નથી ...પણ "મિત્રો" માટે તો દરેક દિવસ  Friendship Day જ હોય. જો જો એવુ ભૂલથી પણ ના માનતા કે અહી ઓરકુટ કે ટ્વીટર કે ફેસબૂક પર ફેશનમા ફૂટી નિકળતી "દોસ્તી"ની વાત થાય છે. 

અહી તો આવા દોસ્તોની વાત થઈ રહી છે ... The world's best Friends have never the same Nature... they only have the best "Understanding" of their "Differences" ....... ને એવા દોસ્તો ... ....."જેની સાથે તમે મન મૂકીને ઝ્ઘડી શકો, વાંક તમારો હોય તો પણ 'સોરી' એની પાસેથી જ કહેવડાવી શકો, જેને બહાના વગર મળી શકો, ખુલ્લા દિલથી હસી શકો-હસાવી શકો, રડી શકો ને તમને રડતા જોઈ જો એ પણ રડવા માંડે તો તમારુ રડવાનુ ભૂલીને એને હસાવી શકો, ફાલતુ વાતો કરી એક-બીજાને બોર કરી શકો ને ક્યારેક સમજદારીથી એક-બીજાના કાન આમળી શકો, હદથી વધારે હેરાન કરી શકો, રીસાઈ જાય એટ્લી મજાક કરી શકો, જ્યા "ફોર્માલીટી" તો અળખામણી ફોઈ જેવી હોય, જેને અડધી રાત્રે પણ ખાલીખાલી ફોન કરી શકો, એન્ડ ઓફકોર્સ કારણ વગર "પાર્ટી" માગી શકો ... લીસ્ટ બહુ લાંબુ છે ..." આવા દોસ્તોની  વાત થઈ રહી છે .. આખરે લાઈફમા આ એક સબંધ એવો છે જેમા આપણને પસંદગી ની થોડી છૂટછાટ મળી છે ... જો કે આમા પણ સારા દોસ્તો તો નસીબ થી જ મળે છે ... અને એ વાતમા હુ નસીબદાર છુ એ માટે કુદરતનો ને તમામ દોસ્તોનો આભાર...

ગઈ કાલે બહુ બધા દોસ્તો સાથે વાત થઈ અને ખબર નહી કેમ આજ સવારથી જ  મોટાભાગના Massages  "Friendship" પર આવ્યા એટ્લે naturally બધા જ દોસ્તો યાદોમા ઉમટી આવ્યા. તો હવે તો આ અનુપમ સબંધ વિષે કંઈક કહેવુ જ રહ્યુ.  તો થોડાક ભુલાઈ ગયેલા- થોડાક યાદ આવતા, થોડાક રિસાઈ ગયેલા- થોડાક માની ગયેલા,  થોડાક દૂર છતા નજીક રહેતા, થોડાક હમેશા આસપાસ રહેતા,  થોડાક  એવા જે આમ ભલે દૂર રહે પણ દુખમા હંમેશા ખડે પગે હાજર રહેતા,  થોડાક કામ પડે ત્યારે જ યાદ કરતા, ને થોડાક સમયાંતરે ખબરઅંતર પૂછી લેતા, તમે ઘણા સમય સુધી એને ફોનથી પણ મળવાનુ ભૂલી ગયા હોવ તો પણ દરિયાદિલિ રાખીને તમને નિયમિત ફોન કરતા,  ક્યારેક રસ્તામા ભટકાઈ જાય તો હાથ પકડીને અટકાવતા, થોડાક સમજાયેલા- થોડાક ન સમજાયેલા,  યાદ આવે ત્યારે ચહેરા પર એક અનોખુ સ્મિત લાવતા ને ક્યારેક આંખના ખૂણા ભીંજાવતા .............  એ તમામ દોસ્તો ને નામ , થોડાક શબ્દો  દ્વારા દિલથી સલામ .................

હજી થોડાક એવા મીત્ર છે... - અનિલ ચાવડા
ગમે ત્યાં ને ગમે ત્યારે ફસાવી દે, હજી થોડાક એવા મીત્ર છે,
ઉદાસી ફૂંક મારીને ઉડાવી દે, હજી થોડાક એવા મીત્ર છે.

મને પૂછ્યા વગર લઈ જાય Bike મારી ને આખો દિવસ એ ફેરવે,
ખૂટે પેટ્રોલ ત્યારે માંડ ચાવી દે, હજી થોડાક એવા મીત્ર છે.

કદી મારા ઘરે મહેમાન થઈ આવે પછી હુ મૂકવા જઉં અને,
મને ખૂદને જ એ બસમાં ચડાવી દે, હજી થોડાક એવા મીત્ર છે.

કરે હેરાન હરપલ એટલું કે આંખમાં આંસુ જ આવી જાય, પણ;
રડું તો આંસુને ઝાકળ બનાવી દે, હજી થોડાક એવા મીત્ર છે. 

તાજા કલમમાં...  - મુકુલ ચોક્સી
એક આખી જિંદગીનો છે એમાં અભાવ દોસ્ત,
આ ખાલી જામનું ય વજન છે ઉઠાવ દોસ્ત.

જીરવી શકાશે પૂર્ણ ઉપેક્ષાનો ભાવ દોસ્ત,
પણ જીરવી ના શકાશે અધૂરો લગાવ દોસ્ત.

દરિયામાં મોજાં આવે, બધે આવતાં નથી,
અમથી જ રાહ જોયા કરે છે તળાવ દોસ્ત.

દરિયા-પહાડ-આભમાં જો ના સમાય તો,
નાની ચબરખીઓમાં પ્રણયને સમાવ દોસ્ત.

તાજા કલમમાં એ જ કે તારા ગયા પછી,
બનતો નથી આ શહેરમાં એકે બનાવ દોસ્ત. 

દોસ્ત! હું ભૂંસાઉં છું ... - ચીનુ મોદી
તું કહે છે કે હવે હું જાઉં છું,
હું કહું છું, દોસ્ત! હું ભૂંસાઉં છું.

તું ખરેખર ખૂબ અઘરો દાખલો,
જેટલી વેળા ગણું, ગુંચાઉં છું.

સ્વચ્છ ચોખ્ખી ભીંત કાળી થાય છે,
એક પડછાયો બની ફેલાઉં છું.

વૃક્ષને વળગી પડેલું પર્ણ છું,
ભોંય પર પટકાઉં ને ઢસડાઉં છું.

કોઈ છે 'ઇર્શાદ' કે જેને લીધે,
છૂટવા ઇચ્છું અને બંધાઉં છું.


અને છેલ્લે પન્ના નાયક કહે છે એમ ...

મિત્ર એટલે પરમ આત્મીયતા અને જેની સાથે નિર્વ્યાજ સખ્ય માણી શકાય.
જે મનથી અને વાણીથી સતત આપણી સાથે હોય.
જેના સહવાસમાં હાશ અને નિરાંતની ક્ષણોનો અનુભવ થાય.
જેની સાથે અંગતમાં અંગત પ્રશ્નથી માંડીને જગતની સમસ્યાઓ વિશે વાદ કે વિવાદ વિના વાત થઇ શકે.
જે આપણી સાથે હસે અને આપણને હસાવી શકે.
જે આપણા અવગુણને ઓળંગી આપણને અપનાવી શકે.
જે આપણા એકાંતની રક્ષા કરે.
જે આપણામાં રહેલી ગોપિત શક્તિને પ્રગટ કરે.
જે આપણને સુખમાં છકી જવા ન દે.
જે આપણને આપણા દુ:ખમાં હારવા ન દે.
મિત્ર એટલે જીવનમાં સાંપડેલી ધન્ય ક્ષણ.

મિત્ર એટલે મિત્ર.