Thursday, June 6, 2013

નજરથી દૂર છે તોય ...

"પ્રેમનું સાચુ સરનામું માણસનુ હ્ર્દય છે ....... "
 
પ્રેમ... વ્યાખ્યાઓ તોડી નથી રહ્યો, વ્યાખ્યાઓને તોડીફોડી રહ્યો છે. પહેલા અને હવે-ની વચ્ચે ઝોલાં ખાય છે. બે વ્યક્તિઓ પ્રેમમાં પડે છે ત્યારે શરીર નડે છે. હવે બે વ્યક્તિઓ પ્રેમમાં પડે છે ત્યારે શરીર સિવાય બધું જ નડે છે. એક બાજુ સંબંધો ફળદ્રુપ થતા જાય છે, બીજી બાજુ પ્રેમ કદરુપો થતો જાય છે. પહેલાં પ્રેમના કિસ્સાઓ સાંભળવા મળતાં હવે પ્રેમ કિસ્સાઓમાં સાંભળવા મળે છે. સપનું જલ્લાદ બને છે અને પ્રેમ જલદ બને છે. આત્માની સુગંધ આજકાલ પ્રેમમાં ઝડપથી ફોરવર્ડ અને ડીલીટ થઈ જાય છે.......


નજરથી દૂર છે તોય છે ટાઢક બધી બાજુ,
પ્રવેશી ઝાંઝવામાં કઈ રીતે છાલક બધી બાજુ?

ઉઘાડી આંખથી જોઉં કે જોઉં બંધ આંખોથી,
સતત ચાલી રહ્યુ છે ક્યારનું નાટક બધી બાજુ,

નથી પહોંચી શક્યા એ ક્યાંય તોપણ કાર્યરત કેવા?
ઊભા રહીને ગતિમાં હોય છે ફાટક બધી બાજુ.

તરસ વરસાદની ઓછી થતી ગઈ છે જીવનમાંથી,
જીવે છે આંસુઓ પીને હવે હવે ચાતક બધી બાજુ.

અવાચક થઈ ઉભાં છે કોઈ જોતું નથી સામે,
હવે ધૂળમાં પલળતાં હોય છે સ્મારક બધી બાજુ....



દુનિયાને કાયમ
ચર્ચામાં રહેવાની ટેવ છે.
બીજાના 'અંગત'માં ડોકિયું કરવાની એને મઝા પડે છે.
દુનિયા પોતા પર રડે છે બીજા ઉપર હસે છે.
પ્રેમ માલિકીભાવને અતિક્રમે છે.......


- અંકિત ત્રિવેદી
'પ્રેમનો પાસવર્ડ' માંથી ....