Tuesday, February 28, 2012

તારા નામનું ...


તારા નામનું મંદિર ગણ કે તારા નામની દેરી,
રોજ કરું છું તારી પૂજા, બે પાંપણને ઘેરી..


પથ્થરને મૂર્તિ માન્યાની ભૂલ કરું શું કામ?
જીવતા જીવત ઈશ્વર જેવો મનગમતો મુકામ
શ્વાસની આવન-જાવન વચ્ચે તને જ રાખું પહેરી..
રોજ કરું છું તારી પૂજા, બે પાંપણને ઘેરી..


ખિલવું, ખૂલવું ને ઝૂરવાનું ધજા સમું ફરફરવું
અત્તર પહેરી સુગંધને પણ ગમશે હરવું, ફરવું
તું પ્રગટેને ઝળહળ આખી રોમરોમની શેરી..
રોજ કરું છું તારી પૂજા, બે પાંપણને ઘેરી..


-અંકિત ત્રિવેદી

Tuesday, February 21, 2012

શહેરમાં...

એક અફવા છે ભયંકર શહેરમાં,
અશ્રુઓ સારે છે પથ્થર શહેરમાં.

શહેર છે કે સરહદી વિસ્તાર છે,
છે પડ્યું પાથર્યું લશ્કર શહેરમાં.

કાગડો વાચાળ બનતો જાય છે,
મૌન ઘૂંટે છે કબૂતર શહેરમાં.

લોકટોળા પર બધું નિર્ભર નથી,
કર્ફ્યુ પણ ઊજવે છે અવસર શહેરમાં.

દેવદરબારે મળી દાનવસભા,
ઊંઘતો ઝડપાયો ઈશ્વર શહેરમાં.

લોક પાડોશીને પણ ના ઓળખે,
એ જ ખૂબી છે બિરાદર શહેરમાં.

રાખજે ખિસ્સામાં સરનામું ખલીલ,
છે અકસ્માતો ભયંકર શહેરમાં.

-ખલીલ ધનતેજવી

Sunday, February 19, 2012

રાત આખી આસપાસ ...

રાત આખી આસપાસ સૂતાં આ ઉજાગરાને
વહેલી સવારે સંજવારી,
આંસુથી મેલા આ આંખોનાં આંગણાને,
વાળીને હમણાં પરવારી હો..

સૂરજનાં તાંતણામાં ડૂબેલી ઘટનાઓ,
ફાનસનાં અજવાળા ચૂએ;
પડછાયા ઓગળીને અંધારું થાય,
અને શમણાની ઓસરીમાં રૂએ.
બારીને ઝાપટીને ચોક્ખી કરૂં ત્યાંતો,
સેપટ ઉડે છે અણધારી હો..
રાત આખી આસપાસ સૂતાં આ ઉજાગરાને
વહેલી સવારે સંજવારી...

ચુલા પર સાચવીને કરવા મૂક્યો છે,
મેં પાછલી ઉમરનો વઘાર;
આંખોની નીચેનાં કુંડાળા શોભે છે,
વેદાનાનો લીલો શણગાર.
સૂની અગાસીનાં ટેકાએ ઉભેલી,
પૂનમ થઈ છે અલગારી હો..
રાત આખી આસપાસ સૂતાં આ ઉજાગરાને
વહેલી સવારે સંજવારી ....

-અંકિત ત્રિવેદી

Friday, February 17, 2012

સાહેબા ! શી રીતે સંતાડુ તને...

લે , આ મારી જાત ઓઢાડું તને,
સાહેબા ! શી રીતે સંતાડુ તને.
 
તું ભલે દિલમાં રહે કે આંખમાં,
ક્યાંય પણ નીચો નહિ પાડું તને.
 
કાંઇ પણ બોલ્યા વગર જોયા કરું,
મૌનની મસ્તીથી રંજાડુ તને.
 
તું નહિ સમજી શકે તારી મહેક,
લાવ કોઇ ફૂલ સૂંઘાડું તને.
 
કોક દિ એકાંતમાં ખપ લાગશે,
આવ મારી યાદ વળગાડું તને.
 
હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,
તક મળે તો સામે બેસાડું તને.
 
તેં નિકટથી ચંદ્ર જોયો છે કદી ?
આયનો લઇ આવ દેખાડું તને.
 
ઘર સુધી તું આવવાની જીદ ન કર,
ઘર નથી નહિતર હું ના પાડુ તને !
 
ખલીલ ! આકાશને તાક્યા ન કર,
ચાલ છત પર ચંદ્ર દેખાડું તને ! ........

- ખલીલ ધનતેજવી


Tuesday, February 14, 2012

નથી મળાતું ...

વાતાવરણ આ જોઈ પોતે જ થોથવાતું
આંખોમાં શું હશે આ સંધ્યાની જેમ રાતું?

‘ગાંધી’ના નામે ફેશન કરનારને કહો કે-
ખાદી પહેરવાથી ગાંધી નથી થવાતું.

‘ઓહો ! ઘણાંય વખતે ?’ એમ આયનાએ પૂછ્યું,
મેં પણ કહ્યું કે ‘હા ભઇ ! હમણાં નથી મળાતું’

હોંઠોની ડાળખી પર આખી વસંત લઇને,
એક નામ પંખી જેમ જ આવીને રોજ ગાતું.

નહિતર તો ક્યારનોયે તમને હું ભીંજવી દેત,
મારાથી કોઇ રીતે વાદળ નથી થવાતું.

- જિગર જોષી ‘પ્રેમ’

"આઈ લવ યુ " ... સહુ થી વધુ પ્રમાણમાં બોલાતુ જુટ્ઠાણુ..


હું નથી પૂછતો ઓ સમય કે હજી! તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?
એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઈએ તારે આખર જખમ કેટલા?

ઓ ખુદા આ ફરેબોની દુનિયા મહીં, પ્રેમ તારો ખરેખર કસોટી જ છે,
સાફ કહી દે કે રાજી તને રાખવા, પૂજવા પડશે મારે સનમ કેટલા?...


સમય બહુ ઝડપથી પસાર થઈ રહ્યો છે ! હજી હમણાં જ ગયેલો વેલેન્ટાઈન ડે પાછો આવી ગયો! ફરી એ જ માહોલ. માર્કેટીંગ અને મટીરીયાલીઝમ ... હનિની પાછળ ખર્ચાઈ જતા મની ... બટ જે શબ્દ કે ફીલીંગ્સ માટે આ દિવસે આટલા ઉધામા થાય છે એ ત્રણ શબ્દ "આઈ લવ યુ " એ તો પુરુષો તરફ્થી સહુ થી વધુ પ્રમાણમાં બોલાતુ જુટ્ઠાણુ છે. આવુ અમેરિકાની એક ડોરી હોલેન્ડર નામની સાઈકોલોજીસ્ટનું સંશોધન છે. સૌરભ શાહના એક પુસ્તકમાંથી આ રસપ્રદ સંશોધનમાના કેટલાક અંશો ......

...................................................................................

અમેરિકાની ડોરી હોલેન્ડર નામની એક સાઈકોલોજીસ્ટે પુરુષોના જુઠ્ઠાણા વિષે ઊંડો અભ્યાસ કર્યો છે. એ કહે છે કે સ્ત્રી સમક્ષ બોલાતું પુરુષનું સૌથી મોટૂ જુઠ્ઠાણુ છે :
આઈ લવ યુ. - હુ તને ચાહુ છુ અથવા થોડાક હળવા ડોઝમાં , તુ મને ખુબ ગમે છે. આ પુરુષો  તરફથી સ્ત્રીઓ સમક્ષ વારંવાર ઉચ્ચારાતુ સૌથી મોટૂ અસત્ય છે.

બીજુ અસત્ય - તું જ તો છે એક્માત્ર મારા જીવનમાં
ત્રીજુ અસત્ય - તારા પહેલા મને ક્યારેય કોઈના માટે આવી લાગણી થઈ નથી.
ચોથુ - આજે કામ બહુ છે એટ્લે ઓફિસેથે આવતા મોડુ થશે.
૫ - તારી આંખો બહુ સુંદર છે.
૬ - તારી સામે તો હુ જુઠ્ઠુ બોલી શકુ જ કેવી રીતે!
૭ - હા ખાસ નહી પણ કોઈ વખત બિયર પી લઉ છુ.
૮ - એની સાથે સંબંધ તૂટી ગયા પછે હુ ક્યારેય એને મળ્યો નથી.
૯ - ના રે ના તુ જંઈ એવી જાડી નથી લાગતી ...
૧૦- એક તુ જ છે જે મને સમજી શકે છે ..
૧૧ - હુ તને પ્રોમિસ આપુ છુ કે આ બાબત મા હુ બદલાઈ જઈશ.
૧૨ - મને ને મારી પત્નિ ને ઘણુ સારુ બને છે.
૧૩ - તુ ખરેખર બહુ સારી છે તને તો મારા કરતા વધારે સારો પુરુષ મળવો જોઈતો હતો ..
૧૪ - ના હુ એવુ બોલ્યો જ નથી ક્યારેય ..
૧૫ - તુ મારી પાસે હોય ત્યારે મને બહુ સારુ લાગે છે ..
૧૬ - તુ જે કહીશ એ હુ કરીશ
૧૭ - મને કંઈ સેક્સ માટે જ તારામા રસ છે એવુ નથી, તારી સાથે વાત કરવાનુ મને ખૂબ ગમે છે.
૧૮ -  હા, તુ કહે ને તારે જે કહેવુ હોય તે , હુ સાભળુ છુ .... (list is long ...)

શુ સ્ત્રીઓ પુરુષો સમક્ષ ક્યારેય જુઠ્ઠુ નહી બોલતી હોય ? સંબંધોમાં જુઠ્ઠુ શા માટે બોલવામાં આવતુ હોય છે? શુ છેતરપીંડીનો કે ચારસો વીસી કરવાનો જ આશય હોય છે ? કે પછી મોટુ ખોટુ ના બોલવુ પડે એટ્લે નાના જુઠ્ઠાણાનો ઉપયોગ થાય છે ? દરેક અસત્યને બે બાજુ હોય છે. એક બાજુને પુરુષ જોતો હોય છે, બીજી બાજુ સ્ત્રીને દેખાતી હોય છે.

સ્ત્રીઓના જુઠ્ઠાણા પુરુષો જેટ્લા ખુલ્લા કે પ્રગટ નથી હોતા એવુ માનસશાસ્ત્રી ડોરી હોલેન્ડરનુ માનવુ છે. એમના મતે સ્ત્રીઓ અપ્રામાણિક છે એટલા માટે નહી પણ પુરુષ નારાજ ન થાય એટલા માટે જુઠ્ઠાણુ  બોલતી હોય છે.અહી પુરુષો વતી મારે એ ઉમેરવાનુ છે કે પુરુષો પણ  અપ્રામાણિક હોય છે એ માટે નહી પરંતુ સ્ત્રી નારાજ ના થાય તે માટે જુઠ્ઠાણુ  બોલતા હોય છે.

સંબંધોમાં ઓછુવત્તુ જુઠ્ઠાણુ  દરેક જણ બોલતુ હોય છે. પુરુષો બેદરકાર હોય છે અને ગફલત કરતા પકડાઈ જાય છે . સ્ત્રીઓ સ્માર્ટ અને ચાલાક હોય છે.તેઓ પકડાતી નથી. આખીય વાતનો સાર શો ? સંબંધોમાં જુઠ્ઠુ ક્યારેય ન બોલવુ એ? ના. ખોટુ બોલતા ન પકડાવાની કળા પુરુષોએ શીખી લેવી અને એ શીખવા સ્રીઓને ગુરુપદે સ્થાપવી .... :-)

- સૌરભ શાહ
....................................................................................

તો આ વેલન્ટાઈન ડે પર જરા સાવધાન ...

અને છેલ્લે,

વો સૂફી કૌલ હોય યા પંડિત કા જ્ઞાન,
જિતની બીતે આપ પર ઉતના હી સચ માન.....  
-નિદા ફાઝલી

તે જે નથી કહી એ બધી વાત યાદ છે :
તે જે કહી એ વાતનું કોઈ સ્મરણ નથી !... 
- સુરેશ દલાલ

તું હ્રદયથી જ કામ લઇ લે બસ,
ચાહવામાં દિમાગ રહેવા દે. ......................................

Friday, February 10, 2012

અધકચરા માણસનું ગીત ...

' રમેશ  અને  અનિલના કાવ્યો ગુજરાતી કાવ્ય સૃષ્ટિમાં એક 'લીલો' વળાંક રચી આપે છે.'  -  "ઘેટાં ખોવાઈ ગયા ઉનમાં .." નામના અનિલ જોષી ના સંપાદિત કરેલ કાવ્યોના પુસ્તકની પ્રસ્તાવના માં શ્રી સુરેશ દલાલ આમ લખે છે .... આજે એમાંથી જ શ્રી અનિલ જોષીનુ કાવ્ય ....

વિખરાતા ડાયરાની ધૂળથી ભરેલ
    તારા માથાની મ્હેક મને વીંધી ગઈ

અક્ષરમાં રેલાતી આંગળીઓ આજ
    મને ખરતુ ગુલાબ એક ચીંધી ગઈ.

નદીઓની રેતીમાં રમતા શહેર
    તને મિત્રોની જેમ રોજ મળશે.

અધકચરા માણસના ગીત તારી આંખમાં
    આવી આવીને રોજ બળશે

આપણે તો કોણ જાણે કેવા પંખીઓ!
    કાલ માળો બાંધીને આજ વીંખીએ.

કાયમી જુદાઈની વેળા આવે તો વળી
    પ્રેમ જેવું કંઈક હજી શીખીએ.

ચોગરદમ પથરાયા ઈશ્વરની જેમ
    તારુ દેખાતું બંધ થતું જોઈશુ

બહાવરી તે આંખ હવે રડવાનુ ભુલી ગઈ
    કેમ કરી ધોધમાર રોઈશું.............

- અનિલ જોષી

Thursday, February 9, 2012

નામ ... - રમેશ પારેખ

આ હયાતી છે સતત ખુશ્બુ તરફ જાવાનું નામ,
ફૂલ છે એ રાઝ ખુલ્લેઆમ ચર્ચાવાનું નામ.

એનો ગજરો ગૂંથવાનું કોણ એ જાણ્યા વિના,
તૂટતા શ્વાસોને દઈએ ફૂલ ચૂંટાવાનું નામ.

પુષ્પ છે એ ગ્રંથ જે લોહી વડે ભણવો પડે,
મ્હેક એની, શ્વાસને સૌ વેદ સમજાવાનું નામ.

સામસામે બાથમાં મળવું એ બીજું કૈં નથી,
છે પીડાઓના તરજૂમાઓ મ્હેકમાં થાવાનું નામ.

ફૂલ તો છે – આંખનાં કાંઠા ઉપર બેસી, રમેશ
રંગમાં કાયા વગર તરબોળ ભીંજાવાનું નામ.

પુષ્પ ઉર્ફે એક સોનલ નામની શ્રદ્ધા, રમેશ
વિશ્વની બેબાકળી આંખોમાં અંજાવાનું નામ....

- રમેશ પારેખ

Thursday, February 2, 2012

હેપી વસંત ...

શરીરમાં તાવ અને
મનમાં ગુસ્સો
ક્યારેક
આવી જવો જોઈએ...
માણસને પણ
પાનખર જેવું
કંઈક આવવું જોઈએ ...
પછી શરીર અને મન
બહુ સ્વચ્છ લાગે છે.

આ ચંદ્રકાન્ત બક્ષીના શબ્દો છે. વેલ પણ હાલ પાનખર નહી વસંત ચાલે છે. પ્રકૃતિમાં વસંત આવતી રહે છે. વસંત પછી પાનખર અને ફરી પાછી વસંત.જો કે આપણે માણસો ને એવું તો નથી હોતુ છતાંય શરીરમાં તાવ અથવા મનમાં ગુસ્સો આવીને જાય પછી જયારે તાજગી આવે એ વસંત આવ્યાનો દિલાસો બની શકે. એનીવેયસ વસંત પર ચંદ્રકાન્ત બક્ષીના કેટલાક શબ્દો અને સુરેશ દલાલની કવિતા સાથે સહુને હેપી વસંત ...

કદાચ મનુષ્ય માટે
ખુદાને પહેલેથી જ નફરત હશે ...
નહીં તો એણે
પ્રકૃતિને જે રીતની જવાની આપી છે
એ રીતની મનુશ્યોને પણ આપી હોત.
વર્ષે વર્ષે વસંત આવે છે,
જૂના પત્તાં ખરીને નવાં ફૂટે છે,
નવી કૂંપળો નવાં ફૂલો આવે છે,
નદીમાં નવું પાણી આવે છે...
આખી સૃષ્ટીમાં વસંતનો નવો શ્વાસ ધબકે છે
અને ધીરે ધીરે બંધ થઈ જાય છે,
બીજે વર્ષે આવવા માટે.
દર વર્ષે વસંત આવશે
સૃષ્ટિના અંત સુધી

માણસને પણ ઈશ્વરે મૄત્યુ સુધી
વર્ષે વર્ષે વસંત આપી હોત તો ?

- ચંદ્રકાન્ત બક્ષી

તમને ખબર છે, આજે વસંતપંચમી છે?

રેડિયો ઉપર ફાગણનાં ગીતો વાગ્યાં
 ને શહેરનાં મકાનોને ખબર પડી
 આજે વસંત પંચમી છે.

આસ્ફાલ્ટની કાળી સડકો
 ભીતરથી સહેજ સળવળી
 પણ
 કૂંપળ ફૂટી નહીં.

ત્રાંસી ખૂલેલી બારીને
 બંધ કરી
 કાચની આરપાર
 કશું દેખાતું નહોતું.

ફ્લાવર વાઝમાં
ગોઠવાયેલા ફૂલો કને જઇને પૂછ્યું :
તમને ખબર છે, આજે વસંતપંચમી છે?

- સુરેશ દલાલ