Wednesday, October 31, 2012

તારા વિચારમાં...

કંઇ પણ થતું નથી હવે તારા વિચારમાં,
સ્વપ્નોય આજકાલ મળે છે    સવારમાં.

જ્યાં ચાલીએ તે રાહ  ને રોકાઇએ તે ઘર,
એવુ તે શું કે આખું જીવન જાય દ્વારમાં.

શ્રદ્ધા તો ઠીક કોઇ અશ્રદ્ધા રહી નથી,
આંખો કરું છું બંધ હવે અંધકારમાં.

ક્ષણભર મેં સાંભળ્યો હતો સાચુકલો અવાજ,
પડઘાઉં છું સદીથી હજી સૂનકારમાં.

કંઇ પણ કરી શકાય છે તારા વિચારમાં,
કંઇ પણ થતું નથી હવે તારા વિચારમાં....


- જવાહર બક્ષી

Monday, October 29, 2012

ફરી ગુલમહોર પીગળશે...

અમે માણસ વગરના ગામમાં બનશું મુખી પાછા
અમે માની લઈશું  જા  તને થોડા સુખી પાછા.

ફરી ગુલમહોર પીગળશે ને લાવારસ બની જાશે,
ભભૂકી ઉઠશે ઋતુઓના સૌ જવાળામુખી પાછા.

હલેસાંઓના આંસુથી નદીમાં પૂર નહિ આવે,
એ જાણી હોડીમાં બેઠેલા થઈ ચાલ્યા સુખી પાછા.

તમે આગળ વધી જઈને, અમે પાછા વળી જઈને,
બની શકીએ ના બંને પોતીકી રીતે સુખી પાછા ?

- મુકુલ ચોકસી.

Saturday, October 27, 2012

તને ગમે તે મને ગમે...

તને ગમે તે મને ગમે, પણ મને ગમે તે કોને ?
એક વાત તું મને ગમે તે, મને જ પૂછી જો ને

તું ઝાકળના ટીંપા વચ્ચે પરોઢ થઇ શરમાતી
હું કુંપણથી અડુ તને, તુ પરપોટો થઇ જાતી

તને કહું કંઇ તે પહેલા તો તુ કહી દેતી, છો ને
તને ગમે તે મને ગમે…..

તારા મખમલ હોઠ ઉપર એક ચોમાસુ જઇ બેઠું
હું ઝળઝળિયા એક શમણું ફોગટ વેઠું

તું વરસે તો હું વરસું, પણ તુ વરસાવે તો ને
તને ગમે તે મને ગમે …..

- વિનોદ જોષી

Thursday, October 25, 2012

એક નવી વાનગીની રીત...

એક તદ્દ્ન નવી વાનગીની રીત આ પ્રમાણે છે.
સૌ પ્રથમ એક કિલો પ્રેમ લઈ એમાં બસો ગ્રામ સ્મિત ઉમેરો.
આથો થોડો ચડી રહે પછી એમાં ચાર ચમચી વિશ્વાસ અને ત્રીસ ગ્રામ જેટલી સહાનુભુતિ તથા પા લીટર સચ્ચાઈ ઉમેરો. જે મિશ્રણ તૈયાર થાય તેને બરાબર ઘૂંટીને ઘટ્ટ થવા દો. પછી એમાં એટલા જ વજન જેટ્લો આનંદ રેડીને ઠીકઠીક સમય સુધી વૈરાગ્યના રેફ્રિજરેટરમાં મૂકી રાખો. થોડાક કલાક પછી યોગ્ય કદનાં ચકતાં પાડીને શત્રુઓ તથા મિત્રોમાં વહેંચવા માંડો. આવી સ્વાદિષ્ટ વાનગીનું નામ જીવન છે.

- ગુણવંત શાહ

Wednesday, October 24, 2012

લઈ બેઠા ...

અમે કેકટસને કાંઠે લાંગરેલા હાથ થઈ બેઠા,
તમે પણ કેટલો લોહીલુહાણ આધાર દઈ બેઠા!

તો વચ્ચેની જગાને સૌ તળેટી નામ દઈ બેઠા,
જો પહાડો ખીણથી બે ચાર ડગલાં દૂર જઈ બેઠા.

નિચોવાઈ ગયેલા હોઠને જોયા તો યાદ આવ્યું;
ફરી ક્યાં કોઈનું ગમતું પલળતું નામ લઈ બેઠા!

અવસ્થાની નદીમાં આજ ઘોડાપૂર આવ્યાં, ને;
અમે કાંઠા કદી નહી છોડવાની હઠ લઈ બેઠા.

- મુકુલ ચોકસી

Tuesday, October 23, 2012

તારા ચહેરાની લગોલગ

આ બધી ઘટના ખુશીની
એકધારી છે નીરસ

દુખના બે-ચાર કિસ્સાઓ
કહું તો રસ પડે.

થોડી તો મેલી જ હોવી
જોઈએ મથરાવટી

તો, ફરિશ્તાઓના
ટોળાંથી માણસ અલગ પડે ...


----------------------------------------------------

દોસ્ત હવે ચલ વાત બદલીએ,
હાથ બદલીએ, સાથ બદલીએ.
આખે આખી ભાત બદલીએ, કોઈ હવે શું બદલાવાનું?
આપણે થોડી જાત બદલીએ.

બુક - "તારા ચહેરાની લગોલગ" 
લેખિકા- કાજલ ઓઝા વૈધ


Sunday, October 21, 2012

તારા ચહેરાની લગોલગ ...

 "બે માણસો જો વચને બંધાય,
લાગણીએ બંધાય, પ્રેમથી
બંધાય તો છેડાછેડી કે
કાયદા મારા માટે જરાય
અગત્યના નથી અને
દુનિયાની બધી છેડાછેડી કે
કાયદા, પ્રેમ વગર જીવતા
માણસોને એક છત નીચે
જીવવા માટે મજબૂર
કરી શકે .....
એક્સાથે શ્વાસ લેવા કે
ધબકવા માટે નહીં! " ......................


(છેડાછેડી= લગ્ન)

બુક - "તારા ચહેરાની લગોલગ" 
લેખિકા- કાજલ ઓઝા વૈધ


આવુ જ કંઈક ગુણવંત શાહ પણ કહે છે -

કોઈને આપણે ગમીએ છીએ એવી પ્રતીતિ આપણા જીવવા માટે પૂરતી છે.
આવુ અપ્રદુષિત "ગમવુ"
દુનિયાની તમામ અદાલતો એ ઘડેલા અને દંભી ધર્મગુરુઓએ ઠોકી બેસાડેલા
કાયદાઓ કરતા અનેક્ગણુ મહાન છે.
કોઈને ગમવાપાત્ર બનવુ એ પ્રત્યેક વ્યક્તિનો સ્નેહસિધ્ધ અધિકાર છે.

- ગુણવંત શાહ

Saturday, October 20, 2012

તારા ચહેરાની લગોલગ ...

તારા પ્રેમની જંજીરોમાં મારો પગ
હોઈ શકે,

હું તારી લગ હોઉં, ન હોઉં - તું
મારા લગ હોઈ શકે.

વીસરાયેલાં દુખ મારાં!   આ
બેહોશીની દુનિયા છે.

શોધું છું, અડખે - પડખે - તું  જ
હંમેશા હોઈ શકે?

From the book  - "તારા ચહેરાની લગોલગ" 
Writer - કાજલ ઓઝા વૈધ

Wednesday, October 17, 2012

બાવળ ...

તુ માને તો ચાલ આપણે ઝાકળ - ઝાકળ રમીએ,
શબ્દોને સંતાડી દઈએ, કોરો કાગળ રમીએ
ભીની આંખે - આવ આપણે મૃગજળ મૃગજળ રમીએ,
હથેળીઓમાં મૂકી હથેળી બાવળ બાવળ રમીએ ...

કવિઓ સાચે જ કલાકાર હોય છે ... આમાં મેં કંઈ નવુ નથી કહ્યુ. પણ  જુદી જુદી વસ્તુઓ વાંચતી વેળા સમયાંતરે  આ વાતનો અનુભવ થતો રહે છે. દુનિયામાં અઢળક વિષયો છે કવિતા લખવા માટે ચાંદો, સુરજ, ફૂલ-ગુલાબ, નદી, પર્વત, લીલા પીળા ઝાડ ..... પણ "બાવળ" ! ... નર્યા સૂકા રણ કે પથરાળ જમીનમાંથી આડાઅવળા ફૂટી નિકળેલા અને આમ તો પ્રથમ નજરે  જરાય નયનરમ્ય ન લાગતા આ કાંટાળા છોડમાં પણ અનેક શક્યાતાઓ શોધી કાઢે એ જ તો કવિ ..... બે-ચાર દિવસ ના ટૂંકાગાળામાં જ જુદી જુદી જગ્યાએ સુંદર પંક્તિઓ વાંચવા મળી અને બંનેમાં "બાવળ" નો સરસ ઉપયોગ કર્યો છે ... તો પછી તો એ બંન્ને અહીં પોસ્ટ કરવી જ રહી .... 

બાવળની જાત (ગીત )

ઉગાડે   એમ     કદી   ઉગવાનું   નહીં,
આપણે તો આવળને બાવળની જાત.
ઉગવાનું   હોય ત્યારે  પૂછવાનું  નહીં!
ધગધગતા   તડકાના   પેગ  ઉપર  પેગ   અને   ઉપરથી   આખું     વેરાન
નિંરાતે બેસી   જે   ભરચક   પીવેને   એને.. પાલવે  આ  લીલા..  ગુમાન
             રોકે     કદાચ….      કોઇ       ટોકે        કદાચ
            તોયે  મહેફિલથી   કોઇ દિવસ ઉઠવાનું  નહીં !
                                                                         ઉગવાનું   હોય ત્યારે  પૂછવાનું  નહીં! ...
આપણેતો એણી  એ  સમજણ શું રાખવાની, મસ્તીમાં  ખરવું કે ફાલવું ?
આપણાતો લીલાછંમ્ લોહીમા  લખેલું છે  ગમ્મેતે મૌસમમા  મ્હાલવું
            હસવું     જો  આવે   તો હસવું    બેફામ
            અને આંસુ જો આવે તો લુંછવાનું નહીં!
                                                                            ઉગવાનું   હોય ત્યારે  પૂછવાનું  નહીં! ...
ઉંડે ને ઉંડે જઇ .. બીજુ શું કરવાનું ? ધરવાનું આપણું જ ધ્યાન
પથ્થરને  માટીના ભૂંસી ભૂંસી ને ભેદ     કરવાનું લીલું તોફાન
            દેખાડે    આમ.. કોઇ     દેખાડે   તેમ ..
            તો ય ધાર્યુ નિશાન  કદી ચૂકવાનું  નહીં!
                                                                      ઉગવાનું   હોય ત્યારે  પૂછવાનું  નહીં! ...
-  કૃષ્ણ દવે

અને છેલ્લે ...

.. છાતીમાંના ભર વૈશાખે વાદળ વાદળ રમીએ
બે પાંપણની વચ્ચે વહેતું ખળખળ ખળખળ  રમીએ...
ભીની રાતે - ખુલ્લી આંખે  બળબળ બળબળ રમીએ,
ચાલ અરીસા ફોડી નાખી ઝળહળ ઝળહળ રમીએ ...

(કાજલ ઓઝા વૈધની એક બુકમાંથી ...)

Saturday, October 13, 2012

ચાલો તમારા પ્રેમની એક લહેર બનાવી દઉં

ચાલો તમારા પ્રેમની એક લહેર બનાવી દઉં
એ રીતે તમને અમારા શ્વાસ બનાવી દઉં

શબ્દો તણા પુષ્પો ગુંથી ગજરો બનાવી દઉં
એ રીતે તમને ગઝલના પ્રાસ બનાવી દઉં

સાકી સુરા ને શાયરી મુહોબ્બત બનાવી દઉં
એ રીતે યાદો બધી રંગીન બનાવી દઉં

હથેળી તણી લકીરને કિસ્મત બનાવી દઉં
એ રીતે જીવવાતણું બહાનું બનાવી દઉં

અટકી ગઇ જ્યાં જિંદગી મંજિલ બનાવી દઉં
એ રીતે ખાલી કબર બિસ્તર બનાવી દઉં

કલ્પવૃક્ષની છાંવમાં મંદિર બનાવી દઉં
એ રીતે પથ્થર તને ઇશ્વર બનાવી દઉં...


– કમલેશ સોનાવાલા

Friday, October 12, 2012

આપણી વચ્ચે આવાજોની કોઈ ભીંત હશે..

નજર એમને જોવા માગે તો આંખની શુ ભુલ!
દર વખત સુગંધ એમની આવે તો શ્વાસની શુ ભુલ!
સપના ક્યારેય પૂછીને નથી આવતા,
પણ સપના એમના આવે તો રાતની શુ ભુલ!...

પાસેપાસે તો યે કેટલાં જોજન દૂરનો આપણો વાસ;
જેમ કે ગગન સાવ અડોઅડ તો ય છેટાં નો ભાસ.

રાત દિનો સથવાર ને સામે,
મળવાનું તો કોઈ દાડો સુખ મળતું નથી;
આવકારાનું વન અડાબીડ,
બારણું ખોલી ફળિયામાં સળવળતું નથી;
આંસુને દઈ દીધો છે ભવનો કારાવાસ.

ઝાડથી ખરે પાંદડું,
એમાં કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે;
આપણી વચ્ચે આ
વાજોની કોઈ ભીંત હશે,
કે યાદ જેવું કોઈ બારણું હશે;
પડખે સૂતાં હોય ને લાગે શમણાંનો સહવાસ....

- માધવ રામાનુજ

Thursday, October 11, 2012

નીકળી ગયા ...

 બે ઘડી વાતો કરી ને દિલને બહેલાવી અમે નીકળી ગયા,
કોઈ ના સમજી શક્યું તો ખુદને સમજાવી અમે નીકળી ગયાં.

આ ચિરંતન તરસનું કારણ તમે પૂછ્યું છતાંયે કાંઈ પણ બોલ્યા નહીં,
બસ  આંખમાં  આવી  અમે  નીકળી   ગયાં.

વાદળોની પાઠશાળામાં ગયા તો આટલું શીખ્યા અમે,
જ્યાં થયું મન ત્યાં ગયા ને હેત વરસાવી અમે નીકળી ગયા.

પથ્થરોની કોર્ટમાં એ કેસ લાં..............બો ચાલશે,
એમનો આરોપ છે કે ત્યાં કશુંક વાવી અમે નીકળી ગયા.

આંખ બે હેતાળ, ખુલ્લા કાન ને ભીનું હૃદય,
એટલે તો આ ગઝલ તમને જ સંભળાવી અમે નીકળી ગયા.

-  કૃષ્ણ દવે

Wednesday, October 10, 2012

વીતે ન એક ઘડીથી ઘડી...

વીતે ન એક ઘડીથી ઘડી, એક ક્ષણથી ક્ષણ
હું ઓગળી ન જાઉં અને રાત પણ કઠણ.

સુક્કા અધર  ઉપર ન કોઈ શબ્દ કલરવે
ઊડી  ન  જાય  ઉઘાડાં  નયનથી   કોઈ વલણ.

પથરાળ  ટેરવાંમાં  કોઈ સ્પર્શ  ના વહે,
ને વિસ્તરે ઉદાસ હથેળીમાં  રણનાં રણ.

અંતર કદી રુંવાથી રુંવાનું તૂટે નહિ,
લીરા કરી ત્વચાના ઉડાવે ન કોઈ વ્રણ.

ટપકે  ન  આંખથી  કે એ છલકે  ન  લિંગથી
અવગત રુધિરને  ન મળે  કોઈ  ઘાવ  પણ....

- હેમંત ધોરડા


Friday, October 5, 2012

પ્ર-દર્શન

જે રસ્તા પરથી હમણા હમણા  રોજ પસાર થઉ છુ ત્યાં વચ્ચે થોડોક રસ્તો એવો આવે છે જ્યા લખ્યુ હોય છે "એક્સિડેન્ટ ઝોન" ... "નો સ્ટોપીંગ નો સ્ટેન્ડીંગ " ...... લાઈફમાં પણ આવા અમુક "એક્સિડેન્ટ ઝોન" હોય છે કદાચ....... જ્યા ચાહીને પણ થોભી ના શકાય નહી તો એવો અકસ્માત થાય કે એ ઈજા કે નુકસાન અસહ્ય થઈ પડે... લાઈફના એવા તબક્કામાંથી તો ધીમેથી છતા મક્કમ રહીને પસાર થઈ જવુ સારુ .....  જો અકસ્માત ટાળવો હોય તો! .... અને લાઈફના આવા અકસ્માતમાં અવાજ નથી આવતો તોય ઈજા બહુ ભયાનક થાય છે ... અને પેઈન પણ ... આવા જ કોઈ એક્સિડેન્ટ્ની ઈજાનું પેઈન છે  શ્રી પન્ના નાયકની આ poemમાં ....

તેં આગ્રહ કર્યો
એટલે
હું
તારે ત્યાં આવી.

જે નાનકડા ઘરમાં
આપણે પ્રેમ કર્યો હતો
એને તોડી પાડીને
તેં બંધાવ્યું હતું
આલિશાન મોર્ડન મકાન.

પ્રવેશદ્વારમાં મૂકી હતી
વિઘ્નહર્તા ગણેશની
છ ફૂટ ઊંચી મૂર્તિ.
દાખલ થતાં નજર અચૂક પડે
રાચરચીલાના અશ્લીલ પ્રદર્શન પર.
વળી બધી જ બધી દીવાલો પર
મેળવેલી સ્વપ્નસિદ્ધિ પ્રસિદ્ધિની ચાડી ખાતા
ફ્રેમ કરેલા
સર્ટીફિકેટો, છાપાંનાં કટિંગો
અને
અગ્રગણ્ય વ્યક્તિઓ સાથે
વિજેતા-સ્મિત સહિત
હાથ મિલાવતા
અસંખ્ય ફોટોગ્રાફ્સ્.
દાદર પર
સુસજ્જ દીકરા દીકરી પૌત્ર પૌત્રી
અને
સુખની મલાઇ જેના
ગાલો પર છલકાય છે
એવી ગોળમટોળ અને હૃષ્ટપુષ્ટ પત્ની સાથેની
ગોઠવેલી
સુખી સંસારની તસ્વીરો.

ક્યાંય ના દેખાયો
તું કહ્યા કરે છે
એવો
સુસ્ત કે અશક્ત કે અસ્વસ્થ કે અસહ્ય સંસાર.
અરે હા,
મકાનમાં ફરતાં
પગ અટક્યાતા
ઠેકઠેકાણે ગોઠવેલાં
પ્લાસ્ટિકનાં ફૂલછોડ પાસે.

આવી હતી
એવા જ
ભારે પગલે
મકાનમાંથી બહાર નીકળી
ત્યારે
તેં મને
એક જ સવાલ પૂછયોઃ
કેમ કશું લીધું નહીં?
મેં
આંખથી જ સામો સવાલ પૂછયો
કે
તને અહીં સોંપી દીધા પછી
મારે લેવાનું પણ શું હોય?

-  પન્ના નાયક

Wednesday, October 3, 2012

હોય છે ...

બસ દુર્દ્શાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું મુજથી સમજદાર હોય છે.

ઝંખે મિલનને કોણ જો એની મજા કહુ!
તારો જે દુરદુરથી સહકાર હોય છે.

ટોળે વળે છે કોઈની દિવાનગી ઉપર,
દુનિયાના લોકો કેવા મિલનસાર હોય છે!

દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી,
એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે.

કાયમ રહી જો જાય તો પેગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે.

હો કોઈ પણ દિશામાં બુલંદી નથી જતી,
આકાશ જેમ જેઓ નિરાધાર હોય છે.

જાણે છે સૌ ગરીબ કે વસ્તુ ઘણી 'મરીઝ',
ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે....

- મરીઝ

સત્ય અને અહિંસા

"સત્યથી ભિન્ન કોઈ પરમેશ્વર હોય એવુ મેં નથી અનુભવ્યુ. સત્યમય થવાને સારુ અહિંસા એ જ એક 
માર્ગ છે ...."

"આત્મશુધ્ધિ વિના જીવમાત્રની સાથે ઐક્ય ન જ સધાય. આત્મશુધ્ધિ વિના અહિંસાધર્મનું પાલન સર્વથા અસંભવિત છે. "

"શુધ્ધ થવુ એટલે મનથી, વચનથી ને કાયાથી નિર્વિકાર થવું, રાગધ્વેષાદિરહિત થવું. એ નિર્વિકારતાને પહોંચવાને પ્રતિક્ષણ મથતા છતાં હું પહોંચ્યો નથી, તેથી લોકોની સ્તુતિ મને ભોળવી શકતી નથી, એ સ્તુતિ ઘણીવાર ડંખે છે. મનના વિકારોને જીતવા જગતને શસ્ત્ર્યુધ્ધથી જીતવા કરતાંય મને કઠિન લાગે છે. ..... "

"અહિંસાએ નમ્રતાની પરાકાષ્ઠા છે.અને એ નમ્રતાવિના મુક્તિ કોઈકાળે નથી ... "

"મારે દુનિયાને નવુ કશુ શીખવવાનુ નથી. સત્ય અને અહિંસા અનાદિકાળથી ચાલ્યા આવે છે. ......"

- મોહનદાસ કરમચંદ ગાંધી.
"સત્યના પ્રયોગો" માંથી કેટલાક અંશો .....


અને છેલ્લે ....

વૈષ્ણવ જનતો તેને કહિયે જે પીડ પરાયી જાણેરે
પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણેરે...

સકળ લોકમા સહુને વંદે નિંદા ન કરે કેનીરે
વાચ કાછ મન નિશ્ચલ રાખે ધનધન જનની તેનીરે ...

સમ દૃષ્ટીને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માતરે
જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવઝાળે હાથરે ...

મોહ માયા વ્યાપે નહિ જેને દૃઢ વૈરાગ્ય જેના મન મારે
રામનામ સૂઁ તાલી લાગી સકલ તીરથ તેના તનમાઁરે ...

વણ લોભીને કપટરહિતછે કામ ક્રોધ ન વાર્યારે
ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ એકોતેર તાર્યારે...


- નરસિંહ મહેતા