Thursday, March 31, 2011

હું મા્રી અંદર આખુ સ્મશાન રાખુ છુ...

નદીની જેમ અગર ચાલશો થશે રસ્તા,
ખડક ઉભા જ રહ્યા છે વિચાર કરવામાં ....

*******

મરણ જતુ ન રહે એનુ  ધ્યાન રાખુ છુ
દરેક શ્વાસને હું સાવધાન રાખુ છુ

દહન કર્યા કરુ છુ રોજ લાગણીઓને
હું મા્રી અંદર આખુ સ્મશાન રાખુ છુ

ભલે છું કોડિયુ નાનું, છતાં સમય આવે,
સૂરજની સાથ બરાબરનુ સ્થાન રાખુ છુ

મને ખબર છે મને તુ કશુ ન દેવાનો,
કશુ ન માગીને હું તારી શાન રાખુ છુ.

છું મૌન 'બેદિલ' કોઈની આબરુ ખાતર,
નહીં તો હું ય તેજાબી જબાન રાખુ છું.....

- અશોક ચાવડા 'બેદિલ'

કંઈક હળવુ - હળવુ (૩)...

આખા દેશમાં અને સહુ ભારતિયોમા ભારતની ક્રિકેટ્-જીતનો આનંદ છવાયેલો હોય ત્યારે તો કંઈક હળવુ - હળવુ જ રજુ કરવુ પડે ને ! :)   ...


હું ઘસાયો એકલો ને તું સદા વ્હેતી ગઈ
'લ્યો લપસજો' કહીને લીસ્સા ઢાળ તું દેતી ગઈ,
તેં દિધેલો કાંસકો ઝાલીને હું બેસી રહ્યો
બેવફા તું મસ્તકેથી વાળ પણ લેતી ગઈ ! 

- " ? "


રોજ એ જગથી કશું જૂદું જ કરવા જાય છે,
ગોલ્ફના મેદાનમાં બિલિયર્ડ રમવા જાય છે.

હું કદી એને શિખામણ કે સલાહ આપું નહીં,
કે વધુ બગડે છે એ જ્યારે સુધરવા જાય છે.

ત્રણ વેળા એક પિક્ચર એ જૂએ છે મોજથી,
જાય છે ચોથી વખત ત્યારે સમજવા જાય છે.

આમ ઝઘડાળુ નથી પણ ખાય છે દરરોજ માર,
બે જણા ઝઘડે છે ત્યારે વચ્ચે પડવા જાય છે.

એ રહે મૂડલેશ એ સાહિત્ય જગનાં હિતમાં છે,
મૂડમાં આવે છે ત્યારે કાવ્ય લખવા જાય છે.

પ્રેમ પ્રાણીમાત્ર પર છે એને એ દર્શાવવા,
શાંત સૂતા આખલાને એ અડકવા જાય છે. 

-ડૉ.રઈશ મણિયાર

અને છેલ્લે ...

  •  "જરા વિચારો બાળકો," શિક્ષકે કહ્યું, " આફ્રિકામાં અનેક વિસ્તારોમાં નિશાળ જ નથી ! તો આપણે શાના માટે   પૈસા બચાવવા મથવું જોઈએ ?" ...... બાળકોનો હર્ષનાદ થયો," આફ્રિકા જવા માટે ! " 
  • સમય બચાવવાની ઘણી તરકીબો હોય છે. જેમકે , આજે કરવુ જ જોઈએ એવુ કામ તમે કાલ પર ઠેલો, તો આજે કેટલો બધો સમય બચી જશે !
  •  કુદરતી મૃત્યુ એટ્લે એવુ મૃત્યુ કે જેમા દાક્તરની કશી મદદ ન લેવાઈ હોય.

Tuesday, March 29, 2011

દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો ....(Article)

બાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો
ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો
માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો ....

અર્થાત માણસને સમજવાની મથામણમા પડતા જ નહી. નહી તો એવા અટવાઈ જશો .... એવા અટવાઈ જશો કે .... રહેવા દો   " ન બોલ્યામા નવ ગુણ ...." ..... પણ " બોલે તેના બોર વેચાય " ...  એનુ શુ ? ... લો અટવાઈ ગયા ને પાછા.! ચલો મૂકો બધી માથાકૂટ .. જેને બોલવુ હોય એ બોલીને બોર વેચે ને ના બોલવુ હોય એ એના નવ ગુણ સાચવીને બેસે. :)  ... ચાલો , આજે મજાક મજાકમા  " મજાક"ની જ વાત કરવી છે.  મજાકની વાત આવે એટલે હાજરજ્વાબીપણાની પણ યાદ આવે બંને નજીકના સગા છે ભાઈ! પણ અહી થોડી અલગ વાત છે . આપણે હંમેશા લોકોને કહેતા સાંભળીએ છીએ " મને મજાક કરવાની આદત છે .." પણ સાથે સાથે એવા અનુભવો પણ આપણને થતા જ હોય છે કે વાત વાત મા " મજાકની આદત છે"  ની ઢાલ પાછળ રહીને લોકોને ઉતારી પાડતા લોકો પોતાની ઉપર જરા સરખી પણ ટીખળ થાય તો હલબલી જતા હોય છે. ઈનશોર્ટ મજાકની આદત રાખવાવાળા મોટાભાગના  લોકો મજાક સહન કરવાની કર્ટસી જરાય રાખી જાળવી શકતા હોતા નથી. એ વસ્તુ અલગ છે કે ક્યારેક લીમીટ બહારની મજાક ઉપર મજાક બાજુ પર મૂકીને  લાલ આંખ કરવી પડે. પણ જ્યા સામાન્ય મજાક થતી હોય ત્યારે વળતા જવાબમા પોતે પણ એવી મજાક સહન કરવી પડશે એવુ ઘણા લોકો જલ્દી ભુલી જાય છે. 
હાજરજવાબીપણુ પણ મજાકનો જ ભાગ છે. પણ ક્યારેક લોકો હાજરજવાબીપણા અને ઉધ્ધતાઈ વચ્ચેની ભેદરેખા પારખી શકતા નથી. જે લોકો એને સહજતાથી સ્વીકારી શકે એ જ એની સાચી મજા માણી શકતા હોય છે ... એક હાસ્યલેખકનો એક કિસ્સો યાદ આવે છે ( આમ તો એ હાસ્યલેખક કદાચ વિનોદ ભટ્ટ જ છે પણ ખાત્રી નથી એટલે મારે સીધુ એમનુ નામ  નથી લેવુ )

વાત જાણે એમ હતી કે એકવાર એક સભામા આ હાસ્યલેખક સાહેબ મંચ પર અન્ય લેખકો સાથે બેઠેલા. હવે કાર્યક્ર્મના સંચાલક બધા લેખકોનો પરિચય આપતા હતા. હવે પેલા હાસ્ય લેખકશ્રી નો વારો આવ્યો. પણ હાસ્યલેખક શરીરે દુબળા-પાતળા એટલે સંચાલક એમનો પરિચય આપતા મજાકમા બોલ્યા , " અને  આ હાડપીંજર દેખાય છે એ આપણા ......... હાસ્યલેખક ..." અને સભામા હાસ્યનુ મોજુ ફરી વળ્યુ. હાસ્યલેખક પોતે પણ પોતાની પરની આ મજાકથી હસી પડ્યા. પછી જ્યારે એમનો બોલવાનો વારો આવ્યો એટલે એક તો પોતે હાસ્યલેખક ને એમાય પોતાના હાજરજવાબી સ્વભાવ માટે મશહૂર, તો જવાબ તો આપવો પડે ને એટ્લે એમણે વળતા જવાબમા કહ્યુ, " કૂતરા્ને  આમેય બધે હાડકા જ દેખાય ..." સભામા ફરી હાસ્યનુ મોજુ ફરી વળ્યુ ને સંચાલક પોતે પણ હસી પડ્યા. મજાક કરી હતી તો વળતી મજાક તો સહન કરવી જ પડે ને ! પણ આવી નિખાલસતા જાણે અદ્ર્શ્ય થઈ રહી છે. એના પર જ ભાવિન અધ્યારુ નો "સંદેશ"મા આવેલ આ લેખ અહી વહેચુ છુ( આઈમીન share કરુ છુ )  ....

ભારતીય દિમાગ, ખેલદિલી, સેન્સ ઓફ હ્યુમર અને નેગેટિવિટી!
આપણા સૌનું દિમાગ ક્યારેક એકદમ વિચિત્ર રીતે રિસ્પોન્સ આપતું હોય છે. ક્યારેક મોટી મોટી વાતોમાં પણ આપણને ખરાબ ના લાગે અને ક્યારેક સાવ નાની અમથી વાતમાં પણ આપણેલાગણી દુભાવાના નામે જીવન મરણ ઉપર આવી જઈએ છીએ. સગવડો જેટલી વધતી જાય છે, એક સમયે એક વસ્તુમાં ધ્યાનની કમી આવતી જાય છે. એમાં પાછું આપણું કલ્ચર એવું કે આપણને હા કરતા ના બોલવાનું વધુ શીખવવામાં આવ્યું છે. જાણે આપણને બીજા પર દંડો પછાડીને એ કામ કરતો રોકવાની અદમ્ય ઇચ્છા થઈ આવે છે. કારણો અને પરિસ્થિતિ અલગ હોય છે બાકી આપણું વલણ એ જ હોય છે. પરિણામે એક એવો સમાજ સર્જાય છે જ્યાં સૌથી પહેલાં સેન્સ ઓફ હ્યુમર અને ખેલદિલીની ભાવનાની બાદબાકી થાય છે. સર્જકતા ઉર્ફે ક્રિયેટિવિટી બંધક બને છે. લખનાર હોય કે બોલનાર, દરેકને ફીલ થાય કે મૂંગા રહેવામાં જ નવ ગુણ છે’.
સેન્સ ઓફ હ્યુમર
પેલું કહેવાય છે ને કે કોમનસેન્સ ઈઝ રેર સેન્સ, એવી જ રીતે આપણે ત્યાં સેન્સ ઓફ હ્યુમરની પણ ભારે અછત જોવા મળે છે. અરે, ગુજરાતી જોક્સ અને હાસ્ય કાર્યક્રમોની જ વાત કરીએ તો મોટે ભાગે પત્નીઓને ઉતારી પાડતા જોક્સ કરવામાં આવતા હોય છે, વાત ફેમિનિઝમ કે સ્ત્રીના અપમાનની જ નથી પણ તંદુરસ્ત હાસ્ય તો બીજી રીતે પણ પેદા કરી શકાય, એ સિવાય કોમ અને ર્પિટક્યુલર પ્રદેશના લોકોના વર્તન, સ્વભાવ અને આદતો પર થતી ટીખળ - મજાક પણ કોઈ પણ હિસાબે વાજબી ન કહેવાય. અમદાવાદ હોય કે કાઠિયાવાડ કે પછી સુરત, રમુજની એક તંદુરસ્ત તાસીર હોય છે જેને મજાકનું સાધન બનાવીને ઉતારી પાડવી કેટલે અંશે વાજબી કહેવાય? એમટીવીવાળો પેલો સાયરસ બ્રોચા જો અહીં આવીને કોઈને બકરા બનાવે તો કદાચ અહીં કોઈ મારામારી પર ઊતરી આવે. આઈ મીન, વ્હેર ઈઝ સેન્સ ઓફ હ્યુમર? લોકો કેમ હાસ્યને તંદુરસ્ત રીતે પચાવી નથી શકતા? શા માટે આપણે આખો દિવસ ગંભીર અને બોચિયા બનીને ફરવાની આદતને આટલી ગ્લોરીફાય કરીએ છીએ? શા માટે આપણે ત્યાં કોમેડી જોનર (સાચો ઉચ્ચાર જોનરા)ની ફિલ્મોના નામે ગોલમાલ - વેલકમ - તીસ માર ખાન જેવી સદંતર બોગસ અને વાહિયાત ફિલ્મો માથે મારવામાં આવે છે? રિષિકેશ મુખર્જી, કુંદન શાહ અને સઈ પરાંજયે જેવા સર્જકોની ગોલમાલ - જાને ભી દો યારો અને ચશ્મે બદ્દુર કેમ ફરી નથી સર્જાતી?આપણી સેન્સ ઓફ હ્યુમર એટલી નીચે ઊતરી ગઈ છે કે હવે આપણને ગલીચ - ડબલ મીનિંગ સંવાદો કે પછી કોઈની ડિસેબિલિટી પર જ હસવું આવે છે. (શ્રેયસ તલપડે - ગોમલાલ - ૩) કેમ આપણે જાહેરજીવન અને રોજ-બ-રોજની લાઈફમાં કોઈની નાની અમથી મજાક પણ સહન નથી કરી શકતા? સવાલ - જવાબ અને હેલ્ધી ચર્ચાનું પૂરું એક સેશન થઈ શકે પણ એનો કોમન ઉકેલ લાવવો મારા કે તમારા હાથમાં કદાચ નથી.
નેગેટિવિટી
નેગેટિવિટી એક છૂપા વાઈરસ જેવી જણસ છે જે માણસમાં પ્રવેશી જાય પછી બહુ મોડે મોડે એનું નિદાન થાય છે! નેગેટિવિટી આપના જાહેરજીવનમાં કેટલી હદે ફેલાયેલી છે એ જોવું હોય તો ક્યાંય દૂર જવાની જરૂર નથી.
 ઘરની બહાર નીકળીએ એટલે સ્મોકિંગ ન કરવા બદલ આભારના બદલે નો સ્મોકિંગ’, ‘પાર્ક હિયર એવું બોર્ડ જોયું છે? ‘નો પાર્કિંગ કે અહીં વાહનો પાર્ક કરવાં નહીં એવું જ જોવા મળશે. આ સિવાય પણ અહીં પિચકારી મારવી નહીંથી લઈ મોબાઈલ પર વાત કરવી નહીં’... આ બધા કેસમાં જરા નમ્ર અને પોઝિટિવ રીતે ના લખી શકાય? બીજી પરિસ્થિતિ જુઓ, કોઈ અજાણી વ્યક્તિ સરનામું પૂછે તો આપણામાંથી કેટલા લોકો પોઝિટિવ રિસપોન્ડ કરતા હોય છે?જાણે આખા વાતાવરણમાં નેગેટિવિટી ફેલાયેલી હોય એવું સતત ફિલ થયા કરે. આપણે જાણે એકદમ ક્લોઝડ્ થઈ રહેતાં હોઈએ એવું લાગે, ડીટ્ટો જેમ બેંકમાં કમ્પ્યૂટર આવતા જૂના કર્મચારીઓ વિરોધ કરવા લાગે અને નવા કોર્સ કે નિયમો આવતા શિક્ષકો ડસ્ટર પછાડે એવું જ. આ સિવાય તમે જોજો જ્ઞાતિઓને લઈને પણ એકદમ નેગેટિવ વાતો સાંભળવા મળે, ફલાણી જ્ઞાતિ તો એકદમ લુચ્ચી, ફલાણા તો કોણીએ ગોળ લગાડે વગેરે વગેરે... કેમ કોઈ દિવસ કોઈ જ્ઞાતિ વિશે સારી વાતો ના ફેલાવવામાં આવે?
લાગણી દુભાવવી અને ખેલદિલી
લાગણી દુભાવવી અને ખેલદિલી એ બંને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જેવી વાત હોવા છતાં ક્યાંક એકબીજાને રિલેટ કરે છે. તમે જોજો કૈંક લખીએ કે બોલીએ, કોઈ પણ રીતે કમ્યુનિકેશનનો જુદો જ મનગમતો મિનિંગ કાઢી લોકો ચર્ચા છેડશે અને ઘણી વાર રીતસર કોલર ઝાલી લેશે. ભલા માણસ તમે પોતે જ બીજી ગણાતી કે કોમના લોકોના જોક કરો અને પોતે પાંચ પૈસાની ખેલદિલી ન રાખો એ તો કેવું?  આઈરીશ જોક્સ પર હસતા પહેલાં યાદ રાખવું કે એ પણ ક્યારેક ઈંગ્લેન્ડ જેવી બળુકી ટીમને હરાવી શકે છે. લાગણી દુભાય એમાં કંઈ ખોટું કે ખરાબ નથી પણ અહીં વાત છે નાની નાની વાતમાં ખેલદિલીના અભાવે વાત ન સ્વીકારવાની જીદની.
કમ્યુનિકેશન ગેપ
અહીં હેડિંગમાં લખેલા શબ્દો ભારતીય દિમાગ, ખેલદિલી, સેન્સ ઓફ હ્યુમર અને નેગેટિવિટીને જોડતી કોઈ કોમન કડી હોય તો એ છે કમ્યુનિકેશન ગેપ જનરેશન ગેપ પણ કમ્યુનિકેશન ગેપમાંથી જ જન્મ લેતો હોય છે. રામ - રામ અને રિંગણાંવાળી વાત થાય છે અહીં. વાતેવાતમાં ઝઘડા - મનદુઃખ અને ચોખવટ કરવાથી ઓવર ઓલ પ્રોડક્ટિવિટી પર ખાસ્સો ફર્ક પડે છે. દલીલબાજીમાં મગજ તો બગડે જ છે ઉપરથી નવું સર્જન નથી થઈ શકતું. સાહિત્ય - રમત અને સંગીત જેવાં કળાનાં ક્ષેત્રોમાં ઠંડું મગજ ને સાતત્ય (કન્સિસ્ટન્સી) જ માણસને લાંબી રેસનો ઘોડો બનાવે છે. શ્રીસંત અને સચિન તેંદુલકર એટલે જ એકબીજાના એક્સ્ટ્રીમ કહેવાય છે. સચિન ૨૧ વર્ષોથી પોતાનો અનન્ય ફાળો ભારતીય ક્રિકેટને આપે જાય છે. પણ એક વાર શૂન્ય રને આઉટ થાય કે ટીકાકારો તેને નિતનવાં લેબલ્સ લગાડી ઉતારી પાડે છે. ટીકાની જ વાત કરીએ તો અમદાવાદમાં રહીને કાઠિયાવાડીને ખરાબ અને સૌરાષ્ટ્રમાં રહીને અમદાવાદીને ખરાબ કહેવા કરતાં ક્યારેક જો થોડા ઊંડા ઊતરીએ તો ખબર પડે કે દરેક કલ્ચરના પોતપોતાના પ્લસ અને માઈનસ પોઈન્ટ્સ હોય છે જે સમજવા જરૂરી છે, ચર્ચાશૂરા થવું અને નવું સર્જન કરવું એ બંનેમાં અમેરિકા અને પાકિસ્તાન જેટલો ફર્ક છે. જેટલું વધુ ખોદીશું અને દાટેલાં મડદાં બહાર કાઢવાની આદત રાખીશું, સર્જન અને સર્જનાત્મક્તા પર એટલી જ અસર પડશે.
- ભાવિન અધ્યારુ

અને છેલ્લે ક્યારેક એમ લાગે કે મજાક કરવામા કઈક બફાઈ ગયુ છે તો લો એ અઘરી પળોને સાચવી લે એવી આ બે લાઈન ....
વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી...   :-)  
 
- હરીન્દ્ર દવે

Saturday, March 26, 2011

‘હું જીવી રહ્યો છું’ ના જાહેર ચોકમાં..

કોઇ કોઇ વખત તને ભૂલી જવાય છે
દુનિયામાં કાંઇ પણ હવે માની શકાય છે

આકાશના એ રંગ તને યાદ તો હશે
રંગીન એટલું જ એ તારા વિનાય છે

હું ચાલતો રહ્યો છું અને ચાલ્યો જાઉં છું
જીવીજીવીને જાણે સમય થઇ જવાય છે

અય દોસ્ત ગઇ નથી હજી ગુંજાશ સ્મિતની
રોવાનાં કારણો તો મને પણ ઘણાંય છે

અહીં ‘હું જીવી રહ્યો છું’ ના જાહેર ચોકમાં
ક્યારેક ‘તું નથી’ ની હવા સંભળાય છે

 - જવાહર બક્ષી

Thursday, March 24, 2011

હો હિંમત તો ટહુકો તું દોર…

અલ્યા, કાગળ પર ચીતરે છે મોર?
મોરને તો નાનકડું છોકરું યે ચીતરે
હો હિંમત તો ટહુકો તું દોર…

મારામાં રાખી અકબંધ મને ચોરે
તું એવો તે કેવો ઘરફોડું?
છતરીની જેમ મને ઓઢી લે આખી
ને પલળે છે તોય થોડું થોડું

પાણીથી ઠીક, જરા પલળી બતાવ મને
હોય જ્યારે કોરુંધાકોર…

મેલું આકાશ ખૂલે જડબાંની જેમ
જાણે ખાતું બગાસું કોઇ લાંબુ
વાદળાય આમ તો છે કાંઇ નથી બીજું
છે ઠળિયા વિનાના બે’ક જાંબુ

વાદળા કે જાંબુ તો ઢગલો તું ચોરે
જરા આખું આકાશ હવે ચોર…

- રવીન્દ્ર પારેખ

એમા શુ મોટી વાત ? -એક શોર્ટ-સ્ટોરી ....

આજે ફરી એક શોર્ટ-સ્ટોરી ....
કહેવાય છે ને કે "તુલસી ઈસ સંસાર મે ભાત ભાત કે લોગ ... " તો એમા એક આવા ભાતના લોકોને તમે ચોક્કસ મળ્યા હશો જે હંમેશા એમ કહેતા હોય ," ઓહો ! એમા શુ મોટી વાત ? એ તો આપણે પણ કરી શકીએ ." કે પછી કોઈની સફળતા જોઈને કે કોઈકને કઈક નવુ સાહસ કરતા જોઈને એને આવકારવાના બદલે તરત જ કહી દે "એમા શુ નવાઈ છે ? " અથવા તો પછી "આમ તે કઈ થતુ હશે ?" ..... આવા જ મહાન લોકો પર એક સરસ વાત યાદ આવે છે. વાર્તા  સાંભળેલી છે એટલે ભાવાર્થ રજૂ કરુ છુ.
.........................................

કોલંબસ અમેરિકા ખંડ શોધીને દેશમા પાછો ફર્યો એટલે બધે એની વાહ વાહ થવા લાગી. રાણી પણ કોલંબસની આ સિધ્ધિથી ઘણા ખુશ હતા. પણ દરબારમા કેટલાક લોકોને થતુ " કોલંબસે આમા શુ મોટી ધાડ મારી દીધી છે તે આખો દેશ અને રાણી પણ એના પર ખુશ થઈ ગયા છે. દરિયામા વહાણ લઈને ગયો હતો તે જડી ગયો અમેરિકા ખંડ! અમે ગયા હોત તો અમે પણ શોધી લાવત. ને વર્ષે દહાડે કેટલાય વેપારી જાય જ છે ને દરિયો ખેડવા તો એમા કોલંબસે શુ મોટી નવાઈ કરી છે ?"

હવે દરબારીઓની આ વાત રાણીના કાને પડી.  રાણીએ નક્કી કર્યુ કે જે લોકોને કોલંબસને મળતા માનપાનથી વાંધો છે એમને જણાવવુ પડશે કે શા માટે એ આટલા માનપાનને લાયક છે. એટલે રાણીએ કોલંબસની સિધ્ધિને નવાજવા માટૅ એક સાંજે એક મિજબાની ગોઠવી જેમા બધા દરબારીઓ અને કોલંબસને ભોજન માટે નિમંત્રણ આપવામાં આવ્યા. બધા નિયત તારીખે ને સમયે રાજમહેલમા પહોચી ગયા. ભોજન સમાપ્ત થયા પછી રાણી એ એક રમત રમાડવાની જાહેરાત કરી. રાણીનો હુકમ એટલે માન્યા વગર તો છૂટકો નહી !

રાણી એક ઈંડુ મંગાવ્યુ અને કહ્યુ જે કોઈ આ ઈંડાને આ સપાટ ટેબલ પર કોઈપણ સહારા વગર ઉભુ રાખી બતાવશે એને ઈનામ મળશે. ઘણા ખુશ થયા અને ઘણા મનમા ને મનમા ગણગણવા લાગ્યા. રાણી પાગલ થઈ ગયા છે કે શુ ? ઈંડુ તે કઈ સપાટ ટેબલ પર ઉભુ રહે !

લગભગ બધા દરબારીઓ એ પ્રયત્ન કરી જોયો પણ કોઈ સફળ ના થયુ. બધી વખતે ઈંડુ ગબડી જ પડતુ. આખરે રાણીએ કોલંબસને કહ્યુ કે " તમે પ્રયત્ન કરી જુઓ " . કોલંબસ ઉભો થયો એણે ઈંડુ હાથમા લીધુ ને ઈંડાની ટોચના બરાબર મધ્ય ભાગને ટેબલ પર સહેજ જોરથી ઠપકાર્યો . ઈંડાની ટોચના ભાગ પર તિરાદો પડીને એ સહેજ બેસી ગયો અને કોલંબસે ઈંડુ ટેબલ પર ઉભુ મૂકી દીધુ.

રાણી ખુશ થઈ ગયા. પણ અન્ય દરબારીઓ મા ઉહાપોહ મચી ગયો. " આમ તે કઈ ચાલતુ હશે ? આ તો નરી છેતરપીંડી કહેવાય . આ રીતે તો અમને પણ કરતા આવડ્તુ હતુ ......... " . 

રાણી બધાને પહેલા તો શાંત પાડ્યા અને પછી કહ્યુ... " સાચી વાત છે આવુ કરતા તો તમને પણ આવડતુ જ હતુ . તો પછી કર્યુ કેમ નહી ? તમને કોણે રોકેલા ? મે એમ કહેલુ કે ઈંડુ કોઈ અન્ય આધાર વગર ટેબલ પર ઉભુ રાખવુ . કોલંબસે જે કર્યુ એવુ કરવાની મે ક્યા ના પાડેલી ? એ તમે પણ કરી જ શકત .... "  બધા શુ કહે ? દરબારીઓ પણ વિચારમા પડી ગયા. " વાત તો સાચી જ છે ભાઈ, રાણીની " સ્વીકાર્યા  વગર છૂટકો જ ન
નહોતો. 

પછી રાણીએ મોકો જોઈ વાત આગળ વધારી, " એ જ રીતે તમારામાથી કોઈપણ દરિયો ખેડવા જઈ શક્યા હોત અને અમેરિકા શોધી શક્યા હોત . તમને કોણે રોકેલા ? તમને કોણે ના પાડેલી દરિયાના ભયાનક તોફાનો સામે દિવસ - રાત લડવાની. દિવસો સુધી ભૂખ્યા ને તરસ્યા પોતાના પરિવારથી દૂર રહીને દરિયામા સફર ખેડવાની ? દરિયાની અવનવી મુસીબતોનો હીંમતથી મુકાબલો કરવાની ? "

જે દરબારીઓ ઈર્ષ્યાના માર્યા હતા એમને એમનો જવાબ મળી ગયેલો.

Thursday, March 17, 2011

કંઈક હળવુ-હળવુ ( 2 ) ....

હમણા હમણાથી પાછી બહુ અઘરી અઘરી વાતો થઈ ગઈ.  એટલે ઓવર ડોઝ થઈ જાય એ પહેલા આજે એક હળવી હઝલ ....

સુરતનો છું હું વતની એટલે આ આળ લાગે છે,
શુભેચ્છા પાઠવું છું તોયે સૌને ગાળ લાગે છે.

******

અમે રસ લેવા માંડ્યો જે ઘડીથી એક છોરીમાં,
નથી પડતો હવે ઇન્ટરેસ્ટ પેટીસમાં કચોરીમાં.

પ્રિયે, એવી મને તું પ્રેમરસથી ભરી ભરી લાગી,
કદી ચટણીપુરી લાગી, કદી પાણીપુરી લાગી.

થતી તુજ વાત ને તેમાં ય તારા રૂપની ચર્ચા,
જાણે ગરમાગરમ ભજીયા અને હો સાથમાં મરચા.

અમારો તે છતાં ના થઈ શક્યો મનમેળ તારી સાથ,
નકામી ગઈ જે રોજેરોજ ખાધી ભેળ તારી સાથ.

હવે મનમાં છવાયો એ રીતે આલમ હતાશાનો,
હું પેંડા ખાઉં છું તો સ્વાદ આવે છે પતાસાનો.

અમે સાથે અમારી કમનસીબી લઈ મરી જાશું,
કફનમાં ફાફડા સાથે જલેબી લઈ મરી જાશું.

- ડો. રઇશ મનીઆર

( આભાર - http://tahuko.com )

Wednesday, March 16, 2011

તસવીરોના મેળામાં એક્લો ....

કહેવાય છે જેવી દ્રષ્ટી એવી સૃષ્ટિ... એ તો સાચુ જ છે પણ સૃષ્ટિ કંઈ આપણી દ્રષ્ટિ જેટલી સિમિત નથી. આપણને તો હંમેશા નરી આંખે દેખાય એ જ જોવાની આદત પડેલી હોય છે. આપણા સિમિત અનુભવોની ડીક્ષનરી લઈને આપણે હંમેશા સામેવાળાની સ્થિતિનો તકાજો લેવા તૈયાર હોઈએ છીએ. For example -  એક પુરુષ છે અને એક સ્ત્રી એની બાજુમાં ઉભેલી કે બેઠેલી છે...સ્ત્રીના ગળામાં મંગળસૂત્ર છે .... બસ પતી ગયુ ... ફાઈનલ ડીસીઝ્ન ..." આ હસબન્ડ - વાઈફ  છે " ... નથી ? ઓકે.... તો તો બોસ નક્કી કંઈક અફેર જ હોવુ જોઈએ ... નહીતો પરકાની સ્ત્રી સાથે શુ કામ ઊભા રહેવુ જોઈએ ?? .... તો ભલા માણસ એ હસબન્ડ-વાઈફ છે કે નહી એનુ આટલુ ગહન સંશોધન આપણે પણ શુ કામ કરવુ જોઈએ ? એ કંઈ હોય કે ના હોય એ જાણીને આપણા જીવનમાં ના તો સુનામી આવવાની છે ના તો કરોડોનો ચેક .
 
પણ જેમ કેટલાક લોકો બીજાના ' status' ખાસ કરીને 
'social status' વિશે જાણવા ને ધારવા ઉતાવળા હોય છે એમ કેટલાક લોકો જણાવવા પણ ઉતાવળા હોય છે...  હાથમાં હાથ લઈને એવી રીતે ફરે  કે એક ક્ષણ માટે તો આપણને પણ લાગી આવે " અહો ! ધન્યભાગ અમારા કે કળયુગમાં આવી સારસ બેલડી જોવા મળી ... " ને પછી બીજી જ ક્ષણે તરત જ પોતાના નસીબ પર ફીટકાર થઈ આવે "મને આવુ સુખ કેમ નહી ? "  પણ કીધું ને કે આપણને નરી આંખે દેખાય એટલુ જ જોવાની આદત છે. 
'' હાથમાં હાથ હોય ને મુખ પર સ્મિત હોય..."...સુખની કહો કે પ્રેમની  કહો એની વ્યાખ્યા શુ આટલી જ છે ?  હાથમા હાથ લઈ ને સસ્મિત ફરતા હોય એ લોકો એકબીજા સાથે સુખી હોય છે એવી વ્યાખ્યા ભલા તમે કયા શબ્દકોષમાથી વાંચી લીધી ! 
 
જો કે  અહી  કવિશ્રી સુરેશ દલાલનુ ઓબ્ઝર્વેશન કંઈક જુદુ છે ..... આપ ખુદ જ માણી લો નરી આંખે ! ... :)
 
બે જુવાન શરીર
એક્મેકને વળગીને ઊભા છે.
સ્ત્રીના બંને હાથ જાણે કે વરમાળા હોય એમ 
પુરુષના ગળામાં.
પુરુષના બંને હાથ
સ્ત્રીની કમર પર.
આ તો દેખાય એવુ દ્ર્શ્ય છે
પણ અદ્ર્શ્ય છે એ પણ
દ્રશ્યમાન નથી થતું એમ નહીં
દેખાય છે એટલે જ કહું છું
કે બે જણા ઊભાં છે.
હકીકતમા બંનેનુ ભીતર
એક જ સૂરંમાં , એક જ તાલમાં
નર્તન કરી રહ્યુ છે.

પ્રુરુષ પ્રેમ કરે છે ત્યારે
એના પ્રેમમા 'કદાચ'  હોય છે 'અથવા'  હોય છે 'પણ'  હોય છે
સ્ત્રીના પ્રેમમાં
સર્વસમર્પણ હોય છે
એ કદાચ  સરીતો નહી પડે ને
એટલા માટે પોતાના બંને બાહુ
' હું તને ચાહુ છું '
એમ કહ્યા વિના પુરુષના કંઠમાં આરોપી દે છે
પુરુષના હાથને કમર પરથી સરતાં બહુ વાર નથી લાગતી.

બે જુવાન શરીર અત્યારે તો એકમેકને

વળગીને ઊભાં છે
ખબર નથી પડતી કે કાળના કેવા મનસૂબા છે.

કોઈપણ બે જણ નિકટ હોય... બંને વચ્ચે અહમનો અંતરપટ ન હોય
એ પરિસ્થિતિ મને ગમે છે
પછી એ બે જણ
ઊભાં હોય, ચાલતા હોય, કારમાં હોય, સ્કૂટર પર હોય
પણ બે જણ સાથે ને સાથે જ હોય
એકમેકની જ નહી
પણ સમજણની સાથે ને સાથે જ હોય
એ દ્રશ્ય મને ગમે છે.

હું આવા દ્રશ્યો જોઉં છુ ત્યારે
મને સિતાર સંભળાય છે. ગિતાર સંભળાય છે.
ચાંદની આપોઆપ મારા ગીતમાં છલકાય છે.
" હું તને ચાહુ છું "
એવુ હું જ્યારે સાંભળુ છું ત્યારે મને કાન ઉગ્યા
એની સાર્થકતા સમજાય છે.

જોકે પ્રેમમાં
ન સમજાય એવુ ઘણુ છે ;
ક્યારેક કોઈ ચહેરો મને બંધ બારી જેવો લાગે છે;
ક્યારેક કોઈ ચહેરો તૂટેલી અટારી જેવો લાગે છે;
ક્યારેક બે જણા સાથે હોય છે પણ પરાણે પરાણે ચાલતાં હોય
એવું લાગે છે
જાણે કે ઝાડ પર ચોંટાડેલા
પ્લાસ્ટિકનાં પાંદડાં હાલતાં હોય એવું લાગે છે.
બે જણ
એક્મેકના સાન્નિધ્યમાં ખિલવાના ચાળા કરે છે એટલું જ
બાકી ભીતરને ભીતર ખરતાં હોય એવું લાગે છે.
પ્રેમમાં ભય તો હોતો નથી
છતાં એક્મેક્થી ડરતાં હોય એવું લાગે છે.
પ્રેમનો તો અધિકાર છે
એક્મેકને પામવાનો
પામીને આપવાનો
આપીને પામવાનો;
પણ બે જણ
આંખમાં ભિક્ષાપાત્ર લઈને કશાક માટે કરગરતા હોય એવા
ભિખારી જેવા લાગે છે.
ક્યારેક એકમેક શિકારી જેવા લાગે છે
જાણે એકમેક્થી
બેન્કબેલેન્સ છૂપાવતા હોય એમ
એક્મેકનાં સપનાં સંતાડી રાખ્યાં હોય છે
હોઠ હસે છે એટલું જ
બાકી હ્રદય રડતાં હોય છે
અને કોઈક અજાણ ... આત્મીયતા માટે વલખતાં હોય છે.

પ્રેમ ન હોય ત્યારે ..
સોગંદ અને સોગાદનો કોઈ અર્થ હોય છે ખરો ?
આ પ્રશ્ન પૂછવાનો અધિકાર
મને કે તમને નથી;
આ પ્રશ્ન પૂછવાનો અધિકાર એકલા કાળને જ હોય છે.
o

હું અત્યારે
શ્વેતશ્યામ
અને રંગબેરંગી તસવીરોના મેળામાં એકલો છું
ક્યારેક માણસની આંખ કરતાં કેમેરાની આંખ વધારે સાચી લાગે છે.
ક્યારેક માણસો તસવીર જેવા લાગે છે,
તો ક્યારેક તસવીરો માણસ કરતાં વિશેષ માણસ જેવી લાગે છે.
o

આ એક સ્ત્રી
એની આંખોમાં ન કળાય એવી ગંભીરતા
જીવનનો એવો તે કયો અનુભવ થયો
કે યૌવનની મસ્તી એકાએક ઓસરી ગઈ
ભિડાયેલા બંધ હોઠ
ભીતરમાં જ્વાળામુખી પ્રજળ્યા કરે
વાણીવિહોણા શબ્દો હોઠ્ની પાછળ રઝળ્યા કરે રઝળ્યા કરે
પોતાનો જ શ્વાસ લેવાની મના કરતું હોય એવું ઉદાસીન નાક
જીવનમાં આવ્યો હશે કેવો વળાંક
કે પોતે પોતાને જ પરાઈ લાગતી હોય
અને દુનિયા આખી આંખ સામે
છતાં આંખથી સાવ અપરિચિત
એના બંધ હોઠ કહેતા ન હોય :
ન કીજિયે કોઈ પ્રીત. .....

- સુરેશ દલાલ

Tuesday, March 15, 2011

કોઈ રસ્તાની ધારે ધારે ...

અછાંદસ કવિતાની પણ એક અદા હોય છે, મજા હોય છે.  અનિલ જોષીની વાણી મુજબ " ... 'કોઈ રસ્તાની ધારે ધારે ' ... ચાલતા ચાલતા કવિ્શ્રી સુરેશ દલાલે ગમતાંનો ગુલાલ કર્યો છે અને ન ગમતાંનો પણ ગુલાલ કર્યો છે. મનુશ્ય જીવનની નિરર્થકતા અને ક્ષણિકતાને કવિએ પોતીકી મુદ્રાથી અંકિત કરી છે .... " ... તો આજેપણ  " કોઈ રસ્તાની ધારે ધારે ..." માંથી અમુક કવિતાઓની ગમતી પંક્તિઓ...

એક અજાણ્યો બુરખો
સહજ પ્રાસની વચ્ચે મારા લયનો નીરવ શ્વાસ સદાયે ઝુરતો છે
બે વિરહની રાતની વચ્ચે એક મિલનનો દિવસ અમને પૂરતો છે
ચહેરો હસ્તો રાખુ એ તો એક અજાણ્યો બુરખો છે
બે વિરહની રાતની વચ્ચે એક મિલનનો દિવસ અમને પૂરતો છે .....

મારે
મારે હૈયાને ક્યાંય પણ ઉઘાડવુ નથી
મારે ભીંતમાં પ્રતિબિંબ પાડવુ નથી.....


તળાવ

મારી આંખના તળાવ કૈ છીછરા નથી
કે વારેવારે એ છલકાઈ જાય.
મારા શબ્દો એ કાંઈ કાબરચીતરા નથી
કે વારેવારે એ મલકાઈ જાય

બળબળતી આગ અને બરફ વચ્ચે
રહેતા રહેતા હુ વ્હેરાતો જાઉં
લાગણીને નામે મને લોખંડ મળ્યુ
હુ પોલાદી કિલ્લામા ઘેરાતો જાઉં,
ચારેબાજુ મળ્યા ડહો્ળાતા જળ;
ક્યાંય ઝરતાં પાણી અહી નીતરા નથી........મારી આંખના તળાવ કૈ છીછરા નથી

સંકલ્પ
તારાથી દુર જવા માગુ છુ
તારી સાથે નહી ..
હુ મારી સાથે ક્રુર થવા માગુ છુ......


મારા હોઠ

દયાથી પ્રેરાઈને
ચુંબનના સિક્કાઓને ફેંકવાનો ચાળો ન કર
મારા હોઠ એ કૈં ભિક્ષાપાત્ર નથી ....

એકાએક
ભરી બજારે કોઈએ દીધું મને પાનનુ બીડું
જરીક પાન મેં ખાધુ ને મને થઈ ગયું શું -
કે એકાએક હું થઈ ગઈ તારા પીંજરનું પંખીડું !


નિરુત્તર...
હું યાતનાને ભોગવુ કે મને ભોગવે યાતના ?
જીવનભરના પ્રશ્નના ઉત્તર હોય નહી એક રાતના.


મરવાનુ કોઈ નામ નહી લેવાનું
ને આમ તો મારે અહીંયા જીવતા રહેવાનુ છે.
કોઈ પૂછે કે કેમ જાય છે જિંદગી
તો મારે હસતા હસતા " અદભૂત " એમ કહેવાનુ છે
નહી સારેલા આંસુઓમાં કલમ બોળીને
માયાળુ આ વિધિએ મારા લખ્યા લેખ લલાટ્ના....
જીવનભરના પ્રશ્નના ઉત્તર હોય નહી એક રાતના.

વિસ્મ્રુતિ
...
દરિયાને દરિયાનો હોય છે દમામ
દરિયાને યાદ કદી રહેતુ નથી પોતામાં ડૂબેલી હોડીનુ નામ.

દરિયાને કોઈ દિવસ કોઈનામાં ડૂબ્યાનો
અમથો અનુભવ પણ હોતો નથી.
માછલીની ઉછીની આંખો લઈને
દરિયો તો કોઈ દિવસ રોતો નથી.
આંખ અને આંસુનુ સગપણ ન હોય
                                          તો સમજણનું હોય છે ઉજ્જડિયુ ગામ.
દરિયાને યાદ કદી રહેતુ નથી પોતામાં ડૂબેલી હોડીનુ નામ....



- અને
...
લખવા માટે શબ્દ મળ્યો અને વલખવા માટે મૌન,
નહીં કહ્યાનુ મૂલ ઘણું ને કહી દીધેલું ગૌણ...

- સુરેશ દલાલ

કોઈ કહો ..., હવે ......

હમણા લાયબ્રેરીમાંથી કવિ શ્રી સુરેશ દલાલનો  નાનકડો કાવ્ય સંગ્રહ " કોઈ રસ્તાની ધારે ધારે .... " હાથ લાગ્યો છે ....આમ  તો એમાની બધી જ કવિતાઓ એક થી એક ચડિયાતી છે પણ બધી કવિતાઓ તો અહી મૂકવી શક્ય નથી જેથી જે સહુ થી ઉત્તમ લાગે એની લ્હાણી  હમણા અહી વચ્ચે વચ્ચે  થતી રહેશે .....

કોઈ કહો  ...
હાથમા ઝીલો જળ ને ત્યાં તો આંગળીએથી ઝરી જાય એવું છે ?
કોઈ કહો  સુખ કોના જેવુ છે ?

પાંદડાનો લીલો રંગ પીળો થાય,
લાલ ચણોઠી અગ્નિ શીળો થાય.
રંગ બદલાયને કહેવુ પડે કે ભાઈ, આ તો એવું છે.
કોઈ કહો  સુખ કોના જેવુ છે ?

કાગળ લખીએ ને સરનામુ હોય નહીં,
દિવાલમાં અરીસો ને કોઈ સામે હોય નહીં.
નહી મટુકી મા માધવ કે મહી :  ને કહેવુ કે કોઈને કાંઈ લેવુ છે ?
કોઈ કહો  સુખ કોના જેવુ છે ?

*****  *****  *****   *****   *****   *****   *****

હવે ......
હવે તો ચૂપ રહેવામા મજા
હસતાં હસતાં અમે સહીશુ, તમે દીધેલી  સજા

તમે અમારી વાણીને તો    અવળી દીધી ટાંગી
સપનાઓના ઝુમ્મર    સળગ્યા વિના ગયાં છે ભાંગી
હવે આપણા ઘરના સૂના-સૂના છાપરા- છજાં ..... હવે તો ચૂપ રહેવામા મજા

તમને અમારાં આંસુઓ પણ     હવે અળખામણા લાગે
અમે ફૂલ પાથરીએ તોપણ   તમને કાંટા વાગે
ચૂપચાપ આ સૃષ્ટિમાંથી અમે લઈશુ રજા ...... હવે તો ચૂપ રહેવામા મજા

હસતાં હસતાં અમે સહીશુ, તમે દીધેલી  સજા...

- સુરેશ દલાલ

Tuesday, March 8, 2011

મહાભારત ...

મહાભારત પોતે એક મહાકાવ્ય છે પણ એ જ મહાકાવ્યનો આસ્વાદ જો એક નાનકડા કાવ્યમાંથી મળી જાય તો !

માછલીની આંખ વીંધાયા પછીની વાત છે,
દ્રૌપદીના ભાગ્યની વ્હેંચાઈ એક એક રાત છે.

ભીખ માગી જીવવું, કે દાન આપી ઝૂઝવું?
યુદ્ધ અર્જુન જીતશે એ કર્ણની ખેરાત છે.

કોણ કોનો સાથ આપે અંતિમે એ જાણવું,
શ્વાન પામે સ્વર્ગને જો, ધર્મની સોગાત છે.

કોઈ પામે તાજને, ને કોઈ ચાટે ધૂળને,
કૈંક ગાંધારી ને કુંતીના જિગર પર ઘાત છે.

ધર્મ સાથે ચાલવું, કે ન્યાયને પંથે રહું?
બેઉ બાજુ ભ્રાતૃઓથી ભીષ્મને આઘાત છે.

પ્રેમ હો કે યુદ્ધ હો, ત્યાં એ બધું ઉચિત હશે,
પાંડવોની સાંજ છે તો કૌરવોની રાત છે.

હું પગે તારી તરફ છું, મસ્તકે એની તરફ,
મૂછમાં હસ્યા કરું છું, કૃષ્ણ મારી જાત છે.

- અશ્વિન ચંદારાણા

Saturday, March 5, 2011

મારો પ્રેમ ....

કહ્યું ને કે પ્રેમ વિષે જેટ્લુ કહીયે એટ્લુ ઓછુ છે ... આજે પણ પ્રેમની જ વાત .... કવિ શ્રી સુરેશ દલાલની પંક્તિઓ ધ્વારા ...

લાગણી હોય છે ત્યાં લાગણીની અપેક્ષા હોય છે
એ સત્ય ઓછેવત્તે અંશે હંમેશા હોય છે - 

મારો પ્રેમ .....

મારો પ્રેમ તારી સ્મૃતિનો પડઘો નથી
એ હોય તો હોય કદાચ ભૂરું આકાશ
મારો પ્રેમ એ ઉછળતો , ઊભરતો ઉમળકો નથી
એ હોય તો કદાચ હોય ધરતીની ભીની સુવાસ.

મારો પ્રેમ એ નથી પાગલ ઘેલછા કે નથી લાગણીવેડા
એ હોય તો કદાચ હોય ઝીણી ઝીણી લાગણીનુ પારદર્શક જતન.
મારો પ્રેમ હોય તો કદાચ હોય પનિહારીના માથા પરના બેડાં

સભર, સ્વસ્થ અને છલોછલ ....

મારો કે તારો પ્રેમ મારા કે તારા હાથની  વાત નથી.
એ તો ક્યારેક વ્યક્ત થાય છે વૃક્ષની જેમ
અને અવ્યક્ત હોય છે ત્યારે પણ હોય છે
આસપાસ જાણે કે પવન

હું તને પ્રેમ કરીને કદાચ હું મને પામુ છું
કદાચ તું પણ મને ...

- સુરેશ દલાલ

Thursday, March 3, 2011

આ પ્રેમ .....એટલે ...

પ્રેમ સાગરને તરવામાં કાગળ ને કલમ બધા ટુંકા લાગે
પ્રેમ વિષે લખવા બેસુને મને આ શબ્દો બધા સુકા લાગે
......  -રાજીવ ગોહેલ

છતાં પણ પ્રેમ વિષે લખવાનુ બંધ ક્યાં થાય છે ? શુ થાય સબજેક્ટ જ એવો છે! તો આજે  ડો.આઈ. કે. વીજળીવાળા ની "અમૃતનો ઓડકાર" માંથી પ્રેમની અનોખી વ્યાખ્યાઓ ....
--------------------
એક સર્વે દરમ્યાન પરદેશની એક પ્રાથમિક શાળામાથી ૪ થી ૮ વર્ષના બાળકોને 'પ્રેમ કોને કહેવાય?' એવા સવાલનો જવાબ આપવાનું કહેવામાં આવ્યુ ત્યારે આટલા નાના બાળકોએ જે જવાબો આપ્યા તે અચંબો પમાડે તેવા હતા.
  • " મારા દાદીને સાંધાનો વા થયેલો છે. એ વાંકા નથી વળી શકતા એટલે એમના પગના નખ કાપવાનુ તેમ જ રંગી આપવાનુ કામ મારા દાદા પોતાને હાથના સાંધા દુખતા હોવા્છતાં નિયમિત કરી આપે છે.એને પ્રેમ કહેવાય ! " - રિબેકા, ૮ વર્ષ
  • " જ્યારે તમને કોઈ ચાહતુ હોય ત્યારે એ તમારું નામ બીજા કરતા કંઈક જુદી જ રીતે બોલે છે! તમને એવું લાગે કે તમારું નામ એના મોઢામાં ખૂબ સલામત છે એ જ પ્રેમ ! " - બિલિ, ૪ વર્ષ
  • " પ્રેમ એટલે તમે કોઈની જોડે નાસ્તો કરવા જાઓ અને તમારી મનપસંદ પોટેટો-ચિપ્સ બધી જ એને આપી દો, બદલામાં એની પ્લૅટમાંથી કંઈપણ લીધા વિના - એ  !" - ક્રિસ્ટી, ૬ વર્ષ  
  • " તમે જ્યારે અત્યંત થાકેલા હોવ ત્યારે પણ જે તમને હસાવી શકે એ પ્રેમ " - ટેરી, ૪ વર્ષ
  • " મારી મમ્મી કોફી બનાવ્યા પછી મારા પપ્પાને આપતા પહેલા એક ઘૂંટડો ભરીને ચાખી લે છે કે બરાબર છે કે નહીં ! બસ એ જ પ્રેમ ! "  - ડેની, ૭ વર્ષ
  • " તમને ખૂબ જ ગમતી ભેટનુ પેકેટ કોઈ આપે અને એ પેકેટ ખોલવાને બદલે તમને એ આપનારની વાતો સાંભળવામાં વધારે રસ પડે એ પ્રેમ !" - બોબી, ૭ વર્ષ
  • " એક છોકરી એક છોકરાને કહે કે તારું આ શર્ટ મને ખૂબ જ ગમે છે અને એ પછી છોકરો રોજેરોજ એ જ શર્ટ પહેરે એ પ્રેમ ! " - નોએલ, ૭ વર્ષ
  • " એક વૃધ્ધ પુરુષ અને એક વૃધ્ધ સ્ત્રી એકબીજા વિષે બધુ જ જાણતા હોવા્છતાં વર્ષો  સુધી જોડે રહી શકે એને પ્રેમ કહેવાય ! " - ટોની , ૬ વર્ષ
  • " મારી મમ્મી મને સુવડાવી દી્ધા પછી મારી આંખ બંધ થયેલી જુએ ત્યારે હળવેથી મારા ગાલ પર પપ્પી કરે એ જ પ્રેમ છે ! " - ક્લેર, ૬ વર્ષ
  • " પ્રેમ એટ્લએ મારા પપ્પા કામેથી આવે ત્યારે ધૂળધૂળ હોય અને પરસેવાથી ગંધાતા હોય છતાંમમ્મી એમની સામે હસે અને એમના ધૂળ ભરેલા વાળમાં હાથ ફેરવીને એમને ભેટી પડે - એ જ તો વળી !" - ક્રિસ, ૭ વર્ષ
  • " કોઈ તમને ' આઈ લવ યુ ' કહે અને તમારી આજુબાજુ ઘણા બધા તારા ફરતા હોય એવું લગવા માંડે એ જ પ્રેમ ! " - કરેન, ૭ વર્ષ
નથી લાગતુ કે આ નાનકડા ભુલકાઓ પાસે પ્રેમ કોને કહેવાય એની ઉચ્ચ અને ઉત્કૃષ્ટ સમજણ છે ? હવે એક નાનકડી વાત ... 
                         પડોશમાં રહેતા એક દાદી ગુજરી ગયા ત્યારે ૪ વર્ષનો એક નાનકડો બાળક દાદાને મળવા ગયો. એકાદ કલાક પછી એ પાછો ઘરે આવ્યો એની મમ્મી એ પૂછ્યુ ," બેટા ! તેં વળી દાદાને શુ કહ્યું ?" 
                       " કંઈ નહી મમ્મી!" બાળકે જવાબ આપ્યો. " મેં એમના ખોળામાં બેસી એમને રડવામાં મદદ કરી ! " - બસ આ જ પ્રેમ.
--------------------

બધુ આટલું જ સરસ હોત તો કેવુ સારુ! પણ બધી વખતે "પ્રેમ " કંઈ આટલો સરળ નહી હોય ..જેમકે  પન્ના નાયકને થતી  મુંઝવણ જ લઈ લો !

 પ્રેમ .....
 પ્રેમ
એ મોટી મોટી વાતો હશે?
એ ખોટી ખોટી વાતો હશે?
‘તું મારો શરાબ ને ગુલાબના ફૂલ પર ઝાકળનો જામ’
એવો બધો લવારો હશે?
મિથ્યા વાણીનો દમામ હશે?
કોઈ કોઈને ચાહતું હશે?
કે
બીજાને ચાહવાથી
પોતાને જે સુખ મળે છે
એની કદાચ
કપોલકલ્પિત વાર્તા હશે?
અને
વાર્તા હશે
તો
વાર્તાનાં પાત્રો
કઠપૂતળીની જેમ નાચતાં હશે?
કોરી કોરી કિતાબનાં પાનાંને વાંચતાં હશે?
વાસનાને ઈશારે
આ બધું, આવું બધું ચાલતું હશે?
પાનખરનાં સૂકાં સૂકાં પાંદડાંઓ
હવા વિના પણ હાલ્યા કરે એમ
આ બધો પ્રેમનો તમાશો પણ ચાલ્યા કરતો હશે?
કોઈ કહોને,
 પ્રેમ
એ સાચી સાચી વાતો હશે?
કે…? .......
- પન્ના નાયક 


અને છેલ્લે ...
દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ

ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું,
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?
ચાહે તે નામ તેને દઇ દો તમે રે ભાઇ અંતે તો હેમનું હેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.......  
 
-તુષાર શુક્લ

If u want to hear this song you can hear it on here - http://www.youtube.com/watch?v=Q1BS1N5qGR0

    Wednesday, March 2, 2011

    તને સમજાવું બોલ હવે કેમ ? with તસવીર જેમ ટાંગશું તારા અભાવને.

    કહેવાય છે " જૂના ફર્નીચરમાંથીય જે વ્રુક્ષ્ બનાવે એ કવિ ...અને જે નવા ફર્નીચરમાંથીયે અડાબીડ જંગલ ખડું કરી દે એનું નામ રાજકારણી " .... જો કે આપણે કવિની જ વાત કરીએ .... કવિ એ જ કે જેને કાવ્ય લખવા માટે ઉપમાઓ શોધવા  જવુ ના પડે..... એ "તસવીર" પર તો એકાદ લાઈન લખી જ નાખે પણ તસવીર જે "ફ્રેમ" માં અકબંધ હોય એવી "ફ્રેમ" પણ શુ કામ બાકાત રાખે ?  આવા અનોખા કવિ  જિગર જોષીની  બે અનોખી કવિતા ....

    તને સમજાવું બોલ હવે કેમ ? 
    તને સમજાવું બોલ હવે કેમ ?
    હૈયાની નમણી શી ભીંત ઉપર આજ અઢી અક્ષરની ટાંગી છે ફ્રેમ
    તને સમજાવું બોલ હવે કેમ

    હોંઠોના ઓરડાને તાળાઓ દૈ અમે કૂંચીઓ ફેંકી તળાવમાં
    મનગમતા મૌનની ભાષાઓ શિખવાને આવ્યા છઇ આંખોની વાવમાં
    હાથોમાં લજ્જાની મહેંદી મૂકી‘તી એના રંગોથી છલક્યો છે ડેમ
    તને સમજાવું બોલ હવે કેમ

    તાજા કોઇ સ્પર્શોના ફૂલોની વેણી એમ ગૂંથી છે શરમાઈ કેશમાં
    વેણીના ફૂલો પર બાઝેલી ઝાકળ જેમ પ્રસરી જાય જિવતરના દેશમાં
    ટમટમતું રહેવું છે કાળી આ રાતોમાં શ્રધ્ધાના ફાનસની જેમ
    તને સમજાવું બોલ હવે કેમ ? ....

    તસવીર જેમ ટાંગશું તારા અભાવને...
    ઍવું ગજૂ નથી કે છુપાવું આ ઘાવને
    તસવીર જેમ ટાંગશું તારા અભાવને.

    આઘેથી એક મત્સ્ય પરી જોઈ ને પછી
    દરિયાને કીધુ ' એ ય પરીચય કરાવને ! '

    હોઠૉના સૌ કમાડ કરીને જરાક બંધ
    કેવું સરસ એ મૌનમાં બોલી'તી   “જાવ ને”

    ઈચ્છા તો છેલ્લી એજ કે દર્દોનું ઘર મળે
    દુખતી રગોને સહેજ તું પાછી દબાવને.

    તારા સ્મરણથી કાલ છલોછલ ભર્યુ ‘તું જે
    જોયા કરું છું આજ એ ખાલી તળાવને.

    પીળાશ પાનખર સમું ક્યાયે કશું નથી
    કમળૉ થયો છે ‘પ્રેમ’ તમારા સ્વભાવને..

    - જિગર જોષી ‘પ્રેમ’

    Tuesday, March 1, 2011

    ખરા છો તમે .... + Small Article

    પુરુષની વ્યાખ્યા શી?

    સ્ત્રીને સમજે એ જ ખરો પુરુષ.
    સ્ત્રીના ભોળપણનો ગેરલાભ લેનારો પુરુષ સાચો પુરુષ નથી. સમર્પિત સ્ત્રીને રંજાડ્વી એ પાપ છે. એને વહાલ કરવામા કંજૂસાઈ કરવી એ મહાપાપ છે. એના માધુર્યની મશ્કરી કરવી એ ક્રૂરતા છે.
     

    સ્ત્રીની વ્યાખ્યા શી ?

    પુરુષને સમજે એ ખરી સ્ત્રી.
    જીવન સાથી પર પૂરતો પ્રેમ ન ઢોળવો એ પણ એક પ્રકારની ચારિત્ર્યહીનતા જ ગણાય.પોતાના પર લટ્ટુ હોય એવા પુરુષ પર આફરીન થવામા કંજૂસાઈ કરવી એ પાપ છે અને એની લાગણીને અવગણવી એ મહાપાપ છે.સમર્પણ હોય ત્યારે જ રિસામણુ શોભે છે. રિસામણુ રાધાનુ શોભે, કૈકેયીનુ નહી.
     

    - ગુણવંત શાહ

    આવા જ રિસામણા-મનામણા ને મિલન-જુદાઈ પર બે ગઝલ ... 

    रंजिश ही सही, दिल ही दुखाने के लिये आ…
    आ फीर से मुजे़ छोड़ के जाने के लिये आ…
    किस-किस को बतायेंगे जुदाई का सबब हम
    तु मुज़से ख़फा है तो ज़माने के लिये आ…
    - एहमद फराज़

    દ્વાર ખખડ્યું કે વિચાયું ખોલતા
    એ જ મળવાને મને આવ્યા હશે
    મેં પછી સમજાવતા મુજને કહ્યું
    આટલી રાતે તો એ હોતા હશે ?
    *******  *******  *******
    ઘડીમાં રીસાવું, ખરાં છો તમે.
    ઘડીમાં મનાવું, ખરાં છો તમે.

    ન પૂછો કશું યે, ન બોલો કશું યે,
    અમસ્તા મુંઝાઓ, ખરાં છો તમે.

    ન આવો છો મળવા, ન ઘરમાં રહો છો,
    અમારે ક્યાં જાવું, ખરાં છો તમે.

    હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ.
    નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે.......

    - કૈલાસ પંડિત 

    If you want to hear this nice Gujarati Gazal just click here -  http://tahuko.com/?p=1279