Monday, December 31, 2012

કશાથી ગઝલ લખાતી નથી...

પ્રલંબ જીવી જવાથી ગઝલ લખાતી નથી,
ને મોત વહેલું થવાથી ગઝલ લખાતી નથી.

નહીં તો સંતો ગઝલકાર થઈ ગયા હોતે,
ફકત પ્રભુની કૃપાથી ગઝલ લખાતી નથી.

મરીઝ જેવા સરળ પારદર્શી બનવું પડે,
ફકત શરાબ પીવાથી ગઝલ લખાતી નથી.

ગઝલ લખાય તો ક્યારેક અમથી અમથી લખાય,
અને નહીં તો કશાથી ગઝલ લખાતી નથી.

- મુકુલ ચોક્સી.

Monday, December 24, 2012

અનુભવ

મને દોસ્તોના અનુભવ ના પૂછો,
હવે હું દુશ્મનો ઉપર ભરોસો કરું છું........

 
 
 

Thursday, December 20, 2012

સામસામે આવીએ તો...


સામસામે આવીએ તો ફફડે બે હોઠ પછી બોલવાનું સાનભાન ખોઇએ,
બે’ક ઘડી લાગે કે આટલામાં હોઇએ ને બે’ક ઘડી લાગે ન હોઇએ.


આખું આકાશ એક બટકેલી ડાળ પર લીલેરી કુંપળ થઇ ફૂટે
છાતીમાં સંઘરેલ સાત-સાત દરિયાઓ પરપોટા જેમ પછી ફૂટે

ધોમધોમ તડકામાં પાસપાસે ચાલીએ તો લાગે કે ભીંજાતા હોઇએ…
સામસામે આવીએ તો ફફડે બે હોઠ પછી બોલવાનું સાનભાન ખોઇએ.


સાવ રે સભાનતાથી સાચવેલું ભાન અહીં યાદોમાં ધૂળધૂળ થાતું,
ડેલીબંધ બેઠેલા હોઇએ છતાંય કોઇ આવીને સાવ લૂંટી જાતું,

પૂરબહાર હસવાની મૌસમમાં કોઇવાર ઓચિંતા અંદરથી રોઇએ..
… બોલવાનું સાનભાન ખોઇએ.


સામસામે આવીએ તો ફફડે બે હોઠ પછી બોલવાનું સાનભાન ખોઇએ,
બે’ક ઘડી લાગે કે આટલામાં હોઇએ ને બે’ક ઘડી લાગે ન હોઇએ.


- વંચિત કુકમાવાલા

Sunday, December 16, 2012

कहानी बन कर ...


ये सफर काट दो मौजों की रवानी बन कर
बीत जायेगी उमर एक कहानी बन कर

हसीन मयकदा-ए-इश्क मस्तियाँ-ऒ-शबाब
सब एक बार ही आते है जवानी बन कर

रुखसत-ए-यार के ग़म को भी कहाँ तक सोचें
वो भी कब तक रहेगा आँख का पानी बन कर

इस कदर गम कि घटाओं से न घबरा प्यारे
ये भी बरसेंगे तो बह जायेंगे पानी बन कर

ज़िन्दगी चिलचिलाती धूप के सिवा क्या है
प्यार आता है मगर शाम सुहानी बन कर

आज दुनिया को मेरे जज़्बों की परवाह नहीं
                              ख़ाक हो जाऊँ तो ढूँढेगी दीवानी बन कर........

Wednesday, December 12, 2012

સહજવૃત્તિ...

સહજ્વૃત્તિ હંમેશા ન્યાયી હોય છે અને તે હંમેશા પ્રાકૃતિક અને સહજ માર્ગ બતાવે છે.

બેશક જો દરેક વ્યક્તિ સહજવૃત્તિને અનુસરતી હોય તો કોઈ ધર્મની જરુર ના રહે, કોઈ ઈશ્વર, કોઈ પુરોહિતની જરુર ના પડે.  પશુઓને ઈશ્વરની જરુર પડતી નથી. તેઓ સુખી જ છે - મને લાગતું નથી કે તેમને કોઈ ઈશ્વરનો અભાવ સાલતો હોય. એક પણ પ્રાણી, એક પણ પક્ષી, એકપણ વૃક્ષને ઈશ્વરનો અભાવ સાલતો નથી. તેઓ જીવનને તેની તમામ સુંદરતા અને સરળતા સાથે અને નરકના ભય કે સ્વર્ગની લાલસા વિના કે કોઈપણ પ્રકારના દર્શનિક મતભેદ વિના માણી રહ્યા છે. તેમનામાં કોઈ કેથલિક સિંહો નથી કે કોઈ પ્રોટેસ્ટન્ટ કે હિંદુ સિંહો નથી.


સમગ્ર અસ્તિત્વ કદાચ મનુશ્ય સામે હસતું હશે - માણસજાત સાથે જે બન્યુ છે તે જોઈને હસતુ હશે - જો પક્ષીઓ ધર્મ વિના, દેવળો વિના, મસ્જિદો અને મંદિરો વિના જીવી શકતા હોય તો મનુષ્ય શા માટે જીવી ના શકે?

- ઓશો


ઈચ્છાથી પર અરુપ અનામ
અજન્મા; સચ્ચિદાનંદ પરમધામ
વ્યાપક વિશ્વરુપ ભગવાન
વિધવિધ દેહમાં એનું સ્થાન

- તુલસીદાસ

Saturday, December 8, 2012

તાપણું તરસનું...

ઐશ્વર્ય હો અલસનું ઉપર તિલક તમસનું
ઉન્માદ કેવું રક્તિમ છે રૂપ આ રજસનું,

ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસનું
મનને છે કેવું ઘેલું આ જર્જરિત જણસનું !

પૂર્વે હો પારિજાતો, પશ્ચિમમાં પૂર્ણિમાઓ
ચારે તરફ હવે તો સામ્રાજ્ય છે સરસનું

બાહુ વહાવી દઈને બારીથી બારણાથી,
ઓછું કરી દો સાજણ, અંતર અરસપરસનું.

પેટાવો પાંદપાંદે એ તળપદાં તરન્નુમ
બુઝાવો ધીમે ધીમે એ તાપણું તરસનું

કેવા અસૂર્ય દિવસો ! કેવી અશ્યામ રાતો !
કેવું ઝળકઝળકતું મોંસૂંઝણું મનસનું.......

- મુકુલ ચોકસી

Wednesday, December 5, 2012

यक़ीं कीजे, ये मैं ही हूँ, जरा फोटो पुरानी है...

कभी लिखता नहीं दरिया, फ़क़त कहता ज़बानी है
कि दूजा नाम जीवन का रवानी है, रवानी है

बड़ी हैरत में डूबी आजकल बच्चों की नानी है
कहानी की किताबों में न राजा है, न रानी है

कहीं जब आस्माँ से रात चुपके से उतर आये
परिंदा घर को चल देता, समझ लेता निशानी है

कहाँ जायें, किधर जायें, समझ में कुछ नहीं आता
कि ऐसे मोड़ पर लाती हमें क्यों जिंदगानी है

बहुत सुंदर से इस एक्वेरियम को गौर से देखो
जो इसमें कैद है मछली,क्या वो भी जल की रानी है

घनेरे बाल, मूँछें और चेहरे पर चमक थोड़ी
यक़ीं कीजे, ये मैं ही हूँ, जरा फोटो पुरानी है

- कुमार विनोद

Friday, November 30, 2012

કેમ ? ...

તમે  દીવાલને  ભૂરાશ  પડતા  રંગે   રંગી   કેમ ?
હવે આકાશની તમને પડી લાગે છે તંગી,  કેમ ?

તમારું કાળરાત્રિએ ખીચોખીચ એકલાં હોવું
ભરે એકાંતની જાહેરસભાઓ ખૂબ જંગી કેમ ?

અચાનક મારી સામે આમ આ બપોરને વખતે,
ક્ષિતિજના સૂર્ય જેવું તે હશે..  છે  રક્તરંગી  કેમ ?

બની’તી જે હકીકત,  વારતારૂપે તો ગમતી’તી,
હવે મારી કથારૂપે એ લાગે છે  ક્ઢંગી  કેમ ?

- મુકુલ ચોકસી

Thursday, November 22, 2012

સુરેશ દલાલ

કંઈ કેટલાય નામનો ઉછળે મારે આંગણે દરિયો
એમાં એક જ નામ તમારુ નાવ થઈને મ્હાલે.

********************

તમારું અર્પેલુ
સ્મિત લઈ હવે ક્યાંક સરતો;
તરાપો ડૂબેલો
કમળ થઈને આજ તરતો.


********************

હું વિદુષક છું એમાં કોઈ શક નથી
આંસુઓ રુમાલથી લૂછવાના નથી હોતા
એટલે હાસ્યથી લૂછી લઉં છુ.

********************

મને બ્લેક કોફી ભાવે છે
કારણ કે એનો સ્વાદ કડવો હોય છે.
એ મને સતત યાદ અપે છે,
આપણા સંબંધની...

********************

એકવાર
બે અરીસા સામસામે મળ્યા
અને એકમેકને પૂછવા લાગ્યા
કે પ્રતિબિંબ ક્યાં છે? ....


********************

ચહેરાઓની પાર રહેલા ચહેરાઓને હું શોધુ છું
જેને હું શોધુ છુ એને ઈશ્વર કહી સંબોધુ છુ ....

- સુરેશ દલાલ

Saturday, November 17, 2012

સિમ્ફનિ ....

મારા નવા જન્મમાં
બારાખડી શિખતી વખતે
હું કોઈ દિવસ પૂછીશ નહીં
કે પ્રેમ એટલે શું?

મને ખબર છે
કે પ્રેમ એટલે બે માણસો મળે તે
પ્રેમ એટલે બે માણસો
એકમેકને ગળે પડે તે.
પ્રેમ એટલે થોડીક પ્રતીક્ષા, થોડાક પત્રો,
કેવળ વાતો, કેવળ શબ્દો, થોડાક સપનાં,
પ્રેમ એટલે  હોટેલનું ટેબલ-
સામસામી પડેલી બે ખાલી ખુરશી,
કોઈક ખૂણે કામુક આલિંગનો,
થોડીક થ્રિલ, પૂરો થતો શો,
ફરી પાછી ફૂટપાથ
પ્રેમ એટલે થોડાક સપનાં, અઢળક ભ્રમણાં!

વૈયક્તિક પ્રેમની પ્રતિક્ષાના
બધાજ ઝરુખા કેમ નંદવાયેલા હોય છે?
લખાયેલા પત્રો
અંતે તો ભૂતકાળની નિર્જન ગલીઓ છે.
આ ગલીઓમાં
ક્યારેક લાઉડ-સ્પીકર્સ મૂકાયાં હશે,
રંગીન પરપોટાનાં તોરણો બંધાયા હશે.

મારે તો ગલીઓની બહાર નીકળવું છે.
હતો, છે અને હશેની બહાર નીકળવુ છે.
જ્ઞાનીઓ કહ્યા કરે છે
કે મારે બહાર નીકળવુ હોય
તો ભીતરમાં જવુ જોઈએ. 

હમણાં તો
મારી ભીતર એક આખુ નગર સળગ્યા કરે છે
એની અગ્નિજ્વાળાઓ મને પળેપળે વળગ્યા કરે છે

ટાઢક અને શાતા
બુધ્ધની મીંચાયેલી આંખમાં છે
અને મારી આંખોને તો
નહીં મીંચાવાનો શાપ છે. 

અગ્નિજ્વાળાની દીવાલોથી વીંટળાયેલો હું
જાણે કે સ્મશાનમાં બેસીને
યશોધરાના પ્રેમપત્રો વાંચું છુ.

મરેલા માણસની કુંડળીને
જ્યોતિષી વાંચતો હોય, એમ!

- સુરેશ દલાલ

Friday, November 16, 2012

એ વર્ષો .....

એ વર્ષોમાં જો હું ટાંકું ઉદાહરણ તારાં,
ચહલપહલ શી મચી ઊઠતી’તી પરીઓમાં,
એ વર્ષો જેમાં મેં તુજથી વિખૂટા થઈ જઈને
તને ફરી રચી આમ્રમંજરીઓમાં…

એ વર્ષો જેમાં હતાં ટોળાબંધ સપનાંઓ
ને મોડી રાત સુધી જાગતો એક ડેલો હતો,
ને થોકબંધ સમસ્યાની આવજા વચ્ચે
સમયનો ઝાંપો ઉઘાડો રહી ગયેલો હતો.

એ વર્ષોમાં તો રચાઈ નહોતી ભાષા છતાં
હું બૂમ પાડી બધું બોલતો, ખબર છે તને?
સમયની શોધ થઈ તેની આગલી સાંજે
મેં ઇન્તજારને શોધ્યો હતો, ખબર છે તને?

પછી પુરાણી હવેલીના એક પગથિયા ઉપર
તમારી પગલી પડી ને સમયને ગર્ભ રહ્યો,
હજારો વર્ષ સુઘી એનો મેં ઉછેર કર્યો -
છતાં પ્રસવની પળે સૌ રહ્યા ને હું ન રહ્યો.

ને તારી દૂરતા ફરતે પછી જો દેરી બને,
તો એ મિલનથી હજારો ગણી રૂપેરી બને;
વેરાન ચર્ચોમાં જે રીતે પાદરીઓ વગર
ઈસુની હાજરી જ્યાદા પ્રબળ ને ઘેરી બને.

ને અંતે બાકી રહેલી બે’ક વાત કરીશ,
કે હું મહાન રીતોથી જ મુજને મ્હાત કરીશ;
હું વિષના વાતાવરણ વચ્ચે પાંગરીશ સદા
ને પ્રાણવાયુની ટાંકીમાં આપઘાત કરીશ........

- મુકુલ ચોકસી

Wednesday, November 14, 2012

શ્યામ ...

 મોરપિચ્છની રજાઈ ઓઢી
તમે સૂઓને શ્યામ,
અમને થાય પછી આરામ...
મુરલીના સૂરનાં ઓશીકાં
રાખો અડખેપડખે.
તમે નીંદમાં કેવા લાગો,
જોવાને જીવ વલખે.
રાત પછી તો રાતરાણી થઈ
મ્હેકી ઊઠે આમ...
મોરપિ્ચ્છ્ની રજાઈ ઓઢી
તમે સૂઓને શ્યામ.
અમે તમારા સપનામાં તો,
નકી જ આવી ચડશું;
આંખ ખોલીને જોશો ત્યારે
અમે જ નજરે પડશું,
નિદ્રા-તંદ્રા-જાગૃતિમાં
ઝળહળભર્યો દમામ......
મોરપિચ્છની રજાઈ ઓઢી
તમે સૂઓને શ્યામ...

-સુરેશ દલાલ

અને છેલ્લે ...

તેથી ગોકુળ મુક્યા પછી મેં મોરલી નથી વગાડી
કારણ કે પછી મને રાધા ક્યાંય મળી નથી........

સાલમુબારક ...........

સરવાણીને વાંચતા હોય અને જે ના વાંચતા હોય એ તમામ લોકો ને પણ સરવાણી તરફથી નવાવર્ષની ખૂબ ખૂબ ખૂબ શુભકામનાઓ ..... :-)

 જુના વર્ષના નાના-મોટા  ખોટા-માઠા-નગમતા પ્રસંગોને ભુલીને જીવનમાં નવી તાજગી પૂરવા માટે નવુ વર્ષ તો કદાચ એક બહાનુ જ હશે ..... આશા રાખુ છુ કે આવનાર નવા વર્ષમાં આપણે પણ શ્રી સુરેશ દલાલની આ વિવિધ ઝંખનામાંથી કોઈક એકાદી ઝંખનાને જીવી શકીએ અને જીવનને સાર્થક કરી શકીએ ...................


"ધુમ્મસ હોય ત્યારે સૂર્યનું કિરણ થવામાં મને રસ છે. મને રસ છે બે કાંઠાને જોડતા સેતુ થવામાં. દીવાલોનો મને થાક છે, કંટાળો છે. વાદળો ઘેરાય તો ભલે ઘેરાય - પણ એ વરસે અને વહાલ થઈને વેરાય એવી મારી વાસના છે. કોઈને ચાલવું હોય તો રસ્તો થવામાં મને રસ છે. મને નિસબત છે કે કોઈકના રસ્તા પર હું વૃક્ષનો છાંયો થઈને પથરાઈ જાઊં. એને તરસ લાગે ત્યારે ફૂલની પિયાલીમાં જળ પાઉં. એવુ જળ કે એની તરસ છિપાય અને એને અમૃતનો અનુભવ થાય. જ્યાં બરફ જ પડતો હોય ત્યાં હું તાપણું થાઉં. એ મારી અંગત તરસ છે. કોઈક નાનકડા બાળકની આંખમાં સ્વપ્ન થઈને જાગું અને એના હોઠ પરનું સ્મિત થઈને છલકાઉં. સમય જ્યારે નિર્જન સીમ હોય ત્યારે ટહુકી ઊઠું પંખી થઈને. નીરવતા અને હું બન્ને ઝંકૃત થઈ જઈએ. સરોવરમાં હંસ થઈને તરવાની અને  ઊઘડતા કમળની સૌરભ સાથે ગૂફતેગૂ કરવાની મને ઝંખના છે ".... 

- સુરેશ દલાલ

સાલમુબારક ...........

Sunday, November 4, 2012

જેવું હોય છે.....

ભીંતને લીધે જ આ પાડોશી જેવું હોય છે,
એક સમજૂતીસભર ખામોશી જેવું હોય છે.

તન જિવાડી રાખતા એક જોશી જેવું હોય છે,
મન કોઈ મરવા પડેલી ડોશી જેવું હોય છે.

એ મને મૂકીને ફરવા પણ જઈ શકતો નથી,
મારા પડછાયાને પણ નામોશી જેવું હોય છે.

- મુકુલ ચોકસી

Saturday, November 3, 2012

દૂરતા ...

ને તારી દૂરતા ફરતે પછી જો દેરી બને,
તો એ મિલનથી હજારો ગણી રૂપેરી બને;
વેરાન ચર્ચોમાં જે રીતે પાદરીઓ વગર
ઈસુની હાજરી જ્યાદા પ્રબળ ને ઘેરી બને.


- મુકુલ ચોકસી



તમને શોધ્યા
દરેક જગ્યા પર મેં,.........

તમે મળ્યા મને
બધી જ જગ્યા પર
બસ મારા ભાગ્ય સિવાય .........

-" "

તારી યાદમા રડવાની જે મારી વાત છે,
અસલમા એ જ મારી જીંદગીનો સૌથી ખુબસુરત ભાગ છે..... 


-" "

Wednesday, October 31, 2012

તારા વિચારમાં...

કંઇ પણ થતું નથી હવે તારા વિચારમાં,
સ્વપ્નોય આજકાલ મળે છે    સવારમાં.

જ્યાં ચાલીએ તે રાહ  ને રોકાઇએ તે ઘર,
એવુ તે શું કે આખું જીવન જાય દ્વારમાં.

શ્રદ્ધા તો ઠીક કોઇ અશ્રદ્ધા રહી નથી,
આંખો કરું છું બંધ હવે અંધકારમાં.

ક્ષણભર મેં સાંભળ્યો હતો સાચુકલો અવાજ,
પડઘાઉં છું સદીથી હજી સૂનકારમાં.

કંઇ પણ કરી શકાય છે તારા વિચારમાં,
કંઇ પણ થતું નથી હવે તારા વિચારમાં....


- જવાહર બક્ષી

Monday, October 29, 2012

ફરી ગુલમહોર પીગળશે...

અમે માણસ વગરના ગામમાં બનશું મુખી પાછા
અમે માની લઈશું  જા  તને થોડા સુખી પાછા.

ફરી ગુલમહોર પીગળશે ને લાવારસ બની જાશે,
ભભૂકી ઉઠશે ઋતુઓના સૌ જવાળામુખી પાછા.

હલેસાંઓના આંસુથી નદીમાં પૂર નહિ આવે,
એ જાણી હોડીમાં બેઠેલા થઈ ચાલ્યા સુખી પાછા.

તમે આગળ વધી જઈને, અમે પાછા વળી જઈને,
બની શકીએ ના બંને પોતીકી રીતે સુખી પાછા ?

- મુકુલ ચોકસી.

Saturday, October 27, 2012

તને ગમે તે મને ગમે...

તને ગમે તે મને ગમે, પણ મને ગમે તે કોને ?
એક વાત તું મને ગમે તે, મને જ પૂછી જો ને

તું ઝાકળના ટીંપા વચ્ચે પરોઢ થઇ શરમાતી
હું કુંપણથી અડુ તને, તુ પરપોટો થઇ જાતી

તને કહું કંઇ તે પહેલા તો તુ કહી દેતી, છો ને
તને ગમે તે મને ગમે…..

તારા મખમલ હોઠ ઉપર એક ચોમાસુ જઇ બેઠું
હું ઝળઝળિયા એક શમણું ફોગટ વેઠું

તું વરસે તો હું વરસું, પણ તુ વરસાવે તો ને
તને ગમે તે મને ગમે …..

- વિનોદ જોષી

Thursday, October 25, 2012

એક નવી વાનગીની રીત...

એક તદ્દ્ન નવી વાનગીની રીત આ પ્રમાણે છે.
સૌ પ્રથમ એક કિલો પ્રેમ લઈ એમાં બસો ગ્રામ સ્મિત ઉમેરો.
આથો થોડો ચડી રહે પછી એમાં ચાર ચમચી વિશ્વાસ અને ત્રીસ ગ્રામ જેટલી સહાનુભુતિ તથા પા લીટર સચ્ચાઈ ઉમેરો. જે મિશ્રણ તૈયાર થાય તેને બરાબર ઘૂંટીને ઘટ્ટ થવા દો. પછી એમાં એટલા જ વજન જેટ્લો આનંદ રેડીને ઠીકઠીક સમય સુધી વૈરાગ્યના રેફ્રિજરેટરમાં મૂકી રાખો. થોડાક કલાક પછી યોગ્ય કદનાં ચકતાં પાડીને શત્રુઓ તથા મિત્રોમાં વહેંચવા માંડો. આવી સ્વાદિષ્ટ વાનગીનું નામ જીવન છે.

- ગુણવંત શાહ

Wednesday, October 24, 2012

લઈ બેઠા ...

અમે કેકટસને કાંઠે લાંગરેલા હાથ થઈ બેઠા,
તમે પણ કેટલો લોહીલુહાણ આધાર દઈ બેઠા!

તો વચ્ચેની જગાને સૌ તળેટી નામ દઈ બેઠા,
જો પહાડો ખીણથી બે ચાર ડગલાં દૂર જઈ બેઠા.

નિચોવાઈ ગયેલા હોઠને જોયા તો યાદ આવ્યું;
ફરી ક્યાં કોઈનું ગમતું પલળતું નામ લઈ બેઠા!

અવસ્થાની નદીમાં આજ ઘોડાપૂર આવ્યાં, ને;
અમે કાંઠા કદી નહી છોડવાની હઠ લઈ બેઠા.

- મુકુલ ચોકસી

Tuesday, October 23, 2012

તારા ચહેરાની લગોલગ

આ બધી ઘટના ખુશીની
એકધારી છે નીરસ

દુખના બે-ચાર કિસ્સાઓ
કહું તો રસ પડે.

થોડી તો મેલી જ હોવી
જોઈએ મથરાવટી

તો, ફરિશ્તાઓના
ટોળાંથી માણસ અલગ પડે ...


----------------------------------------------------

દોસ્ત હવે ચલ વાત બદલીએ,
હાથ બદલીએ, સાથ બદલીએ.
આખે આખી ભાત બદલીએ, કોઈ હવે શું બદલાવાનું?
આપણે થોડી જાત બદલીએ.

બુક - "તારા ચહેરાની લગોલગ" 
લેખિકા- કાજલ ઓઝા વૈધ


Sunday, October 21, 2012

તારા ચહેરાની લગોલગ ...

 "બે માણસો જો વચને બંધાય,
લાગણીએ બંધાય, પ્રેમથી
બંધાય તો છેડાછેડી કે
કાયદા મારા માટે જરાય
અગત્યના નથી અને
દુનિયાની બધી છેડાછેડી કે
કાયદા, પ્રેમ વગર જીવતા
માણસોને એક છત નીચે
જીવવા માટે મજબૂર
કરી શકે .....
એક્સાથે શ્વાસ લેવા કે
ધબકવા માટે નહીં! " ......................


(છેડાછેડી= લગ્ન)

બુક - "તારા ચહેરાની લગોલગ" 
લેખિકા- કાજલ ઓઝા વૈધ


આવુ જ કંઈક ગુણવંત શાહ પણ કહે છે -

કોઈને આપણે ગમીએ છીએ એવી પ્રતીતિ આપણા જીવવા માટે પૂરતી છે.
આવુ અપ્રદુષિત "ગમવુ"
દુનિયાની તમામ અદાલતો એ ઘડેલા અને દંભી ધર્મગુરુઓએ ઠોકી બેસાડેલા
કાયદાઓ કરતા અનેક્ગણુ મહાન છે.
કોઈને ગમવાપાત્ર બનવુ એ પ્રત્યેક વ્યક્તિનો સ્નેહસિધ્ધ અધિકાર છે.

- ગુણવંત શાહ

Saturday, October 20, 2012

તારા ચહેરાની લગોલગ ...

તારા પ્રેમની જંજીરોમાં મારો પગ
હોઈ શકે,

હું તારી લગ હોઉં, ન હોઉં - તું
મારા લગ હોઈ શકે.

વીસરાયેલાં દુખ મારાં!   આ
બેહોશીની દુનિયા છે.

શોધું છું, અડખે - પડખે - તું  જ
હંમેશા હોઈ શકે?

From the book  - "તારા ચહેરાની લગોલગ" 
Writer - કાજલ ઓઝા વૈધ

Wednesday, October 17, 2012

બાવળ ...

તુ માને તો ચાલ આપણે ઝાકળ - ઝાકળ રમીએ,
શબ્દોને સંતાડી દઈએ, કોરો કાગળ રમીએ
ભીની આંખે - આવ આપણે મૃગજળ મૃગજળ રમીએ,
હથેળીઓમાં મૂકી હથેળી બાવળ બાવળ રમીએ ...

કવિઓ સાચે જ કલાકાર હોય છે ... આમાં મેં કંઈ નવુ નથી કહ્યુ. પણ  જુદી જુદી વસ્તુઓ વાંચતી વેળા સમયાંતરે  આ વાતનો અનુભવ થતો રહે છે. દુનિયામાં અઢળક વિષયો છે કવિતા લખવા માટે ચાંદો, સુરજ, ફૂલ-ગુલાબ, નદી, પર્વત, લીલા પીળા ઝાડ ..... પણ "બાવળ" ! ... નર્યા સૂકા રણ કે પથરાળ જમીનમાંથી આડાઅવળા ફૂટી નિકળેલા અને આમ તો પ્રથમ નજરે  જરાય નયનરમ્ય ન લાગતા આ કાંટાળા છોડમાં પણ અનેક શક્યાતાઓ શોધી કાઢે એ જ તો કવિ ..... બે-ચાર દિવસ ના ટૂંકાગાળામાં જ જુદી જુદી જગ્યાએ સુંદર પંક્તિઓ વાંચવા મળી અને બંનેમાં "બાવળ" નો સરસ ઉપયોગ કર્યો છે ... તો પછી તો એ બંન્ને અહીં પોસ્ટ કરવી જ રહી .... 

બાવળની જાત (ગીત )

ઉગાડે   એમ     કદી   ઉગવાનું   નહીં,
આપણે તો આવળને બાવળની જાત.
ઉગવાનું   હોય ત્યારે  પૂછવાનું  નહીં!
ધગધગતા   તડકાના   પેગ  ઉપર  પેગ   અને   ઉપરથી   આખું     વેરાન
નિંરાતે બેસી   જે   ભરચક   પીવેને   એને.. પાલવે  આ  લીલા..  ગુમાન
             રોકે     કદાચ….      કોઇ       ટોકે        કદાચ
            તોયે  મહેફિલથી   કોઇ દિવસ ઉઠવાનું  નહીં !
                                                                         ઉગવાનું   હોય ત્યારે  પૂછવાનું  નહીં! ...
આપણેતો એણી  એ  સમજણ શું રાખવાની, મસ્તીમાં  ખરવું કે ફાલવું ?
આપણાતો લીલાછંમ્ લોહીમા  લખેલું છે  ગમ્મેતે મૌસમમા  મ્હાલવું
            હસવું     જો  આવે   તો હસવું    બેફામ
            અને આંસુ જો આવે તો લુંછવાનું નહીં!
                                                                            ઉગવાનું   હોય ત્યારે  પૂછવાનું  નહીં! ...
ઉંડે ને ઉંડે જઇ .. બીજુ શું કરવાનું ? ધરવાનું આપણું જ ધ્યાન
પથ્થરને  માટીના ભૂંસી ભૂંસી ને ભેદ     કરવાનું લીલું તોફાન
            દેખાડે    આમ.. કોઇ     દેખાડે   તેમ ..
            તો ય ધાર્યુ નિશાન  કદી ચૂકવાનું  નહીં!
                                                                      ઉગવાનું   હોય ત્યારે  પૂછવાનું  નહીં! ...
-  કૃષ્ણ દવે

અને છેલ્લે ...

.. છાતીમાંના ભર વૈશાખે વાદળ વાદળ રમીએ
બે પાંપણની વચ્ચે વહેતું ખળખળ ખળખળ  રમીએ...
ભીની રાતે - ખુલ્લી આંખે  બળબળ બળબળ રમીએ,
ચાલ અરીસા ફોડી નાખી ઝળહળ ઝળહળ રમીએ ...

(કાજલ ઓઝા વૈધની એક બુકમાંથી ...)

Saturday, October 13, 2012

ચાલો તમારા પ્રેમની એક લહેર બનાવી દઉં

ચાલો તમારા પ્રેમની એક લહેર બનાવી દઉં
એ રીતે તમને અમારા શ્વાસ બનાવી દઉં

શબ્દો તણા પુષ્પો ગુંથી ગજરો બનાવી દઉં
એ રીતે તમને ગઝલના પ્રાસ બનાવી દઉં

સાકી સુરા ને શાયરી મુહોબ્બત બનાવી દઉં
એ રીતે યાદો બધી રંગીન બનાવી દઉં

હથેળી તણી લકીરને કિસ્મત બનાવી દઉં
એ રીતે જીવવાતણું બહાનું બનાવી દઉં

અટકી ગઇ જ્યાં જિંદગી મંજિલ બનાવી દઉં
એ રીતે ખાલી કબર બિસ્તર બનાવી દઉં

કલ્પવૃક્ષની છાંવમાં મંદિર બનાવી દઉં
એ રીતે પથ્થર તને ઇશ્વર બનાવી દઉં...


– કમલેશ સોનાવાલા

Friday, October 12, 2012

આપણી વચ્ચે આવાજોની કોઈ ભીંત હશે..

નજર એમને જોવા માગે તો આંખની શુ ભુલ!
દર વખત સુગંધ એમની આવે તો શ્વાસની શુ ભુલ!
સપના ક્યારેય પૂછીને નથી આવતા,
પણ સપના એમના આવે તો રાતની શુ ભુલ!...

પાસેપાસે તો યે કેટલાં જોજન દૂરનો આપણો વાસ;
જેમ કે ગગન સાવ અડોઅડ તો ય છેટાં નો ભાસ.

રાત દિનો સથવાર ને સામે,
મળવાનું તો કોઈ દાડો સુખ મળતું નથી;
આવકારાનું વન અડાબીડ,
બારણું ખોલી ફળિયામાં સળવળતું નથી;
આંસુને દઈ દીધો છે ભવનો કારાવાસ.

ઝાડથી ખરે પાંદડું,
એમાં કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે;
આપણી વચ્ચે આ
વાજોની કોઈ ભીંત હશે,
કે યાદ જેવું કોઈ બારણું હશે;
પડખે સૂતાં હોય ને લાગે શમણાંનો સહવાસ....

- માધવ રામાનુજ

Thursday, October 11, 2012

નીકળી ગયા ...

 બે ઘડી વાતો કરી ને દિલને બહેલાવી અમે નીકળી ગયા,
કોઈ ના સમજી શક્યું તો ખુદને સમજાવી અમે નીકળી ગયાં.

આ ચિરંતન તરસનું કારણ તમે પૂછ્યું છતાંયે કાંઈ પણ બોલ્યા નહીં,
બસ  આંખમાં  આવી  અમે  નીકળી   ગયાં.

વાદળોની પાઠશાળામાં ગયા તો આટલું શીખ્યા અમે,
જ્યાં થયું મન ત્યાં ગયા ને હેત વરસાવી અમે નીકળી ગયા.

પથ્થરોની કોર્ટમાં એ કેસ લાં..............બો ચાલશે,
એમનો આરોપ છે કે ત્યાં કશુંક વાવી અમે નીકળી ગયા.

આંખ બે હેતાળ, ખુલ્લા કાન ને ભીનું હૃદય,
એટલે તો આ ગઝલ તમને જ સંભળાવી અમે નીકળી ગયા.

-  કૃષ્ણ દવે

Wednesday, October 10, 2012

વીતે ન એક ઘડીથી ઘડી...

વીતે ન એક ઘડીથી ઘડી, એક ક્ષણથી ક્ષણ
હું ઓગળી ન જાઉં અને રાત પણ કઠણ.

સુક્કા અધર  ઉપર ન કોઈ શબ્દ કલરવે
ઊડી  ન  જાય  ઉઘાડાં  નયનથી   કોઈ વલણ.

પથરાળ  ટેરવાંમાં  કોઈ સ્પર્શ  ના વહે,
ને વિસ્તરે ઉદાસ હથેળીમાં  રણનાં રણ.

અંતર કદી રુંવાથી રુંવાનું તૂટે નહિ,
લીરા કરી ત્વચાના ઉડાવે ન કોઈ વ્રણ.

ટપકે  ન  આંખથી  કે એ છલકે  ન  લિંગથી
અવગત રુધિરને  ન મળે  કોઈ  ઘાવ  પણ....

- હેમંત ધોરડા


Friday, October 5, 2012

પ્ર-દર્શન

જે રસ્તા પરથી હમણા હમણા  રોજ પસાર થઉ છુ ત્યાં વચ્ચે થોડોક રસ્તો એવો આવે છે જ્યા લખ્યુ હોય છે "એક્સિડેન્ટ ઝોન" ... "નો સ્ટોપીંગ નો સ્ટેન્ડીંગ " ...... લાઈફમાં પણ આવા અમુક "એક્સિડેન્ટ ઝોન" હોય છે કદાચ....... જ્યા ચાહીને પણ થોભી ના શકાય નહી તો એવો અકસ્માત થાય કે એ ઈજા કે નુકસાન અસહ્ય થઈ પડે... લાઈફના એવા તબક્કામાંથી તો ધીમેથી છતા મક્કમ રહીને પસાર થઈ જવુ સારુ .....  જો અકસ્માત ટાળવો હોય તો! .... અને લાઈફના આવા અકસ્માતમાં અવાજ નથી આવતો તોય ઈજા બહુ ભયાનક થાય છે ... અને પેઈન પણ ... આવા જ કોઈ એક્સિડેન્ટ્ની ઈજાનું પેઈન છે  શ્રી પન્ના નાયકની આ poemમાં ....

તેં આગ્રહ કર્યો
એટલે
હું
તારે ત્યાં આવી.

જે નાનકડા ઘરમાં
આપણે પ્રેમ કર્યો હતો
એને તોડી પાડીને
તેં બંધાવ્યું હતું
આલિશાન મોર્ડન મકાન.

પ્રવેશદ્વારમાં મૂકી હતી
વિઘ્નહર્તા ગણેશની
છ ફૂટ ઊંચી મૂર્તિ.
દાખલ થતાં નજર અચૂક પડે
રાચરચીલાના અશ્લીલ પ્રદર્શન પર.
વળી બધી જ બધી દીવાલો પર
મેળવેલી સ્વપ્નસિદ્ધિ પ્રસિદ્ધિની ચાડી ખાતા
ફ્રેમ કરેલા
સર્ટીફિકેટો, છાપાંનાં કટિંગો
અને
અગ્રગણ્ય વ્યક્તિઓ સાથે
વિજેતા-સ્મિત સહિત
હાથ મિલાવતા
અસંખ્ય ફોટોગ્રાફ્સ્.
દાદર પર
સુસજ્જ દીકરા દીકરી પૌત્ર પૌત્રી
અને
સુખની મલાઇ જેના
ગાલો પર છલકાય છે
એવી ગોળમટોળ અને હૃષ્ટપુષ્ટ પત્ની સાથેની
ગોઠવેલી
સુખી સંસારની તસ્વીરો.

ક્યાંય ના દેખાયો
તું કહ્યા કરે છે
એવો
સુસ્ત કે અશક્ત કે અસ્વસ્થ કે અસહ્ય સંસાર.
અરે હા,
મકાનમાં ફરતાં
પગ અટક્યાતા
ઠેકઠેકાણે ગોઠવેલાં
પ્લાસ્ટિકનાં ફૂલછોડ પાસે.

આવી હતી
એવા જ
ભારે પગલે
મકાનમાંથી બહાર નીકળી
ત્યારે
તેં મને
એક જ સવાલ પૂછયોઃ
કેમ કશું લીધું નહીં?
મેં
આંખથી જ સામો સવાલ પૂછયો
કે
તને અહીં સોંપી દીધા પછી
મારે લેવાનું પણ શું હોય?

-  પન્ના નાયક

Wednesday, October 3, 2012

હોય છે ...

બસ દુર્દ્શાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું મુજથી સમજદાર હોય છે.

ઝંખે મિલનને કોણ જો એની મજા કહુ!
તારો જે દુરદુરથી સહકાર હોય છે.

ટોળે વળે છે કોઈની દિવાનગી ઉપર,
દુનિયાના લોકો કેવા મિલનસાર હોય છે!

દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી,
એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે.

કાયમ રહી જો જાય તો પેગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે.

હો કોઈ પણ દિશામાં બુલંદી નથી જતી,
આકાશ જેમ જેઓ નિરાધાર હોય છે.

જાણે છે સૌ ગરીબ કે વસ્તુ ઘણી 'મરીઝ',
ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે....

- મરીઝ

સત્ય અને અહિંસા

"સત્યથી ભિન્ન કોઈ પરમેશ્વર હોય એવુ મેં નથી અનુભવ્યુ. સત્યમય થવાને સારુ અહિંસા એ જ એક 
માર્ગ છે ...."

"આત્મશુધ્ધિ વિના જીવમાત્રની સાથે ઐક્ય ન જ સધાય. આત્મશુધ્ધિ વિના અહિંસાધર્મનું પાલન સર્વથા અસંભવિત છે. "

"શુધ્ધ થવુ એટલે મનથી, વચનથી ને કાયાથી નિર્વિકાર થવું, રાગધ્વેષાદિરહિત થવું. એ નિર્વિકારતાને પહોંચવાને પ્રતિક્ષણ મથતા છતાં હું પહોંચ્યો નથી, તેથી લોકોની સ્તુતિ મને ભોળવી શકતી નથી, એ સ્તુતિ ઘણીવાર ડંખે છે. મનના વિકારોને જીતવા જગતને શસ્ત્ર્યુધ્ધથી જીતવા કરતાંય મને કઠિન લાગે છે. ..... "

"અહિંસાએ નમ્રતાની પરાકાષ્ઠા છે.અને એ નમ્રતાવિના મુક્તિ કોઈકાળે નથી ... "

"મારે દુનિયાને નવુ કશુ શીખવવાનુ નથી. સત્ય અને અહિંસા અનાદિકાળથી ચાલ્યા આવે છે. ......"

- મોહનદાસ કરમચંદ ગાંધી.
"સત્યના પ્રયોગો" માંથી કેટલાક અંશો .....


અને છેલ્લે ....

વૈષ્ણવ જનતો તેને કહિયે જે પીડ પરાયી જાણેરે
પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણેરે...

સકળ લોકમા સહુને વંદે નિંદા ન કરે કેનીરે
વાચ કાછ મન નિશ્ચલ રાખે ધનધન જનની તેનીરે ...

સમ દૃષ્ટીને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માતરે
જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવઝાળે હાથરે ...

મોહ માયા વ્યાપે નહિ જેને દૃઢ વૈરાગ્ય જેના મન મારે
રામનામ સૂઁ તાલી લાગી સકલ તીરથ તેના તનમાઁરે ...

વણ લોભીને કપટરહિતછે કામ ક્રોધ ન વાર્યારે
ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ એકોતેર તાર્યારે...


- નરસિંહ મહેતા

Friday, September 28, 2012

આટલું બધું વ્હાલ ...

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?

જીવનમાં બસ એક જ ઘટના, એક જ ઘટના
ભીતર એક જ નામની રટના, નામની રટના.

પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?     
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?

જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?

નજર લાગે એમ શું કોઈને જોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?      
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?

- સુરેશ દલાલ
( આભાર - tahuko.com/ )

દુખ...

કહેવાય છે - "દુખ જીવનમાં અનિવાર્ય છે " -  આ આપણે બધા જાણીએ છીએ. 
પરંતુ - "દુખી થવુ અનિવાર્ય નથી ... "  - આ પણ જાણીએ છીએ. છતાં જ્યારે દુખ આવી પડે ત્યારે બધી જાણકારી વરસાદમાં કાચો રંગ ધોવાય એમ ધોવાઈ જાય છે. 

આજેપણ શ્રી કુન્દનિકા કાપડીઆની "પરોઢ થતા પહેલા" માંથી  થોડાક વધુ અંશો ... સબજેક્ટ છે  "દુખ"  ....

*********************************************
- બધુ સુષ્ઠુ સુષ્ઠુ, રુ જેવુ નરમ નરમ, મધ જેવું મીઠુ મીઠુ નથી,  હોઈ શકે નહી, હોવુ જરુરી પણ નથી.
દુનિયાનું સાચુ સ્વરુપ એટલે માણસના નિમ્ન નિકૃષ્ટ રુપનો પરિચય તેમ નહી, પણ માણ્સના મનની અતાગ  સૃષ્ટી ... તેના ભયો,  ઈચ્છાઓ, વિજયો, કારુણ્યો, ભૌતિકતા અને ઉર્ધ્વ આરોહણની કામના આ બધા વિવિધ ને વિરોધી તત્વોની પરસ્પર ક્રિયામાંથી નિર્મિત થતાં, જીવનના લાખો કરોડો સ્વરુપો .....

- શું માણસને દુખ આવી પડે ત્યારે જ એનુ સાચુ સ્વરુપ પ્રગટ થાય છે? ત્યારે જ તે પોતાના યથાર્થ રુપને પામે છે? અને દુખ શુ એટલા માટે જ આવે છે કે માણસ પોતાના સાચા સ્વરુપ ને પામી શકે?

દુખ કદાચ માણસને તેના સાચા સ્વરુપની પીછાણ આપવ આવે છે. પણ દુખથી ભય પામીને માણસ તરત તેમાંથી છુટવાનો પ્રયત્ન કરે છે.

દુખમાંથી નાસી છુટવાને બદલે, એના ઘોર એકાંતની વચ્ચે બેસી, માણસ પોતાની ગાઢ અતલ એકલતામાં પોતાના સાચા સ્વરુપનો સાચો પરિચય મેળવી લે તો દુખની કામગીરી પૂરી થાય.. તો તે ફરી ફરી ધ્વારે આવી ઉભુ ન રહે  .... કદાચ ....

- વૃક્ષને પણ એની ઋતુઓ છે ... આવાગમન ના ચક્રો છે. માર્ચ મહિનાનો ફૂલ ભરેલો આનંદ અને હેમંતની સૂની એકલવાઈ ડાળીઓમાં ભારે પગલે પસાર થતી ઘડીઓ છે. એક પછી એક તેના બધા પાન ખરી પડશે ત્યારે પણ તે રાહ જોઈ શકશે, કારણ કે તેને ખબર છે થોડા સમય પછી ફરી તેના અંગોમાં નવા રંગોની મંજરી ખીલી ઉઠશે.

માણસ આવી રાહ જોઈ શકતો નથી. કારણ કે તેના ચક્રો વૃક્ષના ચક્રો જેટલા નિયમિત નથી. તે વધુ સભાન અને વધુ ગતિશીલ છે. એથી જ શું તેનુ જીવન અસ્થિર અને અનિશ્ચિત હશે ?

દુખના ભારથી જ માણસ કચડાઈ જાય છે અને પોતાના સઘળા સુંદર અંશો ગુમાવી દે તેમ પણ બને. પણ જીવન વિષે જેનામાં થોડી ગંભીરતા છે તેમને માટે દુખ હંમેશા એક વિશેષ સંકેત લઈને આવતું  હોય છે.

આ રીતે દુખ જીવનની એક બહુ મૂલ્યવાન વસ્તુ છે. સુખ આપણને ઉંઘાડી દે છે. દુખ ધક્કો મારીને જગાડે છે. માણસને માથે દુખ આવી પડે ત્યારે હજારો ઈચ્છાઓ ને પદાર્થની શોધમાં દોડતુ તેનુ મન ઘડીભર અટકી જાય છે. પોતાની તરફ પાછુ વળે છે અને પૂછે છે - આવુ કેમ થયુ? આવુ મારા જ સંબંધ માં કેમ બન્યુ? બીજીપણ ઘણી વસ્તુની જેમ દુખમાં અનેક અર્થો રહેલા છે અને આપણે દુખની પીડામાં અટકી ના જઈએ તો એ અર્થ આપણને સમ્જાવા લાગે છે.

અને દરેક માણસ માટે એનો માર્ગ જુદો હોય છે. એ દરેકે જાતે શોધી લેવાનો હોય છે.

*********************************************
 અને છેલ્લે ,

હું ગુનાશોધક છુ મારા પર બધા ભેદો ખૂલે,
કે ટકોરા મારતો ચાલુ ને દરવાજો ખૂલે

હાથ લંબાવીશ તો ટૂટી જશે ભ્રમણાની ભીંત
આ વધેલા મારા નખથી કંઈક ચહેરાઓ ખૂલે.

ક્યારનો અટવાઉ છુ અર્થોના લેબેરિન્થમાં
કોઈ તો ચાવી મળે કે કોઈ તો રસ્તો ખૂલે ... 

- હનીફ સાહિલ


   

Thursday, September 27, 2012

પ્રેમકાવ્ય ....

ગુજરાતી સાહિત્ય જગતમાં શ્રી કુન્દનિકા કાપડીઆનુ પ્રદાન હંમેશા  શ્રેષ્ઠ રહ્યુ છે.. એમની "પરોઢ થતા પહેલા" નવલકથામાંથી કેટ્લાક અંશ ...

નવલકથાની નાયિકા સુનંદા ખુબ સરળ સહ્રદયી અને સીધી સાદી છે. અને એ લવમેરેજ કરે છે દેવદાસ જોડે. જે એક કલાકાર છે.......આજમાં જ જીવનારો માણસ ... " જે છે એ આજે જ છે ...અને આજને જીવી લેવી જોઈએ" એ થીયરી વડે જીવનારો માણસ .. અચાનક એને ત્યજીને જતો રહે છે ...પછી જ સુનંદાના જીવનમાં મથામણ શરુ થાય છે ...  જીવન પ્રત્યેના પ્રશ્નો અને જીવન પ્રત્યેની સમજ  .... આવી મથામણમાં સુનંદાના મુખે બોલાયેલા કેટ્લાક ઉત્કૃષ્ટ સંવાદો .... 

*********************************************
સુનંદા યાદ કરે છે ........


દેવદાસ કહેતો - "તને તો ખબર છે મારામાં કેટલી રોબસ્ટ લાઈફ છે! હું તો ભાઈ જીવવામાં માનુ છુ. ગમે તે સ્થિતિ એ જીવન માણવામાં માનું છું"

સુનંદા વિચારે  છે  ....
પણ જીવનને માણવાની આ 'માંસલ પિપાસા'. અન્યનો વિચાર જ ન કરતી ક્ષુધા રોગિષ્ઠ મનની જ નિપજ છે.

બહારથી જે કાવ્યમય લાગે તે વચનોમાં કેટલી તો વંચના હોય છે. પોતાની ચંચળ પ્રકૃતિની પરવશતાને માણસ મુક્તિનુ નામ આપી શકે અને પોતાના અહમને જ કેન્દ્રમાં રાખીને ક્ષણે ક્ષણે બદલાતા જીવનને "શુધ્ધ આજ" નું જીવન ગણે, તેનાં મૂળ હ્ર્દયના પ્રેમના નિર્મળ પાતળાઝરાને ક્યાથી પહોચી શક્યા હોય? 

છીછરા આવેગો, સ્વાર્થ, ચંચળતા, નિરંકુશતાને છૂટૉ દોર ન મળે તે માટે થઈને એક પવિત્ર બંધન (લગ્ન) રચવામાં આવ્યુ હતુ.

પણ કેવળ બંધન તરીકે કદાચ કોઈ બંધન પવિત્ર હોઈ શકે નહી.

તો શેનાવડે એક માણસ બીજા માણસ પ્રત્યે કર્તવ્યશીલ, જવાબદાર, કાળજીપૂર્ણ રહી શકે? શાના વડે સંબંધો ટકી શકે?

આનંદ અને પ્રેમથી સભર બનેલા હ્રદય વડે. જેમાં બધા સ્વાર્થ પાતળા પડી જાય છે, જે માણસને તેની ઈચ્છાઓની સીમાઓમાંથી મુક્ત કરે છે અને તેને વધુ ઉંચા, વધુ તેજોમય જીવન પ્રતિ નિરંતર વહેવા પ્રેરે છે.

માણસની ઈચ્છામાં જ્યારે પોતાની ઈચ્છા સિવાય બીજા કોઈની ઈચ્છાનો સમાવેશ થતો નથી ત્યારે તે સ્વાર્થના નીચલામાં નીચલા પગથિયે ઉભો હોય છે.


તેની ઈચ્છા જ્યારે વિશ્વપ્રક્રૃતિની ઈચ્છામાં ભળી જાય છે ત્યારે તે મુક્તિના ચરમ શિખરને પામે છે. આ બે સ્થિતિમાં હજારો પગથિયા રોજને રોજ ચડતા જવુ એ
જ જીવનની ગતિ છે, દિશા છે, સાર્થકતા છે.

*********************************************


લોકો કહે છે મારો પ્રેમ સાચો હતો કે એનો પ્રેમ સારો હતો ... પણ પ્રેમ ક્યારેય સાચો - ખોટો કે  સારો-ખરાબ હોઈ શકે નહી. પ્રેમ ભલા ખોટો કે ખરાબ કેવી રીતે હોઈ શકે ? પ્રેમ કાં તો માત્ર હોઈ શકે અથવા ના હોઈ શકે ... જે પ્રેમ જવાબદારી ના લાવે કે ઉર્ધ્વગતિએ ના લઈ જાય એ પ્રેમ સિવાય કંઈપણ હોઈ શકે પણ પ્રેમ ના હોઈ શકે .... એ પ્રેમનો ભ્રમ હોઈ શકે કા તો ઘડી બે ઘડીની ગમ્મત કે પછી ખાલી વાસના ...

અને છેલ્લે આ પ્રેમકાવ્ય ....


આ એક પ્રેમકાવ્ય છે
તે પાણીની સપાટી પર લખવુ જોઈએ,
અને હવામાં ઊડતુ મૂકી દેવુ જોઈએ,
અથવા તો એક સસલાને આપી દેવુ જોઈએ
મોઢે કરાવવા માટે,
અથવા તો તેને સંતાડી દેવુ જોઈએ
જૂના પિયાનોમાં.
આ પ્રેમકાવ્ય છે,
તે વાંચવુ ના જોઈએ
ઝરુખામાં,
તે શીખવુ ના જોઈએ
ઉઘાડા આકાશ નીચે,
તે ભુલાવું ના જોઈએ
વરસાદમાં,
અને તે આંખની
એકદમ નજીક ના રાખવુ જોઈએ.


ઝીશન સાહિલ
અનુવાદ - દિનેશ દલાલ

Monday, September 24, 2012

તું મારી નજીક નહીં આવ...

"વિચારવાની કુટેવ છોડીને જીવવાનું રાખવું. સંસારમાં નજર નાખશો તો તરત સમજાઇ જશે કે જેઓ વિચારે છે તેઓ દુ:ખી છે. જેઓ નથી વિચારતા તેઓ ઘણી બધી ખટખટથી બચી જાય છે. " - ગુણવંત શાહ

અને જેઓ વિચારશીલ છે એમને નીચેની કવિતા સમજવામાં જરાય તકલીફ નહી પડે ...

તું મારી ખૂબ નજીક નહીં આવ :
મને તારી બીક લાગે છે.
તું મારી ખૂબ નજીક નહીં આવ :
મને મારી બીક લાગે છે. 


ફરી પાછું એનું એ મળવું
છૂટા પડવું, મળવું :
એનું એ અમૃતચક્ર, વિષચક્ર,
ચક્ર, ચક્રાકાર ગતિ….
ફરી પાછી અપેક્ષા
ફરી પાછી ભરતી ને ઓટ
ચંદ્રનો ઉદય ને ક્ષય
ફરી પાછો ભય -
ખબર નથી કે ગીતનો લય
ક્યાં અને ક્યારે તૂટી જશે -


તું મારી નજીક નહીં આવ
ભલે આ ગીત અધૂરું રહે
ભલે આ ગીત વણગાયું રહે -

પણ હવે
ઉઝરડા સહન કરવાની
મારી કોઇ તાકાત નથી....


- સુરેશ દલાલ 

 Poem Reference : tahuko.com

Sunday, September 23, 2012

પડછાયા, શબ્દ - સંબંધ ...

આમ તો મૂળ કૃતિ વાંચવાની જે મજા હોય તે અનુવાદમાં ના હોય . પણ ક્યારેક અનુવાદ પણ મૂળ સાહિત્ય જેટ્લા જ ઉત્તમ હોય છે. તો આજે બે હિન્દી કવિતાઓના અનુવાદ .... 

પડછાયા 

આ અંધારામાં 
આપણા બેના પડછાયા 
હળી-મળી ગયા છે

બત્તી નહીં કરતા
અલગ થઈ જશે.

કવિ - વી. પી. સિંઘ
અનુવાદ -  હિતેન આનંદપરા

શબ્દ - સંબંધ

મેં મારા દુખ-દર્દ તમને નહીં,
કલમને કહ્યા હતા;
જો એણે તમારી સુધી પહોંચાડ્યા નહીં
તો હું તમને દોષ નથી દેતો.

મેં મારા દુખ-દર્દ તમને નહી 
કાગળને કહ્યા હતા;
જો તમે મારા પ્રત્યે સહાનુભુતિ ના દર્શાવી 
તો હુ તમને દોષ નથી દેતો.

મેં મારા દુખ-દર્દ તમને નહીં,
કાળી રાતોને કહ્યા હતા,
મૂંગા તારાઓને કહ્યા હતા,
સૂના આકાશને કહ્યા હતા,

જો એમનો પ્રતિદ્વનિ 
તમારા અંતરમાંથી નહી ઊઠે
તો હું તમને દોષ નથી દેતો.

મને ખબર હતી 
કે એક દિવસ
મારી વેદનાનો સાથ મારાથી છૂટશે
પણ મારા શબ્દોથી
મારી વેદનાનો સંબંધ ક્યારેય નહીં તૂટે.

કવિ - હરિવંશરાય બચ્ચન
અનુવાદ - સુશી દલાલ

Friday, September 21, 2012

यूँ ही बेसबब न फिरा करो...

यूँ ही बेसबब न फिरा करो, कोई शाम घर भी रहा करो
वो ग़ज़ल के सच्ची किताब है, उसे चुपके चुपके पढ़ा करो

कोई हाथ भी न मिलायेगा, जो गले मिलोगे तपाक से
ये नए मिजाज़ का शहर है ज़रा फासले से मिला करो

अभी राह में कई मोड़ हैं , कोई आएगा कोई जाएगा
तुम्हें जिसने दिल से भुला दिया उसे भूलने की दुआ करो

मुझे इश्तेहार से लगती हैं ये मुहबतों की कहानियां
जो कहा नहीं वो सुना करो, जो सुना नहीं वो कहा करो 

कभी हुस्न-ए-पर्दानशीं भी हो ज़रा आशिकाना लिबास में
जो मैं बन सवर के कहीं चलूँ, मेरे साथ तुम भे चला करो

ये खिजां की ज़र्द सी शाल  में , जो उदास पेड़ के पास है
ये तुम्हारे घर की बहार है, इसे आंसुओं से हरा करो

 नहीं बेहिजाब वो चाँद सा की नज़र का कोई असर न हो
उसे इतनी गर्मी-ए-शौक़ से बड़ी देर तक न तका करो

- 'बशीर बद्र'

Monday, September 17, 2012

મહેકને અડકી ગયા....

'માપ દરિયાનું ગજું' એવું કહી મલકી ગયા,
ફૂટપટ્ટી રેતને ધરતા તમે અટકી ગયા.

આંકડા ઓછા પડે તો આંગળાઓ ચાલશે,
ચાંદ સૂરજને ગણો, તારા ભલે છટકી ગયા.

હાથ જો છોડી શકો ને,તો જ આગળ જઈ શકો,
આ સમયનો સાથ આપી કેટલા ભટકી ગયા.

પાંદડા પર આભ ઉતર્યું ને જમીન કોરી રહી,
ને સરોવર જોઈને આ,શી ખબર છલકી ગયા.

ફૂલની હાલત ઘણી ગંભીર જેવી થઈ જશે,
ભૂલથી કોઈ વાર પણ જો મહેકને અડકી ગયા.....


-

Sunday, September 16, 2012

સ્થળ, સમય, ઘટના.....

કાળનાં કાગળ ઉપર કક્કો લખે છે,
દાખલો ઔકાતનો અડધો લખે છે.

વીજળી, વાદળ અને વગડો લખે છે,
ચન્દ્ર નહિ પણ તારલો ખરતો લખે છે.

શબ્દ નૈ પણ શબ્દનો થડકો લખે છે,
કોણ મારા નામનો પડઘો લખે છે?

જો ત્વચા પર વાગતો ચટકો લખે છે,
સ્થળ, સમય, ઘટના કશે અટકો લખે છે.

છાંયડો, વરસાદ ને તડકો લખે છે,
જિંદગી પણ કેટલી શરતો લખે છે! ............

- કવિ રાવલ


Friday, September 14, 2012

કારણ કે ...

 લેખક ગુણવંત શાહના શબ્દોમાં કહુ તો બિમારી અને મુસીબત / દુખ / ચિંતા ખરા અર્થમાં સેક્યુલર છે ... 
 બિનસાંપ્રદાયિક ...  એ કોઈપણ પ્રકારના ભેદભાવ વગર એનુ કામ કરે છે ... એ આવે છે ત્યારે ધ્રર્મ, જાતિ, ઉંમર, ગરીબી-અમીરી કંઈ જોતા નથી ... એ બસ આવે છે ... અને જેની પાસે આવે છે એને ઉદાસ કરીને જાય છે ...

હું ઉદાસ છું ...
કારણ કે  મધ્યાહ્મને સૂર્ય આથમી ગયો છે
કારણ કે  ઘાસ પીળું પડી ગયું છે
કારણ કે  પતંગિયાં ઊડી ગયાં છે
કારણ કે  ફૂલો કરમાઈ ગયાં છે
કારણ કે  વૃક્ષોનાં પાંદડાં જમીન પર પડયાં છે
કારણ કે  ભીંજવ્યા વિનાનો વરસાદ વરસે છે
કારણ કે  અંધારું છવાતું જાય છે
કારણ કે  દીવાલો પડું પડું થાય છે
કારણ કે  વિચારોનું વાવાઝોડું ત્રાટકે છે
કારણ કે  અનેક પ્રશ્નો સળવળે છે
કારણ કે  દલીલોની ભુલભુલામણી છે
કારણ કે  મન ભૂલું પડયું છે
કારણ કે  સ્મરણોની વણજાર આંખે ઊભરાય છે
કારણ કે  બોદા શબ્દોથી હોઠ એંઠા થયા છે
કારણ કે  રાહ જોતા પગ ખોટા પડી ગયા છે
કારણ કે  તણખલું ડૂબી ગયું છે
કારણ કે  સપનાં નંદવાઈ ગયાં છે.


- પન્ના નાયક

Tuesday, September 11, 2012

मुझे अपने शौक़ का सामां बना रखा है...

जिसे  मैंने अपने दिल  में मेहमां  बना रखा है 
उसने मुझे अपने शौक़ का सामां बना रखा है
[शौक़ का सामां = an item of pleasure ]
 
 गुलपोश रहा करता था सेहन-ए-चमन मेरा  
 गुलन्दाम नें उस चमन को बियांबां बना रखा है
[गुलपोश = covered with flowers , सेहन-ए-चमन = garden in the backyard, गुलन्दाम = beauty, बियांबां  = deserted]
 
यास-ओ-उम्मीद के दरमियाँ  रक्साँ  ज़िन्दगी
जुस्तुजू में मैंने भी इस रक्स को रवां बना रखा है

[ यास-ओ-उम्मीद = dispair and hope, दरमियाँ = between,रक्साँ  = dancing,  जुस्तुजू = In quest, रक्स = dance, रवां = continuous]
 
मैं मुहब्बत  में उसके हर तक्सीर को भूल जाता हूँ  
वो समझते हैं की  'मुज़्तरिब' को नादाँ बना रखा है
[तक्सीर = mistake, नादाँ = ignorant/naive ]
 
- 'મુજ્તરિબ'

Monday, September 10, 2012

હું અમસ્તો પારદર્શી શબ્દ છું ...

હું અમસ્તો પારદર્શી શબ્દ છું,
તો ય બીજા સૂર્યનો વિકલ્પ છું.

આ નગર પહેલાં સૂરજમુખી હતું
હું સુગંધોનું બીજુ અસ્તિત્વ છું.

આયનાનો રંગ આકાશી થશે,
માત્ર હું તો ફૂલ જેવો સ્પર્શ છું.

લાગણી તો વારતાની કુંવરી
કેટલો હું પણ હવે  અસ્વસ્થ છું.

વિસ્મયોના  આલ્બમમાં ચોડજો,
હું સમયને એક ગમતું સ્વપ્ન છું ...

- પ્રકાશ ભટ્ટ

Sunday, September 9, 2012

આ નથી કઈ તારું કામ રહેવા દે,..

આ નથી કઈ તારું કામ રહેવા દે,
પ્રેમના ગામે મુકામ રહેવા દે...

ગોકુળની માટી ને ખૂલાસા દેવાના,
આ શોભતું નથીતને શામ રહેવા દે...

પ્રેમમાં એ શર્ત છે ઝૂકવું પડે,
પણ આ રીતે ડંડવત પ્રણામ રહેવા દે.......
- હિતેન આનંદપરા

Sunday, September 2, 2012

શ્રી ગુણવંત શાહ - કેટલાક અંશો ...

આજે શ્રી ગુણવંત શાહની "જાત ભણીની જાત્રા"માંથી કેટ્લાક અંશો -

જીવનના આખરી તબક્કે ટોલ્સટોયે લખ્યુ છે - "પ્રેમ એટ્લે શરીરને કારણે વિખુટા પડેલા બે આત્માનું મિલન."

"રાઈ નો પર્વત" નાટક્માં રમણભાઈ નિલકંઠ લખે છે -
જે શૌર્યમાં કોમલતા સમાઈ,
તેને જ સાચુ પુરુષત્વ માન્યું ...


કવિ ઉમાશંકર જોષી લખે છે -
પરાર્થે તરે આંખમાં આંસુ જ્યારે;
મળે મર્દને સ્ત્રીની ઉંચાઈ ત્યારે ...


મારી પાકી માન્યતા છે કે જે સમાજમાં સ્ત્રીઓનું શોષણ થતુ હોય એવા 'અસભ્ય' સમાજમાં પુરુષો કદી સુખી ના હોઈ શકે. સ્ત્રીઓનું ઢીંગલીકરણ કે ઓબ્જેકટીફીકેશન થાય તેવા પછાત સમાજમાં માનસિક રુગ્ણતા નોર્મલ બાબત બની રહે છે. મારુ માનવુ છે કે સ્ત્રીઓની પૂજા કરવાની જરુર નથી, જરુર છે એના પર્સનહૂડના સહજ સ્વીકારની.

જેઓ પાસે ભુલ કરવાની હિંમત નથી;
જેઓ પાસે ભુલ કબૂલ કરવાની તાકાત નથી;
જેઓ ચોમાસામાં પણ ભીના થવા તૈયાર નથી;
જેઓ શિયાળામાં પણ હુંફાળા નથી થઈ શકતા;
જેઓ ઉનાળામાં પણ શિતળતાનુ અભિવાદન નથી કરતા;
જેઓ ખાસ મિત્રને પણ દિલની વાતો નથી કરતા;
જેઓ શત્રુની એકાદ ખુબીને પણ બિરદાવી નથી શકતા;
જેમની આંખો ભીની થવાની ખો ભૂલી ગઈ છે;
જેઓ સુખને મમળાવવામાં કંજૂસાઈ કરે છે;
જેઓ દુખને છાતીએ વળગાડીને ફરતા રહે છે;
જેઓ એકપણ પુસ્તકના પ્રેમમાં નથી;
જેમણે જીવનમાં એક પણ વૃક્ષ ઉછેર્યુ નથી;
જેમણે એક્પણ મધુર સંબંધ ખીલવ્યો નથી;

એવા લોકો પીએચડી થયા હોય, તોય અભણ જાણવા.
તેઓ બે પગ પર ઉભા છે એ તો એક અકસ્માત છે! .......


- ગુણવંત શાહ

Thursday, August 30, 2012

વિશ્વાસ છોડી દે ...

ગમે તે થાય પણ ના જાતનો વિશ્વાસ છોડી દે;
જીવન માટે જરૂરી શ્વાસ છે, કાં શ્વાસ છોડી દે.

ખૂણે ને ખાંચરે ને છાને છોડ્યે ખ્યાલ ન આવે,
તું ખુલ્લેઆમ છોડી દે અને ચોપાસ છોડી દે.

ધુમાડો સરી જાશે તો સ્હેજે ખ્યાલ નહીં આવે,
જીવનને આટલું ના ભેટ -બાહુપાશ છોડી દે.

ગઝલ ઓચિંતી એની મેળે આવી જાય છે ક્યારેક,
અરુઝ્ની વાત મૂકી દે, બહર ને પ્રાસ છોડી દે.

ઘુવડ ટોળાની વચ્ચે જીવ! તારે જીવવાનું છે,
જરા અંધારું સમજી લે, બધો અજવાસ છોડી દે.

તને જળનું જ ઝંખન જીવતો રાખે છે , સમજી લે,
તને ક્યા સંતે કહી દીધું કે તારી પ્યાસ છોડી દે.

જરા ખાલી હશે તો મોકળું થઈ મન ફરી શકશે, 
જગત આખાનું સઘળું જ્ઞાન ઠાંસો ઠાંસ છોડી દે.

- મનોજ ખંડેરીયા

Thursday, August 23, 2012

મેં લાગણી મૂકી દીધી પાછી કબાટમાં...

પોલાણ  કેટલાં ભર્યા   નક્કર  પહાડમાં
બોલી રહી હતી નદી દરિયાના  કાનમાં

ખોટોય  અર્થ   નીકળે બસ  એ જ બીકથી
મેં  લાગણી મૂકી  દીધી પાછી કબાટમાં

આ બારણું નથી જરા તું ધ્યાનથી નીરખ
ઉઘાડબંધ    થાય  છે    ચહેરો   કમાડમાં

ખિસ્સા  તપાસતાં  જ  પુષ્પગંધ નીકળી
બદનામ  થઇ ગયો પવન આખાય બાગમાં

સામે ય   આવતાં નથી લોકો    ડરી ગયા
જેવું  જડી  દીધું  અમે    દર્પણ લિબાસમાં....


- મકરંદ મુસળે

Thanks to bharatdesai.wordpress.com

Tuesday, August 21, 2012

મૃગજળ... આર્ટિકલ + કવિતા

મૃગજળ અને માણસને બહુ જુનો સંબંધ છે. કેમકે ઈચ્છાઓ અને માણસનો સંબંધ જૂનો અને અતૂટ છે. એ આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે માણસ કેટલીક અધૂરી ઈચ્છાઓ અને કેટ્લાક  અધૂરા સપનાંઓ સાથે જ જીવતો હોય છે. જો કે એનું પણ એક રીઝન છે ....  કાલિકામાતાની પેલી એક પૌરાણિક કથામાં ખબર છે ને ! એક રાક્ષસનુ માથુ ધડથી અલગ કરે તો એના રક્તનુ ટીપું નીચે જમીન પર પડતા જ એમાથી દસ રાક્ષસ ઉભા થઈ જતા .... એમ એક ઈચ્છા પૂરી થાય ના થાય ત્યાં નવી દસ ઉભી થઈ જાય. શુ કરીએ ઈચ્છા છે, સપનાં છે તો જ જીવન છે ... ઈ્ચ્છા વગરનુ જીવન ભલા શક્ય ક્યા છે ? ... સંતો કહે છે કે ઈ્ચ્છાઓ છોડી દો કે એને કંટ્રોલમાં રાખો ... પણ "ઈચ્છાઓ છોડવાની "  કે એને કંટ્રોલ કરવાની ઈચ્છા એ પણ છેવટે એક ઈચ્છા જ થઈને ! ..... અને એ ના સંતોષાય એટલે એ "મૃગજળ" જેવી લાગવા માંડે .... ભ્રામક ....

રોજ મૃગજળ જોઇ જોઇ ભરમાય છે આંખો,
હવે વાત દરિયાની કરી છલકાય છે આંખો. 
ચાલતો રહ્યોછું તરસ્યો જીવનભર રણમાં,
દરિયો જો દેખાય તો વહેમાય છે આંખો......
- કલ્પેન્દુ વૈષ્ણવ

આપણને સતત લાગે છે કે આપણી
સાવ પ્રામાણિક લાગણીઓ બીજાઓ
નહીં સહી શકે. આમ બીજાઓને રાજી
રાખવા માટે આપણે અપ્રમાણિકતાને
સ્વીકારતાં રહીએ છીએ અને પછી 
છાવરતાં રહીએ છીએ. આપણાં 
સંબંધો આમ છીછરા ને છીછરાં થતાં 
જાય છે. હાથ ચાટવાથી પેટ ભરી 
શકાય, તો જ છીછરા સંબંધોથી હ્ર્દયને
ધરવ થઈ શકે. આપણું હ્ર્દય એકાદ 
સાચકલા અને સો ટચના સંબંધનું
તરસ્યું  હોય છે.  ભીતરની આ તરસ
અધૂરી રહી જાય છે અને જીવનભર 
આપણે ટાઢા લોખંડ પર હથોડા
વીંઝતા રહીએ છીએ. મૃગજળ પર 
ઘણાં કાવ્યો લખાયા તેનું રહસ્ય
આપણી સદાય અતૃપ્ત એવી તરસમાં
રહેલુ છે.

- ગુણવંત શાહ

અને છેલ્લે .... 

ગમ્યું એ બધું મૃગજળ થઈને ચાલ્યું આઘે,
શેષ હતું એ વાદળ થઈને ચાલ્યું આઘે.

આંખો લખતી રહી રાતભર કહેવું’તું જે,
સૂરજ ઊગતાં ઝાકળ થઈને ચાલ્યું આઘે.

સાવ અચાનક કયા વળાંકે ? ખબર પડી આ,
આયુષ આખું પળપળ થઈને ચાલ્યું આઘે.

અઢળક તારાઓ મ્હારામાં ઝબકી ઊઠ્યા,
કોણ દિવસભર ઝળહળ થઈને ચાલ્યું આઘે ?

કેટકેટલું મથે ? દેહ પાછળ ને પાછળ,
મન હંમેશાં આગળ થઈને ચાલ્યું આઘે.

પથ્થરનો અવતાર મળ્યો આ જન્મે મિસ્કીન,
શું ય હશે જે ખળખળ થઈને ચાલ્યું આઘે.

- રાજેશ વ્યાસ 'મિસ્કીન'

મૃત્યુના મૃગજળની માયા વિસ્તરી રજકણ સુધી,
સેંકડો જન્મોની છાયા જિંદગીના રણ સુધી. 
વાત વિસ્તરતી ગઈ કારણની સીમાઓની બ્હાર,
બુધ્ધિ તો અટકી ગઈ પહોંચીને બસ કારણ સુધી.

-  આદિલ મન્સૂરી

Thursday, August 16, 2012

જોઈતો નથી ...

લાગણીનુ કામકાજ બહુ અજીબ હોય છે. એ કોના માટે, ક્યારે, કેમ ઉગી નિકળે એ કંઈ સમજી શકાતુ નથી. દુનિયા આખી  નફરત કરતી હોય એવા માણસને ચાહી શકે એવી પણ વ્યક્તિ હોય છે.  હિટલર જેવા હિટલરને પણ ગળાડુબ પ્રેમ કરનાર કોઈ હતી. એટલે જ લાગણી અજીબ લાગે છે. અને લાગણીથી જોડાયેલા સંબંધ પણ. ક્યાંક લાગણી એવી સ્ટ્રોંગ હોય છે કે માઈલોના અંતર પણ ભુસાઈ જાય છે. તમને દિલથી યાદ કરનાર વ્યક્તિની યાદ તમને પણ અચાનક આવવા લાગે..... અને ક્યાંક લાગણી ન હોય એવી વ્યક્તિ પાસેપાસે હોય તોય માઈલો દુર લાગે છે. ....  એ જ તો છે લાગણીનો સંબંધ અને સંબંધમાં રહેલી લાગણી ...
  
વલખાં, ફાંફા , હવાતિયાં : હવે  બધુંયે બંધ
મને જોઈતો નથી જરીકે સુક્કો આ સંબંધ.

હોય હાથમાં હાથ
                અને હોય હૈયુ ક્યાંયે દૂર.
આવો આ સંબંધ નિભાવવાને
                અમે     છીએ       મજ્બૂર.
ફૂલોથી છોને થઈ વિખૂટી રઝ્ળી રહે સુગંધ
મને જોઈતો નથી જરીકે સુક્કો આ સંબંધ.

લાગણીઓની ઉત્ક્ટતા પર
                  મૂક્યો સળગતો પૂળો;
હવે આપણુ નભે એવું નથી
                   એટ્લું હાય ! કબૂલો.
અમે અમારે હાથે ચાંપી દીધી આજ સુરંગ.
મને જોઈતો નથી જરીકે સુક્કો આ સંબંધ.

- સુરેશ દલાલ

Monday, August 13, 2012

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ !
સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકળિયું ગામ !
 
જેમણે કૃષ્ણ, રાધા અને મીરા પર સૌથી વધારે કાવ્યો આપ્યા છે એવા કવિશ્રી સુરેશ દલાલની જન્માષ્ટમી જેવા અદભુત દિવસે વિદાય ... આનાથી વધારે અનુપમ સુસંજોગ બીજો શો હોઈ શકે ? ........ કૃષ્ણ અને કવિશ્રી સુરેશ દલાલ બંનેની યાદમાં એમની જ કવિતા ....

મંદિર સાથે પરણી મીરાં, રાજમહલથી છૂટી રે ;
કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે !

આધી રાતે દરશન માટે આંખ ઝરૂખે મૂકી રે ;
મીરાં શબરી જનમજનમની, જનમજનમથી ભૂખી રે !

તુલસીની આ માળા પહેરી મીરાં સદાની સુખી રે ;
શ્યામ શ્યામનો સૂરજ આભે, મીરાં સૂરજમુખી રે !

કાળી રાતનો કંબલ ઓઢી મીરાં જાગે સૂતી રે;
ઘાયલ કી ગત ઘાયલ જાણે, જગની માયા જૂઠી રે !

- સુરેશ દલાલ

અને છેલ્લે .... 

આજ રીસાઇ અકારણ રાધા…
આજ રીસાઇ અકારણ
બોલકણીએ, મૂંગી થઇ ને
મૂંગું એનું મારણ ........

Tuesday, August 7, 2012

કંઈક હળવુ ...

મને પૂરી ખાત્રી છે કે મોબાઈલથી જેમ માણસને એસએમએસ  મોકલાય છે એમ જો ઈશ્વરને મોકલી શકાતો હોત તો આ મેસેજ બધા ભુલ્યા વગર ભગવાનને મોકલત...

तुम जैसा मोती पुरे समंदर में नही हे,
वो चीझ मांग रहा हु जो मुकद्दर में नही हे,
किस्मत का लिखा तो मिल जाएगा मेरे रब जी,
वोह चीझ दे दो जो किस्मत में नही हे ......

આપણને નહીં ફાવે...

આત્મસન્માન અને અભિમાન વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય છે.  એટલે કાયમ સચેત રહેવુ પડે કે સ્વમાન જાળવવાની લ્હાયમાં ક્યારેક અભિમાન તરફ ના વળી જવાય. અને જ્યારે સવાલ કોઇને ચાહવાનો હોય, પ્રેમનો હોય ત્યારે તો અભિમાન ચાલે જ નહી.... એ તો બરાબર છે .... પરંતુ  સ્વમાન બાજુ પર મૂકવુ પણ ના ચાલે.  કોઈ પ્રત્યે લાગણી રાખવી એનો અર્થ એ તો નથી જ હોતો કે સ્વમાન બાજુ પર મૂકી દેવું ....  જેમકે આ કવિ કહે છે તેમ - " તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે. .... "  ....................................

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.

કહો તો માછલીની આંખમાં ડૂબકી દઇ આવું,
પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે.

તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.

તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું ?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે

તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.

- ખલીલ ધનતેજવી