Wednesday, June 27, 2012

આપણી જ વાત


વાતને ઝરૂખે એક ઝૂરે છે લાગણી
                               …..આપણી !


એક એક પળ હવે પીગળીને પ્હાડ થાય
આપણી જ વાત હવે આપણી જ વાડ થાય

વાયરાને સંગ તોયે રાતરાણી એકલી
એકલી ઝૂરે છે અભાગણી.


હોઠો આ શબ્દોના પડછાયા પાથરે
સમણાંએ લંબાવ્યું આંખોને સાથરે

આગિયાની પાંખ પરે બેઠો સૂરજ : એની
રગરગમાં મારગની માગણી.

વાતને ઝરૂખે એક ઝૂરે છે લાગણી
                               …..આપણી ! ................


- જગદીશ જોષી

Tuesday, June 26, 2012

લોન પર ...


એક-બે આંસુ ઉછીના લાવવાના લોન પર,
લાગણીઓના મિનારા બાંધવાના લોન પર.

સાત ફેરાઓ ફર્યે કિસ્મત બદલતી હોય તો,
આગ જેવી આગને લઈ આવવાના લોન પર.

જિંદગી કૈં બેન્કમાં મૂકેલ થાપણ તો નથી,
રોજ શ્વાસોને જઈ ઉપાડવાના લોન પર.

જળ હવે જીવી રહ્યા છે ઝાંઝવાની રે’મથી,
વૃક્ષ જેવા વૃક્ષને ઉગાડવાના લોન પર.

સૂર્યમુખીને ભલા કોઈ જઈ કહેશો નહીં,
વાદળો તડકો સૂરજને આપવાના લોન પર.

એક શર્તે હુંય સપનાંઓ ઉછીના દઈ શકું,
પાંપણો પર ઘર નહીં બંધાવવાના લોન પર.

ગર્વ છે ‘ચાતક’, સમયની સ્હેજ ઉધારી નથી,
કિશ્ત અઘરાં છે અહીં ચુકાવવાના લોન પર....

-  દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

Thursday, June 21, 2012

ઘેટાં ખોવાઈ ઉનમાં...


ખોળો વાળીને સીમ ફેંદી વળી ને
હવે ફળિયે બેઠી છુ મારી ધૂનમાં,
કે મારા ઘેટાં  ખોવાઈ ઉનમાં
રણની રેતીમાં જો મોતી ખોવાય તો
રણને હું આંક લઈ ચાળું
ઊનના ઢગલામાં કાનટોપી દેખાય, પણ 
ઘેટાંને ક્યાંય નહીં ભાળું.
નેજવું કરીને આખો વગડો જોયો ને
હવે ડેલીએ બેઠી છું મારી ધૂનમાં,
કે મારાં ઘેટાં ખોવાઈ ગયાં ઊનમાં.
ઊનના દોરાની એક કેડી પકડીને
હું ઘેટાંને ગૂંથવા બેઠી
ઘેટાંને બદલે હું હાથમોજું લૈયાવી
કેટ્લીયે ગૂંચ મેં તો વેઠી .
ઊનના દડાની હૂંફ આઘી હડસેલી
હવે તડકે બેઠી છું મારી ધૂનમાં,
કે મારાં ઘેટાં ખોવાઈ ગયાં ઊનમાં.
ઊનને મેં ઘેટાંની ચામડી માની, પણ
ઘેટાંને ઊન થકી છેટું
મારું કોઈ ઠેકાણું રહ્યું નથી ક્યાંય
મારા ધાબળાનું સરનામું ઘેટું
કાળો તે કામળો ઓઢીને શેરીએ ફરવા
નીકળી છું મારી ધૂનમાં,


કે મારાં ઘેટાં ખોવાઈ ગયાં ઊનમાં. ....

- અનિલ જોષી 

Monday, June 18, 2012

સમજાય તો સમજાય...


જીવનનો કક્કો ને બારાખડી સમજાય તો સમજાય,
ખરેખર કોણ છે સાચો ધણી, સમજાય તો સમજાય.

હજારો જિંદગી પૂરી થઈ, પૂરી થતી રહેશે,
છતાં પણ માનવીને માનવી સમજાય તો સમજાય.

બધું ત્યાગી દઈને જાતને પણ ખોઈ દેવાનું,
સમંદરને કદાચિત્ આ નદી સમજાય તો સમજાય.

પડી ગઈ છે તિરાડો સ્વસ્થતામાં કેટલી તો પણ,
તરસ સ્મરણોની વાદળને કદી સમજાય તો સમજાય.

હવાની આવ-જા મારી જ માફક મૌન થઈ ગઈ છે,
હવે એને આ મારી ચૂપકી સમજાય તો સમજાય.

સદીઓ બાદ મારા ખાલીપાનું પાત્ર ખખડ્યું છે,
આ ઘટના સત્ય છે કે ભ્રમ હતી, સમજાય તો સમજાય.

તું આવે તો યુગોની રાહ પળથી પાતળી લાગે,
પ્રણયમાં કાળની આવી ગતિ સમજાય તો સમજાય.

સ્મરણનો નિર્દયી પથરો મને એકધારું કચડે છે,
ને પથરાના નયન ભીનાં જરી ? સમજાય તો સમજાય…

ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત,
કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય.

- વિવેક મનહર ટેલર (http://vmtailor.com)

Friday, June 15, 2012

તમે એમ માનો છો ?


કહેવાય છે કે ટોળાને બુધ્ધિ નથી હોતી ... એટ્લે જ મહાન લોકોના કદી ટોળા નથી હોતા. 
બાકી તો આ કવિતા ઘણુ કહી જાય છે.

તમે એમ માનો છો કે
આ પથ્થરબાજી કરવા તલપાપડ
ઊભેલા ટોળાના હાથમાં પથ્થર છે?
ના રે ના.
એ તો શાપિત  અહલ્યા છે.

તમે એમ માનો છો કે 
આ ચર્ચગેટથી વિરાર જતી
ફાસ્ટ લોકલમાં લટકનારાઓ
માણસ તરીકે ઓળખાય છે?
ના રે ના
એ તો ટ્રાન્સફરેબલ ગુડ્ઝ છે.

જો તમે એમ માની શકતા હો
કે હું માનું છું તો માનો.
પણ તમને ખબર છે?
એક દિવસ આપણે આ શહેરના
કબ્રસ્તાનમાં ઊભાં ઊભાં 
આ સવાલ પૂછીશું -
'આ શબને દાટવું છે.
બોલો સ્ક્વેર ફીટ્નો શો ભાવ છે ?' ....

- અનિલ જોષી 

અને છેલ્લે ...



ગીત નહીં, હમણાં સંભળાશે કોયલની ચિચિયારી,
એક કાગડો ફરી રહ્યો છે મોંમા લઈ સોપારી. ....



- કૃષ્ણ દવે

Thursday, June 14, 2012

- નહીં ...

આશ્ચર્ય એ જ વાતનું મનમાં રહ્યા કરે,
ખાલીપણાનું  ભાન  કોઈને  નડે  નહીં.

વનમાં, ભૂલીને ભાન,  રઝળતા  પ્રવાસને,
ઊડતાં  ઝીણાં  પતંગિયાં  નજરે ચડે  નહી.

આ શબ્દોમાંય  હોય  છે  દ્રશ્યોનાં  જંગલો,
અદ્રશ્યની  પ્રતીતિ  ગઝલમાં  જડે  નહીં.

દ્રશ્યોની  પાર  જાઉં  છું  ક્યારેક  ટહેલવા,
આંખો  મીંચાઈ  જાય  પછી  ઊઘડે  નહીં.

એના જીવનમાં હોય  નહીં  કોઈ  તાજગી,
રસ્તામાં  ચાલતાં  જે  પડે - આખડે  નહીં.

મારી  લથડતી  ચાલના  કારણમાં  એટલું,
હોવાપણાનો  ભાર  હવે  ઊપડે  નહીં.

રસ્તામાં  કોઈ  ફૂલ  શા માણસ  મળ્યા  હશે,
નહીંતર  'અનિલ'  આટલો  મોડો  પડે  નહી.


- અનિલ જોષી



Friday, June 8, 2012

તમે હો એવા સમયને પ્રણય ગણી લઉં ...



ભગવાન બુધ્ધ યશોધરા સાથે વાતો કરી રહ્યા હતા.
યશોધરા પણ દીક્ષા  લીધા પછી ભિક્ષુણી બનીને સંઘમાં જોડાઈ ચૂકી હતી.
કોઈક વિરલ પળે એણે બુધ્ધને પ્રશ્ન પૂછ્યો - "ભગવન! તમારી સાધનાના
વર્ષો દરમિયાન હું તમને ક્યારેક યાદ આવતી ખરી ?"

બુધ્ધે સ્મિત વેરીને નિખાલસપણે કહ્યુ - "હા, તું મને યાદ આવતી હતી. સરોવર
પર પૂર્ણિમાની રાત્રે ચંદ્રનાં કિરણો પરિવર્તન પામે, અને જે ચળકતો પટ સર્જાય
તેની વચ્ચેથી પસાર થતી સફેદ સઢવાળી નૌકાની માફક તુ તે વખતે મારા ચિત્તમાંથી
પસાર થઈ જતી હતી."

નિખાલસ હોવા જેટ્લી ધાર્મિક ઘટના બીજી જડવી મુશ્કેલ છે. નહી છુપાવવા જેવી વાતો
છુપાવવામાં માણસનું આયખુ ખતમ થઈ જાય છે. પરણવુ એટલે શુ તે સમજ્યા વગર
માણસ લગ્ન કરી પાડે છે. માતાપિતા થવુ એટલે શુ તે સમજ્યા વગર જ સંતાનો પેદા
કરે છે અને જીવન એટલે શુ તે સમજ્યા વગર જ મૃત્યુ પામે છે. થોરો કહે છે તેમ માણસ
ઈરાદાપૂર્વક જીવવાનું ચૂકી જાય છે.

- ગુણવંત શાહ.

અને છેલ્લે,

બચ્યા છે કેટલા ? એ શબ્દ પણ ગણી લઉં છું
છૂટો પડું છું ને ખુદની સિલક ગણી લઉં છું
ક્ષણો, કલાક, દિવસ, માસ, વર્ષ કે સૈકા
તમે હો એવા સમયને પ્રણય ગણી લઉં

- શોભિત દેસાઇ

Wednesday, June 6, 2012

વરસાદી વાછટ ...


અહી  તો વરસાદની શરુઆત થઈ ગઈ છે.  અને પહેલા વરસાદનો  આનંદ કંઈ ઓર જ હોય છે. પણ આ વાત એ લોકોને જ સમજાય જેમને મન મૂકીને ભીંજાવાનું ગમતુ હોય.  તો પહેલા વરસાદની વધામણીમાં હિતેન આનંદપરાનું આ ભીનું ભીનું ગીત ...

ચાલ હવે તો આનાકાની મૂક, બનીને મૂક, આ વરસાદી વાછટને ક્યાં સુધી જોતી રહેવાની?
હું સદા રહેવાનો તારી સાથ, કરી વિશ્વાસ, તું પકડે હાથ જો મારા, હથેળીએ કૂંપળ કૂટવાની. – ચાલ હવે.


વાત અચાનક શરૂ થાય ક્યાં, વાત અચાનક વધી જાય ક્યાં, એની ક્યાં ખબર પડે છે ?
ઓળખ અમથી હોય શરૂમાં, પછી તો આગળ હળતાં મળતાં, સંબંધને એક નામ મળે છે. – ચાલ હવે.


તું હોઠે હાથ મૂકે, બંધ આંખ કરે, એક નામ સ્મરે, એ નામ છે કોનું-ની અટકળ બસ ઉકેલવાની,
આવ કે આ ખુલ્લા આકાશે, રહીને પાસે, એકી શ્વાસે જીવી જઈએ આશ છોડી કોઈ બીજાની. – ચાલ હવે.


સુખની હરેક પળને હું કુરબાન કરી દઉં, તારા મુખ પર એક મજાનું સ્મિત મળે તો,
આ કોરાં શમણાં, સુક્કા શ્વાસો, ફિક્કી આંખો, જીવી જવાનાં, એક જો ભીનું ગીત મળે તો. – ચાલ હવે


– હિતેન આનંદપરા

આભાર - http://webmehfil.com 

Saturday, June 2, 2012

"ઈગો" - ચંદ્રકાન્ત બક્ષી

'બદલો તો માણસનો શબ્દ છે.
ઈશ્વરને ન્યાયથી સંબંધ છે.
ઉપરવાળો જેટલા સરવાળા કરે છે,
એટલી જ બાદબાકી કરી નાખે ્છે.
એનો  હિસાબ  ચોખ્ખો છે.
આપણે નથી સમજતા એટલે
હિસાબમાં ભૂલો કરીએ છીએ.

ભગવાનના ત્રાજવાનાં
બે પલ્લાં સરખાં જ હોય છે.
એનાં આપેલા સુખનું અને દુખનું
વજન સરખું હોય છે.
એક જ પલ્લામાં એ સુખસાહેબી મૂકે છે.
માણસ દુનિયા જીતીને
સિંહાસન પર બેસે તો
રાતે ઈશ્વર એની ઉંઘ લઈ લે છે!
સમયની સાથે દુર્બુધ્ધિ પણ એ જ સુઝાડે છે.

========================================

મને હાથની રેખાઓમાં રસ નથી,
કપાળની રેખાઓમાં રસ છે.
કારણકે તે માણસે પોતે બનાવેલી હૌય છે.
ભગવાનની આપેલી નથી હોતી.

- ચંદ્રકાન્ત બક્ષી

Friday, June 1, 2012

અવસર ...

લાવ તારો હાથ, એમાં આપણો અવસર મૂકુ,
માછલી જળમાંથી કાઢુ ને પછી તટ પર મૂકુ.

સાપની સામે નિસરણી, ને પછીની ચડઊતર.
ઓસ ફોડીને સૂરજ મૂકુ અને ક્ષણ ભર મૂકું.

સાવ મારુ છે અને સાવ પરબારુ જ છે,
આંસુ તાજુ છે, છતાં હું હોડમાં સરવર મૂકુ.

આંખ ભીની થાય ત્યાં તુ વ્હાલ રેતીમાં મૂકે,
હું વરસતા મેઘ વચ્ચે ભોંયને પડતર મૂકુ.

સહેજ પોરો ખાઈ લઈને હાથના વેઢા ગણું,
હાથમાં ચપટીક ચોખા છે અને ઘરઘર મૂકું.

- ચિનુ મોદી