Friday, April 29, 2011

શબ્દોનાં વન ...

શબ્દોનાં વન, તારા નામનો પવન
પછી જીવવાનું કેવું મજાનું,
આ ગીતો તો ક્યારનાં શોધે છે
સજન તમને મળવાનું બહાનું.
 
દર્પણ પૂછે છે રોજ, આંસુ લૂછે છે રોજ,
ચહેરો ખૂટે છે એક ગમતો,
ઘરની ભીંતોને આજ ઘેલું લાગ્યું છે
એક પડછાયો મુકવો છે રમતો, 
કાનમાં કહું પેલા વાયરાને
આજમાં સંભળાતું નામ તારું છાનું.
 
પીંછું પણ સામેથી મોરને શોધે છે
એવા દિવસોનું કરવું પણ શું?
ગીતોને પંક્તિની પાંખો ફૂટે ને
આ ઉઘડે છે આસ-પાસ તું. 
તું પણ શોધે છે મને મળવાનું બહાનું
એ વાત હવે કેમ કરી માનું? ...
 
આ ગીતો તો ક્યારનાં શોધે છે
સજન તમને મળવાનું બહાનું....

- અંકિત ત્રિવેદી

Thursday, April 28, 2011

કે લીલાનું થાશે મિલન આજ રાતે. .....

આસિમ રાંદેરી અર્થાત જનાબ મહમૂદમિયાં મોહમ્મદ ઈમામ સૂબેદાર.... જી હા, આ શ્રી આસીમ રાંદેરીનુ આખુ નામ છે. એમનો જન્મ ૧૫-૦૮-૧૯૦૪ અને તેઓ ૧૦૪ વર્ષના દીર્ઘાયુષ્ય પછી  ૦૫-૦૨-૨૦૦૯ ના રોજ ન્ન્તનશીન થયા.  જેમ રમેશ પારેખની કવિતાઓમા "સોનલ " નુ સ્થાન અનોખુ છે તેમ કવિ શ્રી આસીમ સાહેબ ની કવિતાઓમા  "લીલા"  પણ કંઈક અનોખુ અને વિશિષ્ટ સ્થાન ધરાવે છે. જેમકે  ....

એ જ બગીચો,એ જ છે માલી,
એ જ ઉષા ને સંધ્યાની લાલી,
કૈફ છલોછલ પુષ્પની પ્યાલી,
કોયલ બુલબુલ ડાલી ડાલી,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
કિંતુ મારી લીલા ક્યાં છે.

*************************************
જીવનને આંગણે તારી જુદાઇમાં લીલા
દિવસ કે રાત હોય બન્ને ઉદાસ આવે છે
ને વરસો વિત્યાં છતાં પણ કિનારે તાપીના
હજીય શ્વાસની તારા સુવાસ આવે છે. .........
 

*************************************

કે લીલાનું થાશે મિલન આજ રાતે.
 
સુંવાળો છે શીતળ પવન આજ રાતે,
પ્રસારે છે ખુશ્બુ ચમન આજ રાતે,
રુકેલી છે આંખો ગગન આજ રાતે,
ખીલે કાં ન કુદરતનું મન આજ રાતે;
ન કાં હોય એ સૌ મગન આજ રાતે,
કે લીલાનું થાશે મિલન આજ રાતે.

હતી કલ્પનામાં જે રાહતની દુનિયા,
મને જોવા મળશે એ રંગતની દુનિયા,
મુહોબ્બતની આંખો મુહોબ્બતની દુનિયા,
બની જાશે ઘર એક જન્નતની દુનિયા;
થશે હૂરનું આગમન આજ રાતે,
કે લીલાનું થાશે મિલન આજ રાતે.

જીવનને કહો આજ દિપક જલાવે,
હૃદય લાગણીઓના તોરણ બનાવે,
ઉમંગો શયનસેજ સુંદર બનાવે,
નયનનું છે એ કામ પાંપણ બિછાવે;
પધારે છે એ ગુલબદન આજ રાતે,
કે લીલાનું થાશે મિલન આજ રાતે.

વહે છે નસેનસમાં જેની મુહોબ્બત,
નયનમાં છે જેની સદા રમ્ય સૂરત,
હૃદય મારું છે જેની સંપૂર્ણ મિલકત,
કવનમાં છે જેની જવાનીની રંગત;
હું ગાઈશ એના કવન આજ રાતે,
કે લીલાનું થાશે મિલન આજ રાતે.

હું દમ જેની પ્રીતીનાં ભરતો રહ્યો છું,
જૂદાઈમાં જેની હું મરતો રહ્યો છું,
વિચારોમાં જેનાં વિચરતો રહ્યો છું,
કવિતા સદા જેની કરતો રહ્યો છું,
થશે એના સો સો જતન આજ રાતે;
કે લીલાનું થાશે મિલન આજ રાતે.

પ્રથમ પ્રેમમંદિરમાં લાવીશ એને,
પછી ભેટ દિલની ધરાવીશ એને,
બધી આપવિતી સુણાવીશ એને,
કહું શું કે શું શું જણાવીશ એને;
થશે દિલથી દિલનું કથન આજ રાતે,
કે લીલાનું થાશે મિલન આજ રાતે.

કહો કોઈ ‘આસિમ’ને વીણા ઉઠાવે,
ગઝલ એક મીઠી મિલનની સુણાવે,
ન ઉતરે નશો એવી રંગત જમાવે,
મુહોબ્બતનાં માદક તરંગે ચઢાવે,
એ પૂરું કરે છે વચન આજ રાતે;
કે લીલાનું થાશે મિલન આજ રાતે.....
- આસિમ રાંદેરી 

Wednesday, April 27, 2011

મઝા જે હોય છે ચૂપમાં તે ચર્ચામાં નથી હોતી...

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.
મઝા જે હોય છે ચૂપમાં તે ચર્ચામાં નથી હોતી.

દયામાં પણ નથી હોતી, દિલાસામાં નથી હોતી,
કહે છે જેને શાંતિ દિલની, દુનિયામાં નથી હોતી.

ગુલાબી આંખની રંગીની શીશામાં નથી હોતી,
નજરમાં હોય છે મસ્તી તે મદીરામાં નથી હોતી.

મજા ક્યારેક એવી હોયે છે ‘ના’માં પણ,
અનુભવ છે કે એવી સેંકડો ‘હા’માં નથી હોતી.

જઈને તૂર ઉપર એમણે સાબિત કરી દીધું;
કે આદમ જેટલી હિંમત ફરિશ્તામાં નથી હોતી.

તમારી આ યુવાનીની બહારો શી બહારો છે !
બહારો એટલી સુંદર બગીચામાં નથી હોતી.

અરે આ તો ચમન છે, પણ યદિ વેરાન જંગલ હો,
કહો જ્યાં જ્યાં તમે હો છો મજા શામાં નથી હોતી ?

મોહબ્બત થાય છે પણ થઈ જતાં બહુ વાર લાગે છે,
મોહબ્બત ચીજ છે એવી જે રસ્તામાં નથી હોતી.

ગઝલ એવીય વાંચી છે અમે ‘લીલા’ની આંખોમાં.
અલૌકિક-રંગમય જે કોઇ ભાષામાં નથી હોતી.

અનુભવ એ પણ ‘આસીમ’ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.

-આસિમ રાંદેરી

Monday, April 25, 2011

છૂટાછેડા તે કંઈ લેવાતા હશે ?

અગેઈન આ હુ નહિ ડો. નલિની ગણાત્રા જ કહે છે. આની પહેલા "લગ્નની સીઝન અને છૂટાછેડા " એ લેખ અહી પોસ્ટ કરેલો  અને એમનો એ લેખ જેણે આખો વાચ્યો હશે એણે એના અંતમા આ વાચ્યુ જ હશે કે નલિનીબેને કહેલુ કે હવે પછીનો લેખ "છૂટાછેડા તે કઈ લેવાતા હશે ?" પર  હશે. તો હવે એના અનુસંધાનમા બેક ટુ બેક આ લેખ પણ મૂકવો જ રહ્યો કેમ કે આ લેખ પણ એની સાથે જોડાયેલો  જ છે. વળી આગળનો લેખ વાચીને કોઈને છૂટાછેડા લેવાની ઈચ્છા થઈ જાય તો એમના એ વિચાર પર બ્રેક મારવા આ લેખ પણ વંચાવવો જરુરી છે ...... તો એન્જોય ......... 

Thursday, April 21, 2011

 બે દિવસ પહેલા પરણેલાઓને છૂટાછેડા લેવાની ઈચ્છા થઈ જાય એવો ડો.નલિની ગણાત્રાનો લેખ અહી મૂકેલો . ઉમર થાય એટલે as usual  લગ્ન માટે "યોગ્ય પાત્ર" ની શોધખોળ શરુ થઈ જાય. પણ મોટેભાગે બધાની શોધ ખાલી "પાત્ર" પામીને જ અટકાવવી પડે છે. "યોગ્ય" તો કોઈ નસીબવાળાને જ મળે છે. એટલે જ તો આ જુઓ કવિ મુકેશ જોષીની કવિતાની નાયિકાએ સમજીને સીધી ભગવાનને જ અરજી કરી છે. કોઈ આલતુ-ફાલતુ  વ્યક્તિ પોતાને પ્રસ્તાવ મોકલે એના કરતા ભગવાનજી સીધા તમે જ પ્રથમ પ્રસ્તાવ લઈને આવો એટલે બીજી કોઈ મથાકૂટ જ નહી. ને વળી તૈયારી પણ ફૂલ છે - ઘરવાળા ના પાડશે તો ભગવાન સાથે ભાગી જવામા પણ વાધો નથી. વાહ! " ભગવાન સાથે ભાગી જવુ " ...... કલ્પના જ કઈક અદભુત લાગે છે.

હરિ ! તમે તો સાવ જ અંગત સાંભળજો આ મરજી
ઘણા મૂરતિયા લખી મોકલે વિગતવાર માહિતી,
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

હરિ હવે તો ઉંમર મારી પરણું પરણું થાઉં
હરિ, તમોને ગમશે? જો હું બીજે પરણી જાઉં?
મને સીવી લે આખી એવો બીજે ક્યાં છે દરજી?
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

હરિ, તમારી જનમકુંડળી લખજો કોરા પાને
મારા ઘરના બધાય લોકો જન્માક્ષરમાં માને
હરિ, આપજો માગું મૂશળધારે ગરજી ગરજી..
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

હરિ ! અમારા માવેતરને જોવા છે જમાઇ,
એક વાર જો મળી જાઓ તો નક્કી થાય સગાઇ,
હરિ ! તમારે માટે જો ને મને રૂપ દઇ સર્જી
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

ઘરવાળાઓ ના પાડે તો આપણ ભાગી જાશું
લગ્ન કરીશું, ઘર માંડીશું, અમૃત અમૃત થાશું
પછી તમારી ઘરવાળી હું, ને તમે જ મારા વરજી !
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

- મુકેશ જોષી
આભાર,
http://tahuko.com

ઐશ્વર્યા મજુમદાર ના અવાજમા આ ગીત ટહુકા પર સાંભળી પણ શકાશે .....

Monday, April 18, 2011

લગ્નની સીઝન અને છુટાછેડા ...

હાલ તો ચૈત્ર મહીનો ચાલે છે પણ દસ પંદર દિવસ પછી વૈશાખ શરુ થશે અને વૈશાખમા એક બળબળતી બપોર હોય, નાના બાળકોને વેકેશન હોય અને એક હોય લગનની સીઝન. જોકે મેરેજની સીઝન તો હવે બારે મહિના હોય છે નોટ એક્ઝેટલી ધેટ પણ બે-ચાર મહીના બાદ કરતા બાકીના બધા મહિના મેરેજ સીઝન જ હોય છે અત્યારે તો. પણ કેવુ લાગે જો ડીવોર્સની પણ સીઝન હોય તો ! અજીબ લાગે છે ને પરંતુ આ હુ નહી ડો. નલિની ગણાત્રા કહે છે. સંદેશમા થોડા મહીના પહેલા આવેલો ડો. નલિની ગણાત્રાનો લેખ આખેઆખો તમારા માટે અલબત્ત જેમણે ના વાચ્યો હોય એમના માટે ખાસ ... એન્જોય ... :-)


Thursday, April 14, 2011

ન સાંભળે ...

પથ્થરના બનેલા છે આ રસ્તા, ન સાંભળે
લોહીલુહાણ ચરણોની પીડા ન સાંભળે,

એને કહેવું શું કે જે અષાઢ - શ્રાવણમાં
કેસેટ સાંભળે ને ટહુકા ન સાંભળે,

મળવા ધસેલી એક સરિતાના કાનમાં
દરિયો જે કરે વાત તે મોજાં ન સાંભળે !

વીણા વગાડવી છે પરંતુ સચેત છું
થોડાંક સાંભળે ને ટોળાં ન સાંભળે,

ઘડિયાળ છે જીવંત, સમય તાલબધ્ધ છે
ભીંતોનો દોષ છે જે ટકોરા ન સાંભળે,

એ છે અધીરતા કે ઉપેક્ષા ખબર નથી
આખી ગઝલ સુણે અને મક્તા ન સાંભળે...

- ભગવતીકુમાર શર્મા

નેતાજી... એક ટુચકો / શોર્ટ-સ્ટોરી / કંઈક હળવુ હળવુ ...

બે દિવસ પહેલા અહી ભ્રષ્ટાચારની વાત કરી હતી .... ભ્રષ્ટાચારની વાત આવે એટલે પોલીટીક્સ તો યાદ આવે જ ને! અને પોલીટીક્સને યાદ કરીએ તો ચૂંટણી તો શેની ભુલાય ! આખરે આ બધી એક જ સાંકળની કડીઓ છે. ને વળી કોર્પોરેશનની ચૂંટણીની મોસમ છે તો ભાઈ મોકા ભી હે ઓર દસ્તૂર ભી હે એટલે ....

આજે ચૂંટણી પર એકૂ ટૂચકો ...

ચૂંટણી આવવાની હતી એટલે as usual  નેતાજી એમના મતવિસ્તારમા ફરવા નિકળે છે.ઘેરઘેર જાય હાથ જોડીને ઉભા રહે કૃત્રિમ
સ્મિત આપીને (સાચુ સ્મિત તો આવે જ ક્યાથી?) ઉભા રહે છે ને લોકોને ઉભા રાખે છે ને પૂછે છે "આપ કેમ છો ? કંઈ તકલીફ હોય તો કહો ....." ગામલોકો પણ જાણે જ છે કે વોટ મગવા આવ્યા છે એટલે હમણા કરશે આવા નાટક અને જેવી ચૂટણી પતશે એટલે પાચ વર્ષ માટે થઈ જશે અલોપ. તકલીફ તો કઈ દૂર નહી કરે ને ઉલ્ટાનુ અત્યારે ટાઈમ ખોટી કરશે અને માથુ ખાશે એટલે એના કરતા તો તક્લીફો ભોગવી લેવી સારી.

આવી હાલતમા એ નેતાજી ઘેર ઘેર ફરતા ફરતા પાદરે  આવેલા એક ઘર આગળ જાય છે. આંગણામા એક છોકરી ભેંસ દોહતી હોય છે. અને અંદર રસોડામા એની મા રોટલા ઘડતી હોય છે. પેલા નેતાજી અહી આવે છે ને હાથ જોડીને પેલી છોકરીના ખબર અંતર પૂછવા લાગે છે. નેતાજીનો અવાજ અંદર રસોડામા રોટલા ઘડતી માના કાને પહોચે છે. એટ્લે મા બૂમ પાડીને છોકરીને કહે છે, 
"છોડી અજાણ્યા મરદ હારે વાત ના કરતી,અંદર આવતી રીયે ."

છોકરી જવાબ આપે છે,"મા ! આ તો મરદ નથી આવ્યા, ઓલા આપણા નેતાજી આવ્યા છે. "

"તો તો ભેંસને પણ અંદર લેતી આવ ... " નેતા સંભળે એવા અવાજે મા અંદરથી હકોટૉ દે છે.

ઈન શોર્ટ હવે ગામડા ની પ્રજા પણ એટલી ભોળી નથી રહી. એ પણ જાણી ગઈ છે કે રાજકારણીને ભરોસે રહીશુ તો ભેંસ પણ ગુમાવાનો વારો આવશે .

- તારક મહેતાના એક પુસ્તકમાથી વાચેલ પ્રસંગ ....


અને છેલ્લે પ્રસંગને થોડી અનુરુપ એક હઝલ .....
 
કલમના એક ગોદે બારના બાવન કરી લઈશું
પછી માળા જપીને દેહને પાવન કરી લઈશું.

ન્યાછાવર દેશ કાજે હર્ષથી તનમન કરી લઈશું
છતાં બે પેઢી ચાલે એટલુઁ સાધન કરી લઈશું.

અમે સેવાને નામે સ્ટેજ પર ક્રંદન કરી લઈશું
પછી ઝોળી ભરીને સર્વને વંદન કરી કરી લઈશું

તમારી યાદમાં સીગરેટનું સેવન કરી લઈશું
મહોબ્બતમાં અમે દાખલ નવી ફેશન કરી કરી લઈશું.

પ્રજાને થાપ આપી બંગલા ડર્ઝન કરી લઈશું
પછી આનંદથી ગોકુળને વૃંદાવન કરી લઈશું.

અમે તો હેતને કિર્તી તણા ભૂખ્યાં છીએં કિંતુ
મફતનુઁ જો મળે તો ભાવતું ભોજન કરી લઈશું.

ઊડે રોકેટમાં સોવિયેટ વાળા તો હા ઉડવા દો
અમે તો ઊંટને ગર્ધવ તણાં વાહન કરી લઈશું.

પ્રણય ગોષ્ઠિ મહીં ચંપલ તમે ઠોકી તો શો ગમ છે
તમારી પાદુકાનુઁ પણ અમે પૂજન કરી લઈશું.

-આઈ.ડી.બેકાર સાહેબ(મરહુમ)

Tuesday, April 12, 2011

તો શુ થશે ? .....

દર્દને વચા મળે તો શુ થશે ?
મૌન પડઘાતુ રહે તો શુ થશે ?

લાગણીમા કેટલાયે છેદ છે !
છેદ લંબાતા જશે, તો શુ થશે ?

શ્વાસને ધબકાર આજે સ્તબ્ધ છે,
જીવતા મરવુ પડશે તો શુ થશે ?

કો'કના અંધારને દીપાવવા,
જિંદગી આખી બળે, તો શુ થશે ?

પ્રેમનો પર્વત સમેટુ જાતમાં,
ને, હિમાલય ઓગળે, તો શુ થશે ?

છે ઘણીયે અટકળો ને શક્યતા,
ના થવાનુ જો થશે, તો શુ થશે ??...

- આશા પુરોહિત

ભ્રષ્ટાચાર ... short story ...

આજકાલ ભ્રષ્ટાચાર + લોકપાલ બિલ + અણ્ણા હજારે આ ચર્ચા  જોરશોરથી ચાલે છે. અને લોકોનો ટેકો પણ એમા સારો એવો મળી રહ્યો છે. પણ આપણા અત્યાર સુધીના કાયદા હંમેશા કાચા રહ્યા છે અને કોઈ ને કોઈ છટકબારી તો રહેલી જ હોય છે એટલે હવે આ લોક્પાલ બિલ કદાચ પાસ થાય તો પણ કેટલુ અસરકારક રહેશે તે તો આવનાર સમય જ બતાવશે. પણ વાત ભ્રષ્ટાચારની ચાલે છે તો મને એક વાર્તા યાદ આવે છે.

આપણે જાણીએ છીએ કે આજે એકપણ એવુ ક્ષેત્ર નથી જે  ભ્રષ્ટા્ચારથી ભ્રષ્ટ થયેલ ના હોય અને રેલવે તો વળી એમા બાકાત ક્યાથી હોય ! 

ભ્રષ્ટાચાર ...
દિવાળી  જેવો સમય હોય ત્યારે તો રલવેના ટીકીટ કાઉન્ટર પર કેટ્લી ભીડ હોય ! લોકો વહેલી સવાર થી આવીને લાઈનમા ઉભા રહી જતા હોય છે જેથી વહેલા તે પહેલાના ધોરણે ટીકીટ મેળવી શકે. લાઈન બહુ લાંબી છે.એમા વચ્ચે બે ભાઈ પણ સવારથી ભૂખ્યા તરસ્યા લાઈન મા ઉભા છે. આગળ ઉભેલ ભાઈ અહી શહેરમા ધંધો - મજુરી કરે છે. દર બે-પાચ મહીને ઘરે જઈ શકે અને પરિવારને મળી શકે એટલા પૈસા એની પાસે નથી હોતા એટલે છેલ્લા પાચ-છ વર્ષથી એ ઘરે નહોતો જઈ શક્યો જે કમાતો એમાથી થોડા પૈસા પોતાની પાસે રાખી દેશમા પોતાના પરિવાર માટે મોક્લાવી દેતો. દેશમા એની પત્નિ છે બે છોકરીઓ છે જેમના લગ્ન કરવાના છે બે છોકરા છે જેમને ભણાવવાના છે. પત્નિ અને સંતાનોએ છેલ્લા પાંચ વર્ષથી પિતાનુ મોઢુ નથી જોયુ અને પિતા પણ એના પરિવાર ને છેલ્લા પાચ વર્ષથી મળ્યો નથી. આ વખતે માંડ થોડા પૈસા ભેગા કરીને દેશમા જવા માટે ક્યારે પોતાનો નંબર આવે એની રાહ જોતો ટીકીટ લેવા ઉભો છે. આ વખતે દેશમા જાય તો મોટી દિકરીનુ સગપણ નક્કી કરવાનુ છે. દિકરાઓ તો બહુ નાના હતા ને એમને છોડીને એ દેશમા આવેલો એમની સાથે બહુ બધી વાતો કરવાની છે. પત્નિનુ મોઢુ જોયે તો દિવસો થઈ ગયેલા એની સાથે પણ બે ઘડી શાન્તિથી બેસીને વાતો કરવી છે અને ગામનુ ઘર પણ ઠીકઠાક કરાવાનુ છે. જો આ વખતે દેશમા નહી જવાય તો બીજા થોડા વર્ષ મેળ નહી પડે કેમ કે પછી સમય કઢવો મુશ્કેલ થઈ પડ્શે ને એ પોસાય એવુ નહોતુ  એમ મનમા બધા કામ ગોઠવતો એ પોતાનો નંબર આવવાની અને પોતાને ટીકીટ મળી જાય એમ પ્રાર્થના કરતો ઉભો છે.

એની બરાબર પાછળ એક બીજો ભાઈ પણ પોતાને જલદી ટીકીટ મળી જાય એમ રાહ જોતો ઉભો છે. એની આર્થિક પરિસ્થિતિ થોડીક સારી છે પણ એટલી નહી કે એસી કોચ અફોર્ડ કરી શકે ને એનુ ગામ પણ અંતરિયાળ વિસ્તારમા જ છે જ્યા ટ્રેન જ એક્માત્ર સરખુ સાધન છે પહોચવા માટેનુ. એને ગઈકાલે સાંજે કાગળ મળ્યો છે એની માતા અંતિમ શ્વાસ ગણી રહી છે એનુ  સમયસર ગામ પહોચવુ ખૂબ જરુરી છે. નહી તો એ પછી ક્યારેય એની માને મળી નહી શકે. એની આંખ સામે એની માની યાદો તાજી રહી છે. કેટલી મુસીબતો વેઠીને એને મોટો કર્યો એની માએ એ બધા જ સારા-માઠા દિવસો યાદ કરતો એ ઉભો છે. જો ગામમા જ સારી રોજીરોટી મળી ગઈ હોત તો આટલે દુર એ આવતે પણ નહી કમાવવા માટે અને આજે જ્યારે એના માની અંતિમ ઘડીઓમા એણે એની મા પાસે હોવુ જોઈએ ત્યારે તે અહી ટીકીટની લાઈનમા ઉભો છે એ વાત એને વારેવારે ખટક્યા કરે છે  ના કરે નારાયણ ને એના પહોચતા પહેલા એની મા ને કઈ થઈ જાય તો પણ અંતિમવિધિ માટે પણ એનુ ગામ પહોચવુ જરુરી છે કોઈપણ સંજોગ મા.

અને ટીકીટ્બારી ખુલે છે પેલા બંને જણાને થાય છે હાશ હમણા નંબર આવશે ને ટીકીટ મળી જશે.  પણ ..... ત્યા તો પેલા બંને જણાની આગળ એક-બે જણ જ બાકી હોય છે અને લાઈનમા ગણગણાટ શરુ થાય છે કે ટીકીટ ખતમ થઈ ગઈ. બસ છેલ્લી કદાચ એકાદ   ટીકીટ જ બચી છે. બંને ના પેટમા ફાળ પડે છે કેમ કે બંનેનુ ગામ જવુ જરુરી છે. જો કે આગળવાળાને થાય છે કે છેલ્લી ટીકીટ છે તો મને તો મળી જ જશે. અને પાછળવાળાને થાય છે કે ટીકીટ નહી મળે તો શુ થશે ! અચાનક એ ટીકીટબારી વાળા સામે જોવે છે અને એને કહે છે કઈપણ કરો સાહેબ પણ એક ટીકીટ આપાવો. પેલો સાહેબ કઈક ઈશારો કરે છે પાછળવાળો સમજી જાય છે કચવાતા મને ધીરેથી થોડા પૈસા સરકાવે છે અને આ તરફથી કોઈને ખબર પણ ન પડે એમ એના ગજવામા ટીકીટ આવી જાય છે.

પેલો આગળવાળો કુટુંબને હવે તો ખબર નહી ક્યારે મળાશે એવા થોડા નિસાસા ને થોડા આક્રોશ  સાથે પાછો ફરે છે. ને હંમેશા પ્રામાણિકતાથી જીવવાવાળો પેલો પાછળવાળો ભાઈ થોડા કચવાતા મને ટ્રેન પકડવાની તૈયારી કરે છે.

બોલો આમા વાંક કોનો ? કાયદેસર હક તો પેલા આગળવાળાનો હતો અને એનુ પણ ગામ જવુ અત્યંત જરુરી હતુ જ તો આ તરફ પેલા પાછળવાળા ભાઈને પણ ગામ ગયા વગર છૂટકો નહોતો. પ્રશ્ન એ થાય છે કે અહી દોષ કોને દેવો ? પેલા પાછળવાળાએ લાંચ આપીને ટીકીટ લીધી એ ખોટુ તો છે જ પણ એને છૂટ્કો નહોતો ... જો એ આગળવાળા ભાઈને કહેત કે તુ ગામ પછી ક્યારેક જજે તો શુ એ માની જાત ? શુ એ આગળવાળો પણ પ્રમાણીક તો છે જ પણ એટલો સજ્જ્ન એ નિક્ળત કે સામે થી પાછળવાળા ને કહેત " લે ભાઈ ! જા તુ લઈ લે ટીકીટ ! હુ તો બીજા થોડા વર્ષ પછી જઈશ !  " પ્રશ્ન એ પણ છે કે એ આવી સજ્જનતા બતાવવા બંધાયેલો પણ ક્યા છે?. જ્યારે પાછળવાળની મરતી મા ને મળવાની ઈમર્જન્સી ના હોત તો એ પણ આવુ પગલુ ના ઉઠાવત. રહ્યો સવાલ પેલા લાંચ લેનાર ટીકીટ્બારીવાળાનો .... ભ્રષ્ટ તો એ છે જ એમા તો બેમત નથી પણ ધારો કે એ પ્રાંમાણીક હોત તો પેલા પાછળવાળાને એની મા ની અંતિમ ક્રિયા કરવા પણ ના મળત. ને પ્રમાણીકની સાથે સાથે એ ટીકીટબારીવાળો થોડો સમજદાર ને દયાળુ હોત તો શુ એ પેલા આગળવાળાને સમજાવી શકત કે " ભાઈ તુ તારો હક જતો કરીને આને આની માતા પાસે જવા દે! " ..... ને એને શુ એવો હક હતો કે એની પાસે એવો સમય પણ હતો કે પરિસ્થિતિની ગંભીરતા સમજીને કોને સહુથી વધારે ઈમરજન્સી છે એ જોઈને ટીકીટ વહેચે ???

વેલ ! આ તો એક પ્રસંગ છે ..... ૧૦૦માથી ૬૦% લોકો પ્રમાણીક જ હોય છે મોટાભાગની બાબત મા. ૨૦% લોકો મોટેભાગે મજબૂરીમા કે જાણે અજાણ્યે તો ક્યારેક લાપરવાહી થી અપ્રંમાણીકતાનો સાથ આપતા હોય છે. અને બાકીના ૨૦% જ હાથે કરીને અપ્રામાણીક હોય છે. જો કે એનો અર્થ એ નથી કે અપ્રંમાણીકતા કે ભ્રષ્ટાચારને  સ્વીકારી ને એને સાથે આપવો જોઈએ. બેશક એની સામે જ્યારે પણ મોકો મળે અવાજ ઉઠાવવો જ જોઈએ અને જે અવાજ ઉઠાવે એને સાથ પણ આપવો જ જોઈએ. પણ ક્યારેક સંજોગો અજીબ થઈ જતા હોય છે અને ત્યારે પરિસ્થિતિનુ માપ કાઢી યો્ગ્યતાનો  ન્યાય તોળવો એ આપણા જેવા સામાન્ય માણસ માટે અઘરુ થઈ જાય છે..... 

ખુદ માણસ જાત જ ક્યા સહેલી છે ? 

અને છેલ્લે ....

રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે;
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે.
પહાડથીયે કઠ્ઠણ મક્કમ, માણસ છે;
દડદડ દડદડ દડી પડે ભૈ, માણસ છે.
ચંદર ઉપર ચાલે ચપચપ, માણસ છે;
ને બે ડગલે ખડી પડે ભૈ, માણસ છે.
સૂર્યવંશીનો પ્રતાપ એનો, માણસ છે;
ભરબપ્પોરે ઢળી પડે ભૈ, માણસ છે.
પૂજાવા ઝટ થયા પાળિયા, માણસ છે;
ટાણે ખોટ્યું પડી, પડે ભૈ, માણસ છે.

Saturday, April 9, 2011

આવ તારા સમય પર બે'ક મારી પળ લગાવી દઉ...

ઉનાળો શરુ થઈ ગયો છે અને સાચે જ હવે તો તડકો વાગે પણ છે અને દઝાડે પણ છે .... કવિ તો કહે છે કે ઝાકળ લગાવો પણ ઝાક્ળનુ કઈ પેકેજીંગ કરીને થોડુ સાચવી રખાય છે કે એ ફેસ પાવડરની જેમ ડબ્બામા થોડુ મળે છે કે ઈચ્છા થાય ત્યારે એને માપ જેટ્લુ હાથમા લઈને લગાડી શકાય ! સાચે જ કવિની હોય કે અ-કવિની હોય પણ કલ્પનાને ક્યારેય પહોચી શકાતી નથી અને એટલે જ એ સુંદર લાગે  છે.

દ્વાર પર સાકળ લગાવી દઉ, નયનમા જળ લગાવી દઉ,
આવ આ તારા સમય પર બે'ક મારી પળ લગાવી દઉ.

કેમ ગુમસુમ થઈ ગયો ? કૈં બોલ ને, આ ઘાવ શાના છે ?
શું થયું, તડકો તને વાગ્યો ? જરા ઝાકળ લગાવી દઉ ?

જેમ તું કે' એમ થાશે, સૌ પ્રથમ અધિકાર તારો બસ !
બોલ, અંધારું લગાવું કે પછી ઝ્ળહ્ળ લગાવી દઉ ?

સાવ કોરોકટ ભલે હો, સાવ સુક્કોભઠ્ઠ ભલે હો, પણ,
આવ, ચાલ્યો આવ, તારામાં નદી ખળખળ લગાવી દઉ.

શબ્દ સઘળા ગણગણી ઉઠે તને, તું રણઝણી ઊઠે,
કૈંક તારા ફેફસામાં એટલું ચંચળ લગાવી દઊં ....

- અનિલ ચાવડા

Friday, April 8, 2011

ઈશ્વરનુ અસ્તિત્વ - એક શોર્ટ સ્ટોરી ...

આજે  કવિતાઓમાથી થોડો વિરામ લઈને એક મિત્રની ખાસ રીક્વેસ્ટ પર એક શોર્ટ સ્ટોરી .......

આ દુનિયામા એક માણસજાત અને એક ઈશ્વરજાત આઈમીન "ઈશ્વર- ગોડ - ભગવાન - અલ્લા .." - આ બેના માથે જબરજસ્ત માછલા ધોવાયા છે.કવિઓ, લેખકો, ફિલોસોફરો એ એને વખાણવામા ને એને વગોવવામા કોઈ કસર છોડી નથી. પણ અંતે તો હેમ નુ હેમ ..... એ ન્યાયે આ બંને વિષયો પર  ચર્ચા ક્યારેય પૂરી થઈ નથી કે થવાની નથી. એ ક્યારેય સમજાયા નથી કે સમજાવાના નથી. પણ એક હકીકત છે કે આ બંને વિષય નથી સમજાયા એટલે જ તો આપણા બધાનો ટાઈમ પાસ થાય છે આઈમીન એને જાણવા - સમજવામા જ લાઈફ આટલી મીસ્ટીરીયસલી  બ્યુટીફૂલ છે ને ક્યારેક બ્યુટીફૂલી મીસ્ટીરીયસ છે. એની વેયસ ..... આપણે ચર્ચા નહી વાર્તા જ કરીએ .... :)

*********      *********       *********

ઈશ્વરનુ અસ્તિત્વ થી ...

ઍક્વાર એક ભાઈ વાળ કપાવવા વાળંદને ત્યા જાય છે. અને રાબેતા મુજ્બ વાળંદ વાળ કાપતો કાપતો પેલા ભાઈ જોડે વાતો કરવાનુ શરુ કરે છે. તમે ક્યાના છો ને ક્યા રહો છો... શેમા નોકરી કરો છો ને આજકાલ મોઘવારી કેટલી વધી ગઈ છે ને સરકાર કશુ કરતી નથી ... etc etc... હવે વાત કરતા કરતા અચાનક "ભગવાન" નો ટોપીક નિકળી આવ્યો. 
તો પેલા વાળંદે કહ્યુ " હુ નથી માનતો કે ભગવાન જેવુ કોઈ દુનિયામા છે. .... "

તો પેલા ભાઈએ નવાઈ સાથે પૂછયુ , "કેમ ભાઈ! કેમ આમ કહો છો ?" 
 વાળંદે જવાબ આય્પો,"એમા એવુ છે ને કે તમે ખાલી આ ગલીઓમા ને રસ્તા પર જરા ધ્યાનથી નજર ફેરવશો તો પણ ખબર પડશે કે ભગવાન જેવુ કઈ નથી. કહો જરા મને!  જો ભગવાન હોત તો આટલા બધા માંદા માણસો હોત ! આટલા ગરીબ બાપડા બિચારા લોકો હોત ! આવા અનાથ ઓશિયાળા બાળકો હોત! જો ભગવાન હોત તો દુનિયામા ક્યાય દુખ કે શોક   હોત!  હુ નથી માની શકતો કે જો દયાળુ ભગવાન અહી હોત તો તે ક્યારેય આવી તકલીફો દુનિયામા રહેવા દેત.. "

પેલો ભાઈ ક્ષણભર  વિચારમા પડી ગયો. એ જવાબ તો આપવા માગતો હતો પણ કોણ નાહકની ચર્ચા કરે એમ વિચારીને એણે આગળ બોલવાનુ માંડી વાળ્યુ ને પોતાના વાળ કપાઈ ગયા એટલે પૈસા ચૂકવીને  ચાલતી પક્ડી.

જેવો એ વાળંદની દુકાનમાથી બહાર નિકળ્યો કે એણે થોડે જ આગળ  એક લાંબા, ગુંચળાવળી ગયેલા, ગંદા વાળવાળા અને એવી જ ગંદી વધી ગયેલી દાઢીવાળા એક માણસને જોયો. એ બહુ જ ગંદો અને ગરીબ દેખાતો હતો. એને જોતા જ પેલા માણસના મનમાં એક ઝબકારો થયો. એ તરત જ પાછો પેલા વાળંદની દુકાનમા પાછો ગયો અને એને કહ્યુ " તમને ખબર છે ? આ દુનિયામા વાળંદનુ અસ્તિત્વ જ નથી.! " 
પેલા વાળંદે આશ્ચર્યથી પૂછ્યુ, " આવુ તમે કેવી રીતે - કયા આધારે કહી શકો ?  ..........  હુ પોતે જ તો એક વાળંદ છુ અને હુ છુ તો ખરો અહી ! અને હાલ જ તો મે તમારા વાળ કાપ્યા ... પછી શેના તમે આવુ કહો છો ?"

 "ના." પેલા ભાઈએ ફરીથી ભારપૂર્વક કહ્યુ , " દુનિયામા વાળંદો  છે જ નહી.  કેમ કે જો વાળંદો હોત  તો દુનિયામા એક પણ માણસ લાંબા ગંદા વાળવાળો ને લાંબી ગંદી દાઢીવાળો ના હોત. જેમ કે આ તમારી દુકાનની બહાર પેલો ભાઈ છે ઉભો છે એવો !  ..."

પેલા વાળંદે દુકાન બહાર નજર કરીને પેલા લાંબા - ગંદાવાળવાળા માણસને જોયો અને કહ્યુ , " ઓહો ! અરે ભલા ભાઈ !  પેલાએ વાળ નથી કપાવ્યા એથી એમ થોડુ કહેવાય કે વાળંદો નથી દુનિયામા ..... વાળંદો તો છે જ ને દુનિયામા. એ તો એ અહી આવતો નથી મારી પાસે વાળ કપાવવા ....એમા હુ શુ કરુ ?  એમા કઈ અમારુ અસ્તિત્વ થોડુ મટી જાય છે .... એણે આવવુ જોઈને વાળ કપાવવા ને દાઢી કરાવવા મારી પાસે. હુ થોડો સામે ચાલીને એના વાળ કાપવા જઉ !... " 

હં, હવે બરાબર લાગ મળ્યો પેલા ભાઈને અને એણે પણ પેલા વાળંદને સીધુ જ સમજાવ્યુ, " બસ ! આ જ તો વાત છે. ભગવાન તો છે જ દુનિયામા પણ આપણે  એની પાસે જતા નથી.  ક્યારેક જઈએ તો પણ સાચા મનથી જતા નથી અને ક્યારેય ખરા મનથી મદદ માગતા નથી. એટલે જ તો દુનિયામા આટલુ દુખ અને શોક છે ...  એનો અર્થ એવો થોડો છે કે ભગવાન નથી દુનિયામા!..........."

*********      *********       *********
વેલ ! ઈશ્વર છે અને નથી અને છે તો ક્યા છે ? કેવો છે ? આપણી અંદર કે અત્ર તત્ર સર્વત્ર છે એ તો સહુ સહુના અંગત અનુભવની વાત છે. એની ચર્ચા ના કરવી જ સારી. 
 
પણ એક સાંભળેલી વાત યાદ આવે છે કે - " મને એ તો નથી ખબર કે આપણુ અસ્તિત્વ ઈશ્વરના લીધે છે કે નથી પણ એ વાતની તો ખાત્રી છે કે ઈશ્વરનુ અસ્તિત્વ ચોક્કસ આપણા લીધે છે. .... "

સાચી જ વાત છે ........આપણે ના હોઈએ તો કોણ એને આવા જાત જાતના નામથી નવાજે. કોણ એની સામે હાથ જોડીને પ્રાર્થના કરે , કોણ એના નામનુ રટણ કરે ! એટલે જ્યા સુધી માણસજાત આ દુનિયામા હયાત છે ત્યા સુધી ઈશ્વરનુ અસ્તિત્વ પણ સલામત છે આ દુનિયામા ... "

અને છેલ્લે ....

જો જગતમા ઈશ્વર હોય 
તો એ મારા જેવો હોય તારા જેવો હોય
આપણા જેવો હોય
આપણાથી જુદા 
નથી સહેજે ખુદા ............ 
 

Wednesday, April 6, 2011

વાણી અને મૌન ...

 આજે એક સાથે કવિ શ્રી સુરેશ દલાલની બે કવિતા ...

દરિયાને તળિયે મેં દાટી છે વાણી
ને પર્વતની ટોચ ઉપર વાવ્યું છે મૌન :

રસ્તા પર ઊખડેલા ઝાડને જુ ઓ :
તો એમાં હશે ક્યાંક મારો સંબંધ.
ઘાસના ગાલીચા પર લેટ્યા પતંગિયાને
ચગદીને ચાલો એ કોનો છે પંથ ?
પૂછો નહી મને કોનો છુ હુ ?
ને પૂછો  નહી   કે   મારુ છે કોણ ?

તુલસીના પાન જેવી લાગણીને થૂંકી
કોઈ બાજારુ પાન મૂકે હોઠ્માં,
ભરતી મેં જોઈ નથી :  વાત કેવળ સાંભળી છે :
પણ હૈયુ તણાઈ રહ્યુ ઓટમાં
મારી તે આસ્થાને કેવો આઘાત
કે જુઠ્ઠાણે પ્રાણ જાય એવો હું દ્રૌણ.

આપણે .......

કાળને ક્યાંક આપણે નડ્યાં
આપણે છૂટા પડ્યા તે પડ્યા

હવે સ્મૃતિ તો વલખી વલખી

             લખી લખી ને થાકી
વ્યથા આપણી કથા આપણી
             કાળ નજર કરડાકી
આપસ આપસમાં  નહી લડ્યાં
તોય આપણે -
            - છૂટાં પડ્યાં તે પડ્યાં

આપણી વચ્ચે અગર કૈંક બન્યું હોત

                   તો પણ સારુ થાતે
એક્મેકને વગોવવામાં કાંઈ નહીં તો
                   સમય આપણો જાતે
આંખમાં દરિયો લઈને રડ્યા
કાળને ક્યાંક આપણે નડ્યાં.....

- સુરેશ દલાલ

Tuesday, April 5, 2011

ઔચિત્ય...

દીવાલ જેવા ચહેરા સામે
હવે પ્રેમની વાત કરવાનો પણ કંટાળો આવે છે.
મને તો એમ હતુ કે આપણે જ્યારે
વૃક્ષની ઘટામાં બેસીને વાતો કરતાં હોઈશું
ત્યારે
ખરી ગયેલાં પાંદડાં પણ
પતંગિયાની જેમ ઊડીને
ડાળ પર બેસી જશે
અને વાસંતી ગીત ગાશે.

અપેક્ષાઓના અલ્પવિરામ આગળ
હાંફવાને બદલે
ઈચ્છાઓ પાસે પૂર્ણવિરામ મૂકી દેવું એમાં જ ઔચિત્ય છે.
હવે તારો પ્રેમ પામવાની પણ
સ્પૃહા નથી
તારા સાન્નિધ્યમાં રહીને તને
ગુમાવવા કરતાં
તારાથી દૂર રહીને
તારી સંનિધિનો અનુભવ કરવો
એમા જ ઔચિત્ય છે. ......

-સુરેશ દલાલ

Monday, April 4, 2011

હું કદી મને માફ નહી કરુ....

કહેવાય છે કે સાચા સંબંધો સાચવવા પડતા નથી. પણ દરેક વખતે એવુ નથી હોતુ. સાચવવા ના પડે એવો સંબંધ રાખવા વાળુ કોઈ એકાદ જણ પણ મળી જાય તો એનાથી વધારે તો બીજુ સારુ શુ હોઈ શકે! પણ હકીકતમા તો સંબંધો સાચવવા જ પડતા હોય છે અને એ પણ કાળજી પૂર્વક. કોઈ નાનો - નાજુક છોડ ઉછેરતા હોઈએ એમ સંબંધ પણ ચીવટ્તાથી ઉછેરવા પડતા હોય છે. છતાંપણ એવા સંબંધો  ક્યારે સૂકાઈ જાય કઈ કહી શકાતુ નથી. એકસમયે સાવ નિકટ લાગતા દોસ્તો કે સગા-સંબંધીઓ ધીમે ધીમે ક્યારે દૂર થઈ જાય છે એ સમજાતુ નથી હોતુ અને ક્યરેક તો એવા સંબંધો એક ઝટકામા ટૂટી જાય છે. ત્યારે આપણે હંમેશા સામાવાળાને દોષ આપીએ છીએ. પણ હકીકતે આમ જોવા જઈએ તો એવા પ્રસંગે આપણે ખુદ વધારે જવાબદાર હોઈએ છીએ. આપણે રોજબરોજ અનેક લોકો ને મળીએ છીએ તો કોણે કીધુ હતુ તમને એ અનેકમાથી અમુક થોડાકને જ તમારા જીવનમા ખાસ મહત્વ આપવાનુ ! એ નિર્ણય જો તમારા ખુદનો હોય તો  એમાથી અમુક સંબંધ તૂટે તો એના માટે પહેલી જવાબદાર વ્યક્તિ તો તમે પોતે જ ગણાવ ને !જેમકે  કવિ સુરેશ દલાલ કહે છે એમ-  " તારા આવા વર્તન માટે તો હું કદીક તને માફ કરીશ; પણ તારા શબ્દોથી ભોળવાઈ જઈને  મેં મારી લાગણી, મેં મારુ સમગ્ર જીવન  તારામાં આરોપી દીધું છે, એને માટે
હું કદી મને માફ નહી કરુ."



રાતના અંધકારમાં તારા હોઠેથી અલકનંદાના જળની જેમ
શબ્દો વહ્યા
"તારા સાન્નિધ્યમાં મને સુખની અનુભૂતિ થાય છે."
આ શબ્દો
રાતરાણીની ડાળ પર ગુલાબ થઈને મ્હોરી ઉઠ્યા હતા.
એ શબ્દોમાં મને જાણે કે 
સ્વર્ગની આશાએશ મળી હતી.
એ શબ્દોમાં આશા હતી,
નાજુક ક્ષણોની મુલાયમતા હતી.
શાંતિ હતી, વિશ્વાસ હતો ,
જીવવા માટે પ્રયોજન હતુ.
મારા માટે તો એ શબ્દો સ્વયં જીવન થઈ ગયા.

આ રાત, આ શબ્દો આ અનુભવ
પછી આપણે મળતા રહ્યાં,
પણ
મિલનની તીવ્રતા અને
આત્મિયતા - એનો અર્થ
પ્રત્યેક પળે આપણે માટે ઉઘડ્તો રહ્યો.

આ શબ્દો ક્યારેક મારી આંખ સામે 
સમુદ્ર્ના જળ પર
તડકો રેલાય એમ રેલાતા રહ્યા છે.
આ શબ્દો ક્યારેક
ઘરને આંગણે બગીચો રચાય એમ હરિયાળા થતા રહ્યા છે.

આ શબ્દો 
પછી હતું તો કેવળ મૌન,
પણ એ મૌનને
સ્પર્શની ભાષા હતી.

કોણ જાણે શું થયુ કે તારી એ અનુભૂતિ
તારા એ શબ્દો
ઉડી ગયા ઝાકળબિંદુની જેમ.

હવે મને શબ્દોમાં
કે સ્પર્શની  ભાષામાં
કે હતાશામાં જ આથમતી આશામાં
જીવનનું પ્રયોજન કે જીવન
દેખાતું નથી.

હવે આપણે મળીએ છીએ ખરાં,
પણ
એમાં આત્મીયતા નથી,
ઉષ્મા નથી, સંબંધની સુષમા નથી.
મને હંમેશાં એમ લાગે છે
કે તારી પાસે મારા જેટલી
તરસ નથી, કે નથી મારી તરસની તને સમજ.
તરસ તો હરણનાં કંઠમાં થીજી ગઈ છે
રણની રેતીનો પથ્થર થઈને.
હવે ક્યારેક તું જ મને કહે છે 
કે હું ઝાંઝવું છું
મારી પાછળ દોડ નહી
કાળના રસ્તા પર મારા પગ થીજી ગયા છે
હું પણ સમજુ છુ
કે પ્રેમ છે બે વ્યક્તિની 
ભીતરની ગરજ
પ્રેમ નથી એકપક્ષી અરજ
બુધ્ધિથી સમજવું એ એક વાત છે.
હ્રદયથી અનુભવવુ એ બીજી વાત છે.

તારી સાથે એક થવાની
એકરુપ થવાની
મને ખૂબ ઝંખના હતી.
પ્રત્યેક રાત પછી પરોઢની
મારી પાસે
એક મેઘધનુષી કલ્પના હતી.
હવે તું પડખુ ફરીને સૂઈ જાય છે ત્યારે
આપણા પલંગ પરથી
કોઈ કાળી બિલાડી
પસાર થતી હોય એવું લાગે છે.

રાતનો અંધકાર
રળિયામણો નથી લાગતો
હવે બિહામણો લાગે છે
તારા આવા વર્તન માટે તો
હું કદીક તને માફ કરીશ;
પણ તારા શબ્દોથી ભોળવાઈ જઈને
મેં મારી લાગણી
મેં મારુ સમગ્ર જીવન 
તારામાં આરોપી દીધું છે, એને માટે
હું કદી મને માફ નહી કરુ.


- સુરેશ દલાલ 

હુ એક નિષ્ફ્ળ માણસ છુ

"નિષ્ફળતા" બહુ જ ડરામણો શબ્દ છે. અને આપણા સહુના જીવનનો અનિવાર્ય ભાગ પણ. એ જાણવા છતાં આપણે બધા ક્યાક ને ક્યાક થોડુક તો નિષ્ફળતાથી ડરીએ જ છીએ. શુ કરીએ માણસ છીએ ! પણ નવાઈ ની વાત તો એ જ છે કે ખબર છે કે નિષ્ફળ થવુ અને રહેવુ એમ તો પીડાદાયક છે છતા ક્યારેક  કોઈ નિષ્ફળ માણસને જોઈએ તો એને સહાનુભૂતિ કે સહારો આપવાને બદલે જાણે અજાણે એ વધારે ડીપ્રેસ થઈ જાય એવુ કઈ બોલી નાખીએ છીએ. તમને થતુ હશે કે હજી ગઈકાલે જ તો ભારત વર્લ્ડ કપ જીત્યુ છે અને આજે નિષ્ફળતા ની વાત શુ કામ ? પણ કદાચ ભારત વર્લ્ડકપ ના જીત્યુ હોત તો !!! તો બિચારી ઈન્ડિયન ટીમનુ આવી જ બનત. અત્યાર સુધીની જીતેલી મેચ અને મહેનત બધુ પાણીમા જાત. આપણે જ્યારે કોઈની સફળતા વખાણીએ છીએ ત્યારે એ વાત ભુલી જઈએ છીએ કે એ એક સફળ પ્રયત્ન પાછળ અનેક નિષ્ફળ પ્રયત્નોની હારમાળા હોય છે પણ એની કદર એક સફળ પ્રયત્નથી જ થાય છે. દુનિયામા એવા કેટલાય લોકો હશે જે તાતા, અંબાણી, બિલ ગેટ્સ, આઈનસ્ટાઈન કરતા  કદાચ વધારે મહેનતુ અને ક્ષમતાવાળા હશે પણ છેલ્લા એક સફળતાના પ્રયત્નને અભાવે એ નામ જગતના ફલક પર ઉભરી શક્યા નથી. પણ લાઈફ આવી જ છે ક્યારેક નસીબથી મહેનત ફળે છે તો ક્યારેક મહેનતથી નસીબ બને છે.

આ તો થઈ એક વાત. હવે બીજી વાત - હંમેશા કવિતા કલ્પનાઓથી ભરેલી કે રોમેન્ટિક નથી હોતી ક્યારેક તો એ નરી વાસ્ત્વિક્તાઓથી નક્કર પણ થયેલી હોય છે.... જેમકે સુરેશ દલાલની આ કવિતા ....

હુ એક નિષ્ફ્ળ માણસ છુ

હુ એક નિષ્ફ્ળ માણસ છુ
આત્મહત્યા કરવામાં સફળ ન થયો તે ન થયો
નિષ્ફળ માણસની વાત સાંભળવામાં
તમને રસ પડશે ખરો?
સફળ માણસો
સાંભળતા નથી હોતા
સફળ માણસો ને તો પોતાની ઘાસ જેવી વાતોને
બહેલાવી બહેલાવીને બગીચો રચવાની
ડંફાસની આવડત હોય છે
આદત હોય છે
નિષ્ફળ માણસની વાતને
બીજો નિષ્ફળ માણસ પણ સાંભળતો નથી
કારણ કે એની વાતમાં
એને માટે
કશું નવુ નથી.

હું દેવાદાર છુ
પૈસેટકે ખુવાર છુ
આ સમાજમા પૈસાદાર માણસો જ સફ્ળ ગણાય છે
પત્ની પણ સમાજ્નો જ એક અંશ છે
સંતાનો પણ સમાજનો જ વંશ છે
તમે ઘરે કેટ્લા રુપિયા લાવો છો એના પર જ
પિયાપિયા કે સાંવરિયા-નાં
સંબોધનો હોય છે, આશ્લેષ ને આલિંગન હોય છે
અને સંવનન હોય છે
પત્નીની લાગણી પણ ખરીદવી પડે છે
સંતાનોને  પણ
બાપ શું લાવે છે કેટલુ લાવે છે
એની બરાબર સમજ પડે છે
આ બધી વાત મને નડે છે, કનડે છે.

આમ તો મારા ઘરમાં
કલર ટીવી છે, ફ્રિજ છે
લાગણીના નામે એક નિર્જીવ ચીજ છે
બારી પર પડદા છે
પણ એ પડદા મનની આબરુ ઢાંકે એવા નથી
નિષ્ફળતાનાં બોર કોઈ શબરી ચાખે એવાં નથી
પૈસા સિવાય અહી કોઈ કોઈ ને માપે એવા નથી
પૈસો હોય તો આપણા શબ્દોને કોઈ ઉથાપે એવા નથી.

પત્નીનો ભાઈ વેલ્થટેક્સ ભરે છે
પત્નીની બહેનપણીનો વર ડયમંડ મરચન્ટ છે
પત્નીના મામા મિલિયોનર છે
પત્નીના કાકા કરોડપતિ છે
આ બધાની સરખામણીમા હુ કાઈ નથી
પત્ની આમ તો મને કશુ કહેતી નથી
પણ આસપાસના બધા માણસો 
કેટલા સફળ થયા છે
એ કહ્યા વિના પણ એનુ મન છાનુ રહેતુ નથી.
પૈસો ન હોય તો આ જીવવાનો કોઈ હેતુ નથી
બે માણસ વચ્ચે સમજણનો કોઈ સેતુ નથી.

થાય છે કે હુ સ્મગલર થાઉ તો સારુ
હું વલ્ગર થાઉ તો સારુ
પૈસાને કારણે થોડો કલ્ચર થાઉ તો સારુ
પણ ન સ્મગલર થયો ન વલ્ગર થયો
મારા જેવો એક આમ આદમ, - દમ વિનાનો
કેવળ અલ્સર થયુ.
સ્મગલર થયો હોત તો વેલ્થનો વલ્ગર શો કરી શક્યો હોત
ઓનરશીપનો ૩૦લાખનો ફ્લેટ લઈ શક્યો હોત
પૃથ્વી પર સ્વર્ગનો નશો કરી શક્યો હોત
કુટુંબને વેકેશનમાં 
જાપાન, જર્મની, હોંગકોંગ , સિંગાપોર, યુરોપ, અમેરિકા ફેરવી શક્યો હોત
ડોલર, રુપિયા, રુબલ્સ, પાઉન્ડ લીરામા ભેરવી શક્યો હોત
પાકેલા ફ્ળની જેમ
ઝાડ પરથી લાગણી ખેરવી શક્યો હોત
પણ આપણામા ત્રેવડ નથી
બાપના વાવેલા રુપિયાના વડ નથી
માથું અને ધડ નથી
રુપિયા આવશે એવા નસીબના સગડ નથી
જેટલી આપી શકાય એટલી સગવડ નથી
ડાયમંડના દગડ નથી
લંચ અવર્સમા કોઈને
શીશામા ઉતારી શકાય એવી પકડ નથી
મારી પાસે " નથી " એટલા બધા છે કે થોડાક "છે" - નો
પણ છેદ ઉડી જાય છે
ચહલ પહલ આનંદનો મેદ ઉડી જાય છે

પૈસો હોય તો તમારો પરસેવો પરફ્યુમ લાગે છે
પૈસો ન હોય તો તમારો પસીનો પણ
ગટરનુ પાણી છે
આ વાતને મે અનુભવે પ્રમાણી છે
મારુ નસીબ
એ કૂવામા ઉતારેલી બાલદી છે પણ એ બાલદીની કૂખ કાણી છે
નસીબ હોય તો કૂવો દરિયો લાગે 
અને બાલદીની દોરી વરમાળા લાગે 
નસીબ વિના શયનખંડના એક એક ફૂલ કાળી જવાળા લાગે
મારી વાતને
હુ મારી ગરીબીની જેમ લંબાવી શકુ એમ છુ
પણ આ વાત કે ગરીબી લંબાવવા જેવી નથી
જિંદગી ટૂંકાવવા જેવી છે
હું જિંદગીને ટૂંકાવવા ગયો
પણ એમા પણ નિષ્ફળ ગયો
આત્મહત્યામા પણ હુ સફળ ન થયો

કારણ કે હુ એક નિષ્ફળ માણસ છુ
.


- સુરેશ દલાલ

શુ થયુ? ડીપ્રેસ થઈ ગયા હોવ તો લો આ વાંચો ...

નિષ્ફળતા જેવું  કશુ હોતું નથી,
હોય છે માત્ર પ્રયત્નોનું છોડી દેવું…

જરા આ પણ સાંભળો ,
"જો તમને એમ લાગતુ હોય કે હાલ તમે જે કઈ પણ છો અથવા તમારી પાસે જે કઈ પણ છે એ માત્ર તમારી મહેનત અને આવડતને કારણે છે તો એ વાત ભુલશો નહી કે દુનિયામા તમારાથી પણ વધારે મહનતુ અને આવડતવાળા અનેક લોકો છે જેમની પાસે તમારી પાસે જે કઈ છે એમાનુ અડધુ પણ નથી. "

હજી એથી પણ આગળ વાચવુ હોય તો લો માર્ટીન લ્યુથર કીંગ શુ કહે એ જુઓ. 
જો તમે ઉડી ના શકતા હોવ તો  દોડો, જો દોડી ના શકતા હોવ તો ચાલો , જો ચાલી ના શકતા હોવ તો ઢસડાઈ ને આગળ જાવ પણ આગળ વધતા રહો .... 
સરદારજી -  વો સબ તો ઠીક હે પર જાના કહા હે ? ? ?

nJoy :)