Tuesday, January 31, 2012

મારી સમજણ...

મારી સમજણના છેડા પર જેની પક્કડ ભારી છે,
મોડે મોડે જાણ થઈ એ માણસ ધંધાદારી છે.

જ્યાંથી છટકી માણું છું હું સાવ અજાણી દુનિયાને,
મારી અંદર છાની-છૂપી એક મજાની બારી છે.

કાલ સુધી મારી અંદર પણ એક મદારી ફરતો'તો,
કાલ સુધી મેં ઈચ્છાઓને નચવી નચવી મારી છે.

કટ કટ કટ કાપી નાખે દિવસો, દસકા, સૈકાને,
તોય ખબર ના પડે જરા આ સમય ગજબની આરી છે.

કહી દો એ જણને જે તણખાથી પણ ધ્રૂજે છે,
કે મેં આંખના આંસુથી બળતી રાતોને ઠારી છે.

- ચંદ્રેશ મકવાણા
(Read from the post by Daxesh .. thank you)

Friday, January 27, 2012

પૂછ ના દોસ્ત ...

એકમેકમાં મિક્સ કરો તોય રિઍકશન ક્યાં આવે છે ?
મારું ને સમસ્યાનું બ્લડગ્રૂપ એક આવે છે.....
 -----------------------------------------------------------------
પૂછ ના દોસ્ત, “કેમ છે ?” હતું એમનું એમ છે,
ખેંચમ્ ખેંચનું ઠેકાણું, ઘરમાં જેમનું તેમ છે !

મધ્યમવર્ગની હાલતમાં નકરી કશ્મકશ છે,
ક્યાંથી દેખાય હરિયાળી, જમીનમાં ક્યાં કોઈ કસ છે ?

શૅરબજારનો જાદુ જોયો, રૂપિયા હતા, હવે કાગળ છે,
ઘર વાળીને સાફ કર્યું, નસીબ બે ડગલાં આગળ છે.

ખર્ચાની તો ચાલ નવાબી, એક વેંત અધ્ધર ચાલે છે !
ફાટે ત્યાંથી સીવું છું, બાકી…………….ચાલે છે !

ઊંટનાં અઢાર વાંકાં, એવી આ સરકાર છે,
વાતવાતમાં વાંકુ પડે, કોને કોની દરકાર છે !

આકસ્મિક કાંઈ આવી પડ્યું તો સમજો મોત આવ્યું છે,
ઘરનાં ગણીને મંદિર, મહાદેવ સૌને ઘેર બોલાવ્યું છે !

તોય સપનાંનાં સરનામાં દોસ્ત ! હજીય એમનાં એમ છે !
તારુંય હવે સંભળાવી દે ! નવાજૂનીમાં કેમ છે ?

- "----------"
 ( From gujaratikavita.com)

Thursday, January 26, 2012

Some Thoughts ...

Short-Story અને નાના ટૂચકા, પ્રસંગો  સાંભળવાની/વાચવાની પણ એક મજા હોય છે .... આજે થોડી એવી જ વાતો ...

- સાચો પ્રેમ એ શરીરના સૌંદર્યનું નહી, હ્રદયના સૌંદર્યનું પ્રતિબિંબ છે.

- "એક દિવસ એવો પણ આવશે જ્યારે આકાશ, પવન, દરિયાનાં મોજાં અને ગુરુત્વાકર્ષણની શક્તિઓને સક્રિય કરી, ઉત્તમ રીતે પ્રયોજી લીધા બાદ આપણે શક્તિઓના પરમ ઐશ્વર્ય સમા પ્રેમને પણ શ્રેષ્ઠ રીતે પ્રયોજીશુ અને તે દિવસે વિશ્વના ઈતિહાસમાં બીજી વાર આપણે અગ્નિની શોધ કરી હશે."


- તૈહાર્દ-દ-ચાર્દિન


- બાળક સ્વયં ભગવાન છે - બ્રહ્મ છે. એની પ્રત્યેક પ્રવૃત્તિ પ્રકૃતિની લીલા છે.

- એક વાર હું ચર્ચમાંથી પાછો આવ્યો ત્યારે જોયું કે મારી પાંચ વર્ષની પૌત્રી એક કાગળ લઈને તલ્લીનતાથી કશુંક દોરે છે. મેં પૂછ્યું ત્યારે કહે - 'હું ભગવાનનું ચિત્ર દોરું છું.'

'પણ ભગવાન કેવા દેખાય છે તે તો કોઈ જાણતું નથી.'

'મારું ચિત્ર પૂરું થશે એટલે બધા જાણી જશે.' તેણે સહજતાથી જવાબ આપ્યો.


- જેક હોલ

- દ્ર્ઢ નિશ્ચય અને શ્રધ્ધા હશે તો આફત પણ અવસરમાં ફેરવાઈ જશે.

- ઓલિવર વેન્ડેલ હોમ્સ એક વાર એક મિટિંગમાં ગયા. ત્યાં હાજર રહેલા લોકોમાં તેઓ સૌથી નીચા હતા. એક મિત્રે તેમની મજાક કરતા કહ્યું,"ડો. હોમ્સ, હું વિચારુ છુ કે તમને આ બધા મોટા લોકો વચ્ચે નાના હોવુ કેવુ લાગતુ હશે ?"

હોમ્સે તરત કહ્યુ,"મને લાગે છે કે હું સિક્કાઓથી ઘેરાયેલુ રત્ન છું..."


( from the book  "આત્માનુ અમૃત")

અને છેલ્લે ...


ઘનઘોર ગરજતો વાદળ હું
સમ્રુધ્ધી નાં વાવડ હું
ખુલા નભે જકડાયો છું
બની માવઠું વરસી જઉં,
લાવ જરાક હસી લઉં !

અડગ અફર મેરુ સમ હું
હિમાલય ના ભેરુ સમ હું
અડગ રહી અકડાયો છું,
ભેખડ-ભેખડ ધસી જઉં,
લાવ જરાક હસી લઉં!



Wednesday, January 25, 2012

તારા વિના કશે મન લાગતું નથી...

તારા વિના કશે મન લાગતું નથી
જીવી શકાય એવું જીવન લાગતું નથી

પોતીકા થઇ ગયા હતાં આ વૃક્ષો ને ખેતરો
ને આપણા થયા’તા નદી ને સરોવરો

એમાંનું કોઇ સ્વજન લાગતું નથી.
તારા વિના કશે મન લાગતું નથી

અટકી ગયેલો એકલો ઝૂલો બન્યો છું હું
જાણે પરાયા દેશમાં ભૂલો પડ્યો છું હું

ખુદનું વતન હવે વતન લાગતું નથી
તારા વિના કશે મન લાગતું નથી.

સપનાં ને પાંપણે સજી આંસુથી ધોઇને
બસ આતવા જનમ મહીં મળવાની રાહ જોઇએ

આ જનમમાં હવે આપણું મિલન લાગતું નથી
તારા વિના કશે મન લાગતું નથી
જીવી શકાય એવું જીવન લાગતું નથી ...

– મુકુલ ચોકસી

Sunday, January 22, 2012

આપણાથી નહી બને...

ભીડ સાથે ચાલવાનું આપણાથી નહી બને,
બધા જેવાં થવાનું આપણાથી નહી બને.

તું હ્રદય મારું તપાસી દોસ્તી કરજે અહીં,
જાતને શણગારવાનું આપણાથી નહી બને.

હું અઢી અક્ષરની વાતો જાણવા મંડ્યો બધી,
પણ તને સમજાવવાનું આપણાથી નહી બને.

તું ભલે વરસાદ જોજે બારીએથી દોસ્ત પણ,
સાવ કોરા રહી જવાનું આપણાથી નહી બને.

આપણું અળગા થવું મંજૂર રાખું પણ તને,
કાળજેથી કાપવાનું આપણાથી નહી બને.

- ગૌરાંગ ઠાકર

Special Thanks to Mr. Daxesh Chauhan because of his posting ...

Wednesday, January 18, 2012

નથી મળ્યું...

અપનાવી લઉં બધાને એવું મન નથી મળ્યું,
જીવન સમજવા જેટલું જીવન નથી મળ્યુ.

રઘુવીર તો ચાલ્યા ગયા, તિલક રહ્યાં નથી,
અફસોસ માણસ જાતને ચંદન નથી મળ્યું.

કેવળ કર્યું છે પ્રાપ્ત ઉંચું સ્થાન નામથી,
ઊંચું હકીકતમાં કોઈ સર્જન નથી મળ્યું.

છોડી દઉં સામટું પળવારમાં કિંતુ,
મારી અપેક્ષા જેટલું બંધન નથી મળ્યું.

ચાહ્યા કરી છે મૂર્તિઓને આંખથી બહુ,
પથ્થર તરફથી કોઈપણ દર્શન નથી મળ્યું .....

- સ્નેહલ જોષી

Monday, January 16, 2012

એક છોકરો...

દરરોજ ભારે ભોજન લઈએ તો ક્યારેક પેટમાં અકળામણ થવા લાગે. એવે સમયે  હળવો ખોરાક સારો લાગે. એમ ક્યારેક હળવી વાતો પણ વાંચવી જરુરી છે. તો આજે એક હઝલ...

એક છોકરો સૂતો સૂતો તારા માટે wait કરે છે
એવી કેવી મોંઘેરી તું સપનામાં પણ late કરે છે

આગળ પાછળ તારી એ આખો દી ફરતો રાઊન્ડ રે ...
એના આખા જીવનનું તું લાગે છે કમ્પાઉન્ડ રે ...

ધીમે ધીમે પડશે સમજણ કેવી છે આ થીમ
ધોધમાર તો પછી વરસવું પહેલા તો વરસ રીમઝીમ ...

facebook ને orkut, આખો દિવસ internet કરે છે
નાહકનો એને તું who is that કરે છે...

એક છોકરો સૂતો સૂતો તારા માટે wait કરે છે
એવી કેવી મોંઘેરી તું સપનામાં પણ late કરે છે !!!

- અંકિત ત્રિવેદી

Saturday, January 14, 2012

જિંદગી ધીરેધીરે સમજાય ...

પાનખરમાં પાન ખરતાં જાય છે,
જિંદગી ધીરેધીરે સમજાય છે.

જ્ઞાન બોધિનું મળે ચારે તરફ
બુદ્ધ થઈને તોય ક્યાં રહેવાય છે ?

એક વીજળીનો ઝગારો લાવતાં,
આભને અંધાર આવી જાય છે.

હોઠથી પ્રારંભ પામેલી કથા,
આંખથી ક્યાં પૂર્ણતઃ કહેવાય છે ?

રૂપ ને સૌંદર્યના સ્વામી બની,
ફુલ પણ ક્યારેક તો પસ્તાય છે.

એ પ્રતિક્ષાનો ખરે મહિમા હશે,
નામ ‘ચાતક’નું હજી લેવાય છે.

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

Friday, January 13, 2012

સાંવરિયો રે મારો સાંવરિયો ...

આજે  "સરવાણી" ને બરાબર એક વર્ષ પુરુ થયુ .... ગઈ ૧૨ જાન્યુઆરીએ  બસ એમ જ એક નાનકડા વિચાર સાથે આ બ્લોગ શરુ કરેલો ... ખાલી એવી ભાવના સાથે કે જે કંઈ સારુ મારા વાંચવા કે જાણવામાં આવે એ મિત્રો સાથે, જાણ્યા-અજાણ્યા લોકો સાથે share કરી શકુ. એમાંથી જેમને પણ પોતાનુ કંઈ મનગમતુ  વાંચવાનુ મળી જાય અને બે ઘડી પણ એ એનો આનંદ માણી શકે તો આ બ્લોગ સફળ થયેલ ગણાય ... આશા રાખુ છુ આ વર્ષે કંઈક વધારે વાચવા લાયક અને વહેચવા લાયક સાહિત્ય અહી મૂકી શકુ ...

તો આજે   "સરવાણી "ના જન્મદિવસે કવિ શ્રી રમેશ પારેખની કલમે લખાયેલ અને મારુ  મનગમતુ  ગીત સાવરિયો ...

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમા
મારા વાલમજીનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું રે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો ...... સાંવરિયો રે મારો સાંવરિયો
   
કોઈ પૂછે કે ઘર તારું કેવડું ?
મારા વ્હાલમજી બાથ ભરે એવડું !
આંખ ખટકે ઉજાગરાથી રાતી
ઝીણા ધબકારે ફાટફાટ છાતી
છબીલો મારો સાવ ભોળો ને સાવ બાવરિયો  ...... સાંવરિયો રે મારો સાંવરિયો

કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો  ...... સાંવરિયો રે મારો સાંવરિયો

- રમેશ પારેખ 

You can listen this song on tahuko.com and also here http://www.youtube.com/watch?v=pA0In3LmeZ4&noredirect=1

Wednesday, January 11, 2012

એકો અહં, ધ્વિતિય નાસ્તિ ...

ભીતરી આખી સફર પર ચાલવાની છે મજા,
એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી....


એમ તો દુનિયામાં દરેક માણસ અનોખો અને અજોડ છે. વૈચાતિક રીતે ભલે એ ટોળામાંના ઘેટામાંની જેમ જીવતો હોય અને કદાચ કંઈક અલગ ના પણ જીવતો હોય તો પણ  બાયોલોજીકલી તો એ સાવ સાચુ જ છે કે એક માણસ બીજાથી સાવ અલગ છે. માણસ જ શુ કામ!  ઉપરવાળા એ ઘડેલી દરેક વસ્તુ એક્બીજાથી થોડી તો અલગ હોય જ છે. ભીડમાંથી અલગ પડવા માટે ક્યારેક આવી શારિરિક ભિન્ન્તા તો ક્યારેક વૈચારિક ભિન્નતા કામમાં આવે છે .

એકો અહં, ધ્વિતિય નાસ્તિ ... એના પર ચંદ્રકાન્ત બક્ષીના કેટલાક વિચારો ...

જીવનના અંતિમ ઉચ્છવાસ સુધી
જીવન સમાપ્ત થતું નથી.

આ પૃથ્વી પર જન્મેલો દરેક માણસ એક જ છે.
પહેલો પુરુષ એકવચન છે, એ બીજો નથી,
એ અધ્વિતીય હોય અથવા ન હોઈ શકે
પણ એનો ધ્વિતિય નથી,

એના અંગુઠાની છાપ, એના અક્ષરોના મરોડ,
એના અવાજની ગહરાઈ, એના ચહેરાની રેખાઓ,
એના અનુભવનો ગ્રાફ, એના ભૂતકાળના ઉભાર ઉતાર,

એના રક્તસંબંધો અને દિલસંબંધો,
એનું પતિત્વ- પિતાત્વ - પુત્રત્વ અને સ્વત્વ અને
અંતે કૃતિત્વ છંટાઈ છંટાઈને
એક એવા બિંદુ પર આવીને ઊભા રહી જાય છે

જ્યારે કહી શકે છે
એકો અહં, ધ્વિતિય નાસ્તિ ...
ન ભૂતો ન ભવિષ્યતિ ...

હું એક જ છુ. મારા જેવો બીજો નથી.
ભૂતકાળમાં હતો નહીં, ભવિષ્યમાં થશે નહી ...

- from the book "Ego" by Chandrakant Bakshi

Monday, January 9, 2012

એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા

એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા.
ડુસકાઓ પણ બરાબર તાલ પર આવી ગયા.

કોઈ બીલ્લી જેમ ઉતરી પાંપણો આડી છતાં,
આંસુ રસ્તાને વટાવી ગાલ પર આવી ગયા.

એમણે એવું કહ્યું જીવન નહી શતરંજ છે,
તો અમે પાછા અમારી ચાલ પર આવી ગયા.

શું હશે? સાચું હશે? અફવા હશે? કે શું હશે?
સર્વ રસ્તા એકદમ દિવાલ પર આવી ગયા.....


- અનિલ ચાવડા

Thursday, January 5, 2012

આપણી આ વાર્તા ...

આપણી આ વારતાને આદી ના અંત
સંકેલો તેમથી કે આમથી ઉકેલો
પણ લંબાતા એકએક તંત

બે બત્તા બે નો જો સરવાળો પાંચ
પાંચ સાચા કે સાચું ગણિત
એવું કોઇ પૂછે તો થઇ જાતા
આપણામાં બેઠેલા ઇશ્વર ભયભીત

કોઇ સાવ ઘગઘગતો લાવા કહેવાય
તો કોઇ નર્યા હોય શકે સંત

જાહેર પોતાનો પડછાયો પાડવાની
ફરમાવી સખ્ખત મનાઇ
એટલે તો સૂરજને છત્રીમાં છાવરીને
વિહરવા ને નીકળે છે સાંજ

છત્રી તો એવું આકાશ જેના આ સળમાંથી
યાતનાઓ ખૂલે અનંત

આપણી આ વારતાને આદી ના અંત
સંકેલો તેમથી કે આમથી ઉકેલો
પણ લંબાતા એકએક તંત ...

- સંજુ વાળા

Tuesday, January 3, 2012

નવા વર્ષની નવલી રજુઆત ...

સર્વ લોકોનુ ૨૦૧૨ નુ વર્ષ ભીની ભીની લાગણીઓથી તરબતર વીતે અને સર્વના જીવનમાં ફૂલ ગુલાબી આનંદ અને વાસંતી વાયરો પથરાયેલો રહે એવી શુભકામના સાથે  નવા વર્ષની પ્રથમ રજુઆત ....

છે ભુલા પડવાનો એક જ ફાયદો
કેટ્લા રસ્તા પરિચિત થાય છે ?
- અમિત વ્યાસ

કાંઠાઓ રોઈ રોઈને જ્ળને પૂછ્યા કરે
પાડી ગયુ છે કોણ આ પગલાં તળાવમાં ...
- અશોક ચાવડા

જન્માક્ષ્રરમાં શનિ ને મંગળ નડતા રહેશે જ્યોતિષ કહે છે,
વ્રત ઉપવાસો કર્યા કરવુ સાચુ ખોટુ ઈશ્વર જાણે ....
- આશા પુરોહિત

વિશ્વ આખામાં તને શોધ્યા પછી,
આખરે તો તું મળે છે ભીતરે ....
- 'તખ્ત' સોલંકી