Saturday, May 28, 2011

સમ તને. .....

દુઃખ અમર હોય તો વાંક મારો નથી, હદ વગર હોય તો વાંક મારો નથી;
થૈને સાગર રહે દૂર આરાથી તું,જોઈ,   બિન્દુને વેગળું રાખે ધારાથી તું;
એથી આગળ વધી કહું તો મારાથી તું - બેફિકર હોય તો વાંક મારો નથી.............
..............................

રોજ ઝરમર ઝાર ઝરતાં આંસુઓના સમ તને,
ધીરતાં જ્યાં થઈ અધીરી- એ પળોના સમ તને.

આગમનની અમથી અમથી અટકળોના સમ તને,
ને નિરંતર વાટ જોતા પગરવોનાં સમ તને.

મેઘની માફક તું અઢળક આવ ને પડ ધોધમાર,
કોરી કોરી આવતી આ વાછટોના સમ તને.

તું અમસ્તાં વેણ આપીને હવે ભરમાવ નહીં,
છે, છલોછલ છળથી છળતાં મૃગજળોના સમ તને.

તું મને બોલાવે પણ નહીં ને વળી આવેય નહીં ?!
જો, બહાનાં કાઢ નહીં… છે કારણોનાં સમ તને !

હાથમાં મારા હવે હૈયું નથી રહેતું, સખા !
ધબ ધબક ધબધબ ધડકતી ધડકનોના સમ તને.

કોઈ પણ રીતે પ્રણયની રાખજે તું આબરૂ,
ઊર્મિના સાગરમાં ઊઠતી ભરતીઓના સમ તને.......

- ઊર્મિ

Thursday, May 26, 2011

પછી શું થયું ખબર નથી.....

અંતરે ઉમટ્યો અવસાદ પછી શું થયું ખબર નથી.
સંભળાયો'તો શંખનાદ પછી શું થયું ખબર નથી.

એક દિવસ લખવા બેઠો હતો હું કાગળ હરિવરને
અક્ષર પાડ્યો'તો એકાદ પછી શું થયું ખબર નથી.

ઇચ્છ્યુ હતું એમ કે નીકળી પડું હું જ મારામાંથી
ભિતરે ઉઠ્યો એક સાદ પછી શું થયું ખબર નથી.

કહેવાય છે કે થયો હતો એક વિસ્ફોટ મારી અંદર
કોઇની આવી હતી યાદ પછી શું થયું ખબર નથી.

આમ તો નિ:શબ્દ હતું એક આકાશ આપણી વચ્ચે
આંખોથી રચાયો સંવાદ પછી શું થયું ખબર નથી....

-પ્રણવ ત્રિવેદી

Monday, May 23, 2011

સપનાં ...

સપનુ .... જેટલો મજાનો શબ્દ છે એથીપણ વધારે મજાની ઘટના હોય છે એને જોવુ .... કેમ કે આ એક જ ઘટના મા આપણે  સર્જનહારની બરાબરનુ સ્થાન ભોગવી શકીએ છીએ... એક ગમતી સ્થિતિ ગમતી દુનિયા રચી   શકીએ છીએ ..... પરંતુ એ તૂટે ત્યારે ...... ત્યારે કશુ નહિ ... નોર્મલ માણસની જેમ સપના તૂટે ત્યારે રડવાનુ નહી .... બલ્કે સપનાનો સેલ કાઢવાનો .. શુ ખબર તમારા સપના કદાચ તમારા કામના ના રહે પણ કોઈ બીજાના કામમા આવી જાય તો !!....  :) ... Anyways ,  આઈડીયા ના ગમે તો કંઈ નહી  પન્ના નાયકની આ કવિતાઓ માણો ... સપનામા નહી હકીકતમા ....

સપનાં ... 
 
સેલ સેલ સેલ
સપનાંનું!
સૌ કોઈને
ભાવભીનું નિમંત્રણ..
આવો અને લૂંટો
અપૂર્વ સેલ.
મહામૂલાં, જતનથી સેવેલાં
પણ હવે મને ના ખપનાં
એટલે
ઘટાડેલે ભાવે
વળતર સાથે
વેચી નાંખવાનાં છે
મારાં સપનાં..!

અહો ! મોરપીંછ-મંજીરા વાગે છે
 
અહો ! મોરપીંછ-મંજીરા વાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે

હું તો સપને સૂતી સપને જાગી
ક્યાંક ગિરિધર ગોપાલધૂન લાગી

સૂર મારા ઊંડાણને તાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે

હું તો મુખડાની માયામાં મોહી પડી
આંખ હસતાં હસતાં વળી રોઈ પડી

કોઈ શ્વાસે પાસે દૂર ભાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે.
  
-પન્ના નાયક
http://pannanaik.com/

Saturday, May 21, 2011

વિચારી જુઓ તમે...

નિર્મમપણે કશુંક નિતારી જુઓ તમે 
અર્થાત આ સમયને વિસારી જુઓ તમે

ઘટના બધી યે તેજની અહીંયા પરોક્ષ છે
દીવસળી વિષે જ વિચારી જુઓ તમે

ચહેરો અમૂર્ત છે એ નિર્વિવાદ છે, ફકીર
દર્પણને સ્વસ્થતાથી સ્વીકારે જુઓ તમે

હું યે સ્થિતિસ્થાપક હતો પથ્થર ને પળ સમો
એ તથ્યોનો સંકોચ પ્રસારી જુઓ તમે

વાદળની જેમ વિશ્વ પલાયન થઈ ગયુ
અટકળમાં અંતરિક્ષ ઉતારી જુઓ તમે

પાસો શકુનિનો તમારુ નામ છે, કબૂલ!
એકાદ બાજી તે છતાં હારી જુઓ તમે

વાયુ વ્યથા વિચાર ને ઈશ્વરની ધારણા!
સાપેક્ષ છે બધુંય - વિચારી જુઓ તમે ....
 
- હરીશ મિનાશ્રુ

Friday, May 20, 2011

તારો વિચાર ...

તારો વિચાર બારીના પડદે ઝૂલી ગયો
દ્રશ્યોનો ભેદ એ પછી દરિયે ડૂબી ગયો

બે ડાળી વચ્ચે જાણે કે તડકો ગુલાબ છે
મોસમનો રંગ કેટલો મીઠ્ઠો બની ગયો !

પથ્થરની જેમ હાંફતા પીળા શહેરમાં,
મારા સમયના મોરનો ટહૂકો તૂટી ગયો.

આકાશ આમ તેમ વિખેરાઈ જાય પણ,
એકાદ સૂર્ય ઊગવું આજે ભૂલી ગયો.

એકાંતનો પરિચય કંઈક એ રીતે થયો,
સૂનકાર તારી યાદની જેમ જ ઊભી ગયો !

- શ્યામ સાધુ

સ્પીડને બ્રેક કરતી કેટલીક વ્યાખ્યાઓ ...

પુરુષ એક બહુ જ અસંતોષી પ્રાણી છે.  એને હોટલમા ઘરના જેવી સગવડો જોઈએ છે અને ઘરમા હોટલ જેવી સર્વિસ  જોઈએ છે. -  સ્ટેટ્સમેન

જરુર પડે તો હુ મારા ભાઈને પણ લાત મારે દઉ. બસ એને જ પ્રોફેશનલ કહે છે. - ફૂટબોલ કોચ સ્વીટ મેક્મેહન

બુધ્ધિશાળી એ માણસ છે જે જરુર કરતા વધારે શબ્દો વાપરે છે . એ જાણે છે એના કરતા વધારે કહેવા માટે. - x president of USA ડ્વાઈટ ડી. આઈઝ્નહોવર.

જીવનને અસહ્ય બનાવવા માટે કેટલી નાની વસ્તુની જરુર પડે છે ? બૂટમા એક ખીલી, ખાવામા એક જીવડુ, સ્ત્રીનુ હસવુ. - એચ.એલ.્મેન્કેન

પાણી, હવા અને સ્વછતા એ  ઔષધિશાસ્ત્રના કોઈપણ પુસ્તક્ની શ્રેષ્ઠ દવાઓ છે.- નેપોલિયન બોનાપાર્ટ

જો જીવનમા સારી જ વસ્તુઓનો આગ્રહ હોય તો - ઓછુ ડરો, વધારે આશા રાખો, ઓછુ ખાઓ, વધારે ચાવો,  ઓછુ બકો, વધારે બોલો, ઓછી નફરત વધારે પ્રેમ ... અને સારી વસ્તુઓ તમારી થઈ જશે. - લોર્ડ ફિશર

દુર્ભાગ્ય કરતા સૌભાગ્યને સહન કરવુ અઘરુ છે. એમા વધારે ગુણ જોઈએ છે. - મુસોલિની

અજનબીને કોઈ મિત્ર હોતો નથી સિવાય કે બીજો અજનબી. - શેખ સાદી, ફારસી કવિ

ચારિત્ર્ય એ વ્રુક્ષ છે અને પ્રતિષ્ઠા એ પડછાયો છે. આપણે હંમેશા પડછાયા વિશે જ વિચારતા રહીએ છીએ જ્યારે મહત્વની વસ્તુ છે  વ્રુક્ષ. - અબ્રાહમ લિંકન

એ માણસને શાંતિમય જીવન ક્યારેય નહી મળી શકે જે સતત જીવનને લંબાવવાના જ વિચાર કર્યા કરતો હોય. - સેનેકા, રોમન ફિલસૂફ

ચિત્રકલા - જ્યારે જાણતા ન હોવ ત્યારે એકદમ સહેલી અને જાણતા હોવ ત્યારે અત્યંત અઘરી છે. - દેગાસ, ચિત્રકાર.

જે પથ્થર પોતે કાપતો નથી એ તલવારની ધાર ને વધારે ધારદાર બનાવે છે. - સંસ્ક્રુત કહેવત

જ્યારે પૈસાની વાત આવે છે ત્યારે દરેક માણસનો ધર્મ એક બની જાય છે. - વોલ્તેયર, ફ્રેંચ દાર્શનિક

જો કોઈ વસ્તુ છૂપાવવાની હોય તો એ એની આંખોની સામે મૂકે દો. એ નહી જુએ. - ઈજિપ્તની જૂની કહેવત

સરેરાશ માણસ, જેને ખબર નથી કે આ જિંદગીનુ શુ કરવુ, એ હંમેશા બીજી જ જિંદગી માંગતો રહે છે. - આનાતોલ ફ્રાંસ, ફ્રેંચ લેખક

એવા માણસનો ક્યારેય વિશ્વાસ ન કરશો જેણે એના ઉપરી ક્યારેય ભૂલ કાઢી ન હોય. - બ્રર્ટન કોલીન્સ

ઈંગ્લેન્ડમાં કહેવાય છે કે એક જેન્ટલમેન બનાવવા માટે ૩પેઢીઓની મહેનત જોઈએ. - 

સામાન્ય માણસ માટે સૌથી મોટી બદકીસ્મતી ? એક અસામાન્ય પીતા . - ઓસ્ટીન ઓ મેલી

ભૂતકાળ વગરની સ્ત્રીને કોઈ ભવિશ્ય નથી . - ઓસ્કાર વાઈલ્ડ

- from the book of Chandrakant Bakshi

Wednesday, May 18, 2011

એકલતા......

મને મારો જ ડર લાગે
એટલી બધી શૂન્યતા
શા માટે
ફેલાઇ હશે અવકાશમાં?

ઉદાસ શિર
ઢાળી શકાય કોઇના
ખભા ઉપર
એવો એક
સંબંધ પણ નથી ?

અને
આથી જ
એકલવાયી સાંજે
અરીસામાં
મારા જ ખભા પર
માથું ઢાળી
હું
રડી લઉં છું.

- માલા કાપડિયા

"ઈશ્વર" શોર્ટ સ્ટોરી with ૩poems ...

પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી,
‘ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી....

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી.

થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી,
‘ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

-ચિનુ મોદી

 તો ચાલો આજે ઈશ્વરને જ યાદ કરીને શરુઆત કરીએ .... એક શોર્ટસ્ટોરી સાથે .... 


એક ભિક્ષુક ભિક્ષાની અપેક્ષાએ મંદિરે ઊભો છે. મોટી સંખ્યામાં મંદિરે ભક્તો આવે છે અને જાય છે, પરંતુ ભિક્ષુકને ભાગ્યે જ કોઈ ભિક્ષા આપે છે. દરેક આસ્થાળુ તેને બીજા પાસે હાથ લંબાવવાની સલાહ આપે છે. કેટલાક તો એને ભિક્ષા માગવા બદલ ખખડાવી પણ નાંખે છે.

ભિક્ષુકને મંદિરે અપેક્ષા મુજબની ભિક્ષા મળતી નથી. થોડો હતાશ થઈને, મસ્જિદે જઈને એ ઊભો રહે છે. ત્યાં પણ એને મંદિર જેવો જ અનુભવ મળે છે- પૈસા નહીં.

ભિક્ષુક દેરાસર અને અન્ય ધર્મસ્થાનો પાસે પણ આંટો મારી આવે છે, પરંતુ અનુભવ તો બધે લગભગ એક સરખો જ થાય છે.

થાકીને, નિરાશ થઈને દિવસના અંતે, રાતવાસો કરવા ધર્મશાળા તરફ પ્રયાણ કરે છે. રસ્તામાં દારૂના એક પીઠા પાસેથી પસાર થવાનું બને છે.

ધારણા બહારનો એક ચમત્કારિક બનાવ બને છે. શરાબ પીને પીઠામાંથી નીકળેલો એક શરાબી, ભિક્ષુકને પોતાના ખિસ્સામાં હતા એ તમામ પૈસા આપી દે છે. ભિક્ષુક અવાક્ થઈ જાય છે.
આશ્ચર્ય અને અહોભાવથી એના મુખમાંથી શબ્દો સરી પડે છેઃ “હે ઈશ્વર, તું કેવો છે!? વસે છે ક્યાં અને ક્યાંનું સરનામું આપે છે!?” ....


અર્થાત એક દારુના પીઠામાં એને  ઈશ્વરના દર્શન થાય છે.

મોટેભાગે  આવુ જ થાય છે આપણી સાથે આપણે જ્યા જે શોધતા હોય છે  ત્યાથી એ મળતુ હોતુ નથી .... અને આપણી જે અપેક્ષા હોય છે એ પ્રમાણે એ મુજબનુ અને અને જે જગ્યાથી એ મળવાની આશા હોય ત્યાથી તો ના જ મળે ... જો કે ક્યારેક ભુલથી મળી પણ જાય છે ... થાય થાય ભગવાન થી પણ ભુલ થાય ને ... અને ત્યારે કહેવુ પડે કે " ઈશ્વર તારી લીલા અપરંપાર છે ".....  ચાલો ઈશ્વરની જ વાત નિકળી છે તો એના પર બે કવિતા પણ માણી લો ...
( સ્ટોરી "કેલીડોસ્કોપ" - સંદેશ, મોહમ્મદ માકડના આર્ટીકલમાથી )
 

ઊગી ગયું  છે  હાથમાં  તે  ઘાસ  છે
ઝાંખી  થયેલી  મેંદીનો  ઇતિહાસ  છે .

સૂના  પડ્યાં  છે  ટેરવે  વસતાં નગર
લકવો  પડેલાં  સ્પર્શ  તો ચોપાસ  છે .

ભગવી   ધજાને  ફરફરાવે  એ   રીતે
જાણે પવન પણ લઇ રહ્યો સન્યાસ છે .

ઈશ્વર ,  તને  જોયા પછી  સમજાયું છે
બન્ને  તરફ   સરખો   વિરોધાભાસ  છે .

પાંખો મળી  પણ  જાત માણસની મળી
‘આકાશ’માં  પણ  ધરતીનો સહવાસ છે
 - આકાશ ઠક્કર

માણસને ઓળખું નહીં, ઈશ્વરને ઓળખું;
કારણ છે માત્ર એ કે હું ભીતરને ઓળખું. 

ગોચરને ઓળખું ને અગોચરને ઓળખું;
સૌથી વધારે મારા જૂના ઘરને ઓળખું. 

માણસનો પાર પામવો મુશ્કેલ છે ઘણું;
બાકી તો સત્ય, ત્રેતા ને દ્વાપરને ઓળખું.

ઈશ્વર ભણીનો માર્ગ છે પ્રેમાશ્રુધારમાં;
છે વ્યર્થ, હું સુવર્ણ કે પથ્થરને ઓળખું. 

હું ભુલભુલામણીમાં પડ્યો પુષ્પ કેડીએ;
રસ્તો તરત મળે જો હું ઠોકરને ઓળખું. 

અક્ષર તો સર્વ ઝાંખા પડીને ઊડી ગયા;
લાવ્યું’તું તારો ખત એ કબૂતરને ઓળખું. 

ભૂંસ્યાં ભલેને એણે જે પગલાં પડ્યાં હતાં,
એ રેત, ઘુઘવાટ, સમંદરને ઓળખું.
 - ભગવતીકુમાર શર્મા

Tuesday, May 17, 2011

અમે વ્યક્તિ નથી, સમાજ છીએ...

સમાજ, શહેર, ઘર, વ્યવહાર, સંબંધો, કહેવાતા સગા- વહાલા અને ક્યારેક પરાણે બનાવવા પડતા નામના મિત્રો, ઓફિસ, વર્કલોડ, ટેન્શન, પોલીટીક્સ લીસ્ટ લાંબુ છે ..... અને આ બધાની વચ્ચે અટવાતા આપણે માણસો ......  સુરેશ દલાલની આ કવિતામા આજના સમાજ અને વ્યક્તિનુ વાસ્તવિક વર્ણન છે. વાંચીને ગમે તો પણ ભુલથીયે  "વાહ "  ના કહેવાય,  કેમ ? કેમ કે ક્યાંક ને ક્યાંક આપણે બધાને  આવી એકધારી જિદંગી જીવવી પડે છે ....   

અમે કસબીઓ છીએ.
અમે હોઠ ખોલીએ છીએ અને હ્રદય 
બંધ  રાખીએ છીએ.
અમે આંખો ખોલીએ છીએ અને દ્રષ્ટિ અંધ રાખીએ છીએ
અમે મૈત્રીને ખલાસ કરી મિત્રો ખરીદીએ છીએ.
અમે આર્ટગેલેરીમા જઈએ છીએ અને ચિત્રો ખરીદીએ છીએ.
અમે ચિત્રવંશી છીએ
અમે વિચિત્રવંશી છીએ.

અમે આનંદને ઓઢી શકીએ છીએ
અને શોક્ને પહેરી શકીએ છીએ.
અમે લગ્નમાથી ઉઠમણામાં
અને ઉઠમણાંમાંથી લગ્નમાં
એક ખંડ્માંથી
બીજા ખંડમાં જતા હોઈએ
એવી આસાનીથી જઈ શકીએ છીએ.

અમે વ્યક્તિ નથી, સમાજ છીએ.

અમે વક્તા બોલી લે પછી
રીતસર તાળીઓ પાડીએ છીએ
અમે અભિનંદન આપીએ છીએ
અને ઉઘરાવીએ છીએ

હાથમા કારની ચાવી રમાડતા રમાડતા
વાત કરવાનુ અમને વિશેષ ફાવે છે
બુફે ડિનરમા અમે ક્યારેય હસતાં હસતાં ગંભીર થતા નથી
પણ ગંભીર રીતે હસતાં અમને આવડે છે.

અમે વ્યક્તિ નથી, સમાજ છીએ

અમે ગઈકાલ નથી, આજ છીએ
અમે આજ નથી, કાલ છીએ.
અમે માછલી નથી, જાળ છીએ.

રવિવાર-

અમારું મોટુ રમકડુ છે
અમે શનિવારથી એને ચાવી આપીએ છીએ.
અમને 'વીક એન્ડ' નો મહિમા છે.

સોમવારે-

અમે ખાલી બાટલી જેવા થઈ જઈએ છીએ.
અમે ભરાઈ જઈએ છીએ
ઉભરાઈ જઈએ છીએ

અમારી બીઝનેસ એટેચીમાં,

ફાઈલોમા,
અમે અમારા આનંદને
ફાઈલ કરી રાખીએ છીએ.

પ્યુનના યુનિફોર્મથી

અમારો ઠાઠ ઓળખાય છે.
ફોનની ઘંટડીઓથી
અમારુ મહત્વ સમજાય છે.

અમે અમારાથી ઓળખાતા નથી

અમે અમારાથી ભોળવાતા નથી

અમે વ્યક્તિ નથી, સમાજ છીએ

અમે ગઈકાલ નથી, આજ છીએ
અમે આજ નથી, કાલ છીએ.
અમે જળ નથી, જાળ છીએ......
- સુરેશ દલાલ

Friday, May 6, 2011

લ્યો એના લગ્નની મળી કંકોતરી મને !

આ કાવ્ય વિશે તો કંઈ કહેવા જેવુ નથી. એક્દમ સરળ ભાષામા કવિએ એમની વ્યથા વ્યક્ત કરી છે. એટલી સરળ રીત અને ઘટ્ના એટ્લી સહજ છે કે કાવ્ય વાચનાર મોટાભાગનાને એમ જ લાગે કે - અરેરે ! આ તો મારી જ વાત છે ... અખાત્રીજ હતી આજે અર્થાત મેરેજ માટેનુ વણજોયુ મૂરત.  અને આવા માહોલમા કવિ જેવા અનુભવ થયેલા લોકોની તો શુ હાલત હોય ! એ તો આ કાવ્ય વાચતા જ ખબર પડી જશે. : ) ...આજે ફરી એકવાર આસીમ સાહેબની 'લીલા' ને યાદ કરીએ ..... એમની ભાષામા ...

કંકોતરીથી એટલું તો પુરવાર થાય છે,
નિષ્ફળ બને છે પ્રેમ તો વે’વાર થાય છે 
.....

આ સાથે એક મુશાયરામા સાંભળેલા બે શેર યાદ આવે છે.
हर तरफ ईश्क के बिमार बैठे है 
हजारो मर चुके हे सेंकडो तैयार बैठे है..
--------
ए खुदा तु कभी मोहब्बत न करना
हम तो मर कर तेरे पास आएंगे, पर तुम किधर जाओगे !  .............


મારી એ કલ્પના હતી, વીસરી મને,
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને,
ભૂલી વફાની રીત, ન ભૂલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને !
                 સુંદર ના કેમ હોય, કે સુંદર પ્રસંગ છે,
                  કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે !
કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ,
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ,
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ,
જાણે કે પ્રેમ-કાવ્યોની કોઇ કિતાબ સમ !
                  જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,
                  શિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી.
છે એને ખાતરી કે હું આવું નહીં કદી,
મારી ઉપર સભાને હસાવું નહીં કદી,
દીધેલ કૉલ યાદ અપાવું નહીં કદી,
મુજ હાજરીથી એને લજાવું નહીં કદી,
                  દુઃખ છે હજાર, તો ય હજી એ જ ટેક છે,
                 કંકોતરી નથી, આ અમસ્તો વિવેક છે !
કંકોતરીથી એટલું પુરવાર થાય છે,
નિષ્ફળ બને છે પ્રેમ તો વે’વાર થાય છે-
જ્યારે ઉઘાડી રીતે ન કંઈ પ્યાર થાય છે,
ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે.

                 ગંભીર છે આ વાત કોઈ મશ્કરી નથી,
                  તકદીરનું લખાણ છે, કંકોતરી નથી !
કાગળનો એક કટકો છે જોવામાં એમ તો,
ભરપૂર છે એ પ્રેમની ભાષામાં એમ તો,
સુંદર, સળંગ રમ્ય છે શોભામાં એમ તો,
છે ફૂલસમ એ હલકો લિફાફામાં એમ તો,
                 કોમળ વદનમાં એના, ભલે છે હજાર રૂપ,

                  મારા જીવન ઉપર તો બરાબર છે ભારરૂપ !
એને ભલેને પ્રેમથી જોયા નહીં કરું,
વાચન કરીને દિલ મહીં ચીરા નહીં કરું,
સંયમમાં હું રહીશ, બળાપા નહીં કરું,
આવેશમાં એ ‘ફૂલ’ ના કટકા નહીં કરું.
                  આ આખરી ઇજન છે હૃદયની સલામ દઉં,
                  ‘લીલા’ના પ્રેમ-પત્રમાં એને મુકામ દઉં.
‘આસિમ’ ! હવે એ વાત ગઈ, રંગ પણ ગયો,
તાપી તટે થતો જે હતો સંગ પણ ગયો,
આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો,
મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો.
                 હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,               
                 એ પારકી બની જશે, હું એનો એ જ છું !

- આસીમ રાંદેરી

Tuesday, May 3, 2011

ક્લોઝ અપ .... કંઈક હળવુ હ્ળવુ ...

આજે કેટલાક  ક્લોઝ અપ .... ચંદ્રકાંત બક્ષીના રમૂજ કાંડમાથી ...

વૃધ્ધાવસ્થા  :  વર્તમાનપત્રોમાં જ્યારે સમાચારો કરતાં તંત્રીલેખ વાંચવામાં તમે વધારે સમય બગાડો ત્યારે સમજવુ કે તમે વૃધ્ધ થઈ ગયા છો.

ગૃ હિણીનો સ્વભાવ : ચા નો રંગ જોઈને ખબર પડી જાય ...

ગભરાટ : એ માનસિક સ્થિતિ જ્યારે અંગ્રેજીમા લખેલુ " નાગાલેન્ડ " "મગનલાલ " વંચાય.

સ્ટોન  : એક બાહ્ય પદાર્થ જે ડાહ્યા માણસોની કીડનીમાં અને સવાઈ ડાહ્યા માણસોને માથામાં હોય છે.

સાળી : સીસ્ટર ઈન લો થી સ્વિટહાર્ટ ઈન લો વચ્ચેની એક સંબંધી.

સુટકેસ :  લગ્નમાં અપાતી એક ભેટ. ભાગીને લગ્ન કરવુ હોય તો અથવા લગ્ન કરીને ભાગી જવુ હોય તો કામ આવતી એક વસ્તુ. હનીમૂનથી મહાભિનિષ્ક્રમણ સુધી સાથે રહે છે.

સૂર્યાસ્ત
: મૃત્યુના જન્મનુ સૌંદર્ય.

લગ્ન : એ સમાજ વ્યવસ્થા જેમાં એક હાથે  જ  તાળી પડતી હોય છે.

ડાયટીંગ : શરીર માટે સારી અને ચહેરા માટે ખરાબ એવી  સ્વાસ્થ્ય - પ્રવૃત્તિ.

જીવવુ : બીજા માટે મરવુ.

કલાકાર : એ મનુષ્યપ્રાણી જે મિત્રો વિના જીવી શકે પણ શત્રુઓ વિના જીવી શકતુ નથી.

રાત્રે વહેલા સૂઈને સવારે વહેલા ઉઠ્વા વિશે : આ ક્વોલીટી વીરની ગણવામા આવે છે. ( એ અર્થમા ) સહુથી વીર દૂધપીતા બાળકો છે એ વહેલા સૂઈને વહેલા ઉઠે છે.

કમજોર, ગુસ્સા બહોત
: ચુનાના ઢગલા જેવી સ્થિતિ. ચૂનાના ઢગલા પર ઠંડુ પાણી નાખો તો પણ ગરમ થઈ જાય. અગ્નિ ન નિક્ળે પણ ચૂનો તતડ્યા કરે. કેટલાક માણસોનો આ સ્વભાવ હોય છે.

સેક્સ ગેપ
: જનરેશન ગેપ પછીનુ ગુજરાતી પ્રગતિનુ આ બીજુ ચરણ.

Monday, May 2, 2011

એક આંગળ ચાર દોરા બે તસુ ...

 કહે છે ને  "જ્યા ન પહોચે રવિ ત્યા પહોચે કવિ "  .....  આમ તો સૂરજની સામે જોવાની પણ માણસની હીંમત ના થાય પણ અહી આ બંને કવિતાઓમા તો સૂરજની જ  જબરી ખેંચી છે બોસ આ કવિશ્રીઓ એ... આઈમીન જબરી મજાક ઉડાવી છે .... જો કે આવુ કામ તો  માણસો પણ કરી જ શકે ... મજાક ઉડાવાનુ ! એ તો માણસોને બહુ સારી રીતે આવડે . પણ પ્રાસમાં મજાક ઉડાવાનુ કામ તો કવિઓ જ કરી શકે ને ! જોઈ લો ...

અસ્તરેખા જોઈને સૂરજની, કૂકડાએ કહ્યું,
'આપના પ્રારબ્ધમાં બહુ ચડઊતર દેખાય છે' .....

ને વળી આ જુઓ ... 

સૂર્યમાં કાળાપણું છે, એક આંગળ ચાર દોરા બે તસુ. .....

જબરુ સંભળાવ્યુ છે ને સૂરજ ને .... લો પૂરી કવિતાઓ જ માણી લો ....

રોજ સાંજે પંખીઓના મોરચા મંડાય છે
વ્રુક્ષની માલિકી બાબત માગણીઓ થાય છે

એક સૂકા પાનની રેખામાં ઠેબાં ખાય છે
એ પવન બ્રહ્માંડભરનો ભોમિયો કહેવાય છે?

અસ્તરેખા જોઈને સૂરજની, કૂકડાએ કહ્યું,
'આપના પ્રારબ્ધમાં બહુ ચડઊતર દેખાય છે'

બાલદી, શીશી, તપેલી, પ્યાલૂં, ડબ્બો, ટોપિયું
ફૂલ જ્યાં બોળે ચરણ ત્યાં ફૂલદાની થાય છે

ક્યાંક તો જાતો હશે એ, માનીને ચાલ્યો હતો
પણ હવે રસ્તો પૂછે છે, 'ભાઈ, તું ક્યાં જાય છે?'

 - ઉદયન ઠક્કર

એક આંગળ ચાર દોરા બે તસુ

આપણું આઘાપણું છે, એક આંગળ ચાર દોરા બે તસુ,
તે છતાં મળવાપણું છે, એક આંગળ ચાર દોરા બે તસુ.

ફોનના ડાયલ મહીં છે આંખ દસ દસ પણ બધી છે આંધળી,
ને સતત ફરવાપણું છે, એક આંગળ ચાર દોરા બે તસુ.

પેચ લેતા મૂતરે છે છોકરાઓ લાલ આ ત્રિકોણમાં,
સૂર્યમાં કાળાપણું છે, એક આંગળ ચાર દોરા બે તસુ.

રાત આખી કાંપતુ બેઠું કબૂતર છાપરાની ઓથમાં,
આમ તો સરખાપણું છે એક આંગળ ચાર દોરા બે તસુ.

ભીંત ઘરને ચોતરફથી ઘેરતી ઉભી રહી છે તે છતાં,
આપણું આઘાપણું છે, એક આંગળ ચાર દોરા બે તસુ.
 

- કૈલાસ પંડિત 

આભાર "ગુંજારવ " ...

વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી...

આજે ગુજરાતનો બર્થ ડે. ગુજરાતમા તો એનુ જબરજસ્ત સેલીબ્રેશન થયુ છે. એક ગુજરાતી તરીકે  આપણા માટે પણ આજનો દિવસ ખાસ અને આનંદનો જ છે. પણ વર્તમાન સમયને ધ્યાનમા લેતા અર્થાત આજના ગ્લોબલાઈઝેશનના જમાનામા તો ઉમાશંકર જોશીની "હુ વ્યક્તિ મટીને બનુ વિષ્વમાનવી. " એ જ વધારે ઉચિત છે. તો આજે એમની એ ઉત્તમ રચનાને જ યાદ કરીએ અને ગુજરાતના બર્થ ડે નુ સેલીબ્રેશન કરી લઈએ...

કીકી કરું બે નભતારલીની
ને મીટમાં માપું દિગંતરાલને,
માયા વીંધીને જળવાદળીની
અખંડ દેખું પળમાં ત્રિકાલને.

સન્ધ્યા-ઉષાની સજી પાંખજોડલી
યાત્રી બનું ઊર્ધ્વમુખી અનંતનો;
સ્વર્ગંગમાં ઝુકવું ચંદ્રહોડલી,
સંગી બનું વા ધૂમકેતુ-પંથનો.

વ્યક્તિત્વમાં બંધન તોડીફોડી,
વિશ્વાન્તરે પ્રાણપરાગ પાથરું;
પાંખો પ્રકાશે તિમિરે ઝબોળી
સ્થળે સ્થળે અંતરપ્રેમ છાવરું.

વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી;
માથે ધરું ધૂળ વસુન્ધરાની.

- ઉમાશંકર જોશી