Tuesday, January 29, 2013

ચાલ, થોડો યત્ન કર...

છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
આ જગત છોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી,
આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

કોઈ ઈચ્છા એકલી વટભેર ચાલી ના શકે,
કૈં કશું જોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

કાંધ પરથી હે કીડી ! ગાયબ થયો છે થાંભલો,
આભમાં ખોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

બાતમી મળશે તને ‘ઇર્શાદ’ના એકાંતની,
ગુપ્તચર ફોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર....


- ચિનુ મોદી

Tuesday, January 22, 2013

કામ કોઈ આવશે નહીં...

દર્પણનું બિંબ કામ કોઈ આવશે નહીં,
સરનામું પૂછશો નહીં, બતાવશે નહીં

પગલીને મારી ભૂંસવા જ હું મળ્યો તને,
તારી ગલીને એ હવે સજાવશે નહીં.

તું પણ બનીને દોસ્ત છો ને આવતો ખુદા,
તું પણ જરૂર હશે ને ત્યારે આવશે નહીં

લાચાર ક્ષણ હશે અને હસાવતી હશે,
સામે ઊભી હશે અને લખાવશે નહીં.

આ શ્વાસ બ્હાર નીકળીને કહી રહ્યાં મને,
ક્યારેક બ્હાર આવવાનું ફાવશે નહીં.

- અંકિત ત્રિવેદી

એકેક વ્હેંત ઊંચાં બધાં ચાલતાં હતાં,
તારી ગલીમાં કોઈના પગલાં પડ્યાં નહીં.
- બેફામ

Monday, January 21, 2013

હજ્જારો બારી છે...

અહીંથી આવ-જા કરતા બધા બસ રાહદારી છે
અહીં દ્વારો વગરનું ઘર અને હજ્જારો બારી છે

હવે વારાંગનાના બારણાથી પણ વધુ ખુલ્લી
આ મારી ખુલ્લી છાતી પર સજાવેલી પથારી છે

છતાં એવી જ નિર્મમતાથી પીડે છે હજુ આજે
ગયા ભવમાં હતી જે શોક્ય આ ભવમાં અટારી છે

પ્રતીક્ષાની પીડાઓ તો અ.સૌ. છે ને અ.સૌ. રહેશે
ભલે એક આંખ વિધવા છે અને બીજી કુંવારી છે....

- મુકુલ ચોક્સી

Thursday, January 10, 2013

યાદ છે...

કોઇ પાસેથી ગયાનું યાદ છે
ને સજળ આંખો થયાનું યાદ છે

અવસરોના તોરણોને શું કરું
મંડપો સળગી ગયાનું યાદ છે

તું ય તારું નામ બદલીને આવજે
હું મને ભૂલી ગયાનું યાદ છે

આંસુઓ મારા હશે નક્કી જલદ
પાલવો સળગી ગયાનું યાદ છે

નામ એનું હોઠ પર રમતું રહ્યું
ને ગઝલ પૂરી થયાનું યાદ છે

ગુલ પછી હું ત્યાં કદી ન જઇ શક્યો
હર જખમ તાજા થયાનું યાદ છે

- અહમદ ગુલ    

આ ગઝ્લ સાંભળવી હોય તો - http://www.youtube.com/watch?v=Je-sEwoIVq8

Monday, January 7, 2013

અમે રાખમાંથીયે બેઠા થવાના...

'દરેક દિવસ તમારી જિંદગીનો છેલ્લો દિવસ છે એમ માનીને જીવી જાવ. એક દિવસ તમે જરુર સાચા પડવાના!'
- રે ચાર્લ્સ

અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના.

ભલે જળ ન સીંચો તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના.

ધખો તમતમારે ભલે સૂર્ય માફક,
સમંદર ભર્યો છે, ન ખૂટી જવાના.

ચલો હાથ સોંપો, ડરો ન લગીરે,
તરી પણ જવાના ને તારી જવાના.

અમે જાળ માફક ગગન આખું ઝાલ્યું,
અમે પંખી એકે ન ચૂકી જવાના ! ...

- હર્ષ બ્રહ્મભટ્ટ


Tuesday, January 1, 2013

પ્રિય પ્રભુ...


કેલેન્ડર પર ૨૦૧૨નું વર્ષ પૂરુ થયુ અને ૨૦૧૩ના વર્ષની શરુઆત થઈ ગઈ છે. આવુ એટલા માટે કહેવુ પડે છે કે જ્યારે એકધારી જિદગી જીવાતી હોય ત્યાં દિવસો, મહિના અને વર્ષો માત્ર કેલેન્ડર પર જ બદલાય છે. પરંતુ આવુ ના થાય અને દરેક વ્યક્તિના જીવનમાં ખરેખર માણી શકાય એવી જીવંત ક્ષણો વધુ ને વધુ ઉમેરાતી જાય એવી શુભેચ્છા સાથે નવા વર્ષના પ્રથમ દિવસે શ્રી અંકિત ત્રિવેદીની પ્રિય પ્રભુને કરેલી પ્રાર્થના ....

પ્રિય પ્રભુ,

અસ્તિત્વની પેલે પારથી
આવતી તારી સુગંધ
મને માણસ તરીકે જીવતો રાખે છે ...

પ્રત્યેક પળ નવું વર્ષ બની જાય
એવી તારી ઈચ્છાને અમે સંઘર્ષનુ નામ આપ્યુ છે...
તુ મળીશ એ ક્ષણ મારું નવુ વર્ષ...

દોસ્તીમાં એકમેકને મળવાની આતુરતા હોય છે ...
તું મળે છે, પણ વાત કરવાનો મોકો નથી આપતો
મળવાની તાલાવેલી તારી આંખો માં વંચાવી જોઈએ

સુખ અને દુખની પેલે પારનું જીવવા માટે
સંબંધોને વધુ ઉપસાવવા મદદ કરજે ...

જીવતરમાં એવા રંગો પૂરજે,
જે વાયરાના કહ્યામાં ન હોય ...
દીવો ઓલવાઈ ગયા પછી
આસપાસમા  અજવાળુ જીવતુ હોય છે
એમ તારી ગેરહાજરીમાં
મારું ' માણસપણુ'  જીવતુ રહે એનું ધ્યાન રાખજે ...

ઘરના ઉંબર સુધી
પહોંચેલુ નવુ વર્ષ
બારેમાસ નવુ જ લાગે એવું કરજે ...
પ્રત્યેક દિવસ
તારા  સાન્નિધ્ય્માં  ઊજવાતો
તારીખનો તહેવાર લાગે છે.



લિ.
તારા એક્તારાનો રણકાર ...


- અંકિત ત્રિવેદી