Friday, February 25, 2011

એક પ્રાર્થના...એકવાર તો કરવા જેવી ...

આજે એક "પ્રાર્થના". માંદા પડીએ ત્યારે તંદુરસ્તીનુ મહત્વ સમજાય. એ અલગ વાત છે ક્યારેક ક્યારેક માંદા પડીએ ત્યારે એક મીની વેકેશન મળી જાય છે. પણ compulsory bed rest  બે દિવસ પછી તો "bad rest " લાગવા માંડે... ક્યારેય ના ગયા હોઈએ એવી જગ્યાએ જવાની ઈચ્છા થઈ આવે ને ક્યારેક જ ખાતા હોઈએ એવી વસ્તુઓ પણ ખાવા ની તલપ લાગે. વસ્તુ કે વ્યક્તિનો અભાવ જ એની સાચી ઝંખના આપે છે.... એ જ્યારે આપણા જીવનમા હોય ત્યારે એની કીંમત તો હોય આપણને પણ ના હોય ત્યારે એનો અંભાવ એની સાચી કીંમત આંકી આપે છે... એટ્લે માંદા પડીએ ત્યારે જ ખબર પડે કે સાજા રહેવુ એ કેટલા મોટા આશિર્વાદ છે....... ને પથારીમા પડ્યા પડ્યા માણસ જાણે અજાણ્યે એક કામ તો કરે જ એવે સમયે,  ને એ છે .."પ્રાર્થના" ... તો આજે પ્રાર્થનાથી જ શરુઆત કરીએ .....

રોજ રોજ ની રુટીન લાઈફ થી કંટાળી ગયા હોવ ને એમ લાગતુ હોય કે આ દુનિયામા તમારાથી વધારે હેરાન ને ત્રસ્ત બીજુ કોઈ નથી તો એ નિર્ણય પર આવતા પહેલા આ ચોક્કસ વાચી જજો ....

પ્રાર્થના
સવારના પહોરમા એલાર્મ ઘડીયાળના અવાજથી હુ સખત ચિડાઈ જાઉ છુ. સવારના પહોરમા મને આ અવાજ સહુ થી કર્કશ અને ખરાબ લાગે છે. - " છતાં હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે હુ સાંભળી તો શકુ છુ! દુનિયામા એવા હજારો લોકો જે સાંભળી પણ નથી શકતા... "

સવારમા ઉગતા સોનેરી સૂર્યની સાથે આકાશ મા કેટલા અવનવા રંગો ફેલાતા હોય છે ! એ વેળા હુ એ જોવાની પરવા કર્યા વગર ઉંઘતો હોવ છુ.-  " છતાં હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે હુ જોઈ તો શકુ છુ! જગતમા એવા હજારો અંધ માણસો છે એ તો કંઈ પણ જોઈ નથી શકતા... "

સવારમા ઉઠી ગયા પછી પથારી છોડતા મને ખૂબ જ આળસ આવે છે. - "છતાં હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે હુ ઉભો તો થઈ શકુ છુ ! ચાલી તો શકુ છુ ...જગતમા હજારો માણસો એવા છે જે વર્ષોથી  પથારીવશ છે. જે પોતાના પગ પર ઉભા પણ થઈ શકતા નથી ..."

ઉઠ્યા પછીની મારી સવાર પણ ધમાલભરી જ હોય છે. બાથરુમ મા ઘુસેલુ બાળક જલદીથી બહાર ના નિકળે, નાસ્તો તૈયાર ના હોય, પત્નીની બૂમાબૂમ, ઘરડા મા-બાપના આરોગ્યની ફરિયાદો વગેરે ...વગેરે ... - "છતાં હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે તે મને એક કુટુંબ તો આપ્યુ છે! કંઈ કેટ્લાય માણસોને તો સાવ એકલવાયુ જીવન જીવવુ પડતુ હોય છે. "

મારુ ઘર આમ તો સાવ સામાન્ય ઘર છે, ફર્નિચર પણ સાવ સામાન્ય જ છે. - "છતાં હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે મારે મારુ પોતાનુ ઘર તો છે હજારો માણસો ને ઓઢવા માટે આભ ને પાથરવા માટે પ્રુથ્વી સિવાય કંઈ પણ મળતુ નથી. એ લોકો કરતા તો હુ કેટ્લો ભાગ્યશાળી છુ! "

મારા ઘરે બનતુ ભોજન પણ સાવ સાદુ જ હોય છે, મિષ્ટાન્ન પણ ભાગ્યેજ બને છે પણ છતાં - " હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે તુ મને ભોજન તો આપે છે! અસંખ્ય માણસો તો રોજ ભૂખ્યા જ સૂઈ જાય છે. "

મારુ કામ પણ રોજ એનુ એ જ - મોનોટોનસ - અકળાવનારુ હોય છે. છતાં- "  હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે તે મને બેકાર તો નથી બનાવ્યો !! "

અને અંતમા હે પ્રભુ ! મારુ જીવન મારા સપનાના જીવન જેવુ તો નથી જ. મેં જેવુ કલ્પ્યુ હતુ તેવુ મારુ જીવન જરાક પણ નથી. છતાં - " હે પ્રભુ! તારો ખૂબ ખૂબ આભાર માનુ છુ કે હુ જીવુ તો છું .... !!! મારી સાથેના કેટલાય લોકોને તો જિંદગી જ નસીબ નથી થઈ ...! "

" તારો આભાર હું માનુ એટ્લો ઓછો છે પ્રભુ ! તેં મને કેટલુ બધુ આપ્યુ છે ! જોવા ને ગણવા બેસુ છુ તો તેં મને બધુ જ આપ્યુ છે. તારો ખૂબ ખૂબ આભાર! "

Original title - " A Prayer " .... translated by Dr. I K Vijalivala

એ ઠીક છે જેટલુ હોય એટલામા સંતોષ માની ને બેસી રહીએ તો આગળ વધી જ ના શકાય .... પ્રગતિ માટે જીવનમા થોડો અસંતોષ જરુરી છે. પણ જે પાસે નથી એ મેળવવાની લહાય મા જે હોય એ પણ માણીએ નહી અને એની કદર ના કરીએ ને પછી 'લાઈફ મા કઈ નથી' ની બૂમો પાડીએ તો એનાથી મોટી બેવકૂફી બીજી કઈ કહેવાય ??

આપણે બધા ક્યારેક ને ક્યારેક જીવનથી કંટાળી જઈએ છીએ એટ્લે આ કવિ જેવી અકળામણ અનુભવીએ છીએ ....

કારણ મારી ભીતર છે, ને હું કારણ શોધં છું.
ક્યાં શોધું છું ઉપચારો, હું હૈયાધારણ શોધું છું

ટેબલ ઉપર પુસ્તક માફક આમ હથેળી ફેલાવી
વિખરાયેલા પૃષ્ઠોમાંથી મારું પ્રકરણ શોધું છું

મારી આગળ-પાછળ મબલખ સંવેદન ઘેરાયાં છે
ભીતરના સંવેદન સાથે મારું સગપણ શોધું છું

વિરાટના ઝૂલે ઝૂલું એવો હળવો થઇ જાવાને
હું મારા અસ્તિત્વ વિશે કેવળ રજકણ શોધું છું

જ્યારે જ્યારે ભીંજાવાને મન આ તલપાપડ થાતું
કાગળની હોડીમાં તરતું મારું બચપણ શોધું છું....
- રમણીક સોમેશ્વર

No comments:

Post a Comment