Sunday, July 31, 2011

વર્તુળને ખૂણાઓ હોય ...


સંબંધોને બિલોરી કાચમાંથી જોવાની આદત હજી છૂટતી નથી,
વર્તુળને ખૂણાઓ હોયવાળી ભૂમિતિની સાબિતી ક્યારેય તૂટતી નથી.

મારા વગર તું ભલે
કૂપરમાં ડૉગ શો જોવા જઈ શકતી હોય,
ઈરોસના ઈંટરવલમાં કોન આઈસક્રીમ ખાઈ શકતી હોય,
સેટર્ડેએ સાંજે અમરસન્સમાં શૉપિંગ કરવા જઈ શકતી હોય.

અને તારા વગર હું ય ભલે
મહર્ષિ કરવે રોડ ઓળંગી શકતો હોઉં,
ઈરાનીમાં જ્યુક બૉક્સ સાંભળી શકતો હોઉં,
લૉટરીના રિઝલ્ટ ખરીદીને લૉટરી સહિત ફાડી શકતો હોઉં.

પણ જો તું હોત તો....
રસ્તો ઓળંગવાને બદલે સબ-વેમાં જવાનું મન થાત,
જ્યુક બૉક્સમાંથી સિક્કા નાખ્યા વગર કોઈ સૂર સંભળાયા કરત,
લૉટરી…. ???!!!

બસમાં તારી ટિકિટ કઢાવું અને તું ‘થેંક્યું’ કહે
થોડી મોડી આવે અને તું ‘સૉરી’ કહે,
વાતવાતમાં ‘પ્લીઝ’ ને વાતવાતમાં ‘વેલકમ’.
પણ મને ક્યારેય આ બધા શબ્દોનું વાક્ય બનાવીને
એનો અર્થ કાઢતા આવડ્યું નહીં.

લોકો તો માનતા કે આપણા સંબંધો તો બારમાસી છે -
પણ એ ભોળાઓને ક્યાં ખબર
કે
શિયાળામાં હું તને હથેળીની ઉષ્માની વાત કરતો હોઉં
ત્યારે તું એને તારી ઠંડી વાતોથી થીજવી દેતી હતી,
ઉનાળામાં આપણા સંબંધો ગુલમોર બનીને મોર્યા હોય
અને તારા મૌનને બારણે ઊભા ઊભા
એય થાકીને ખરી જતા હતા....

- સૌરભ શાહ

Thursday, July 28, 2011

જિંદગી.

ગર્ભમાં નાતો કરે છે જિંદગી,
મ્હેંકમાં વાતો કરે છે જિંદગી.

મૌનના અંધારની વચ્ચે જઈ,
શબ્દને ગાતો કરે છે જિંદગી.

વાંઝણી આંખોમહીં સપનાં જણી,
રેશમી રાતો કરે છે જિંદગી.

શક્યતાનાં બારણાં ખોલી સતત,
કૈંક રજૂઆતો કરે છે જિંદગી.

ક્યાંક આંસુ, ક્યાંક બોખા સ્મિતથી,
અવનવી ભાતો કરે છે જિંદગી.

એક મુઠ્ઠી શ્વાસની છે વારતા,
અંત પડઘાતો કરે છે જિંદગી.

શું હવે અફસોસ ‘ચાતક’ અંતનો,
રોજ શરૂઆતો કરે છે જિંદગી.........

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

Tuesday, July 26, 2011

ગુલાબ આપો ...

ક્યાં કહું છું કે ફૂલછાબ આપો
ફૂલ એક આપો, પણ ગુલાબ આપો

કાળી રાતોને જેમ ચંદ્ર મળે
બંધ આંખોને એવું ખ્વાબ આપો

સ્વપ્ન આંખોએ કેટલાં જોયાં?
ચાલો, આંસુભીનો હિસાબ આપો

આંખોઆંખોમાં પ્રશ્ન પૂછ્યો છે
હોઠથી હોઠને જવાબ આપો

મેં તો મનમાં હતું એ પૂછી લીધું
આપો આપો, હવે જવાબ આપો!

એટલે તારા મેં નથી તોડ્યા
કાલે કહેશો કે આફતાબ આપો

એ પૂછે છે જીવન વિશે હેમંત
એને કોરી ખૂલી કિતાબ આપો

- હેમંત પુણેકર

दिलों में तुम अपनी बेताबियां लेके चल रहे हो तो जिन्दा हो तुम ..

दिलों में तुम अपनी बेताबियां लेके चल रहे हो तो जिन्दा हो तुम
नझर मे ख्वाबों की बिजलियां ले के चल रहे हो तो जिन्दा हो तुम
हवा के झोंको के जैसे आझाद रहना सीखो
तुम एक दरिया के जैसे लेहेरों में बहना सीखो
हर एक पळ एक नया समा देखे ये निगाहें
जो अपनी आंखो में हैरानियां लेके चल रहे हो तुम ...
तो जिन्दा हो तुम ...

दिलों में तुम अपनी बेताबियां लेके चल रहे हो तो जिन्दा हो तुम ...............
 


-  जावेद अख्तर  from the movie " जिन्दगी ना मिलेगी दुबारा .." 


ys friends .... એક વાર આ મુવી જોવા જેવુ છે .. ઈન્ફેક્ટ કેટલાક ડાયલોગ્સ સમજ્વા જેવા છે.  જેમકે , ..
હંમેશા ૪૦ વર્ષ પછી રીટાયર્મેન્ટ પછી જ લાઈફને એન્જોય કરવાના પ્લાન કરવાવાળા રિતિક્ ને કેટરીના સીધો જ સવાલ કરે છે કે ," ૪૦ વર્ષ સુધી તુ જીવવાનો છે એની તને ખબર છે ?" ..... અને ... "પૈસા કમાવાથી જ તને સહુથી વધુ ખુશી મળે છે તો તારી સેલરી લેતી વખતે તારી આંખમાં આંસુ (ખુશીના) આવે છે  ક્યારેય? "

અને ખુલ્લા આકાશ નીચે આડા પડીને રીતીક રોશન કહે છે કે "આપણે આમ સ્ટુપીડ ની જેમ અહીં શુ કરીએ છીએ ?" ત્યારે પણ કેટરીનાના મોઢે અદભુત ડાયલોગ બોલાવડાવ્યો છે કે ," જેણે આખી લાઈફ્માં ખુલ્લા આકાશ નીચે સૂઈને આમ તારા જોયા નથી એનાથી વધારે સ્ટુપીડ દુનિયામા બીજુ કોઈ નહી હોય ! " ...

અને ફરહાન અખ્તરના મોઢે કહેવાયેલી કેટલીક સરસ શાયરી ....


" इक बात होठों तक है जो आई नहीं
बस आँखों से है झांकती
तुमसे कभी , मुझसे कभी
कुछ लफ्ज़ हैं वो मांगती
जिनको पहन के होंठों तक आ जाए वो
आवाज़ की बाहों में बाहें डाल के इठलाये वो
लेकिन जो ये इक बात है
एहसास ही एहसास है

खुशबू सी है जैसे हवा में तैरती
खुशबू जो बे-आवाज़ है
जिसका पता तुमको भी है
जिसकी खबर मुझ को भी है
दुनियां से भी छुपता नहीं
ये जाने कैसा राज़ है ... " ....

-------------
जब जब दर्द का बादल छाया
जब गम का साया लहरायाँ 
जब आसूं पलकों तक आया
जब यह तनहा दिल घबराया
हमने दिल को ये समझाया
दिल आखिर तू क्यूं रोता हैं
दुनिया में यही होता हैं

ये जो गहरें सन्नाटे है 
वक़्तने  सबको ही बाटे हैं
थोडा गम है सबका हिस्सा 
थोड़ी धुप है सबका हिस्सा

आंख तेरी बेकार ही ना बहें
हर पल एक नया मौसम हैं 
क्यूँ तू ऐसे बल खोता है
दिल आखिर तू क्यूँ रोता है ......

... njoy today ... because " આ ક્ષણો, આ પળ, આ દિવસો વળીને પાછા નથી આવવાના ... આ લાઈફ પણ ફરીથી નથી મળવાની ... " so live lively today's  life ...

Saturday, July 23, 2011

સૌમ્ય જોષી એક નાટ્ય દિગ્દર્શક, એક પ્રોફેસર, એક કવિ, એક લેખક, એક સારા એક્ટર પણ ... એમના  બુલંદ અવાજમાં કવિતા સાંભળવી એ પણ એક લ્હાવો છે ... આજે એમના કાવ્ય સંગ્રહ "ગ્રીનરુમમાં " માંથી કેટલીક પંક્તિઓ ...

સૂરજની જેમ આથમું ઊંચકીને રોજરોજ,
કંઈ કેટલાના દિન ન ફેરવી શક્યાનો બોજ.

પોતાના માટે બીજું તો માંગે શું જિંદગી,
થોડીક એની આરજૂ થોડીક એની ખોજ ...
-------------

શું કરું ક્યાંથી ઉકેલું કેવો આ સંબંધ છે;
તુ લખે છે બ્રેઈલમાં ને હાથ મારો અંધ છે.

હું તિરાડો જોઈને પાછો ફર્યો ને એ પછી,
બાતમી એવી મળી કે આયનો અકબંધ છે ...

--------------------

આંખ બીડી હાથ બે ભેગા કરી;
એક ઈચ્છા આવવાને કરગરી.

બહાર નીકળીને પ્રવાહી થા હવે,
ઘટ્ટ ઘન આંસુની તીણી કાંકરી.

ખ્વાબમાં પણ રિક્તતાઓ છે હવે
ઓ હકીકત કઈ રીતે તુ સંચરી.

ચોતરફ રખડ્યો ને ક્યાંય ના મળી,
એક પણ છાંટા વગરની એક છરી.

આઠ દસ મહોરાંઓ પહેર્યાં કેમ તેં ?
એ ભલા માણસ તું માણસ છે કે હરિ ?...

- સૌમ્ય જોષી

Friday, July 22, 2011

મારે સંબંધો સહિત જીવવાનું ....

 હવે સંબંધની વાત  ગઈકાલે નિકળી જ છે  તો આજે  થોડી વધુ વાતો ...  ઓફકોર્સ સંબંધ વિષે .... એક બહુ સરસ વાત કહેવાઈ છે કે સંબંધ શરુ ભલે ગમે તે રીતે થાય પણ એની ગરિમા તો એ કઈ રીતે ખતમ થાય એમા દેખાય છે  ..... એકવાર શરુ થયેલો સંબંધ જીવન ભર તૂટે નહી તો એનાથી સારી વાત બીજી કઈ ! પણ ના કરે નારાયણ ને કોઈ કારણ સર જો સંબંધ તૂટી જાય તો  કેટલી સહજતાથી સંબંધમાં બંધાયેલી વ્યક્તિઓ એક બીજાને એ સંબંધમાંથી મુક્ત કરે છે એના પર જ એ સંબંધ નુ સાચાપણુ જણાઈ આવે છે ... નહી તો એ સંબંધની આડમાં ખોખલા વ્યવહારો જ બનીને રહી જાય છે ... પણ આ જ વસ્તુ ઓ  તો જીવનનો એક ભાગ છે .!... ને કદાચ આપણા જીવનના અનેક કામો મા આ પણ એક કામ છે કે આપણે સમયાંતરે એ ગણતા રહીએ કે આપણી ઝોળી મા કેટ્લા સંબંધો(સાચા)  આવે છે અને કેટલા ખોખલા વ્યવહારો ...

ક્યારેક થાય છે કે હકીકતમાં સંબંધો તૂટે ્કે પૂરા થાય અને એ સંબંધમાથી આપણે મુક્ત થઈએ તો પણ શુ સાચે આપ્ણે એમાથી સંપૂર્ણ મુક્ત થઈ શકીએ છીએ ખરા ? બધુ ખતમ થાય તો પણ યાદો નો સંબંધ તો રહી જ જાય છે ને ... અને ચલો,  કદાચ,  યાદ પણ ખતમ કરી દઈએ તો પણ જેની સાથે સંબંધ તૂટ્યો હોય એની સાથે એક તો માણસાઈનો અને બીજો ફરી એક બીજા થી અજાણ્યા બનીને અજનબીનો સંબંધ તો રહી જ જાય છે ને ! .... મુક્તિ તો કદાચ ખાલી ભ્રમ જ   છે .... બાકી એકવાર સંબંધમાં બંધાયા પછી એનાથી જીવતે જીવત  છુટવુ લગભગ અશક્ય જ હોય છે કદાચ  ....

મારે સંબંધોના મલિન રસ થી રોજ ખરડાવાનુ !
મારે સંબંધો સહિત જીવવાનું .... 
- રાવજી પટેલ ..

મળતી નથી દિશા મને રસ્તો નથી મળતો,
કેમ એક પણ વ્યક્તી મને હ્સતો નથી મળતો..!

એકાંત જેવું લાગે છે જાઉં જો ભીડ મા,
પુછું જો કોઇ પ્રષ્ન તો ઉત્તર નથી મળતો.

કારણ અને તારણ વગર મિત્રો મળે બધા,
હવે તો કોઇ એવો અવસર નથી મળતો.

સ્વજન પણ મળે છે કોઇ પ્રસંગ મા,
પ્રસંગ નથી તો કોઇ સ્વજન નથી મળતો.

માનવ પણ આ જગત મા તારા થકીજ છે,
પણ તારો કેમ કોઇ પર્ચો નથી મળતો.

'મિલન' કોઇ વ્યક્તિ અમથો મળે નહિ,
જો સ્વાર્થ કઈં નથી તો સંબંધ નથી મળતો....
 
. - 'મિલન' ચિરાગ ભટ્ટ

Thursday, July 21, 2011

"સંબંધ " ... - શ્રી ગુણવંત શાહ

મૂળ છું હું મૂળથી સંબંધ છે
મારે ચપટી ધૂળથી સંબંધ છે 

અગ્નિ, જળ, વાયુ અને આકાશનો
માનવીના કૂળથી સંબંધ છે...

"સંબંધ " ...આ ખાલી એક અઘરો શબ્દ જ નથી પણ પ્રેક્ટીકલી પણ બહુ કોમ્પ્લીકેટેડ વસ્તુ છે ... કેમ કે લાઈફમાં કેટલાક સંબંધો સમજમા જ નથી આવતા ..... જો કે એની પાછળ એક કારણ છે કે આપણે દરેક સંબંધને નામથી જ જોવા ટેવાયેલા છીએ ... શુ કરીએ સામાજિક પ્રાણી છીએ , એટલે સામાજિક આદતો ની અસરથી મુક્ત તો કેવી રીતે રહી શકાય ? .... છતાં આપણે બધા જાણીએ છીએ કે મોટાભાગના લોકો જીવનમા આવા નામ વગરના નિખાલસ સંબંધો હંમેશા ઝંખતા હોય છે .... ઓ હલો ! અહી કોઈ ફેસબુક પર હાઈ / હલો કરીને બંધાઈ જતા સંબંધની વાત નથી થઈ રહી ..... આ તો વાત થઈ રહી છે એકદમ સહજતાથી બંધાઈ જતા, ક્યારેક તો બિલકુલ એક શબ્દની પણ આપ-લે થયા વગર ખાલી એક સ્મિત ની આપ-લે પુરતા બંધાઈ જતા અને ક્યારેક સાવ સામાન્ય વાતચીત થી શરુ થઈને ગાઢ લાગણીમા ફેરવાઈ જતા સંબંધની વાત થાય છે ..... જેટલા રંગના ફૂલો છે દુનિયામાં સંબંધો પણ કદાચ એટલા જ અવનવા અને અનોખા હોય છે .......

ક્યારેક તો થાય છે કે જે લોકો આપણા જીવનમાં આવતા હોય છે પછી એ દોસ્ત હોય કે દુશ્મન ... શુ એમને આપણે ક્યારેય ઝંખ્યા હશે પૂર્વે ? કુદરતનુ કયુ લોજીક કામ કરે છે એમા એ સમજાતુ જ નથી .... કયારેક આપણી જ ગલીના છેલ્લા મકાનમા રહેતા કે આપણા જ એરિયામા વસતા માણસ વર્ષો સુધી આપણા પરિચયમા પણ ના આવે .... ને ક્યારેક દુનિયાના  કોઈ સામા છેડે વસનાર માણસ આપણા જીવનો ખાસ ભાગ બની જાય ............ મિરેકલ નથી આ તો શુ છે ? એની વેયસ , ..... 
મારી જેમ લેખક શ્રી ગુણવંત શાહ પણ સંબંધોની અવનવી રીતો પર કદાચ મારા જેટલા  જ વિસ્મિત છે ....
જુઓ ......

માનવસંબંધોની ભાત નિરખવા જેવી અને પરખવા જેવી  છે.

કેટલાક સંબંધો ગુલમહોરિયા કે પછી ગરમાળિય જેવા હોય છે,
ભરઉનાળે આંખને ઠંડક અને જીવનને રંગદીક્ષા આપે તેવા.

કેટલાક સંબંધો બોગનવેલિયા હોય છે; સુગંધ નહી પણ શોભા વધારનારા.

કેટલાક સંબંધો બાવળિયા હોય છે; ઉપયોગી તોય કાંટાળા.

કેટલાક સંબંધો વડલાની શીળી છાયા જેવા ઉપકારક,
તો કેટલાક લીમડા જેવા ગુણકારી.

કેટલાક સંબંધો વસંતમાં ખીલેલી આમ્રમંજરી જેવા, 
તો કેટ્લાક પારિજાત જેવા સુવાસયુક્ત હોય છે. 

કેટલાક સંબંધો ગુલાબી તો કેટ્લાક મોગરાની મહેક જેવા હોય છે.

કેટલાક સંબંધો ' ઓફિસ ફ્લાવર્સ ' જેવા હોય છે,
સવારે ખીલે ને સાંજે બિડાઈ જાય ..............
 

- શ્રી ગુણવંત શાહ

અને છેલ્લે ...

ગૂંચ પણ એકે કદીયે હું ઉકેલી ના શક્યો,
હસ્તરેખાથી જટિલ બનતા ગયા સંબંધ સૌ.

જિંદગીના હાથને શેની બિમારી થઈ ગઈ ?
આંગળી માફક સતત ખરતા રહ્યા સંબંધ સૌ. ....

-વિવેક મનહર ટેલર


ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ
પ્રસંગ, નહિ તો મિલનના જતા કરે કોઇ

મને ઘણાય તમારો સંબંધ પૂછે છે
તમારી પણ કદી એવી દશા કરે કોઇ ....

- જવાહર બક્ષી

Tuesday, July 19, 2011

જી સર, એ લોકો વિખાઇ ગયા છે. ....

થોડા દિવસ પહેલા મુંબઈમાં બોમ્બ ધડકા થઈ ગયા .... હવે તો જાણે આ જીવનનો ભાગ થઈ ગયો છે ....  વેલ, no more comments on it .... પણ કવિ શ્રી કૃષ્ણ દવેની આ કવિતા બખૂબી આજની પરિસ્થિતિ કહી દે છે ......

મધરાતે ત્રાટકેલા ઘુવડના ન્હોર વડે પળમાં પારેવા પીંખાઇ ગયા છે.
જી સર, એ લોકો વિખાઇ ગયા છે.

વિશ્વાસે સુતેલા સપના પર ઓચિંતા આંસુના બોંબ ઝીંકાઇ ગયા છે.
જી સર, એ લોકો વિખાઇ ગયા છે.

રસ્તા પર ઉતરે ને લાકડી પછાડે ને બટકુ’ક માંગે તો વળી નાંખીએ
બાકી તો સંપીને ખાવાના, ઓરડાના દરવાજા ઓછા કાંઇ વાખીએ ?
આવા તો આંદોલન આવી ગ્યા કંઇક ને આવીને અધ્ધર ટીંગાઇ ગયા છે.
જી સર, એ લોકો વિખાઇ ગયા છે.

પ્રાણાયામ કરવાથી પાચન વધે છે એવું આપણને શીખવાડે યોગ ?
ઘાસ, તોપ, ટેલીફોન ખાઇ ગયા છીએ પણ નખમાંયે કોઇને છે રોગ ?
લીલા ને ભગવા ને કાળા ને ધોળામાં અમથા આ પગલા ટીંચાઇ ગયા છે.
જી સર, એ લોકો વિખાઇ ગયા છે.

- કૃષ્ણ દવે

Sunday, July 17, 2011

કંઈક હળવુ હળવુ .....

શનિવાર કાયમ સારો લાગે છે રવિવાર્ને લઈને જો આવે છે ... ! વેલ કાયમ કહુ છુ એમ લાઈફમા હંમેશા અઘરી અઘરી વાતો નહી કરવાની ... ક્યારેક કંઈક હળવુ હળવુ પણ હોવુ જ જોઈએ ... તો આજે ફરી પાછી  થોડી હળવી રમૂજ .... 



:) njoy ..........

Thursday, July 14, 2011

પાણીના વેશમાં મને ઘેર્યો છે કોઇએ..

સામેનો રથ આ વાતથી અણજાણ પણ નથી;
કે મારી પાસે એક્કે ધનુષ-બાણ પણ નથી.

વિસ્તરતી ચાલે મારી ક્ષિતિજો આ દૂર.. દૂર..
ને આમ કોઈ જાતનું ખેંચાણ પણ નથી.

પાણીના વેશમાં મને ઘેર્યો છે કોઇએ
જ્યાં ભાગવાને માટે કોઇ વહાણ પણ નથી

માટે તો અર્થહીન આ ઊભા રહ્યા છીએ,
ત્યજવું નથી, ને કાયમી રોકાણ પણ નથી.

સંપૂર્ણ શાંતિ કેવી રીતે સંભવી શકે!
કર્ફ્યુ નખાય એટલું રમખાણ પણ નથી.
  
- મુકુલ ચોક્સી

Monday, July 11, 2011

સુખ .....

તમામ ઝાકઝમાળો તમામ સ્તરનું સુખ,
બધું જ છેવટે લાગે ઉપર-ઉપરનું સુખ.
કોઈની હૂંફ અને હાજરી જરૂરી છે,
ફકત આ ચાર દીવાલો જ નથી ઘરનું સુખ....

- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

"સુખ" બહુ છેતરામણો શબ્દ છે.  એટલે એની વ્યાખ્યામા નથી પડવુ ... પણ "સુખ" વિશે ખૂણે-ખાચરે થી હમણા - હમણા જે થોડુ ઘણુ વાચવામા નજરે ચડ્યુ આજે એ બધુ એક કરીને Share કરુ છુ ...

---------------------
- આ દુનિયામા જીવવા માટે શુ સતત સુખની જ જરુર છે ? કોઈ પ્રકારનુ દુખ હોવુ જ ન જોઈએ ? માણસે સર્જનાત્મક બનવા માટે થોડુ દુખી હોવુ પણ જરુરી છે. કોઈનો વિરહ થયો હોય , કોઈનુ મરણ થયુ હોય , કોઈ આઘાત લાગ્યો હોય તો તેના વિષાદને પૂરેપૂરો માણવાને બદલે આપણે સીધા ટ્રાન્ક્વીલાઈઝરની બાટલી પાસે જ પહોચી જઈએ છીએ.

અર્થાત દુખ અને પીડા પણ લાઈફમા જરુરી છે માણસની આંતરિક શક્તિ ખીલવવા માટે. કવિ બ્લેઈડની આ પંક્તિઓ સમજવા જેવી છે. 

         "Life is made of joy and woe 
         And when this we rightly know
          Safely through the world we go. "
 
- લાઈફ એ થોડાક  આનંદ અને થોડીક પીડાનુ મિશ્રણ છે.  ભલે થોડો સમય કષ્ટમા રહેવુ પડે , પણ પોતાને મેળે જ આપણે આપણી સમસ્યા સમજીએ  અને સમસ્યાથી દુર ભાગવાના રસ્તા શોધવાના બદલે સમસ્યાની સામે ઉભા  રહીએ  તો એ નબળાઈનો રસ્તો તમને મોટી તાકાત સુધી પહો્ચાડે છે ...

આજથી લગભગ ૧૨૫ વર્ષ પહેલા થોરો થઈ ગયા ... તેમણે એ સમયે જે કહેલુ એ આજે પણ એટલુ જ અર્થપૂર્ણ છે ...

"However mean your life is, meet it and live it : do not shun it and call it hard names. It is not so bad as you are. It looks poorest when you are richest. The fault finder will find faults in paradise. Love your life, poor as it is.Do not trouble yourself much to get new things, whether clothes or friends. Turn the old; return to to them. Things do not change, we change. "

- અત્યારે આપણી પાસે ન હોય તે સમૃધ્ધી માટે આપણે વલખા મારતા હોઈએ તો આપણે આપણને પ્રશ્ન પૂછવો જોઈએ કે તે સમૃધ્ધિ હાસલ થયા પછી પણ આપણને સુખ મળશે ખરુ ?

-  એકલતાની વિકરળતા હોય છે તેમ એકાન્તનુ એક સૌન્દર્ય પણ હોય છે.


- કાન્તિ ભટ્ટ 

----------------------------------------

હવે આ સાંભળો ...... મુલ્લા નસરુદ્દીનની આ એક બહુ જાણીતી વાત ...

મુલ્લાએ એક વાર એક માણસને નિરાશ થઈને રસ્તાની બાજુમાં  બેઠેલો જોયો. મુલ્લાએ એની પાસે જઈને વાતચીત શરૂ કરી. પેલા નિરાશ થઈ ગયેલા માણસે કહ્યું, “ભાઈ, આ જીવન માત્ર એક બોજો છે. મારી પાસે પૂરતા પૈસા છે. પરંતુ જીવનમાં મને ક્યાંય સુખ દેખાતું નથી.
કોઈ વાતમાં મને રસ પડતો નથી. પ્રવાસે નીકળ્યો છું - એટલા માટે કે કદાચ મને રસ પડે, પરંતુ હજુ સુધી મને રસ પડે એવું કશું દેખાયું નથી. કશું જ બોલ્યા વિના નસરુદ્દીને તે પ્રવાસીની બાજુમાં પડેલો તેનો થેલો ઉપાડી લીધો અને દોડવા માંડયું. રસ્તો જાણીતો હતો એટલે થોડી વારમાં તો મુલ્લા ક્યાંના ક્યાં નીકળી ગયા!
ખૂબ દૂર જઈને રસ્તાના એક વળાંક પાસે મુલ્લા અટક્યા. પેલો થેલો રસ્તામાં મૂક્યો અને પોતે બાજુમાં જઈને સંતાઈ ગયા.
થોડી વાર પછી પેલો પ્રવાસી દોડતો પાછળ આવી પહોંચ્યો. એ થાકી ગયો હતો. હાંફતો હતો, પણ દૂરથી રસ્તા ઉપર પડેલો પોતાનો થેલો જોતાં જ આનંદથી થનગની ઊઠયો.
છુપાઈ રહેલા મુલ્લાના હોઠ ઉપર સ્મિત આવી ગયું, “ હવે એને સુખ દેખાયું !


" સમય કોની પાસેથી ક્યારે અને શું ઝૂંટવી લેશે એ કોઈ જાણતું નથી. અને ઝૂંટવાઈ ગયેલી કેટલીક વસ્તુઓ પાછી આવવાની નથી. ઉંમર વીતવા સાથે આંખો ઝાંખી પડી જશે. કાનમાં બહેરાશ આવી જશે. એટલે જે જાણવા જેવું અને માણવા જેવું હોય તે પૂરી રીતે માણી લેજો. સુખ એક ધૂંધળી વસ્તુ છે. એની શોધ કરવાના બદલે તમારી પાસે જે હોય અને તમને જેમાંથી સુખ પ્રાપ્ત થઈ શકે તેમ હોય એનો વિચાર કરજો "

- મોહમ્મદ માંકડ "કેલિડોસ્કોપ" માથી ...
-----------------------
અને છેલ્લે ...

આંગળીઓ કો’ક નોંધારાની પકડી જોઈએ,
ચાલ સુખની સૌ પરિભાષાઓ બદલી જોઈએ.

ભાવમાં ભીંજાવવાનું સુખ મળે કોઈક વાર,
આજ કોઈના અભાવોથીય પલળી જોઈએ.

જેમની હરએક પળ સંઘર્ષ છે અસ્તિત્વનો,
એમના જીવન કથાનક સ્હેજ પલટી જોઈએ.

તેલ દીવામાં પૂરી અંધારને અવરોધવા,
અંધ આંખોમાં થઈને નૂર ચમકી જોઈએ.

ઓસની બુંદો સમું ‘ચાતક’ જીવન છે આપણું,
કોઈના ચ્હેરા ઉપર થઈ સ્મિત ઝળકી જોઈએ.

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

Saturday, July 9, 2011

લગાવ પણ નહીં. ....

પ્રતિરોધ પણ નહીં ને પ્રતિભાવ પણ નહીં,
આ લાગણીઓ સાથે કંઈ લગાવ પણ નહીં.

જ્યાં છીએ ત્યાં જ તે સ્થિતિમાં એ રીતે રહ્યા,
ભીતર બહાર કયાંયે આવ જાવ પણ નહીં.

કોરી કિતાબ જિંદગીની બસ બની રહી,
કોઈ પ્રસંગ, ઘટના કે બનાવ પણ નહીં.

તારા સ્મરણમાં રાત દિન જાય એ રીતે,
સાંનિધ્ય પણ નહીં ને તુજ અભાવ પણ નહીં.

-હરકિશન જોષી

Thank you ગુર્જર કાવ્ય ધારા...
 

Friday, July 8, 2011

સહુથી પહેલા તો "વરસાદ મુબારક " ..... કેમ ?  "સાલ મુબારક"  હોય તો "વરસાદ મુબારક" પણ કહેવાય જ ને ! અને વળી નવી સાલ તો દર વર્ષે આવે એ નક્કી જ છે .... પણ આ "વરસાદ રાજા " નુ કઈ નક્કી નથી હોતુ  .... અમસ્તુ જ સાહિત્યકારોએ એને "મેઘરાજા" નુ બિરુદ નથી આપ્યુ કંઈ ! એટલે વરસાદ આવે ત્યારે "વરસાદ મુબારક" કહેવામા લોજીક છે જ ને ! 

Any ways ! વરસાદ આવે ત્યારે સહુથી પહેલા લોકોને ... ખાસ કરીને ગુજરાતીઓને એક વસ્તુની તાલાવેલી બહુ લાગે ! લો કવિતામા સાંભળૉ ....

ગરમગરમ મરચાંનાં ભજિયાં લારી પર બોલાવે કે વરસાદ પડે છે, 
ચટણી હો કે સોસ નહીં તો પાણી સાથે ભાવે કે વરસાદ પડે છે........
- મુકેશ જોષી


બોલો ! સાચી વાતને ! મૂશળધાર વરસાદ પડે ! વાતાવરણમા ભીની ભીની ઠંડ્ક હોય અને શ્વાસ મા ભીની માટીની મહેક હોય તો તરત જ  ગરમ ગરમ  તળાતા ભજિયા ના તેલનો છ્ન્ન્ ન્ ન ન  અવાજ અને મરચાની સુગન્ધ .... યાદ ના આવે તો એ ૯૯ %  ગુજરાતી ના હોઈ શકે ! ૧ ટકામા અપવાદ હોઈ શકે ! ................ જો કે આજે  કોઈ ચર્ચા-વિચારણા - ચિંતન નહી ..... આજે તો બહાર પણ વરસાદ અને સરવાણી પર પણ વરસાદ જ વરસાદ .... after all  ..... બહુ  wait કરાવી છે .... તો આ મેઘરાજાની પધરામણી તો સેલીબ્રેટ કરવી જ પડે ને ! સો અગેઈન સહુ ને "વરસાદ મુબારક" ..............


ઘણી મશહૂર છે સ્ટૉરી, “ટપકતી છત હતો પહેલાં”
પછી વરસ્યો ઘણૉ વરસાદ અને તૂટી ગયો છું હું.

- જિગર જોષી “પ્રેમ”
 

હજું વરસાદભીની ધરતીની ખુશ્‍બુ ગમે છે,
રહેમત છે ખુદાની, જીવતો છું, તું મને ગમે છે !

ઘડીક વરસાદ ભીની ને ઘડીક સોણીવભીની
મને હર હાલમાં ધરતી તણી ખુશ્બુ ગમે છે !

- કરસનદાસ માણેક

જો ભીના થઇ શકાતું હોય તો મારી તલાશી લ્યો,
હું મારા એક ખિસ્સામાં સતત વરસાદ રાખું છું.

- ગૌરાંગ ઠાકર


કોનામાં લીલો મોલ લચી પડશે, શી ખબર
સર્વત્ર મારા જીવનો વરસાદ કરી જોઉં


આ ખાલી ઘરમાં હોતું નથી કોઇ આજકાલ,
રહેતુ’તું કોણ, લાવ, જરા યાદ કરી જોઉં 
- રમેશ પારેખ


હું’ ને ‘તું’ની છત્રી ફેંકી,
ભીના થઈએ એક થઈને;
સંગની હોડી તરતી મૂકીએ
પાણીમાં પાણી થઈ જઈને,
ઘરમાં રહેવું કેમ પાલવે ? પહેલવહેલો વરસાદ છે આજે.
ચાલ, ચાલીએ સાથે સાથે…

- વિવેક મનહર ટેલર

લાગણી ટહૂકે ભીની આ સગપણોના આભમાં
તો ય કોયલ ભીતરે મુંઝાય છે વરસાદમાં ...


ચોતરફ વરસાદ બસ, વરસાદ મૂશળધાર ને
બેઉ કાંઠે જિંદગી ધોવાય છે વરસાદમાં ....
-પ્રજ્ઞા વશી


અમસ્તી કોઇ પણ વસ્તુ નથી બનતી જગતમાંહે
કોઇનું રૂપ દિલના પ્રેમને વાચા અપાવે છે

 
ગઝલ સર્જાય ના ‘કૈલાસ’ દિલમાં દાહ લાગ્યા વિણ
પ્રથમ ઘેરાય છે વાદળ, પછી વરસાદ આવે છે.....

-‘કૈલાસ’

એક સન્નાટો વસે મ્હારી ભીતર કોરોકટાક,
સાંભળે મોડે સુધી વરસાદ પડવાનો અવાજ. ....

- રઈશ મનીઆર

અને છેલ્લે .....


મોત જો વરસાદ થઈ તૂટી પડે,
તો આ મરવું થાય મુશળધાર પણ ! ....

-રવીન્દ્ર પારેખ


.......... " Haapy Monsoon "  ............

Thursday, July 7, 2011

હાથમાં વહેતા નથી દરિયા સતત

જો નિહાળું હું કદી ચહેરા સતત,
ને મને દેખાય છે ડાઘા સતત.

હાથથી રેતી ખરી તો જાણ થઇ,
હાથમાં વહેતા નથી દરિયા સતત. 

પંખી માટે જિંદગીભર ઝૂરનાર…
સાંભળી શકતા નથી ટહુકા સતત.

માણસોને હું મળી શકતો નથી,
રોકી રાખે છે આ પડછાયા સતત.

દાવ સંકેલી ઊઠે તું, એ પછી ય -
જિંદગી તો ફેંકશે પાસા સતત.

મૌનમાં ડૂબી રહ્યો છું દમ-બ-દમ,
શબ્દના નીકળે છે પરપોટા સતત......

 - રઇશ મનીઆર

Tuesday, July 5, 2011

અફવા અજબની ......

અફવા અજબની શહેરમા એવી ઊડી હતી,
'કહે છે - સડક વચોવચ કૂંપળ ફૂટી હતી! '

અખબાર જેમ યાદને વાંચુ છુ એટલે,

લાગે છે કામનાઓ હજુ પણ સુખી હતી !

ખુ્દને દિલાસો આપવાનુ લો કબૂલ છે,

આમે ય કિસ્તી આપણી કાંઠે ડૂબી હતી !

વિસ્ફોટ શ્વાસ વચ્ચે સ્મરણના સતત થતા,

મારા વિશેની વાત પણ કેવી દુખી હતી !

ઈચ્છાઓ દૂર દૂર ઘણે દૂર લઈ ગઈ,

એ દોસ્ત, વાત ક્યારની નહીં તો પૂરી હતી ! ................

- શ્યામ સાધુ

Saturday, July 2, 2011

આપણે મીરાં ...........

આપણે મીરાં, પ્રભુની આપણા પર મૄહેર છે
છોને સામે પ્‍યાલો ને પ્‍યાલામાં કાતિલ ઝેર છે

જા, ન જોઇ હોય મસ્‍તી તેં ફકીરોની તો જો
હાથ ખાલી ખિસ્‍સાં ખાલી તો ય લીલાલૄહેર છે

થઇને ભારેખમ ફરે છે લઇ અહમનાં પોટલાં
આમ તો આ માનવી માટીનો ખાલી ઢેર છે

એજ તો ખુદને ધકેલી રહ્યો ઊંડી ખાઇમાં
કોણ જાણે માનવીને કેમ નિજથી વેર છે

એટલે તો કયારનો મૂંઝાઉં છું હું એકલો
હું તો ગામડિયો ને મારી સામે મોટ્ટું શૄહેર છે

તું ફિકર ના કર ‘મહેક’ કે લોક શું કહેશે હવે
માટીના ચૂલા બધા જાણે છે ઘેરેઘેર છે ................

- ’મહેક’ ટંકારવી

Friday, July 1, 2011

આસપાસ

કૈ શૂન્યતાના થર ચડ્યા અંબરની આસપાસ
એકલતા કેવી વ્યાપી છે ઇશ્વરની આસપાસ

કૂદી પડે છે કાંટા ઉપરથી પ્રથમ, અને -
રઝળ્યા કરે પળો પછી ટાવરની આસપાસ

નીંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી
સ્વપ્નોમાં શબ પડી રહ્યાં બિસ્તરની આસપાસ

એકમેકમાં દીવાલ ઘરોની મળી જશે
પહેરો સતત ભર્યા કરો ઉંબરની આસપાસ

હમણાં જ હું હતો ને અચાનક ગયો છું ક્યાં ?
રખડું છું શોધવા મને હું ઘરની આસપાસ....

- મનોજ ખંડેરિયા