Friday, August 12, 2011

વરસાદમાં ........

"વરસાદમાં" ... એક જ ટાઈટલવાળી બે ગઝલ એક સાથે આજે .... કદાચ કવિ અને કવિયત્રી ની લાગણી પણ ક્યાંક ક્યાંક  સરખા જેવી જ છે  ..................

આભ ગોરંભે ચડી અથડાય છે વરસાદમાં
ને ધરાનાં ચીર પણ ધોવાય છે વરસાદમાં

કેમ એની આંખમાં શ્રાવણ વહે વૈશાખમાં?
રેશમી અલગાવ અહીં પોંખાય છે વરસાદમાં

વીજ થૈને એમ તારું દૂરથી ચમકી જવું
તોય મન તો દાઝવા લોભાય છે વરસાદમાં

લાગણી ટહૂકે ભીની આ સગપણોના આભમાં
તો ય કોયલ ભીતરે મુંઝાય છે વરસાદમાં

પ્રેમની સિતાર જ્યાં મલ્હારતી સૂનકારમાં
એક દરિયો આંખમાં છલકાય છે વરસાદમાં

એક છત્તર હોય તોયે કેમ એ આઘા રહ્યા ?
કોરી કોરી આ ક્ષણો વરતાય છે વરસાદમાં

ચોતરફ વરસાદ બસ, વરસાદ મૂશળધાર ને
બેઉ કાંઠે જિંદગી ધોવાય છે વરસાદમાં 

-પ્રજ્ઞા વશી

------------------------------------------

કેટલી   માદકતા  સંતાઈ   હતી   વરસાદમાં !
મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી  વરસાદમાં !

રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ  કેટલી   ભીંતો   ચણી  વરસાદમાં !

કેટલો  ફિક્કો  અને  નિસ્તેજ  છે  બીમાર ચાંદ
કેટલી  ઝાંખી  પડી  ગઈ  ચાંદની  વરસાદમાં !

કોઈ  આવે  છે  ન  કોઈ  જાય છે સંધ્યા થતાં
કેટલી  સૂની  પડી  ગઈ  છે  ગલી વરસાદમાં !

એક તું છે કે તને  કંઇ  પણ નથી થાતી અસર,
ભેટવા  દરિયાને  ઊછળે  છે  નદી વરસાદમાં.

લાખ  બચવાના  કર્યા  એણે  પ્રયત્નો  તે છતાં,
છેવટે  ‘આદિલ’ હવા  પલળી  ગઇ વરસાદમાં.

- ‘આદિલ’ મન્સૂરી

No comments:

Post a Comment