Monday, May 21, 2012

"ઈગો" - ચંદ્ર્કાન્ત બક્ષી


હમણાં - હમણાં ચંદ્ર્કાન્ત બક્ષીની "ઈગો" હાથમાં આવી છે. તો એમાંથી જ થોડા અંશ ...


બધુ પસાર થઈ જાય છે જીવનમાંથી.
સંબંધો સળગી જાય છે ચિતાઓ પર.
ધુમાડો રહી જાય છે.
પછી વાસ રહી જાય છે.
પછી વાસ પણ ચાલી જાય છે.
પછી સ્મૃતિ રહી જાય છે.
પછી સ્મૃતિઓ પણ ઓગળતી જાય છે.
યાદદાસ્તની એકાદ મોસમ આવે છે,
એકાદ સ્મૃતિ ભડકીને બુઝાઈ જાય છે -
એમાં તણાખલા, આગ,
ગરમાહટ કંઈ જ હોતું નથી.
વરસાદ પછી રડતા એકાદ 
ખૂબસૂરત શહેરની શૂન્યતા હોય છે એમાં - 


-------------------------------------


"ઈશ્વર બહુ મોટો કમ્યુનિસ્ટ છે દોસ્ત..
દરેકને ગણીને ચોવીસ કલાક આપી દીધા છે -
એક વર્ષનું બાળક હોય કે કરોડપતિ બુઢ્ઢો હોય.
જેમ વાપરવા હોય તેમ આ કલાકો અને દિવસો વાપરો.
કેટલાક ચોવીસમાંથી ચૌદ કલાક ધંધા માટે વાપરે છે
અને સફળતાનો સંતોષ માને છે.
અને પીસ્તાળીસમે વર્ષે એકાએક ભાન આવે છે કે
બાળપણ, કુમારાવસ્થા, જવાની બધુ ખોવાઈ ગયુ.
ઈશ્વર દરેકને બધું જ આપે છે.
બાળપણ આપ્યા વિના કોઈને જવાની આપતો નથી.
પણ આપણને આપણે માનેલી સફળતાની પાંખો પર બેસીને
બુઢાપા તરફ ઉડી જવુ છે.
પછી બધુ યાદ આવે છે, ને પાછળ રહી ગયુ એ બધુ -
અને પછી આપણા ધમપછાડા, બાલિશ ચેષ્ટાઓ,
હાસ્યાસ્પદ, દયાજનક કોશિશો, જિદ્દ ...
આપણી જવાની બતાવ્યા કરવાની, સાબિત કરવાની.
આખુ જીવન બદસૂરત, વિકલાંગ બની જાય છે.
સફળતાના પ્રેમમાં પડવા જેવું નથી.
એ વિષકન્યા છે.
આખો માણસ અંદરથી ખવાઈ જાય છે.
અને બહારથી ખોવાઈ જાય છે. "


-------------------------------------


અને થોટ ઓફ દ ડે - 


"દોસ્તોને ડિવોર્સ આપી શકાતા નથી ... "


- ચંદ્ર્કાન્ત બક્ષી

No comments:

Post a Comment