Friday, November 16, 2012

એ વર્ષો .....

એ વર્ષોમાં જો હું ટાંકું ઉદાહરણ તારાં,
ચહલપહલ શી મચી ઊઠતી’તી પરીઓમાં,
એ વર્ષો જેમાં મેં તુજથી વિખૂટા થઈ જઈને
તને ફરી રચી આમ્રમંજરીઓમાં…

એ વર્ષો જેમાં હતાં ટોળાબંધ સપનાંઓ
ને મોડી રાત સુધી જાગતો એક ડેલો હતો,
ને થોકબંધ સમસ્યાની આવજા વચ્ચે
સમયનો ઝાંપો ઉઘાડો રહી ગયેલો હતો.

એ વર્ષોમાં તો રચાઈ નહોતી ભાષા છતાં
હું બૂમ પાડી બધું બોલતો, ખબર છે તને?
સમયની શોધ થઈ તેની આગલી સાંજે
મેં ઇન્તજારને શોધ્યો હતો, ખબર છે તને?

પછી પુરાણી હવેલીના એક પગથિયા ઉપર
તમારી પગલી પડી ને સમયને ગર્ભ રહ્યો,
હજારો વર્ષ સુઘી એનો મેં ઉછેર કર્યો -
છતાં પ્રસવની પળે સૌ રહ્યા ને હું ન રહ્યો.

ને તારી દૂરતા ફરતે પછી જો દેરી બને,
તો એ મિલનથી હજારો ગણી રૂપેરી બને;
વેરાન ચર્ચોમાં જે રીતે પાદરીઓ વગર
ઈસુની હાજરી જ્યાદા પ્રબળ ને ઘેરી બને.

ને અંતે બાકી રહેલી બે’ક વાત કરીશ,
કે હું મહાન રીતોથી જ મુજને મ્હાત કરીશ;
હું વિષના વાતાવરણ વચ્ચે પાંગરીશ સદા
ને પ્રાણવાયુની ટાંકીમાં આપઘાત કરીશ........

- મુકુલ ચોકસી

No comments:

Post a Comment