Wednesday, March 28, 2012

લગે પ્રીત કે બાણ ...


રાત દિવસનો રસ્તો વાલમ ખૂટે નહિ તો કેમ?
તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ…



ઉપરની પંક્તિમા ભલે આમ કહ્યુ હોય પણ મારે પ્રેમ નથી કરવો .... આજે તો પ્રેમની વાતો જ કરવી છે ... અલબત્ત એ પણ બીજા બ્લોગ પર વાંચેલી ... અહી share કરુ છુ......
------------------------------------------------------------------------------
એક વખત ધોમધખતા ઉનાળામાં પાણીના એક ખાબોચિયા પાસે એક હરણ અને એક હરણીના નિશ્ચેત દેહો પડ્યા હતા.  આ દૃશ્ય જંગલમાં ફરી રહેલી બે સખીઓએ જોયું ત્યારે એક સખી બીજી સખીને પૂછે છે:
ખડા ન દીખે પારધી,
લગા ન દીખે બાણ;
મેં પૂછું તોંસે હે સખી,
કિસ બિધ તજે હૈ પ્રાણ.
સખી પૂછે કે આજુબાજુમાં કોઇ શિકારીના સગડ દેખાતા નથી, અને આ હરણાંઓને કોઇ બાણ પણ લાગેલું નથી.  હે સખી, હું તને પૂછું છું કે કેવી રીતે તેઓના પ્રાણ ગયા હશે?  બીજી સખી બહુ જ ચતુર હતી.  વિચારીને આ પ્રમાણે જવાબ આપે છે:
જલ થોડા નેહ ઘણાં,
લગે પ્રીત કે બાણ;
તૂ પી, તૂ પી, કર રહે,
ઈસ બિધ તજે હૈ પ્રાણ.
હરણ અને હરણી ખૂબ જ તરસ્યાં થયાં હતાં.  કંઠ સુકાતો હતો પરંતુ આ ખાબોચિયામાં બન્ને પી શકે એટલું પાણી હતું નહીં એટલે હરણ કહે છે કે પ્રિયા ! એ પાણી તું પી, અને હરણી કહે છે કે પ્રિય ! તમે પીઓ.  મમતાની અને લાગણીની આ ખેંચતાણ હતી.  પોતે પાણીમાં મોઢું નાખે નહીં અને એકબીજાને આંખોથી અને મોઢું હલાવીને આગ્રહ કર્યા કરે અને આમ તું પી, તું પી કરતાં પ્રાણ ખોયા.  આમ પ્રણયની વાતમાં બુદ્ધિ પર સ્નેહનો વિજય થયો.  આવા સ્નેહની લાગણનો સંજીવની-સ્પર્શ લોહીની લાલીમાં ભળે ત્યારે જીવન ભર્યું ભર્યું લાગે છે.  તરસથી હરણના પ્રાણ જવાની ઘટનાને બરકત વીરાણી ‘બેફામ’ આ રીતે વ્યક્ત કરે છે:
હરણને પારધી મારે છે એ તો જાણતો’તો હું;
તરસ એની જ ખુદ હણશે, મને એની ખબર ન્હોતી.
તરસ પોતાને લાગી છે એના કરતાં પોતાના પ્રિય પાત્રને લાગેલી તરસ અને તેમાંથી ઉદભવતી વ્યથાએ હરણના પ્રાણને હરી લીધા છે. આવા પ્રેમી હરણાઓની જેમ, પ્રેમના દીવાનાઓના જીવ મળવાની ધટનાઓ વિરલ હોય છે. અને એ માટે ‘ઘાયલ’ સાહેબ ફરમાવે છે કે:
નથી એમ મળતા અહીં જીવ ‘ઘાયલ’,
પરસ્પર દીવાના જવલ્લે મળે છે.

આભાર - "ગાગરમા સાગર"
(http://urmisaagar.com)
------------------------------------------------------------------------------

ગઈકાલે,
મારી
ખૂબ મહેનતથી લખેલી
બધી
છંદોબદ્ધ
પ્રેમ-કવિતાઓ,
અઘરા શબ્દોની
ચિતા સળગાવીને
સતી થઈ ગઈ છે.



બીજું કાંઈ થયું
નથી,
મને પ્રેમ થયો છે.



- અખિલ શાહ


No comments:

Post a Comment