Tuesday, March 6, 2012

પ્રિય પ્રભુ ... (પ્રભુને પત્ર)

પ્રિય પ્રભુ,

તારા વિષે એટલું બધુ લખાયું છે કે
હું તને આલેખવા માગું છુ ત્યારે
બધુ જ અશબ્દ બની જાય છે ...

દુનિયા તારી મર્યાદા
તારી શ્રધ્ધાના બળે હેમખેમ પાર ઊતરે છે

ઉતાવળનો જમાનો છે.
રસ્તાને ઉતાવળ છે, લોકો એના પર ચાલે એની...
ટ્રાફિકમાં ચગદાઈ જવાની,
ઘડિયાળને ઉતાવળ છે, ઉંમર પસાર કરવાની ...
પારદર્શક કાચમાં પડેલા ડાઘા જેવી જિંદગીને
ચોખ્ખી્ચણક કરવાની ઉતાવળ કોઈને નથી ...

ક્યારેક બધુ જ સમજાય છે
અને ક્યારેક ચૂપ થઈ જવાય છે
રેતશીશીમાં સરકતી રેતને
વાયરાના સ્પર્શની ઉતાવળ છે ...
આ વાયરાને તારું નામ આપુ તો ?

જિંદગી છે એટલે તોફાનો રહેવાનાં
અને તોફાનો છે એટલે સાહસ પણ..
અને સાહસ છે એટલે તારા પરની શ્રધ્ધા પણ ...

ક્યારેક તો નવરાશ પણ ઉતાવળથી પસાર થાય છે.
તારું સ્મરણ મારી નવરાશને ઉગેલી
હળવાશની કૂંપળ છે ...

ખરી પડું એ પહેલા પતંગિયુ થઈને આવો
તો મારુ 'હોવું' સુગંધ થઈ જાય ...

લિ.
વસંતને વધાવવા આતુર ...



-- અંકિત ત્રિવેદી

No comments:

Post a Comment