Monday, June 18, 2012

સમજાય તો સમજાય...


જીવનનો કક્કો ને બારાખડી સમજાય તો સમજાય,
ખરેખર કોણ છે સાચો ધણી, સમજાય તો સમજાય.

હજારો જિંદગી પૂરી થઈ, પૂરી થતી રહેશે,
છતાં પણ માનવીને માનવી સમજાય તો સમજાય.

બધું ત્યાગી દઈને જાતને પણ ખોઈ દેવાનું,
સમંદરને કદાચિત્ આ નદી સમજાય તો સમજાય.

પડી ગઈ છે તિરાડો સ્વસ્થતામાં કેટલી તો પણ,
તરસ સ્મરણોની વાદળને કદી સમજાય તો સમજાય.

હવાની આવ-જા મારી જ માફક મૌન થઈ ગઈ છે,
હવે એને આ મારી ચૂપકી સમજાય તો સમજાય.

સદીઓ બાદ મારા ખાલીપાનું પાત્ર ખખડ્યું છે,
આ ઘટના સત્ય છે કે ભ્રમ હતી, સમજાય તો સમજાય.

તું આવે તો યુગોની રાહ પળથી પાતળી લાગે,
પ્રણયમાં કાળની આવી ગતિ સમજાય તો સમજાય.

સ્મરણનો નિર્દયી પથરો મને એકધારું કચડે છે,
ને પથરાના નયન ભીનાં જરી ? સમજાય તો સમજાય…

ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત,
કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય.

- વિવેક મનહર ટેલર (http://vmtailor.com)

No comments:

Post a Comment