Tuesday, August 21, 2012

મૃગજળ... આર્ટિકલ + કવિતા

મૃગજળ અને માણસને બહુ જુનો સંબંધ છે. કેમકે ઈચ્છાઓ અને માણસનો સંબંધ જૂનો અને અતૂટ છે. એ આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે માણસ કેટલીક અધૂરી ઈચ્છાઓ અને કેટ્લાક  અધૂરા સપનાંઓ સાથે જ જીવતો હોય છે. જો કે એનું પણ એક રીઝન છે ....  કાલિકામાતાની પેલી એક પૌરાણિક કથામાં ખબર છે ને ! એક રાક્ષસનુ માથુ ધડથી અલગ કરે તો એના રક્તનુ ટીપું નીચે જમીન પર પડતા જ એમાથી દસ રાક્ષસ ઉભા થઈ જતા .... એમ એક ઈચ્છા પૂરી થાય ના થાય ત્યાં નવી દસ ઉભી થઈ જાય. શુ કરીએ ઈચ્છા છે, સપનાં છે તો જ જીવન છે ... ઈ્ચ્છા વગરનુ જીવન ભલા શક્ય ક્યા છે ? ... સંતો કહે છે કે ઈ્ચ્છાઓ છોડી દો કે એને કંટ્રોલમાં રાખો ... પણ "ઈચ્છાઓ છોડવાની "  કે એને કંટ્રોલ કરવાની ઈચ્છા એ પણ છેવટે એક ઈચ્છા જ થઈને ! ..... અને એ ના સંતોષાય એટલે એ "મૃગજળ" જેવી લાગવા માંડે .... ભ્રામક ....

રોજ મૃગજળ જોઇ જોઇ ભરમાય છે આંખો,
હવે વાત દરિયાની કરી છલકાય છે આંખો. 
ચાલતો રહ્યોછું તરસ્યો જીવનભર રણમાં,
દરિયો જો દેખાય તો વહેમાય છે આંખો......
- કલ્પેન્દુ વૈષ્ણવ

આપણને સતત લાગે છે કે આપણી
સાવ પ્રામાણિક લાગણીઓ બીજાઓ
નહીં સહી શકે. આમ બીજાઓને રાજી
રાખવા માટે આપણે અપ્રમાણિકતાને
સ્વીકારતાં રહીએ છીએ અને પછી 
છાવરતાં રહીએ છીએ. આપણાં 
સંબંધો આમ છીછરા ને છીછરાં થતાં 
જાય છે. હાથ ચાટવાથી પેટ ભરી 
શકાય, તો જ છીછરા સંબંધોથી હ્ર્દયને
ધરવ થઈ શકે. આપણું હ્ર્દય એકાદ 
સાચકલા અને સો ટચના સંબંધનું
તરસ્યું  હોય છે.  ભીતરની આ તરસ
અધૂરી રહી જાય છે અને જીવનભર 
આપણે ટાઢા લોખંડ પર હથોડા
વીંઝતા રહીએ છીએ. મૃગજળ પર 
ઘણાં કાવ્યો લખાયા તેનું રહસ્ય
આપણી સદાય અતૃપ્ત એવી તરસમાં
રહેલુ છે.

- ગુણવંત શાહ

અને છેલ્લે .... 

ગમ્યું એ બધું મૃગજળ થઈને ચાલ્યું આઘે,
શેષ હતું એ વાદળ થઈને ચાલ્યું આઘે.

આંખો લખતી રહી રાતભર કહેવું’તું જે,
સૂરજ ઊગતાં ઝાકળ થઈને ચાલ્યું આઘે.

સાવ અચાનક કયા વળાંકે ? ખબર પડી આ,
આયુષ આખું પળપળ થઈને ચાલ્યું આઘે.

અઢળક તારાઓ મ્હારામાં ઝબકી ઊઠ્યા,
કોણ દિવસભર ઝળહળ થઈને ચાલ્યું આઘે ?

કેટકેટલું મથે ? દેહ પાછળ ને પાછળ,
મન હંમેશાં આગળ થઈને ચાલ્યું આઘે.

પથ્થરનો અવતાર મળ્યો આ જન્મે મિસ્કીન,
શું ય હશે જે ખળખળ થઈને ચાલ્યું આઘે.

- રાજેશ વ્યાસ 'મિસ્કીન'

મૃત્યુના મૃગજળની માયા વિસ્તરી રજકણ સુધી,
સેંકડો જન્મોની છાયા જિંદગીના રણ સુધી. 
વાત વિસ્તરતી ગઈ કારણની સીમાઓની બ્હાર,
બુધ્ધિ તો અટકી ગઈ પહોંચીને બસ કારણ સુધી.

-  આદિલ મન્સૂરી

No comments:

Post a Comment