Tuesday, August 7, 2012

આપણને નહીં ફાવે...

આત્મસન્માન અને અભિમાન વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય છે.  એટલે કાયમ સચેત રહેવુ પડે કે સ્વમાન જાળવવાની લ્હાયમાં ક્યારેક અભિમાન તરફ ના વળી જવાય. અને જ્યારે સવાલ કોઇને ચાહવાનો હોય, પ્રેમનો હોય ત્યારે તો અભિમાન ચાલે જ નહી.... એ તો બરાબર છે .... પરંતુ  સ્વમાન બાજુ પર મૂકવુ પણ ના ચાલે.  કોઈ પ્રત્યે લાગણી રાખવી એનો અર્થ એ તો નથી જ હોતો કે સ્વમાન બાજુ પર મૂકી દેવું ....  જેમકે આ કવિ કહે છે તેમ - " તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે. .... "  ....................................

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.

કહો તો માછલીની આંખમાં ડૂબકી દઇ આવું,
પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે.

તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.

તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું ?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે

તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.

- ખલીલ ધનતેજવી

No comments:

Post a Comment