Tuesday, May 17, 2011

અમે વ્યક્તિ નથી, સમાજ છીએ...

સમાજ, શહેર, ઘર, વ્યવહાર, સંબંધો, કહેવાતા સગા- વહાલા અને ક્યારેક પરાણે બનાવવા પડતા નામના મિત્રો, ઓફિસ, વર્કલોડ, ટેન્શન, પોલીટીક્સ લીસ્ટ લાંબુ છે ..... અને આ બધાની વચ્ચે અટવાતા આપણે માણસો ......  સુરેશ દલાલની આ કવિતામા આજના સમાજ અને વ્યક્તિનુ વાસ્તવિક વર્ણન છે. વાંચીને ગમે તો પણ ભુલથીયે  "વાહ "  ના કહેવાય,  કેમ ? કેમ કે ક્યાંક ને ક્યાંક આપણે બધાને  આવી એકધારી જિદંગી જીવવી પડે છે ....   

અમે કસબીઓ છીએ.
અમે હોઠ ખોલીએ છીએ અને હ્રદય 
બંધ  રાખીએ છીએ.
અમે આંખો ખોલીએ છીએ અને દ્રષ્ટિ અંધ રાખીએ છીએ
અમે મૈત્રીને ખલાસ કરી મિત્રો ખરીદીએ છીએ.
અમે આર્ટગેલેરીમા જઈએ છીએ અને ચિત્રો ખરીદીએ છીએ.
અમે ચિત્રવંશી છીએ
અમે વિચિત્રવંશી છીએ.

અમે આનંદને ઓઢી શકીએ છીએ
અને શોક્ને પહેરી શકીએ છીએ.
અમે લગ્નમાથી ઉઠમણામાં
અને ઉઠમણાંમાંથી લગ્નમાં
એક ખંડ્માંથી
બીજા ખંડમાં જતા હોઈએ
એવી આસાનીથી જઈ શકીએ છીએ.

અમે વ્યક્તિ નથી, સમાજ છીએ.

અમે વક્તા બોલી લે પછી
રીતસર તાળીઓ પાડીએ છીએ
અમે અભિનંદન આપીએ છીએ
અને ઉઘરાવીએ છીએ

હાથમા કારની ચાવી રમાડતા રમાડતા
વાત કરવાનુ અમને વિશેષ ફાવે છે
બુફે ડિનરમા અમે ક્યારેય હસતાં હસતાં ગંભીર થતા નથી
પણ ગંભીર રીતે હસતાં અમને આવડે છે.

અમે વ્યક્તિ નથી, સમાજ છીએ

અમે ગઈકાલ નથી, આજ છીએ
અમે આજ નથી, કાલ છીએ.
અમે માછલી નથી, જાળ છીએ.

રવિવાર-

અમારું મોટુ રમકડુ છે
અમે શનિવારથી એને ચાવી આપીએ છીએ.
અમને 'વીક એન્ડ' નો મહિમા છે.

સોમવારે-

અમે ખાલી બાટલી જેવા થઈ જઈએ છીએ.
અમે ભરાઈ જઈએ છીએ
ઉભરાઈ જઈએ છીએ

અમારી બીઝનેસ એટેચીમાં,

ફાઈલોમા,
અમે અમારા આનંદને
ફાઈલ કરી રાખીએ છીએ.

પ્યુનના યુનિફોર્મથી

અમારો ઠાઠ ઓળખાય છે.
ફોનની ઘંટડીઓથી
અમારુ મહત્વ સમજાય છે.

અમે અમારાથી ઓળખાતા નથી

અમે અમારાથી ભોળવાતા નથી

અમે વ્યક્તિ નથી, સમાજ છીએ

અમે ગઈકાલ નથી, આજ છીએ
અમે આજ નથી, કાલ છીએ.
અમે જળ નથી, જાળ છીએ......
- સુરેશ દલાલ

No comments:

Post a Comment