Wednesday, May 18, 2011

"ઈશ્વર" શોર્ટ સ્ટોરી with ૩poems ...

પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી,
‘ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી....

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી.

થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી,
‘ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

-ચિનુ મોદી

 તો ચાલો આજે ઈશ્વરને જ યાદ કરીને શરુઆત કરીએ .... એક શોર્ટસ્ટોરી સાથે .... 


એક ભિક્ષુક ભિક્ષાની અપેક્ષાએ મંદિરે ઊભો છે. મોટી સંખ્યામાં મંદિરે ભક્તો આવે છે અને જાય છે, પરંતુ ભિક્ષુકને ભાગ્યે જ કોઈ ભિક્ષા આપે છે. દરેક આસ્થાળુ તેને બીજા પાસે હાથ લંબાવવાની સલાહ આપે છે. કેટલાક તો એને ભિક્ષા માગવા બદલ ખખડાવી પણ નાંખે છે.

ભિક્ષુકને મંદિરે અપેક્ષા મુજબની ભિક્ષા મળતી નથી. થોડો હતાશ થઈને, મસ્જિદે જઈને એ ઊભો રહે છે. ત્યાં પણ એને મંદિર જેવો જ અનુભવ મળે છે- પૈસા નહીં.

ભિક્ષુક દેરાસર અને અન્ય ધર્મસ્થાનો પાસે પણ આંટો મારી આવે છે, પરંતુ અનુભવ તો બધે લગભગ એક સરખો જ થાય છે.

થાકીને, નિરાશ થઈને દિવસના અંતે, રાતવાસો કરવા ધર્મશાળા તરફ પ્રયાણ કરે છે. રસ્તામાં દારૂના એક પીઠા પાસેથી પસાર થવાનું બને છે.

ધારણા બહારનો એક ચમત્કારિક બનાવ બને છે. શરાબ પીને પીઠામાંથી નીકળેલો એક શરાબી, ભિક્ષુકને પોતાના ખિસ્સામાં હતા એ તમામ પૈસા આપી દે છે. ભિક્ષુક અવાક્ થઈ જાય છે.
આશ્ચર્ય અને અહોભાવથી એના મુખમાંથી શબ્દો સરી પડે છેઃ “હે ઈશ્વર, તું કેવો છે!? વસે છે ક્યાં અને ક્યાંનું સરનામું આપે છે!?” ....


અર્થાત એક દારુના પીઠામાં એને  ઈશ્વરના દર્શન થાય છે.

મોટેભાગે  આવુ જ થાય છે આપણી સાથે આપણે જ્યા જે શોધતા હોય છે  ત્યાથી એ મળતુ હોતુ નથી .... અને આપણી જે અપેક્ષા હોય છે એ પ્રમાણે એ મુજબનુ અને અને જે જગ્યાથી એ મળવાની આશા હોય ત્યાથી તો ના જ મળે ... જો કે ક્યારેક ભુલથી મળી પણ જાય છે ... થાય થાય ભગવાન થી પણ ભુલ થાય ને ... અને ત્યારે કહેવુ પડે કે " ઈશ્વર તારી લીલા અપરંપાર છે ".....  ચાલો ઈશ્વરની જ વાત નિકળી છે તો એના પર બે કવિતા પણ માણી લો ...
( સ્ટોરી "કેલીડોસ્કોપ" - સંદેશ, મોહમ્મદ માકડના આર્ટીકલમાથી )
 

ઊગી ગયું  છે  હાથમાં  તે  ઘાસ  છે
ઝાંખી  થયેલી  મેંદીનો  ઇતિહાસ  છે .

સૂના  પડ્યાં  છે  ટેરવે  વસતાં નગર
લકવો  પડેલાં  સ્પર્શ  તો ચોપાસ  છે .

ભગવી   ધજાને  ફરફરાવે  એ   રીતે
જાણે પવન પણ લઇ રહ્યો સન્યાસ છે .

ઈશ્વર ,  તને  જોયા પછી  સમજાયું છે
બન્ને  તરફ   સરખો   વિરોધાભાસ  છે .

પાંખો મળી  પણ  જાત માણસની મળી
‘આકાશ’માં  પણ  ધરતીનો સહવાસ છે
 - આકાશ ઠક્કર

માણસને ઓળખું નહીં, ઈશ્વરને ઓળખું;
કારણ છે માત્ર એ કે હું ભીતરને ઓળખું. 

ગોચરને ઓળખું ને અગોચરને ઓળખું;
સૌથી વધારે મારા જૂના ઘરને ઓળખું. 

માણસનો પાર પામવો મુશ્કેલ છે ઘણું;
બાકી તો સત્ય, ત્રેતા ને દ્વાપરને ઓળખું.

ઈશ્વર ભણીનો માર્ગ છે પ્રેમાશ્રુધારમાં;
છે વ્યર્થ, હું સુવર્ણ કે પથ્થરને ઓળખું. 

હું ભુલભુલામણીમાં પડ્યો પુષ્પ કેડીએ;
રસ્તો તરત મળે જો હું ઠોકરને ઓળખું. 

અક્ષર તો સર્વ ઝાંખા પડીને ઊડી ગયા;
લાવ્યું’તું તારો ખત એ કબૂતરને ઓળખું. 

ભૂંસ્યાં ભલેને એણે જે પગલાં પડ્યાં હતાં,
એ રેત, ઘુઘવાટ, સમંદરને ઓળખું.
 - ભગવતીકુમાર શર્મા

No comments:

Post a Comment