Thursday, September 27, 2012

પ્રેમકાવ્ય ....

ગુજરાતી સાહિત્ય જગતમાં શ્રી કુન્દનિકા કાપડીઆનુ પ્રદાન હંમેશા  શ્રેષ્ઠ રહ્યુ છે.. એમની "પરોઢ થતા પહેલા" નવલકથામાંથી કેટ્લાક અંશ ...

નવલકથાની નાયિકા સુનંદા ખુબ સરળ સહ્રદયી અને સીધી સાદી છે. અને એ લવમેરેજ કરે છે દેવદાસ જોડે. જે એક કલાકાર છે.......આજમાં જ જીવનારો માણસ ... " જે છે એ આજે જ છે ...અને આજને જીવી લેવી જોઈએ" એ થીયરી વડે જીવનારો માણસ .. અચાનક એને ત્યજીને જતો રહે છે ...પછી જ સુનંદાના જીવનમાં મથામણ શરુ થાય છે ...  જીવન પ્રત્યેના પ્રશ્નો અને જીવન પ્રત્યેની સમજ  .... આવી મથામણમાં સુનંદાના મુખે બોલાયેલા કેટ્લાક ઉત્કૃષ્ટ સંવાદો .... 

*********************************************
સુનંદા યાદ કરે છે ........


દેવદાસ કહેતો - "તને તો ખબર છે મારામાં કેટલી રોબસ્ટ લાઈફ છે! હું તો ભાઈ જીવવામાં માનુ છુ. ગમે તે સ્થિતિ એ જીવન માણવામાં માનું છું"

સુનંદા વિચારે  છે  ....
પણ જીવનને માણવાની આ 'માંસલ પિપાસા'. અન્યનો વિચાર જ ન કરતી ક્ષુધા રોગિષ્ઠ મનની જ નિપજ છે.

બહારથી જે કાવ્યમય લાગે તે વચનોમાં કેટલી તો વંચના હોય છે. પોતાની ચંચળ પ્રકૃતિની પરવશતાને માણસ મુક્તિનુ નામ આપી શકે અને પોતાના અહમને જ કેન્દ્રમાં રાખીને ક્ષણે ક્ષણે બદલાતા જીવનને "શુધ્ધ આજ" નું જીવન ગણે, તેનાં મૂળ હ્ર્દયના પ્રેમના નિર્મળ પાતળાઝરાને ક્યાથી પહોચી શક્યા હોય? 

છીછરા આવેગો, સ્વાર્થ, ચંચળતા, નિરંકુશતાને છૂટૉ દોર ન મળે તે માટે થઈને એક પવિત્ર બંધન (લગ્ન) રચવામાં આવ્યુ હતુ.

પણ કેવળ બંધન તરીકે કદાચ કોઈ બંધન પવિત્ર હોઈ શકે નહી.

તો શેનાવડે એક માણસ બીજા માણસ પ્રત્યે કર્તવ્યશીલ, જવાબદાર, કાળજીપૂર્ણ રહી શકે? શાના વડે સંબંધો ટકી શકે?

આનંદ અને પ્રેમથી સભર બનેલા હ્રદય વડે. જેમાં બધા સ્વાર્થ પાતળા પડી જાય છે, જે માણસને તેની ઈચ્છાઓની સીમાઓમાંથી મુક્ત કરે છે અને તેને વધુ ઉંચા, વધુ તેજોમય જીવન પ્રતિ નિરંતર વહેવા પ્રેરે છે.

માણસની ઈચ્છામાં જ્યારે પોતાની ઈચ્છા સિવાય બીજા કોઈની ઈચ્છાનો સમાવેશ થતો નથી ત્યારે તે સ્વાર્થના નીચલામાં નીચલા પગથિયે ઉભો હોય છે.


તેની ઈચ્છા જ્યારે વિશ્વપ્રક્રૃતિની ઈચ્છામાં ભળી જાય છે ત્યારે તે મુક્તિના ચરમ શિખરને પામે છે. આ બે સ્થિતિમાં હજારો પગથિયા રોજને રોજ ચડતા જવુ એ
જ જીવનની ગતિ છે, દિશા છે, સાર્થકતા છે.

*********************************************


લોકો કહે છે મારો પ્રેમ સાચો હતો કે એનો પ્રેમ સારો હતો ... પણ પ્રેમ ક્યારેય સાચો - ખોટો કે  સારો-ખરાબ હોઈ શકે નહી. પ્રેમ ભલા ખોટો કે ખરાબ કેવી રીતે હોઈ શકે ? પ્રેમ કાં તો માત્ર હોઈ શકે અથવા ના હોઈ શકે ... જે પ્રેમ જવાબદારી ના લાવે કે ઉર્ધ્વગતિએ ના લઈ જાય એ પ્રેમ સિવાય કંઈપણ હોઈ શકે પણ પ્રેમ ના હોઈ શકે .... એ પ્રેમનો ભ્રમ હોઈ શકે કા તો ઘડી બે ઘડીની ગમ્મત કે પછી ખાલી વાસના ...

અને છેલ્લે આ પ્રેમકાવ્ય ....


આ એક પ્રેમકાવ્ય છે
તે પાણીની સપાટી પર લખવુ જોઈએ,
અને હવામાં ઊડતુ મૂકી દેવુ જોઈએ,
અથવા તો એક સસલાને આપી દેવુ જોઈએ
મોઢે કરાવવા માટે,
અથવા તો તેને સંતાડી દેવુ જોઈએ
જૂના પિયાનોમાં.
આ પ્રેમકાવ્ય છે,
તે વાંચવુ ના જોઈએ
ઝરુખામાં,
તે શીખવુ ના જોઈએ
ઉઘાડા આકાશ નીચે,
તે ભુલાવું ના જોઈએ
વરસાદમાં,
અને તે આંખની
એકદમ નજીક ના રાખવુ જોઈએ.


ઝીશન સાહિલ
અનુવાદ - દિનેશ દલાલ

No comments:

Post a Comment