Sunday, February 3, 2013

હસતો રહ્યો...

જાન્યુઆરી ૨૦૧૩માં "સરવાણી" ને બે વર્ષ પૂરા થયા. બે વર્ષ અને  ૨૯૦ પોસ્ટ. બ્લોગ વંચાય છે અને રેગ્યુલર વંચાય છે ..... એ જોઈને  આનંદ છે .....સરવાણીના સંપર્કમાં રહેવા બદલ આભાર .... આ વર્ષે પણ કંઈક સારુ અને શ્રેષ્ઠ અહીં મૂકી શકુ એવા પ્રયત્ન સાથે  જમિયતરાય પંડ્યાની એક સુંદર રચના લેખક જય વસાવડાની બુક "જય હો!" માંથી ....

દુનિયામાં કોઈ માણસ પીડાથી દર્દ્થી મુક્ત નથી.  Pain is part of our Life... એક પીડા જાય તો બીજી તૈયાર હોય છે  અને કેટલીક પીડા કાયમ માટેની જ હોય છે. એવી પીડાથી ડરવા કરતા  એને સ્વીકારીને એની સાથે જીવાવાની આદત પાડી દેવાય તો જ કદા્ચ એમાંથી થોડી રાહત મળી શકે ... અને એવી પીડા સાથે જો તમે તેના પર હસી શકો તો  જીવનની યુનિર્વસિટિમાં કદાચ બેચલરની ડીગ્રી તો પોતાના નામે કરી જ શકો ... આવો જ કંઈક કોન્સેપ્ટ છે નીચેની કવિતામાં ...

જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો 
ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો

ઓ મુસીબત એટલી ઝિંદાદિલીને દાદ દે,
તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો.

કોઈના ઇકરાર ને ઇન્કાર પર હસતો રહ્યો 
જે મળ્યો આધાર એ આધાર પર હસતો રહ્યો 

કોઈની મહેફિલ મહીં થોડા ખુશામદખોરમાં
ના સ્વીકર્યુ સ્થાન ને પગથાર પર હસતો રહ્યો 

ફૂલ આપ્યા ને મળ્યા પથ્થર કદી તેને પણ
પ્રેમથી પારસ ગણી દાતાર પર હસતો રહ્યો

જીવતો દાટી કબરમાં એ પછી રડતા રહ્યાં
હું કબરમાં પણ, કરેલા પ્યાર પર હસતો રહ્યો 

નાવ જે મઝ્ધાર પર છોડી મને ચાલી ગઈ
એ કિનારે જઈ ડૂબે હું ધાર પર હસતો રહ્યો 

ભોમિયાને પરકો આધાર લેતો જોઈને
દૂર જઈ એ પાંગળી વણઝાર પર હસતો રહ્યો ...

- જમિયતરાય પંડ્યા    

અને છેલ્લે -

' દરેક પીડા કાં તો તીવ્ર કાંતો અલ્પ માત્રામાં હોય છે.
જો એ અલ્પ હશે તો આસાનીથી સહન થઈ શકશે
અને જો તીવ્ર હશે તો એ લાંબી ટકી જ ન શકે - એમાં બે મત નથી!' 

- સિસેરો

No comments:

Post a Comment