Thursday, February 14, 2013

Please Hear Me What I Am Not SAYING...


આજે  વસંતપંચમી એટલે  સરવાણી  પર કંઈક  special ...  જોકે  કવિતા જ એટલી લાંબી છે કે પ્રસ્તાવના લખીને વાત વધારે લાંબી નથી કરવી. જમાનો ભલે ગમે તેટ્લો બદલાય અમુક બાબતો બદલાતી નથી. જેમકે, સાચી લાગણીઓને વેલેન્ટાઈન ડેની જરુર હોતી નથી.(આજે valentines Day પણ છે) લાગણીઓને વ્યક્ત થવા એક સાચી વ્યક્તિની જરુર હોય છે. જો કે એવી વ્યક્તિ જલદી મળતી પણ  નથી... એટલે આપણે બધાએ જાતજાતના મહોરા પહેરવા પડે છે. નીચેની કવિતામાં કહ્યુ છે એમ...... 
Anyways.. Happy Vasant Panchami & Happy valentines Day ...

મૂરખ ન બનશો મારાથી.
મૂરખ ન બનતા મેં પહેરેલા ચહેરાથી.
હું મહોરા (માસ્ક) પહેરું છું. હજારો મહોરાં!
મહોરા જે ઉતારતા મને બીક લાગે છે.
અને એમાનો એકપણ મારો ચહેરો નથી!
ઢોંગ કરવો એ તો મારા ડાબા હાથનો ખેલ છે!
પણ મૂરખ ના બનતા ભગવાન ને ખાતર!
હું એવી છાપ જરુર પાડું છુ કે હું સલામત છું.
અને મારી સાથે બધુ ચકાચક થઈ રહ્યું છે,
અંદર બહાર મોજેમોજ ચાલે છે.
કોન્ફિડન્સ મારી જાત છે,
'કૂલ' દેખાવુ મારા માટે રમત-વાત છે.
એટલે હું સાગરપેટાળ જેવો શાંત છું,
પરિસ્થિતિ મારા કાબૂમાં છે,
અને મારે કોઈની જરુર નથી,
એવું દેખાડી શકું છું.
પણ મારી વાત માનશો નહિ!
સપાટી પરથી ભલે હું બેફિકર લાગું,
સપાટી એ મારું મહોરું છે.
નિત્ય બદલાતુ અને અડીખમ.
પણ એની નીચે મજબૂતાઈ નથી,
એની નીચે છે, મૂંઝવણ, ડર અને એકલતા!
પણ હું એ છુપાવી દઉં છું.
મને પસંદ નથી કે કોઈ એ જાણી જાય.
હું બહાવરો થઈ જાવ છું કે મારી નબળાઈઓ ઊઘાડી પડી જશે!
એટલે ઝપાટાબંધ હું એક માસ્ક બનાવી,
એની પાછળ છુપાઈ જાઉં છુ.
અને એ સફાઈદાર આવરણ મને દેખાડો કરવામાં મદદ કરે છે.
અને જે નજર મને પારખી જાય, એની સામે કવચ બને છે.
હું જાણું છું કે જો એ દ્રષ્ટિ પાછળ
મારી સ્વીકૃતિ કરો, મારા માટે પ્રેમ હશે,
તો એ જ એકમાત્ર બાબત છે.
જે મને મારાથી મુક્તિ અપાવશે!
એટલે કે મેં જાતે જ ચણેલી જેલની દિવાલોમાંથી,
બહુ પીડા વેઠીને મેં બનાવેલી આડશોમાંથી.
એ નજર જ એકમાત્ર બાબત છે,
જે મારી જાતને હું નથી આપી શકતો
એવો ભરોસો આપશે-
કે હું પણ કંઈક છુ. થોડોક લાયક છું, કશું કરવાને.
પણ હું તમને આ કહેતો નથી.
મારી હિંમત નથી, મને ડર લાગે છે.
મને ગભરાટ છે કે તમારી નજર પાછળ મારો સ્વીકાર નહી હોય.
અને એના પછી પ્રેમ પણ નહિ.
મને સંકોચ છે કે તમે મને ઉતરતો માની લેશો.
તમે મારા પર હસશો,
અને એ હાસ્ય મને ચીરી નાખશે.
ખૂબ ઉંડે ઉંડેથી હું કશુ જ નથી એ હું જાણું છું
અને મને બીક છે કે તમે ય એ જાણશો પછી મને-
તરછોડી દેશો!
એટલે હું રમત રમું છું. મારી અનિવાર્ય એવી ઢોંગ કરવાની રમત.
જેમાં બહાર છે આત્મવિશ્વાસની ઓળખ.
અને અંદર છે થરથરતુ બાળક!
એટલે જિંદગી બને છે ચળકતા પણ ખાલીખમ મહોરાઓની પરેડ.
એમ તો હું તમારી સાથે ઘણી વાતો કરું છું.
એ બધુ તમને કહુ છુ જેમાં આમ તો કશુ કહેવાનું નથી.
અને એ નથી કહેતા, જેમાં બધું જહેવા જેવું હોય છે.
એ કે મારી અંદર શું રડી રહ્યુ છે?
એટલે જ્યારે હું મારા રોજિંદા કામકાજ માં વ્યસ્ત હોઉં
ત્યારે હું જે બોલતો હોઉં, તેનાથી ભરમાતા નહીં!
પણ પ્લીઝ ધ્યાનથી એ સાંભળવા પ્રયત્ન કરજો,
જે હું કહેતો નથી!
એ જે કહેવાની ત્રેવડ મારામાં હોય, એવું હું ઈચ્છું.
મારું અસ્તિત્વ ટકાવવા જે કહેવું મારા માટે જરુરી પણ છે.
પણ જે હું કહી શકતો નથી.
મને છુપાવવુ ગમતું નથી.
મને તકલાદી બનાવટી ખેલ ખેલવા ગમતા નથી.
હું સાચો, વિચારવાયુ વિનાનો બનવા માંગુ છું.
હું હું બનવા માગું છું, જેન્યુઈન અને સ્પોન્ટેનિયસ.
પણ તમારે મને મદદ કરવી પડશે.
તમારે મારો હાથ પકડવો પડશે.
ભલે ને, એવું કરવું એ મને છેલ્લો વિકલ્પ લાગતો હોય.
તમે જ લૂછી શકશો મારા આંસુઓ.
અને મારા મુર્દા બનેલા શ્વાસો તથા ખાલીપા ભરેલી નજર,
તમે જ કરી શકો મને સજીવન.
જ્યારે તમે હેતાળ, મૃદુ અને પ્રોત્સાહક હો છો,
જ્યારે તમે એટલે મારી વાત સમજવાનો પ્રયત્ન કર્યો છે,
કારણ કે તમે ખરેખર મારી કાળજી લેતા હો છો.
મારા હ્ર્દયને ફૂટે છે પાંખો!
બહુ કોંમળ, બહુ નાની.
પણ પાંખો!
તમારામાં એ શક્તિ છે, એનો સ્પર્શ લાગણીભીનો છે.
હું એ જણાવવા માંગું છું
એ કે તમે મારા માટે કેટલા મહત્વના છો.
તમે પણ સર્જક બની શકો, પ્રભુ પ્રત્યે પ્રાંમાણિક એવા સર્જનહાર.
જો તમે ચાહો તો,
મારામાં છુપાયેલા વ્યક્તિત્વના.
તમે જ કદાચ તોડી શકશો એ દિવાલ,
જેની પાછળ હું ધ્રુજું છું.
તમે ઉતારી શકશો મારા મહોરાં
તમે જ મને મુક્ત કરી શકશો મારા ભયનાં પડછાયામાંથી.
મારી એકાંત કેદમાંથી.
જો તમે ચાહો તો પ્લીઝ.
મારી બાજુમાંથી પસાર ન થઈ જતા.
એ તમારા માટે સહેલું નહી હોય.
નકામા હોવાનો કાયમી સહેસાસ પાકી ભીંતો ચણી દે છે.
તમે જેમ મારી નજીક આવવાની કોશિશ કરશો,
એમ હું કદાચ પ્રતિભાવમાં પ્રતિકાર કરું.
એ અતાર્કિક હશે, પણ ભલે બધી કિતાબો માણસજાત વિશે ગમે તે કહે,
ઘણીવાર હું ગળે ન ઉતરે એમ વર્તું છું.
હું જેની માટે વલખાં મારુ છું, તેની સામે જ લડું પણ છું.
પણ મને કહેવામાં આવ્યુ છે કે
પ્રેમ ભીંતો કરતા વધુ મજબૂત હોય છે.
અને એમાં મારી આશા લટકેલી છે.
પ્લીઝ પેલી ભીંતો તોડો.
દ્રઢ છતાં માયાળુ હાથોથી,
એ ભુલકાં માટે જે બહુ સંવેદનશીલ છે.
હું કોણ છું?
તમને અચરજ થતું હશે.
હું એ છું જેને તમે ખૂબ સારી રીતે જાણો છો.
હું એ પ્રત્યેક પુરુષ છું, જેને તમે મળો છો!
હું એ પ્રત્યેક સ્ત્રી છું, જેને તમે મળો છો! 


- ચાર્લ્સ ફિન

"બરાબર ૪૫વર્ષ પહેલા અમેરિકાના શિક્ષક ચાર્લ્સ ફિને આ ક્યારેય પૂરી ન થાય, એવી લાંબી લાગતી અને છતાંય પૂરી ન થાય, એવું ઈચ્છવાનું મન થાય- એવી આ અદભુત કવિતા લખી હતી! 'પ્લીઝ  હીઅર મી વ્હોટ આઈ એમ નોટ સેઈંગ!' જે વાંચે એના દિલની આરપાર નિકળે છે. કારણકે એ ખરેખર કોઈ પણ નર-નારીની કવિતા છે. મારી-તમારી આપણી કવિતા."

- જય વસાવડા. from the book -"જય હો!"

No comments:

Post a Comment