Tuesday, February 26, 2013

દિલના સર્ચ એન્જિન પર ક્લિક કરો..

ભૂલા પડી જવાની મજા પણ કદી લૂંટો,
આ શું તમે સતત રહો છો રસ્તાની શોધમાં?
 
-રિષભ મહેતા
 
આત્મીયતા ઉપર કોઈનો ઈજારો નથી અને સંવેદના કોઈની મોહતાજ નથી. શરીરમાં ધબકતાં દિલને સંકોચાવા ન દઇએ તો દિલમાં આખી દુનિયાને સમાવી શકાય એટલી વિશાળતા છે. બધું જ જીવી શકો, બધું જ ઝીલી શકો અને પ્રકૃતિના દરેક કણને અને તમામ રંગને માણી શકો તો જીવનની કોઈ પણ ઉંમરે બચપણ અનુભવી શકો.......
 
સંપર્કના સાધનો વઘ્યા છે છતાં કેમ માણસ એક-બીજાથી દૂર જઈ રહ્યો હોય એવું લાગે છે? તમારા મોબાઈલની ફોન બુકમાં કેટલા નંબર છે? એવો કયો નંબર છે જે એક વખત સેવ કર્યા પછી તમે ક્યારેય એ નંબર પર ફોન નથી કર્યો? કનેક્ટેડ થયા પછી આપણે વિચારતા નથી કે આપણે એટેચ્ડ છીએ? તમારા દિલની વાત કહી શકાય એવા કેટલા લોકો તમારી પાસે છે? 

          ફેસબુક અને ઓરકૂટ ઉપર આપણે મિત્રોને એડ કરતાં જઈએ છીએ અને પછી એવો સંતોષ માની લઈએ છીએ કે આપણું ગ્રુપ બહુ મોટું છે. ફેસબુકનું લિસ્ટ કાઢીને ક્યારેય વિચાર્યું છે કે આમાંથી કેટલાં લોકોની અંગત વાતો મને ખબર છે? એ પૈકીના કેટલા લોકોને શું ગમે છે અને શું નથી ગમતું એ તમને ખબર છે? મોટાભાગે જસ્ટ હાય- હલો જ કહેવાય છે. દિલમાં ભાર લાગતો હોય એ વાત કેમ દિલમાં જ રહે છે? 

          સર્ચ એન્જિનથી જૂના મિત્રો મળી જાય છે પણ આત્મીયતા? કંઈક કહેવાનું કે વાત શેર કરવાનું મન થાય ત્યારે કોઈ હોતું નથી! દિલનું સર્ચ એન્જિન ખોટકાઈ જાય છે. દિલના સર્ચ એન્જિનમાં તમે ક્યારેય કોઈ સર્ચ આપી છે? ચલો, એક પ્રયત્ન કરો. દિલના સર્ચ એન્જિનને શોધવાનું કહો, બેસ્ટ ડે ઓફ માય લાઈફ! જિંદગીનો સુંદર દિવસ! 

          દિલ પર ક્લિક કરો. કંઈ મળ્યું? કયો હતો એ દિવસ? તમે જિંદગીમાં જેટલા દિવસો વિતાવ્યા હોય એમાંથી યાદગાર દિવસો શોધી કાઢો, પછી જિંદગીના દિવસો સાથે સરખામણી કરી ટકાવારી કાઢો, રિઝલ્ટ ઝીરો પોઈન્ટ ઝીરો સમથિંગ સમથિંગ હશે! બાકીના દિવસો ખરાબ હતા? 

          ના! ઘણાં દિવસો સારા હતા પણ તેને આપણે પરમેનન્ટ ડિલિટ કરી નાખ્યા હોય છે! સુખની ચિઠ્ઠી આપણે ભાગ્યે જ ખોલીએ છીએ. માણસની કૂતુહલતા બૂઠ્ઠી ન થઈ જાય તો સંવેદના ક્યારેય બુઠ્ઠી થતી નથી. આપણે મોટા થતાં જઈએ તેમ આપણામાં જીવંત બાળપણને મારતાં જઈએ છીએ. પછી તેનો ખરખરો કરતાં રહીએ છીએ. દિલમાં ચણાયેલી આવી કબરોને ઉખેડી નાખી તેમાં દબાયેલી ક્ષણોને પાછી જીવતી કરો, જીવન એકશન રિપ્લે જેવું નહીં પણ લાઈવ લાગશે!

છેલ્લો સીન:
માણસ એવી વ્યક્તિ સાથે લગ્ન કરે છે, જેની સાથે એ રહી શકે. બહુ ઓછા લોકો એવી વ્યક્તિ સાથે લગ્ન કરે છે જેના વગર એ રહી ન શકે! .....
 
- કૃષ્ણકાંત ઉડનકટ
"ચિંતનની પળે" માંી કેટલાક અંશ ....
 

No comments:

Post a Comment