Monday, February 18, 2013

તારે માટે લખવું છે એક ગીત...

તું સમાઈ શકશે કે નહી એની મને ખબર નથી.
પણ તારે માટે લખવું છે એક ગીત, એ ગીતમાં
મારી ઈચ્છા તને કેદ કરવાની નથી. પણ
શબ્દ અને લયની પાંખ દ્વારા મુક્તિ આપવાની છે.

પ્રેમ હંમેશા નીરવ રહે એ મને ગમતી વાત નથી.
ક્યારેક એ વાચાળ થઈને શબ્દોમાં વહી જાય તો ખોટું શું?
શબ્દોથી સંબંધ ખાટાં થઈ જાય છે એ તારો વ્હેમ.
લયને કારણે ગીતો ખટમીઠાશ લઈને અવતરે છે.

બધા જ પ્રેમીઓ મૂગા રહે અને વાચા ન ફૂટે તો
અ ઊછળતું લોહી, દાઝી જવાય એવો શીતળ સ્પર્શ
એકમેકના હોઠના અનંત ચુંબનો, આષ્લેશ અને આલિંગનો-
- આ બધા શું કાયમ માટે મૌનમાં વિરમી જશે?

ઝાડ પર ડાળ ઝૂલે, ફૂલ ખીલે ને ફળ હીંચે
અને વૃક્ષ પાંદડે પાંદડે પોતાની સહસ્ત્ર આંખો ઊઘાડે, મીંચે.

- સુરેશ દલાલ

No comments:

Post a Comment