Saturday, February 12, 2011

પીળો રુમાલ ...એક વાર્તા

પૂછ મા તારા વિના કેવા અમારા હાલ છે આંસુઓ છે આંખમાં ને હાથમાં રૂમાલ છે ...

 - શેખાદમ આબુવાલા

એક બસમાં છ વિદ્યાર્થીઓ ન્યૂયોર્કથી ફ્લોરિડા જતા હતા. ત્રણ છોકરાં હતાં. ત્રણ છોકરીઓ હતી. છએ જણાં આનંદમાં હતાં, સેન્ડવીચ ખાતાં હતાં, પીણાં પીતાં હતાં, અને ફ્લોરિડાના ખુલ્લા દરિયાકાંઠાની અને સમુદ્રસ્નાનની વાતો કરતાં હતાં. ન્યૂયોર્કનું ધૂંધળું આકાશ ધીમે ધીમે એમની પાછળ અદૃશ્ય થઈ રહ્યું હતું. બસ આગળ વધી રહી હતી.

દક્ષિણ તરફ જઈ રહેલી એ બસમાં એક ખૂણામાં વીંગો પણ બેઠો હતો. વિદ્યાર્થીઓની સામેની સીટમાં એ બેઠો હતો. એનો પોશાક સાદો હતો, કપડાં સહેજ ડખળાં પડતાં હતાં, ચહેરા પર થાક હતો, પોતાના વિચારમાં ડૂબેલો, એકલોઅટૂલો, મૌન બેઠો હતો.

વોશિંગ્ટનથી દૂર ગયા પછી રાત્રે રસ્તાની બાજુમાં આવેલી એક રેસ્ટોરાં પાસે બસ ઊભી રહી. બધા માણસો ઊતર્યા. વીંગો નીચે ન ઊતર્યો. વિદ્યાર્થીઓ અંદરોઅંદર વીંગો વિશે વાત કરવા લાગ્યા. કોણ હશે એ માણસ? નૌકાખાતાનો કોઈ કેપ્ટન હશે? પત્નીને છોડીને ભાગી જતો હત્ભાગી પતિ હશે? કોઈ સૈનિક હશે અને રજા પર ઘરે જતો હશે? કોણ હશે?

વિદ્યાર્થીઓ ફરી બસમાં ગોઠવાવા લાગ્યાં. એક છોકરી આવીને વીંગો પાસે બેઠી. છોકરીએ પોતાની ઓળખાણ વીંગોને આપી અને વાત શરૃ કરી. ‘‘અમે બધાં ફ્લોરિડા જઈએ છીએ, કહે છે કે એ પ્રદેશ ખૂબ જ સુંદર છે!’’

“હા, બહુ જ સુંદર છે.” વીંગો બોલ્યો. એની આંખોમાં જાણે અનેક જૂની સ્મૃતિઓ ઉભરાઈ આવી.

“પીણું લેશો?”

“ના” એણે નમ્રતાપૂર્વક ના પાડી.

આગળ શું વાત કરવી એ છોકરીને સૂઝ્યું નહીં. અને વીંગો ફરી પોતાના મૌનના કોશેટામાં લપાઈ ગયો. છોકરી ત્યાંથી ઊભી થઈ અને પોતાના મિત્રો પાસે ગઈ. વીંગો સૂઈ ગયો.

બીજે દિવસે સવારે ફરી એક રેસ્ટોરાં પાસે બસ ઊભી રહી. પેલી છોકરીએ વીંગોને આ વખતે પોતાની સાથે આવવા આગ્રહ કર્યો. કશું બોલ્યા વિના માત્ર માથું હલાવીને એના આગ્રહનો એણે સ્વીકાર કર્યો. રેસ્ટોરાંમાં એણે કોફી પીધી અને સિગારેટ સળગાવી. વિદ્યાર્થીઓએ જોયું કે સિગારેટ એના હાથમાં ધ્રૂજતી હતી.
પાછા ફરીને જ્યારે એ લોકો બસમાં બેઠાં ત્યારે પેલી છોકરી ફરીથી વીંગોની બાજુમાં બેઠી અને ધીમેથી વાતો કરવા લાગી. વીંગોએ આખરે એનું દિલ ખોલ્યું અને વાત કરવાનું શરૃ કર્યું. છેલ્લાં ચાર વરસથી એ ન્યૂયોર્કની જેલમાં કેદી હતો. અને અત્યારે પેરોલ પર ઘરે જઈ રહ્યો હતો.

“પરણેલા છો?” છોકરીએ પૂછયું.

“મને ખબર નથી.”

“એટલે?” છોકરીને આશ્ચર્ય થયું.

“એવું છે ને, હું જ્યારે જેલમાં ગયો ત્યારે મેં મારી પત્નીને લખ્યું હતું કે હું લાંબો સમય જેલમાં રહેવાનો છું. એટલો સમય એકલા રહેવાનું બહુ કપરું થઈ પડશે. બાળકો કદાચ મારા વિશે અટપટા પ્રશ્નો પૂછે, પાડોશીઓ ટીકા કરે, એ બધું દુઃખ જીરવવું સહેલું નથી હોતું. જો એ બધું અસહ્ય બની જાય તો...” એ અટકી ગયો. એના ગળે ડૂમો ભરાઈ આવ્યો. “તો મને ભૂલી જજે. અને બીજા કોઈ સાથે તારું જીવન...” એ ફરી અટકી ગયો અને ઊંડો શ્વાસ લઈને બોલ્યો, “... અને એ બાબત મને કશું જ લખવાની જરૃર નથી. બસ, મને ભૂલી જજે. લખવાની કોઈ જરૃર નથી. અને પછી સાડા ત્રણ વરસ વીતી ગયાં છે, એના તરફથી કોઈ પત્ર નથી.”

“એટલે તમે...” છોકરી ધીમેથી બોલી, “ઘરે તો જાઓ છો, પણ તમને કશી જ ખબર નથી, કશી જ ખાતરી નથી.”

“હા. એમ જ છે.” એણે સંકોચથી કહ્યું, “પણ મેં ગયા અઠવાડિયે ફરી એને એક પત્ર લખ્યો છે. અમે બ્રુન્સવીકમાં રહીએ છીએ. બ્રુન્સવીકમાં દાખલ થતાં જ એક મોટું ઓકનું ઝાડ નજરે પડે છે. પેરોલ ઉપર છૂટવાની વાત નક્કી થઈ ત્યારે મારી પત્નીને મેં લખ્યું કે, જો એ મને આવકારવા તૈયાર હોય તો પેલા મોટા ઓકના ઝાડ ઉપર પીળો રૃમાલ બાંધે જેથી મને ખબર પડે, નહીં તો બધું ભૂલી જાય. જો ઓકના ઝાડ ઉપર રૃમાલ હશે તો હું બસમાંથી ઊતરી જઈશ, નહીં તો આગળ ચાલ્યો જઈશ. બસ એટલું જ, બીજું કશું જ નહીં.”

પછી વીંગોએ એ છોકરીને એની પત્નીનો અને બાળકોનો ફોટો બતાવ્યો. છોકરીએ પોતાનાં બીજાં મિત્રોને એ વાત કરી. અને છએ જણાં બ્રુન્સવીક આવે એની રાહ જોવા લાગ્યાં. બ્રુન્સવીક બત્રીસ કિલોમીટર દૂર હતું.
બસ ચાલતી હતી અને અંતર ઘટતું જતું હતું. ત્રણ છોકરાં અને ત્રણ છોકરીઓ વીંગો જેટલી જ આતુરતાથી બ્રુન્સવીકની અને પેલા મોટા ઓકના વૃક્ષની પ્રતીક્ષા કરી રહ્યાં હતાં. એ લોકો બસની બારીઓ પાસે જઈને બેઠાં હતાં. વીંગો હવે બોલતો નહોતો. એનો ચહેરો ગંભીર થઈ ગયો હતો. એનું ભાવિ કેવું હશે એની એને ખબર નહોતી.

બ્રુન્સવીક સોળ કિલોમીટર દૂર રહ્યું પછી આઠ, પછી ચાર. વિદ્યાર્થીઓ એમની સીટમાં ઊભાં થઈ ગયાં. બ્રુન્સવીક નજરે પડયું. ઓકનું વૃક્ષ નજરે પડયું. બધાં ચિચિયારીઓ કરીને કૂદવા લાગ્યાં અને નાચવા લાગ્યાં.

વીંગો ઓકના ઝાડ સામે જોઈને જાણે પૂતળું બની ગયો હતો. એના ઉપર પીળા રૃમાલ ફરકતા હતા. એક નહીં, બે નહીં, પૂરા  સો-બસો... આખુંયે ઝાડ આવકારના પીળા રંગે રંગાઈ ગયું હતું. વિદ્યાર્થીઓ નાચતા હતાં અને વીંગોની આંખોમાંથી આંસુ વહેતાં હતાં. એ ધીમેથી ઊભો થયો, અને પોતાના ઘરે જવા માટે એણે પગ ઉપાડયા.

- From the Article of Mohammad Mankad 

મારી એ કલ્પના હતી કે વિસરી મને,
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને.
... 


- આસિમ રાંદેરી

2 comments:

  1. Wonderful! What a lovely style of story-telling!
    The stuff of the story is no doubt very strong, but the presentation is too very nice and simply touchy. A marvelous story indeed.

    ReplyDelete
  2. Thank You. I also like this story that is why I have shared it here.

    ReplyDelete