Friday, February 11, 2011

વેલન્ટાઈન ડે - નાટક કે બીજુ કંઈ ??

નથી જો લાગણી તો શું થયું? વ્યવહાર રહેવા દો.
હૃદયના ખાલીપાનો કોક તો ઉપચાર રહેવા દો !...
વેલન્ટાઈન ડે ના આડે ગણત્રીના દિવસો રહ્યા છે ....પવન જેમ સરહ્દોનો મોહતાજ નથી એમ લાગણીઓ કંઈ દિવસ કે ગીફ્ટ્સની મહોતાજ ના જ હોવી જોઈએ. એ વસ્તુ ઠીક છે કે ગીફ્ટ એ લાગણીને વ્યક્ત કરવાનુ સાધન  છે, પણ એ કંઈ લાગણી માપવાનુ  થર્મોમીટર નથી.  આડા દિવસે પાંચ રુપિયામા વેચાતુ ઈંગ્લિશ રેડ રોઝ એ દિવસે પચાસ રુપિયામા વેચાય છે,  પચાસથી માંડી ને પાંચસો કે પાંચ હઝાર રુપિયાની વસ્તુઓની આપ-લે થશે, કેન્ડ્લલાઈટ ડીનર્સ, થીમ પાર્ટી, લવબર્ડ્સથી છલકાતા રેસ્ટોરાં -ગાર્ડન્સ - થીએટર્સ, હાથમા હાથ લઈને લોન્ગ ડ્રાઈવ પર નિકળી પડતા કપલ્સ ....   રોમાન્સ માટેનો બધો સામાન હાજર હોય છે એ દિવસે... નથી હોતી તો ખાલી સાચી લાગણી ... એક-બીજાના હાથમા હાથ લઈને બેઠેલા "બોયફ્રેન્ડ - ગર્લફ્રેન્ડ"  ને એ ખબર (કે ખાત્રી?)  નથી હોતી કે આવતા વેલેન્ટાઈન ડે વખતે એ હાથમા કોનો હાથ હશે !

માર્કેટીંગ, મટીરીયાલીઝ્મ ને મોર્ડનાઈઝેશન - આ ત્રણ શબ્દોએ આજની જનરેશનને બધુ જ  ફેશનના ચશ્મા પાછળથી જોવાની કુટેવ પાડી દીધી છે ... ને આટલુ ઓછુ પડતુ હોય એમ વળી મિડિયાના સપોર્ટે લોકોને આંધળા બનાવવામા કંઈ કસર છોડી નથી. એક નવી ફેશન ચાલે છે આજકાલ " પોતાનુ મગજ બાજુ પર રા્ખીને જીવવાની - મગજને વિચારવાની તસ્દી નહી આપવાની ફેશન ( કદાચ ક્યાક વધુ પડ્તુ વપરાઈ જાય તો !) " .એટલે ફેશન ના નામે બધુ જ ચાલે છે. અને ઍટલી હદ સુધીનુ "ઑવર" ચાલે છે કે  વેલેન્ટાઈન ડે જેવો નિર્મળ  દિવસ પણ સાવ નાટ્ક , ખોખલો, અર્થહીન લાગવા માંડે છે.

બે-ચાર વેલેન્ટાઈન ડે સાથે વિતાવ્યા પછીના ( ઘણીવાર તો નેક્ષ્ટ )  વેલન્ટાઈન ડે વખતે પાત્રો બદલાઈ જાય છે .. ને નવા ચહેરા સાથે નવા નાટકો શરુ થાય છે ...ફેશન છે ભાઈ .... લાગણીઓ બદલાવાનો તો કોઇ સવાલ જ નથી કેમકે લાગણી તો હોય છે જ ક્યા ? 

ઓકે.... "એ તો બધુ એમ જ હોય ... અત્યારે બધા આમ જ કરે છે " ....આવી છટક બારીની પણ ફેશન ચાલે છે. 
કંઈ હાથ ના લાગે તો "Openness" & "Broadminded" નુ ચળકતુ રેપર લગાડી છીછરા વર્તનોને " Natural Feelings"મા ખપાવી દેવાની પણ ફેશન ચાલે છે.  છતાંય  ખરી હદ તો ત્યારે થાય છે જ્યારે આવા નાટકોથી  માણસ કંટાળે છે ને પછી ક્યાય લાગણી નથી, પ્રેમ નથી, વિશ્વાસ નથી ની ફિલસૂફી  ઝાડવા લાગે . પાણીની તરસ લાગી હોય ત્યારે પેપ્સી કે કોકાકોલાથી ગળું ભીંજવે ને પછી તરસ છીપાતી નથીની બૂમો પાડે .... આની પણ ફેશન ચાલે છે ....
આટલી પૂર્વભૂમિકા બાંધ્યા પછી  njoy this article of  Bhavin Adhyaru  from the column  'Yangistan' - Sandesh

વેલેન્ટાઈન ડેઃ કવિતાઓ, સોફ્ટ ટોયઝથી ઉપર સંબંધોની મીડાંચોકડી...

૧૦૩ ડિગ્રી તાવ હતો તને, 
એમ તો તને લખેલા લવલેટર પણ રોકડા ૧૦૫ હતા!
શું કરું હું? ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન વાંચું
આજે કે તારો બે વર્ષ પહેલાંનો લેટર?
 

‘ર.પા.’થી અનિલ જોશી, બધે ફરી વળ્યો હું એ સંવેદનોને ફીલ કરવા,
પણ મારા હાથમાં ‘ટુ ડુ લિસ્ટ’, લાઈટનું બિલ અને લોનનું સ્ટેટમેન્ટ હતાં!
વેલેન્ટાઈન ડે પર ‘સોલીટેર’ આપી તને ‘ફાસ્ટ ટ્રેક’ પહેરાવું?
કે પછી એક લોંગ ડ્રાઈવ પર જઈ વાંઝણી લાગતી કવિતાને પ્રસવ કરાવું?

ઉપરની કવિતામાં પ્રોફેશનલ કરિયર અને વર્કલોડમાં ફસાયેલા જુવાનિયાની વાત છે, જેને લવ કરવા પણ અપોઈન્ટમેન્ટની જરૂર પડે એવી હાલત છે. એની વે, ફરી આવી ગયો વેલેન્ટાઈન ડે. ક્યાંક ને ક્યાંક બધું જ સ્ટિરિયોટાઈપ લાગે. એ જ હાર્ટ શેઈપ બલુન (અને એ વેંચતા પેલાં ગરીબ બાળકો પણ યાદ જ હશે!), તૈયાર મળતા ચળકતાં મોંઘાં કાર્ડસ, સોફ્ટ ટોયઝ (અને એ પાછળ થતી કાળી મજૂરી પર જોયેલી બાહોશ પત્રકાર રવીશ કુમારની ડોક્યુમેન્ટરી પણ દિમાગને હચમચાવે છે!) અચાનક જ સ્કિન એલર્જીની જેમ ફૂટી નીકળતાં લખાણો અને ૧૫મી ફેબ્રુઆરીએ બધો ઉત્સાહ અને ચર્ચાઓ આવનારા એક વર્ષ સુધી ઘરના માળિયે જતા રહે!
વેલેન્ટાઈન ડે આવે એટલે મૂળભૂત રીતે ટોટલ ૩ પ્રકારની ચર્ચાઓ નીકળે, એક તો આ પશ્ચિમી સંસ્કૃતિએ આપેલાં બધાં તુત છે, બીજી ચર્ચા એ શા માટે જોરશોરથી ઉજવવા જોઈએ અને ત્રીજી ચર્ચા સરકારી રેકોર્ડ જેવો વેલેન્ટાઈન ડેનો ઇતિહાસ અને એનું મહાત્મય શું છે, એટસેટરા એટસેટરા. આ સિવાય વર્ષોવર્ષ કયાં નવા ટ્રેન્ડ આવે છે. માર્કેટમાં શું નવું આવે છે, વેલેન્ટાઈન ડેની ઈકોનોમી શું કહે છે? લોકો ખરેખર ઊજવે છે કે કેમ કે પછી આ જસ્ટ એક પરપોટો છે? વેલેન્ટાઈન ડે ઊજવીએ તો જ રોમેન્ટિક કહેવાઈએ, બાકી નહીં? આ બધા સવાલોના વિગતવાર ખુલાસા કોઈ આપતું નથી, કહો કે જાણવામાં કોઈને રસ નથી!
વેલેન્ટાઈન ગિફ્ટ્સ, ચીલાચાલુથી હટકે
વેલેન્ટાઈન ડે હોય અને ગિફ્ટ ન ખરીદીએ કે આપીએ એ ચાલે? ગીતા પર હાથ ન રાખીએ તો પણ સત્ય એ જ છે કે લાગણીની અભિવ્યક્તિ અતિ મોંઘાં કાર્ડસ, ચોકોલેટ્સ, પેસ્ટ્રી અને સોફ્ટ ટોયઝથી જ મોટે ભાગે થાય? શું છોકરીઓ આ ૪-૫ વસ્તુઓ આપીએ તો જ રીઝે? એને બુક્સ - ફિલ્મ, સ્પોર્ટ્સ કિટ-કોઈ મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ ગિફ્ટ ન કરી શકાય? ચીલામાં ન પડીને કોઈ સરસ જાતે બનાવેલું કાર્ડ કે કોલાજ બનાવી શકાય, એક સરસ ફ્રેમમાં ફોટોગ્રાફ્સનું કલેક્શન ક્રિએટિવ વનલાઈનર્સ સાથે મૂકી શકાય! અરે, એક બીજાને ગમતું વર્તન કરીને અને કહ્યું કરીએ અને જે વેવલેન્થ મળે એ પણ વેલેન્ટાઈન ગિફ્ટથી ક્યાં ઓછું છે?
વેલેન્ટાઈનની ઈકોનોમી અને માર્કેટિંગ
વાત આવે વેલેન્ટાઈનની તો ક્યાં કોઈ રિસેશનને ગાંઠે છે? ભાઈ, કવિઓ કહેશે કે પેલીના ચહેરાના એક અહોભાવના એક્સપ્રેશન માટે તો અમે સમરકંદ-બુખારા ઓવારી જઈએ! પણ ૬૩ રૂપિયે પેટ્રોલ, ૩૦૦ રૂપિયાની એબોની લાઉન્જમાં મૂવી અને ૫૦૦ રૂપિયા રેસ્ટોરાંના અને ગિફ્ટ તો અલગ! આ ‘આઈ લવ યુ’ની જદ્દોજહદ એકલા અમેરિકામાં જ વર્ષે ૧૪ બિલિયનનો ફાળો કુલ ઈકોનોમીને આપે છે! મોટેભાગે આ આ બાબતમાં દેખાદેખીનું એલિમેન્ટ કામ કરી જાય છે, તમે જો સિંગલ હોવ તો રીતસર તમને બધા એકલું ફીલ કરાવે એ હદે વેલેન્ટાઈનનું માર્કેટિંગ કરવામાં આવે. એફએમમાં રોમેન્ટિક સોંગ વાગે, જ્વેલરીમાં ડિસ્કાઉન્ટ, મૂવીની ફ્રી ટિકિટો, ખૂબ મોટા ર્માિજનથી વેચાતી ગિફ્ટ્સ, ટયુનિક-ટોપ - સોલીટેર અને ડેનિમની બ્રાન્ડેડ ખરીદી! મોટેભાગે આ બધું જ વધુપડતું મટિરીયાલિસ્ટિક લાગે.
વેલેન્ટાઈન અને ફીલિંગ્સ
ઉપર કહ્યું એમ મોંઘવારી વધી છે એની સામે લોકો વધુ કમાતા પણ થયા છે, લોકોનો એટિટયુડ અને સ્પેન્ડિંગ પાવર વધતા ડિસ્પોઝેબલ ઈન્કમ વધી છે. પરિણામે બધું તમારા ફાયનાન્સિયલ પાવરથી મપાય છે! એકચ્યુઅલી આખી વાતમાં ફિલિંગ્સ તો સાઈડમાં જ રહી જાય છે. સાથે ખીચું ખાઈએ કે કેન્ડલ લાઈટ ડિનર કરીએ મહત્ત્વનું શું છે? ડિનર કે એકબીજાનું સાથે હોવું? મસાલાવાળી ચા કીટલીએ પીએ કે પછી બ્રાન્ડેડ કોફી પીએ, ફિલિગ્સમાં શું ફર્ક પડવાનો? ‘દિલ તો બચ્ચા હૈ જી’ ફિલ્મની જેમ જ તાળી બે હાથે વાગે છે, ૧ દિવસ પૂરતું શોર્ટકટ મારીને ‘પ્રપોઝ મારવાની’ વાતો અને જિંદગીભર ધીરજથી સાથ આપવો એ બંનેમાં હ્યુજ ડિફરન્સ છે. સારા સારા ભણેલા યંગસ્ટર્સ લગ્ન વખતે કુંડળીઓ મેળવવામાં અને નાડીદોષ નિવારવામાં બીઝી તો ક્યારેક એકબીજાને મા-બાપના પ્રેશરમાં આવીને ડીચ કરી દેતા હોય છે!
વેલેન્ટાઈન અને આપણું કન્ફ્યુઝડ કલ્ચર
વેલેન્ટાઈનની વાત નીકળે ત્યારે અત્યારનો માર્કેટિંગ ડ્રીવન એ મોસ્ટ કન્ફ્યુઝિંગ માહૌલ કેવી રીતે ઈગ્નોર કરી શકાય? સેક્સ આરામથી મળી શકે છે પણ માણસ પ્રેમ માટે તરસી જાય છે. કમિટમેન્ટ અને વફાદારી ફોરવર્ડ થવાના નામે ધુમાડો થઈને ઊડી જાય છે, લાઈફ વધુ ને વધુ વર્ચ્યુઅલ બની છે, એટલું જ રિયલમાં દૂર જવાયું છે.  બધી કવિતાઓ, લેખ અને કશીદાઓ લવારા લાગવા લાગે છે જ્યારે લગ્ન થાય છે અને ઘરનો ચૂલો સળગે છે!  હેવ અ મીનિંગફુલ એન્ડ  ફિલિંગ વેલેન્ટાઈન  ડે! 

          ------------------  x ----------------- x ------------------------ x -------------------------

love, loyalty , trueness , trust, commitment, long term real relationship આ બધા શબ્દો  હજી પણ એટલા ઓલ્ડ ફેશન નથી બન્યા કેમ કે હાલની તારીખમા પણ માણસની અંદર ઝાંખીને જુઓ તો  એની જ ઝંખના ઉછળતી હોય છે ...  જરુર છે તો થોડી સમજણની, વિચાર્પૂર્વકના વર્તનની અને ધીરજની ... 

ખળખળ વહેતા નિર્મળ ઝરણાની તલાશમા નિકળ્યા હોવ ને એ ના મળે તો હારી થાકીને કંઈ કાદવમા છબછબીયા ના કરાય, એમાથી તો નરી ગંદકી જ નસીબ થાય ને ત્યારે "શુ કરુ, ઝરણુ ના મળ્યુ તો કાદવથી ચલવ્યુ " એવા excuses પણ નહિ ચાલે કેમ કે દરેક વખતે "ચલાવી લેવાની" થિયરી કામમા નથી આવતી. કાદવમા છબછબીયા કર્યા ના ખોખલા સંતોષ કરતા તો  ખાલી રહી ગયાનો અફસોસ કદાચ વધુ સાચો - સારો ને પવિત્ર  હોય છે.
સદા વર્તુળમાં બેસીને તમે શોધો છો ખૂણાઓ,
કશું ખોયા કરો છો આપ વારંવાર, રહેવા દો...
તમન્નાઓ જુઓ દેખાય છે ઝાલર બની આંખે,
અને સંભળાય છે બસ એક-બે ધબકાર, રહેવા દો.
.....
- પંક્તિ " હિમાંશુ ભટ્ટ"

મારા તરફથી પણ...... હેવ અ "મીનિંગફુલ" એન્ડ  "ફિલિંગ્સફુલ" વેલેન્ટાઈન  ડે  ઈન એડવાન્સ ! 

No comments:

Post a Comment