Thursday, February 3, 2011

દોસ્ત- Friend - મિત્ર ...

સગાંઓ, સંબંધી, સર્વ કુટુંબી,
દાળ, ભાત, શાક ને જાણે રોટલી ;
મૈત્રીની સગાઇ સાવ અનોખી, 
અથાણાં, પાપડ ને મિઠાઇની પોટલી.
I know  આજે પણ Friendship Day નથી ...પણ "મિત્રો" માટે તો દરેક દિવસ  Friendship Day જ હોય. જો જો એવુ ભૂલથી પણ ના માનતા કે અહી ઓરકુટ કે ટ્વીટર કે ફેસબૂક પર ફેશનમા ફૂટી નિકળતી "દોસ્તી"ની વાત થાય છે. 

અહી તો આવા દોસ્તોની વાત થઈ રહી છે ... The world's best Friends have never the same Nature... they only have the best "Understanding" of their "Differences" ....... ને એવા દોસ્તો ... ....."જેની સાથે તમે મન મૂકીને ઝ્ઘડી શકો, વાંક તમારો હોય તો પણ 'સોરી' એની પાસેથી જ કહેવડાવી શકો, જેને બહાના વગર મળી શકો, ખુલ્લા દિલથી હસી શકો-હસાવી શકો, રડી શકો ને તમને રડતા જોઈ જો એ પણ રડવા માંડે તો તમારુ રડવાનુ ભૂલીને એને હસાવી શકો, ફાલતુ વાતો કરી એક-બીજાને બોર કરી શકો ને ક્યારેક સમજદારીથી એક-બીજાના કાન આમળી શકો, હદથી વધારે હેરાન કરી શકો, રીસાઈ જાય એટ્લી મજાક કરી શકો, જ્યા "ફોર્માલીટી" તો અળખામણી ફોઈ જેવી હોય, જેને અડધી રાત્રે પણ ખાલીખાલી ફોન કરી શકો, એન્ડ ઓફકોર્સ કારણ વગર "પાર્ટી" માગી શકો ... લીસ્ટ બહુ લાંબુ છે ..." આવા દોસ્તોની  વાત થઈ રહી છે .. આખરે લાઈફમા આ એક સબંધ એવો છે જેમા આપણને પસંદગી ની થોડી છૂટછાટ મળી છે ... જો કે આમા પણ સારા દોસ્તો તો નસીબ થી જ મળે છે ... અને એ વાતમા હુ નસીબદાર છુ એ માટે કુદરતનો ને તમામ દોસ્તોનો આભાર...

ગઈ કાલે બહુ બધા દોસ્તો સાથે વાત થઈ અને ખબર નહી કેમ આજ સવારથી જ  મોટાભાગના Massages  "Friendship" પર આવ્યા એટ્લે naturally બધા જ દોસ્તો યાદોમા ઉમટી આવ્યા. તો હવે તો આ અનુપમ સબંધ વિષે કંઈક કહેવુ જ રહ્યુ.  તો થોડાક ભુલાઈ ગયેલા- થોડાક યાદ આવતા, થોડાક રિસાઈ ગયેલા- થોડાક માની ગયેલા,  થોડાક દૂર છતા નજીક રહેતા, થોડાક હમેશા આસપાસ રહેતા,  થોડાક  એવા જે આમ ભલે દૂર રહે પણ દુખમા હંમેશા ખડે પગે હાજર રહેતા,  થોડાક કામ પડે ત્યારે જ યાદ કરતા, ને થોડાક સમયાંતરે ખબરઅંતર પૂછી લેતા, તમે ઘણા સમય સુધી એને ફોનથી પણ મળવાનુ ભૂલી ગયા હોવ તો પણ દરિયાદિલિ રાખીને તમને નિયમિત ફોન કરતા,  ક્યારેક રસ્તામા ભટકાઈ જાય તો હાથ પકડીને અટકાવતા, થોડાક સમજાયેલા- થોડાક ન સમજાયેલા,  યાદ આવે ત્યારે ચહેરા પર એક અનોખુ સ્મિત લાવતા ને ક્યારેક આંખના ખૂણા ભીંજાવતા .............  એ તમામ દોસ્તો ને નામ , થોડાક શબ્દો  દ્વારા દિલથી સલામ .................

હજી થોડાક એવા મીત્ર છે... - અનિલ ચાવડા
ગમે ત્યાં ને ગમે ત્યારે ફસાવી દે, હજી થોડાક એવા મીત્ર છે,
ઉદાસી ફૂંક મારીને ઉડાવી દે, હજી થોડાક એવા મીત્ર છે.

મને પૂછ્યા વગર લઈ જાય Bike મારી ને આખો દિવસ એ ફેરવે,
ખૂટે પેટ્રોલ ત્યારે માંડ ચાવી દે, હજી થોડાક એવા મીત્ર છે.

કદી મારા ઘરે મહેમાન થઈ આવે પછી હુ મૂકવા જઉં અને,
મને ખૂદને જ એ બસમાં ચડાવી દે, હજી થોડાક એવા મીત્ર છે.

કરે હેરાન હરપલ એટલું કે આંખમાં આંસુ જ આવી જાય, પણ;
રડું તો આંસુને ઝાકળ બનાવી દે, હજી થોડાક એવા મીત્ર છે. 

તાજા કલમમાં...  - મુકુલ ચોક્સી
એક આખી જિંદગીનો છે એમાં અભાવ દોસ્ત,
આ ખાલી જામનું ય વજન છે ઉઠાવ દોસ્ત.

જીરવી શકાશે પૂર્ણ ઉપેક્ષાનો ભાવ દોસ્ત,
પણ જીરવી ના શકાશે અધૂરો લગાવ દોસ્ત.

દરિયામાં મોજાં આવે, બધે આવતાં નથી,
અમથી જ રાહ જોયા કરે છે તળાવ દોસ્ત.

દરિયા-પહાડ-આભમાં જો ના સમાય તો,
નાની ચબરખીઓમાં પ્રણયને સમાવ દોસ્ત.

તાજા કલમમાં એ જ કે તારા ગયા પછી,
બનતો નથી આ શહેરમાં એકે બનાવ દોસ્ત. 

દોસ્ત! હું ભૂંસાઉં છું ... - ચીનુ મોદી
તું કહે છે કે હવે હું જાઉં છું,
હું કહું છું, દોસ્ત! હું ભૂંસાઉં છું.

તું ખરેખર ખૂબ અઘરો દાખલો,
જેટલી વેળા ગણું, ગુંચાઉં છું.

સ્વચ્છ ચોખ્ખી ભીંત કાળી થાય છે,
એક પડછાયો બની ફેલાઉં છું.

વૃક્ષને વળગી પડેલું પર્ણ છું,
ભોંય પર પટકાઉં ને ઢસડાઉં છું.

કોઈ છે 'ઇર્શાદ' કે જેને લીધે,
છૂટવા ઇચ્છું અને બંધાઉં છું.


અને છેલ્લે પન્ના નાયક કહે છે એમ ...

મિત્ર એટલે પરમ આત્મીયતા અને જેની સાથે નિર્વ્યાજ સખ્ય માણી શકાય.
જે મનથી અને વાણીથી સતત આપણી સાથે હોય.
જેના સહવાસમાં હાશ અને નિરાંતની ક્ષણોનો અનુભવ થાય.
જેની સાથે અંગતમાં અંગત પ્રશ્નથી માંડીને જગતની સમસ્યાઓ વિશે વાદ કે વિવાદ વિના વાત થઇ શકે.
જે આપણી સાથે હસે અને આપણને હસાવી શકે.
જે આપણા અવગુણને ઓળંગી આપણને અપનાવી શકે.
જે આપણા એકાંતની રક્ષા કરે.
જે આપણામાં રહેલી ગોપિત શક્તિને પ્રગટ કરે.
જે આપણને સુખમાં છકી જવા ન દે.
જે આપણને આપણા દુ:ખમાં હારવા ન દે.
મિત્ર એટલે જીવનમાં સાંપડેલી ધન્ય ક્ષણ.

મિત્ર એટલે મિત્ર.

No comments:

Post a Comment