Tuesday, February 8, 2011

વસંત છે ! ... - વસંતોત્સવ ...

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના.
મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ,
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના ! ...
- મનોજ ખંડેરિયા

આજે વસંતપંચમી ....અને એમ જોવા જઈએ તો " ઈન્ડિયન વેલેન્ટાઈન ડે " ....
વસંત એટલે ઋતુઓની રાણી, કવિઓ માટે તો  ઉજાણી , લવર્સ માટે લ્હાણી અને  ભગ્ન હ્ર્દયો માટે આંખોમા પાણી - પાણી ...  આપણે ભલે એને અલગ નજરથી જોઈએ પણ વસંત તો એવી ને એવી જ હોય છે ... વાતાવરણમા ના વધુ ઠંડી ને ના વધુ ગરમી .... ને હવામાં ગુલાબી-ગુલાબી  લ્હેરખી ... 
કુદરતને પણ એકધારુ રહેવુ નથી ગમતુ એટલે જ તો એ નિયમિત રીતે ઋતુઓમા ફેરફાર કરતી રહે છે ... શિયાળાની કડકડતી ઠંડી પછી વસંત તો સારી લાગે જ ને ! જ્યાં સાંજની ઠંડી પણ ગુલાબી અને સવારનો કુણો તડકો પણ ગુલાબી ... અને  લાગણીઓ પણ ગુલાબી-ગુલાબી ...( અલબત્ત જે વસંતની ગુલાબી સંવેદના પામી શક્તા હોય તેમના માટે ...) 
આમ જોવા જઈએ તો  વસંત એટલે શિયાળાનો ફેરવેલ ડે ...... વળી આજથી બરાબર સાત દિવસ પછી વેલન્ટાઈન ડે ... તો ફેબ્રુઆરીનો ગુલાબી મહિનો હોય,  વાતાવરણમા વસંતનો ઉત્સવ હોય અને અઠવાડિયા પછી વેલન્ટાઈન ડે હોય તો પછી "સરવાણી " શુ કામ બાકાત હોય ! તો આજથી " શબ્દોત્સવ " - " કાવ્યોત્સવ " - "વાર્તાત્સવ" .... ને એ પણ લાગણી થી તરબતર .... તમે ભીંજાવ નહિ તો તમને મારા સમ .. : )

બધીયે અટકળોનો એવી રીતે અંત મળે,
કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે.
સવારે બારી ખોલતાં જ થાય છે દર્શન,
મળે ગુલમ્હોર એ અદાથી જાણે સંત મળે.
 - ?

-------
પતઝડ મહીંય જો તમે ધારો વસંત છે !
એ ધારણાંનાં સત્યમાં યારો વસંત છે.

ફૂલોથી ફાટફાટ થશે બાગ ભીતરી,
ખોવાઈ જૈને ખુદમાં વિચારો : વસંત છે !

રસ, રૂપ, ગંધમાં જ પલાળી દો શબ્દને;
ફૂલો વડે ગઝલને મઠારો વસંત છે !

કાયામાં કેસૂડાંઓ પછી કોળશે સતત,
પ્રિયજનના કાનમાં જો પૂકારો વસંત છે.

શાશ્વત મહેકતી તમે મોસમ થઈ શકો,
હંમેશ માટે મનનો આ ક્યારો વસંત છે !

- વિસ્મય લુહાર

No comments:

Post a Comment