બાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો
ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો
માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો ....
ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો
માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો ....
અર્થાત માણસને સમજવાની મથામણમા પડતા જ નહી. નહી તો એવા અટવાઈ જશો .... એવા અટવાઈ જશો કે .... રહેવા દો " ન બોલ્યામા નવ ગુણ ...." ..... પણ " બોલે તેના બોર વેચાય " ... એનુ શુ ? ... લો અટવાઈ ગયા ને પાછા.! ચલો મૂકો બધી માથાકૂટ .. જેને બોલવુ હોય એ બોલીને બોર વેચે ને ના બોલવુ હોય એ એના નવ ગુણ સાચવીને બેસે. :) ... ચાલો , આજે મજાક મજાકમા " મજાક"ની જ વાત કરવી છે. મજાકની વાત આવે એટલે હાજરજ્વાબીપણાની પણ યાદ આવે બંને નજીકના સગા છે ભાઈ! પણ અહી થોડી અલગ વાત છે . આપણે હંમેશા લોકોને કહેતા સાંભળીએ છીએ " મને મજાક કરવાની આદત છે .." પણ સાથે સાથે એવા અનુભવો પણ આપણને થતા જ હોય છે કે વાત વાત મા " મજાકની આદત છે" ની ઢાલ પાછળ રહીને લોકોને ઉતારી પાડતા લોકો પોતાની ઉપર જરા સરખી પણ ટીખળ થાય તો હલબલી જતા હોય છે. ઈનશોર્ટ મજાકની આદત રાખવાવાળા મોટાભાગના લોકો મજાક સહન કરવાની કર્ટસી જરાય રાખી જાળવી શકતા હોતા નથી. એ વસ્તુ અલગ છે કે ક્યારેક લીમીટ બહારની મજાક ઉપર મજાક બાજુ પર મૂકીને લાલ આંખ કરવી પડે. પણ જ્યા સામાન્ય મજાક થતી હોય ત્યારે વળતા જવાબમા પોતે પણ એવી મજાક સહન કરવી પડશે એવુ ઘણા લોકો જલ્દી ભુલી જાય છે.
હાજરજવાબીપણુ પણ મજાકનો જ ભાગ છે. પણ ક્યારેક લોકો હાજરજવાબીપણા અને ઉધ્ધતાઈ વચ્ચેની ભેદરેખા પારખી શકતા નથી. જે લોકો એને સહજતાથી સ્વીકારી શકે એ જ એની સાચી મજા માણી શકતા હોય છે ... એક હાસ્યલેખકનો એક કિસ્સો યાદ આવે છે ( આમ તો એ હાસ્યલેખક કદાચ વિનોદ ભટ્ટ જ છે પણ ખાત્રી નથી એટલે મારે સીધુ એમનુ નામ નથી લેવુ )
વાત જાણે એમ હતી કે એકવાર એક સભામા આ હાસ્યલેખક સાહેબ મંચ પર અન્ય લેખકો સાથે બેઠેલા. હવે કાર્યક્ર્મના સંચાલક બધા લેખકોનો પરિચય આપતા હતા. હવે પેલા હાસ્ય લેખકશ્રી નો વારો આવ્યો. પણ હાસ્યલેખક શરીરે દુબળા-પાતળા એટલે સંચાલક એમનો પરિચય આપતા મજાકમા બોલ્યા , " અને આ હાડપીંજર દેખાય છે એ આપણા ......... હાસ્યલેખક ..." અને સભામા હાસ્યનુ મોજુ ફરી વળ્યુ. હાસ્યલેખક પોતે પણ પોતાની પરની આ મજાકથી હસી પડ્યા. પછી જ્યારે એમનો બોલવાનો વારો આવ્યો એટલે એક તો પોતે હાસ્યલેખક ને એમાય પોતાના હાજરજવાબી સ્વભાવ માટે મશહૂર, તો જવાબ તો આપવો પડે ને એટ્લે એમણે વળતા જવાબમા કહ્યુ, " કૂતરા્ને આમેય બધે હાડકા જ દેખાય ..." સભામા ફરી હાસ્યનુ મોજુ ફરી વળ્યુ ને સંચાલક પોતે પણ હસી પડ્યા. મજાક કરી હતી તો વળતી મજાક તો સહન કરવી જ પડે ને ! પણ આવી નિખાલસતા જાણે અદ્ર્શ્ય થઈ રહી છે. એના પર જ ભાવિન અધ્યારુ નો "સંદેશ"મા આવેલ આ લેખ અહી વહેચુ છુ( આઈમીન share કરુ છુ ) ....
આપણા સૌનું દિમાગ ક્યારેક એકદમ વિચિત્ર રીતે રિસ્પોન્સ આપતું હોય છે. ક્યારેક મોટી મોટી વાતોમાં પણ આપણને ખરાબ ના લાગે અને ક્યારેક સાવ નાની અમથી વાતમાં પણ આપણે‘લાગણી દુભાવા’ના નામે જીવન મરણ ઉપર આવી જઈએ છીએ. સગવડો જેટલી વધતી જાય છે, એક સમયે એક વસ્તુમાં ધ્યાનની કમી આવતી જાય છે. એમાં પાછું આપણું કલ્ચર એવું કે આપણને ‘હા’ કરતા ‘ના’ બોલવાનું વધુ શીખવવામાં આવ્યું છે. જાણે આપણને બીજા પર દંડો પછાડીને એ કામ કરતો રોકવાની અદમ્ય ઇચ્છા થઈ આવે છે. કારણો અને પરિસ્થિતિ અલગ હોય છે બાકી આપણું વલણ એ જ હોય છે. પરિણામે એક એવો સમાજ સર્જાય છે જ્યાં સૌથી પહેલાં સેન્સ ઓફ હ્યુમર અને ખેલદિલીની ભાવનાની બાદબાકી થાય છે. સર્જકતા ઉર્ફે ક્રિયેટિવિટી બંધક બને છે. લખનાર હોય કે બોલનાર, દરેકને ફીલ થાય કે ‘મૂંગા રહેવામાં જ નવ ગુણ છે’.
સેન્સ ઓફ હ્યુમર
પેલું કહેવાય છે ને કે કોમનસેન્સ ઈઝ રેર સેન્સ, એવી જ રીતે આપણે ત્યાં સેન્સ ઓફ હ્યુમરની પણ ભારે અછત જોવા મળે છે. અરે, ગુજરાતી જોક્સ અને હાસ્ય કાર્યક્રમોની જ વાત કરીએ તો મોટે ભાગે પત્નીઓને ઉતારી પાડતા જોક્સ કરવામાં આવતા હોય છે, વાત ફેમિનિઝમ કે સ્ત્રીના અપમાનની જ નથી પણ તંદુરસ્ત હાસ્ય તો બીજી રીતે પણ પેદા કરી શકાય, એ સિવાય કોમ અને ર્પિટક્યુલર પ્રદેશના લોકોના વર્તન, સ્વભાવ અને આદતો પર થતી ટીખળ - મજાક પણ કોઈ પણ હિસાબે વાજબી ન કહેવાય. અમદાવાદ હોય કે કાઠિયાવાડ કે પછી સુરત, રમુજની એક તંદુરસ્ત તાસીર હોય છે જેને મજાકનું સાધન બનાવીને ઉતારી પાડવી કેટલે અંશે વાજબી કહેવાય? એમટીવીવાળો પેલો સાયરસ બ્રોચા જો અહીં આવીને કોઈને બકરા બનાવે તો કદાચ અહીં કોઈ મારામારી પર ઊતરી આવે. આઈ મીન, વ્હેર ઈઝ સેન્સ ઓફ હ્યુમર? લોકો કેમ હાસ્યને તંદુરસ્ત રીતે પચાવી નથી શકતા? શા માટે આપણે આખો દિવસ ગંભીર અને બોચિયા બનીને ફરવાની આદતને આટલી ગ્લોરીફાય કરીએ છીએ? શા માટે આપણે ત્યાં કોમેડી જોનર (સાચો ઉચ્ચાર જોનરા)ની ફિલ્મોના નામે ગોલમાલ - વેલકમ - તીસ માર ખાન જેવી સદંતર બોગસ અને વાહિયાત ફિલ્મો માથે મારવામાં આવે છે? રિષિકેશ મુખર્જી, કુંદન શાહ અને સઈ પરાંજયે જેવા સર્જકોની ગોલમાલ - જાને ભી દો યારો અને ચશ્મે બદ્દુર કેમ ફરી નથી સર્જાતી?આપણી સેન્સ ઓફ હ્યુમર એટલી નીચે ઊતરી ગઈ છે કે હવે આપણને ગલીચ - ડબલ મીનિંગ સંવાદો કે પછી કોઈની ડિસેબિલિટી પર જ હસવું આવે છે. (શ્રેયસ તલપડે - ગોમલાલ - ૩) કેમ આપણે જાહેરજીવન અને રોજ-બ-રોજની લાઈફમાં કોઈની નાની અમથી મજાક પણ સહન નથી કરી શકતા? સવાલ - જવાબ અને હેલ્ધી ચર્ચાનું પૂરું એક સેશન થઈ શકે પણ એનો કોમન ઉકેલ લાવવો મારા કે તમારા હાથમાં કદાચ નથી.
નેગેટિવિટી
નેગેટિવિટી એક છૂપા વાઈરસ જેવી જણસ છે જે માણસમાં પ્રવેશી જાય પછી બહુ મોડે મોડે એનું નિદાન થાય છે! નેગેટિવિટી આપના જાહેરજીવનમાં કેટલી હદે ફેલાયેલી છે એ જોવું હોય તો ક્યાંય દૂર જવાની જરૂર નથી.
ઘરની બહાર નીકળીએ એટલે ‘સ્મોકિંગ’ ન કરવા બદલ આભારના બદલે ‘નો સ્મોકિંગ’, ‘પાર્ક હિયર’ એવું બોર્ડ જોયું છે? ‘નો પાર્કિંગ’ કે ‘અહીં વાહનો પાર્ક કરવાં નહીં’ એવું જ જોવા મળશે. આ સિવાય પણ અહીં પિચકારી મારવી નહીંથી લઈ ‘મોબાઈલ પર વાત કરવી નહીં’... આ બધા કેસમાં જરા નમ્ર અને પોઝિટિવ રીતે ના લખી શકાય? બીજી પરિસ્થિતિ જુઓ, કોઈ અજાણી વ્યક્તિ સરનામું પૂછે તો આપણામાંથી કેટલા લોકો પોઝિટિવ રિસપોન્ડ કરતા હોય છે?જાણે આખા વાતાવરણમાં નેગેટિવિટી ફેલાયેલી હોય એવું સતત ફિલ થયા કરે. આપણે જાણે એકદમ ‘ક્લોઝડ્’ થઈ રહેતાં હોઈએ એવું લાગે, ડીટ્ટો જેમ બેંકમાં કમ્પ્યૂટર આવતા જૂના કર્મચારીઓ વિરોધ કરવા લાગે અને નવા કોર્સ કે નિયમો આવતા શિક્ષકો ડસ્ટર પછાડે એવું જ. આ સિવાય તમે જોજો જ્ઞાતિઓને લઈને પણ એકદમ નેગેટિવ વાતો સાંભળવા મળે, ફલાણી જ્ઞાતિ તો એકદમ લુચ્ચી, ફલાણા તો કોણીએ ગોળ લગાડે વગેરે વગેરે... કેમ કોઈ દિવસ કોઈ જ્ઞાતિ વિશે સારી વાતો ના ફેલાવવામાં આવે?
લાગણી દુભાવવી અને ખેલદિલી
લાગણી દુભાવવી અને ખેલદિલી એ બંને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જેવી વાત હોવા છતાં ક્યાંક એકબીજાને રિલેટ કરે છે. તમે જોજો કૈંક લખીએ કે બોલીએ, કોઈ પણ રીતે કમ્યુનિકેશનનો જુદો જ મનગમતો મિનિંગ કાઢી લોકો ચર્ચા છેડશે અને ઘણી વાર રીતસર કોલર ઝાલી લેશે. ભલા માણસ તમે પોતે જ બીજી ગણાતી કે કોમના લોકોના જોક કરો અને પોતે પાંચ પૈસાની ખેલદિલી ન રાખો એ તો કેવું? આઈરીશ જોક્સ પર હસતા પહેલાં યાદ રાખવું કે એ પણ ક્યારેક ઈંગ્લેન્ડ જેવી બળુકી ટીમને હરાવી શકે છે. લાગણી દુભાય એમાં કંઈ ખોટું કે ખરાબ નથી પણ અહીં વાત છે નાની નાની વાતમાં ખેલદિલીના અભાવે વાત ન સ્વીકારવાની જીદની.
કમ્યુનિકેશન ગેપ
અહીં હેડિંગમાં લખેલા શબ્દો ભારતીય દિમાગ, ખેલદિલી, સેન્સ ઓફ હ્યુમર અને નેગેટિવિટીને જોડતી કોઈ કોમન કડી હોય તો એ છે ‘કમ્યુનિકેશન ગેપ’ જનરેશન ગેપ પણ કમ્યુનિકેશન ગેપમાંથી જ જન્મ લેતો હોય છે. રામ - રામ અને રિંગણાંવાળી વાત થાય છે અહીં. વાતેવાતમાં ઝઘડા - મનદુઃખ અને ચોખવટ કરવાથી ઓવર ઓલ પ્રોડક્ટિવિટી પર ખાસ્સો ફર્ક પડે છે. દલીલબાજીમાં મગજ તો બગડે જ છે ઉપરથી નવું સર્જન નથી થઈ શકતું. સાહિત્ય - રમત અને સંગીત જેવાં કળાનાં ક્ષેત્રોમાં ઠંડું મગજ ને સાતત્ય (કન્સિસ્ટન્સી) જ માણસને લાંબી રેસનો ઘોડો બનાવે છે. શ્રીસંત અને સચિન તેંદુલકર એટલે જ એકબીજાના એક્સ્ટ્રીમ કહેવાય છે. સચિન ૨૧ વર્ષોથી પોતાનો અનન્ય ફાળો ભારતીય ક્રિકેટને આપે જાય છે. પણ એક વાર શૂન્ય રને આઉટ થાય કે ટીકાકારો તેને નિતનવાં લેબલ્સ લગાડી ઉતારી પાડે છે. ટીકાની જ વાત કરીએ તો અમદાવાદમાં રહીને કાઠિયાવાડીને ખરાબ અને સૌરાષ્ટ્રમાં રહીને અમદાવાદીને ખરાબ કહેવા કરતાં ક્યારેક જો થોડા ઊંડા ઊતરીએ તો ખબર પડે કે દરેક કલ્ચરના પોતપોતાના પ્લસ અને માઈનસ પોઈન્ટ્સ હોય છે જે સમજવા જરૂરી છે, ચર્ચાશૂરા થવું અને નવું સર્જન કરવું એ બંનેમાં અમેરિકા અને પાકિસ્તાન જેટલો ફર્ક છે. જેટલું વધુ ખોદીશું અને દાટેલાં મડદાં બહાર કાઢવાની આદત રાખીશું, સર્જન અને સર્જનાત્મક્તા પર એટલી જ અસર પડશે.
- ભાવિન અધ્યારુ
અને છેલ્લે ક્યારેક એમ લાગે કે મજાક કરવામા કઈક બફાઈ ગયુ છે તો લો એ અઘરી પળોને સાચવી લે એવી આ બે લાઈન ....
વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી... :-)
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી... :-)
- હરીન્દ્ર દવે
No comments:
Post a Comment