Tuesday, April 8, 2014

શક્યતાઓ જિંદગીની હર ક્ષણે અકબંધ છે....


જિંદગી તકદીર ને પુરુષાર્થ વચ્ચે જંગ છે,
સ્મિત ને આંસુ તો કેવળ કર્મના ફરજંદ છે.

પારકાંનું દુઃખ જોઈને હૃદય તારું રડે,
એ ક્ષણે તું માનજે કે તુંય મોટો સંત છે.

ટોચ પર પહોંચ્યા પછી એ સત્ય સમજાશે તને,
આભ જેવા આભનો પણ આખરે તો અંત છે.

મિત્ર, તું જેની વ્યથાના દમ ઉપર રોઈ રહ્યો,
એ જ તારી આવનારી કાલનો આનંદ છે.

તું સમયની ખાંભીઓને શ્વાસથી ચણતો નહીં,
શક્યતાઓ જિંદગીની હર ક્ષણે અકબંધ છે.

મારજે ‘ચાતક’ ટકોરા તું ફકત વિશ્વાસથી,
બારણાં એણે કરેલા એ જ આશે બંધ છે.



- © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
(http://www.mitixa.com/)

Thursday, April 3, 2014

હર ખુશીમાં જાત મારી બાદ રાખું છું.....

અહીંયા એ રીતે હું આપણો સંવાદ રાખું છું,
બધું ભૂલી જવામાં પણ તને અપવાદ રાખું છું.

તને આપી જવી છે એટલે હું યાદ રાખું છું,
નહીંતર હર ખુશીમાં જાત મારી બાદ રાખું છું.

સરળતાથી મને વાંચી શકે તું એટલા માટે,
હું મારી વારતાનો અશ્રુમાં અનુવાદ રાખું છું.

જો ભીના થઇ શકાતું હોય તો મારી તલાશી લ્યો,
હું મારા એક ખિસ્સામાં સતત વરસાદ રાખું છું.

સ્મરણ પંખી બની મુજ ટોડલે ટહુક્યા કરે તેંથી,
તને સંબંધના પિંજરથી હું આઝાદ રાખું છું.........................

- ગૌરાંગ ઠાકર

Thursday, June 6, 2013

નજરથી દૂર છે તોય ...

"પ્રેમનું સાચુ સરનામું માણસનુ હ્ર્દય છે ....... "
 
પ્રેમ... વ્યાખ્યાઓ તોડી નથી રહ્યો, વ્યાખ્યાઓને તોડીફોડી રહ્યો છે. પહેલા અને હવે-ની વચ્ચે ઝોલાં ખાય છે. બે વ્યક્તિઓ પ્રેમમાં પડે છે ત્યારે શરીર નડે છે. હવે બે વ્યક્તિઓ પ્રેમમાં પડે છે ત્યારે શરીર સિવાય બધું જ નડે છે. એક બાજુ સંબંધો ફળદ્રુપ થતા જાય છે, બીજી બાજુ પ્રેમ કદરુપો થતો જાય છે. પહેલાં પ્રેમના કિસ્સાઓ સાંભળવા મળતાં હવે પ્રેમ કિસ્સાઓમાં સાંભળવા મળે છે. સપનું જલ્લાદ બને છે અને પ્રેમ જલદ બને છે. આત્માની સુગંધ આજકાલ પ્રેમમાં ઝડપથી ફોરવર્ડ અને ડીલીટ થઈ જાય છે.......


નજરથી દૂર છે તોય છે ટાઢક બધી બાજુ,
પ્રવેશી ઝાંઝવામાં કઈ રીતે છાલક બધી બાજુ?

ઉઘાડી આંખથી જોઉં કે જોઉં બંધ આંખોથી,
સતત ચાલી રહ્યુ છે ક્યારનું નાટક બધી બાજુ,

નથી પહોંચી શક્યા એ ક્યાંય તોપણ કાર્યરત કેવા?
ઊભા રહીને ગતિમાં હોય છે ફાટક બધી બાજુ.

તરસ વરસાદની ઓછી થતી ગઈ છે જીવનમાંથી,
જીવે છે આંસુઓ પીને હવે હવે ચાતક બધી બાજુ.

અવાચક થઈ ઉભાં છે કોઈ જોતું નથી સામે,
હવે ધૂળમાં પલળતાં હોય છે સ્મારક બધી બાજુ....



દુનિયાને કાયમ
ચર્ચામાં રહેવાની ટેવ છે.
બીજાના 'અંગત'માં ડોકિયું કરવાની એને મઝા પડે છે.
દુનિયા પોતા પર રડે છે બીજા ઉપર હસે છે.
પ્રેમ માલિકીભાવને અતિક્રમે છે.......


- અંકિત ત્રિવેદી
'પ્રેમનો પાસવર્ડ' માંથી ....

Thursday, May 30, 2013

તું તું જ છે અને હું પણ તું જ છું ...

હમણાં થોડા દિવસ પહેલાં જ મેં કહેલુ કે "પ્રેમ"ની વાત આવે એટ્લે નો કોમેન્ટ્સ પ્લીઝ કહી દેવુ સારું. છતાંપણ આ  સબજેક્ટ જ એટ્લો મીઠો છે કે વારે વારે એની વાત છેડવામાં મજા આવે. અને આવે પણ કેમ નહી એના પર અઢળક લખાયુ છે અને લખાઈ રહ્યુ છે. તો આપણે એનો લ્હાવો લેવામાં શુ કામ પાછળ રહી જવુ જોઈએ!  ........................


પ્રેમને સમજવો છે તો શાસ્ત્રો ઓછા પડશે,
પ્રેમને પામવો છે તો બે આંખો કાફી છે ....

"પ્રેમ એકાંતની ઈજ્જ્ત કરતા શીખવાડે છે. બોલકો માણસ પણ ચુપકીદીને વ્હાલ કરે ત્યારે પ્રેમની પૂનમ હ્રદયના આકાશમાં સોળે કળાએ ખીલે છે... પ્રેમ દુનિયાને કરવાનો હોય છે. દુનિયામાં રહીને કરવાનો હોય છે... પ્રેમના ગણિતને કારણો પોસાય એવાં છે જ નહી. એનો લ.સા.અ.(લઘુત્તમ સામાન્ય અવયવ) અને ગુ.સા.અ.(ગુરુત્તમ સામાન્ય અવયવ) એક જ છે - એકબીજાને ગમવું! એ તો 'કારણ નહી જ આપું, કારણ મને ગમે છે' એમાં જ માને છે ...

તું તું જ છે અને હું પણ તું જ છું ...

- અંકિત ત્રિવેદી,
'પ્રેમનો પાસવર્ડ' માંથી ....

અને  છેલ્લે ,

હેડકી  સુધ્ધા  તને આવે  નહી ,
યાદ  ચૂપકેથી  એમ  કરતો  રહ્યો ....

- કિરણસિંહ  ચૌહાણ 
 
 

Wednesday, May 29, 2013

બધી દીવાનગીના મૂળમાં લયલા નથી હોતી...

હું  એને  પામું  છું  એની  નિશાની  જ્યાં  નથી હોતી,
નિહાળું  છું  હું  એક  તસવીર  ને  રેખા  નથી  હોતી!
        
જીવન પુસ્તક મહીં આ પ્રેમ પણ અંતિમ વચન ક્યાં છે?
બધી   દીવાનગીના   મૂળમાં   લયલા  નથી   હોતી.
             
ઘણી  બેચેન  ગાળું  છું  હું તુજ  ઈતબારની ઘડીઓ,
પ્રણય  પણ  ક્યાં  રહે  છે  જે પળે  શંકા નથી હોતી.
       
એ  મંઝિલ  ક્યારની ગૂજરી  ગઈ, બેધ્યાન હમરાહી!
હવે   ખેંચાણના   કારણમાં   સુંદરતા   નથી  હોતી.
          
તમારી   યાદના   રંગીન  વનની  મ્હેંકના   સોગંદ,
બહાર આવે છે ઉપવનમાં  છતાં  શોભા  નથી હોતી.
         
પ્રભુનું   પાત્ર  કલ્પી  લઈને  હું  આગળ  વધારું  છું,
વિકસવાની  જગા  જો  મુજ  કહાનીમાં  નથી  હોતી.
         
કરી    સંહારનું   સાધન   હું  અજમાવી  લઉં  એને,
કદી  સર્જનની  શક્તિ  માંહે  જો શ્રધ્ધા  નથી હોતી.  
          
- હરીન્દ્ર દવે

Thursday, May 23, 2013

શેર ...

ફૂલોને સુગંધનું સપનું આવે છે,
એટલે જ ઝાકળ આંસુ થઈને મળવા આવે છે ...
- "?"

હોય એવી શરાબ લઈ આવો
હા કે ના નો જવાબ લઈ આવો
ઠેસ પહોંચાડવી છે હૈયાને ?
કોઈ તાજુ ગુલાબ લઈ આવો .....

- 'કાબિલ' ડેડાણવી


Wednesday, May 22, 2013

કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું ...

પ્રેમની વાત આવે  તો  "નો  કોમેન્ટ્સ પ્લીઝ " કહી  દેવું  જ સારું . કેમકે  પ્રેમ  એ  કહેવાની  નહિ  કરવાની  વસ્તુ  છે અને એથી  આગળ  કહું  તો એ જણાવાની  નહિ  જતાવાની  વસ્તુ  છે ... કદાચ  ... જો  કે  આ વાત બધાની  સમજમાં  ના પણ  આવે ... પણ  જે  લોકોએ  હ્રદય થી  કોઈને  ચાહ્યા  હશે  એમને  કાઈ   સમજાવાની  જરૂર  નથી ....

કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું
સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું

આકાશ હવે આવડું અમથું નાનકું લાગે
ધરતી હવે જાણે કે પરમાણું લાગે

મન આ મારું ક્યારેક તો ઉખાણું લાગે
સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું

કેટલાંયે આ શબ્દો જાણે તરણાં જેવાં
આવરું બહાવરું દોડતાં જાણે હરણાં જેંવાં

પહાડથી જાણે દડતાં ઝીણાં ઝરણાં જેવાં
વહી ના શકાય એટલો તને પ્રેમ કરું છું

ખડક થાઉં તોયે હવે તો તારા વિના
રહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું ....

- જગદીશ જોશી

Thursday, May 16, 2013

હું પૂર્ણ છું છતાંય પૂર્ણનો વિકાસ છું...

સૂર તો નથી પરંતુ સૂરનો ઉઘાડ છું,
 ભાષા ન ઓળખે એ શબ્દનો પ્રકાર છું,
ચટ્ટાન તોડી માર્ગ કાઢશે જરૂર, એ 
ધીમા છતાં સતત હું બિંદુનો પ્રહાર છું.


જૂનો થશે પરંતુ ફાટશે નહીં કદી
, પહેરી શકો નહીં તમે હું એ લિબાસ છું.
શોધ્યા કરું છું કોઈ પોષનારને ,અહીં
 આવીને ઓસરી જતો નવો વિચાર છું.


કુમકુમ અક્ષતે બધા વધાવજો હવે,
 જે ભાગ્ય ફેરવી શકે હું એ સવાર છું.
તકરાર કોઈ સાથ ક્યાં રહી હવે, કહો 
મારી અપૂર્ણતા તણો પૂરો સ્વીકાર છું.


બદલી ચૂકી છું વસ્ત્ર દેહરૂપ કેટલાં
ને, તોય શાશ્વતી તણો નર્યો પ્રચાર છું.
મારામાં આથમી અને ઊગી શકે બધું
, હું પૂર્ણ છું છતાંય પૂર્ણનો વિકાસ છું....


– મધુમતી મહેતા

Tuesday, May 14, 2013

પુસ્તક ....

સૂર તો નથી પરંતુ સૂરનો ઉઘાડ છું
, ભાષા ન ઓળખે એ શબ્દનો પ્રકાર છું .....
– મધુમતી મહેતા

પુસ્તકોનો પ્રચાર જો ઓછો થતો હોય, તો તેનું કારણ એ નથી કે વિશાળ જનસમુદાય પુસ્તક વાંચતો નથી; એનું કારણ એ છે કે પ્રજા પાસે જે પુસ્તકો આવે છે તે "લખાયેલાં" નથી હોતાં, પણ માત્ર "છપાયેલાં" જ હોય છે. કોઈ પણ પુસ્તક વંચાય તે માટે પ્રથમ તો એ ખરેખર "લખાયેલું" હોવું જોઈએ. પુસ્તક વિચારાયું પણ હોવું જોઈએ, એનું સાચેસાચ સર્જન થયું હોવું જોઈએ. પુસ્તકનું ભાવિ તેના લેખનની કાવ્યમયતા સાથે, આલેખનશક્તિ અને કલ્પનાશીલતા સાથે સંકળાયેલું છે. પુસ્તક "લખવા"માં જો આપણે સફળ થઈશું, તો તેનું ભાવિ નિશ્ચિત છે; પણ જો તેને માત્ર છાપીને જ આપણે સંતોષ માનશું, તો એ નાશ પામશે.



- આલ્બેર્ટો મોરાવીયા

હું  એને  પામું  છું  એની  નિશાની  જ્યાં  નથી હોતી,
નિહાળું  છું  હું  એક  તસવીર  ને  રેખા  નથી  હોતી!
       
જીવન પુસ્તક મહીં આ પ્રેમ પણ અંતિમ વચન ક્યાં છે?
બધી   દીવાનગીના   મૂળમાં   લયલા  નથી   હોતી.
- હરીન્દ્ર દવે

Wednesday, May 8, 2013

છેલ્લી એક તક આપી દે...

"મૄત્યુ" શબ્દ બહુ ડરાવનો છે. એ હકીકતથી આપણે સહુ સારી રીતે વાકેફ છીએ કે જે જન્મે છે એ મરે પણ છે જ. પરંતુ આપણને એ નથી ખબર કે કઈ ઘડીએ આપણા શ્વાસ અટકી જવાના છે અને એક્ઝેક્ટલી ક્યારે આપણે આ ધરતી પરની યાત્રા પૂરી કરીને ઉપર તરફ પ્રયાણ કરવાનુ છે. અને એટલે જ એક ડર રહે છે. ઘરની બહાર સહેજ આટો મારવા જઈએ તો પણ "જરા જઈને આવુ છુ" એમ કહીને જઈએ છીએ. અરે! ચેટ પર દોસ્તો ને "બાય ફોર નાઉ" કહીને છુટા પડીએ છીએ. પણ જીવનની અંતિમ પળોમાં અને મૃત્યુ જેવી મહાયાત્રા કરવા જતા હોઈએ ત્યારે "આવજો" કહેવાનો ટાઈમ પણ એ આપતુ નથી. બસ ક્ષણભરમાં તો આપણે હતા ન હતા થઈ જઈએ છીએ. તો શુ કરવાનુ? ગીતામાં અમસ્તુ કીધુ છે કે કાલની ચિંતા છોડ અને આજમાં જીવ. જે કહેવાનુ છે, જે કરવાનુ છે એ આજે અને અત્યારે કહી દો કે કરી દો કાલે કદાચ તમે ના પણ હો ... આવી જ કઈ વાર્તા છે નીચેની શોર્ટ સ્ટોરીમાં..... જરા ધ્યાનથી વાંચજો અને એનાથી વધારે ધ્યાનથી સમજજો ...

કદાચિત્ મોત આવે એ પછી થઈ જાય એ પૂરી,
હજી હમણાં સુધી તો જિંદગી મારી અધૂરી છે.....


- બરકત વીરાણી ‘બેફામ’

રોજના જેવી જ એ સવાર હતી. મારે ઓફીસે જવાનું હતું.
આંગણામાં પડેલું છાપું ઉઠાવી મેં પહેલા અને છેલ્લા પાના પરના અગત્યના સમાચાર પર નજર નાંખી.
છેલ્લા પાના પર મારી તસ્વીર જોઈ હું ચોંકી ઉઠ્યો.

એ મારા અવસાનના સમાચાર હતા! મને એકદમ આઘાત લાગ્યો.

‘હા! કાલે રાતે સુતો હતો, ત્યારે છાતીમાં થોડુંક દુખતું હતું ખરું. પણ પછી તો હું ઘસઘસાટ ઉંઘી ગયો હતો ને?‘

હું ઘડીયાળ તરફ નજર કરું છું. ‘અરે! દસ વાગી ગયા છે?
મારી ચા ક્યાં છે? અરે! મારે ઓફીસ જવાનું કેટલું મોડું થઈ ગયું છે?
મારો બોસ મારી ઉપર ખીજાશે. બધાં ક્યાં જતા રહ્યાં? મારા આ રુમની બહાર બધા કેમ ભેગા થયા લાગે છે?’
‘અરે ! આટલા બધા લોકો? ચોક્કસ કાંઈક ગરબડ લાગે છે. અરે! કોઈક રડી રહ્યા છે. બીજા ચુપચાપ ઉભા છે.’
‘અરે! આ શું? મારું શરીર તો ફર્શ પર પડેલું છે. અરે! બધા સાંભળો હું તો અહીં છું, એ શરીરમાં નથી.’
ક્યાં કોઈ મને સાંભળે છે! અલ્યાઓ! 'હું મુઓ નથી, જુઓ આ રહ્યો.’

મેં કરાંઝીને રાડ પાડી. પણ કોઈએ કશું સાંભળ્યું જ નહીં. કોઈને મારામાં રસ હોય તેમ ન લાગ્યું.
બધા નીશ્ચેતન પડેલા મારા શરીર તરફ શોકથી જોઈ રહ્યા હતા. હું ફરી મારા સુવાના ઓરડામાં ગયો.

મેં મારી જાતને પુછ્યું, ‘શું હું ખરેખર મરી ગયો છું?
અરે! મારી પત્ની, મારું બાળક, મારાં મા બાપ, મારા મીત્રો – બધાં ક્યાં છે?’

બાજુના ઓરડામાં ગયો, બધા ત્યા રડી રહ્યાં હતાં; એકમેકને આશ્વાસન આપી રહ્યાં હતાં.
મારી પત્ની સૌથી વધારે આક્રંદ કરી રહી હતી. તેને સૌથી વધારે દુખ થતું હોય તેમ જણાતું હતું.
મારા નાનકડા પુત્રને આ શું થઈ રહ્યું છે, તેની કાંઈ સમજણ પડતી હોય તેમ ન લાગ્યું.
પણ તેની મા રડી રહી હતી, એટલે તે પણ રડતો હોય તેમ લાગ્યું.

‘અરે, મારા એ વહાલસોયાને હું બહુ જ પ્રેમ કરું છું, એમ કહ્યા વીના હું શી રીતે વીદાય લઈ શકું?

મારી પત્નીએ મારી કેટલી બધી સંભાળ લીધી છે, તેમ કહ્યા વગર હું શી રીતે મરી શકું? એક વાર તો એને હું કહી દઉં કે હું તેને અત્યંત ચાહું છું.

માબાપને એક વાર તો કહી દઉં કે હું જે કાંઈ પણ હતો તે તેમના કારણે હતો.

મારા મીત્રો વીના મેં જીવનમાં ઘણી ભુલો કરી હોત; એમ એમને કહ્યા વીના,

હું કઈ રીતે વીદાય લઉં? એ લોકોને મારી ખરેખર જરુર હતી, ત્યારે હું તેમના કશા કામમાં આવ્યો નથી;
એની દીલગીરી વ્યક્ત કર્યા વીના હું શી રીતે મરી શકું? જોને પેલા ખુણામાં કોઈક છાનાં આંસુ સારી રહ્યો છે.

અરે! એ તો એક જમાનામાં મારો જીગરી દોસ્ત હતો.
સાવ નાકકડા મતભેદ અને ગેરસમજુતીના કારણે અમે બે છુટા પડ્યા; અને અમારા અહમના કારણે કદી ભેળા જ ન થયા.’
હું તેની પાસે ગયો અને મારો હાથ તેની તરફ લંબાવ્યો.

મારે તેને મારી દીલગીરી સમજાવવી હતી. ફરી એના જીગરી બની જવું હતું. ‘મારા દોસ્ત! મને માફ કરી દે.’એમ કહેવું હતું.

‘અરેરે! એને મારો હાથ દેખાતો નથી? એ કેવો નીષ્ઠુર છે? હું આટલી સરળતાથી મારું હૈયું ઠાલવી રહ્યો છું, તો પણ એ હજી કેટલો અભીમાની છે? ખરેખર, મારે આવા લોકો માટે લાગણીવશ ન થવું જોઈએ.

પણ એક સેકન્ડ. કદાચ એને મારો હાથ નહીં દેખાતો હોય?
ભુલ્યો! મારું શરીર તો બહારના ઓરડામાં પડેલું છે ને? ઓ ભલા ભગવાન! હું તો ખરેખર મરી જ ગયો છું.‘

હું મારા શબની બાજુમાં બેઠો. મને બરાબરનું રડવું આવી ગયું.

‘અરે મારા ભલા ભગવાન! મને બસ થોડાક દીવસ જીવતો કરી નાંખ.
હું મારી પત્ની, મારાં માબાપ, મારા મીત્રો એ બધાંને એક વખત સમજાવી દઉં કે એ બધાં મને કેટલાં વહાલાં છે?‘

એટલામાં મારી પત્ની મારી બાજુમાં આવી પહોંચી. એ કેટલી સુંદર દેખાય છે?
હું બરાડી ઉઠું છું, ’અલી એ! તું ખરેખર સુંદર છે!”

પણ એને ક્યાં મારા શબ્દો સંભળાય છે?

’મેં કદી એને એવા શબ્દો પ્રેમથી કહ્યા હતા ખરા?‘

હું મોટી ચીસ પાડી દઉં છું, ”અરે ભગવાન! મહેરબાની કરીને મને થોડોક સમય જીવતો કરી દે!‘

હું રડી પડું છું.

‘મને એક જ છેલ્લી તક આપી દે મારા વહાલા! હું મારા વહાલસોયા બાળકને ભેટી લઉં. મારી માને છેવટનું એક સ્મીત આપી દઉં. મારા બાપને મારા માટે ગૌરવ થાય એવા બે શબ્દ એમને કહી દઉં. મારા બધા મીત્રોને મેં જે કાંઈ નથી આપ્યું,
એ માટે એમની દીલગીરી માંગી લઉં. મારા જીવનમાં હજી રહેવા માટે એમનો આભાર માની લઉં.’

મેં ઉંચે જોયું અને હું ચોધાર આંસુએ રડી પડ્યો. મેં ફરી એક પોક મુકી....
અરે પ્રભુ, મને છેલ્લી એક તક આપી દે, મારા વહાલા!’

------------------------------------------------------------------------- ------------

મારી પત્નીએ મને હળવેથી જગાડ્યો અને વહાલથી કહ્યું,

"તમે ઉંઘમાં આમ કેમ રડી રહ્યા છો? તમને કંઈ થાય છે? તમને ખરાબ સપનું આવ્યું લાગે છે!”........

‘અરે, હું જીવું છું. મારી પત્ની મને સાંભળી શકે છે. ‘

મારા જીવનની આ સૌથી સુખદ પળ હતી.


અને છેલ્લે ...

 - '' એક સાથે ચીજ બે બેફામ પકડાઈ નહીં;
   મોત આવ્યું હાથમાં તો જિંદગી છૂટી ગઈ..... ''


"જીવનની મોકળાશની મૃત્યુથી જાણ થઈ,
    ઘર જેટલી વિશાળ કોઈની કબર નથી...." 

- બરકત વીરાણી ‘બેફામ’