Showing posts with label શુકદેવ પંડ્યા. Show all posts
Showing posts with label શુકદેવ પંડ્યા. Show all posts

Tuesday, February 15, 2011

તું અને હું જાણે સામા કિનારા..

તું અને હું જાણે સામા કિનારા
પણ વચ્ચે આ વહેતું એ શું?
વાણી તો જાણે વાદળ વૈશાખના
પણ મૌન કંઈ કહેતું એ શું?

હળવેથી વાતી આ લેહેરાતી લેરખી
ને લેરખીમાં ફૂલોની માયા,
કલકલ વેહેતી આ કાળી કાલિંદી
ને એમાં કદંબની આ છાયા,
માયા ને છાયા તો સમજ્યા સાજન
પણ શ્વાસોંમાં મેહેકતું એ શું?

શમણાંની શેરીમાં પગલાનો રવ
ને પગલામાં ઝાંઝવાના પૂર,
ખાલીપો ઓઢીને સુતું આ ગામ
ને ગામ મહીં પીડા ના સૂર
પૂર અને સૂર તો સમજ્યા સાજન
પણ રુદિયામાં રોતું એ શું?

તું અને હું જાણે સામા કિનારા
પણ વચ્ચે આ વહેતું એ શું?...

- શુકદેવ પંડ્યા