Showing posts with label ધ્રુવ ભટ્ટ. Show all posts
Showing posts with label ધ્રુવ ભટ્ટ. Show all posts

Sunday, September 18, 2011

હાથમાં કરતાલ હૈયે વ્રણ મળે ..

હાથમાં કરતાલ હૈયે વ્રણ મળે
માનસરના હંસ જેવું પણ મળે.

એક સાદું વસ્ત્ર અડવાણે ચરણ
મુઠ્ઠીભર માગી લીધેલાં કણ મળે.

રોજ મુજને હું મળું નવલા રૂપે
ને અજાણેવેશ નારાયણ મળે.

લો બધા ધર્મો પરિત્યાગ્યા હવે
આવ મળવાનું તને કારણ મળે.

કંઠમાં ગીતો હલકમાં વેદના
ને અલખનો ઓટલો રણઝણ મળે

- ધ્રુવ ભટ્ટ

Friday, February 25, 2011

ચાલ સખી....ફરી જિંદગીને મૂકીએ

ચાલ સખી, પાંદડીમાં ઝાકળના ટીપાંની જેમ ફરી જિંદગીને મૂકીએ,
ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય છે કે લાગણી ગણાય એમ પૂછીએ.

વેદના તો અડીખમ ઉભો કંઠાર, જતાં આવતાં જુવાળ ભલે કોતરે;
સુખ સાથે આપણો તો જળનો સંબંધ, ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે.
છીપલાની હોડીને શઢથી શણગાર ચાલ, કાંઠો છોડીને હવે ઝૂકીએ;
પાંદડીમાં ઝાકળનાં ટીપાંની જેમ, સખી ચાલ ફરી જિંદગીને મૂકીએ.

ચાંદનીને ચાંદનીનું નામ નતા દે’તા, એ વાતો અકબંધ મને યાદ છે;
વૃક્ષ પછી ડાળ પછી પંખીનો માળો, ને ઉપર આકાશ જેવો સાદ છે.
મૂળમાંથી ફૂટે ને ટોચ લગી જાય, એવી લાગણીને કેમ રે ઉવેખીએ;
ઝાકળશી જિંદગીને પાનની લીલાશ પરે, ચાલ સખી એક વાર મૂકીએ...

- ધ્રુવ ભટ્ટ