Showing posts with label ગૌરાંગ ઠાકર. Show all posts
Showing posts with label ગૌરાંગ ઠાકર. Show all posts

Thursday, April 3, 2014

હર ખુશીમાં જાત મારી બાદ રાખું છું.....

અહીંયા એ રીતે હું આપણો સંવાદ રાખું છું,
બધું ભૂલી જવામાં પણ તને અપવાદ રાખું છું.

તને આપી જવી છે એટલે હું યાદ રાખું છું,
નહીંતર હર ખુશીમાં જાત મારી બાદ રાખું છું.

સરળતાથી મને વાંચી શકે તું એટલા માટે,
હું મારી વારતાનો અશ્રુમાં અનુવાદ રાખું છું.

જો ભીના થઇ શકાતું હોય તો મારી તલાશી લ્યો,
હું મારા એક ખિસ્સામાં સતત વરસાદ રાખું છું.

સ્મરણ પંખી બની મુજ ટોડલે ટહુક્યા કરે તેંથી,
તને સંબંધના પિંજરથી હું આઝાદ રાખું છું.........................

- ગૌરાંગ ઠાકર

Sunday, January 22, 2012

આપણાથી નહી બને...

ભીડ સાથે ચાલવાનું આપણાથી નહી બને,
બધા જેવાં થવાનું આપણાથી નહી બને.

તું હ્રદય મારું તપાસી દોસ્તી કરજે અહીં,
જાતને શણગારવાનું આપણાથી નહી બને.

હું અઢી અક્ષરની વાતો જાણવા મંડ્યો બધી,
પણ તને સમજાવવાનું આપણાથી નહી બને.

તું ભલે વરસાદ જોજે બારીએથી દોસ્ત પણ,
સાવ કોરા રહી જવાનું આપણાથી નહી બને.

આપણું અળગા થવું મંજૂર રાખું પણ તને,
કાળજેથી કાપવાનું આપણાથી નહી બને.

- ગૌરાંગ ઠાકર

Special Thanks to Mr. Daxesh Chauhan because of his posting ...