Showing posts with label કૃષ્ણ દવે. Show all posts
Showing posts with label કૃષ્ણ દવે. Show all posts

Tuesday, April 16, 2013

એવું બને કંઇ?

પાંદડી પર લ્હેરખીથી તું લખે કાગળ ને હું વાંચુ જ નહીં એવું બને કંઇ?
મ્હેંકનું પુસ્તક ઉઘાડું ને પ્રથમ પાને સ્વયમ ઝાકળ ને હું વાંચુ જ નહીં એવું બને કંઇ?

હું તો બસ એકાદ બે ખોબો ભરી મારી તરસ પરબીડીયામાં સાવ આમ જ મોકલું ને-
તરત પ્રત્યુત્તરમાં છલકતા મળે વાદળ ને હું વાચું જ નહીં એવું બને કંઇ?

જેમ બાળક પ્હેલવેલો એકડો ઘૂંટે ને દેખાડે બધાને હોંશથી એવી જ રીતે-
આંગણામાં સ્હેજ ભીની માટીએ ઘૂંટી હતી કૂંપળ ને હું વાચું જ નહીં એવું બને કંઇ?

એ જ તો ખૂબી છે પર્વતની ઉકેલી જો શકો તો કંઇક ઉગી જાય અંદર એટલી ભીની લીંપીથી-
પથ્થરોના પૃષ્ઠ પર છાપ્યા કરે ખળખળ ને હું વાચું જ નહીં એવું બને કંઇ?

ખુદની ઓળખને કદિ ભૂલ્યો નથીને એટલે તો આ મજા લૂંટી રહ્યો છું
ને જુઓ હું મૂળ મુકી જ્યાં ઉભો છું એ ભૂમી એ તળ ને હું વાચું જ નહીં એવું બને કંઇ?


- કૃષ્ણ દવે

Wednesday, October 17, 2012

બાવળ ...

તુ માને તો ચાલ આપણે ઝાકળ - ઝાકળ રમીએ,
શબ્દોને સંતાડી દઈએ, કોરો કાગળ રમીએ
ભીની આંખે - આવ આપણે મૃગજળ મૃગજળ રમીએ,
હથેળીઓમાં મૂકી હથેળી બાવળ બાવળ રમીએ ...

કવિઓ સાચે જ કલાકાર હોય છે ... આમાં મેં કંઈ નવુ નથી કહ્યુ. પણ  જુદી જુદી વસ્તુઓ વાંચતી વેળા સમયાંતરે  આ વાતનો અનુભવ થતો રહે છે. દુનિયામાં અઢળક વિષયો છે કવિતા લખવા માટે ચાંદો, સુરજ, ફૂલ-ગુલાબ, નદી, પર્વત, લીલા પીળા ઝાડ ..... પણ "બાવળ" ! ... નર્યા સૂકા રણ કે પથરાળ જમીનમાંથી આડાઅવળા ફૂટી નિકળેલા અને આમ તો પ્રથમ નજરે  જરાય નયનરમ્ય ન લાગતા આ કાંટાળા છોડમાં પણ અનેક શક્યાતાઓ શોધી કાઢે એ જ તો કવિ ..... બે-ચાર દિવસ ના ટૂંકાગાળામાં જ જુદી જુદી જગ્યાએ સુંદર પંક્તિઓ વાંચવા મળી અને બંનેમાં "બાવળ" નો સરસ ઉપયોગ કર્યો છે ... તો પછી તો એ બંન્ને અહીં પોસ્ટ કરવી જ રહી .... 

બાવળની જાત (ગીત )

ઉગાડે   એમ     કદી   ઉગવાનું   નહીં,
આપણે તો આવળને બાવળની જાત.
ઉગવાનું   હોય ત્યારે  પૂછવાનું  નહીં!
ધગધગતા   તડકાના   પેગ  ઉપર  પેગ   અને   ઉપરથી   આખું     વેરાન
નિંરાતે બેસી   જે   ભરચક   પીવેને   એને.. પાલવે  આ  લીલા..  ગુમાન
             રોકે     કદાચ….      કોઇ       ટોકે        કદાચ
            તોયે  મહેફિલથી   કોઇ દિવસ ઉઠવાનું  નહીં !
                                                                         ઉગવાનું   હોય ત્યારે  પૂછવાનું  નહીં! ...
આપણેતો એણી  એ  સમજણ શું રાખવાની, મસ્તીમાં  ખરવું કે ફાલવું ?
આપણાતો લીલાછંમ્ લોહીમા  લખેલું છે  ગમ્મેતે મૌસમમા  મ્હાલવું
            હસવું     જો  આવે   તો હસવું    બેફામ
            અને આંસુ જો આવે તો લુંછવાનું નહીં!
                                                                            ઉગવાનું   હોય ત્યારે  પૂછવાનું  નહીં! ...
ઉંડે ને ઉંડે જઇ .. બીજુ શું કરવાનું ? ધરવાનું આપણું જ ધ્યાન
પથ્થરને  માટીના ભૂંસી ભૂંસી ને ભેદ     કરવાનું લીલું તોફાન
            દેખાડે    આમ.. કોઇ     દેખાડે   તેમ ..
            તો ય ધાર્યુ નિશાન  કદી ચૂકવાનું  નહીં!
                                                                      ઉગવાનું   હોય ત્યારે  પૂછવાનું  નહીં! ...
-  કૃષ્ણ દવે

અને છેલ્લે ...

.. છાતીમાંના ભર વૈશાખે વાદળ વાદળ રમીએ
બે પાંપણની વચ્ચે વહેતું ખળખળ ખળખળ  રમીએ...
ભીની રાતે - ખુલ્લી આંખે  બળબળ બળબળ રમીએ,
ચાલ અરીસા ફોડી નાખી ઝળહળ ઝળહળ રમીએ ...

(કાજલ ઓઝા વૈધની એક બુકમાંથી ...)

Thursday, October 11, 2012

નીકળી ગયા ...

 બે ઘડી વાતો કરી ને દિલને બહેલાવી અમે નીકળી ગયા,
કોઈ ના સમજી શક્યું તો ખુદને સમજાવી અમે નીકળી ગયાં.

આ ચિરંતન તરસનું કારણ તમે પૂછ્યું છતાંયે કાંઈ પણ બોલ્યા નહીં,
બસ  આંખમાં  આવી  અમે  નીકળી   ગયાં.

વાદળોની પાઠશાળામાં ગયા તો આટલું શીખ્યા અમે,
જ્યાં થયું મન ત્યાં ગયા ને હેત વરસાવી અમે નીકળી ગયા.

પથ્થરોની કોર્ટમાં એ કેસ લાં..............બો ચાલશે,
એમનો આરોપ છે કે ત્યાં કશુંક વાવી અમે નીકળી ગયા.

આંખ બે હેતાળ, ખુલ્લા કાન ને ભીનું હૃદય,
એટલે તો આ ગઝલ તમને જ સંભળાવી અમે નીકળી ગયા.

-  કૃષ્ણ દવે

Tuesday, July 19, 2011

જી સર, એ લોકો વિખાઇ ગયા છે. ....

થોડા દિવસ પહેલા મુંબઈમાં બોમ્બ ધડકા થઈ ગયા .... હવે તો જાણે આ જીવનનો ભાગ થઈ ગયો છે ....  વેલ, no more comments on it .... પણ કવિ શ્રી કૃષ્ણ દવેની આ કવિતા બખૂબી આજની પરિસ્થિતિ કહી દે છે ......

મધરાતે ત્રાટકેલા ઘુવડના ન્હોર વડે પળમાં પારેવા પીંખાઇ ગયા છે.
જી સર, એ લોકો વિખાઇ ગયા છે.

વિશ્વાસે સુતેલા સપના પર ઓચિંતા આંસુના બોંબ ઝીંકાઇ ગયા છે.
જી સર, એ લોકો વિખાઇ ગયા છે.

રસ્તા પર ઉતરે ને લાકડી પછાડે ને બટકુ’ક માંગે તો વળી નાંખીએ
બાકી તો સંપીને ખાવાના, ઓરડાના દરવાજા ઓછા કાંઇ વાખીએ ?
આવા તો આંદોલન આવી ગ્યા કંઇક ને આવીને અધ્ધર ટીંગાઇ ગયા છે.
જી સર, એ લોકો વિખાઇ ગયા છે.

પ્રાણાયામ કરવાથી પાચન વધે છે એવું આપણને શીખવાડે યોગ ?
ઘાસ, તોપ, ટેલીફોન ખાઇ ગયા છીએ પણ નખમાંયે કોઇને છે રોગ ?
લીલા ને ભગવા ને કાળા ને ધોળામાં અમથા આ પગલા ટીંચાઇ ગયા છે.
જી સર, એ લોકો વિખાઇ ગયા છે.

- કૃષ્ણ દવે