Showing posts with label રમેશ પારેખ. Show all posts
Showing posts with label રમેશ પારેખ. Show all posts

Tuesday, April 2, 2013

શું બોલીએ? ...

શબ્દની બેડી પડી છે જીભમાં શું બોલીએ?
ને તમે સમજી શકો નહી મૌનમાં શું બોલીએ?

બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત,
આ અમે ઊભા છીએ તસવીરમાં શુ બોલીએ!

લોહીમાં પણ એક બે અંગત ખૂણાઓ છે રમેશ !
એ ઊભા છે આપના સત્કારમાં, શું બોલીએ?

- રમેશ પારેખ

Sunday, March 24, 2013

ન થયા ...

આમ અછતા ન થયા આમ ઉઘાડા ન થયા,
હાથ ફૂલોમાં ઝબોળ્યા ને સુંવાળા ન થયા.

સ્વપ્ન તો આંખમાં આવીને રહે કે ન રહે,
ઘેર આવેલ પ્રસંગો ય અમારા ન થયા.

તાગવા જાવ તો – ખોદાઇ ગયા છે દરિયા,
અર્થ શોધો તો – અમસ્થા ય ઉઝરડા ન થયા.

એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું,
ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા.

સમુદ્ર લોહીમાં ખીલ્યો, ખીલ્યો, ઝૂલ્યો ને ખર્યો,
બળી ‘ગ્યો છોડ લીલોછમ ને ધુમાડા ન થયા.

આજ ખાબોચિયાનાં થાય છે શુકન રણમાં,
તો ય ભાંગી પડેલ જીવને ટેકા ન થયા.

આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.

- રમેશ પારેખ

Thursday, February 9, 2012

નામ ... - રમેશ પારેખ

આ હયાતી છે સતત ખુશ્બુ તરફ જાવાનું નામ,
ફૂલ છે એ રાઝ ખુલ્લેઆમ ચર્ચાવાનું નામ.

એનો ગજરો ગૂંથવાનું કોણ એ જાણ્યા વિના,
તૂટતા શ્વાસોને દઈએ ફૂલ ચૂંટાવાનું નામ.

પુષ્પ છે એ ગ્રંથ જે લોહી વડે ભણવો પડે,
મ્હેક એની, શ્વાસને સૌ વેદ સમજાવાનું નામ.

સામસામે બાથમાં મળવું એ બીજું કૈં નથી,
છે પીડાઓના તરજૂમાઓ મ્હેકમાં થાવાનું નામ.

ફૂલ તો છે – આંખનાં કાંઠા ઉપર બેસી, રમેશ
રંગમાં કાયા વગર તરબોળ ભીંજાવાનું નામ.

પુષ્પ ઉર્ફે એક સોનલ નામની શ્રદ્ધા, રમેશ
વિશ્વની બેબાકળી આંખોમાં અંજાવાનું નામ....

- રમેશ પારેખ

Friday, January 13, 2012

સાંવરિયો રે મારો સાંવરિયો ...

આજે  "સરવાણી" ને બરાબર એક વર્ષ પુરુ થયુ .... ગઈ ૧૨ જાન્યુઆરીએ  બસ એમ જ એક નાનકડા વિચાર સાથે આ બ્લોગ શરુ કરેલો ... ખાલી એવી ભાવના સાથે કે જે કંઈ સારુ મારા વાંચવા કે જાણવામાં આવે એ મિત્રો સાથે, જાણ્યા-અજાણ્યા લોકો સાથે share કરી શકુ. એમાંથી જેમને પણ પોતાનુ કંઈ મનગમતુ  વાંચવાનુ મળી જાય અને બે ઘડી પણ એ એનો આનંદ માણી શકે તો આ બ્લોગ સફળ થયેલ ગણાય ... આશા રાખુ છુ આ વર્ષે કંઈક વધારે વાચવા લાયક અને વહેચવા લાયક સાહિત્ય અહી મૂકી શકુ ...

તો આજે   "સરવાણી "ના જન્મદિવસે કવિ શ્રી રમેશ પારેખની કલમે લખાયેલ અને મારુ  મનગમતુ  ગીત સાવરિયો ...

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમા
મારા વાલમજીનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું રે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો ...... સાંવરિયો રે મારો સાંવરિયો
   
કોઈ પૂછે કે ઘર તારું કેવડું ?
મારા વ્હાલમજી બાથ ભરે એવડું !
આંખ ખટકે ઉજાગરાથી રાતી
ઝીણા ધબકારે ફાટફાટ છાતી
છબીલો મારો સાવ ભોળો ને સાવ બાવરિયો  ...... સાંવરિયો રે મારો સાંવરિયો

કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો  ...... સાંવરિયો રે મારો સાંવરિયો

- રમેશ પારેખ 

You can listen this song on tahuko.com and also here http://www.youtube.com/watch?v=pA0In3LmeZ4&noredirect=1

Monday, December 12, 2011

હરએક માણસ બુદ્ધ છે

એકલો છે યાને સોએ સો ટકા એ શુદ્ધ છે
આ પરિસ્થિતિમાં અહીં હરએક માણસ બુદ્ધ છે

છીનવી લીધાં પ્રથમ તેણે બધાં હથિયાર પણ
ને કહ્યું તારી હયાતિ તો સ્વયં એક યુદ્ધ છે

જેને તે ખંડેરમાં પલટાવ્યું એ મારું હૃદય
આજ પણ તારાં સ્મરણથી કેટલું સમૃદ્ધ છે !

જન્મતાવેંત જ નસીબ કમ્મરથી ઝૂકેલું મળે,
એટલે અહીં કોઈપણ ઉંમરની વ્યકિત વૃદ્ધ છે

વિશ્વ એની ગતમાં ચાલે, તારી ગતમાં તું રમેશ
આટલી અમથીક એવી વાત પર તું કૃદ્ધ છે ?

ઊંઘમાં પણ તું રખે રાજી ન થઈ બેસે, રમેશ
એટલે રસ્તા બધા દુઃસ્વપ્નથી અવરુદ્ધ છે ! ................

- રમેશ પારેખ

Monday, November 28, 2011

તું ઈટ્ટાકિટ્ટા છોડ ...

(તને હું બહુ કનડું છું નઈં...?!)

તું ઈટ્ટાકિટ્ટા છોડ
અરે,
આમ નજરના ફેરવી લેવાથી
પાસેનું હોય તેને
થોડું જ પરાયુ બનાવી શકાય છે!
એવુ ખરું કે
હું ઘડીક હોઉં
ઘડીક નયે હોઉં
પણ ઘડીકમાં ચોર પગલે
તારી શય્યામાં સળ થઈ બેસી જાઉં
કે તારા કંઠમાં ધીમું ધીમું ગીત બની આવી ચડું
કે નીંદરની જેમ ઊડીયે જાઉં
હું કાંઈ નક્કી નહીં હોઉં
તારા પુસ્તકનું સત્યાવીસમું પાનું હોઈશ
તું ચાલે એ રસ્તો હોઈશ
ક્યારેક રીસે ભરાઉ તો
તું મને સંભારે પણ હું તારી યાદમાં ન જ આવુ
છબીમાં હોઉં પણ તારી સામે ન જ હસુ
ક્યારેક જુની પેટીમાં છુપાયેલ મારો કોઈ પત્ર બની
હું અચાનક જડુ ને તને રડાવીય દઉં, હા…

પણ અંતે તો સોનલ
તું છે કેલિડોસ્કોપ
અને હું છું તારુ બદલાતુ દ્રશ્ય
આપણે અરસપરસ છીએ
તારા સ્તનનો ગૌર વળાંક હું છું
તારી હથેળીમાં ભાગ્યની રેખા હું છું
તારા અરીસામાં દેખાતુ પ્રતિબિંબ હું છું
તારી સકળ સુંદરતા બની
તને ભેટી પડ્યો છું
તારુ સકળ સોનલપણુ જ હું છું લે…
અને તારે મારો ઇન્કાર કરવો છે?
એ પ્રયત્ન કરી જો
ગદરીયા વચ્ચે બેસીને કોઈ
દરિયાનો ઇન્કાર કરે
તો દરિયો દરિયો મટી જાય છે?
તને હું બહુ કનડું છું કેમ?
શું કરું?
પ્રેમ સિવાય મારા માટે બધુ જ દુષ્કર છે.
તું જ કહે તને ન ચાહુ તો હું શું કરું?
આપણે એક જાળમાં સપડાયેલાં બે માછલાં છીએ?
એક શરીરની બે આંખ છીએ?
મને તો ખબર જ પડતી નથી
એક વાર તું જ કહેતી હતી કે
તું દરિયો છે ને હું તારું પાણી છું
તું આકાશ છે ને હું તારો વિસ્તાર છું.
આ તું અને હું ના ટંટા શા માટે?

અરે…રે
તું સાવ બુધ્ધુ જ રહી
આંખ મીંચીને રમીએ તેને સંતાકુકડી કહેવાય
કંઈ ‘જુદાઈ’ ન કહેવાય
ચાલ, ઈટ્ટાકિટ્ટા છોડ
અને કહી દે કે હું હારી....

- રમેશ પારેખ

Wednesday, February 16, 2011

આ કાળું પાટિયું ને ચોક, લ્યો જવાબ, લખો !


આ કાળું પાટિયું ને ચોક, લ્યો જવાબ, લખો !
તમારા હાથ વત્તા કેટલાં ગુલાબ ? લખો !



ખરું ને ? શોખ છે તમને પ્રથમથી ફૂલોનો
તો કેમ બાગમાંથી લાવ્યા ખાલી છાબ ? લખો ! 


ફરી પૂંછું છું કે શું અર્થ છે આ જીવતરનો ?
લ્યો, ચોક લ્યો, અને આ પ્રશ્ર્નનો જવાબ લખો !


ખરાબ સ્વપ્નથી નંબર વધે છે ચશ્માંના
તો કેવા સ્વપ્નને કહેશો તમે ખરાબ ? -લખો !


લખો, લખો કે છે તમને તો ટેવ લખવાની
બધા તમારા આપઘાતના હિસાબ લખો !


આ કાળા પાટિયાનો ખોફ કેમ રાખો છો ?
તમે સમર્થ છો, લ્યો ચોક, ‘આફતાબ’ લખો !

- રમેશ પારેખ   

Wednesday, February 2, 2011

મળે તમને....

આ દુનિયા છે ને એના ચહેરા અનેક છે. અહી કંઈ પણ થઈ શકે છે, પત્થર તરી જાય ને ફૂલ ડૂબી પણ શકે છે. છતા એ ભૂલવુ ન જોઈએ કે જેટ્લી શક્યતા અહી "ખરાબ" થવાની છે એટલી જ શક્યતા અહી "સારુ" થવાની પણ છે જ કેમકે આ "શક્યતા"ઓનુ જગત છે. અહી સમુદ્રના વમળમા ફસાયેલ વહાણ એ જ સમુદ્રના એક મોજાની શક્તિશાળી છાલક થી અચાનક વમળમાથી બહાર નિકળી શકે છે, જે થોડા સમય પહેલા ડૂબવાનુ હતુ એ તરી  જાય... ને ક્યારેક આખો દરિયો શાતિં થી પસાર કર્યો  હોય એ વહાણ કિનારે આવી ડૂબી પણ જાય..... ને ક્યારેક આમાનુ કઈ જ ના થાય ... શક્ય છે... કેમકે કઈ પણ થવાની  શક્યતા  છે ...
ટ્પાલ જેમ તમે ઘેર-ઘેર પહૉચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.
તો પણ, એટલે જ લાઈફ આટ્લી લાઈવ-અજીબ-અદભુત - અનન્ય - અલૌકિક - રોમાંચિત - કોઈ થ્રીલર, સસ્પેન્સ મૂવી જેવી છે ... જો સારી-ખોટી શક્યતાઓ ન હોત  તો જીવનમા બીજુ શુ હોત ? ...

બંધ પરબીડિયામાથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.

ટ્પાલ જેમ તમે ઘેર-ઘેર પહૉચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.

ખજૂરી જેટ્લો છાંયો મળે -  એ સિક્કાની,
બીજી બાજુ ય છે એવી કે, રણ મળે તમને.

વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે,
સમક્ષ હોય છે તેનુ શરણ મળે તમને.

તમારા કંઠમાં પહેલા તો એક છિદ્ર મળે,
પછીથી તૃષા ને પછીથી ઝરણ મળે તમને.

ઝરણ નહી તો એના પ્રાસથી ચલાવી લ્યો,
અહીં  અભાવનુ  વાતાવરણ  મળે તમને.

જાવ, નિર્વિર્ય હે શબ્દો, તમોને આશિષ છે,
તમારા કલૈબ્યનુ વાજીકરણ મળે તમને.... 

- રમેશ પારેખ