Showing posts with label વિવેક મનહર ટેલર. Show all posts
Showing posts with label વિવેક મનહર ટેલર. Show all posts

Monday, June 18, 2012

સમજાય તો સમજાય...


જીવનનો કક્કો ને બારાખડી સમજાય તો સમજાય,
ખરેખર કોણ છે સાચો ધણી, સમજાય તો સમજાય.

હજારો જિંદગી પૂરી થઈ, પૂરી થતી રહેશે,
છતાં પણ માનવીને માનવી સમજાય તો સમજાય.

બધું ત્યાગી દઈને જાતને પણ ખોઈ દેવાનું,
સમંદરને કદાચિત્ આ નદી સમજાય તો સમજાય.

પડી ગઈ છે તિરાડો સ્વસ્થતામાં કેટલી તો પણ,
તરસ સ્મરણોની વાદળને કદી સમજાય તો સમજાય.

હવાની આવ-જા મારી જ માફક મૌન થઈ ગઈ છે,
હવે એને આ મારી ચૂપકી સમજાય તો સમજાય.

સદીઓ બાદ મારા ખાલીપાનું પાત્ર ખખડ્યું છે,
આ ઘટના સત્ય છે કે ભ્રમ હતી, સમજાય તો સમજાય.

તું આવે તો યુગોની રાહ પળથી પાતળી લાગે,
પ્રણયમાં કાળની આવી ગતિ સમજાય તો સમજાય.

સ્મરણનો નિર્દયી પથરો મને એકધારું કચડે છે,
ને પથરાના નયન ભીનાં જરી ? સમજાય તો સમજાય…

ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત,
કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય.

- વિવેક મનહર ટેલર (http://vmtailor.com)

Thursday, December 29, 2011

મને કંઈક મારામાં જડતું રહે છે....

જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,
મને કંઈક મારામાં જડતું રહે છે.

છે દિલ પર અસર શેનાં આકર્ષણોની ?
નથી ઢાળ તો પણ ગબડતું રહે છે.

પડે જેમ ખુશબૂનાં પગલાં હવામાં,
કોઈ એમ મારામાં પડતું રહે છે.

રહી દૂર કોઈ રહે ઠેઠ ભીતર,
રહી પાસે કોઈ, અછડતું રહે છે.

આ મન છે કે માણેકશાની ચટાઈ ?
બને દહાડે, રાતે ઊખડતું રહે છે.

આ વાતાનુકૂલિત મકાનોની પાછળ,
જરઠ ઝાડ કંઈ-કંઈ બબડતું રહે છે.

હથેળીની ભાષા અડી ગઈ’તી ક્યારેક,
કબૂતર હજી પણ ફફડતું રહે છે.

-વિવેક મનહર ટેલર

Sunday, August 21, 2011

શ્યામ! તારા રંગે રંગાઈ ...

આવતી કાલે જન્માષ્ટમી છે .... અને જન્માષ્ટમી હોય એટલે શ્રી કૃષ્ણ તો યાદ  આવે જ ને ! અને શ્યામ યાદ આવે તો રાધા ને કેમ કરી ભુલાય ? એક ભગવાન તરીકે નહી પણ  મહાભારતના એક પાત્ર તરીકે પણ જોઈએ તોયે કૃષ્ણ એક અદભુત  અદભુત અદભુત વ્યક્તિ હતા ... કદાચ ભારતના ઈતિહાસ માં એક રામ અને એક કૃષ્ણ ના હોત તો ભારતની સંસ્કૃતિ આટ્લી મહાન અને અજોડ ના હોત ... તો એ અદભુત વ્યક્તિના જન્મ દિવસની ખુશીમા ... એક અદભુત ગીત ... 

શ્યામ! તારા રંગે રંગાઈ હું તો આખી,
પોતીકા રુપની આયને ઊભીને હવે કઈ રીતે કરું હું ઝાંખી ?

કમખામાં, ઘાઘરીમાં, ઓઢણીમાં, આંખડીમાં,
આયખામાં જેટલાં યે સળ છે;
તારા જ દીધા સૌ વળ છે.
કિયા છેડેથી બાકી તેં રાખી ?
મુને અંગ-અંગ રોમ-રોમ ચારે તરફથી તેં દોમ-દોમ દોથ- દોથ ચાખી.  

 
શીકાંઓ તોડ મારા વસ્તર તુ  ચોર,
મારી હેલ્યુની હેલ્યુ દે ભાંગી
કુણ મુંથી તે મોટું બડભાગી ?
વરણાગી, મુંને બહાવરી કરીને તેં રાખી,
દરવાજા દીવાલો ઓગાળી બેઠી હું, બારી ય એકે ન વાખી.
શ્યામ ! તારા રંગે રંગાઈ હું તો આખી ....

 
 - વિવેક મનહર ટેલર

Thursday, July 21, 2011

"સંબંધ " ... - શ્રી ગુણવંત શાહ

મૂળ છું હું મૂળથી સંબંધ છે
મારે ચપટી ધૂળથી સંબંધ છે 

અગ્નિ, જળ, વાયુ અને આકાશનો
માનવીના કૂળથી સંબંધ છે...

"સંબંધ " ...આ ખાલી એક અઘરો શબ્દ જ નથી પણ પ્રેક્ટીકલી પણ બહુ કોમ્પ્લીકેટેડ વસ્તુ છે ... કેમ કે લાઈફમાં કેટલાક સંબંધો સમજમા જ નથી આવતા ..... જો કે એની પાછળ એક કારણ છે કે આપણે દરેક સંબંધને નામથી જ જોવા ટેવાયેલા છીએ ... શુ કરીએ સામાજિક પ્રાણી છીએ , એટલે સામાજિક આદતો ની અસરથી મુક્ત તો કેવી રીતે રહી શકાય ? .... છતાં આપણે બધા જાણીએ છીએ કે મોટાભાગના લોકો જીવનમા આવા નામ વગરના નિખાલસ સંબંધો હંમેશા ઝંખતા હોય છે .... ઓ હલો ! અહી કોઈ ફેસબુક પર હાઈ / હલો કરીને બંધાઈ જતા સંબંધની વાત નથી થઈ રહી ..... આ તો વાત થઈ રહી છે એકદમ સહજતાથી બંધાઈ જતા, ક્યારેક તો બિલકુલ એક શબ્દની પણ આપ-લે થયા વગર ખાલી એક સ્મિત ની આપ-લે પુરતા બંધાઈ જતા અને ક્યારેક સાવ સામાન્ય વાતચીત થી શરુ થઈને ગાઢ લાગણીમા ફેરવાઈ જતા સંબંધની વાત થાય છે ..... જેટલા રંગના ફૂલો છે દુનિયામાં સંબંધો પણ કદાચ એટલા જ અવનવા અને અનોખા હોય છે .......

ક્યારેક તો થાય છે કે જે લોકો આપણા જીવનમાં આવતા હોય છે પછી એ દોસ્ત હોય કે દુશ્મન ... શુ એમને આપણે ક્યારેય ઝંખ્યા હશે પૂર્વે ? કુદરતનુ કયુ લોજીક કામ કરે છે એમા એ સમજાતુ જ નથી .... કયારેક આપણી જ ગલીના છેલ્લા મકાનમા રહેતા કે આપણા જ એરિયામા વસતા માણસ વર્ષો સુધી આપણા પરિચયમા પણ ના આવે .... ને ક્યારેક દુનિયાના  કોઈ સામા છેડે વસનાર માણસ આપણા જીવનો ખાસ ભાગ બની જાય ............ મિરેકલ નથી આ તો શુ છે ? એની વેયસ , ..... 
મારી જેમ લેખક શ્રી ગુણવંત શાહ પણ સંબંધોની અવનવી રીતો પર કદાચ મારા જેટલા  જ વિસ્મિત છે ....
જુઓ ......

માનવસંબંધોની ભાત નિરખવા જેવી અને પરખવા જેવી  છે.

કેટલાક સંબંધો ગુલમહોરિયા કે પછી ગરમાળિય જેવા હોય છે,
ભરઉનાળે આંખને ઠંડક અને જીવનને રંગદીક્ષા આપે તેવા.

કેટલાક સંબંધો બોગનવેલિયા હોય છે; સુગંધ નહી પણ શોભા વધારનારા.

કેટલાક સંબંધો બાવળિયા હોય છે; ઉપયોગી તોય કાંટાળા.

કેટલાક સંબંધો વડલાની શીળી છાયા જેવા ઉપકારક,
તો કેટલાક લીમડા જેવા ગુણકારી.

કેટલાક સંબંધો વસંતમાં ખીલેલી આમ્રમંજરી જેવા, 
તો કેટ્લાક પારિજાત જેવા સુવાસયુક્ત હોય છે. 

કેટલાક સંબંધો ગુલાબી તો કેટ્લાક મોગરાની મહેક જેવા હોય છે.

કેટલાક સંબંધો ' ઓફિસ ફ્લાવર્સ ' જેવા હોય છે,
સવારે ખીલે ને સાંજે બિડાઈ જાય ..............
 

- શ્રી ગુણવંત શાહ

અને છેલ્લે ...

ગૂંચ પણ એકે કદીયે હું ઉકેલી ના શક્યો,
હસ્તરેખાથી જટિલ બનતા ગયા સંબંધ સૌ.

જિંદગીના હાથને શેની બિમારી થઈ ગઈ ?
આંગળી માફક સતત ખરતા રહ્યા સંબંધ સૌ. ....

-વિવેક મનહર ટેલર


ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ
પ્રસંગ, નહિ તો મિલનના જતા કરે કોઇ

મને ઘણાય તમારો સંબંધ પૂછે છે
તમારી પણ કદી એવી દશા કરે કોઇ ....

- જવાહર બક્ષી