Showing posts with label તુષાર શુક્લ. Show all posts
Showing posts with label તુષાર શુક્લ. Show all posts

Thursday, March 3, 2011

આ પ્રેમ .....એટલે ...

પ્રેમ સાગરને તરવામાં કાગળ ને કલમ બધા ટુંકા લાગે
પ્રેમ વિષે લખવા બેસુને મને આ શબ્દો બધા સુકા લાગે
......  -રાજીવ ગોહેલ

છતાં પણ પ્રેમ વિષે લખવાનુ બંધ ક્યાં થાય છે ? શુ થાય સબજેક્ટ જ એવો છે! તો આજે  ડો.આઈ. કે. વીજળીવાળા ની "અમૃતનો ઓડકાર" માંથી પ્રેમની અનોખી વ્યાખ્યાઓ ....
--------------------
એક સર્વે દરમ્યાન પરદેશની એક પ્રાથમિક શાળામાથી ૪ થી ૮ વર્ષના બાળકોને 'પ્રેમ કોને કહેવાય?' એવા સવાલનો જવાબ આપવાનું કહેવામાં આવ્યુ ત્યારે આટલા નાના બાળકોએ જે જવાબો આપ્યા તે અચંબો પમાડે તેવા હતા.
  • " મારા દાદીને સાંધાનો વા થયેલો છે. એ વાંકા નથી વળી શકતા એટલે એમના પગના નખ કાપવાનુ તેમ જ રંગી આપવાનુ કામ મારા દાદા પોતાને હાથના સાંધા દુખતા હોવા્છતાં નિયમિત કરી આપે છે.એને પ્રેમ કહેવાય ! " - રિબેકા, ૮ વર્ષ
  • " જ્યારે તમને કોઈ ચાહતુ હોય ત્યારે એ તમારું નામ બીજા કરતા કંઈક જુદી જ રીતે બોલે છે! તમને એવું લાગે કે તમારું નામ એના મોઢામાં ખૂબ સલામત છે એ જ પ્રેમ ! " - બિલિ, ૪ વર્ષ
  • " પ્રેમ એટલે તમે કોઈની જોડે નાસ્તો કરવા જાઓ અને તમારી મનપસંદ પોટેટો-ચિપ્સ બધી જ એને આપી દો, બદલામાં એની પ્લૅટમાંથી કંઈપણ લીધા વિના - એ  !" - ક્રિસ્ટી, ૬ વર્ષ  
  • " તમે જ્યારે અત્યંત થાકેલા હોવ ત્યારે પણ જે તમને હસાવી શકે એ પ્રેમ " - ટેરી, ૪ વર્ષ
  • " મારી મમ્મી કોફી બનાવ્યા પછી મારા પપ્પાને આપતા પહેલા એક ઘૂંટડો ભરીને ચાખી લે છે કે બરાબર છે કે નહીં ! બસ એ જ પ્રેમ ! "  - ડેની, ૭ વર્ષ
  • " તમને ખૂબ જ ગમતી ભેટનુ પેકેટ કોઈ આપે અને એ પેકેટ ખોલવાને બદલે તમને એ આપનારની વાતો સાંભળવામાં વધારે રસ પડે એ પ્રેમ !" - બોબી, ૭ વર્ષ
  • " એક છોકરી એક છોકરાને કહે કે તારું આ શર્ટ મને ખૂબ જ ગમે છે અને એ પછી છોકરો રોજેરોજ એ જ શર્ટ પહેરે એ પ્રેમ ! " - નોએલ, ૭ વર્ષ
  • " એક વૃધ્ધ પુરુષ અને એક વૃધ્ધ સ્ત્રી એકબીજા વિષે બધુ જ જાણતા હોવા્છતાં વર્ષો  સુધી જોડે રહી શકે એને પ્રેમ કહેવાય ! " - ટોની , ૬ વર્ષ
  • " મારી મમ્મી મને સુવડાવી દી્ધા પછી મારી આંખ બંધ થયેલી જુએ ત્યારે હળવેથી મારા ગાલ પર પપ્પી કરે એ જ પ્રેમ છે ! " - ક્લેર, ૬ વર્ષ
  • " પ્રેમ એટ્લએ મારા પપ્પા કામેથી આવે ત્યારે ધૂળધૂળ હોય અને પરસેવાથી ગંધાતા હોય છતાંમમ્મી એમની સામે હસે અને એમના ધૂળ ભરેલા વાળમાં હાથ ફેરવીને એમને ભેટી પડે - એ જ તો વળી !" - ક્રિસ, ૭ વર્ષ
  • " કોઈ તમને ' આઈ લવ યુ ' કહે અને તમારી આજુબાજુ ઘણા બધા તારા ફરતા હોય એવું લગવા માંડે એ જ પ્રેમ ! " - કરેન, ૭ વર્ષ
નથી લાગતુ કે આ નાનકડા ભુલકાઓ પાસે પ્રેમ કોને કહેવાય એની ઉચ્ચ અને ઉત્કૃષ્ટ સમજણ છે ? હવે એક નાનકડી વાત ... 
                         પડોશમાં રહેતા એક દાદી ગુજરી ગયા ત્યારે ૪ વર્ષનો એક નાનકડો બાળક દાદાને મળવા ગયો. એકાદ કલાક પછી એ પાછો ઘરે આવ્યો એની મમ્મી એ પૂછ્યુ ," બેટા ! તેં વળી દાદાને શુ કહ્યું ?" 
                       " કંઈ નહી મમ્મી!" બાળકે જવાબ આપ્યો. " મેં એમના ખોળામાં બેસી એમને રડવામાં મદદ કરી ! " - બસ આ જ પ્રેમ.
--------------------

બધુ આટલું જ સરસ હોત તો કેવુ સારુ! પણ બધી વખતે "પ્રેમ " કંઈ આટલો સરળ નહી હોય ..જેમકે  પન્ના નાયકને થતી  મુંઝવણ જ લઈ લો !

 પ્રેમ .....
 પ્રેમ
એ મોટી મોટી વાતો હશે?
એ ખોટી ખોટી વાતો હશે?
‘તું મારો શરાબ ને ગુલાબના ફૂલ પર ઝાકળનો જામ’
એવો બધો લવારો હશે?
મિથ્યા વાણીનો દમામ હશે?
કોઈ કોઈને ચાહતું હશે?
કે
બીજાને ચાહવાથી
પોતાને જે સુખ મળે છે
એની કદાચ
કપોલકલ્પિત વાર્તા હશે?
અને
વાર્તા હશે
તો
વાર્તાનાં પાત્રો
કઠપૂતળીની જેમ નાચતાં હશે?
કોરી કોરી કિતાબનાં પાનાંને વાંચતાં હશે?
વાસનાને ઈશારે
આ બધું, આવું બધું ચાલતું હશે?
પાનખરનાં સૂકાં સૂકાં પાંદડાંઓ
હવા વિના પણ હાલ્યા કરે એમ
આ બધો પ્રેમનો તમાશો પણ ચાલ્યા કરતો હશે?
કોઈ કહોને,
 પ્રેમ
એ સાચી સાચી વાતો હશે?
કે…? .......
- પન્ના નાયક 


અને છેલ્લે ...
દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ

ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું,
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?
ચાહે તે નામ તેને દઇ દો તમે રે ભાઇ અંતે તો હેમનું હેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.......  
 
-તુષાર શુક્લ

If u want to hear this song you can hear it on here - http://www.youtube.com/watch?v=Q1BS1N5qGR0

    Wednesday, February 9, 2011

    પ્રેમ મહાન પ્રેમ- short story

    ઘણા વખત પહેલાની વાત છે. એક અતિ સુંદર ટાપુ પર બધી લાગણીઓ અને ગુણો સરસ મજાના ઘર બનાવીને રહેતા હતા. સુંદરતા, આનંદ , ઉદાસીનતા વગેરે એકબીજાની બાજુ-બાજુ મા રહેતા હતા. એ બધાથી દૂર સાવ છેવાડાના ઘરમા પ્રેમ રહેતો હતો.

    એક દિવસ સવારે એક પરીએ આવીને બધા ટાપુવાસીઓને કહ્યુ કે તે દિવસે સાંજ સુધીમા ટાપુ ડૂબી જશે. બધીજ લાગણીઓને ગુણો એ પોતપોતાની હોડીઓ લઈને ટાપુ પરથી પ્રયાણ શરૂ કરી દીધુ. ફક્ત પ્રેમ શાંતિથી આંટા મારતો હતો. બધાને નવાઈ લાગી પણ સૌ પોતપોતાને રીતે ભાગવાની પેરવીમા હતા ત્યારે અત્યારે કોઈ પ્રેમની પંચાત કરવા ક્યા બેસે ? હકીકતમા પ્રેમને આ ટાપુ પર ખૂબ જ વ્હાલ હતુ. એ છેલ્લી ક્ષણ સુધી ટાપુની જોડે રહેવા માગતો હતો.

    જેમજેમ સાંજ પડવા લાગી તેમતેમ ધીમે ધીમે ટાપુ પાણીમાં ડુબવા લાગ્યો. પ્રેમે ટાપુને ખૂબ વ્હાલ કર્યુ. એણે જમીનના કણક્ણને વ્હાલથી નવડાવી દીધા. આખો ટાપુ પ્રેમ પ્રેમ થઈ ગયો. પણ હવે ટાપુ પર પાણી વધવા લાગ્યુ. પાણી ઘૂટણ સુધી આવવા લાગ્યા એટલે પ્રેમને થયુ હવે ટાપુ છોડ્વાનો સમય થઈ ગયો છે. પણ પ્રેમ પાસે તો હોડી પણ નહોતી. મદદ માટે બૂમ કોને પાડવી ? બસ, તે જ વખતે ત્યાથી સમૃધ્ધિની હોડી નીકળી. પ્રેમે પૂછ્યુ કે,"બહેન ! તુ મને તારી હોડીમા લઈ જઈશ ? નહિતર હુ હમણા જ ડૂબી જઈશ"  સમૃધ્ધિએ પોતાની હોડીમા એક નજર નાખીને કહ્યુ, " માફ કરજે પ્રેમ ! મારી આખી હોડી સોના, ચાંદી તેમજ હીરાથી ભરેલી છે. એમા તારા માટે ક્યાય જગ્યા નથી!" આટલુ કહી એ ચાલી નીકળી.

    એની પાછળ હોડી લઈ આવતી સુંદરતાને હાથ હલાવીને પ્રેમે જોરથી બૂમ પાડી કહ્યુ," હે સુંદરતા! તુ મને તારી હોડીમા લઈ જઈશ ?" પોતાની  જાત પર ને હોડી પર મગરુર સુંદરતાએ કહ્યુ ,"માફ કરજે પ્રેમ પણ તુ એટ્લો ભીનો છે કે મારી આ સુંદર હોડીને તુ બગાડી નાખીશ.મને મારી જાતને કે હોડીને ભીની કરવામા જરા પણ રસ નથી " એમ કહી સુંદરતા પણ ચાલી ગઈ.

    પાણી હવે કેડ સમાણુ થઈ ગયેલુ. ત્યાજ પ્રેમે ઉદાસીનતાને જતા જોઈ. પ્રેમે એને પણ કહ્યુ કે " મને તારી સાથે લઈ લે. મને બચાવી લે.." પણ ઉદાસી જડ્સુ હતી. એણે કીધુ," માફ કરી દે પ્રેમ! પણ હુ એટલી બધી ઉદાસ છુ કે તુ મને એકલી જ રહેવા દે."  એ પણ ત્યાથી જતી રહી. ત્યાથી પસાર થઈ રહેલ આનંદતો નાચ-ગાનમા એટલો તો મશગુલ હતો કે એણે તો પ્રેમ ને જોયો પણ નહી ને એનો અવાજ પણ સાંભળ્યો નહી.

    પાણી હવે ગળા સુધી આવી ગયુ હતુ. પોતે હવે સદાને માટે ડૂબી જશે એવો પ્રેમને ધ્રાસ્કો પડ્યો. એ જોર થી રડવા લાગ્યો. ત્યાં જ એક ખૂબ પ્રેમાળ અવાજ આવ્યો ,"પ્રેમ! રડ નહી. ચાલ હુ તને મારી હોડીમા લઈ જઈશ." પ્રેમે પાછળ વળી જોયુ તો એક વૃધ્ધ માણસ પાછળ હોડી લઈને ઉભો હતો એણે પ્રેમનો હાથ પકડીને પોતાની હોડી પર લઈ લીધો. પ્રેમ લગભગ ડૂબવાની તૈયારીમા જ હતો.

    અચાનક ઉગરી જવાથી પ્રેમ થોડીવાર તો હતપ્રભ થઈ ગયો. એ કંઈ બોલી ના શક્યો. પેલા વૃધ્ધે તેને કિનારે ઉતારીને ચાલવા લગ્યો તોન પણ તે કઈ બોલી ના શક્યો. બસ મૂંગા મૂંગા એ વૃધ્ધનો આભાર માન્યો. અચાનક પ્રેમને યાદ આવ્યુ કે ડૂબી જવાની બીકમા ને બચી જવાની ખુશીમા પોતે પેલા વૃધ્ધનુ નામ પૂછવાનુ તો ભૂલી જ ગયો. તે આટલો નાનકડો શિષ્ટાચાર પણ દાખવી ના શક્યો એનો એને પારાવાર અફસોસ થવા લાગ્યો. તે દોડતો જ્ઞાનના ઘરે ગયો. ને એને બધી વાત કરી. જ્ઞાને પોતાની આંખો બંધ કરી. થોડીવારે આંખ ખોલીને જ્ઞાને કહ્યુ "તને બચાવનાર સમય હતો ! "

    પ્રેમે નવાઈ પામતા પૂછ્યુ, " હેં જ્ઞાન ! જ્યારે કોઈ કરતા કોઈ મને મદદ કરવા તૈયાર નહોતુ ત્યારે ફક્ત સમયે જ મને કેમ મદદ કરી ?"

    જ્ઞાને ગંભીરતાપૂર્વક અને સદીઓના અનુભવના નિચોડ જેવો જવાબ આપ્યો, " કારણ કે ફક્ત સમય જ જાણે છે, સમજે છે અને સમજાવી શકે છે કે પ્રેમ કેટ્લો મહાન છે અને એનુ મહત્વ શુ છે ! "

    - Translated by ડા. આઈ. કે. વીજળીવાળા

    પ્રેમમાં તો એવું યે થાય છે, સાવ અણધાર્યું કોઈ ગમી જાય છે,
    પ્રેમમાં ના પડવાનું, ઉપડવાનું છે રે સખી, ઉડવાનું સંગાથે થાય છે;
    જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે...

    આકાશે આષાઢી વાદળનો વૈભવ ને છાતીમાં અણજાણ્યો ડૂમો,
    ઝરમરની આંખોમાં જામે તૈયારી તમે પાલવને એકલાં જ ચૂમો;
    ત્યારે અંદરથી મેઘ કોઈ ગાય છે, જયારે અણધાર્યું કોઈ ગમી
    જાય છે...
    - તુષાર શુક્લ 


    શબ્દથી હું કહું તને કે ‘પ્રેમ છે’, એ પ્રેમ છે?
    લાગણી મઢવાને શબ્દો કમ પડે, એ પ્રેમ છે.

    સાથનો અહેસાસ દૂરીમાં રહે એ પ્રેમ છે,
    ને મિલનની પ્યાસ મળવામાં રહે એ પ્રેમ છે.

    દે ભલેને, દુ:ખ વિરહનું કાળજે નાસૂર થઇ,
    સ્મિત થઇને અશ્રુમાં આવી ભળે એ પ્રેમ છે.

    જો વલોવે તું નિરંતર એષણાની છાસને,
    ભાવનાનું જે પછી ગોરસ બચે એ પ્રેમ છે.

    હું નથી કંઇ, તું નથી કંઇ, સાથનું અસ્તિત્વ છે,
    ક્યાંકથી એવી સમજ આવી ચડે એ પ્રેમ છે.

    જો ચણે, હર પળ સમયની… આ અતીતનાં ખંડહરો,
    કો’ક પળ આવી ફરી ચણતર કરે એ પ્રેમ છે.

    ઓટ જો આવે કદી મુજ ઊર્મિનાં સાગર મહીં,
    તું બની પૂનમ ફરી ભરતી ભરે એ પ્રેમ છે.

    -’ઊર્મિ’