Showing posts with label અંકિત ત્રિવેદી. Show all posts
Showing posts with label અંકિત ત્રિવેદી. Show all posts

Thursday, June 6, 2013

નજરથી દૂર છે તોય ...

"પ્રેમનું સાચુ સરનામું માણસનુ હ્ર્દય છે ....... "
 
પ્રેમ... વ્યાખ્યાઓ તોડી નથી રહ્યો, વ્યાખ્યાઓને તોડીફોડી રહ્યો છે. પહેલા અને હવે-ની વચ્ચે ઝોલાં ખાય છે. બે વ્યક્તિઓ પ્રેમમાં પડે છે ત્યારે શરીર નડે છે. હવે બે વ્યક્તિઓ પ્રેમમાં પડે છે ત્યારે શરીર સિવાય બધું જ નડે છે. એક બાજુ સંબંધો ફળદ્રુપ થતા જાય છે, બીજી બાજુ પ્રેમ કદરુપો થતો જાય છે. પહેલાં પ્રેમના કિસ્સાઓ સાંભળવા મળતાં હવે પ્રેમ કિસ્સાઓમાં સાંભળવા મળે છે. સપનું જલ્લાદ બને છે અને પ્રેમ જલદ બને છે. આત્માની સુગંધ આજકાલ પ્રેમમાં ઝડપથી ફોરવર્ડ અને ડીલીટ થઈ જાય છે.......


નજરથી દૂર છે તોય છે ટાઢક બધી બાજુ,
પ્રવેશી ઝાંઝવામાં કઈ રીતે છાલક બધી બાજુ?

ઉઘાડી આંખથી જોઉં કે જોઉં બંધ આંખોથી,
સતત ચાલી રહ્યુ છે ક્યારનું નાટક બધી બાજુ,

નથી પહોંચી શક્યા એ ક્યાંય તોપણ કાર્યરત કેવા?
ઊભા રહીને ગતિમાં હોય છે ફાટક બધી બાજુ.

તરસ વરસાદની ઓછી થતી ગઈ છે જીવનમાંથી,
જીવે છે આંસુઓ પીને હવે હવે ચાતક બધી બાજુ.

અવાચક થઈ ઉભાં છે કોઈ જોતું નથી સામે,
હવે ધૂળમાં પલળતાં હોય છે સ્મારક બધી બાજુ....



દુનિયાને કાયમ
ચર્ચામાં રહેવાની ટેવ છે.
બીજાના 'અંગત'માં ડોકિયું કરવાની એને મઝા પડે છે.
દુનિયા પોતા પર રડે છે બીજા ઉપર હસે છે.
પ્રેમ માલિકીભાવને અતિક્રમે છે.......


- અંકિત ત્રિવેદી
'પ્રેમનો પાસવર્ડ' માંથી ....

Thursday, May 30, 2013

તું તું જ છે અને હું પણ તું જ છું ...

હમણાં થોડા દિવસ પહેલાં જ મેં કહેલુ કે "પ્રેમ"ની વાત આવે એટ્લે નો કોમેન્ટ્સ પ્લીઝ કહી દેવુ સારું. છતાંપણ આ  સબજેક્ટ જ એટ્લો મીઠો છે કે વારે વારે એની વાત છેડવામાં મજા આવે. અને આવે પણ કેમ નહી એના પર અઢળક લખાયુ છે અને લખાઈ રહ્યુ છે. તો આપણે એનો લ્હાવો લેવામાં શુ કામ પાછળ રહી જવુ જોઈએ!  ........................


પ્રેમને સમજવો છે તો શાસ્ત્રો ઓછા પડશે,
પ્રેમને પામવો છે તો બે આંખો કાફી છે ....

"પ્રેમ એકાંતની ઈજ્જ્ત કરતા શીખવાડે છે. બોલકો માણસ પણ ચુપકીદીને વ્હાલ કરે ત્યારે પ્રેમની પૂનમ હ્રદયના આકાશમાં સોળે કળાએ ખીલે છે... પ્રેમ દુનિયાને કરવાનો હોય છે. દુનિયામાં રહીને કરવાનો હોય છે... પ્રેમના ગણિતને કારણો પોસાય એવાં છે જ નહી. એનો લ.સા.અ.(લઘુત્તમ સામાન્ય અવયવ) અને ગુ.સા.અ.(ગુરુત્તમ સામાન્ય અવયવ) એક જ છે - એકબીજાને ગમવું! એ તો 'કારણ નહી જ આપું, કારણ મને ગમે છે' એમાં જ માને છે ...

તું તું જ છે અને હું પણ તું જ છું ...

- અંકિત ત્રિવેદી,
'પ્રેમનો પાસવર્ડ' માંથી ....

અને  છેલ્લે ,

હેડકી  સુધ્ધા  તને આવે  નહી ,
યાદ  ચૂપકેથી  એમ  કરતો  રહ્યો ....

- કિરણસિંહ  ચૌહાણ 
 
 

Thursday, April 25, 2013

સામે નથી હોતી છતાં દેખાઇ જાય તું...

સામે નથી હોતી છતાં દેખાઇ જાય તું,
વ્હેતી હવાને એવું શું સમજાઇ જાય તું !

તારા દીધેલાં ફૂલમાં સૂંઘ્યા કરું તને,
કેવી સિફતથી મ્હેંકમાં ફેલાય જાય તું !

એવા દિવસ જો આવશે તો રોકી રાખશું,
ગુસ્સે થવાની હોય ને શરમાઇ જાય તું !

મોજાંનાં ઘરમાં જે રીતે દરિયો ડૂબી જતો,
એમ જ નજીવી વાતમાં ભૂલાઇ જાય તું !

કોઇ બીજાના ફોનનો નંબર લગાડવા,
આવીને મારા ટેરવે જોડાઇ જાય તું !


- અંકિત ત્રિવેદી

Tuesday, January 22, 2013

કામ કોઈ આવશે નહીં...

દર્પણનું બિંબ કામ કોઈ આવશે નહીં,
સરનામું પૂછશો નહીં, બતાવશે નહીં

પગલીને મારી ભૂંસવા જ હું મળ્યો તને,
તારી ગલીને એ હવે સજાવશે નહીં.

તું પણ બનીને દોસ્ત છો ને આવતો ખુદા,
તું પણ જરૂર હશે ને ત્યારે આવશે નહીં

લાચાર ક્ષણ હશે અને હસાવતી હશે,
સામે ઊભી હશે અને લખાવશે નહીં.

આ શ્વાસ બ્હાર નીકળીને કહી રહ્યાં મને,
ક્યારેક બ્હાર આવવાનું ફાવશે નહીં.

- અંકિત ત્રિવેદી

એકેક વ્હેંત ઊંચાં બધાં ચાલતાં હતાં,
તારી ગલીમાં કોઈના પગલાં પડ્યાં નહીં.
- બેફામ

Tuesday, January 1, 2013

પ્રિય પ્રભુ...


કેલેન્ડર પર ૨૦૧૨નું વર્ષ પૂરુ થયુ અને ૨૦૧૩ના વર્ષની શરુઆત થઈ ગઈ છે. આવુ એટલા માટે કહેવુ પડે છે કે જ્યારે એકધારી જિદગી જીવાતી હોય ત્યાં દિવસો, મહિના અને વર્ષો માત્ર કેલેન્ડર પર જ બદલાય છે. પરંતુ આવુ ના થાય અને દરેક વ્યક્તિના જીવનમાં ખરેખર માણી શકાય એવી જીવંત ક્ષણો વધુ ને વધુ ઉમેરાતી જાય એવી શુભેચ્છા સાથે નવા વર્ષના પ્રથમ દિવસે શ્રી અંકિત ત્રિવેદીની પ્રિય પ્રભુને કરેલી પ્રાર્થના ....

પ્રિય પ્રભુ,

અસ્તિત્વની પેલે પારથી
આવતી તારી સુગંધ
મને માણસ તરીકે જીવતો રાખે છે ...

પ્રત્યેક પળ નવું વર્ષ બની જાય
એવી તારી ઈચ્છાને અમે સંઘર્ષનુ નામ આપ્યુ છે...
તુ મળીશ એ ક્ષણ મારું નવુ વર્ષ...

દોસ્તીમાં એકમેકને મળવાની આતુરતા હોય છે ...
તું મળે છે, પણ વાત કરવાનો મોકો નથી આપતો
મળવાની તાલાવેલી તારી આંખો માં વંચાવી જોઈએ

સુખ અને દુખની પેલે પારનું જીવવા માટે
સંબંધોને વધુ ઉપસાવવા મદદ કરજે ...

જીવતરમાં એવા રંગો પૂરજે,
જે વાયરાના કહ્યામાં ન હોય ...
દીવો ઓલવાઈ ગયા પછી
આસપાસમા  અજવાળુ જીવતુ હોય છે
એમ તારી ગેરહાજરીમાં
મારું ' માણસપણુ'  જીવતુ રહે એનું ધ્યાન રાખજે ...

ઘરના ઉંબર સુધી
પહોંચેલુ નવુ વર્ષ
બારેમાસ નવુ જ લાગે એવું કરજે ...
પ્રત્યેક દિવસ
તારા  સાન્નિધ્ય્માં  ઊજવાતો
તારીખનો તહેવાર લાગે છે.



લિ.
તારા એક્તારાનો રણકાર ...


- અંકિત ત્રિવેદી

Saturday, April 21, 2012

પ્રિય પ્રભુ,...

પ્રિય પ્રભુ,

તારી ઉપરની શ્રધ્ધા ડગમગી જાય છે ક્યારેક,
ભરોસો નાસ્તિક્તાની મજાક ઉડાવે છે.

તારી રોજ પૂજા કરવાવાળા માણસો
તારી ઉપરથી વિશ્વાસ ગુમાવી દે એ તને પોસાય છે ? 
એમને દુખી જોઈને તુ પોરસાય છે ?

મારાથી પણ વધારે અહમ તારો હોય છે
ક્યારેક તારુ વર્તન અસહ્ય હોય છે.

આવી પરિસ્થિતિમાં તુ યાદ તો આવે જ છે
પણ, તારી સાથે વાત કરવાનુ મન નથી થતુ.

સ્પીડબ્રેકરની વચમાં ક્યાંક ક્યાંક રસ્તો હોય 
એટલી અડચણો અથડાતી રહે છે ...
શ્વાસ રુંધાઈ જાય એટલી હદ સુધીની ગૂંગળામણ હોય છે..

આને જ તારુ વ્હાલ કહેવાતુ હોય તો
મારાથી તુ સહન નથી થઈ શકતો ....

લિ,... 
પ્રેમથી ઝગડતો....
 
- અંકિત ત્રિવેદી

Tuesday, March 6, 2012

પ્રિય પ્રભુ ... (પ્રભુને પત્ર)

પ્રિય પ્રભુ,

તારા વિષે એટલું બધુ લખાયું છે કે
હું તને આલેખવા માગું છુ ત્યારે
બધુ જ અશબ્દ બની જાય છે ...

દુનિયા તારી મર્યાદા
તારી શ્રધ્ધાના બળે હેમખેમ પાર ઊતરે છે

ઉતાવળનો જમાનો છે.
રસ્તાને ઉતાવળ છે, લોકો એના પર ચાલે એની...
ટ્રાફિકમાં ચગદાઈ જવાની,
ઘડિયાળને ઉતાવળ છે, ઉંમર પસાર કરવાની ...
પારદર્શક કાચમાં પડેલા ડાઘા જેવી જિંદગીને
ચોખ્ખી્ચણક કરવાની ઉતાવળ કોઈને નથી ...

ક્યારેક બધુ જ સમજાય છે
અને ક્યારેક ચૂપ થઈ જવાય છે
રેતશીશીમાં સરકતી રેતને
વાયરાના સ્પર્શની ઉતાવળ છે ...
આ વાયરાને તારું નામ આપુ તો ?

જિંદગી છે એટલે તોફાનો રહેવાનાં
અને તોફાનો છે એટલે સાહસ પણ..
અને સાહસ છે એટલે તારા પરની શ્રધ્ધા પણ ...

ક્યારેક તો નવરાશ પણ ઉતાવળથી પસાર થાય છે.
તારું સ્મરણ મારી નવરાશને ઉગેલી
હળવાશની કૂંપળ છે ...

ખરી પડું એ પહેલા પતંગિયુ થઈને આવો
તો મારુ 'હોવું' સુગંધ થઈ જાય ...

લિ.
વસંતને વધાવવા આતુર ...



-- અંકિત ત્રિવેદી

Tuesday, February 28, 2012

તારા નામનું ...


તારા નામનું મંદિર ગણ કે તારા નામની દેરી,
રોજ કરું છું તારી પૂજા, બે પાંપણને ઘેરી..


પથ્થરને મૂર્તિ માન્યાની ભૂલ કરું શું કામ?
જીવતા જીવત ઈશ્વર જેવો મનગમતો મુકામ
શ્વાસની આવન-જાવન વચ્ચે તને જ રાખું પહેરી..
રોજ કરું છું તારી પૂજા, બે પાંપણને ઘેરી..


ખિલવું, ખૂલવું ને ઝૂરવાનું ધજા સમું ફરફરવું
અત્તર પહેરી સુગંધને પણ ગમશે હરવું, ફરવું
તું પ્રગટેને ઝળહળ આખી રોમરોમની શેરી..
રોજ કરું છું તારી પૂજા, બે પાંપણને ઘેરી..


-અંકિત ત્રિવેદી

Sunday, February 19, 2012

રાત આખી આસપાસ ...

રાત આખી આસપાસ સૂતાં આ ઉજાગરાને
વહેલી સવારે સંજવારી,
આંસુથી મેલા આ આંખોનાં આંગણાને,
વાળીને હમણાં પરવારી હો..

સૂરજનાં તાંતણામાં ડૂબેલી ઘટનાઓ,
ફાનસનાં અજવાળા ચૂએ;
પડછાયા ઓગળીને અંધારું થાય,
અને શમણાની ઓસરીમાં રૂએ.
બારીને ઝાપટીને ચોક્ખી કરૂં ત્યાંતો,
સેપટ ઉડે છે અણધારી હો..
રાત આખી આસપાસ સૂતાં આ ઉજાગરાને
વહેલી સવારે સંજવારી...

ચુલા પર સાચવીને કરવા મૂક્યો છે,
મેં પાછલી ઉમરનો વઘાર;
આંખોની નીચેનાં કુંડાળા શોભે છે,
વેદાનાનો લીલો શણગાર.
સૂની અગાસીનાં ટેકાએ ઉભેલી,
પૂનમ થઈ છે અલગારી હો..
રાત આખી આસપાસ સૂતાં આ ઉજાગરાને
વહેલી સવારે સંજવારી ....

-અંકિત ત્રિવેદી

Monday, January 16, 2012

એક છોકરો...

દરરોજ ભારે ભોજન લઈએ તો ક્યારેક પેટમાં અકળામણ થવા લાગે. એવે સમયે  હળવો ખોરાક સારો લાગે. એમ ક્યારેક હળવી વાતો પણ વાંચવી જરુરી છે. તો આજે એક હઝલ...

એક છોકરો સૂતો સૂતો તારા માટે wait કરે છે
એવી કેવી મોંઘેરી તું સપનામાં પણ late કરે છે

આગળ પાછળ તારી એ આખો દી ફરતો રાઊન્ડ રે ...
એના આખા જીવનનું તું લાગે છે કમ્પાઉન્ડ રે ...

ધીમે ધીમે પડશે સમજણ કેવી છે આ થીમ
ધોધમાર તો પછી વરસવું પહેલા તો વરસ રીમઝીમ ...

facebook ને orkut, આખો દિવસ internet કરે છે
નાહકનો એને તું who is that કરે છે...

એક છોકરો સૂતો સૂતો તારા માટે wait કરે છે
એવી કેવી મોંઘેરી તું સપનામાં પણ late કરે છે !!!

- અંકિત ત્રિવેદી

Saturday, December 31, 2011

Good bye 2011 and Welcome 2012 ...

કાઉન્ટ ડાઉન શરુ થઈ ચૂક્યુ છે ૨૦૧૧ ના વર્ષને વિદાય થવામાં હવે થોડા કલાકોની વાર છે. થોડી સારી અને થોડી માઠી એવી યાદો,  થોડા ઝગડા, થોડો પ્રેમ , થોડી મસ્તી અને થોડી ભક્તિ ............ એ બધાને ત્યાં જ મૂકીને નવા આનંદ અને નવી યાદો, નવા ઝગડા અને થોડો વધુ પ્રેમ ..... બધા સાથે ૨૦૧૨ને લાગણી ભીનો આવકાર ...... અને એ સાથે અંકિત ત્રિવેદીનો આ પ્રભુને પત્ર. વર્ષના છેલ્લા દિવસે મારે પણ પ્રભુ ને આ જ કહેવાનુ છે. ......

પ્રિય પ્રભુ,
અમારા ચહેરા પર ઉલ્લાસ જોવા ઈચ્છતો હોય તો આટલું કરજે જ...
કોઈપણ પ્રકારની હિંસા કરવા માગતા મનુષ્યના હ્ર્દયમાં
વૃક્ષારોપણ કરવાનુ સપનુ ઉછેરજે ...

ઘરડાં મા-બાપને દિકરો વૃધ્ધાશ્રમમા મૂકી આવે
એ પહેલાં તારી પાસે બોલાવી લે જે ...
એમની આંખોમાં
ઝાંખાપાંખા થઈ ગયેલા વર્ષોની આબરુ જાળવી લેજે ...

પ્રેમલગ્ન કર્યા પછી પણ છૂટા પડવા માગતા બે હૈયાને
પ્રેમની અદબ જાળવીને  છુટા પાડવામાં મદદ કરજે ...

વરે ઘડીએ તારી પાસે આવીને
હાથ લાંબો કરનારા માણસોને જીવનમાં
સ્વાવલંબી બનવા માટે આત્મ્વિશ્વાસ આપજે ...
મુશ્કેલીના સમયે ધરીલી ધીરજને શ્રધ્ધાનુ ફળ આપજે ...
ગમતી વ્યક્તિની જોવાતી રાહમાં શબરીની  પ્રતિક્ષા
જેટલી તીવ્રતા ન હોય એ કબૂલ,
પણ એ રાહમાં પ્રમાણિકતાની સુગંધ ઉમેરજે ...

એકબીજાને છેતરી વેતરી વિસ્તરેલા શહેરને
પોતાના 'હોવા ' વિષે શંકા થતી હોય છે ક્યારેક!
ત્યારે તું સંપની ભાષા શીખવાડવા મા મદદ કરજે ...

અમારી ભુલોને અમે નિતિ-નિયમોમાં ઢાંકી દીધી છે,
અમને બિન્દાસ્ત જિવાડવામાં મદદ કરજે ...
આટલુ કહ્યા પછી પણ
અમારે શુ કરવુ એની ખબર પણ ક્યા પડે છે?
આપેક્ષા અને મહત્વકાંક્ષા વચ્ચેના ભેદને તું
રુબરુ મળે ત્યારે સમજાશે ...


લિ.
તારા અંશનો વંશજ ...

Sunday, December 4, 2011

પ્રિય પ્રભુ ... (પ્રભુને પત્ર)

દોસ્ત જ્યારે ખૂબ વ્હાલો હોય ત્યારે એ આપણા જીવનમાં ઈશ્વરની લગોલગનુ સ્થાન ભોગવતો હોય છે. પણ જો ઈશ્વરને આપણે જીવનમાં દોસ્તની લગોલગ નુ સ્થાન આપી દઈએ તો .... તો કદાચ ઈશ્વર પ્રત્યેની શ્રધ્ધા બમણી થઈ જાય, ઈશ્વર સાથે વાત કરવી સરળ થઈ જાય અને તેને અર્પણ થતી પ્રાર્થનામા પવિત્રતાનુ પ્રમાણ વધી જાય ..... કવિ, લેખક , સંપાદક અને એક સારા વક્તા એવા શ્રી અંકિત ત્રિવેદીએ કંઈક આવુ જ કર્યુ છે ....

પ્રિય પ્રભુ,

વ્યક્તિ ખૂબ જ ગમવા માંડે ,
વધારે પડતી અંગત થવા માંડે પછી -
'તમે' નું સંબોધન ઓગળીને
'તુ' માં પરિણમતુ હોય છે.

તને પ્રાર્થનામાં શોધ્યો ...,
માળાના મણકામાં શોધ આદરી તારી ...,
બહારનાં દ્રશ્યો સાથે કિટ્ટા કરી
પરંતુ કોઈ મોટો માણસ એપોઈન્ટ્મેન્ટ આપીને
આત્મિયતા વગર મળતો હોય એવુ લાગ્યું ...

પછી તને દોસ્ત તરીકે સ્વીકાર્યો
ફોન જોડ્યા વગર વાત કરી તારી સાથે ...
તને શ્વાસમાં ભરીને ખુલ્લા રસ્તા પર ચાલવા નિકળી પડ્યો ...
હવે બધામાં મને તારો અવાજ સંભળાય છે
પવનની દરેક અદામાં તારો મિજાજ પરખાય છે.
કુદરતની બધી જ કળાઓ
તારી મૌનવાણીનો મુખર પ્રદેશ લાગે છે ...

દ્રશ્ટી તારી  સૃષ્ટિને જુદા એંગલથી જોવા લાગી છે .
તારી પ્રગટેલી પૃથ્વી પર દુખ છે જ નહી
દુખ એ તો એક માણસે
બીજા માણસને આપેલી ભેટ છે.
તું તો અમને જીવન આપવામાં માને છે
અને જીવન એ તો આનંદથી વિતાવવાનું વેકેશન છે ...

મારી પાસે મીરાબાઈનુ ગીત નથી
એકતારાનુ સંગીત નથી
મારુ બધુ જ ભુલીને
તારી પાસે આવી શકુ એ શક્ય પણ નથી

કારણ કે તે જ મને વ્યસ્ત રાખ્યો છે
મારી પાસે સવારે ઊઠવાનો અવકાશ છે પણ,
નરસિંહ મહેતાનું પ્રભાતિયુ નથી.
કરતાલનો કલરવ નથી
જીવનની નજીક જતાં ઉત્પન્ન થયેલો કકળાટ છે.
મારા માથા પર કશુ જ નથી
છ્તાંય મોરપિચ્છની હળવાશ નથી.

મારી પાસે તને આપવા જેટલુ સ્મિત છે ...
બચાવીને રાખેલો ઉમળકો છે ...
તું મળીશ ત્યારે તને પોંખવા માટે
સંઘરી રાખેલુ વ્હાલ છે ...
કો'ક ખૂણે ફંફોસીશ તો પ્રતિક્ષા પણ મળી આવશે ...
હું 'આજનો' માણસ છુ. તારુ સાહસ છુ.
બોલ, મારી સાથે દોસ્તી ફાવશે ને?

લિ,
તારામાં ઓગળવા મથતો ...

Thursday, November 17, 2011

તારો કાગળ રોજ મળે છે ...(પ્રભુને પત્ર)

પ્રિય પ્રભુ,

તારો કાગળ રોજ મળે છે ...

તડકો જાણે થઈ ટ્પાલી તારો કાગળ લાવે,
કુદરત જાણે તારા અક્ષર ખૂબ વ્હાલથી વાવે ...
રોમરોમને કળ વળે છે
તારો કાગળ રોજ મળે છે ...

પરબિડિયુ ઉઘડેને એમ જ ઊઘડે ફૂલ સુગંધ,

સંબોધનમાં ઝાક્ળ વાંચી ઝાંખો થાય સંબંધ ...
પ્રેમ આ તારો પળેપળે છે
તારો કાગળ રોજ મળે છે...

તુ ઉકલે ને જન્માક્ષ્રરોને ટાઢક વળતી લાગે,

મારુ જીવતર તારા માટે શ્વાસે શ્વાસે જાગે ...
સપના જેવી સાંજ ઢળે છે
તારો કાગળ રોજ મળે છે ...

મૂંગો બાળક સાદ કરે ને એવો મારો સાદ,

તું પણ બોલે શબ્દ વગરનુ તો પણ તું વરસાદ
ચોમાસામાં આંખ ગળે છે
તારો કાગળ રોજ મળે છે ...

લિખિતંગ હું વાંચુ ત્યાં તો તું ઊભો  છે સામે

આવી રીતે મળતો હો તો કાયમ માટે જામે ...
તું મારામાં ઓગળે છે\
તારો કાગળ રોજ મળે છે ...

- અંકિત ત્રિવેદી

Friday, April 29, 2011

શબ્દોનાં વન ...

શબ્દોનાં વન, તારા નામનો પવન
પછી જીવવાનું કેવું મજાનું,
આ ગીતો તો ક્યારનાં શોધે છે
સજન તમને મળવાનું બહાનું.
 
દર્પણ પૂછે છે રોજ, આંસુ લૂછે છે રોજ,
ચહેરો ખૂટે છે એક ગમતો,
ઘરની ભીંતોને આજ ઘેલું લાગ્યું છે
એક પડછાયો મુકવો છે રમતો, 
કાનમાં કહું પેલા વાયરાને
આજમાં સંભળાતું નામ તારું છાનું.
 
પીંછું પણ સામેથી મોરને શોધે છે
એવા દિવસોનું કરવું પણ શું?
ગીતોને પંક્તિની પાંખો ફૂટે ને
આ ઉઘડે છે આસ-પાસ તું. 
તું પણ શોધે છે મને મળવાનું બહાનું
એ વાત હવે કેમ કરી માનું? ...
 
આ ગીતો તો ક્યારનાં શોધે છે
સજન તમને મળવાનું બહાનું....

- અંકિત ત્રિવેદી

Sunday, February 27, 2011

રાધાનો રિંગટોન...

મહાભારતમા એક સરસ પ્રસંગ આવે છે. કૃષ્ણ રાધાને વૃંદાવનમાં એકલી મૂકીને મથુરા જતા રહે છે પણ કૃષ્ણને ખ્યાલ છે કે રાધા તેમની યાદમાં રડીરડીને અડધી થઈ રહી છે અને આ તરફ કૃષ્ણ પણ રાધાની યાદમાં અડધા થઈ રહ્યા છે  એટ્લે કૃષ્ણ રાધાના સમાચાર મેળવવા ઓધવજી ને વૃંદાવન મોકલે છે ને રાધા ઓધવજી પાસે એક સંદેશો પોતાના વ્હાલા કૃષ્ણને મોકલે છે. જેના પર એક સરસ ગીત પણ છે ...

હે ઓધવજી મારા વ્હાલાને વઢીને કહેજો રે,

માને તો મનાવી લેજો રે.. મારા વ્હાલાને વઢીને કહેજો રે..
મથુરાના રાજા થ્યા છો, ગોવાળોને ભુલીગ્યા છો રે,
માનીતીને ભુલીગ્યા છો રે ... હે ઓધવજી મારા વ્હાલાને વઢીને કહેજો રે..

પણ આજના યુગમાં જો રાધા અને કૃષ્ણ સામે આ જ પરિસ્થિતિ આવે તો રાધા કૃષ્ણને કેવો સંદેશો મોકલાવે ને એની સામે કૃષ્ણ શુ કહે એનુ સરસ વર્ણન આ મોર્ડન કાવ્યમા એના મોર્ડન રચયિતાએ કર્યુ છે ...

કાનજીનાં મોબાઈલમાં રાધાનો રિંગટોન, રિંગટોન રાધાનો વાગે,
જનમો જનમની ઘેલી રાધાની પ્રીત, કાનજીનાં રૂવાંડે જાગે..

રાધાનો રિંગટોન વાગે..

મોબાઈલનાં નેટવર્કમાં કેમેય ના પકડાતી રાધાના રાસની તાલી,
મોબાઈલ પકડીને થાકેલા હાથને, રાધાનો હાથ લેવો ઝાલી,
આયખાની સાંજ ઉપર ઉભેલા કાનજી સપનાનો ટૉક ટાઇમ માંગે..
રાધાનો રિંગટોન વાગે..

એસ.એમ.એસ મોકલેલો વાયા ઓધાજી, એનાં રિપ્લાયમાં રાધાનાં આસું,
રાધાનાં આંસુનો એસ.એમ.એસ વાંચીને કાનજીની આંખે ચોમાસું,
મોબાઈલની બેટરીને ખાલીપો વળગે ત્યાં વાંસળી વાગે છે એક રાગે..
રાધાનો રિંગટોન વાગે...


- અંકિત ત્રિવેદી

Friday, February 18, 2011

મને યાદ છે.. તને યાદ છે?..

અંકિત ત્રિવેદી એક Young Multi-Talented Personality. એમને સાંભળવા એક લ્હાવો છે.
જેટલા સારા વક્તા છે એટલા સારા કવિ પણ અને એટલા સારા સંપાદક પણ. આનાથી વધારે પણ કહી શકાય પણ મને આટલો જ અનુભવ છે... sharing here some of his creations.

મેઘલી શ્યામલ એક રાતે, આપણી પ્રથમ મુલાકાતે,
એક રસ્તાની બંને તરફ ભીંજતા એકબીજાને આપણે જડ્યા,
મને યાદ છે.. તને યાદ છે?

પછી પગલાંએ પંથ જરા ટૂંકો કર્યો,
પછી મોસમને ચાહવાનો ગુનો કર્યો.
પછી હૈયાની હોવાનાં અણસારે તું,
પછી શ્વાસોનાં અજવાળે ઓગળતો હું,
અવસરને અજવાળી જાતે, એકબીજાની લાગણીઓ ખાતે,
ભાન ભૂલીને ઓગળતા એકમેકમાં, એકબીજામાં ભૂલા પડ્યા.
મને યાદ છે.. તને યાદ છે?

પછી સપનાની કુંપળને સમજણ ફૂટી,
પછી જીવવાની જંખનાઓ સાથે લૂટી,
પછી સુખ દુખનાં સરવાળા સાથે જીત્યા,
પછી તારીખનાં પાનામાં વર્ષો વિત્યા,
જીવનની જૂદી શરૂઆતે, મસ્તીનાં મતવાલા નાતે,
સાવ અંગત બની ઝૂમતા-ચૂમતાં, સાવ અંગત બની ઝળહળ્યા.
મને યાદ છે.. તને યાદ છે?

હવે વાતાવરણ છોને વરસાદી છે,
હવે આંખો પણ એવી ક્યાં ઉન્માદી છે?
હવે ડૂમાનો તરજુમો, ડુસ્કાનું ઘર,
હવે તારા વગર મારું સૂનું નગર,
નાહક નજીવી કોઈ વાતે, અજાણ્યા કોઈ આઘાતે,
અધવચાળે મૂકી સાથ-સંગાથને એકબીજાથી છૂટા પડ્યા.
મને યાદ છે.. તને યાદ છે?

- અંકિત ત્રિવેદી