Showing posts with label ગુંજન ગાંધી. Show all posts
Showing posts with label ગુંજન ગાંધી. Show all posts

Monday, September 17, 2012

મહેકને અડકી ગયા....

'માપ દરિયાનું ગજું' એવું કહી મલકી ગયા,
ફૂટપટ્ટી રેતને ધરતા તમે અટકી ગયા.

આંકડા ઓછા પડે તો આંગળાઓ ચાલશે,
ચાંદ સૂરજને ગણો, તારા ભલે છટકી ગયા.

હાથ જો છોડી શકો ને,તો જ આગળ જઈ શકો,
આ સમયનો સાથ આપી કેટલા ભટકી ગયા.

પાંદડા પર આભ ઉતર્યું ને જમીન કોરી રહી,
ને સરોવર જોઈને આ,શી ખબર છલકી ગયા.

ફૂલની હાલત ઘણી ગંભીર જેવી થઈ જશે,
ભૂલથી કોઈ વાર પણ જો મહેકને અડકી ગયા.....


-

Saturday, December 3, 2011

એ જ નક્કી ના થતું ...

આવવાનું કે જવાનું, એ જ નક્કી ના થતું,
ચાલવું કે થોભવાનું, એ જ નક્કી ના થતું.

જીવવાના આ બનાવો રોજ બનતા હોય છે,
શ્વાસ લઈને શું થવાનું, એ જ નક્કી ના થતું.

ધારવાની વાત નીકળીને અમે અટકી ગયા,
દર્દને ક્યાં સ્પર્શવાનું, એ જ નક્કી ના થતું.

પાંદડાએ પાનખરમાં પ્રશ્ન પંખીને કર્યો,
શું કરું હું આ હવાનું?, એ જ નક્કી ના થતું.

જે તમે આપી દીધેલું ભૂલમાં એ સ્વપ્નથી,
ઊંઘવું કે જાગવાનું, એ જ નક્કી ના થતું....

-