Showing posts with label અનિલ જોષી. Show all posts
Showing posts with label અનિલ જોષી. Show all posts

Thursday, June 21, 2012

ઘેટાં ખોવાઈ ઉનમાં...


ખોળો વાળીને સીમ ફેંદી વળી ને
હવે ફળિયે બેઠી છુ મારી ધૂનમાં,
કે મારા ઘેટાં  ખોવાઈ ઉનમાં
રણની રેતીમાં જો મોતી ખોવાય તો
રણને હું આંક લઈ ચાળું
ઊનના ઢગલામાં કાનટોપી દેખાય, પણ 
ઘેટાંને ક્યાંય નહીં ભાળું.
નેજવું કરીને આખો વગડો જોયો ને
હવે ડેલીએ બેઠી છું મારી ધૂનમાં,
કે મારાં ઘેટાં ખોવાઈ ગયાં ઊનમાં.
ઊનના દોરાની એક કેડી પકડીને
હું ઘેટાંને ગૂંથવા બેઠી
ઘેટાંને બદલે હું હાથમોજું લૈયાવી
કેટ્લીયે ગૂંચ મેં તો વેઠી .
ઊનના દડાની હૂંફ આઘી હડસેલી
હવે તડકે બેઠી છું મારી ધૂનમાં,
કે મારાં ઘેટાં ખોવાઈ ગયાં ઊનમાં.
ઊનને મેં ઘેટાંની ચામડી માની, પણ
ઘેટાંને ઊન થકી છેટું
મારું કોઈ ઠેકાણું રહ્યું નથી ક્યાંય
મારા ધાબળાનું સરનામું ઘેટું
કાળો તે કામળો ઓઢીને શેરીએ ફરવા
નીકળી છું મારી ધૂનમાં,


કે મારાં ઘેટાં ખોવાઈ ગયાં ઊનમાં. ....

- અનિલ જોષી 

Friday, June 15, 2012

તમે એમ માનો છો ?


કહેવાય છે કે ટોળાને બુધ્ધિ નથી હોતી ... એટ્લે જ મહાન લોકોના કદી ટોળા નથી હોતા. 
બાકી તો આ કવિતા ઘણુ કહી જાય છે.

તમે એમ માનો છો કે
આ પથ્થરબાજી કરવા તલપાપડ
ઊભેલા ટોળાના હાથમાં પથ્થર છે?
ના રે ના.
એ તો શાપિત  અહલ્યા છે.

તમે એમ માનો છો કે 
આ ચર્ચગેટથી વિરાર જતી
ફાસ્ટ લોકલમાં લટકનારાઓ
માણસ તરીકે ઓળખાય છે?
ના રે ના
એ તો ટ્રાન્સફરેબલ ગુડ્ઝ છે.

જો તમે એમ માની શકતા હો
કે હું માનું છું તો માનો.
પણ તમને ખબર છે?
એક દિવસ આપણે આ શહેરના
કબ્રસ્તાનમાં ઊભાં ઊભાં 
આ સવાલ પૂછીશું -
'આ શબને દાટવું છે.
બોલો સ્ક્વેર ફીટ્નો શો ભાવ છે ?' ....

- અનિલ જોષી 

અને છેલ્લે ...



ગીત નહીં, હમણાં સંભળાશે કોયલની ચિચિયારી,
એક કાગડો ફરી રહ્યો છે મોંમા લઈ સોપારી. ....



- કૃષ્ણ દવે

Thursday, June 14, 2012

- નહીં ...

આશ્ચર્ય એ જ વાતનું મનમાં રહ્યા કરે,
ખાલીપણાનું  ભાન  કોઈને  નડે  નહીં.

વનમાં, ભૂલીને ભાન,  રઝળતા  પ્રવાસને,
ઊડતાં  ઝીણાં  પતંગિયાં  નજરે ચડે  નહી.

આ શબ્દોમાંય  હોય  છે  દ્રશ્યોનાં  જંગલો,
અદ્રશ્યની  પ્રતીતિ  ગઝલમાં  જડે  નહીં.

દ્રશ્યોની  પાર  જાઉં  છું  ક્યારેક  ટહેલવા,
આંખો  મીંચાઈ  જાય  પછી  ઊઘડે  નહીં.

એના જીવનમાં હોય  નહીં  કોઈ  તાજગી,
રસ્તામાં  ચાલતાં  જે  પડે - આખડે  નહીં.

મારી  લથડતી  ચાલના  કારણમાં  એટલું,
હોવાપણાનો  ભાર  હવે  ઊપડે  નહીં.

રસ્તામાં  કોઈ  ફૂલ  શા માણસ  મળ્યા  હશે,
નહીંતર  'અનિલ'  આટલો  મોડો  પડે  નહી.


- અનિલ જોષી



Thursday, May 10, 2012

મને બીક ના બતાવો ! ...

જેની પાસે વૈભવ હોય એને સતત ચિંતા કે આ સરી જશે તો શું? પણ જેનું બધુ લુંટાઈ છે એને પછી કોઈ ભય રહેતો નથી. ભયનો એક્વાર મુકાબલો કર્યા પછી ભય ભય રહેતો નથી. હતાશાનો આકરો અનુભવ કર્યા પછી એ પરિસ્થિતિમાં જો ભાંગી ન પડીએ તો હતાશાની વેદનાને અતિક્રમી જવાય છે.
આ કાવ્યમાં સ્વસ્થતા  છે, વેદનાને અતિક્ર્મી ગયાની. અને છતાંય જો શબ્દો પર સ્ટેથોસ્કોપ મૂકો તો વેદનાનો ગુપ્ત ધબકાર સંભળાયા કરે છે ... ( સંપાદન - સુરેશ દલાલ)


મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

પંખી સહિત હવા ચાતરીને જાય
એવું આષાઢી દિવસોમાં લાગે,

આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.

માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર !

એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય
પડવાને છે કેટલી વાર ?

બરફમાં હું ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !

- અનિલ જોશી

Tuesday, April 10, 2012

ચૈત્રના તાપ ...

ચૈત્ર મહિનો ચાલે છે ... અને હવે તાપ પણ ધીમે ધીમે આકરો થવા લાગ્યો છે.
કુદરતની નાનામાં નાની હિલચાલને પણ ઓબ્ઝર્વ કરી તેને કવિતામાં કંડારી લેતા કવિઓ ચૈત્રના તાપ પર કવિતા ના લખે એવુ બની શકે ભલા!

કાગડાએ કૂંજામાં કાંકરા નાખ્યા પછી પાણી ડૂબ્યુંને તર્યા કાંકરા
એવા ચૈત્રના તાપ ઘણા આકરા,

નકરા ધૂમાડાના ઉડતા પોપટ્ને પિંજરમાં પૂરી દઈ તાકતા
કેટલાય વરસોથી લાકડાના સીતાફળ
ખડમાં રાખ્યા તે નથી પાકતાં.

ચાડિયાની આંખ સાવ ઊંઘી ગઈને
હવે કુંભકર્ણ કરતો ઉજાગરા!
એવા ચૈત્રના તાપ ઘણા આકરા.

વાચાનો ચોકડિયાળો ગણવેશ પહેરી વાયરાની જેલના કેદી
પોતાના ભાગમાં આવેલી તૈડમાંથી નેરખતા આભની સફેદી
પથ્થરની અહલ્યાને છૂટી કરવાના હવે
ટાંકણાને રહ્યા નથી મ્હાવરા
એવા ચૈત્રના તાપ ઘણા આકરા ....

- અનિલ જોષી

Friday, February 10, 2012

અધકચરા માણસનું ગીત ...

' રમેશ  અને  અનિલના કાવ્યો ગુજરાતી કાવ્ય સૃષ્ટિમાં એક 'લીલો' વળાંક રચી આપે છે.'  -  "ઘેટાં ખોવાઈ ગયા ઉનમાં .." નામના અનિલ જોષી ના સંપાદિત કરેલ કાવ્યોના પુસ્તકની પ્રસ્તાવના માં શ્રી સુરેશ દલાલ આમ લખે છે .... આજે એમાંથી જ શ્રી અનિલ જોષીનુ કાવ્ય ....

વિખરાતા ડાયરાની ધૂળથી ભરેલ
    તારા માથાની મ્હેક મને વીંધી ગઈ

અક્ષરમાં રેલાતી આંગળીઓ આજ
    મને ખરતુ ગુલાબ એક ચીંધી ગઈ.

નદીઓની રેતીમાં રમતા શહેર
    તને મિત્રોની જેમ રોજ મળશે.

અધકચરા માણસના ગીત તારી આંખમાં
    આવી આવીને રોજ બળશે

આપણે તો કોણ જાણે કેવા પંખીઓ!
    કાલ માળો બાંધીને આજ વીંખીએ.

કાયમી જુદાઈની વેળા આવે તો વળી
    પ્રેમ જેવું કંઈક હજી શીખીએ.

ચોગરદમ પથરાયા ઈશ્વરની જેમ
    તારુ દેખાતું બંધ થતું જોઈશુ

બહાવરી તે આંખ હવે રડવાનુ ભુલી ગઈ
    કેમ કરી ધોધમાર રોઈશું.............

- અનિલ જોષી