Showing posts with label મનોજ ખંડેરિયા. Show all posts
Showing posts with label મનોજ ખંડેરિયા. Show all posts

Thursday, August 30, 2012

વિશ્વાસ છોડી દે ...

ગમે તે થાય પણ ના જાતનો વિશ્વાસ છોડી દે;
જીવન માટે જરૂરી શ્વાસ છે, કાં શ્વાસ છોડી દે.

ખૂણે ને ખાંચરે ને છાને છોડ્યે ખ્યાલ ન આવે,
તું ખુલ્લેઆમ છોડી દે અને ચોપાસ છોડી દે.

ધુમાડો સરી જાશે તો સ્હેજે ખ્યાલ નહીં આવે,
જીવનને આટલું ના ભેટ -બાહુપાશ છોડી દે.

ગઝલ ઓચિંતી એની મેળે આવી જાય છે ક્યારેક,
અરુઝ્ની વાત મૂકી દે, બહર ને પ્રાસ છોડી દે.

ઘુવડ ટોળાની વચ્ચે જીવ! તારે જીવવાનું છે,
જરા અંધારું સમજી લે, બધો અજવાસ છોડી દે.

તને જળનું જ ઝંખન જીવતો રાખે છે , સમજી લે,
તને ક્યા સંતે કહી દીધું કે તારી પ્યાસ છોડી દે.

જરા ખાલી હશે તો મોકળું થઈ મન ફરી શકશે, 
જગત આખાનું સઘળું જ્ઞાન ઠાંસો ઠાંસ છોડી દે.

- મનોજ ખંડેરીયા

Tuesday, July 24, 2012

નવી એક લાગણી...

નવી એક લાગણી એવી રીતે મનમાં ફરે,
અજાણી કોઈ વ્યકિત આવ-જા ઘરમાં કરે.

રીઢા આ કોઈ ગુન્હેગાર જેવા શ્વાસ સહુ,
મળે આપણને હરજન્મે ને કાયમ છેતરે.

નથી કાં કોઈપણ પડકારતું એને જરી?
ગલીમાં ચાંદની શકમંદ હાલતમાં ફરે.

હું તો જોયા કરું જુદાઈની બારી થકી,
સજા ખાધેલ આરોપી સમા દિવસો સરે.

'મને તું મૌન દઈને શબ્દ તારો લઈ જજે'
પડી છે એક જાસા ચીઠી મારા ઉંબરે .......

- મનોજ ખંડેરીયા.

Friday, July 1, 2011

આસપાસ

કૈ શૂન્યતાના થર ચડ્યા અંબરની આસપાસ
એકલતા કેવી વ્યાપી છે ઇશ્વરની આસપાસ

કૂદી પડે છે કાંટા ઉપરથી પ્રથમ, અને -
રઝળ્યા કરે પળો પછી ટાવરની આસપાસ

નીંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી
સ્વપ્નોમાં શબ પડી રહ્યાં બિસ્તરની આસપાસ

એકમેકમાં દીવાલ ઘરોની મળી જશે
પહેરો સતત ભર્યા કરો ઉંબરની આસપાસ

હમણાં જ હું હતો ને અચાનક ગયો છું ક્યાં ?
રખડું છું શોધવા મને હું ઘરની આસપાસ....

- મનોજ ખંડેરિયા