Showing posts with label મકરંદ મુસળે. Show all posts
Showing posts with label મકરંદ મુસળે. Show all posts

Thursday, August 23, 2012

મેં લાગણી મૂકી દીધી પાછી કબાટમાં...

પોલાણ  કેટલાં ભર્યા   નક્કર  પહાડમાં
બોલી રહી હતી નદી દરિયાના  કાનમાં

ખોટોય  અર્થ   નીકળે બસ  એ જ બીકથી
મેં  લાગણી મૂકી  દીધી પાછી કબાટમાં

આ બારણું નથી જરા તું ધ્યાનથી નીરખ
ઉઘાડબંધ    થાય  છે    ચહેરો   કમાડમાં

ખિસ્સા  તપાસતાં  જ  પુષ્પગંધ નીકળી
બદનામ  થઇ ગયો પવન આખાય બાગમાં

સામે ય   આવતાં નથી લોકો    ડરી ગયા
જેવું  જડી  દીધું  અમે    દર્પણ લિબાસમાં....


- મકરંદ મુસળે

Thanks to bharatdesai.wordpress.com

Sunday, August 14, 2011

બધે તડકો ઉડાવીએ ...

જોયેલું હું ભૂલી જઉં ને  બોલેલું કંઇ જાણું નૈ
મારું કામ છે ઇશ્વર જેવું મારું કંઇ ઠેકાણું  નૈ ...

- મકરંદ મુસળે

ભારે થયેલા શ્વાસ હવામાં ઉછાળીએ
આંખોમાં ભરીએ આભ,  તણખલાંઓ ચાવીએ

ખળ ખળ વહી જતી પળો કાલે ન પણ મળે
થઈએ  ભીનાં  ફરીથી,  ફરીથી  સુકાઈએ

ઉગતા સૂરજનો રંગ છે અત્યારે હાથમાં
મુઠ્ઠી  ભરી  ભરી  બધે  તડકો  ઉડાવીએ

વાતાવરણમાં ધુમ્મસી ભીનાશ ઓસની
ટીપાંઓ એકઠા કરી દ્ર્શ્યો  તારવીએ

આંગળીઓ એકબીજાની ગણીએ ધીમે ધીમે
અંતર ક્ષિતિજ સુધી હજી પગલાંથી માપીએ ...


- હેંમંત ધોરડા